(અલગ તેલંગણાની માંગણી અવારનવાર થતી રહેતી હતી અને
એ માટે ઉગ્ર તોફાનો પણ થતાં હતાં. આખરે તેલંગણાને ભારતના ૨૯ મા રાજ્ય તરીકે મંજૂરી
આપવામાં આવી. એક પક્ષ તેલંગણાને
અલગ કરવાની પ્રબળ રજૂઆત કરે અને બીજો પક્ષ તેના અલગ થવા સામે પ્રચંડ વિરોધ નોંધાવે, વિરોધીઓ અને તરફેણ
કરનારાઓ તોફાને ચડે- આ બધું સાંભળીને આશ્ચર્ય થાય કે આખરે છે
શું આ તેલંગણા? અને તેના વિરોધમાં કે સમર્થનમાં આટલું
રાજકારણ શા માટે? તેલંગણાને ગુજરાત સાથે કશી લેવાદેવા ખરી? ગુજરાતી પ્રવાસીઓ ત્યાં જાય ખરા? આવા સવાલો પણ
મનમાં જાગે.
૨૦૦૬માં એક કામ માટે તેલંગણા
વિસ્તારમાં જવાનું બન્યું, એટલું જ નહીં, ત્યાંના સાવ છેવાડાના કહી શકાય એવા કેટલાય ગામડાંઓમાં જઈને અનેક લોકોને મળવાનું, તેમની સાથે વાતો
કરવાનું બન્યું. કામ મારું એકલાનું હતું, પણ સાથે મારો આખો
પરિવાર હતો. દરરોજ સવારે જીપમાં નીકળી જવાનું, સાથે એક કે બે
સ્થાનિક વ્યક્તિ હોય એની સાથે વારાફરતી ગામોમાં જવાનું,
ત્યાં અનેક લોકો સાથે વાતચીત કરવાની, જેમાં કામની વાતચીત
ઉપરાંત અંગત જીજ્ઞાસા સંતોષવા માટેની પણ હોય, આકરા તાપમાં
આખો દિવસ કાચાપાકા રસ્તે દિવસ દરમ્યાન ચારથી પાંચ ગામડાં ફરી વળવાનાં અને સાંજ સુધીમાં
એટલે કે અંધારું થતાં પહેલાં પાછું ઉતારે આવી જવાનું. સતત ચાર દિવસ સુધી સવારથી સાંજ આવી રખડપટ્ટી ચાલી.
પહેલા બે દિવસ ઉતારો
નિઝામાબાદમાં હતો, અને બીજા બે દિવસ કામારેડ્ડીમાં રહેવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી. એ સમયે
ડીજીટલ કેમેરા હતો નહીં, એટલે રોલવાળો કેમેરા હતો.
ફોટા લેવાની સંખ્યાની મર્યાદા નડે એ સ્વાભાવિક છે.
જે મુખ્ય કામ માટે જવાનું
ગોઠવાયું હતું એ કામ પછી તો અભેરાઈ પર મૂકાઈ ગયું. પણ તેલંગણામાં ગાળેલા એ ચાર દિવસ
હજીય સ્મૃતિમાં અંકાયેલા રહ્યા છે. એ ચાર દિવસનો અહેવાલ એટલે આ પોસ્ટ.
એટલી સ્પષ્ટતા જરૂરી છે કે આ
લખાણ દીપક સોલીયાના સંપાદન હેઠળના માસિક ‘અહા!જિંદગી’માં પ્રકાશિત થયું હતું. અહીં એ ઉપરાંત ઘણી વધારાની વિગતો ઉમેરી છે, સંદર્ભો બદલ્યા છે અને વધુ તસવીરો મૂકી છે.)
‘ગેંગ કા આદમી હૈ.’
આખરે તેલંગણા/Telangana ને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો ખરો.
ભારતનું તે ૨૯મું રાજ્ય બન્યું. તેલંગણાની છાપ એવી છે કે તેનું નામ કાને પડતાં જ
સૌથી પહેલાં નક્સલવાદીઓ યાદ આવે. ભલે ને નક્સલવાદીઓનું ઉદ્ગમસ્થાન પશ્ચિમ
બંગાળ/West Bengal નું નક્સલબારી/Naxalbari ગામ હોય! આરંભે અનેક નક્સલવાદી જૂથો અહીં સક્રિય હતા, જેમાં
અગ્રણી ગણાતું જૂથ હતું ‘પીપલ્સ વૉર ગૃપ’/Peoples' War Group. આ જૂથોનો મુખ્ય ઉદ્દેશ હતો સમાન
અર્થવ્યવસ્થા સ્થાપવાનો,અને તેમની મુખ્ય શત્રુ હતી સરકાર. તેમની મુખ્ય પ્રવૃત્તિ
ભાંગફોડની જ રહેતી. રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન, કચેરી જેવી સરકારી ઇમારતો તેમનું નિશાન રહેતી.
કેમ જાણે રેલ્વે સ્ટેશનની ઇમારત ઉડાડી દેવાથી સમાન અર્થવ્યવસ્થા સ્થપાઇ જવાની ન હોય!
અહીં મુખ્યત્વે રેડ્ડી જમીનદારોનું વર્ચસ્વ હતું, જેમની સામે અસંતોષ ઘણો હતો.
આચાર્ય વિનોબા ભાવે/Vinoba Bhave એ આ કારણે જ પોતાની ભૂદાન ચળવળનો આરંભ તેલંગણા વિસ્તારમાંથી
કરેલો અને સૌ જમીનદારો સ્વૈચ્છિક રીતે પોતાની જમીન ભૂમિહીનોને અર્પણ કરી દે એવો
ખ્યાલ સેવેલો.
ભૂદાનનો આરંભ કરનાર રામચંદ્ર રેડ્ડી |
૧૯૫૧માં હૈદરાબાદ/Hyderabad નજીકના શિવરામપલ્લી/Shivrampally માં યોજાનારા
સર્વોદય સંમેલનમાં વિનોબાને હાજરી આપવાનું નક્કી થયું એ સાથે જ તેમણે નક્કી કર્યું
કે પોતે પોતાના પવનાર આશ્રમથી શિવરામપલ્લી સુધી પગપાળા જશે. તેલંગણા વિસ્તાર તેમણે
પસાર કરવાનો થાય, જેમાં ‘સામ્યવાદીઓ’ તરીકે પોતાની જાતને ઓળખાવતા તત્ત્વોનો ભારે આતંક
હતો. અનેક ગામો રસ્તામાં આવતાં હતાં. અહીં અનેક લોકો તેમની સાથે જોડાતા, રામધૂન ચાલતી, લોકમિલન યોજાતું, જેમાં દાદફરિયાદ સાંભળવામાં આવતી- બિલકુલ
ગાંધીજીની પદ્ધતિએ. વર્ગભેદનાબૂદી અને સ્વાવલંબન પર વિશેષ ભાર મૂકાતો.
આવા એક મિલન દરમ્યાન નાલગોન્ડા/Nalgonda જિલ્લાના
પોચમપલ્લી/Pochampally ગામે બે હરીજનોએ જણાવ્યું કે તેમની પાસે એક તસુ જમીન નથી. આજીવિકા માટે
તેમણે જમીનની માંગણી કરી. એ જ વખતે ગામના આગેવાન રામચંદ્ર રેડ્ડીએ તેમને પોતાની
જમીનમાંથી અમુક હિસ્સો આપવાની તૈયારી બતાવી.
તેલંગણામાં વિનોબાની પદયાત્રા |
આ માંગણી અને તેની તરત થયેલી પરિપૂર્તિને કારણે
વિનોબાના મનમાં ‘ભૂદાનયજ્ઞ’નો વિચાર જન્મ્યો. ગામના લોકોને વિનોબા સમજાવતા
અને કહેતા, “જમીન મેળવવાના
ત્રણ રસ્તા છે. એક તો ‘સામ્યવાદીઓ’ કરે છે એ રીતે ધનિકોની
હત્યા કરીને જમીન પડાવી લેવી. બીજી છે કાયદા અને બંધારણની રીત, જેમાં સરકાર કાયદો બનાવે ત્યાં સુધી રાહ જોવાની થાય અને પછી ફરજિયાતપણે જમીન
આપી દેવાની થાય. ત્રીજો રસ્તો છે તેને ‘દાન’રૂપે આપવાનો.” ત્રીજી પદ્ધતિમાં આપનારના પક્ષે મદદરૂપ થવાની ભાવના
હતી, અને લેનારના પક્ષે લાચારી નહોતી.
વિનોબાના આ વિચારથી તેલંગણાના જમીનદારો
ઘણા પ્રભાવિત થયા અને નાનામોટા ૫૦૦ જમીનદારોએ ૧૪,૦૦ એકર જમીન દાનમાં આપી. આજે માત્ર સાઠ વરસ
પછી આ વાત માનવામાં ન આવે એવી લાગે છે. ઘણાને હાસ્યાસ્પદ લાગે તોય નવાઈ નહીં.
આરંભિક સફળતા પછી લાંબા ગાળાના
પરિણામરૂપે જમીનદારોના
વર્ચસ્વમાં અને ખેડૂતોની હાલતમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થયો નહીં અને નક્સલવાદીઓની
સમાંતર શાસનવ્યવસ્થા અહીં જારી રહી. ક્યારેક ભાંગફોડનો કોઇ મોટો બનાવ બને ત્યારે જ
દેશના અન્ય ભાગોમાં તેના સમાચાર ચમકતા, બાકી તો રુટિન ભાંગફોડ થયા કરતી.
તેલંગણાના એક ગામનું દૃશ્ય |
નિઝામાબાદ/Nizamabad જિલ્લામાં આવેલા ધરપલ્લી નામના સાવ
નાનકડા ગામમાં આવેલા પોલીસ સ્ટેશનને જોઈને કોઇ લશ્કરી છાવણી હોવાનો ભાસ થાય.
દરવાજાની બાજુમાં જ રેતીની ગુણોની થપ્પીની પછવાડે ભરી બંદૂકે તૈનાત પોલીસમેન ઉભેલા
હોય એ સામાન્ય દૃશ્ય છે. નક્સલવાદીઓ વિષે ઝાઝી પૂછપરછ પણ ન કરવાની ચેતવણી-કમ-સૂચના
મળી હતી, કેમ કે જેને પૂછીએ એ વ્યક્તિ પણ નક્સલવાદીઓનો મળતીયો કે ખબરી હોવાની
પૂરેપૂરી સંભાવના. આ જાણ્યા પછી તો ‘અંગૂર’ ફિલ્મના સંજીવકુમારની જેમ દરેક ગ્રામજન
આપણને ‘ગેંગ કા આદમી’ જેવો જ જણાય. વચ્ચે થોડા સમય માટે નક્સલવાદીઓને તાલિમ આપવા
માટે એલ.ટી.ટી.ઇ.ના ગેરીલાઓ પણ આવ્યા હતા, એવી અનધિકૃત માહિતી જાણવા મળી. આવી બાબત
અધિકૃત રીતે જાણવા મળે એ સંભવ પણ નથી, પણ સ્થાનિક માણસો કહે તો તેમાં સત્યનો અંશ
હોવાની શક્યતા પૂરેપૂરી.
ગામનાં મોટાં ભાગનાં મકાનો આવાં જ દેખાય |
1953 ની 1 ઓક્ટોબરના રોજ સ્વતંત્ર ભારતમાં ભાષાના
આધારે સૌ પહેલું રાજ્ય બન્યું આંધ્ર પ્રદેશ. ત્યાર પછી ત્રણ વરસે એટલે કે 1
ઓક્ટોબર, 1956ના રોજ જૂના હૈદરાબાદ રજવાડાના નવ તેલુગુભાષી જિલ્લાઓ આંધ્ર
પ્રદેશમાં જોડાયા. આજે સત્તાવન વરસ પછી ફરી એક વાર આ જિલ્લાઓ અલગ પાડીને તેલંગણા
રાજ્યની ઘોષણા કરવામાં આવી છે. નવ જિલ્લાઓના આ વિસ્તારમાં આદીલાબાદ, નિઝામાબાદ,
કરીમનગર, વારાંગલ, મેદક, ખમ્મમ, નાલગોન્ડા, રંગારેડ્ડી તેમજ હૈદરાબાદનો સમાવેશ થાય
છે. વચ્ચેનો અમુક સમયગાળો એવો હતો કે જ્યારે અન્ય દરેક બાબતોની જેમ નક્સલવાદીઓ
માટે પણ કહી શકાય એમ હતું કે ‘તેઓ પહેલાના જેવા રહ્યા નથી.’ કેમ કે તેઓ ભાંગફોડની
હિંસક પ્રવૃત્તિઓ ઓછી કરીને ખંડણીની અહિંસક પ્રવૃત્તિઓ કરવા લાગ્યા હતા. એમ પણ
સાંભળવા મળેલું કે આ રીતે એકઠા કરેલા કરોડો રૂપિયા લઇને તેઓ મોટા શહેરોમાં ચાલ્યા
જાય છે, ગંજાવર પ્રોપર્ટી ખરીદે છે અને ત્યાં જ સ્થાયી થઇ જાય છે. પણ તેલંગણા
વિસ્તારમાં ફરીએ તો પહેલો વિચાર એ આવે કે અહીં તેઓ કોની પાસે ખંડણી માંગતા હશે? આખો
વિસ્તાર મોટે ભાગે અછતગ્રસ્ત અને ગરીબ જણાય. એવા કોઇ ઉદ્યોગગૃહો સ્થપાયેલાં દેખાતાં
નથી. એ જવાબ પણ બહુ ઝડપથી મળી ગયો.
દેશના અગ્રણી બીડી ઉત્પાદકો આ વિસ્તારમાં પોતાનાં
ઉત્પાદન એકમો ધરાવે છે, અને જરાય અતિશયોક્તિ વિના કહી શકાય કે તેલંગણા વિસ્તારના
અર્થતંત્રનો મુખ્ય આધાર હોય તો આ બીડી ઉત્પાદકો. વરસોથી આ વિસ્તારની સ્ત્રીઓ બીડીઓ
વાળવાનું કામ કરે છે. તેમના થકી બીડી કંપનીઓ અને બીડી કંપનીઓ થકી આ વિસ્તારના લોકો
ટક્યા છે, એટલું જ નહીં, સમૃદ્ધ પણ થયા છે. અલબત્ત, અન્ય કોઇની સરખામણીએ નહીં, પણ
પોતાની જ અગાઉની સ્થિતિની સરખામણીએ. સ્વાભાવિકપણે જ નક્સલવાદીઓ આ વાત જાણે છે,
પરિણામે આ વિસ્તારમાં છૂટથી હરતાફરતા બીડી કંપનીના અધિકારીઓ અને માલિકોને
નક્સલવાદીઓ તરફથી અન્ય કોઇ રંજાડ કે અપહરણનો ખોફ નથી. તેઓ વારે તહેવારે
પોલીસખાતાના, જંગલખાતાના તેમજ અન્ય સરકારી ખાતાઓના અધિકારીઓની જેમ ઉઘરાણું કરી લે
એટલે તત્પૂરતી વાત પૂરી. અપહરણ કે ખૂનામરકી તેઓ બીડી ઉત્પાદકો પર અજમાવતા નથી, કેમ
કે આ વિસ્તારમાં બારમાસી રોજગારીનો એક માત્ર સ્થાયી સ્રોત આ જ છે. કંપનીના એક
અધિકારીના જણાવ્યા મુજબ ફરક એટલો જ છે કે નક્સલવાદીઓના સ્થિતિસ્થાપક અભિગમને કારણે
તેમણે માંગેલી રકમમાં બાર્ગેનીંગ પણ કરી શકાય છે, જ્યારે સરકારી ખાતાંઓનો દર
નિર્ધારીત હોય છે.
નક્સલવાદીઓ પોતાની છબિ ખરડાય નહીં એની તકેદારી પણ
રાખે છે. એક રસપ્રદ ઘટના અમને સાંભળવા મળી. આ વિસ્તારના બીડીનાં કેન્દ્રો પર
મહિનાની આખર તારીખે પગાર ચૂકવાય છે. આ વાત સૌ જાણતા જ હોય છે. આવી એક કંપનીની
એમ્બેસેડર કારમાં પગારની રોકડ રકમ લઇને તેના બે અધિકારીઓ જઇ રહ્યા હતા. અચાનક ડ્રાઈવરે
રસ્તામાં આડશરૂપે મૂકાયેલા મોટા પથ્થરો જોયા. તત્ક્ષણ બ્રેક મારીને તેણે કાર ઉભી
કરી દીધી. ટાયરોની ચીચીયારી સાથે કાર ઉભી રહી ગઈ. એ સાથે જ જાણે કે હવામાંથી પ્રગટ
થયા હોય એમ થોડા બુકાનીધારીઓ આવી ગયા. તેમણે કારને ઘેરી લીધી. કારના ચારેય ટાયરની
હવા કાઢી નાંખી. બંદૂકની અણીએ કારમાં
બેઠેલા ત્રણેય જણને તેમણે બહાર કાઢ્યા.
એ સૌને તે રસ્તાની કોરે આવેલા ગાઢ જંગલમાં
દોરી ગયા. ચાલીને ખાસ્સું અંદર ગયા પછી એક જગાએ તે ઉભા રહી ગયા. પેલા કર્મચારીઓના હાથમાં
રહેલી પગારના રૂપિયા ભરેલી પેટી આંચકી લીધી અને તેમને ત્યાં જ ઉભા રહી જવા ગયું. પોતે
જવાની તૈયારી કરી અને જતાં જતાં ધમકી આપતા ગયા કે ખબરદાર, હાલ્યાચાલ્યા છો તો.
અમારા માણસો તમારા પર નજર રાખી રહ્યા છે. સહેજ બી હિલચાલ કરશો તો ઉડાડી દેવામાં આવશે.
ડરી ગયેલા કર્મચારીઓ ઘણો સમય સુધી એમના એમ ઉભા રહ્યા. આસપાસમાં કોઇની અવરજવર ન વરતાઇ
એટલે ત્રણેય બંધકોએ હિંમત એકઠી કરી અને બહારની તરફ ચાલવાનું શરૂ કર્યું. ધીમે ધીમે
તે મુખ્ય રસ્તા પર આવ્યા. ચાલતા ચાલતા નજીકના ગામે ગયા અને પોલીસસ્ટેશનમાં ફરિયાદ
નોંધાવી. પોલિસસ્ટેશનની પરંપરા મુજબ શંકાની સોય સૌથી પહેલાં તો ફરિયાદીઓ તરફ જ તકાઇ,
પણ પોતાના કર્મચારીઓ નિર્દોષ હોવાની બાંહેધરી ખુદ કંપની દ્વારા આપવામાં આવતાં વારો
આવ્યો નક્સલવાદીઓનો. નક્સલવાદીઓને આ વાતની ખબર પડી. પોતાની છબિ તેમને ખરડાતી લાગી.
પોતે ‘સાધનશુદ્ધિ’માં માને છે એ પુરવાર કરવા માટે નક્સલવાદીઓએ સામે ચાલીને પોલીસને
સાચા ગુનેગાર શોધવામાં સહકાર આપ્યો. છેવટે સાચા ગુનેગાર પકડાઈ ગયા. ઇજ્જત, ઉસૂલ,
ઇમેજ જેવી ચીજ રાજકારણીઓમાં રહી હોય કે ન હોય, નક્સલવાદીઓમાં એ મોજૂદ છે, એવું કમ
સે કમ આ કિસ્સા પરથી તો કહી જ શકાય.
અહીં જ તેમણે અમને આંતર્યા હતા.. |
નહીંતર બળદગાડાની
સફર હતી સડકથી સાયબર સુધી.
આ વિસ્તારની જમીન મુખ્યત્વે ખડકાળ, પથરાળ હોવાથી
ઉનાળામાં ભયાનક ગરમી પડે છે. તેની સામે શિયાળામાં ખાસ ઠંડી પડતી નથી. અહીં જોવા
મળતાં ખેતરો વિસ્તારની દૃષ્ટિએ ખૂબ જ નાનાં અને છૂટાંછવાયાં લાગે. હૈદરાબાદથી
નિઝામાબાદ સુધીના વિસ્તારમાં પાણીની તકલીફ ઘણી છે, પણ નિઝામાબાદથી આગળ આરમૂર,
નિર્મલ તરફ પાણીની છત છે. શેરડી, ચોખા અને કપાસની મુખ્ય ખેતીની સાથે સાથે છૂટીછવાઇ
ખેતી સૂરજમુખીની પણ જોવા મળી જાય.
છૂટીછવાઈ સૂરજમુખીની ખેતી |
આવા ખડકાળ વિસ્તારમાં ગરમી કેટલી પડતી હશે એની કલ્પના જ કરવી રહી! |
નિર્મલની આસપાસના વિસ્તારોમાં હળદર, મરચાં, મકાઇ, તુવેરનો પાક લેવાય છે. આ ઉપરાંત કેરી, જામફળ, સીતાફળ જેવાં ફળો પણ ખરાં. કેરીઓમાં મુખ્યત્વે બદામ કેરી ઉગાડાય છે, તો અહીંના નારસીંગી ગામના ચોખા પણ વખણાય છે. તેલંગણા વિસ્તારમાંથી નેશનલ હાઇવે નં.7 પસાર થાય છે, જે નીચે કન્યાકુમારીથી બેંગ્લોર થઇને હૈદરાબાદ, નિઝામાબાદ થઇને છેક નાગપુર, જબલપુર થઇને વારાણસી પહોંચે છે. નેશનલ હાઇવેની ઓળખ સમી ટ્રકો, લાંબા કન્ટેનરો ઉપરાંત જીપ, રીક્ષા જેવાં સ્થાનિક વાહનો જોવા મળે એ સ્વાભાવિક છે, પણ હૈદરાબાદથી નિઝામાબાદ વચ્ચેના ભાગમાં સૌથી વધુ જોવા મળતાં હોય તો એ છે બળદગાડાં.
એકવીસમી સદીમાં પણ હાઈવે પર બળદગાડાં |
શેરડીનો પુષ્કળ પાક થતો હોવાને કારણે
તૈયાર થયેલી શેરડીનું સુગર મીલ સુધી વહન બળદગાડાં મારફતે જ થાય છે. શેરડી ઉપરાંત
અન્ય ચીજોના વહન માટે પણ બળદગાડાંનો ઉપયોગ ભરપૂર થાય છે. હાઇવે સુધીના એપ્રોચ રોડ
પણ છેલ્લા આઠ-દસ વર્ષમાં પાકા બની ગયા હોવાથી બળદગાડાંની ગતિ પણ ઝડપી હોય છે. પણ
ગમે તેટલી ઝડપી તોય એ બળદગાડાની દોડ છે. તેલંગણા વિસ્તારમાંય વિકાસ નજરે પડે ખરો,
પણ દેશના અન્ય ભાગોના વિકાસની દોડની સરખામણીએ એ બળદગાડાની દોડ જેવો છે.
‘સાયબરાબાદ’ તરીકે ઓળખાતા હૈદરાબાદથી ફક્ત સો કિ.મી.સુધીમાં જે પ્રમાણમાં બળદગાડાં
જોવા મળે છે, એ જોતાં આ અંતર સો કિ.મી.નું નહીં, પણ સો વરસનું લાગે.
અરે દીવાનોં, મુઝે
પહચાનો
તેલુગુ પ્રજાનો સિનેમાપ્રેમ અતિશય જાણીતો છે.
ફિલ્મોના નિર્માણમાં પણ તેલુગુ ફિલ્મો સંખ્યાની દૃષ્ટિએ અગ્રેસર છે. (ફક્ત જાણ સારું-
૨૦૧૨ના વરસમાં નિર્મિત તમિલ તેમજ તેલુગુ ભાષાની ફિલ્મોની સંખ્યા હિન્દી ફિલ્મો કરતાં
વધારે હતી.) હિન્દી ફિલ્મોનું માહાત્મ્ય અહીં નહીંવત્ છે. તેલંગણા વિસ્તારમાં
ફરતાં ક્યાંય હિન્દી ફિલ્મોના પોસ્ટર કે બીલબોર્ડ શોધ્યા ન જડે. તેને બદલે
ઠેકઠેકાણે તેલુગુ ફિલ્મોનાં રાક્ષસી કદનાં હોર્ડીંગ નજરે પડે. સાવ નાનકડાં, ખરા
અર્થમાં ખોબા જેવા ગામડાંઓની મુલાકાત લેતાં ઓર એક વિશિષ્ટતા તેની વિચિત્રતાને લઇને
નજરે પડ્યા વિના રહે નહીં. સાવ નાનકડા ગામડામાં પણ ચાર-છ પૂતળાં ઉભા કરાયેલાં જોવા
મળે.
ન પ્રમાણ, ન માપ. |
મુઝે ખૂન દો યા ન દો, લેકીન.. |
એ જરૂરી નહીં કે પૂતળાં ચાર રસ્તે યા મુખ્ય માર્ગને અંતે કે આરંભે હોય. બલ્કે
મોટા ભાગનાં પૂતળાં તો રસ્તાને કોરે જ જોવા મળે. આ પૂતળાઓમાં શિવાજીથી લઇને
ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ડૉ. આંબેડકર, ઇન્દીરા ગાંધી સુધીની રેન્જ જોવા મળે. આ
યાદી વાંચીને કયા દેશવાસીને આનંદ ન થાય! પણ પૂતળાંને જોયા પછી હસવું કે રડવું એ ન
સમજાય. ચહેરાના સામ્ય વિનાના અને સાવ પ્રમાણમાપ વિનાનાં મોટા ભાગનાં પૂતળાંની
બનાવટ પથ્થરની નહીં, પણ સિમેન્ટની હોવાથી તેની પર તિરાડો પડી ગયેલી જોવા મળે.
સારું છે કે પરશુરામે આ પૂતળું ન જોયું, નહીંતર.. |
હે રામ! |
ગાંધીજી તમારા સગા થાય? |
ઓઇલ
પેઇન્ટથી રંગાયેલાં આ પૂતળાં પર રંગની પોપડીઓ પણ ઉખડવા માંડી હોય. તમામ પૂતળાં
એકસરખાં હાસ્યાસ્પદ લાગે એ માટે પૂરતી કાળજી લેવાઇ હોય એમ લાગે.
ખૂણે હડસેલાઈ ગયેલા એન.ટી.આર. |
ઈન્દીરા ગાંધી હોવાનો વહેમ |
પૂતળાંઓ જેવો જ બીજો શોખ આ વિસ્તારમાં કમાનો ઉભી
કરવાનો છે. મોટે ભાગે ગામના પ્રવેશમાર્ગ પર સિમેન્ટની બનાવાયેલી કમાન જોવા મળે,
જેના ઉપરના ભાગમાં ઓળખાય નહીં એવું રૂપ ધરાવતા દેવતાઓને લાલ, ભૂરા, લીલા, પીળા
રંગે રંગી દેવાયા હોય છે. એમ તો ચરોતર વિસ્તારના ગામોના પ્રવેશમાર્ગે પણ કમાનો
જોવા મળે છે, પણ તેમાં દેવીદેવતાઓનું સ્થાન ગૌણ અને કમાન માટે દાન આપનાર દાતાઓનું
સ્થાન મુખ્ય હોય છે. તેલંગણા વિસ્તારનાં ગામોની કમાનમાં પણ દાતાઓનાં નામ હોય તો કોને ખબર, ત્યાંની લિપિ જ એવી છે કે એ ડિઝાઈન જેવી જ લાગે.
કમાનથી જળવાય માન? |
મનુષ્ય છે તો ઇશ્વર છે એવો ઉદાત્ત ખ્યાલ કદાચ આ વલણ માટે કારણભૂત હોઇ શકે. તેલંગણામાં માણસ ઇશ્વરની ભક્તિના રંગે રંગાયેલો જોવા મળે અને ઇશ્વર માણસના તૈલી રંગે(ઓઇલ પેઇન્ટ વડે) રંગાયેલો જોવા મળે. આ દેવીદેવતાઓના ચહેરા પેલા પૂતળા બનાવનાર કારીગરે જ બનાવ્યા હોય એમ લાગ્યા વિના રહે નહીં. ફરતાંફરતાં એમ પણ જાણવા મળ્યું કે એક ગામના આગેવાને પોતાનું પૂતળું જીવતેજીવ બનાવડાવી રાખ્યું હતું, કેમ કે તેને કોઇ વારસદાર નથી. મૃત્યુ અગાઉ ‘જીવતક્રિયા’ થતી સાંભળી છે, પણ આ? અલગ રચાયેલા તેલંગણામાં ‘સ્ટેચ્યૂ ટુરીઝમ’ વિકસી શકે એવી ભરપૂર શક્યતાઓ છે. આ પૂતળાં કોનાં છે તે ઓળખવાની સ્પર્ધા પણ યોજી શકાય.
(હવે પછી: તેલંગણામાં ગુજરાતીઓ)
(તમામ તસવીરો: બીરેન કોઠારી)
તેલંગણાની ઝીણી નજરે લેવાયેલી મુલાકાત રસપ્રદ રહી.ફિલ્મો સિવાય ક્યારેય કોઈ સ્થળનું આ રીતે નજરે જોયેલું વર્ણન માણવા ન મળે.
ReplyDeleteગુજરાતીઓની મુલાકાત પણ એવી જ મજાની હશે.
મારા ઘણા ખરા સવાલના જવાબ મળી ગયા.તમારી કલમને સલામ––નીચેની કોમેંટે હસાવ્યો.
ReplyDeleteતમામ પૂતળાં એકસરખાં હાસ્યાસ્પદ લાગે એ માટે પૂરતી કાળજી લેવાઇ હોય એમ લાગે.
ગાંધીજી તમારા સગા થાય? વાહ બીરેન ભાઈ વાહ
ReplyDelete