લાગણી દુભાવાનો આપણે ત્યાં ગૃહઉદ્યોગ ચાલે છે. ક્યારે, કોની, કયા કારણસર લાગણી દુભાઈ જાય એ કહેવાય નહીં. અને એ દુભાય ત્યારે શું પરિણામ આવે એ પણ નક્કી નહીં. કોના માથા સાટે ઈનામ નીકળી જાય, કોના ઘરની બારીઓના કાચ તૂટે, કોની પર ટોળાનો હુમલો થાય, કોના વિરુદ્ધ હેશટેગ ઝુંબેશ ચાલે, કોનો બહિષ્કાર થાય એ નક્કી ન કહેવાય. આ બધું થયા પછી કોઈ અકળ કારણસર બધું એ રીતે ભૂલાઈ જાય કે જાણે એવું કશું હતું જ નહીં. આ બાબત વ્યક્તિ, સંસ્થા, સમાચારથી લઈને ગાય, બકરી, સિંહ જેવાં પ્રાણીઓ સુધી કોઈ પણને લાગુ પડી શકે.
'મૅડ' જોયા-વાંચ્યા પછી લાગે કે આપણા દેશમાં આવું સામયિક શક્ય જ નથી. અગાઉ જણાવ્યું છે એમ તેના માટે કોઈ પણ વ્યક્તિ કે વિષય પવિત્ર ગાય નથી. વ્યક્તિ જીવિત હોય કે મૃત, શાસક હોય કે વિરોધ પક્ષ, આદરણીય હોય કે બદનામ, 'મૅડ' માટે બધા જ સરખા. એ ગમે તેની સળી કરે, ખિંચાઈ કરે. ખરી મઝા એ કે જેની ખિંચાઈ કરવામાં આવી હોય એ પણ મોટે ભાગે તેને માણે.
'મૅડ'નું છેલ્લું જેકેટ અવનવા વિષય લઈને આવે છે. તેમાંનો એક પ્રકાર એટલે કોઈ જાણીતી કંપનીની જાણીતી બ્રાન્ડની 'મૅડ'વિશેષ પેરડી. મૂળ પ્રોડક્ટના નામ અને લોગો જેવી જ શૈલીમાં 'મૅડ' એવી ક્રૂરતાપૂર્વક એ જાહેરખબરની પેરડી બનાવે કે ઋજુહૃદયી વાચકને મૂળ પ્રોડક્ટ કે કંપનીની દયા આવી જાય.
ખરેખર તો મૂળ કંપનીઓ પર્યાવરણની, ગ્રાહકહિતની કે અન્ય એવી બાબતોની જાળવણીના હાસ્યાસ્પદ દાવા કરે એ આપણે સાચા માની લેતા હોઈએ છીએ. 'મેડ'નો આશય કદાચ એ રૂઢિગત માન્યતા પર પ્રહાર કરવાનો છે.
અહીં ચાર નમૂના આવી 'એડ પેરડી'ના આપેલા છે. એ જુઓ, એનું ઝીણામાં ઝીણું લખાણ વાંચશો તો જ 'મેડ'ની કમાલનો ખ્યાલ આવશે.
ખ્યાતનામ Winston બ્રાન્ડની સિગારેટની ખિંચાઈ Winsom ના નામે, અને Crayola ની ખિંચાઈ Grayola ના નામે, તો Reader's Digestની ખિંચાઈ Reader's Disgust તરીકે કરવામાં આવી છે. ટાઈપોગ્રાફી મૂળ પ્રોડક્ટ જેવી જ છે, એટલે પહેલી નજરે મૂળ કંપનીનું નામ જ હોવાનો આભાસ થાય. તેની અંદરનું એકે એક લખાણ વાંચવા જેવું છે.
સૌથી છેલ્લું 'વિડીયોકોન'ની જાહેરખબરવાળું જેકેટ અહીં સહેતુક મૂકવામાં આવ્યું છે. એ અન્ય જાહેરખબર જેવી જ સામાન્ય જાહેરખબર છે. જે 'મૅડ'નાં છેલ્લા પાને ભલભલા ચમરબંધીને ન ગાંઠતી જાહેરખબરની પેરડી જોવા મળતી તેને સ્થાને હવે આવી જાહેરખબર છપાવા લાગી હતી. કોઈ ખુદ્દાર દોસ્ત સમય જતાં ઘૂંટણિયે પડી ગયો હોય એવી લાગણી આ પ્રકારની જાહેરખબરો જોઈને થાય છે.
No comments:
Post a Comment