Saturday, June 13, 2026

MAD પુરાણ (4): ધ ડૉન...

કોઈ એક કાળની, સંભવત: મધ્યયુગની એક પથ્થરિયા જેલ. પથ્થરની દિવાલોમાં થોડી ઊંચાઈએ બબ્બેની જોડીમાં, એકમેકથી થોડા અંતરે લગાડેલા ક્લેમ્પ. બન્ને હાથને ક્લેમ્પમાં જકડેલા હોય એ રીતે ભીંતસરસા, જમીનથી સહેજ ઊંચે લટકી રહેલા કેદીઓ અને અમુક અંતરાલે તેમની ખબર લઈ રહેલો જલ્લાદ જેવા વેશમાં એક ચોકીદાર. કેદીઓનો ગુનો શો છે, કેટલી લાંબી સજા ફટકારવામાં આવી છે એ કંઈ ખબર નથી. આ થઈ એક પરિસ્થિતિ.

બીજી પરિસ્થિતિમાં મૃત્યુદંડની સજા પામેલો એક કેદી. અગાઉની જેમ જ તેનો ગુનો શો, આ કયું નગર છે, કયો સમયગાળો છે એ કશી જ ખબર નથી. પણ મૃત્યુદંડની સજા પામેલા કેદીને આંખે પટ્ટી બાંધવામાં આવે છે, અને એક વડા 'ફાયર!' કહીને અન્ય સૈનિકોને ગોળી છોડવાનો આદેશ આપે છે.
આમ તો આ આત્યંતિક કરુણ પરિસ્થિતિઓ છે. પણ 'મૅડ'ના ઘરેડ વાચકો આનાથી પરિચીત છે.
આટલી મર્યાદિત પરિસ્થિતિ અને પાત્રોમાં હોઈ હોઈને હાસ્યમાં કેટલું વૈવિધ્ય હોય? આ 'બ્લેક હ્યુમર' હોય એ તો સમજાય, પણ આવી સ્થિતિમાં અવનવી અવળચંડાઈઓ વિચારીને તેને આબેહૂબ ચીતરી શકે એવા કલાકાર એટલે ડૉન માર્ટિન. તેમની માનવાકૃતિઓની ખાસિયત એ કે તેનાં કદ મોટે ભાગે લાંબા હોય, પગનો પંજો અને હથેળી સામાન્ય કરતાં વધુ મોટાં હોય. ચહેરા ઘણાખરા કિસ્સામાં નળાકાર હોય. પગના પંજા જોઈને પાવડાની યાદ આવી જાય. તેમની બીજી ખાસિયત એ કે તેઓ અવનવા 'અવાજો'ને પણ ચીતરે. એટલે કે અમુક ચોક્કસ અવાજ કેવા નીકળે એ તેઓ લખે. ક્યારેક વિચારબીજ અન્યનું હોય એમ બને, પણ ચિત્ર પર સંપૂર્ણપણે ડૉનની મુદ્રા હોય.
હિંસા અને બર્બરતામાં હાસ્ય મૂકીને 'મેડ' શું સૂચવવા માગે છે? એ સત્તાપ્રેરિત હોય તો પ્રજાજનો લાચાર બનીને તેનો ભોગ બનતા રહે છે, અને કોઈ ઉપાય હોવાથી તેમાં મનોરંજન શોધતા થઈ જાય છે? પોતાને લાગુ ન પડે ત્યાં સુધી બર્બરતાનો કંઈ વાંધો નથી? આ ઉપરાંત પણ ઘણું બધું કદાચ.
કેદીને ગોળી મારીને મૃત્યુદંડની સજાનો અમલ થવાની તૈયારીમાં છે- માત્ર આટલી સાંકડી પરિસ્થિતિમાં કેટલી વિવિધ રીતે ડૉન હાસ્ય નીપજાવે છે એના નમૂના.







No comments:

Post a Comment