Sunday, December 4, 2011

દેવ આનંદની વિદાય:મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા



દેવ આનંદ

(૨૬/૯/૧૯૨૩ થી ૪/૧૨/૨૦૧૧) 

આજે સવારે જ દેવ આનંદના મૃત્યુના સમાચાર મળ્યા. હજી બેએક મહિના અગાઉ જ રજનીકુમાર પંડ્યાએ પોતાના બ્લોગમાં દેવ આનંદ/ Dev Anand વિષેની પોસ્ટ લખી હતી, તે તાજી હતી. એક ચાહકના ચીત્તમાં કલાકાર દેવ આનંદનો ઉદય, વિકાસ શી રીતે થયો અને તેની સંધ્યા કેવી હતી, તેની રસપ્રદ વાત અંગત સંદર્ભો સાથે રજનીભાઈએ લખી હતી. (બે ભાગની એ પોસ્ટ વાંચવા માટે ક્લીક કરો.http://zabkar9.blogspot.com/2011_09_01_archive.html અને http://zabkar9.blogspot.com/2011/10/blog-post.html )  ખરેખર તો એ વાત એકલા રજનીભાઈની નથી, બલ્કે એ યુગની પેઢીના ઘણા બધા લોકોના મનની વાત છે. એ જ પોસ્ટમાં હરનિશભાઈ જાનીએ લખેલી કમેન્ટ આ હકીકતને પુષ્ટિ આપે છે.
દિલીપ, રાજ અને દેવની સ્ટાર ત્રિપુટીમાંથી રાજ કપૂર સૌથી પહેલા ગયા, એ પછી હવે દેવ આનંદે પણ વિદાય લીધી. આમ જોઈએ તો, દેવ આનંદની પડદા પરની મોહિની તો ક્યારનીય ખતમ થઈ ગઈ હતી, છતાં સૌના મનમાં દેવ આનંદ પોતપોતાના મનપસંદ સ્વરૂપે જીવિત રહ્યા હતા. કોઈકને કાલા બાજાર કે કાલા પાનીનો દેવ આનંદ ગમે, તો કોઈકને ટેક્સી ડ્રાઈવર’, ફંટૂસ કે સી.આઈ.ડી.નો. કોઈક જાલમાં યે રાત યે ચાંદની ફિર કહાં ગાતા દેવ આનંદને ચાહે, તો કોઈક ગાઈડના ગાતા રહે મેરા દિલ ગાતા દેવ આનંદને. કોઈકને મન દેવ આનંદ એટલે એસ.ડી.બર્મન કે ઓ.પી.નૈયરની સાથે હેમંતકુમાર, કિશોરકુમાર કે મહંમદ રફીનું સૂરીલું સંયોજન, તો કોઈકને મન જયદેવનાં સંગીતબદ્ધ કરેલાં મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા’, અભી ના જાઓ છોડકર કે કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા જેવાં અદભૂત ગીતો એટલે દેવ આનંદ.
બે-ત્રણ પેઢીને પોતાના ચાર્મથી મોહિત અને સંમોહિત કરનાર આ કલાકારની કારકિર્દીના સરવૈયાનો આ અવસર નથી. ૮૮ વર્ષના ભરપૂર, સતત પ્રવૃત્તિમય અને ઉર્જાશીલ જીવન જીવી જઈને હિંદી ફિલ્મોના ઈતિહાસમાં આગવો અધ્યાય લખનાર આ કલાકારનાં થોડાં તસવીરી સંભારણાં ઉર્વીશે તેના બ્લોગ પર લખ્યા છે. જે અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે.
આજે તો બસ, તેમની કેટલીક સૂરીલી યાદોને તાજી કરીને તેમને શ્રદ્ધાંજલિ આપીએ. દેવ આનંદના દેહનું ભલે મૃત્યુ થયું, પડદા પરના અનેક સ્વરૂપે પોતાના ચાહકોના મનમાં તે સદાય જીવંત છે અને રહેવાના.
પડદા પર તેમનો પ્રવેશ થયો હમ એક હૈ (૧૯૪૬) દ્વારા, જે તેમની સાથેસાથે રહેમાનની પણ પ્રથમ ફિલ્મ હતી. પી.એલ.સંતોષી નિર્દેશીત આ ફિલ્મમાં હુસ્નલાલ ભગતરામનું સંગીત હતું. આ ફિલ્મનું એક ગીત.


ત્યાર પછી ૧૯૪૮માં આવેલી ફિલ્મ જિદ્દીમાં દેવ આનંદ કામિની કૌશલ સાથે ચમક્યા. ખેમચંદ પ્રકાશના સંગીતવાળી આ ફિલ્મથી કિશોરકુમારનો પાર્શ્વગાયન ક્ષેત્રે હિંદી ફિલ્મોમાં પ્રવેશ થયો. આ ગીત દેવ આનંદ પર ફિલ્માવવામાં આવ્યું હતું. જોઈએ એ ગીત.


એ જ વરસે આવેલી વિદ્યા ફિલ્મમાં દેવ આનંદ અને સુરૈયા પહેલવહેલી વાર સાથે ચમક્યા. આ ફિલ્મનું એક ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે એસ.ડી.બર્મને.


દેવ આનંદ અને સુરૈયાની જોડીએ કુલ સાત ફિલ્મોમાં સાથે કામ કર્યું, જે આ મુજબ છે. વિદ્યા (૧૯૪૮), જીત (૧૯૪૯), શાયર (૧૯૪૯), અફસર (૧૯૫૦), નીલી (૧૯૫૦), દો સિતારે (૧૯૫૧) અને સનમ (૧૯૫૧). આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર હીટ રહી. દેવ આનંદ અને સુરૈયાના પ્રેમપ્રકરણે અનેક યુવા હૈયાંઓને ઘેલા કર્યા. આ ફિલ્મોમાં સુરૈયાએ ગાયેલાં ગીતો અત્યંત લોકપ્રિય થયાં.
૧૯૪૯માં જ દેવ આનંદે પોતે અભિનયની સાથે સાથે નિર્માતા બનવાનું નક્કી કર્યું અને નવકેતન ફિલ્મ્સ ની સ્થાપના કરી. નવકેતનની ફિલ્મ બાઝી અનેક રીતે મહત્વની બની રહી. આ ફિલ્મનું નિર્દેશન ગુરૂ દત્તને સોંપવામાં આવ્યું. દેવ આનંદ અને ગુરૂ દત્તની યુતિનો એ આરંભ હતો, જેના થકી જાલ’ જેવી ફિલ્મો મળી. આ ફિલ્મની હીરોઈન હતી ગીતા બાલી અને કલ્પના કાર્તિક ઉર્ફે મોના સીંઘ. બાઝી ફિલ્મ હીટ ગઈ અને દેવ આનંદ- કલ્પના કાર્તિકની જોડીને અનેક ફિલ્મોની ઓફર મળી. આ ફિલ્મનું ગીત.


૧૯૫૪માં આવેલી ટેક્સી ડ્રાઈવર પણ આવી જ એક ફિલ્મ હતી, જેના શૂટિંગ દરમ્યાન બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યાં અને લગ્ન પણ કર્યાં.  ટેક્સી ડ્રાઈવરનું આ સદાબહાર ગીત.



હાઉસ નં.૪૪’ (૧૯૫૫) , પોકેટ માર’ (૧૯૫૬) , મુનિમજી’ (૧૯૫૫), ફંટૂશ’ (૧૯૫૬), સી.આઈ.ડી.’ (૧૯૫૬) , પેઈંગ ગેસ્ટ’(૧૯૫૭) જેવી હલકીફૂલકી કે થ્રીલર પ્રકારની ફિલ્મોમાં દેવ આનંદે પોતાની આગવી અભિનયની અને સંવાદ અદાયગીની શૈલી દેખાડી, જે તેમની પડદા પરની ઓળખ બની ગઈ. તેમની આવી શૈલીનાં બે ગીત. આ ગીત નૌ દો ગ્યારહ (૧૯૫૭)નું છે. હીરોઇન છે કલ્પના કાર્તિક.  


 

તો આ ગીત ફન્ટુશ (૧૯૫૬) નું છે. હિરોઈન શિલા રામાણી.  

  

સી.આઈ.ડી.નું આ ગીત જોઈએ, જેમાં દેવ આનંદની ચાલવાની શૈલીએ અનેક યુવકોને ઘેલું લગાડ્યું. અનેક લોકોએ તેની નકલ કરી. વહીદા રહેમાનનો પણ આ ફિલ્મથી પ્રવેશ થયો, જેમાં તે નકારાત્મક ભૂમિકામાં હતાં. 


વહીદા રહેમાન સાથે કાલા પાની’ (૧૯૫૮) , સોલવાં સાલ’ (૧૯૫૮) , કાલા બાજાર’ (૧૯૬૦) , બાત એક રાત કી’(૧૯૬૨) જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી, અને તેનાં ગીતો પણ ખૂબ ગૂંજ્યાં.
સોલવાં સાલનું આ ગીત.


પડદા પર દેવ આનંદની ઈમેજ બનાવવામાં મોટો ફાળો તેમના નાના ભાઈ વિજય આનંદ (ગોલ્ડી)નો રહ્યો. ગોલ્ડીના નિર્દેશનમાં દેવ આનંદની અભિનયકળા નીખરી ઉઠી, તેમ તેમની વધતી ઉંમરને અનુરૂપ કરેલું શૈલી પરિવર્તન પણ કઠ્યું નહીં, અને ચરિત્ર ભૂમિકાઓને બદલે વધતી ઉંમરે પણ દેવ આનંદ હીરોની ભૂમિકા કરતા રહ્યા. ગાઈડ’ (૧૯૬૫) માં ગોલ્ડી અને દેવ આનંદની યુતિ ચરમ સ્થાને હતી. આ ફિલ્મનું ગીત.

ગોલ્ડી દિગ્દર્શિત 'જવેલ થીફ' (૧૯૬૭) નું આ ગીત દેવસા'બની શૈલીના ઓળખ સમું છે. 


જોની મેરા નામ’(૧૯૭૦) જેવું થ્રીલર ગોલ્ડીએ નિર્દેશીત કર્યું, જેમાં દેવ આનંદની હીરોઈન હતાં હેમા માલિની. આ ફિલ્મની સફળતાએ હેમાને સ્ટારની હરોળમાં મૂકી દીધાં. રાજ કપૂરની મેરા નામ જોકર બોક્સ ઓફિસ પર અત્યંત નિષ્ફળ રહી, તેની સામે દેવ આનંદના આ અવતારને સફળતા મળી. ગોલ્ડીના નિર્દેશનની કમાલ દેખાડતું જોની મેરા નામનું આ ગીત સાંભળવા જેવું છે, એટલું જ જોવા જેવું છે.

ગોલ્ડી સાથે તેમનું જોડાણ તૂટવામાં કૌટુંબિક પરીબળ કારણભૂત હતું. ત્યાર પછી દેવ આનંદે પોતે નિર્દેશન પર હાથ અજમાવ્યો અને પ્રેમપૂજારી’ (૧૯૭૦) નું નિર્દેશન કર્યું. આ ફિલ્મ ભયાનક નિષ્ફળતાને વરી. પણ તેનાં ગીતો હજી આજેય લોકોના દિલોદિમાગમાં ગૂંજી રહ્યાં છે, જે નીરજની કલમમાંથી નીપજ્યાં હતાં.


જો કે, નિર્દેશક તરીકે દેવસાબે સફળતાનો ખરો સ્વાદ ચાખ્યો હરે રામ હરે કૃષ્ણ (૧૯૭૧) થી, જેમાં તેમણે ઝીનત અમાનને પહેલી વાર ચમકાવી. હિપ્પીઓના રવાડે ચડેલી હીરોઈનનું કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મમાં સંગીત આર.ડી.બર્મને આપ્યું હતું.


સીત્તેરના દાયકામાં બનારસી બાબુ’(૧૯૭૩) , છૂપા રુસ્તમ’ (૧૯૭૩) , અમીર ગરીબ’ (૧૯૭૪) , હીરાપન્ના’ (૧૯૭૩) , વોરંટ’ (૧૯૭૫) , જાનેમન(૧૯૭૬) જેવી ફિલ્મો આવતી રહી. દેવ આનંદ એ દાયકાની ઘણી હીરોઈન સાથે હીરો તરીકે ચમક્યા. જો કે, એમ લાગતું રહ્યું કે હવે એમના જાદુમાં વો બાત રહી નથી. બનારસી બાબુનું આ ગીત,જેમાં રાખી તેમની હીરોઈન છે.


૧૯૭૮માં આવેલી દેશ પરદેશ હીટ ગઈ, જેમાં અભિનેત્રી ટીના મુનિમનો હિંદી ફિલ્મોમાં પ્રવેશ થયો. આ ફિલ્મનું એક ગીત.  


ત્યાર પછી પણ હમ નૌજવાન’, સ્વામીદાદા’, અવ્વલ નંબર’, લશ્કર’, સૌ કરોડ જેવી ફિલ્મો તે બનાવતા રહ્યા અને તેમાં ચમકતા રહ્યા. અહીં એ યાદી આખી ઉતારવાનો જરાય ઉપક્રમ નથી. જો કે, આમાંની મોટા ભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. પણ દેવસાબ એક ફિલ્મ પૂરી થાય, રિલીઝ થાય એ સાથે જ આગામી ફિલ્મની ઘોષણા કરી દેતા. તેમના અસલ ચાહકો તેમની આવી ફિલ્મો જોતા હશે કે કેમ એ સવાલ છે. કેમ કે સૌએ દેવસાબની પોતાને ગમતી છબિ પોતાના મનમાં સંઘરી રાખી હતી, જે અવિનાશી હતી. ઉર્જા, ચંચળતા અને જીવંતતા એટલે દેવ આનંદ એવું સમીકરણ સૌના મનમાં એ હદે બેસી ગયેલું કે સાઠ વટાવેલા કોઈ પણ ચુસ્તદુરસ્ત પ્રૌઢને દેવ આનંદનું લેબલ મળી જ જતું, તેના ચહેરાનું ભલે ને દેવસાબ સાથે સામ્ય ન હોય. દરેક કુટુંબમાં, શેરીમાં કે નગરમાં આવા કોઈક ને કોઈક દેવ આનંદ હશે જ.
શ્વેત શ્યામ ફિલ્મોને રંગીન કરવાનું ચલણ શરૂ થયું ત્યારે સૌ પહેલાં મુઘલ-એ-આઝમને રંગીન કરવામાં આવી. ત્યાર પછી નયા દૌર નો વારો આવ્યો. અને હમણાં છેલ્લે હમ દોનોંને પણ રંગીન બનાવવામાં આવી. જેવી ઝટપટ તેમની હિલચાલ હતી, એવું જ ઝપાટાબંધ તેમનું મૃત્યુ રહ્યું. સાવ અચાનક, ઉંઘમાં જ!
જો કે, તેમના સૌ ચાહકો પોતપોતાના દેવસાબને એટલા ચાહે છે કે ભલે આ નશ્વર દુનિયામાંથી તેમણે વિદાય લીધી, સૌના મનમાં તે આજીવન જીવંત રહેવાના છે. હમ દોનોંના આ ગીતમાં દેવસાબ પરદા પર હીરોઈન સાધનાને કહે છે, એ જ શબ્દો તેમના ચાહકો દેવસાબ માટે કહેતા રહેવાના: કિ દિલ અભી ભરા નહીં.


13 comments:

  1. ખૂબ ઝડપથી,ખૂબ સુંદર.આનંદ, અભિનંદન, આભાર.

    ReplyDelete
  2. We will certainly miss him a lot.
    May his soul rest in eternal peace !
    Thank U very much, Dear Birenbhai for sharing.

    ReplyDelete
  3. દિલિપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદની ત્રિપુટિ સામૂહિક રીતે પ્રસિદ્ધ બની. આમ છતાં ત્રણેયની ખાસિયતો અને ઍક્ટિંગ આગવી રહી. છેલ્લમ વર્ષો બાદ કરતાણ દેવ આનંદ યુવાનોનાં હૈયાં પર રાજ કરતા રહ્યા.ખરા અર્થમાં એ legend હતા. સક્રિય રીતે તો લોકોના મનમાં એ રિટાયર થઈ ગયા હતા, પણ એમનું સ્થાન યથાવત્ રહ્યું.

    ReplyDelete
  4. its treat ... and he lived his life. And I loved his decision to get cremated in England, as he wanted to live forever, never die in the hearts of his millions of fan...

    ReplyDelete
  5. દેવ આનંદના આત્માને પ્રભૂ શાંતિ બક્ષે એજ પ્રાર્થના.
    ખરું પૂછો તો એકટરોના મૃત્યુથી મારા જેવા સામાન્ય માણસના જીવનમાં કાંઈ ફેર પડતો નથી મારા માટે એકટર એની ફિલ્મોથી જ જીવીત હતો.આજે એ મારા જેવા સામાન્ય માણસ માટૈ એની ફિલ્મોથી જીવીત જ છે. એટલે ફિલ્મ ગાઈડને પહેલાં પણ માણતો હતો. હવે પણ માણીશ

    ReplyDelete
  6. Big B is correct, the blank created by the death of Late Devanand will not be filled up however he is still alive in his fan's hearts,and will be last for long till we can she his performance. May his Saul rest in peace

    ReplyDelete
  7. while agreeing to what harnish5 says, we tend to identify ourselves with the character played by an actor in a film and thereby to the actor himself.The actor may not become a part of our life but good news about him pleases us and, naturally, news of his demice make us sorry. DEV Anand made many of our life's moments happy . May he rest in peace.

    ReplyDelete
  8. The collection of songs here is a real treat. specially the first one. Thanks.
    Kirit Bhatt

    ReplyDelete
  9. life of moments and movement of delight of gods and millions of mortals.

    ReplyDelete
  10. બન્ને ભાઇઓના બ્લૉગ્સ સાદ્યંત વાંચી જવાથી દેવ આનંદ પરની કોઇ લઘુ ફિલ્મ( દસ્તાવેજી) જોયા જેવી મઝા આવી. ફોટોગ્રાફ્સ અને ગીતો બેઉ અનન્ય જુગલબંધી રચી આપે છે. બેઉને અભિનંદન.
    એક સૂચન- દેવ આનંદની યુવાવસ્થાની મસ્તીખોર અદાવાળા એક-બે ગીતો મુકવા જેવાં છે. 'ફંટુશ', 'નૌ દો ગ્યારહ' આમાં કામ આવી શકે.

    ReplyDelete
  11. ભરત કુમારDecember 5, 2011 at 9:26 PM

    પ્રિય બિરેનભાઇ,દેવ આનંદની અપાયેલી સુરીલી શ્રદ્ધાંજલિ ગમી.દેવ આનંદ જે રીતે જીવ્યા,એ જોતા એમની વિદાયનો અફસોસ તો ન જ થાય.માણસ એક જિંદગીમાં શું શું મેળવવાનું ઇચ્છતો હોય? પૈસા,પ્રસિદ્ધી,કિર્તિ બધુ જ તો દેવ સા'બને મળ્યું.ફિલ્મના અઠંગ રસિયા ને જીવનની આખરી ક્ષણ પણ એ જ માધ્યમમાં પ્રવૃત હોવાનુ નસીબ મળે,તો એ જીવન ધન્ય જ બની જાય.જ્યારે પણ કોઇ બેફિક્રીથી ગણગણતો યુવાન ક્યાંક નજરે ચડી,તો એમાં આપણને દેવ સા'બનો ચેહરો દેખાવાનો.પંડ્યાસાહેબે સાચું જ લખ્યું કે-બંને ભાઇઓને વાંચતા હોય એમને કોઇ ડોંક્યુમેંટરી ફિલ્મ જોયાનો અનુભવ થવાનો.આવા સરસ સંભારણા વહેંચવા બદલ ધન્યવાદ.

    ReplyDelete
  12. bhai kothari,
    koi humdam na raha koi sahara na raha hum kisike na rahe koi hamara na raha.i loose my one more favorite star.

    ReplyDelete
  13. બીરેન કોઠારીDecember 8, 2011 at 11:45 PM

    સૌ મિત્રોનો આભાર.
    @રજનીભાઈ: સૂચનનો અમલ કરી દીધો છે.

    ReplyDelete