લીયોનાર્દો દ વીન્સીએ વિમાનના યંત્રની વૈજ્ઞાનિક સિદ્ધાંતને આધારે ડિઝાઈન બનાવી હતી. પણ વીસમી સદીના એક વિજ્ઞાની દ્વારા થયેલી અનેક શોધ અને અવનવાં ઉપકરણો તરફ અમુકથી વધુ લોકોનું ધ્યાન ખાસ પડ્યું નથી. એ વિજ્ઞાનીનું નામ છે અબ્રાહમ જેફી, જે 'અલ જેફી'ના નામે વધુ ઓળખાય છે. આજે 98 વર્ષની વયે પણ તેઓ કાર્યરત છે. 'મૅડ'નો તેઓ અભિન્ન અંશ કહી શકાય. તેઓ મૂળભૂત રીતે કાર્ટૂનિસ્ટ છે. પણ તેમના મગજમાં કોણ જાણે કેવું ભૂસું ભરેલું છે. 'મૅડ'ના છેલ્લા જેકેટ પર આવતો 'ફોલ્ડ ઈન' વિભાગ તેઓ વરસોથી નિયમીતપણે સંભાળે છે. તેની અહીં વાત એટલા માટે થઈ શકે એમ નથી કે તેને હાથમાં લઈને જોવાથી જ વધુ સમજાય એમ છે. કોઈ સંગ્રાહક પાસે 'મૅડ'ના જૂના અંકો ગમે તેવી સરસ સ્થિતિમાં સચવાયેલા હોય, તેના છેલ્લા જેકેટ પર બે ઉભી લીટીની ગડીઓ અવશ્ય પડેલી જોવા મળશે. તેનું કારણ જેફીનું 'ફોલ્ડ-ઈન' છે.
 |
| અલ જેફી |
અલ જૅફીની અનેક વિશેષતાઓ પૈકીની એક છે તેમનાં ઉપકરણોની. 'મૅડ' માટે કોઈ વિષયવસ્તુની કલ્પના કરવાની હોય એટલે તેમાં હાસ્ય કેન્દ્રસ્થાને હોય એ સ્વાભાવિક છે. અલ જેફી પોતે એક વિષય લઈને તેને લગતાં અવનવાં ઉપકરણોની ગંભીરતાથી કલ્પના કરે છે, અને એ કલ્પનાને ચિત્રસ્વરૂપે પણ આબેહૂબ મૂકી જાણે છે.
'મૅડ'ના એક અંકમાં તેમણે અવકાશ યુગના રેઝરની કલ્પના કરી છે અને વિવિધ સિદ્ધાંતો આધારીત રેઝર તેના કાર્યસિદ્ધાંત સહિત બતાવ્યાં છે. તેમાંના એક રેઝરનો નમૂનો અહીં મૂક્યો છે. તેનું નામ છે 'પરમેનન્ટ પ્લકર-2 રેઝર'. (આની પહેલાંની આવૃત્તિનું નામ છે 'સીમ્પલ પ્લકર1 રેઝર'.) આ રેઝર ઉંચુંનીચું થતું થતું પ્લકરની જેમ દાઢીના એક એક વાળને મૂળમાંથી ખેંચી કાઢશે કે જેથી ભવિષ્યમાં દાઢી કરવાની જરૂર નહીં રહે.
આ રેઝર શી રીતે કાર્ય કરશે, તેમાં સ્વીચ ક્યાં હશે, કઈ યંત્રરચના વપરાશે એ બધાનું જેફીએ વિગતથી ચિત્રણ કર્યું છે.
આ સિવાયનાં પણ સાધનો અને તેનું વર્ણન જોઈ શકાશે.

અલ જેફીનું ભેજું ખરા અર્થમાં વૈજ્ઞાનિક છે એમ કહી શકાય. ઉપકરણો બનાવવાનાં હોય કે જાદુઈ યુક્તિઓ, તેઓ એટલી ગંભીરતાથી તેની પર કામ કરે કે નવાઈ લાગે. અને આ બધામાં સામાન્ય હોય તો હાસ્ય અને એનું 'નોનસેન્સ'પણું. 'જાન જાવે તો જાવે, પર જાદુ હોવે' જેવી આ એકાવધાની યુક્તિઓ અજમાવવા જેવી નથી, પણ અલ જેફીએ સચોટ આકૃતિ અને સિદ્ધાંત દ્વારા તેને અજમાવી શકાય એ રીતે દર્શાવી છે.
અહીં તેમણે બતાવેલી કેટલીક પ્રચલિત મેજિક ટ્રીક્સ જુઓ. ઘાસની ગંજીમાંથી ગણતરીની સેકંડમાં સોય શોધી આપવી, સિગારેટને સળગાવ્યા વગર યા લીપસ્ટીક કે જાદુઈ છડીને હોઠે અડકાડીને ધુમાડા કાઢી બતાવવા, શ્રોતાઓ જે સવાલ પૂછે તેના જવાબ આપોઆપ બૉર્ડ પર લખાઈ જવા કે પછી ઘાસમાંથી શુદ્ધ સોનું બનાવવું. આવી બધી, જાદુના ખેલ માટે સાવ સાદી ગણાતી હાથચાલાકીઓ પાછળ કેવી વૈજ્ઞાનિક કરામત હોઈ શકે છે એ અલ જેફીએ મહાઠાવકાઈથી જણાવ્યું છે.
પહેલાં ચાર ચિત્રોમાં આવી યુક્તિઓ કરવાની પદ્ધતિ દર્શાવી છે, જ્યારે છેલ્લું ચિત્ર પઝલનું છે. આ ચિત્રમાં કેટલા છગડા છે કે ફલાણાને ઢીકણા સુધી જવાનો રસ્તો બતાવો- પ્રકારની, ખાસ કરીને બાળસામયિકોમાં આવતી પઝલનું 'મેડ'સ્વરૂપ જોવા જેવું છે.
અલ જેફીની સહી પણ વિશિષ્ટ છે, જેમાં તેઓ પોતાનો ચહેરો ચીતરે છે.
તેમનાં ચિત્રોની શૈલી એવી છે કે જોતાંની સાથે જ ઓળખાઈ જાય. તેમનાં રેખાંકનોમાં અણિયાળી રેખાઓને બદલે ગોળાકાર, અને વળાંક વધુ જોવા મળે છે.
No comments:
Post a Comment