Wednesday, September 6, 2017

ગણેશ વિસર્જને

 

हम लोग खिलौने हैं, एक ऐसे खिलाड़ी के

जिसको अभी सदियों तक, ये खेल रचाना है
આપણા તહેવારો સાથે સ્વચ્છતા અને પવિત્રતા અભિન્નપણે જોડાયેલાં છે. ગણેશ વિસર્જન ટાણે વાગતો ડી.જે.સાઉન્ડ આપણા કાનના એવા એવા અંતરિયાળ ખૂણે જઈ પહોંચે છે અને મેલને ખેરવી શકે છે, જ્યાં ગમે એવી વાંકીચૂકી હેરપીન કદી પહોંચી ન શકે. આ દિવસે અઢળકપણે ફોડવામાં આવતું દારૂખાનું ચોમાસા પછી પેદા થઈ ગયેલી નાની નાની જીવાતોને ખતમ કરે છે. રસ્તે ઉડાડવામાં આવતા ગુલાલ પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. હલકીફૂલકી જીવાતો સામાન્યપણે નીચે આવતી નથી. ગુલાલને હવામાં ઉડાડવાથી ગુલાલ એ જીવાતોને ચોંટી જાય છે, અને એ જીવાતો નીચે આવે છે. ત્યાર પછી તેને ડી.જે.સાઉન્ડ અને દારૂખાનાના ધુમાડાથી ખતમ કરવામાં આવે છે. જીવહિંસા આપણી સંસ્કૃતિમાં 'શરતો લાગૂ' સાથે પાપ ગણાય છે. કોઈ પણ સભાન અને સંવેદનશીલ માણસ એક નાના જંતુને કે મોટી ગાયને મારવાનું તો ઠીક, ઈજા પહોંચાડવાનું વિચારી સુદ્ધાં ન શકે. આમ કરવા માટે તેણે ભાન ભુલવું જરૂરી છે. અને આમ કરવા માટે તેણે કોઈક નશીલા દ્રવ્યને શરણે જવું પડે છે. આમ, પોતાની જાત પર જુલમ કરીને પણ તે ભાન ભૂલે છે અને બહુજનહિતાય એ દ્રવ્યનું સેવન કરે છે.
ગણેશજીના તહેવાર ટાણે આકળા થઈ જતા લોકોને આ બધાં વૈજ્ઞાનિક કારણોની ક્યાંથી જાણ હોય? અનેકવિધ રૂપ ધારણ કરતા ગણેશજીઓ આ ખેલ જોઈને એકબીજાને કહે છે, 'એક ડુંડ સે આના હૈ, એક ડુંડ મેં જાના હૈ'.



No comments:

Post a Comment