સ્વપ્રસિદ્ધિના આ ઘોર યુગમાં એવા કલાકારોની કલ્પના કરવી અશક્ય લાગે કે જેઓ ખરેખરાં પ્રતિભાશાળી અને પોતાની કારકિર્દીની ટોચે હોવા છતાં પ્રયત્નપૂર્વક પ્રસિદ્ધિથી દૂર રહ્યાં હોય. ખ્યાતનામ ભજનગાયિકા જુથિકા રોયને આ શ્રેણીમાં મૂકી શકાય. એ ઉપરાંત આવાં બીજાં ગાયિકા એટલે શમશાદ બેગમ.
1940થી 1965નો સમયગાળો તેમની કારકિર્દીનો સુવર્ણયુગ કહી શકાય. એ પછી પણ તેઓ સક્રિય રહેલાં. અનેક અદ્ભુત ગીતો પોતાની આગવી શૈલીએ ગાનાર આ ગાયિકાના અવાજની ધાર એટલી તીક્ષ્ણ છે કે એ કોઈ રમતિયાળ ગીત ગાય તો એમાં એમનો અંદાજ એકદમ નિરાળો હોય, પણ દર્દીલું ગીત ગાય તો રીતસર બરછીની જેમ એમનો અવાજ કાનની અને હૃદયની આરપાર નીકળી જાય. 1965 પછી ધીમે ધીમે તેમણે ગાવાનું ઓછું કર્યું, પણ કારકિર્દીની ટોચે હતાં ત્યારેય તેમની એકાદી તસવીર ભાગ્યે જ જોવા મળતી, અને ઇન્ટરવ્યૂ તો લગભગ નહીં. યોગ્ય સમયે ગાયનક્ષેત્રથી દૂર થઈ ગયા પછી તેમના વિશે ભાગ્યે જ કશું સાંભળવા મળતું. આમ છતાં, તેમના કંઠના ઘરેડ ચાહકોને તેમનાં ગીતો વ્યાકુળ કરી મૂકતાં. એક તબક્કો એવો આવ્યો કે તેઓ હયાત છે કે કેમ એ વિશે પણ ભાગ્યે જ કોઈ જાણતું. પ્રસારમાધ્યમોમાં ન ચમકવાને કારણે એમ મનાતું કે હવે તેઓ વિદેહ થઈ ચૂક્યાં હશે. એવે સમયે રજનીકુમાર પંડ્યા તેમને તેમના મુમ્બઈના નિવાસસ્થાને મળ્યા. એ મુલાકાતનો હૃદયંગમ અહેવાલ તેમણે 'જન્મભૂમિ- પ્રવાસી'ની પોતાની કટાર 'શબ્દવેધ'માં આલેખ્યો ત્યારે એ ગાયિકા હજી હયાત છે એની જાણ થઈ. અલબત્ત, રજનીકુમારનો એ લેખ બહુ વિષાદપ્રેરક હતો. શમશાદ બેગમના અંગત જીવનની અને વ્યક્તિગત કારુણી એમાં છલકતી હતી. હું અને ઉર્વીશ આ જ અરસામાં રજનીકુમારના સંપર્કમાં આવેલા. સાથોસાથ અમે મુમ્બઈ જઈને જૂની ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારોને મળવા જવાનું વિચારતા હતા. રજનીકુમારની એક મુલાકાત દરમિયાન તેમણે અમને પોતે લીધેલી શમશાદ બેગમની એક તસવીર ભેટ આપી. એ સાથે જ અમને થયું કે બસ, ગમે એ થાય, શમશાદ બેગમને મળવું. મળીને શું કરીશું? કશું નહીં. બસ, એમનાં દર્શન થાય તો ઘણું. અમારે એમને કશું પૂછવું નહોતું કે નહોતું કશું જાણવું. બસ, તેમના દર્શન કરીને અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવી હતી. તેમનું સરનામું અમારી પાસે હતું એટલે મુમ્બઈની એક મુલાકાત દરમિયાન સાંજના સમયે અમે કોલાબામાં આવેલા તેમના એપાર્ટમેન્ટના ફ્લેટ પર પહોંચ્યાં. ડોરબેલ વગાડ્યો. મુમ્બઈના ફ્લેટની શૈલી અનુસાર ગ્રીલની પાછળ રહેલા બારણાની ડોકાબારી સરકી અને અંદરથી એક મહિલાનો અવાજ આવ્યો, 'કૌન હૈ?' હું અને ઉર્વીશ આ સવાલનો જવાબ તરત નહોતા આપી શકતા, કેમ કે, શું કહેવું? અમે કહ્યું કે અમે શમશાદ બેગમના ચાહક છીએ અને એમને મળવા.... હજી આટલું કહીએ ત્યાં તો અંદરથી કડક અવાજમાં બોલાયું, 'યહાં કોઈ શમશાદ બેગમ નહીં રહતી. આપ જાઈએ!' અને 'ધડામ!' દઈને ડોકાબારી બંધ. કલાકાર સાથે મુલાકાત ન થઈ શકે એવું અમને અપેક્ષિત હતું, પણ 'યહાં કોઈ શમશાદ બેગમ નહીં રહતી' જેવું વાક્ય સાંભળવું અમારા માટે આકરું હતું. અમે નીચે ઉતરીને એક જગ્યાએ ઉભા રહ્યા. અમારો ગુસ્સો વ્યક્ત કર્યો, જેનો ભાવ હતો, 'ભલે ના પાડો, પણ સરખી રીતે ના નથી પડાતી?' બે-પાંચ મિનીટ પછી અમારો ગુસ્સો અને અપમાનબોધ ઓછો થયો એટલે અમે પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું. એમાં તારણ એ નીકળ્યું કે ગુસ્સામાં જે બહેન બોલેલાં એ એમની દીકરી ઉષા હોવાં જોઈએ, કેમ કે, એમનો અવાજ પણ શમશાદ બેગમના જેવો જ લાગતો હતો. આ તારણ પછી અમે કંઈક સ્વસ્થ થયા અને એટલું તો લાગ્યું કે અમે ખોટે ઠેકાણે નહોતા આવ્યા. પછી અમે ત્યાંથી નીકળ્યા. અમે ધારી લીધું કે બસ, હવે શમશાદ બેગમને મળવાનું ભૂલી જઈએ!
પણ એમ આપણું ધારેલું ઓછું થાય છે! એ પછી વરસો વીત્યાં. ઉર્વીશ અને હું લેખનના ક્ષેત્રમાં પ્રવેશ્યા. રજનીકુમારના સ્વજન સમા બન્યા. અમારું વર્તુળ પણ વિસ્તર્યું. એવે વખતે 2010માં અમદાવાદની 'ગ્રામોફોન ક્લબ'માં શમશાદ બેગમનું આગમન નક્કી થયું. આ ગોઠવણ પણ રજનીકુમાર દ્વારા જ કરવામાં આવેલી. 'ગ્રામોફોન ક્લબ'ના મહેશભાઈ શાહ, મિલન જોશી જેવા પ્રિય સ્વજનો પોતાને ત્યાં આવતા મહેમાનો માટે કાર્યક્રમના આગલા દિવસે ભોજન યોજે છે. તેમણે અમને એમાં આમંત્રિત કર્યા. ઉર્વીશ અને હું તો બરાબર, પણ કામિની, શચિ, ઈશાન, સોનલ અને આસ્થા પણ એમાં સામેલ હતાં. જે શમશાદ બેગમને ઘેરથી અમને તગેડવામાં આવેલા એ શમશાદ બેગમ અમારી સામે જ વ્હીલચેરમાં હાજર હતાં. અમે સૌએ તેમની સાથે યાદગીરીરૂપે તસવીરો લીધી. પણ રજનીકુમારના મનમાં એ વાત સતત ખટકતી હતી કે અમે શમશાદ બેગમને મળી નહોતા શક્યા. શમશાદ બેગમની સાથે તેમના જમાઈ કર્નલ રાત્રા આવેલા. રજનીકુમારે કર્નલને વિનંતી કરીને બીજા દિવસે સવારે એમની હોટેલ પર અમારી મુલાકાત ગોઠવી આપી. આ શુભ પ્રસંગના સાક્ષી બનવા તેઓ પણ ઉપસ્થિત રહ્યા. અમે એવી ધારણા બાંધેલી કે શમશાદ બેગમને હવે ભાગ્યે જ કશું યાદ હશે. અને કદાચ યાદ હોય તો પણ એ અમને જવાબ આપે કે કેમ! આમ છતાં, અમે ગૃહકાર્ય તરીકે આઠ-દસ સવાલ એક ચબરખીમાં લખી રાખેલા. બસ, એના જવાબ મળી જાય તો ગંગા નાહ્યા!
બીજા દિવસે અમે સૌ સમયસર શમશાદ બેગમના હોટેલના ઉતારે પહોંચ્યા. કર્નલે અમને આવકાર્યા અને એક ખૂણે બેઠેલાં શમશાદ બેગમ તરફ આંગળી ચીંધી. રજનીકુમાર કર્નલ સાથે વાતોમાં રોકાયા અને તેમણે અમને બન્નેને શમશાદ બેગમને મળવાની મોકળાશ કરી આપી. સવાલ ઉર્વીશે પૂછવાના હતા, અને મારે હાથમાં સ્થિર પકડી રાખેલા કેમેરામાં એનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું હતું. કેમેરા જોઈને કર્નલ ભડક્યા અને એમણે રેકોર્ડિંગની ના પાડી, એટલે મેં એક વાર કેમેરા બંધ કર્યો અને પછી ફરી ચાલુ કર્યો.
અમારા આશ્ચર્ય વચ્ચે શમશાદ બેગમની સ્મૃતિ ટકોરાબંધ હતી. અમારા એકે એક સવાલના જવાબ તેઓ મોજથી આપતા હતા. વીસ-પચીસ મિનીટમાં આ વાર્તાલાપ પૂરો થયો અને અમે ખરા અર્થમાં 'ઘેર બેઠે ગંગા નાહ્યા'નું પુણ્ય પ્રાપ્ત કર્યું હોય એમ લાગ્યું.
શમશાદ બેગમ હવે તો હયાત નથી, પણ 14 એપ્રિલના રોજ તેમની જન્મતિથિ છે. શમશાદ બેગમની એ મુલાકાત સાથે જ રજનીકુમારની અમારા માટેની નિસ્બત પણ અભિન્ન રીતે સંકળાયેલી છે.
શમશાદ બેગમનાં ગીતોને યાદ કરવા ક્યાં કોઈ દિનવિશેષની જરૂર છે! અમારી એ મુલાકાતનો અહેવાલ ઉર્વીશના બ્લૉગ પર અહીં વાંચી શકાશે .
No comments:
Post a Comment