Sunday, August 27, 2023

દેશના ધનિક કલાકારોની યાદીમાં સમાવેશ: રાજીપો? નારાજગી? કે ફફડાટ?

 (સૌથી ધનિક હોય એવા હયાત કલાકારોની યાદીમાં પાંચ ગુજરાતી કલાકારો પૈકીનું એક નામ જ્યોતિ ભટ્ટનું પણ છે. આ સમાચાર મેં 20-8-23ના દિવ્ય ભાસ્કરમાં વાંચ્યા અને અમુક મિત્રોએ પણ મને જણાવ્યા. આની અસલિયત શી છે એ જ્યોતિભાઈને રૂબરૂ મળીને જાણ્યા પછી તેમણે લખેલી નોંધ. - બીરેન કોઠારી)

 

દેશના ધનિક કલાકારોની યાદીમાં સમાવેશ: રાજીપો? નારાજગી? કે ફફડાટ?

-     જ્યોતિ ભટ્ટ

સૌથી ધનિક એવા ભારતમાંના પચાસ હયાત કલાકારોની યાદીમાં મારું નામ સામેલ થયાના સમાચાર જાણવા મળે ત્યારે આનંદ કરતાં વધુ આશ્ચર્ય થાય! વિગતે વાત કરું. 20 ઑગષ્ટ, 2023ને રવિવારના દિવ્ય ભાસ્કરમાં પહેલે જ પાને એક સમાચાર પ્રકાશિત થયા. ત્રણેક સંબંધીઓએ સવાર સવારમાં જ મને આ બાબતની જાણ કરીને અભિનંદન પાઠવ્યા. મેં આ સમાચાર વાંચ્યા અને વાંચીને રમૂજમિશ્રિત મૂંઝવણ થઈ આવી.


(દિવ્ય ભાસ્કર, 20-8-23, રવિવાર)

મને લાગ્યું કે આ સમાચારમાં દર્શાવાયેલી વિગતોનાં અનેક અર્થઘટન, અથવા તો અનર્થઘટન થઈ શકે છે. પહેલું તો એ કે કળાકારોની કૃતિઓ જે એક વર્ષમાં વેચાઈ તે ક્યાં, ક્યારે, કેવી રીતે અને કોણે વેચી અને કોણે ખરીદી તેનો અણસાર સુદ્ધાં આમાં નથી. આથી વાંચનારને એમ જ લાગે કે અહીં ઉલ્લેખાયેલા કલાકારોએતગડી કમાણી કરી હશે. હુરુન ઈન્‍ડિયા દ્વારા તૈયાર કરાયેલી અને બહાર પડાયેલી આ યાદી અનુસાર મને થયેલી કુલ આવક 0.37 કરોડ (એટલે કે 37 લાખ) અને મારી કૃતિની સૌથી વધુ ઉપજેલી કિંમત 0.27 કરોડ (એટલે કે 27 લાખ) છે. આ સૌથી અસ્પષ્ટ બાબત છે, જેની મને જાણ સુદ્ધાં નથી. સંભવ છે કે 0.37 કરોડની કિંમતની મારી કૃતિઓ ભારતમાં કે ભારત બહાર કોઈ આર્ટ ઑક્શનમાં વેચાઈ હોય. એ શક્યતા પણ ખરી કે ભૂતકાળમાં વિવિધ આર્ટ ગેલરી યા વ્યક્તિગત સંગ્રાહકે મારી કૃતિઓને સાવ ઓછી કિંમતે ખરીદીને પોતાની પાસે રાખી મૂકી હશે અને તેની યોગ્ય કિંમત ઉપજતાં તેને વેચી હશે. આવું થાય ત્યારે કલાકારને અને તેની બિનહયાતિમાં તેના વારસદારને તે કૃતિની ઉપજેલી કિંમતનો અમુક હિસ્સો મળવો જોઈએ એવી માગણી દુનિયાભરના કલાકારો વરસોથી કરતા આવ્યા છે, પણ આજ સુધી કોઈને કશું મળ્યું નથી.

કોઈ કૃતિની ઊંચી કિંમત ઉપજ્યાના સમાચાર પ્રકાશિત થાય એટલે કળા અને કળાકાર અંગેની ચર્ચા જાણે કે નવેસરથી શરૂ થતી લાગે છે. વાસ્તવિકતા શી હોય છે? કેટલાંક ઉદાહરણ પરથી મારી વાત વધુ સ્પષ્ટ કરું.

મારી એક કૃતિ મેં 1954-55માં તૈયાર કરેલી. મુંબઈ આર્ટ સોસાયટીના 1955ના વાર્ષિક પ્રદર્શનમાં તેને પ્રદર્શિત કરી. એ કૃતિને સો રૂપિયાનો પુરસ્કાર એનાયત કરાયેલો અને એટલી જ કિંમતે તેનું વેચાણ પણ થયું હતું. આમ, મને એ સમયે એ કૃતિના બસો રૂપિયા મળ્યા હતા એમ કહી શકાય. 63 વર્ષ પછી મુંબઈની પંડોલ આર્ટ ગેલરીએ એક ઑક્શનમાં તેને મૂકી. મને મળેલી માહિતી મુજબ દિલ્હીની DAG આર્ટ ગેલરીએ એ કૃતિ માટે દસ લાખની બોલી લગાવીને તેને મેળવી લીધી હતી. આનો અર્થ એ કે DAGએ પંડોલ ગેલરી દ્વારા એ કૃતિના માલિકને દસ લાખ ચૂકવ્યા હશે ઉપરાંત 20 ટકા પ્રમાણે બે લાખ પંડોલ ગેલરીને તેમજ વેરારૂપે બે લાખ ભારત સરકારને પણ ચૂકવ્યા હશે.

મારી અન્ય એક કૃતિ મેં લગભગ 1961માં બનાવેલી. એ સમયે ઉજ્જૈનની કાલિદાસ અકાદમી તરફથી વાર્ષિક કલાપ્રદર્શન યોજાતાં હતાં, જેમાં મહાકવિ કાલિદાસની નિયત કૃતિ સાથે સંકળાયેલા વિષય પર આધારિત કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવતી. બે ફીટ બાય 2.30 ફીટની મારી એક કૃતિ તેમાં પુરસ્કૃત થઈ હતી. ત્યાર પછી મારી અનુપસ્થિતિમાં 1964થી 1966 દરમિયાન એ કૃતિ ત્યારે યોજાયેલા ફાઈન આર્ટ્સ ફેરમાં તત્કાલીન પ્રાધ્યાપકો દ્વારા વેચાણ માટે મૂકાઈ હશે અને કોઈકે તે ખરીદી હશે. મને આ અંગે કશી જ માહિતી નથી. પરંતુ 2019માં અમેરિકાના ખ્યાતનામ ઑક્શન હાઉસ ક્રીસ્ટી તરફથી મને એક ઈ-મેલ મળ્યો, જેમાં એ ચિત્ર મારું જ હોવા બાબતે પૃચ્છા કરવામાં આવી હતી અને મારા દ્વારા તેમને એ ખાત્રી મેળવવી હતી. એ ચિત્ર ઑક્શનમાં મૂકાયું ત્યારે તેની કિંમત છથી આઠ હજાર યુ.એસ.ડોલર જણાવાઈ હતી. જો કે, તેની હેમર પ્રાઈસ એટલે કે વેચાણ કિંમત 28,500 યુ.એસ.ડોલર ઉપજેલી. મને લાગે છે કે મારી કોઈ કૃતિની ઉપજેલી આ સૌથી વધુ કિંમત હશે. અલબત્ત, તેમાં મને કશું મળ્યું નહોતું.

અખબારમાં આ પ્રકારે સમાચાર પ્રકાશિત થાય ત્યારે તેના વાચકો તો ઠીક, આવકવેરા વિભાગના અધિકારીઓ પણ એમ માની લે એવી શક્યતા છે કે આ રકમ હકીકતમાં કલાકારને મળી હશે. તાજેતરમાં પ્રકાશિત થયેલા સમાચાર પછી મને એક સંસ્થાનો ઈ-મેલ મળ્યો. જો કે, એ કેવળ યોગાનુયોગ હતો. Not for Profitના ધોરણે ચલાવાતી એ સંસ્થાના સંચાલનખર્ચની વિગતોની સાથે તેમાં ઉદારતાપૂર્વક મદદ કરવાની અપીલ કરાઈ હતી. સાથે એ માહિતી પણ અપાઈ હતી કે સંસ્થાને અપાયેલું દાન આવકવેરાની કલમ 80 જી મુજબ કરમુક્તિને પાત્ર છે. હવે એ આશા રાખવી રહી કે આવકવેરા વિભાગ તરફથી આ સમાચારના આધારે કોઈ નોટિસ મોકલવામાં ન આવે.

અલબત્ત, હજી પાયાનો સવાલ રહે છે કે આ યાદી તૈયાર કરનાર હુરુન ઈન્‍ડિયા છે કોણ? તેની વિગતે વાત અલગથી.

**** **** **** 


41મો ક્રમ, 41 ગણી ખુશી

-     જ્યોતિ ભટ્ટ


દેશના સૌથી ધનિક પચાસ હયાત કલાકારોની યાદી હુરુન ઈન્‍ડિયા દ્વારા તૈયાર કરીને બહાર પાડવામાં આવી, જે અંગેના સમાચાર 20 ઑગષ્ટ, 2023ને રવિવારના દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયા. આ યાદીમાંના પાંચ કલાકારો ગુજરાતી હોવાનું જણાવાયું છે, જેમાં ગુલામ મોહમ્મદ શેખ, હિંમત શાહ, શાંતિ દવે, મનુ પારેખ અને જ્યોતિ ભટ્ટનો એટલે કે મારો સમાવેશ આ જ ક્રમમાં છે. આ જાણીને સહજ જિજ્ઞાસા થાય કે હુરુન ઈન્‍ડિયા છે શું? ગૂગલને પૂછતાં તે જણાવે છે: ‘Hurun is a ranking of individuals with a net worth of INR 1,000 crore  and has grown to become the most comprehensive rich list from India.’ બીજા શબ્દોમાં કહીએ તો આ કંપની ભારતના સૌથી ધનિક લોકોની ક્રમાનુસાર સર્વાંગી યાદી તૈયાર કરે છે. ભારતીય મૂળના પચાસ સૌથી ધનિક કલાકારોની તેમણે તૈયાર કરેલી યાદી આ મુજબ છે. આ યાદી અહીં મેં ક્રમાનુસાર મૂકી નથી, પણ તેમાં સમાવાયેલાં નામનો ઉલ્લેખ કરેલો છે.

અનિશ કપૂર, કિશન ખન્ના, રામેશ્વર બરુટા, અર્પિતા સિંઘ, જોગેન ચૌધરી, શક્તિ બર્મન, અંજલિ મેનન, નલિની માલાની, શકીન શૉ, પરેશ મૈતી, લક્ષ્મા ગૌડ, બોઝ ક્રિશ્નામાચારી, સૈયદ યજુદ્દીન, લાલુપ્રસાદ શૉ, ગુલામમોહમ્મદ શેખ, અત્તીનગલ રામચંદ્રન, હિંમત શાહ, અલ્તાફ નવજોત, થોટા વૈકુંઠમ, જી.આર.ઈરન્ના, ભારતી ખેર, ગોગી સરોજ પાલ, જયશ્રી બર્મન, સીલીઆ પૉલ, વસુંધરા તિવારી બરુટા, જયશ્રી ચક્રવર્તી, મનુ પારેખ, ગણેશ હાલોઈ, સુધીર પટવર્ધન, જ્યોતિ ભટ્ટ, રઘુ રાય, શાંતિ દવે, સુબોધ ગુપ્તા, રવીન્‍દર રેડ્ડી, જિતેશ કાલ્લટ, રાહુલ દાસગુપ્તા,અતુલ ડોડીયા, પ્રભાકર કોલસે, કે.એસ.રાધાકૃષ્ણન, ગીવ પટેલ, પરમજિત સિંઘ, શીબુ નટેસન, સિદ્ધાર્થ પરાસનીસ, ટી.વી.સંતોષ, વીવાન સુંદરમ, સુદર્શન શેટ્ટી, વેલુ વિશ્વનાથન, નારાયણ અક્કીતમ, ત્રિલોક કોલ અને કિશોર શિંદે.

અખબારમાં જણાવાયા અનુસાર પચાસની આ યાદીમાં પાંચ કલાકારો ગુજરાતી છે, પણ યાદી જોતાં ખ્યાલ આવે છે કે તેમાં અતુલ ડોડીયા (ગુજરાતી) અને ડૉ. ગીવ પટેલનાં (પારસી) નામ છે. એટલે કે કુલ સાત ગુજરાતી કલાકારો છે. ગુજરાતી ન હોય, પણ ગુજરાતમાં એટલે કે વડોદરાની ફાઈન આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હોય એવા કલાકારોની સંખ્યા પણ નોંધપાત્ર છે. જેમ કે, ત્રિલોક કોલ, શાંતિ દવે, હિંમત શાહ, ટી.વી.સંતોષ, ગુલામ મોહમ્મદ શેખ, જયશ્રી ચક્રવર્તી, લક્ષ્મા ગૌડ, વિવાન સુંદરમ, શીબુ નટેસન, કિશોર શિંદે, રવીન્‍દર રેડ્ડી, થોટા વૈકુંઠમ અને જ્યોતિ ભટ્ટ.

આ યાદી 2021-22ની છે, આથી તેમાં વિવાન સુંદરમનું નામ જોવા મળે છે. વિવાનનું અવસાન 27 માર્ચ, 2023ના રોજ થયું.

હુરુનનું કામકાજ હું એવું સમજ્યો કે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી આ સંસ્થા વિવિધ દેશો તથા વ્યવસાય સાથે સંકળાયેલી અતિ શ્રીમંત વ્યક્તિઓની તારવણી કરે છે. ભારતના હયાત ધનિક કલાકારોની યાદીમાં મારું નામ 41મા ક્રમે મૂકાયું જાણીને મને આશ્ચર્ય થયું છે. કેમ કે, સમગ્ર ભારતનો સંદર્ભ હોય તો પણ આ યાદીમાં ફક્ત વડોદરામાં કેટલાંક નામ એવાં છે કે જે મારા કરતાં પહેલાં હોવાં જોઈએ. જેમ કે, રેખા રોડવીટ્ટીયા, સુરેન્‍દ્ર નાયર, નટરાજ શર્મા, અબીર કરમાકર, ધ્રુવ મિસ્ત્રી વગેરે.

પોતાની પાસે નાણાં હોવાં એ એક વાત છે, અને સૌથી ધનિકોની યાદીમાં નામ હોવું અલગ વાત છે. અત્યારે તો એ યાદીમાં 41મા ક્રમે મૂકાયાનો આનંદ માણવાનો છે. મૂળ વાત એટલી જ છે કે આનંદ મળવો જોઈએ.

4 comments:

  1. આ માત્ર આશ્ચર્યની વાત નથી, પણ આઘાતની વાત એ રીતે છે કે કળાના મૂળ સર્જકને આટલી હદે અપમાનિત કરી નાખવામાં ઘણાં લોકો સક્રિય હોય છે. આમાં કૉપિરાઇટ જેવું કોઈ કાયદાકીય બંધન નહીં હોય ?

    ReplyDelete
  2. આ સમાચાર વાંચ્યા કે તરત જ મને આ જ વિચાર આવ્યો હતો. કલાકારોને આ હદે ઉપેક્ષિત રાખતા હશે તેની કલ્પના પણ નહોતી. કલાને નામે ખરો ધંધો તો દલાલો જ કરી ખાય છે. કલાકારોને એક પૈસો પણ રોયલ્ટી નથી મળતી એ જાણીને ભયંકર આઘાત લાગ્યો. કલાના કહેવાતા પેટ્રન આ બાબતે ચૂપ કેમ છે ?

    ReplyDelete
  3. ગુલામ એહમદ શેખ અને જ્યોતિ સર બરોડા ફાઈન આર્ટ્સ કોલેજમાં મારા શિક્ષક રહી ચૂક્યા છે. એટલે આ સમાચાર એક કડવી મજાક સમાન લાગે છે. ક્રુર મજાક ્

    ReplyDelete
  4. શ્રી બિરેનભાઈ, નમસ્તે. તમારા વેબ ગુર્જરીમાંના લખાણ દ્વારા પરિચિત છું. જ્યોતિભાઈ અમારા સ્વજન છે પરંતુ આ લેખ વાંચી ઘણી ઊંડી, નવી માહિતી મળી. ધન્યવાદ. ૨૧ સપ્ટે. ઓસ્ટિનથી વડોદરા આવવાની છું. સરયૂ. SaryuParikh@yahoo.com. www.saryu.wordpress.com

    ReplyDelete