Saturday, July 7, 2018

...જ્યારે ખુદ હરિપ્રસાદ વ્યાસે લખ્યું: ‘એ હું નથી.’ (1)



 સ્નેહી ભાઈશ્રી બિરેનભાઈ કોઠારી, ઉર્વિશ કોઠારીના સંબોધનથી શરૂ થતું અને અંતે લિ. હરિપ્રસાદ વ્યાસનાં સંભારણાં લખેલું એક પોસ્ટકાર્ડ અમારા લુહારવાડ, મહેમદાવાદના સરનામે આવ્યું. પોસ્ટકાર્ડ લખાયાની તારીખ હતી 4 ડિસેમ્બર, 1991.
લિ. હરિપ્રસાદ વ્યાસનાં સંભારણાં 
આ સમયગાળો એવો હતો કે અમારા બન્ને સમક્ષ વાંચન તેમજ જૂના ફિલ્મસંગીતનું વિશ્વ ઊઘડી રહ્યું હતું. જૂની ફિલ્મો સાથે સંકળાયેલા ગમતા કલાકારોને મળવા માટે ખાસ મુંબઈ જવાનું અમે શરૂ કરેલું. આ કલાકારોનો ઈન્‍ટરવ્યૂ કરવાનો કે માહિતી  કઢાવવાનો કશો ઊપક્રમ નહીં. બસ, તેમની સાથે બેસીને થોડી વાતો કરવાની, થોડી તસવીરો લેવાની અને તેઓ આપે તો ઓટોગ્રાફ લેવાના. આમ કરવા પાછળ પણ કશો હેતુ નહીં. કેમ કે, લેખન કે પત્રકારત્વમાં આવવાનો વિચાર દૂરદૂર સુધી મનમાં નહોતો. આ સિલસિલો ગમતા કે ન ગમતા લેખકો સાથેના પત્રવ્યવહાર થકી આગળ વધેલો. રજનીકુમાર પંડ્યા સાથે વાચક લેખે પત્રવ્યવહાર કરેલો અને તેઓ પોતાના પ્રકૃતિગત સૌજન્ય વડે અમને પ્રતિભાવ આપતા. તેમને મળવાનું પણ બનેલું અને એ રીતે પાતળો પરિચય કેળવાયેલો. એવે વખતે અમને હરિપ્રસાદ વ્યાસ યાદ આવ્યા. બકોર પટેલ તેમજ ભગાભાઈની વાર્તાઓ અમે કિશોરાવસ્થામાં વાંચેલી, પણ મોટા થતાં તેના સંદર્ભ ઊઘડતા ગયા. એમાં વપરાયેલા ઘણા શબ્દપ્રયોગો અમે વાતચીતમાં સામેલ કરતા. (જેમ કે, નવલશા હીરજી, હાઉસન જાઉસન, ચાટ પાડી જવું, એક આફ્રિકન પાત્ર યુલુ કોબે વગેરે...) આ કથાઓમાં વર્ણવાયેલી પરિસ્થિતિઓ થોડા ફેરફાર સાથે ક્યાંક ને ક્યાંક જોવા મળતી ત્યારે સમજાતું કે લેખકે કઈ હદનું નીરિક્ષણ કર્યું છે. અમને થતું કે આપણે આપણી લાગણી લેખક સુધી પહોંચાડવી જોઈએ.
આ કાર્યક્રમના ભાગરૂપે અમે ક્યાંકથી તેમનું સરનામું મેળવ્યું, જે અમદાવાદમાં બૅન્‍ક ઑફ ઈન્‍ડિયા સોસાયટી, ઉસ્માનપુરાનું હતું. આ સરનામે અમારી લાગણી વ્યક્ત કરતો એક વિસ્તૃત પત્ર લખ્યો, જેમાં સમસ્ત ગુજરાતી વાચકો તેમના કેટલા બધા ઋણી છે એ મતલબનો ભાવ વ્યક્ત કરેલો હતો. એ સમયે ટેલિફોન કરવા માટે પણ એસ.ટી.ડી. બૂથમાં જવું પડતું. આથી બહારના જગત સાથે અમને જોડતી કડી પોસ્ટઑફિસ હતી. પત્ર મોકલ્યા પછી અમે આતુરતાપૂર્વક જવાબની રાહ જોતા હતા. અને ખરેખર થોડા દિવસમાં પોસ્ટકાર્ડ આવ્યું, જેમાં અંતે ‘‘લિ. હરિપ્રસાદ વ્યાસનાં સંભારણાં લખેલું. આ વાંચીને અમે રીતસર ઊછળી પડ્યા. ખુદ હરિપ્રસાદ વ્યાસે અમને જવાબ લખ્યો હોય એ જેવીતેવી વાત નહોતી. અમે ઉત્તેજના સાથે પોસ્ટકાર્ડ વાંચવાનું શરૂ કર્યું. અમારો પત્ર મળ્યાની પહોંચ પછી જે વાક્ય લખાયું હતું એ વાંચીને અમને ક્ષણિક નિરાશા થઈ. તેમણે લખેલું: તમને ખબર નહીં હોય કે અમદાવાદમાં હરિપ્રસાદ વ્યાસ સાત છે. તેમાંનો હું ખરો, પણ બકોર પટેલવાળો નહીં.” તેમણે એ માહિતી પણ આપી કે મૂળ જે હરિપ્રસાદભાઈએ બકોર પટેલ લખ્યું તેઓ પંદર વર્ષ પહેલાં અમેરિકામાં ગુજરી ગયા. આજે તે 100 વર્ષ ઊપરના હોત.
હરિપ્રસાદ વ્યાસ: '....પણ 'બકોર પટેલ'વાળો નહીં.' 
હરિપ્રસાદ વ્યાસે પછી પોતાનો પરિચય આપેલો અને પોતે રંગભૂમિ સાથે સંકળાયેલા છે એમ જણાવેલું. પત્રના અંતે તેમણે લખેલું, ચાલો, આ બહાને મળાયું. અમદાવાદ આવો ત્યારે જરૂર મળશો. અમે જે હરિપ્રસાદને પત્ર લખેલો તેઓ પંદર વર્ષ અગાઉ દેવલોક પામ્યા હોવાના સમાચાર જાણીને અફસોસ થયો. પણ આ હરિપ્રસાદ વ્યાસે જે ઉમળકાથી અમને પ્રતિભાવ લખ્યો એ આનંદની વાત હતી. અમે તેમનો આભાર માનતો વળતો પત્ર લખ્યો. થોડો પરિચય અમારો, એટલે કે અમારા શોખનો આપ્યો. હજી અમારી સાવ શરૂઆત હતી, પણ અમે તેમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ, રજનીકુમાર પંડ્યા, નલિન શાહ જેવા વિદ્વાનોના સંપર્કને લઈને યોગ્ય દિશા મળી છે વગેરે જણાવ્યું. તેમણે આપેલા ઔપચારિક આમંત્રણનો અમે ઔપચારિક સ્વીકાર કરીને ક્યારેક અમદાવાદ મળવા આવીશું એમ પણ લખ્યું. ભૂલથી લખાયેલા આ પત્ર થકી થયેલો સંપર્ક વધુ આગળ શી રીતે વધે? પણ એ આગળ વધ્યો, વધતો રહ્યો.
હરિપ્રસાદ વ્યાસે અમારા જવાબનો પ્રત્યુત્તર તરત જ પાઠવ્યો. તેમને અમારા શોખ કે પ્રવૃત્તિમાં રસ પડ્યો હોય કે પછી અમારી ઉંમર (1991માં મારી ઉંમર 26 વર્ષ અને ઉર્વીશની 20 વર્ષ)ના હિસાબે અમને પ્રોત્સાહિત કરવા માંગતા હોય, પણ તેમણે પ્રોત્સાહક જવાબ લખતાં જણાવ્યું: પ્રથમ તો અભિનંદન આપું છું કે તમે બન્ને સાથે મળીને આવી ઈતર પ્રવૃત્તિમાં રસ ધરાવો છો. સંચય કરેલી વસ્તુ લાંબા ગાળા પછી ખૂબ કામ આપે છે. તેમણે પોતે છેક 1947 થી સ્ટેમ્પસંગ્રહ શરૂ કર્યો હતો અને હજી ચાલુ હતો. એ ઊપરાંત નાટ્યપ્રવૃત્તિને લગતી વિવિધ બાબતોનો સંગ્રહ પણ તેઓ કરતા હતા. જૂનામાં જૂના ભજનો, ફિલ્મી ભજનો, જૂની રંગભૂમિનાં ગીતો પણ તેમણે સંઘર્યાં હોવાનું જણાવ્યું હતું. તેમણે લખેલું, જો કે, ઘણાને આ બાબતમાં કંટાળો આવે કે વડીલોને ન ગમે. પણ (એ) ધીરજ માગે છે. લાંબે ગાળે પછી સાકર જેવી મીઠી લાગે છે. પહેલો પત્ર લખાયાના પંદર જ દિવસ પછી, એટલે કે 19 ડિસેમ્બર, 1991 ના રોજ આ પત્ર લખાયો હતો. અમારા અગાઉના પત્ર થકી તેમણે (ઘણા બધાની જેમ) ઉર્વીશને બદલે ઉર્વશી વાંચી લીધું હશે. તેને લઈને બીજા પત્રમાં તેમણે સંબોધનમાં બન્ને ભાઈ-બહેન લખેલું. આથી તેની સ્પષ્ટતા કરવા માટે આ પત્રનો જવાબ લખવો અમારે જરૂરી થઈ ગયો. અમે તેમનું ધ્યાન દોરતો અને આભાર માનતો પત્ર લખ્યો.
હરિપ્રસાદ વ્યાસનો ત્રીજો પત્ર 3 જાન્યુઆરી, 1992 નો લખેલો અમને મળ્યો. તેમણે પોતાની ભૂલ બદલ માફી માંગી હતી અને લખેલું, તમારા સુંદર અક્ષરોવાળો પત્ર વાંચી આનંદ થયો. નાટકના વિવિધ કલાકારોના સોએક ચરિત્રાત્મક લેખો તેમણે લખ્યા હોવાનું જણાવ્યું હતું. પત્રના અંતે તેમણે લખેલું, તમે જ્યારે અમદાવાદ આવો ત્યારે જણાવશો. થોડું ફિલ્મનું જૂનું મારી પાસેથી જાણવા મળશે. 1934 ના અરસાનું છે. આમ લખવા પાછળ બિલકુલ ઔપચારિકતા નહોતી. કેમ કે, તેમણે લખેલું, હું ઘેર જ હોઉં છું.
અમે હજી પ્રવૃત્તિ કહી શકાય એવું કોઈ કાર્ય કરતા નહોતા. ખરેખર તો, હું વડોદરા નોકરીએ લાગી ગયેલો. અને ઉર્વીશ એમ.એસ.સી.ના પહેલા વર્ષમાં હતો. સંગ્રહ કરવા તરફ અમારી રુચિ ખાસ નહોતી, પણ વધુ રુચિ સિનેમાના આરંભિક ગાળા વિશેના વાંચનની હતી. આમ છતાં, રજનીભાઈના થોડાઘણા પરિચયને કારણે અમને આ જગતનું વિશ્વરૂપદર્શન થઈ ચૂક્યું હતું.
હરિપ્રસાદ વ્યાસ સાથે આમ પત્રવ્યવહાર, અને ખરું જોતાં પત્રમૈત્રી ક્યારે સ્થપાઈ ગઈ એનો ખ્યાલ જ ન રહ્યો. મહિને એકાદ વખત તેમનું પોસ્ટકાર્ડ આવતું, જે તેમના ગરબડિયા અક્ષરોને લીધે દૂરથી જ ઓળખાઈ જતું. સહી કરતી વખતે તેઓ હરિપ્રસાદ વ્યાસનો ઘણી વાર મોટો લખતા. 17 માર્ચ, 1992 ના રોજ અમને તેમનું પોસ્ટકાર્ડ મળ્યું. તેમણે લખેલું, 54 વર્ષ પહેલાંના સિનેમાના અંકોની ફાઈલ મળી છે, જે તમને ભેટ આપવાની છે. કોઈ બીજાને હું ન જ આપું. શ્રી શશીકાન્‍ત નાણાંવટીએ પણ માગી હતી. (મેં) ના પાડી. ગમે તેમ કરી આવીને પ્રાપ્ત કરી લેશો. આટલું જણાવ્યા પછી તેમણે તાકીદ કરતા હોય એમ લખેલું, મારી તબિયત ખરાબ રહે છે. દસ દિવસ oxygen ઉપર રહ્યો. હવે સારૂં છે.
આ પત્ર અમારા માટે સુખદ આશ્ચર્ય સમો બની રહ્યો. હરિપ્રસાદ વ્યાસ અમને સામયિકના જૂના અંકો ભેટ આપવા માંગતા હતા એનું અમારે મન મહત્ત્વ હતું જ, પણ તેઓ એ અમને જ આપવા માંગતા હતા અને શશીકાંતભાઈ જેવા સિનીયર ફિલ્મ પત્રકારને સુદ્ધાં તેમણે એ આપી નહોતી એ અમારે મન વધુ મોટી વાત હતી. તેમણે પોતાની નાદુરસ્ત તબિયત અંગે પણ જણાવ્યું હતું. અમે નક્કી કરી લીધું કે મારે રજા હોય એવા કોઈક દિવસે હું અને ઉર્વીશ અમદાવાદ જઈએ, વ્યાસસાહેબને રૂબરૂ મળીએ અને આ અંકો લેતા આવીએ. એ કોઈક દિવસ આવતાં બે-ત્રણ મહિના લાગ્યા.

(હરિપ્રસાદ વ્યાસ સાથેની મુલાકાતની વાતો હવે પછી) 

2 comments:

  1. આ પાછા નવા હરિપ્રસાદ વ્યાસ! આમ ને આમ બીજા છને પણ ગોતી જ કાઢ્યા હશે ને! એ સાત વત્તા બકોર પટેલવાળા આઠમાનો તાગ ઉર્વીશભાઈ લઈ આવ્યા એનો ટૂંકો અહેવાલ પણ અહીં મૂકજો.

    ReplyDelete
  2. શબ્દ કોશમાં 'હરિપ્રસાદ વ્યાસ'નો અર્થ 'ઊંડાણભર્યું વ્યક્રિત્ત્વ' તો નથી થતો ને !

    હા, દરેક વ્યક્તિનાં વ્યક્તિત્ત્વમાં ઊંડાણ તો હોય જ છે, પણે તેને નીરખી શકવું અને પછી શબ્દદેહે સ-રસપણે રજૂ કરવું એ પણ કોઈ કોઈ વ્યક્તિઓમાં જ મળી શકે તેવું વ્યક્તિત્ત્વનું પાસું છે.
    આપણે એટલાં સદભાગી કે હજુ સુધી આપણને મળેલા બે 'હરિપ્રસાદ વ્યાસ'નાં વ્યક્તિત્ત્યનો તાગ મેળવવા માટે બે 'કોઠારી ભાઈઓ' જેવા મરજીવાઓ આપણને 'મિત્ર' તરીકે મળ્યા છે ..

    ReplyDelete