(તેલંગણાના યાદગાર પ્રવાસની વાતોનો બીજો અને અંતિમ હપ્તો.)
સદાકાળ ગુજરાત
કુકનૂરપલ્લી, સિદ્દીપેટ, દુબ્બાક,
દોમાકોન્ડા,ચેગુન્ટા, ગજવેલ, મેટપલ્લી. સાંભળ્યા છે કદી આ નામ? આ અને તેલંગણા
વિસ્તારના સાવ અંદરના વિસ્તારમાં આવેલાં આવાં અનેક ગામનાં નામો આપણા માટે સાવ
અજાણ્યા હોય એ સ્વાભાવિક છે, પણ આ ગામોમાં જઇએ અને આપણને રાજેન્દ્રભાઇ પટેલ, તેજસ
પટેલ, અજિતસિંહ ઝાલા, હર્ષદભાઇ પટેલ, સુનિલભાઇ, પ્રભુદાસ જેવા ગુજરાતી ભાઇઓ મળી
જાય તો? ના, એ લોકો પેકેજ
ટૂરમાં અહીં ફરવા નથી આવ્યા, પણ વરસોથી અહીં જ રહે છે.
ગુજરાતની જાણીતી બીડી
કંપનીના તેઓ કર્મચારી છે. આ વિસ્તારમાં તેઓ એકલા યા સપરિવાર રહે છે અને બીડી
કંપનીના પેકિંગ સેન્ટરમાં વિવિધ કામગીરી સંભાળે છે. તેલુગુ બોલીને તેમણે અપનાવી
લીધી હોય એ સાહજિક છે. અમુકે તો તેલુગુ બોલતાં જ નહીં, લખતાં-વાંચતાં પણ શીખી
લીધું છે.
હૈદરાબાદથી આવતાં અંગ્રેજી અને હિન્દી છાપાં કે બીજે દિવસે મળતાં
ગુજરાતી છાપાંને બદલે રોજ સવારે વાંચવા મળતું તેલુગુ દૈનિક ‘ઇનાડુ’ તેમને વધુ ફાવી
ગયું છે. પોતાના સમાજથી હજારો કિલોમીટર દૂર રહેતા આ ગુજરાતીઓએ અહીં પોતાનો આગવો
સમાજ ઉભો કરી લીધો છે અને દિવાળી, નવરાત્રિ જેવા ઉત્સવો સાથે મળીને ઉજવે છે.
ગુજરાતી હોય એ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવ્યા વિના કેમ રહી શકે? અને પતંગ ચગાવે એ
બીજાની પતંગ કાપ્યા વિના કેમ રહી શકે? પતંગ કાપનાર અડધું ગામ સાંભળે એવી બૂમો
પાડ્યા વિના શી રીતે રહી શકે? અહીં તેલંગણામાં ઉત્તરાયણ એટલે પોંગલ.
ગુજરાતમાં
ઉત્તરાયણના દિવસે થતી આકાશી રંગોળીને બદલે આ વિસ્તારમાં જમીન પર રંગો વડે રંગોળી
કરવામાં આવે છે. પતંગનું અહીં ખાસ માહાત્મ્ય નથી, પણ અહીં વસતા પતંગપ્રેમી ગુજરાતી પરિવારોએ પોતાના
આનંદ માટેનો રસ્તો કાઢી લીધો છે. તેઓ સ્થાનિક લોકોને પોતાના પૈસે પતંગો લાવી આપે
છે અને તેમની પાસે તે ચગાવડાવે છે. એટલું જ નહીં, તેની સાથે પેચ લડાવીને પતંગ
કાપ્યાનો આનંદ પણ લે છે. સામેવાળાની પતંગ કપાય ત્યારે તેલંગણાના આ ગામોમાં ‘એ
કાટ્ટા’ના પોકાર ગુંજી ઉઠે છે.
તેલંગણાનું એક ગામ |
દોમાકોન્ડાનો કિલ્લો |
પોંગલની રંગોળી |
બીડી વાળતાં આવડે છે?
હરિભાઇ દેસાઇ બીડી, શિવાજી બીડી, યેવલા બીડી, ચાર
ભાઇ બીડી, જસવંત છાપ ટેલીફોન બીડી જેવી અનેક બ્રાન્ડના બીડી ઉત્પાદકો આ વિસ્તારમાં
કાર્યરત છે, જેઓ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે લાખો લોકોને રોજી આપે છે. આ ઉત્પાદકો છેક
અહીં આવવાનું કારણ શું? પચાસના દાયકામાં આ
વિસ્તારમાં નિઝામ રાજ્યનાં નાણાં ‘હાલી’નું ચલણ ચાલુ હતું. એક હાલીની કિંમત બાર
આના જેટલી થતી. ભારત આખામાં ભલે ત્યારે રૂપિયા કે પૈસાનું ચલણ હોય, અહીંના લોકો ‘હાલી’ના
દરે જ બીડી વાળવાનું કામ કરતા. મજૂરીના દરના આ દેખીતા ફરકને લઈને બીડી ઉત્પાદકો આ વિસ્તારમાં
પ્રવેશ્યા.
એક જમાનામાં આ કંપનીઓ વચ્ચે એટલી સ્પર્ધા હતી કે
બીડી વાળનાર સ્ત્રીઓની ભરતી કરવા માટે તેમને કંપની દ્વારા સાડીની લાલચ આપવામાં
આવતી. વખત જતાં દરેક કંપનીના પોતાના નિર્ધારીત બીડી વાળનારા થઇ ગયા છે.
સ્વમાનભેર જીવવામાં સહાયક એવો બીડી વાળનારનો સરંજામ |
મુખ્યત્વે પદ્મશાલી
જાતિની સ્ત્રીઓ બીડી વાળવાનું કામ કરતી. હવે તો આ કામ તમામ જાતિની સ્ત્રીઓ કરી રહી
છે. અહીંના ઉચ્ચ વર્ગ ગણાતા રેડ્ડી, રાવ, કાપૂ,
કમ્મા ઉપરાંત મુસ્લિમ કુટુંબોની સ્ત્રીઓ હવે બીડી વાળવાનું કામ સ્વીકારવા માંડી
છે.જો કે,પદ્મસાળી સ્ત્રીઓ
જેટલી કુશળતા તે હજી પ્રાપ્ત કરી શકી નહીં હોવાની વ્યાપક માન્યતા છે. પુરુષો મોટે
ભાગે ખેતમજૂરી યા અન્ય છૂટક મજૂરી કરે છે. પદ્મશાળીઓ વરસોથી આ કામમાં જોડાયેલા
હોવાને કારણે આ માન્યતા સત્ય હોવાની પૂરેપૂરી સંભાવના છે. પદ્મશાળી એટલે અસલમાં
હાથસાળ પર કામ કરતી અહીંની વણકર જાતિ. સાદૂલ, ગોલી,
સંદરી, અંકમ, દાસરી,
ચીલ્કા, આડેપૂ, મ્યાકા,
વુસ્સકોય્યન, પુલગમ વિ.જેવી
અટકો ધરાવતી આ જાતિના લોકો આંધ્ર પ્રદેશના તેલંગણા વિસ્તારના કરીમનગર, સીરસીલ્લા, વિમલવાડાની આસપાસના વતની હોય છે. પોતાના કામ
પ્રત્યે પૂરેપૂરી નિષ્ઠા,વફાદારી,લગન અને સખત મહેનત આ જાતિની ખાસિયત છે.
હાથસાળનો યુગ પૂરો
થયો અને યાંત્રિક સાળે તેનું સ્થાન લેવા માંડયું,જેના પરિણામે મોટાં શહેરોમાં કાપડની મીલો ધમધમવા
માંડી.પદ્મસાળી લોકોએ બદલાયેલા પ્રવાહને અનુરૂપ યાંત્રિક સાળના સંચાલનમાં જાતને
કેળવવા માંડી અને જોતજોતાંમાં યાંત્રિક સાળના ઉસ્તાદ થઇ ગયા.થોડા સમયમાં પરિસ્થિતિ
એવી થઇ ગઇ કે કાપડની મીલો હોય તે દરેક સ્થળે તેનું સંચાલન પદ્મસાળીઓના હાથમાં જ
હોય. અમદાવાદ, સુરત, ભિવંડી,
સોલાપુર જેવાં કપડાંની મિલોના કેન્દ્રોમાં તેમણે સ્થળાંતર કરવા માંડયું અને કુશળતા, સૂઝબૂઝ તેમજ નિષ્ઠાના પોતાના મૂળભૂત ગુણોને કારણે
બહુ ઝડપથી તેમણે માલિકોનો વિશ્ચાસ સંપાદન કરવા માંડયો. શ્રમજીવી હોવાને કારણે ઘરની
સ્ત્રીઓ પણ નવરી બેસી રહેવાનું પસંદ ન કરે. તેઓે ઘેર બેસીને બીડીઓ વાળવાનું કામ
કર્યા કરતી.બીડી વાળવાનું કામ આજે તો પદ્મસાળી સ્ત્રીઓની ઓળખ સમાન બની રહ્યું છે.
આ જ્ઞાતિની સ્ત્રીઓ
એક રસપ્રદ વાત જાણવા મળી. સોલાપુર જેવા કાપડની મીલોના કેન્દ્ર જેવા વિસ્તારોમાં પદ્મસાળીઓની
બહુમતી છે અને તેઓ આ ઉદ્યોગથી બે પાંદડે થયા છે.અમુક તો મિલની માલિકી ધરાવવા સુધી
પહોંચ્યા છે. આમ છતાં તેમના કુટુંબની સ્ત્રીઓએ બીડી વાળવાની પરંપરા ચાલુ રાખી
છે.ઘેર બેસીને વાળેલી બીડીઓ તેઓ નોકર દ્બારા કંપની પર પહોંચતી કરે છે. સામાન્ય
રીતે જેમ સ્ત્રીઓ માટે રસોઇ આવડવી અનિવાર્ય ગણાતી તેમ પદ્મસાળી કુટુંબની સ્ત્રીને
બીડી વાળતાં આવડવું પાયાની લાયકાત ગણાય છે. પદ્મસાળી સ્ત્રીઓ કેવળ બીડી વાળવાનું જ
કામ કરે છે એવું નથી. ઘણા સેન્ટરમાં ચેકર અને પેકરનું કામ પણ સ્ત્રીઓ જ કરે છે. ભાગ્યમ્મા, સુભદ્રા,
કે.યેલ્લવા, એન.રેખા જેવી
સ્ત્રીઓએ કદાચ ‘પુરુષ સમોવડી’
શબ્દ સાંભળ્યો હશે કે નહીં એની ખબર નથી,પરંતુ અન્ય સેન્ટરોમાં મોટે ભાગે પુરુષો દ્બારા
કરાતું કામ તેઓ બિલકુલ સહજભાવે કરે છે- ‘પુરુષ
સમોવડી’નો કોઇ ભાવ મનમાં
રાખ્યા વિના!
'પુરુષ સમોવડી' એટલે શું? અમે અમારું કામ કરીએ છીએ, બસ. |
બીડી વાળનાર
સ્ત્રીઓમાં મોટે ભાગે એવું બને છે કે તેમની માતા એક કંપની માટે કામ કરી ચૂકી હોય,પોતે પણ એ જ કંપની માટે કામ કરતી હોય અને પરણીને
સાસરે જાય તો સાસુ પણ એ જ કંપની માટે બીડીઓ વાળતી હોય.
માત્ર બીડી વાળનારી
સ્ત્રીઓ જ નહીં, મોટા ભાગના
ઠેકેદારો કંપની માટે નિષ્ઠાપૂર્વક કામ કરે છે. મુસ્તુફાનગરના દૂદેડા નરસૈયા, કાંચાપુરના શ્રીરામ રાજૈયા, દોમકોન્ડાના રવિ અને ચીન્તલ મનોહર વેન્કટી ,જનગામના લક્ષ્મીનારાયણ કે નિર્મલના એ.રામલૂ જેવા
ઠેકેદારો માટે આ કામ કેવળ ઠેકેદારીનું નહીં,પરંતુ આજીવિકા રળી આપતા પવિત્ર વ્યવસાયનું
છે.તેમની સાથેની વાતચીતમાં આ ભાવ સતત પડઘાયા કરે છે.રવિ અને ચીન્તલ મનોહર વેન્કટીએ
પોતાના પિતાજીના અવસાન પછી તેમના વ્યવસાયને સંભાળી લીધો છે. કંપની સાથેના પોતાના
કુટુંબના સંબંધ અંગે તેઓ લાગણીપૂર્વક કહે છેઃ“અમે આ કંપનીનું નમક ખાધું છે.છેક સુધી અમે કંપની
માટે કામ કરતા રહીશું.”
આરોગ્ય માટે હાનિકારક, અર્થતંત્ર માટે લાભકારક
બીડી બનાવવી એટલે શું? ‘એમાં કંઈ રોકેટ
સાયન્સ નથી.’આવું
કોઈ પણ કહી શકે અને એ સાચી વાત છે. પણ કેવળ રોકેટ સાયન્સ ન હોય એટલા માત્રથી જ એ
કંઈ તુચ્છ કે સામાન્ય બાબત બની જતી નથી. સ્વાદિષ્ટ દાળ બનાવવામાંય કયું રોકેટ
સાયન્સ સમાયેલું છે! અને છતાંય એ કંઈ બધાને ફાવી જાય એમ બનતું નથી. જિજ્ઞાસા અને
કૂતુહલ ખાતર પણ આ વિસ્તારની બીડી કંપનીની કાર્યપદ્ધતિ જોવા જેવી છે.
ગમ્પામાં મૂકાયેલી બીડીઓ |
સેન્ટર પર 'ગમ્પા'નું આગમન |
બીડીના 'કટ્ટા' ગણતા કર્મચારીઓ |
બીડી કંપની અને તેનાં આ કેન્દ્રોને સ્થાનિક લોકો શી
રીતે જુએ છે? એક નમૂનેદાર કિસ્સો
સાંભળવા મળ્યો.
એક કંપનીના સેન્ટરની
બહાર તેના બે હોદ્દેદારો ઉભા હતા. એક મેનેજર રાવસાહેબ તેલુગુ હતા, અને બીજા મેનેજર પટેલસાહેબ ગુજરાતી હતા. સેન્ટરમાં ઓડિટનું
કામ ચાલુ હતું. સેન્ટરની બાજુમાં જ એક મંદિર આવેલું છે. ભરબપોર હોવાથી રસ્તા પર
અવરજવર સાવ પાંખી હતી. રાવે મજાકમાં પટેલસાહેબને કહ્યું,“જોયું?ભગવાન
બિચારો ભરબપોરે એકલોઅટૂલો ઉભો છે. છે કોઇ એનો ભાવ પૂછનાર?” બન્ને આ મજાક પર હસ્યા. થોડી વાર પછી ગામનો એક વૃધ્ધ
ત્યાંથી પસાર થયો. તેણે મંદિરના ઉંબરાને બદલે સેન્ટરના ઉંબરે હાથ લગાડ્યો અને ભક્તિભાવપૂર્વક
પોતાના કપાળે સ્પર્શ કર્યો. આ જોઇને બંને મેનેજરને
વધુ હસવું આવ્યું. તેમને લાગ્યું કે આ કાકાની આંખોની બેટરી ડાઉન થઇ ગઇ લાગે છે એટલે
મંદિરને બદલે સેન્ટરના ઉંબરાના દર્શન કરી રહ્યા છે. પટેલસાહેબે તેલુગુ બોલીમાં કાકાને
પૂછયું, “કાકા, મંદિર તો આ બાજુ છે. તમે ત્યાં પગે લાગવાને બદલે
અહીં કેમ પગે લાગો છો ? ઠેકાણું ભૂલ્યા કે
શું ?”
પોતાને પ્રશ્ન
પૂછનાર પટેલસાહેબ પાસે તે વૃધ્ધ આવ્યા.
ફરી તેમણે બે હાથ જોડયા અને કહ્યું,“સાહેબ, હું ઠેકાણું નથી ભૂલ્યો.સાચું મંદિર તો આ જ
છે.મંદિરનો ભગવાન અમને શું આપે છે ? એ
તો ઉલટાનો અમારી પાસેથી લે છે.એને બદલે તમારું સેન્ટર આ ગામમાં છે તો ગામની
સ્ત્રીઓને રોજી મળે છે.સેન્ટરમાં તમારો સ્ટાફ રહે એને લીધે ગામમાં એકાદ—બે ચાની લારીઓ કે કરિયાણાની દુકાનો નભી જાય
છે.અમારું ગામ આની પર તો ટકી રહ્યું છે,સાહેબ.મારો
તો આ રોજનો નિયમ છે કે અહીંથી પસાર થતાં સેન્ટર પર પ્રણામ કરવાના.લ્યો,આવજો સાહેબ.”
આટલું બોલીને એ
વૃધ્ધ ચાલતા થઇ ગયા. રાવસાહેબ અને પટેલસાહેબ અવાચક!
**** **** ****
મુસ્તુફાનગરમાં
બીડી વાળવાનું કામ કરતી સુજાતા ચીલ્કા,સીદ્દીપેટની રુકમબાઇ, કરિમનીસ્સા, નિર્મલની નાગમન્ની,શારદા જેવી કેટલીયે સ્ત્રીઓ ઘરનો અડધોઅડધ ભાર
પોતાના ખભે ઉપાડી લે છે.તેમના પતિદેવોને ખેતમજૂરીનું કામ મળે કે ન મળે,આ બહેનોની આવક વરસ આખું ચાલ્યા કરે છે. કયારેક કોઇ
સામાજિક પ્રસંગે બહારગામ જવાનું થાય તો પણ બીડીઓ વાળવાનું પોતાનું કામ પતાવીને
જવાની ચીવટ તે રાખે છે.ચીલ્કા મનેવા જેવી ઘણી સ્ત્રીઓના પતિ નોકરી માટે અખાતી
દેશોમાં ગયેલા છે. પરંતુ ઘરનો ખર્ચ તે પોતે જ બીડીઓ વાળીને કાઢી લે છે.
સમય પસાર કરવા નહીં, ઘર ચલાવવા માટેનો મહત્વનો સ્રોત |
મોટા ભાગની બીડી
વાળનારી સ્ત્રીઓ તેલુગુ સિવાયની અન્ય બોલી જાણતી નથી.તેમની સાથે વાતચીત કરવા માટે
મોટે ભાગે જે તે સેન્ટરના કોઇ પટેલભાઇની મદદ લેવી પડે. તેલુગુ સિવાયની બોલી જાણતી
ન હોવા છતાં તે ‘પોથી’ ‘કટ્ટા’,
‘છાંટ’, ‘આવક’,‘શેઠ’,
‘ધાગા’, ‘ફરમા’ જેવા બિનતેલુગુ શબ્દો સરળતાથી વાપરે છે.
સાસુ અને વહુ બન્ને આ કામ કરે. |
(તમામ તસવીરો: બીરેન કોઠારી)
સુંદર ફોટો સાથે સરસ વિવરણ.
ReplyDelete