આજે ઉર્વીશ કોઠારીનો જન્મદિન છે. સગપણે એ મારો નાનો ભાઈ- બરાબર છ વર્ષ નાનો, પણ અનુભવ અને સમજણમાં મારાથી ઘણો મોટો. તેના વિશે લખવામાં મોટામાં મોટી મૂંઝવણ એ છે કે અમે ભાગ્યે જ અમારી લાગણી એકમેક સમક્ષ વ્યક્ત કરતા હોઈશું. એવું નથી કે અમે 'અંગતતાની અભિવ્યક્તિ'ની પરેજી પાળીએ છીએ, પણ એની જરૂર જ પડતી નથી. વ્યક્ત કર્યા વિના પણ અમે સમજી જઈએ એવું અમારું ગઠબંધન છે.
કિશોરાવસ્થા સુધી છ વર્ષનો તફાવત ઘણો જણાય. જેમ કે, હું એસ.એસ.સી.માં હોઉં ત્યારે હજી તો એ ચોથા ધોરણમાં હોય. તેના જન્મ વખતે મમ્મીને લઈને મારાં દાદીમા મહેમદાવાદની હોસ્પિટલમાં ગયેલાં એ દૃશ્ય મને બરાબર યાદ છે. એ વખતે હું ચોથા ધોરણમાં, તાલુકા શાળામાં ભણતો. દવાખાનું શાળાની નજીક હોવાથી સ્કૂલેથી છૂટતાં હું દવાખાનાની કમ્પાઉન્ડં વૉલ પર ચડીને બારીએથી તેને જોતો. નાનો હોવાથી ઘરમાં એ સૌનો- ખાસ કરીને કનુકાકાનો લાડકો બની ગયેલો, પણ મને કદી એ કારણે અસલામતિ થઈ હોવાનું યાદ નથી. એને બન્ને પગે છ છ આંગળીઓ (અંગૂઠા સહિત) હોવાથી અમારા સગાંમાં ઘણા એને લાડથી 'છગડિયો' કહેતા. આગળ જતાં મધુ રાયની 'કાન' વાર્તા વાંચી ત્યારે ઉર્વીશને હરિયાના પાત્ર સાથે પોતાનું સામ્ય જણાયેલું.
શરૂઆતમાં હું એને ચીડવતો, મજાક કરતો, પણ બહુ ઝડપથી અમારો મિત્રભાવ કેળવાતો ગયો. હું સ્કૂલમાં ભણતો એ વખતની નાની નાની બાબતો એની સાથે શેર કરવાની આદત પડી. એમાં મુખ્ય ઘટના ઉપરાંત અન્ય નીરિક્ષણો પણ એને કહેતો. તેને એમાં કંટાળો ન આવતો, બલ્કે એ રીતે અમારા અનેક સંદર્ભો અમે વાતચીતમાં ઉપયોગમાં લેવા લાગ્યા. એ સમયે ઘેર આવતા મારા મિત્રો સાથે પણ એ ભળી જતો. એ સમયે ધીમે ધીમે વિકસતા જતા મારા શોખમાં પણ એ હિસ્સેદાર બનતો ચાલ્યો.
મહેમદાવાદની સોનાવાલા હાઈસ્કૂલમાં તે આવ્યો ત્યારે અમારા વખતના ઘણા શિક્ષકો તેને 'બીરેનના ભાઈ' તરીકે ઓળખતા. મારી સરખામણીએ એ તોફાની હોવાની છાપ ખરી, પણ ભણવામાં તે એ વખતના ધોરણ મુજબ 'હોશિયાર' હોવાથી ખાસ વાંધો આવતો નહીં. હું કૉલેજમાં આવ્યો એ પછી ત્રીજા અને ફાઈનલ વર્ષમાં મેં અને દેવેન્દ્રસિંહ ગોહિલ બન્નેએ નક્કી કરેલું કે ફર્સ્ટ ક્લાસ લાવવો. એ વરસે વિષયો વર્ણનાત્મક હોવાથી અમે લોકોએ રીતસર ગોખણપટ્ટી આદરેલી. એ વખતે આઠમ-નવમામાં ભણતા ઉર્વીશને અમે જવાબોની નોટ આપતા અને એની આગળ અમે કડકડાટ જવાબ બોલી જતા. અમારા બોલેલા જવાબમાં શબ્દની એકાદ ચૂક પણ એ ન ચલાવતો.
તે દસમામાં આવ્યો ત્યારે હું વડોદરા નોકરીએ લાગી ગયેલો. તેના ટકા સારા આવ્યા એટલે ઘરનાં સૌએ વિચાર કર્યો કે તેને ભણવા માટે વડોદરા મૂકીએ. વડોદરાની એક સ્કૂલમાં તેને પ્રવેશ મળી પણ ગયેલો, પણ તેને જવાનું આવ્યું ત્યારે સૌ એ હદે લાગણીસભર થઈ ગયેલાં કે એ નિર્ણય પડતો મૂકાયો.
મારું વડોદરા રહેવાનું તેમજ આવવા-જવાનું ચાલતું એ પછી તે પણ કૉલેજમાં આવ્યો અને અમદાવાદ અપડાઉન કરતો થયો. અમારા મળવાનો સમય સાવ ઘટી ગયો. ક્યારેક તો એમ બનતું કે એ સાંજે ટ્રેનમાં ઉતરે અને એ જ ટ્રેનમાં મારે નાઈટ શિફ્ટ માટે નોકરીએ જવાનું થાય. એવે વખતે અમે પ્લેટફોર્મ પર જ ઊભા ઊભા વાત કરી લેતા.
તેનું બી.એસ.સી.નું ભણતર પૂરું થયું ત્યાં સુધીમાં બે-ત્રણ શોખ તેનામાં વિકસી ચૂકેલા. એક તો વાંચનનો, બીજો જૂનાં ગીતોનો, અને ત્રીજો લેખનનો. અલબત્ત લેખન સાવ આરંભિક તબક્કાનું, અને મોટે ભાગે અમારા બે પૂરતું જ હતું. એમાં આગળ જતાં પત્રલેખન શરૂ થયું. ગમતા-ન ગમતા સાહિત્યકારો, કોલમિસ્ટ, અન્ય ક્ષેત્રના લોકોને પત્ર લખવાનું અમે શરૂ કર્યું, જે અમારા સંયુક્ત નામથી લખાતા, એના લખાણ વિશે અમે ચર્ચા કરતા, પણ લખાણ ઉર્વીશ લખતો. પત્રની લગભગ સમાંતરે વિવિધ પ્રસંગોનાં કાર્ડ બનાવવાનું પણ શરૂ થયું. સગાં-મિત્રો વગેરેના જન્મદિવસ, અન્ય પ્રસંગોએ અમે વિશેષ કાર્ડ તૈયાર કરતાં. એના લખાણ બાબતે અમે ચર્ચા કરતા, અને તે જે તે વ્યક્તિ માટેનું જ ખાસ વિચારતા. એના ચિત્રનો અને લખાણનો ભાગ હું સંભાળતો. એ વખતે હું ફાઈન આર્ટ્સમાં કેલીગ્રાફી શીખેલો, તેથી કાર્ડમાં એનો ઉપયોગ કરવાનો મોકો મળતો. આ કાર્ડના લખાણ વિશે અમે ખૂબ મથામણ કરતાંં.
એના ઉચ્ચ અભ્યાસ પછીના સમયગાળામાં કઈ કારકિર્દી પસંદ કરવી એ અંગે બહુ મૂંઝવણ હતી. પણ એ અરસામાં તેણે પોતાના શોખને બરાબર માંજ્યા. જૂનાં ગીતો એ વખતે દુર્લભ હતા, એ મેળવવા, સાંભળવા, એને યોગ્ય રીતે શ્રેણીબદ્ધ કરીને ગોઠવવા- આ બધામાં એ વ્યસ્ત રહેતો. નવરાશના, ખરી રીતે તો બેકારીના આ સમયનો તેણે કરેલો સદુપયોગ તેની ખાસિયત બની રહ્યો અને દસ્તાવેજીકરણની અવૈધિક તાલીમ આ રીતે તેણે પ્રાપ્ત કરી. અલબત્ત, આ બધું કારકિર્દી બનાવવામાં શું કામ લાગશે એ અમારા બેમાંથી કોઈને ખબર નહોતી. એ પછી તે પત્રકારત્વમાં જોડાયો અને મુંબઈ જવાનું થયું ત્યારે અમને સૌને લાગ્યું કે તેને એકદમ યોગ્ય કારકિર્દી મળી છે. મુંબઈ ગયા પછી અમારો પત્રવ્યવહાર સતત ચાલતો. તેના વિગતવાર પત્રોમાં અનેક વાતો લખાયેલી રહેતી. તેની સરખામણીએ મારા પત્રોમાં ખાસ નવિનતા ન હોય, કેમ કે, હું નોકરી એવી કરતો હતો. છતાં કશું વાંચેલું હોય કે બીજી કશી વાત હોય તો એ જણાવતો. યોગાનુયોગ એવો ગોઠવાયો કે એને મુંબઈથી અમદાવાદ આવવાનું થયું, એટલે એ મહેમદાવાદ રહે એમ ગોઠવાયું અને મારે મહેમદાવાદથી વડોદરા સ્થાયી થવાનું આવ્યું. ત્યારે પણ અમારું હેડક્વાર્ટર મહેમદાવાદ જ રહે એ અમારી સ્પષ્ટ સમજણ હતી.
નોકરીના સ્થળે મળતા ફાજલ સમયમાં મારું વાંચવાનું અને કશુંક ને કશુંક લખવાનું ચાલુ રહેતું. એ દરમિયાન ઉર્વીશનું નામ અખબારમાં આવતું થયું. એટલે મારા કાર્યસ્થળે ઘણા એમ માનતા કે ઉર્વીશ નામની જ નોકરી કરે છે, અસલ લખાણ તો હું જ લખું છું.
મારું લગ્ન સાવ સાદાઈથી કરવાના નિર્ણય સુધી તબક્કાવાર પહોંચવામાં ઉર્વીશ સાથે થતી રહેતી ચર્ચા મહત્ત્વની હતી.
મારું લગ્ન કામિની સાથે થયું અને એ પછી દીકરી શચિનો જન્મ થયો. એ સમયગાળામાં હું આંતરે દિવસે ઘેર આવતો. શચિનો ઉછેર ઉર્વીશની આંખ સામે જ થયો એમ કહી શકાય. એને લઈને એ બન્ને વચ્ચે એક વિશિષ્ટ સંધાન થયું, જે આજે પણ અનુભવી શકાય છે. આનો લાભ એ પછી જન્મેલા મારા દીકરા ઈશાનને સીધો જ મળ્યો. મારું લગ્ન થયું એ અરસો અમારા જીવનમાં નવા મિત્રોના પ્રવેશનો હતો. રજનીકુમાર પંડ્યા સાથે પરિચય થયેલો અને એ ગાઢ બની રહ્યો હતો, એમ બિનીત મોદી સાથે પણ એ અરસામાં પરિચય થયેલો. મહેમદાવાદના અમારા ઘરે કોઈ ને કોઈ નિમિત્તે અમે સ્નેહમિલન યોજતા. નવીસવી આવેલી કામિની માટે આ આખી દુનિયા અલાયદી હતી, પણ તેને સ્નેહમિલનની તૈયારી કરવામાં બહુ આનંદ આવતો. હું નોકરીને કારણે તૈયારીમાં ખાસ જોડાઈ ન શકું, પણ એ અને ઉર્વીશ બધી જવાબદારી સંભાળતાં.
વડોદરા મારા આવી ગયા પછી અમારો પત્રવ્યવહાર ચાલુ રહ્યો. ક્યારેક અમે ફોન પર વાત કરતા, પણ એમાં મઝા ન આવે, આથી જ્યારે પણ મળીએ ત્યારે વચગાળાની વાતોનો બૅકલૉગ પૂરો કરવાનો રહેતો.
ઉર્વીશનું લગ્ન સોનલ સાથે થયું ત્યારે અમે વડોદરા રહેવા આવી ગયેલા હતા. ઘરની આર્થિક બાબત અંગે મારી અને ઉર્વીશની વણકહી સમજણ એવી કે બેમાંથી કોઈ એકનું બરાબર ગોઠવાયેલું હોવું જોઈએ. કામિનીના કે સોનલના આગમન પછી પણ એ સમજણમાં કશો ફેર ન પડ્યો, બલ્કે એ બન્નેએ પણ એ જ બાબતને આગળ વધારી. અમારી વચ્ચે કદી કશો આર્થિક હિસાબ ન થાય. અમારાં સંતાનો શચિ, ઈશાન અને આસ્થાને ઘણી વાર નવાઈ લાગે છે કે તેઓ કોઈક મુદ્દે અમારા બન્નેમાંથી કોઈ સાથે વાત કરે તો અમારી પ્રતિક્રિયા લગભગ સમાન હોય છે. અમારી વચ્ચે એ બાબતે વાત સુદ્ધાં ન થઈ હોય તો પણ!
અલબત્ત, વૈચારિક સામ્ય આ હદનું હોવા છતાં અમારી પ્રકૃતિ સાવ ભિન્ન છે અને એની અમને જાણ છે.
મેં મારી નોકરી મૂકીને લેખનના ક્ષેત્રે આવવાનો નિર્ણય લીધો એ વખતે કામિની અને ઉર્વીશ મારી પડખે રહ્યા હતા અને તેમના પ્રોત્સાહનથી એ શક્ય બન્યું હતું.
અમને બન્નેને એકમેકના મિત્રોનો લાભ સીધો મળે છે. ઉર્વીશ જે ક્ષેત્રમાં છે એને કારણે સતત નવા મિત્રો એની મિત્રયાદીમાં ઉમેરાતા રહ્યા છે. એ મિત્રો આપોઆપ મારા પણ મિત્રો બની જાય છે.
અનેક સ્મૃતિઓ અમારી સહિયારી છે, અને મોટા ભાગની સુખદ છે. હવે સમયની વ્યસ્તતાને કારણે અમે રૂબરૂ મળીએ તો પણ વાત કરવાનો સમય ઓછો મળે છે, પણ કહ્યા વિના સમજવાનો જે નાળસંબંધ છે એમાં કશો ફરક નથી પડતો.
(આ લખાણ પછી ઉર્વીશે લખેલું મારા વિશેનું લખાણ અહીં વાંચી શકાશે.)
No comments:
Post a Comment