તાજેતરમાં પ્રકાશિત મારા પુસ્તક 'સાહિત્ય-બાહિત્ય' બાબતે ખૂણેખૂણેથી પૂછપરછ આવી રહી છે. ( = લોકો ખૂણે ભરાઈ ગયા છે અને પૂછી રહ્યા છે કે આ પુસ્તક વિશે લખાતું બંધ થાય ત્યારે અમને જાણ કરજો) આ અનન્ય અને અભૂતપૂર્વ વ્યંગ્યપુસ્તક બાબતે બે શબ્દો કહેવા અસ્થાને નહીં ગણાય. ( =સીદીબાઈને સીદકાં વહાલાં) અસલમાં અમદાવાદમાં 2015માં યોજાયેલા પુસ્તકમેળા વખતે સાવ અનાયાસે આ પુસ્તકનું બીજ રોપાયું હતું. પુસ્તકમેળામાં ઊભી થતી કેટલીક પરિસ્થિતિઓ વિશે કાલ્પનિક સંવાદો લખવાનો આરંભ કર્યો ત્યારે એમ વિચાર્યું કે એને કશુંક શિર્ષક આપવું. ઝાઝું વિચાર્યા વગર એને નામ આપ્યું 'અનપ્લગ્ડ'. એ વખતે મનમાં એમ કે એકાદ બે દિવસ આવી મસ્તી કરીશું. પણ ધીમે ધીમે એમાં મઝા પડવા લાગી. એટલે એ લખાતું ગયું. એ પુસ્તકમેળો તો પૂરો થયો, પણ પછી બીજા વરસે એ આવ્યો ત્યારે લોકોએ 'અનપ્લગ્ડ'ને યાદ કર્યું. ( = કોઈ પણ સર્જનપ્રક્રિયાને પબ્લિક ડિમાન્ડ સાથે જોડવાથી વજન પડે.) ત્રણ-ચાર વરસ પુસ્તકમેળા દરમિયાન આ દોર ચાલ્યો એ પછી મેં આ તમામ લખાણને ભેગા કર્યા. તેને લેખક, વાચક, પ્રકાશક, ઈનામ- પુરસ્કાર, પુસ્તકમેળો એમ વિવિધ શિર્ષક મુજબ વિભાજીત કર્યા અને 'સાર્થક પ્રકાશન'ના અધિષ્ઠાતાઓ અને કેટલાક મિત્રોને મોકલી આપ્યા. ( = તમને હીરાની પરખ ન હોય તો હીરાને સ્વમુખે 'લાખ હમારા મોલ' કહેવાનો વાંધો નથી.) તીક્ષ્ણ વ્યાવસાયિક સૂઝ ધરાવતા કાર્તિક શાહ અને તીવ્ર રમૂજવૃત્તિનાં માલકણ હેતલ દેસાઈએ એ વાંચીને તરત કહ્યું, 'આનું પુસ્તક કરો.' ( = તીર નિશાને લાગ્યું.) જો કે, એ પછી એમાં ઘણો વિલંબ થયો. ( = એક સાથે બબ્બે જણ શૂળી પર ચડવાનું કહે ત્યારે ઉતાવળ ન કરવી.) આખરે ઘણા અંતરાલ પછી આ પુસ્તક આપના હાથમાં છે. (=તમે મંગાવો, ભઈશાબ, તો જ એ તમારા હાથમાં આવશે.)
Friday, February 17, 2023
વાત એક પુસ્તકની સર્જનપ્રક્રિયાની ( = પુસ્તકપ્રચારનો એક નુસખો)
જો કે, આ પુસ્તકમાં 'વિભાજક'/સેપરેટર પર પ્રતીક વ્યંગ્યચિત્ર મૂકવાં એમ મને હતું. ( =બહુવિધ પ્રતિભાનું દર્શન કરાવવાની લાલચથી કોણ બચી શક્યું છે?) એ મુજબ, પહેલો વિભાગ 'લેખક-વાચક'નો છે. આ પુસ્તકનો કેન્દ્રવર્તી ધ્વનિ વ્યંગ્યનો હોવાથી એવું કયું ચિત્ર બનાવવું એ વિશે મથામણ ચાલી. અનેક ચિતરામણ થયાં. આખરે માઈકેલ એન્જેલો મદદે આવ્યા. ( =મોટાં નામ છાંટવાથી વાચકો પર વજન પડતું હોય છે.) તેમનું બનાવેલું જગવિખ્યાત ફ્રેસ્કો 'The creation of Adam'માં એવી કલ્પના છે કે શ્વેત દાઢીવાળા ઈશ્વર પોતાના જમણા હાથની પહેલી આંગળીને આદમના ડાબા હાથની પહેલી આંગળીનો સ્પર્શ કરીને તેનામાં જીવનચેતનાનો સંચાર કરે છે.
આખું ભીંતચિત્ર અતિ જાણીતું છે, પણ માત્ર સામસામા બે હાથ દર્શાવતો તેનો અંશ સુદ્ધાં વિખ્યાત છે. અનેક સ્થળે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બસ, આ સામસામા બે હાથવાળા વિચાર પર કામ શરૂ કર્યું. ( =વ્યંગ્યના પુસ્તકમાં વિદ્વત્તાનો ભાર ખાસ વરતાવો જોઈએ.)
ઘણા લેખકો પોતાને 'દિવ્ય' શક્તિ ધરાવતા માનતા હોય છે, તો અમુક લેખકો એમ માને છે કે પોતે લખતા નથી, પણ કોઈક અદૃશ્ય શક્તિ પોતાને લખાવે છે. ( = 'ઘણા' અને 'અમુક' એટલે બધા જ, પણ આવી છટકબારી રાખવી જરૂરી, જેથી કોઈ વાંધો ઉઠાવે તો કહેવાય કે તમે અપવાદ છો.) આથી પોતે જો વાચકોને પોતાનું કોઈ પુસ્તક ભેટરૂપે આપે તો વાચકો કૃતકૃત્યતા અનુભવે. વાચકો પણ જાતભાતના હોય છે. એમના મનમાં લેખક વિશે ચિત્રવિચિત્ર કલ્પનાઓ હોય છે. ( = લેખક ગમે એ હોય, પુસ્તક પર વળતર મળવું જોઈએ.) બસ, એક વાર આ લાઈન પર વિચારવાનું શરૂ થયું એટલે અનેક વિચાર સૂઝતા ગયા. આખરે એક વિચાર ફાઈનલ કર્યો.
અહીં ચિત્રમાં માઈકેલ એન્જેલોનું મૂળ ચિત્ર, એનો હાથવાળો અંશ અને એના પરથી પ્રેરિત મેં બનાવેલું અને પુસ્તકમાં મૂકેલું વ્યંગ્યચિત્ર મૂકેલું છે. ( = માત્ર અભિનંદન આપીને કે વખાણ કરીને વાત પૂરી ન કરશો, પણ પુસ્તકની આ જાહેરાત માનજો.)
આ પુસ્તકના કુલ પાંચ વિભાજક છે, એ પૈકીના સૌ પ્રથમ વિભાજકની કથા અહીં કરવામાં આવી છે. આપ સૌ સુજ્ઞ છો, આથી વધુ લખવું નથી. ( = મૂળ કારણ એ કે લખાણ લાંબું થઈ જાય.)
પુસ્તક હજી 'સાર્થક પ્રકાશન'ની વેબસાઈટ પર મૂકાયું નથી. ( = પ્રકાશકે બિચારાએ પરાવલંબી હોવાનો પુરાવો આપવો રહ્યો.) ત્યાં સુધી તેને વૉટ્સેપ નંબર 98252 90796 દ્વારા મંગાવી શકાશે. ( = આ નંબર કાર્તિકભાઈનો છે. એમનેય ખબર પડવી જોઈએ કે પુસ્તકનું સૂચન આપવું સહેલું છે, પણ વેચવું અઘરું છે.) કિંમત રૂ. 130/ છે, પણ વળતર અને પોસ્ટેજ ફ્રી સહિત એ માત્ર 120/માં મળશે. ( = લાખ રૂપિયાની વસ્તુ હોય તો પણ 'માત્ર' શબ્દ વપરાય છે.)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment