'તમારી એક મદદ જોઈતી હતી' અથવા 'તમારું માર્ગદર્શન જોઈતું હતું' આવું કોઈક પૂછે એટલે અચાનક 'મોટાભાઈ મોડ'માં આવી જવાય. જગત આખાના વિષય પર માર્ગદર્શન આપી શકવાની આપણી ક્ષમતા બહાર નીકળવા રીતસર થનગનવા લાગે, પણ આપણે નમ્રતા ધારણ કરીને પૂછીએ, 'બોલો ને! મારાથી શક્ય હશે એટલી મદદ કરીશ.' અથવા 'મને ખબર હશે એટલું કહીશ.' એ વખતે સામેથી સવાલ આવે, 'આમ તો મેં મારી રીતે જવાબ મેળવી જ લીધો છે, પણ મને થયું કે 'કોક બીજા'ને પૂછી જોઈએ.' ત્યારે આપણે અચાનક 'નાના ભાઈ મોડ'માં આવી જઈએ, પણ અગાઉ બતાવેલી નમ્રતા નડી જાય.
ભરૂચની એમિટી સ્કૂલના પ્રકાશભાઈ મહેતા સાથે એકાદ સપ્તાહ પહેલાં વાત થઈ ત્યારે એમણે કંઈક એ મતલબનું કહેલું કે 'તમે અહીં આવો અને કંઈક માર્ગદર્શન આપો.' બેએક વર્ષ પહેલાં જ એમિટી સ્કૂલનું દસ્તાવેજીકરણ કરતું પુસ્તક સંપન્ન કરેલું અને એ નિમિત્તે ત્રણ-ચાર વર્ષ સતત સમયાંતરે અહીં જવાનું બનતું. આથી અહીંના વાતાવરણથી સુપરિચીત. પ્રકાશભાઈથી પણ. એટલે પ્રકાશભાઈએ મને આમ કહ્યું ત્યારે 'મોટાભાઈ મોડ'માં આવવાને બદલે અમે થોડી ચર્ચા કરી. એ ચર્ચાની ફલશ્રુતિરૂપે પ્રકાશભાઈએ મને કેટલાક મુદ્દા સવાલરૂપે મોકલી આપ્યા. એટલે કે મારે એ મુદ્દાની આસપાસ રહીને કેટલીક વાતો કરવાની હતી.
એમિટીની આ કાર્યપદ્ધતિ વિશે મને જાણ હતી, અને મને એમ લાગે કે કામ કરવા ઈચ્છનારે એ અપનાવવા જેવી છે. જે દિવસે મુલાકાત હોય એ અગાઉ આપણને કાર્યક્રમની રૂપરેખા આપી દેવામાં આવે, તેમજ મુલાકાતના દિવસે એનું સમયવાર વિભાજન પણ આપવામાં આવે, જેથી વાત કરતી વખતે બહુ સ્પષ્ટતા રહે.
 |
પૂર્વભૂમિકા બાંધી રહેલા પ્રકાશભાઈ (સાથે બેઠેલા રણછોડભાઈ, પ્રમેશબહેન) |
નક્કી થયા મુજબ મંગળવારે મારી એમિટી મુલાકાત ગોઠવાઈ. વિવિધ વિભાગ સંભાળનાર વડાં અને શિક્ષિકાઓના જૂથ સાથે મારે વાત કરવાની હતી. વિષય હતો લેખનના વિવિધ પ્રકાર અંગે કે જે ખાસ કરીને એમને શાળાના વિવિધ પ્રસંગોએ જરૂર પડતી હોય. કાર્યક્રમનું આયોજન વક્તવ્યરૂપે રાખવાને બદલે પ્રકાશભાઈએ અનૌપચારિક વાતચીતનું જ રાખેલું, જેથી વધુ ખૂલીને વાત થઈ શકે. એ મુજબ સૌ વર્તુળાકારે જ ગોઠવાયાં. શાળાના સામયિક માટે વિવિધ લખાણો લખવાં, અહેવાલ લખવો, સામગ્રીની પસંદગી શી રીતે કરવી, લખાણ લખતાં કયા શબ્દો ન વાપરવાં, શિર્ષક કેવાં ન રાખવાં, સામયિકના લખાણને પુસ્તકરૂપ આપવું હોય તો કઈ બાબત ધ્યાને લેવી વગેરે અનેક મુદ્દાઓ આમાં ચર્ચાયા. આમ તો, આનો કોઈ સર્વસામાન્ય નિયમ નથી, છતાં કેટલીક બાબતો ધ્યાનમાં લેવાય તો સારું. આવી પૂર્વભૂમિકા સાથે વાત આરંભાઈ.
.jpeg) |
વાતચીત દરમિયાન |
ભાગ લેનારાંઓમાં સુશ્રી તોરલ પટેલ, નિવેદીતા ચટ્ટોપાધ્યાય, સરોજ રાણા, સુનિતા પાન્ડા, સુબી ઝેવિયર, શ્રુતિકા પાવડે, અવિપ્સા લી, સુદેશના, આતીયા ફરીદી, હીમા બિન્દુ, નાઝિયા મલેક, પલ્લવી સીંઘ, જયા ચક્રવર્તી, ઉર્વી જાદવ, નૌરીન પટેલ, જિગીષા પંડ્યા અને સ્વાતી શર્મા ઊપરાંત અલ્પેશભાઈ અને ભરતભાઈ હતા. કાર્યક્રમનો દોર પ્રકાશભાઈએ સંભાળેલો. રણછોડભાઈ, સંગીતાબહેન તેમજ પ્રમેશબહેન પણ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઊપસ્થિત રહ્યાં એનો વિશેષ આનંદ.
છેલ્લે પ્રકાશભાઈએ પોતાની આગવી હળવી શૈલીમાં સૌને આ ચર્ચામાંથી પોતપોતાને યાદ રહેલી એક એક બાબત જણાવવા કહ્યું. દરેકે એ જણાવ્યું ત્યારે પ્રત્યાયનનું વર્તુળ પૂરું થયાનો અહેસાસ થયો. વક્તવ્યને બદલે અનૌપચારિક વાતચીત હંમેશાં આનંદ આપનારી બની રહે છે એવો અનુભવ વધુ એક વાર થયો.
 |
સૌ વર્તુળમાં ગોઠવાયા હોવાથી વાતચીતનું સ્વરૂપ અનૌપચારિક રહ્યું |
કાર્યક્રમ પછી સહભોજનની પણ એમિટીમાં મજા છે. ભોજન પીરસાતું હતું ત્યારે રણછોડભાઈએ હળવેકથી સૌને કહ્યું, 'બીરેનભાઈ વોઝ રિમેમ્બરીંગ લન્ચ એટ એમિટી.' મેં સુધારો કરતાં કહ્યું, 'નોટ રિમેમ્બરીંગ, બટ મીસીંગ!' કેમ કે, પુસ્તકના આલેખન વેળા લેવાયેલી મુલાકાતો દરમિયાન સહુની સાથે અલકમલકની વાતો કરતાં કરતાં ભોજનનો સ્વાદ માણવાનો આનંદ જુદો જ હતો. એવા માહોલની ખોટ ન સાલે તો જ નવાઈ! એમિટીની મુલાકાતના આવા અવસર આવતા રહે છે, અને ન હોય તો એમિટી પરિવારજનો ઊભા કરતા રહે છે એનો આનંદ. કંઈક નક્કર ચર્ચા થયાની અનુભૂતિ સાથે એ બેઠક યાદગાર બની રહી.
(તસવીર સૌજન્ય: અલ્પેશભાઈ)