Sunday, August 13, 2023

'સાગર' સાથેની સવાર

 પુસ્તકાલયો સાથે લોકોનું જોડાણ ઘટી રહ્યું હોવાની ફરિયાદ લગભગ સાર્વત્રિક છે. નવસારીના સયાજીવૈભવ પુસ્તકાલય અને તેમાં થતી પ્રવૃત્તિઓ વિશે જે સાંભળ્યું છે, એ આ હકીકતને ખોટી ઠેરવે છે. અલબત્ત, નડિયાદના 'અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય'માં પ્રવૃત્તિઓનો ધમધમાટ મેં નજરે જોયો છે, અને છેલ્લા થોડા સમયથી તેની સાથે અમુક રીતે સંકળાયો પણ છું. અહીં યુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાય છે એ જોઈને હૈયું ઠરે એવું છે. પ્રો.હસિત મહેતા, પ્રો.આશિષ શાહ, નીરજભાઈ યાજ્ઞિક, કુલીનચંદ્ર યાજ્ઞિક જેવા કુશળ માર્ગદર્શકો આ સમગ્ર પ્રવૃત્તિ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે.

દર મહિનાના પ્રથમ રવિવારે 'ગ્રંથનો પંથ' કાર્યક્રમમાં એક નિમંત્રીત વક્તા આવીને કોઈ પુસ્તક વિશે વાત કરે છે અને એ પછી સવાલજવાબ ચાલે છે. આમ, વરસના બાર વક્તાઓ બાર પુસ્તક વિશે વાત કરે એવો ઉપક્રમ છે. આવા કુલ સો મણકાનું સમાપન થયું. એકસો એકમા મણકામાં 'સાગર મુવીટોન' પુસ્તક વિશે મારો વાર્તાલાપ આયોજિત થયો હતો.
આ પુસ્તક વિશે એક કલાકમાં વાત કરવી અઘરી છે. અગાઉ આ પુસ્તક વિશે જ્યાં પણ વાર્તાલાપ યોજાયો ત્યાં પડદા પર પ્રેઝન્ટેશન પણ હતું, જેને કારણે એ વધુ રસપ્રદ બની રહેતો. અહીં એ વિકલ્પ હતો, પણ હૉલની રચના જોતાં એ વિકલ્પ પડતો મૂકીને માત્ર વાર્તાલાપનો જ ઉપક્રમ વિચાર્યો. સામે વિવિધ વયજૂથના શ્રોતાઓ હતા. એ સૌની રુચિને અનુરૂપ વાત હોય એ શક્ય નહોતું, કેમ કે, ઘણાં જાણીતાં, પણ જૂનાં નામ સાથે બધાનું અનુસંધાન ન પણ હોય. આ સંજોગોમાં માહિતી પણ મળે અને રસ પણ જળવાઈ રહે એ રીતે આખી વાત કહેવાની હતી. એ કેટલી હદે સફળ રહ્યું એ ખબર નથી, પણ મારો પ્રયત્ન એ દિશામાં હતો.
આ મણકાથી એક નવિન શરૂઆત એ થઈ કે 'ગુલદસ્તો' નામનો એક ઉપક્રમ આરંભાયો. આગલા માસના ચૂંટેલા સાહિત્યિક-સાંસ્કૃતિક સમાચારોનું કાર્યક્રમના આરંભે વિદ્યાર્થી દ્વારા જ પઠન થાય, જેની શરૂઆત ધ્રુવીથી થઈ. બીજો ઉપક્રમ પણ મજાનો હતો, જેમાં વક્તા પરિચયની ઔપચારિકતા પણ વિદ્યાર્થી જ નિભાવે. એ કામ કૃતિએ બહુ સારી રીતે કર્યું.
વક્તવ્ય પછી થતા સવાલ-જવાબ બહુ રસપ્રદ બની રહે છે. નડિયાદના શ્રોતાઓ કેળવાયેલા શ્રોતાઓ હોવાથી તેમના દ્વારા પૂછાતા સવાલ પણ એવા જ સ્તરના હોય, જેના જવાબ આપતાં વક્તાની કસોટી થઈ જાય.
આમ, રવિવારને 6 ઑગષ્ટની સવાર આનંદદાયક બની રહી.
અહીં થઈ રહેલી બીજી અનેક પ્રવૃત્તિઓ વિશે વખતોવખત જણાવતા રહીશું. કેમ કે, એ બધું એક વારમાં કહી શકાય એવું નથી, અને કહી દેવા જેવું પણ નથી.
'સાગર મુવીટોન' પુસ્તક પરનો મારો વાર્તાલાપ યુ ટ્યૂબ પર અહીં સાંભળી શકાશે. 'ગુલદસ્તો'થી લઈને છેલ્લે 'સવાલ-જવાબ' સુધીની લગભગ બે કલાકની ક્લીપ છે. અવાજ એકદમ સુસ્પષ્ટ નથી, પણ બોલવામાં આવે એ સાંભળી શકાય છે ખરું.

No comments:

Post a Comment