Friday, July 29, 2011

દો બોલ તેરે મીઠે મીઠે: ગીતે પહોંચાડ્યા ગીતકાર સુધી.


બ્લોગનું આ માધ્યમ બહુ વિશિષ્ટ છે. આમ અંગત અને આમ જાહેર. આથી જ અહીં એવી વાતોય ઘણી વાર લખવાનું મન થાય કે જે લખવાનો અવકાશ અન્ય જાહેર માધ્યમમાં ન હોય અથવા તો ઓછો હોય. જો કે, બ્લોગ પર અંગત વાત લખતાંય એટલી કાળજી રાખવી જરૂરી છે કે એને વાંચવામાં અન્યને રસ પડે. આ વખતે એવી જ એક વાત, જે છે તો બહુ સામાન્ય, પણ મઝા પડે એવી છે.  
હિંદી ફિલ્મો જેમ દેશ આખાની જનતાને એકસૂત્રે જોડતી હોવાનું કહેવાય છે, એવું જ ફિલ્મસંગીત માટેય  કહી શકાય. એમાંય જૂના હિંદી ફિલ્મસંગીતના પ્રેમીઓની બિરાદરી દેશભરમાં ને વિદેશમાંય એવી અને એટલી છે કે એને ખરા અર્થમાં રાષ્ટ્રીય એકતાનું પ્રતીક કહી શકાય. અલબત્ત, આ ચાહકોમાં ત્રણ પ્રકાર છે. જાણક, માણક અને મારક. (સૌજન્ય:રજનીકુમાર પંડ્યા). આ પ્રકારોના અર્થવિસ્તારની જરૂર નથી, કેમ કે નામ મુજબ એ સ્વયંસ્પષ્ટ છે. ક્યારેક કોઈક એક વ્યક્તિમાં પણ આ ત્રણ પ્રકાર જોવા મળી શકે.
આ પોસ્ટમાં વાત આવા સંગીતચાહકોની તો છે જ, પણ કેન્દ્રમાં કોઈ વ્યક્તિ નહીં, એમનો સંગીતપ્રેમ છે, જેને લઈને અલગ અલગ શહેરમાં, અલગ સંજોગો, અલગ વ્યવસાય, અલગ માનસિકતા, અરે, ઉંમરમાં પણ ઘણી અસમાનતા હોવા છતાંય સૌનું વલણ છે નિષ્ઠાવાન સંગીતપ્રેમીનું. કાર્યપદ્ધતિ પણ લગભગ સમાન જેવી.  

રજનીકુમાર પંડ્યા:
ના, એ પિયાનોવાદન જાણતા નથી.  
આ પોસ્ટનું પગેરું જાય છે લગભગ બે દાયકા પહેલાં. ટાઇમ્સ ઓફ ઈન્ડીયા ગુજરાતીમાં એકાદ વરસ પ્રકાશિત થયેલું. એમાં દર મંગળવારે રજનીકુમાર પંડ્યા ગુંજન કોલમમાં કોઈ એક જૂના હિંદી ફિલ્મ ગીતનો આસ્વાદ કરાવતા. આ કોલમ બહુ ઓછા સમય માટે ચાલી, પણ અમને એ એટલી પ્રિય હતી કે એનાં કટીંગ અમે સાચવી રાખેલાં. એમાં ગાયક, ગીતકાર, સંગીતકાર જેવી ગીતની વિગત ઉપરાંત ગીતનો આખો પાઠ પણ આવતો. રજનીભાઈએ બ્લોગ શરૂ કર્યો ત્યારે અમારા મનમાં એવું ખરું કે ગુંજન હવે નવા સ્વરૂપમાં આવે. બ્લોગના આ અવકાશી ઓટલામાં તો ગીત પણ સાંભળી શકાય એવી જોગવાઈ છે, એટલે મઝા બેવડાઈ જાય.
રજનીભાઈએ તૈયારી બતાવી. આ વિષયના પહેલા લેખ તરીકે ફિલ્મ દારાના અદભૂત ગીત દો બોલ તેરે મીઠે મીઠેનો આસ્વાદ કરાવતું લખાણ અપલોડ કરવા માટે ઈ-મેઈલથી મોકલ્યું. સાથે ગીતના સંગીતકાર મહમદ શફીનો એકલ તેમજ અન્ય સંગીતકારો સાથે તેમનો સમૂહ ફોટો મોકલ્યો. મને થયું કે સંગીતકારની સાથે સાથે ગાયક-ગાયિકાનો પણ ફોટો મૂકીએ. નેટ પરથી હેમંતકુમાર-લતા મંગેશકરનો ફોટો તરત મળી ગયો, એટલે પોસ્ટની સાથે એ પણ મૂક્યો. હવે બાકી શું રહ્યું? ગીતકાર મધુપ શર્માનો ફોટો. એમનું નામ પ્રમાણમાં ઓછું જાણીતું. તેથી એમનો ફોટો ક્યાં મળે? પહેલાં તો મારી પાસેના આલ્બમ ઊથલાવ્યાં, પણ એમાંથી મળવાની આશા ઓછી હતી. એટલે સુરતના હરીશ રઘુવંશીને પૂછી જોયું. હરીશભાઈ પાસે પણ એમનો ફોટો હતો નહીં, એટલે એમણે કાનપુરના હરમંદીરસીંઘ હમરાઝ તરફ આંગળી ચીંધી. પણ મને થયું હિંદી ફિલ્મોના ૧૯૩૧થી ૧૯૮૦ સુધીના ગીતોને પાંચ ભાગના ગીતકોશમાં સંપાદિત કરનાર હરમંદિરસીંઘને કંઈ આટલી અમથી વાત માટે તસ્દી અપાય? ગંગાનું અવતરણ કરનાર ભગીરથને એમ થોડું કહેવાય કે મારા ઘરના નળમાં પાણી લાવી આપો! એવું મનમાં થયું એટલે અરજી એમને મોકલતાં અગાઉ મેં ઈન્ટરનેટ પર થોડી તપાસ કરી. પણ ઈન્ટરનેટ પરથી ફિલ્મ વિષેની માહિતી ન મળે એના કરતાં એ મળે ત્યારે વધુ ગૂંચવાડો સર્જાય છે. વિવિધભારતીની વેબસાઈટ પરથી સફેદ વાળ અને સફેદ દાઢી ધરાવતા એક એનાઉન્સર મધુપ શર્માની ફક્ત તસવીર જ મળી, બીજી કશી માહિતી નહીં. એ સિવાય સીત્તેરના દાયકામાં ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કરતા એક મધુપ શર્માની પણ માહિતી મળી. હજી વધુ ફાંફા મારતાં હિંદી પુસ્તકો અને પ્રકાશકોને લગતી એક માહિતી મળી. અહીંથી જે માહિતી મળી એણે કંઈક કેડી ચીંધી. 
(ડાબે) હરમંદીરસિંઘ 'હમરાઝ' - સાથે નૌશાદ (જમણે)
મધુપ શર્મા નામના એક ઉપન્યાસકારનાં પુસ્તકોની યાદી કિતાબઘર પ્રકાશનના વેબપેજ પરથી હાથ લાગી. એમાં એક પુસ્તક હતું આખિરી અઢાઈ દિન’. ખ્યાતનામ અભિનેત્રી મીનાકુમારીના અંતિમ દિવસોની દાસ્તાન એમાં નવલકથારૂપે લખાયેલી હતી. પુસ્તકના પરિચયરૂપે એક નાનકડો ફકરો હતો, અને એ પછી હતી લેખકે લખેલી પ્રસ્તાવના. આ પ્રસ્તાવનામાં મધુપ શર્માએ લખેલું હતું કે પોતે ગીતકાર બનવા માટે મુંબઈ ગયા, પછી શી રીતે રેડિયો સાથે જોડાયા, મીનાકુમારી સાથે પરિચય થયો, જે આગળ જતાં આત્મીયતામાં પરિણમ્યો વગેરે.. એટલે એક વાત લગભગ પાકી થઈ ગઈ કે ગીતકાર, રેડીયોવાળા અને ઉપન્યાસકાર મધુપ શર્મા એક જ વ્યક્તિ હોવી જોઈએ. ,હરમંદિરસીંઘને આટલી વિગતો મોકલીને હવે પૂછી શકાય કે વધુ પ્રકાશ પાડો. ૧૮મી જુલાઈએ બપોરે લગભગ પોણા ચારે આ વિગતો સાથેનો મેઈલ તેમને કર્યો. ગીતકોશના સંપાદન વખતે ગીતોની અધિકૃતતાની ચકાસણી વખતે એમણે એટલી ચોકસાઈ રાખી હતી કે આ ગીતકાર સાથે એમનું કોઈક અનુસંધાન નીકળશે એની ખાતરી હતી અને એવું જ થયું. બે કલાકથીય ઓછા સમયમાં એમણે તરત વળતા મેઈલમાં જણાવ્યું," ફિલ્મપાક્ષિક માધુરીમાં મધુપજીનો એક ઈન્ટરવ્યૂ પ્રકાશિત થયેલો, જેમાં ૧૯૫૫ની એક ફિલ્મ શ્રી નકદ નારાયણનું એક ગીત યે મુંહ મસૂર કી દાલ તેમણે પોતે લખ્યું હોવાનું જણાવેલું. મારી પાસે ઉપલબ્ધ ૭૮ આર.પી.એમ.ની રેકોર્ડ પર આ ગીત દીનાનાથ (ડી.એન.) મધોકે લખેલું હતું, તેથી મેં માધુરીને પત્ર લખીને આ હકીકતદોષ સુધારી લેવા જણાવ્યું. આના પ્રતિભાવરૂપે મધુપજીએ માધુરીમાં તો ખરો જ, ઉપરાંત મનેય વ્યક્તિગત પત્ર લખીને સ્પષ્ટતા કરી કે એ ગીત મધોકે નહીં, પણ એમણે પોતે લખેલું હતું. આટલું લખ્યા પછી હમરાઝે મને સંબોધીને લખેલું, તમે મને ગીતકાર તરીકેના મધુપજીના પ્રદાન વિષે માહિતી મેળવવા માટે અને એમના વિષે લીસ્નર્સ બુલેટીનમાં વિસ્તૃત લેખ લખવા માટે લલચાવ્યો છે. અને મેં મીરા રોડ (મુંબઈ)ના ઉત્સાહી સંગીતપ્રેમી મિત્ર શિશિરકૃષ્ણ શર્માને એમની તપાસ કરવાનું કામ સોંપ્યું છે.
જો કે, હમરાઝે મેઈલની શરૂઆતમાં જ જણાવ્યું હતું કે મેં મોકલેલી વર્ડફાઈલ doc.x ફોર્મેટમાં હોવાથી એ ખોલીને વાંચી શક્યા નથી અને મારે એ doc ફોર્મેટમાં મોકલવી. એટલે કે આટલી વિગત તો એમણે મારો મેઈલ વાંચ્યા વિના જ આપી હતી. વિના વિલંબે મેં એ જૂના વર્ઝનમાં ફાઈલ મોકલી આપી. બીજે દિવસે સવારે મારા ઈનબોક્સમાં હમરાઝનો મેઈલ આવેલો હતો, જે ખરેખર તો તેમની અને શિશિરકૃષ્ણ શર્મા વચ્ચે થયેલો મેઈલ વ્યવહાર હતો, જેની નકલ મને મોકલવામાં આવી હતી. આગલા દિવસે રાતના સવા દસના મેઈલમાં જ શિશિરકૃષ્ણે હમરાઝને જાણ કરી દીધી હતી કે- લેખક અને ગીતકાર મધુપ શર્મા મલાડમાં રહે છે, અને એંસી વટાવી ગયા છે. એક મિત્ર દ્વારા એમનો પત્તો મળ્યો છે અને અત્યારે વાત કરવા માટે મોડું થઈ ગયું છે. એટલે કાલે વાત. દરમ્યાન તમે મને એમને પૂછવાના પ્રશ્નોની યાદી મોકલી આપો. હમરાઝને પહેલો મેઈલ કર્યાના છ કલાકમાં જ વાત આટલે પહોંચી ગઈ હતી. હમરાઝે શિશિરકૃષ્ણને લખેલા જવાબની,તેમને આપેલી પ્રશ્નોની ટીપની નકલ મને મોકલી હતી. 
એચ.એમ.વી.ના ડમડમ ( કોલકાતા)
 સ્ટુડિયોની મુલાકાતે હરીશભાઈ

આ દરમ્યાન હરીશભાઈ શું કરતા હતા? એમની પાસે મધુપ શર્માનો ફોટો હતો નહીં, એ બરાબર, પણ ના પાડીને છૂટી જાય એ હરીશભાઈના કિસ્સામાં બને જ નહીં. આવું જ વલણ રજનીભાઈનું, જેમને હજી અણસાર પણ નહોતો કે તેમણે મૂકેલી એક પોસ્ટમાં એક ફોટો મૂકવામાંથી વાત છેક મધુપ શર્માને ફરી શોધી કાઢવા સુધી પહોંચી ગઈ છે. (મિત્રો, આ બન્ને સંગીતપ્રેમીઓના આવા વલણનો ગેરલાભ ન લેવા વિનંતી.) 
કૃષ્ણકાન્ત (કે.કે.)

પાંચ દાયકાની ચરિત્ર અભિનેતા તરીકેની પ્રલંબ કારકિર્દી પછી સુરતમાં સ્થાયી થયેલા કૃષ્ણકાંત ભૂખણવાલા (કે.કે.) અમારા સૌના પ્રેમાળ વડીલ. એમની સ્મૃતિ હજીય ટકોરાબંધ છે. હરીશભાઈ સાથે એમને રોજિંદો ફોનવ્યવહાર. હરીશભાઈએ કે.કે.ને પૂછ્યું કે એમણે તરત જણાવ્યું કે ગીતકાર મધુપ શર્મા અને અભિનેતા મધુપ શર્મા બન્ને અલગ વ્યક્તિ છે અને એ બન્નેના ચહેરા એમને બરાબર યાદ છે.
આ આખો ઘટનાક્રમ ચોવીસથીય ઓછા કલાકમાં બની ગયો.
૨૫મી જુલાઈએ હમરાઝનો વધુ એક મેઈલ આવ્યો. તેમણે આખિરી અઢાઈ દિન પુસ્તક ખરીદી લીધું હતું, એટલું જ નહીં, તેના પાછલા જેકેટ પર છપાયેલો લેખક પરિચય સ્કેન કરીને મોકલ્યો હતો, જેમાં મધુપ શર્માનો ફોટો પણ હતો- સફેદ વાળ અને સફેદ દાઢી ધરાવતો. મતલબ કે વિવિધભારતી પરથી જે મધુપ શર્માનો ફોટો મળ્યો હતો એ જ આ ઉપન્યાસકાર.

શિશિરકૃષ્ણ શર્મા અભિનેત્રી જબીન સાથે
દરમ્યાન શિશિરકૃષ્ણ શર્મા જઈને મધુપ શર્માને મળ્યા. મધુપજી નાદુરસ્ત તબિયતને કારણે એકાદ વરસથી હોસ્પીટલમાં છે. તેમના જમાઈ ડૉ. સૂચકની હોસ્પીટલમાં જ એ દાખલ છે. સ્મૃતિ ક્ષીણ થઈ છે, પણ દો બોલ તેરે મીઠે મીઠે ગીત તેમણે પોતે જ લખ્યું હોવાનું જણાવ્યું. નાદુરસ્ત તબિયતને કારણે મધુપજીને વધુ તસ્દી આપવાને બદલે હવે શિશિર કૃષ્ણ શર્મા સોમવાર ૧ ઑગસ્ટના રોજ તેમની દીકરીને મળશે અને ઘણી જાણકારી મેળવશે,જે કદાચ લીસ્નર્સ બુલેટીનના આગામી અંકમાં પ્રકાશિત થશે. 
મધુપ શર્મા
આમ, ૧૬મી જુલાઈએ રજનીભાઈએ ઝબકાર પર મૂકેલી પોસ્ટ ગુંજનના લગભગ અઠવાડિયા પછી ગીતકાર મધુપ શર્માનો ફોટો પણ એમાં ઉમેરાયો.
ફરી યાદ કરાવું કે વાત અહીં ઉલ્લેખાયેલા કોઈ એક વ્યક્તિવિશેષની નથી. (એ પણ ક્યારેક આ બ્લોગ પર કરીશું.) શિશિર કૃષ્ણ શર્માને હું, હરીશભાઈ કે રજનીભાઈ રૂબરૂ મળ્યા નથી. અને ક્યાં અમદાવાદ, ક્યાં કાનપુર, ક્યાં મુંબઈ, ક્યાં વડોદરા અને સુરત! પણ જૂના હિંદી ફિલ્મ સંગીત પ્રત્યેનો પ્રેમ, એના માટેની શોધનવૃત્તિ અને એને અન્ય સમસુખિયાઓની બિરાદરીમાં વહેંચવાની વૃત્તિ એ હદની કે એને લઈને ક્યારેક આવી કથા પાછળની કથા જેવી બ્લોગપોસ્ટ પણ લખવા મળી જાય.  
આટલું વાંચ્યા પછી આ ગીત સાંભળવાની, તેનો આસ્વાદ વાંચવાની ઈચ્છા થઈ હોય તો ક્લીક કરો અહીં, જે લઈ જશે સીધા 'ઝબકાર' બ્લોગના એ પાના પર.
(નોંધ: ફિલ્મસંગીતના ખજાના પર સાપની જેમ બેઠેલા સંઘરાખોરોની સામે આવા સદા વહેંચવા તત્પર હોય એવા સંગીતપ્રેમી મિત્રોની આખી બિરાદરી છે. કેટકેટલાં નામ લખવાં? આથી આ પોસ્ટમાં ફક્ત આ ચોક્કસ કિસ્સામાં સામેલ હોય એટલાં નામ જ લખ્યાં છે.)

12 comments:

  1. liked the blogpost on Shri Madhup Sharma.
    also liked in between references of Harishbhai, about his cooperative nature and
    his relationship with KK ji at Surat. It was an interesting research of you
    on Madhup Sharma ji and the finding of this report was also interesting.
    After so many years, i saw the photograph of actress Zabeen. I saw here two three
    films one of which was 'Batwara'...song 'yeh raat yeh fizaain fir aaye ya na aaye,
    aao shama bujhakar ham aaj dil jalaein'... this duet song was 'filmaya gaya tha'
    on her and may be on male actor Jawahar Kaul...
    Thanks for sharing such a nice and interesting blogpost.

    ReplyDelete
  2. 'Hamraaz' ( hamraaz18@yahoo.com)July 29, 2011 at 9:05 PM

    Beautiful presentation with befitting photographs. By including the photo of Shishir Krishna Sharma, you have paid honour to him which he deserves so richly.

    ReplyDelete
  3. પરેશ દુબેJuly 30, 2011 at 1:13 AM

    શ્રી મધુપ શર્મા પર વાંચી ને કેટલાક નવાઈના ઝટકા લાગ્યા.આ ગીત આમ પણ એક પ્રકારની અદભૂત શ્રેણીમાં આવે છે ,જે પ્રકારે બે અલગ અલગ ગાયકોએ ગાયું છે ,સાથે સાથે કોરસ પણ તેનું કામ કરે છે,રીદમ ,પિયાનો,સોલોવોક્ષ ,વારા પ્રમાણે જે રીતે arrange કરેલ છે,કોઈ ક્યાં ખતમ કરે છે બીજા ત્યાંથી ગાયન ચાલુ કરે છે ,આ બધું માત્ર ગીત સાંભળીને જ માણી શકાય.મેં આ ગીત ૧૯૮૨ માં પ્રથમ વખત સાંભળેલ.તરતજ કેસેટમાં ભરીને [રેકોર્ડ પર થી ]શાંતિ થી અવારનવાર સંભાળતો.ખરેખર શફી પાસે થી આટલું સુંદર ગીત મળશે આશા ન હતી.મને યાદ છે આ રેકોર્ડ ની પાછળ પણ આજ જાતનું કોરસ છે પણ તે એટલું જોરદાર નથી.'આ નયનો મેં'...એવા શબ્દો છે .
    તમને કદાચ ખબર હશે કે એવા ઘણા ગીતકારો છે જેમણે ખૂબજ સુંદર પણ ૨-૪ ૨-૪ ગીત લખ્યા છે ,એમના નામ છે.મહેન્દ્ર પ્રાણ [માંગને સે જો
    મૌત મિલ જાતી -સુનહરે કદમ ]નૂર લખનવી [પરછાયી -વગેરે ]બૂતારામ શર્મા [એ દિલ મચલ મચલ કે -મૈં સુહાગન હૂં]તનવીર નક્વિ -[અનમોલ ઘડી-વગેરે ]કૈફ ઈર્ફાની [ધૂન ,રાગરંગ ,વગેરે ]ન્યાય શર્મા [કિનારે કિનારે ]પરવેઝ શમ્સી [નૌશેર વાને આદીલ ] .....

    ReplyDelete
  4. આપણે ત્યાં રામરોટીમાં છેલ્લે કહેતા ને 'ખાનેવાલેકી જય, ખીલાનેવાલેકી જય'. કંઇક એવી જ લાગણી આ વાંચીને થઇ. હમરાઝ-હરીશભાઇ-રજનીભાઇની આ સ્કૂલના વિદ્યાર્થી બનવા મળ્યું તેનું (જવાબદારીભર્યું) ગૌરવ છે.

    ReplyDelete
  5. Hearty congrats!! How persistantly you pursued
    the matter and got the result that makes many people happy and contented..!!!

    ReplyDelete
  6. excellent article!

    ReplyDelete
  7. Awesome, Madhup Sharma! Awesome, Internet and YOU. Well done.

    ReplyDelete
  8. પ્રિય બિરેનભાઇ, હરીશભાઇ
    આ વિગતો અને એની પાછળની મથામણો...વાંચીને બહુ જ ખુશ થઇ જવાયું.. આમ જ ફોરવર્ડ કરતા રહેજો.. અને આ બધી કમાલ ઇમેલ અને ઇંટરનેટની...
    મને યાદ છે 2000માં મેં ‘ઉજાસનું પ્રથમ કિરણ’ (જુદા જુદા ક્ષેત્રોમાં ભારતની પ્રથમ મહિલા વિશે) પુસ્તક લખ્યું ત્યારે લાયબ્રેરીની જૂની ફાઇલો અને છાપાના કટિંગોની કેટલી ધૂળ (એક વરસ) ખાવી પડેલી !! અને તો ય ફોટા માટે તો ક્યારેક લાચારી જ !! અલબત્ત ત્યારે નેટ હતું પણ એટલું પ્રચલિત નહીં અને મને તો આવડતું પણ નહી... હવે ત્રીજી આવૃતિમાં નેટ પરથી બે દિવસમાં ફોટા ઉપલબ્ધ !!
    આ સરસ, બહુ સરસ કામ છે. રજનીભાઇને ફોન કરીશ..
    મળતા રહીશું.
    લતા જ હિરાણી

    ReplyDelete
  9. Dear Birenbhai,

    Great post! You are a well-networked music lover... keep writing us such interesting stories. :)

    Rutul

    ReplyDelete
  10. Birenbhai tmara jeva sangit chahako aatatli mahenat kare(shodh-sanshodhan ma) ane pachi nipaje aa 'navneet' jevu madhuru git...maza karavi didhi...

    ReplyDelete
  11. સુધા મહેતાAugust 10, 2011 at 2:11 PM

    આ વાંચવાની એવી તો મઝા આવી કે ના પૂછો વાત.
    કથા પાછળની કથા ખરેખર સહુનો આ વિષયનો પ્રેમ છતો કરે છે.
    અભિનંદન.

    ReplyDelete
  12. આવા માણસો (તમે પણ સમાવિષ્ટ છો)ને નીમપાગલ કહેવાય અને તમારી લોકોની આ પ્રકૃત્તિને ખાંખત કહેવાય. તો હે નીમપાગલો, તમારી સૌની ખાંખતિયા વૃત્તિ કેટલી ફળદ્રુપ છે, એનો અંદાજ મારી જેવા ફાયદામંદને જ આવી શકે. સૌને આદરભરી સલામ. ઉપર ઉર્વીશભાઈએ ટિપ્પણી કરી છે એ જ થોડી કાપકૂપ સહીત કહેવું છે.'ખીલાને વાલેકો સલામ'!

    ReplyDelete