Saturday, December 28, 2024

અભ્યાસક્રમની બહાર જઈને અભ્યાસક્રમની વાતો

27 ડિસેમ્બર, 2024ને શુક્રવારના રોજ કલોલની હોલી ચાઈલ્ડ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સમક્ષ 'કહત કાર્ટૂન' અંતર્ગત 'આઉટ ઑફ સીલેબસ' કાર્યક્રમ યોજાયો. ગુજરાતી અને અંગેજી માધ્યમના નવમા ધોરણના વિદ્યાર્થીઓ સમક્ષ બે સેશનમાં તેનું આયોજન હતું. બે વર્ષ અગાઉ આ જ શાળામાં 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' કાર્યક્રમ હતો અને એ નિમિત્તે આ શાળાના ભાવાવરણનો પરિચય હતો. આથી આ વખતે આચાર્યા હેતલબહેનનું આમંત્રણ આવ્યું એટલે કંઈક નવા વિષય પર કાર્ટૂન બતાવવા વિશે વિચાર્યું. વાતવાતમાં મને લાગ્યું કે વિદ્યાર્થીઓને જે વિષયો અભ્યાસમાં આવતા હોય એની પરનાં કાર્ટૂન બતાવીએ તો? હેતલબહેને ઉત્સાહપૂર્વક સંમતિ આપી એટલે મેં એકાદ સપ્તાહની મુદત માગી. એ દરમિયાન વિવિધ વિષયના કાર્ટૂન એકઠા કરવાનો ઉદ્યમ આરંભ્યો અને પછી લાગ્યું કે આ વિષયનાં કાર્ટૂનનો કાર્યક્રમ યોજી શકાશે. એટલે શરૂ થયો કાર્ટૂનની પસંદગીનો દોર. એમાં પણ હેતલબહેને મદદ કરી અને મારી વિનંતીથી નવમા ધોરણનાં પાઠ્યપુસ્તકોની અનુક્રમણિકા મોકલી આપી. આને લઈને મને કાર્ટૂનની પસંદગીમાં બહુ મદદ મળી અને અન્યો માટે સહેજ અઘરાં ગણાતાં કાર્ટૂન પણ વિદ્યાર્થીઓ તરત સમજી શકશે એની ખાત્રી મળી.

એ મુજબ બીજગણિત, ભૂમિતિ, ઈતિહાસ, ભૂગોળ, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી- એમ નવ વિષય પરનાં ચૂંટેલાં કાર્ટૂન તૈયાર થયાં. દરેક વિષયનાંં કાર્ટૂન બતાવતાં અગાઉ જે તે વિષય એમને કેવો લાગતો હશે એની ધારણા કરવાની બહુ મજા આવી અને મારા આશ્ચર્ય વચ્ચે મને મારા શાળાસમયે જે લાગતું હતું એની બહુ નજીકની અનુભૂતિ અત્યારના વિદ્યાર્થીઓને પણ થતી જણાઈ.
સૌથી પહેલાં કાર્ટૂનકળાની સમજૂતિ સાવ ટૂંકમાં કાર્ટૂન દ્વારા જ આપીને
પહેલું સેશન ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સમક્ષ કર્યું. કાર્ટૂનના કાર્યક્રમમાં બહુ મોટી રાહત એ હોય છે કે એમાં કાર્યક્રમ પત્યા પછી 'કેવો લાગ્યો?' એ જાણવાની જરૂર જ ન રહે. જે તે સમયે કાર્ટૂન પડદા પર દેખાય અને એ જોતાં હાસ્યના અવાજ ગૂંજે એ જ એનો પ્રતિભાવ. એકદમ રોકડો. ભાષા અંગેનાં કાર્ટૂનો વિશે વાત કરતાં કાર્ટૂનમાં ઉપયોગમાં લેવાતા 'શ્લેષ' અને 'સજીવારોપણ' જેવા અલંકારો વિશે પણ ઉદાહરણ સહિત વાત થઈ.

પહેલાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સમક્ષ 

સવારના પહેલા સેશન પછી બપોરનું સેશન અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સમક્ષ હતું. એમાં પણ આ જ અનુભવનું પુનરાવર્તન થયું. પાયથાગોરસ અને આઇન્સ્ટાઈનને C2 (સી સ્ક્વેર) માટે ઝઘડતા બતાવતું કાર્ટૂન કે યુક્લિડને દૃષ્ટિએ કૂતરાનું કાર્ટૂન વિદ્યાર્થીઓ જોતાંવેંત સમજી જાય એ બહુ મજા પડે એવું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ કાર્યક્રમ દરમિયાન પણ અમુક કાર્ટૂન કે કેરિકેચર ચીતરેલાં, જેમાં એક વિદ્યાર્થીએ મારું કેરિકેચર પણ બનાવ્યું હતું.
બપોરે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સમક્ષ 
સવારના અને બપોરના બન્ને સેશન ઉપરાંત વચ્ચેના સમયમાં હરીશભાઈ બ્રહ્મભટ્ટ, વિભાબહેન અને મિત્ર રાજ તેમજ હેતલબહેન સાથે વીતાવેલા કલાકો બહુ મજાના રહ્યા.
આ કાર્યક્રમની જાણ થઈ કે કલોલસ્થિત, અને નડિયાદમાં નિયુક્ત મિત્ર નીતિનભાઈ પટેલ અને અમદાવાદના નવિનભાઈ પટેલે પણ પોતે ઉપસ્થિત રહેશે એમ જણાવ્યું અને કાર્યક્રમમાં તેઓ સમયસર ઉપસ્થિત પણ રહ્યા. એટલે કાર્યક્રમ પત્યા પછીના 'સત્સંગ'માં તેમનોય લાભ મળ્યો. આ બન્ને મિત્રો સાથેની દોસ્તી પ્રમાણમાંં ઘણી નવી હોવા છતાં જાણે કે અમે જૂના મિત્રો છીએ એમ લાગે છે.

(ડાબેથી) નવિનભાઈ, નીતિનભાઈ, રાજ બ્રહ્મભટ્ટ, બીરેન, 
હેતલબહેન, કામિની અને હરીશભાઈ બ્રહ્મભટ્ટ 

કાર્ટૂનના કાર્યક્રમ અનેક સ્થળે યોજાય છે, એમાં હંમેશા એવું અનુભવાયું છે કે વિદ્યાર્થીઓ સમક્ષ એ યોજાય ત્યારે જાણે કે એક નવી ઊર્જા પ્રાપ્ત થતી હોય એમ લાગે છે. કેમ કે, એ નિમિત્તે એમની સાથે પ્રત્યાયનની તક ઊભી થાય છે. આવી તક ઊભી કરનાર શાળા સંચાલકો અભિનંદનને પાત્ર છે.
(તસવીરસૌજન્ય: હેતલબહેન પટેલ, કલોલ) 

કેટલાંક નમૂનારૂપ કાર્ટૂનો: 




Wednesday, December 25, 2024

નમ્બરીયા- 2: મન કી 'બીન' મતવારી બાજે...

નાતાલની પૂર્વસંધ્યા, 24 ડિસેમ્બરની સાંજે સાડા સાતથી અમદાવાદના સ્ક્રેપયાર્ડમાં 'નમ્બરીયા-2' કાર્યક્રમ યોજાઈ ગયો. આ અગાઉ 14 માર્ચે આ કાર્યક્રમની પહેલી કડી યોજાઈ હતી. હિન્દી ફિલ્મોના એક સમયના અનિવાર્ય અંગ જેવાં ટાઈટલ્સ, અને ટાઈટલ ટ્રેક્સ વિશે ખાસ વાત થઈ નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને ખાસ આ જ વિષય પાર, એટલે કે ટાઈટલ ટ્રેક અથવા તો ટાઈટલ મ્યુઝિક પાર કાર્યક્રમ વિચારાયેલો. પહેલાં એમ હતું કે આવો એકાદ કાર્યક્રમ થઈ શકશે. પહેલો કાર્યક્રમ કરતી વખતે સમજાયું કે એકથી નહીં પતે. બીજો પણ કરવો પડશે. હવે બીજો કરતાં સમજાયું કે બેથી પણ નહીં ચાલે.

'નમ્બરીયા' શબ્દ સાથે ફીલ્મરસિકોની અનેક પેઢીઓનું અનુસંધાન રહેલું છે. એમને સમજાવવાની જરૂર નથી કે એનો શો અર્થ થાય. આને કારણે આ કાર્યક્રમમાં દર વખતે અનેક નવા ચહેરા જોવા મળે છે, જે કાર્યક્રમ પતવા સુધીમાં પરિચીત બની રહે છે. ગઈ કાલના કાર્યક્રમમાં પણ આમ જ થયું. પરિચીતની સાથે અનેક અપરિચીત ચહેરા જોવા મળ્યા.

આમ તો બધું મળીને પચીસેક સાઉન્ડ ટ્રેક હતી, જે ઘણી કહેવાય, કેમ કે, આમાં ક્યાંય ગીતોનો સમાવેશ નહોતો. પણ સ્ક્રેપયાર્ડના સુસજ્જ શ્રોતાઓએ અનેક ઝીણી ઝીણી વાતો સચોટ રીતે ઝીલી. તેને લઈને કાર્યક્રમ મજાનો બની રહ્યો.
મોટે ભાગે ગીતોને લગતા કાર્યક્રમો યોજાતા રહે છે, લાઈવ સંગીતના પણ ખરા. પણ આ રીતે ટાઈટલ ટ્રેકને અનુલક્ષીને રેકોર્ડેડ મ્યુઝીકનો કાર્યક્રમ યોજવો એ સાહસનું કામ ખરું. કબીરભાઈ અને નેહાબહેન આવા અનેક વિશિષ્ટ કાર્યક્રમો માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે એનો આનંદ.
કાર્યક્રમ પૂરો થયા પછી થતું અનૌપચારિક મિલન બહુ આનંદદાયક બની રહે છે. બે કાર્યક્રમની સફળતા પછી હવે ત્રીજો કાર્યક્રમ વિચારણા હેઠળ છે. જોઈએ હવે એ ક્યારે થઈ શકે છે.

'નમ્બરીયા-2'ની રજૂઆત

કાર્યક્રમ પછીનું અનૌપચારિક મિલન

(તસવીર સૌજન્ય: પરેશ પ્રજાપતિ)

Sunday, December 15, 2024

જીના ઈસી કા નામ હૈ: ઠંડીગાર સાંજે સંબંધોની ઉષ્માનો અહેસાસ

14 ડિસેમ્બર, 2024 ને શનિવારના રોજ અમદાવાદના 'સ્ક્રેપયાર્ડ' ખાતે સાંજના સાડા સાતથી 'જીના ઈસી કા નામ હૈ' કાર્યક્રમ યોજાયો. હોમાય વ્યારાવાલાની જન્મતારીખ 9 ડિસેમ્બરે હોવાથી એવી ઈચ્છા હતી કે આ મહિનામાં તેમના વિશે કાર્યક્રમ કરવો. યોગાનુયોગે એ સપ્તાહમાં જ આ કાર્યક્રમનું આયોજન થયું. અલબત્ત, લગ્નમુહૂર્તના આખરી દિવસે એ હોવાથી કાર્યક્રમમાં હાજરી મર્યાદિત રહી.

આ કાર્યક્રમમાં મૂળ વાત તો હોમાયબહેનના જીવનરસની જીવન અભિગમની કરવાની હતી, છતાં તેની પૂર્વભૂમિકા પૂરતી તેમના પૂર્વજીવનની વાત કરવી જરૂરી હતી. એ વાત કર્યા પછી તેમના વડોદરાનિવાસની, અને મારી સાથેના છેલ્લા એકાદ દાયકાના સંબંધ વિશે વાત શરૂ થઈ. હોમાયબહેનનું જીવન એવું હતું કે અનેક વાતો એમના વિશે કરવાનું મન થાય, શ્રોતાઓને મજા પણ આવે. છતાં સમયમર્યાદા જાળવવી જરૂરી. વધુમાં વધુ દોઢેક કલાકમાં કરવા ધારેલો આ કાર્યક્રમ લંબાઈને બે કલાક સુધીનો થયો, જેમાં પ્રશ્નોત્તરી પણ સામેલ હતી. તેમની બનાવેલી કેટલીક વિશિષ્ટ ચીજો સાથે લઈ ગયેલો, અને મર્યાદિત સંખ્યા હોવાથી સૌને તે હાથોહાથ જોવા આપી શકાઈ.
એ જ રીતે હોમાયબહેન સાથે અતિ નિકટથી સંકળાયેલાં મિત્રદંપતિ પરેશ અને પ્રતીક્ષા પ્રજાપતિની ઉપસ્થિતિ તેમજ તેમના કાર્યનો વાસ્તવિક પરિચય કાર્યક્રમનું અતિ લાગણીસભર પાસું બની રહ્યું.
આપણને ગમતી વ્યક્તિ વિશે જાહેરમાં વાત કરવાની હોય ત્યારે વ્યક્તિગત સંબંધોના માહાત્મ્યમાં ન સરી પડાય એનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. એ બાબત મનમાં સજ્જડપણે બેઠેલી હોવાથી કેટલીક વ્યક્તિગત વાતો આવી ખરી, પણ એ એવી હતી કે જેમાં એમનાં વ્યક્તિત્વનું કોઈ ને કોઈ પાસું છતું થતું હોય.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મિત્રોમાંથી ઘણાખરાએ 'હોમાય વ્યારાવાલા' પુસ્તક ખરીદવામાં પણ રસ દેખાડ્યો, જે લઈને કાર્તિક શાહ બહુ પ્રેમપૂર્વક ઉપસ્થિત રહેલા.
રજૂઆત દરમિયાન એક તબક્કે હોમાયબહેન મોબાઈલ ફોન પર વાત કરી રહ્યાં છે એવી એક તસવીર આવી એ સાથે જ ડમડમબાબાના સાંસારિક અવતાર એવા બિનીત મોદીએ બહુ ગંભીરતાપૂર્વક ઊભા થઈને એમને સેલ્યુટ આપી.
કાર્યક્રમના સમાપન પછીનું અનૌપચારિક મિલન સ્ક્રેપયાર્ડની આગવી મજા છે. કબીરભાઈ
ઠાકોર અને નેહાબહેન શાહ પણ બહુ ઉત્સાહપૂર્વક એ માણે અને એમાં ભાગ લે.
હોમાયબહેન વિશે અત્યાર સુધી અલગ અલગ વર્ગના લોકો સમક્ષ વાત કરવાનું બન્યું છે, અને એ દરેક વખતે અતિ લાગણીસભર અનુભવ થતો રહ્યો છે. વધુ એક વાર એનું પુનરાવર્તન થયું.
ડિસેમ્બરની એ ઠંડી સાંજે હોમાયબહેનની ચેતનાની ઉષ્મા લઈને સૌ છૂટા પડ્યા.

'જીના ઈસી કા નામ હૈ'ની રજૂઆત

પરેશ અને પ્રતીક્ષા પ્રજાપતિની ઉપસ્થિતિ
હોમાયબહેને બનાવેલી કેટલીક ગૃહોપયોગી ચીજો પૈકીની એક
હોમાયબહેનને બહુ પસંદ એવી પોતાની તસવીર, જે એક સ્નેહીએ ખેંચેલી

(તસવીર સૌજન્ય: બિનીત મોદી અને પરેશ પ્રજાપતિ)

Friday, December 13, 2024

કાર્ટૂન બનાવવું હોય તો મારા ચહેરાના આ ભાગને મરોડી શકાય....

મૂળ કાર્યક્રમ તો હતો નડિયાદની સૂરજબા મહિલા આર્ટસ કોલેજના ઇન્કયુબેશન કોર્નરના નેજા હેઠળ 'કરત કાર્ટૂન' નામે બે દિવસીય કાર્ટૂન ચીતરવાનું માર્ગદર્શન આપતી વર્કશોપનો, જેમાં ભાગ લેવા ઈચ્છનાર વિદ્યાર્થીનીઓ નામ નોંધાવે. આ કૉલેજના આચાર્ય હસિત મહેતાએ સૂચવ્યું કે એ અગાઉ એક કાર્યક્રમ 'કહત કાર્ટૂન'નો કરીએ, જેમાં કૉલેજની તમામ વિદ્યાર્થીનીઓ ભાગ લે. હસિતભાઈ મિત્ર ખરા, પણ 'નિર્દયી પ્રીતમ' છે. તેઓ કશું સૂચવે તો પણ તામ્રપત્ર પર લખીને સૂચવ્યા જેવું હોય. એમાં આઘાપાછા થવાની તક ન હોય. એમાંય આ તો ગમતો વિષય, એટલે નક્કી કર્યું કે મંગળવારને 10 તારીખે સવારે છેલ્લા પિરીયડમાં 'કહત કાર્ટૂન' યોજવું.

બી.એ.ના તમામ વર્ષની વિદ્યાર્થીનીઓ હોંશે હોંશે હાજર થઈ ગઈ. સંખ્યા આશરે ત્રણસો. દરમિયાન 'કરત કાર્ટૂન'માં નામ નોંધાવાનું પણ ચાલુ હતું અને સંખ્યા ખાસ્સી બત્રીસે પહોંચેલી. જો કે, અમને સૌને હતું કે એક વાર 'કહત કાર્ટૂન' યોજાશે એ પછી આ સંખ્યામાં ઊછાળો આવશે. અલબત્ત, વચ્ચે એક જ દિવસ હતો.
બી.એ.ની તમામ વિદ્યાર્થીનીઓ સમક્ષ 'કહત કાર્ટૂન'ની રજૂઆત

'કહત કાર્ટૂન'માં કાર્ટૂનકળા, એના વિષય અને કાર્ટૂનને શી રીતે માણી શકાય એની રજૂઆત થઈ. આ કાર્યક્રમનું સુખ એ છે કે એમાં 'કાર્યક્રમ કેવો રહ્યો?'નો પ્રતિભાવ કોઈને પૂછવો ન પડે. કાર્ટૂન દેખાડીએ અને તત્ક્ષણ હાસ્ય ગૂંજે એટલે પ્રતિભાવની રસીદ મળી ગઈ સમજવી.
'કરત કાર્ટૂન'ની વર્કશોપમાં
'કહત કાર્ટૂન' પછી 12 અને 13 ડિસેમ્બર, ગુરુ અને શુક્રવારે ત્રણ ત્રણ કલાક- એમ કુલ છ કલાકની વર્કશોપ હતી. બે દિવસ અગાઉ નોંધાયેલી બત્રીસની સંખ્યા વધીને સીધી સત્તાવને પહોંચી ગઈ હતી. એટલે એક નિર્ણય એ લીધો કે આ વર્કશોપ આપણે બે તબક્કે કરવી રહી. એક બૅચમાં પચીસ-ત્રીસ વિદ્યાર્થીનીઓ અને બાકીની બીજી બૅચમાં.
પહેલા દિવસે કાર્ટૂન વિશે વાતો વધુ થઈ અને કાર્ટૂન વિશેની સમજણને સ્પષ્ટ કરવામાં આવી. અલબત્ત, થિયરીની રીતે નહીં, પણ ઉદાહરણ સહિત, જેથી રસ જળવાઈ રહે. છૂટા પડતી વખતે સૌને કોઈક વિષય વિચારીને કે દોરીને બીજા દિવસે આવવા જણાવાયું.
"તમારા હાથી બતાવો."
બીજા દિવસે એટલે કે આજે કાર્ટૂન ચીતરવા અંગેની વિવિધ ટીપ્સ આપવામાં આવી. એમાં સૌથી વધુ મજા કેરિકેચર દોરતાં અને એ દોરતાં પહેલાં નિરીક્ષણ કરવાની આવી. એક પછી એક વિદ્યાર્થીનીઓ આવે, પોતાના ચહેરા વિશે જણાવે કે એમાં શું ધ્યાન ખેંચે એવું છે (કાન, નાક, ભ્રમર, હોઠ વગેરે) અને એને કેરિકેચરમાં અતિશયોક્તિપૂર્વક શી રીતે ચીતરી શકાય. અલબત્ત, આ સેશનમાં શરૂઆત મારા પોતાના ચહેરાથી થઈ. એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે પોતાનું નાક લાંબું છે. તો એની પર છોકરાંને લપસણી ખાતાં બતાવી શકાય. એક વિદ્યાર્થીનીના ગાલ પર (ખીલના) ટપકાં હતાં, તો એ ટપકાંને જોડીને ચિત્ર બનાવતું બાળક ચીતરી શકાય...આવી અનેક કલ્પનાઓ થઈ. કાર્ટૂન માણવામાં પહેલી શરત જાત પર હસતાં શીખવાની છે એ સમજણ આવા પાઠ થકી સ્પષ્ટ થાય એની મજા ઓર છે.
"મારા ચહેરાનું કેરિકેચર ચીતરવું હોય તો...."

બે દિવસીય આ વર્કશોપ પછી સૌ છૂટા પડ્યાં ત્યારે એટલું તો થયું કે હવે તેઓ એક જ વસ્તુને વિવિધ ખૂણેથી નિહાળતાં થાય એ સમજતાં થયાં.
એકાદ સપ્તાહમાં જ બીજી બૅચ થશે. એમાંય આવી જ મજા આવશે એ નક્કી છે.
કોઈ એક વિષય પર કાર્ટૂન દોરતી વિદ્યાર્થીનીઓ

કાર્ટૂન ચીતરતાં શીખવવાનો અનુભવ મારા માટે પ્રમાણમાં નવો કહી શકાય એવો છે, પણ એનો આરંભ ગુતાલ શાળાના ઉત્સાહી શિક્ષક- મિત્ર પારસ દવેના આમંત્રણથી થયો, જેને 'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન'ના સિનીયર પી.આર.ઓ. પાર્થ ત્રિવેદીએ આગળ વધાર્યો. હવે વધુ એક વાર એ પાકું થયું. શીખવતાં શીખવતાં શીખતા જવાના આ અનુભવમાં સહભાગી સૌ મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા.