Friday, December 16, 2011

'ગીત તમારા હોઠો પર': વડોદરા પછી રાજકોટ અને હવે સુરત આકાશવાણી પર



રાજકોટ અને સુરતમાં તેમજ તેની આસપાસ વસતા હિંદી ફિલ્મ ગીતોના ચાહકો માટે આનંદના સમાચાર છે. અગાઉ વડોદરા આકાશવાણી પરથી હિન્દી ફિલ્મોના ગીતકારો વિષેની શ્રેણી ગીત તમારા હોઠો પરનું પ્રસારણ થઈ ચૂક્યું છે, જેમાં કુલ ૨૮ ગીતકારો વિષેના સ્વતંત્ર હપ્તા અને અન્ય ગીતકારો વિષેના દાયકાવાર હપ્તાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૩૧ ઓગસ્ટ, ૨૦૦૯થી શરૂ થયેલી આ શ્રેણી લાગલગાટ ૭૨ હપ્તાની હતી, જેનું સમાપન ૧૯ જાન્યુઆરી, ૨૦૧૧ ના રોજ થયું હતું. તેના વિષેની વધુ વાતો ઉર્વીશે તેના બ્લોગમાં એ શ્રેણી પૂરી થયે લખી હતી. 
( એ વાંચવા માટે અહીં ક્લીક કરો. 
વડોદરાના તત્કાલીન સહાયક નિદેશક અને ખુદ અચ્છા કવિ ડૉ. યજ્ઞેશ દવેએ હિન્દી ફિલ્મોના ગીતકારો પર આધારિત આ કાર્યક્રમની પરિકલ્પના કરી હતી, અને રજનીકુમાર પંડ્યા (અમદાવાદ) , બકુલ ટેલર (સુરત), ઉર્વીશ કોઠારી (મહેમદાવાદ) તેમજ મને (વડોદરા) આ શ્રેણીના વિવિધ ગીતકારો અંગેના હપ્તા વહેંચી દેવામાં આવ્યા હતા. સાહિર લુ્ધિયાનવી પરના ચાર હપ્તા લખ્યા પછી રજનીભાઈ ઘણી ઈચ્છા હોવા છતાં પોતાની વ્યસ્ત્તતાને કારણે સ્વેચ્છાએ નીકળી જતાં છેવટે અમારા ત્રણ જણ દ્વારા આ શ્રેણીને આગળ વધારવાનું બન્યું.
રાજકોટ અને સુરત આકાશવાણી પર 'ગીત તમારા હોઠો પર ' 
આકાશવાણી, વડોદરાના ઉદઘોષક અભિષેકે અમારી સ્ક્રીપ્ટને પૂરેપૂરો ન્યાય આપીને આ શ્રેણીનું નિર્માણ તો કર્યું જ, અને શ્રેણીની રજૂઆત પણ રેડિયો પર તેણે જ કરી. તો સુરતના સંશોધક હરીશ રઘુવંશીએ પડદા પાછળની તમામ સહાય કેવળ નિ:સ્વાર્થપૂર્વક જ નહીં, બલ્કે ઉત્સાહપૂર્વક કરી. એક પણ હપ્તો પાડ્યા વિના આ શ્રેણી સતત બોંત્તેર સપ્તાહ સુધી પ્રસારિત થતી રહી, જેને શ્રોતાઓનો ઉમળકાભેર પ્રતિસાદ સાંપડ્યો.
ઉર્વીશે લખેલી એ પોસ્ટમાં બિનીત મોદીએ એવી આશા સેવી હતી કે આ શ્રેણી અન્ય રેડીયોસ્ટેશન પરથી પણ પ્રસારિત થાય. 
એ જણાવતાં આનંદ થાય છે કે રાજકોટ વિવિધભારતી પરથી આ શ્રેણી શરૂ થઈ ચૂકી છે, અને અત્યાર સુધી તેના કુલ ૧૯ હપ્તા પ્રસારીત થઈ ચૂક્યા છે. રાજકોટમાં તેમજ આસપાસમાં જ્યાં વિવિધભારતીનું પ્રસારણ સ્પષ્ટ આવે છે, ત્યાંના મિત્રો માટે માહિતી આ મુજબ છે:
શ્રેણીનું નામ: ગીત તમારા હોઠો પર.
સમય: દર રવિવારે સવારે ૧૧.૨૦ થી ૧૧.૫૦
મીટર: 102.4 MHz (FM)

અને હવે ૩ ડિસેમ્બર, ૨૦૧૧ થી આ શ્રેણીનો આરંભ સુરત વિવિધભારતી પરથી પણ કરવામાં આવ્યો છે, જેની માહિતી આ મુજબ છે:
સમય: દર શનિવારે સવારે ૧૧.૩૦ થી ૧૨.૦૦
મીટર: 101.1 MHz (FM)
બન્ને સ્ટેશનના નિદેશકોને હાર્દિક અભિનંદન અને શ્રોતાઓને હેપી લીસનીંગ’.

4 comments:

  1. Congratulations and best wishes.

    ReplyDelete
  2. ભરત કુમારDecember 19, 2011 at 1:39 PM

    બિરેનભાઈ,રાજકોટ આકાશવાણીના વિવિધભારતી કેન્દ્ર પર 'ગીત તમારા હોઠો પર' પર હમણાં જ હસરત જયપુરી વિશેનો કાર્યક્રમ માણ્યો.તમારા સૌની મહેનત દીપી ઉઠી છે.આ કાર્યક્રમ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંકળાયેલા સૌને અભિનંદન.બસ એક જ ફરિયાદ થાય કે-આટલા સરસ કાર્યક્રમ માટે આટલો ઓછો સમય?

    ReplyDelete