Thursday, September 11, 2014

તમને હું કેઉં, ડાહીબેન!


ડાહીબેન પરમાર 

સગપણ? દૂરનુંય નહીં.
જૂનો પરિચય? ના રે ના. માંડ ચારેક વરસની ઓળખાણ.
તો પછી રૂબરૂ મુલાકાત? ફક્ત એક જ વાર.

અને છતાંય આજે સાંજે (૧૦-૯-૨૦૧૪) આઠેક વાગ્યે રજનીકુમાર પંડ્યાએ ફોન પર સમાચાર આપ્યા, ડાહીબેન આજે સવારે ગુજરી ગયાં’, ત્યારે સાંભળીને ઘડીભર સ્તબ્ધ થઈ જવાયું. ત્રણેક વરસ અગાઉ તેમની સાથે થયેલો પરિચય ક્રમશ: આગળ વધતો ગયો અને ક્યારે અંગતતામાં પરિણમ્યો એની સરત જ ન રહી.
તેમની સાથે પ્રથમ પરિચય વાચક લેખે જ થયો હતો. ૧૯-૯-૨૦૧૦ના ગુજરાતમિત્રમાં દિનેશભાઈ પાંચાલે તેમની કોલમમાં મારા પુસ્તક ક્રાંતિકારી વિચારકનો પરિચય કરાવ્યો હતો અને મારો સંપર્ક નંબર પણ લખ્યો હતો. એ વાંચીને દક્ષિણ ગુજરાતમાંથી અનેક લોકોના ફોન સતત બે દિવસ સુધી આવતા રહ્યા હતા. આવો જ એક ફોન ડાહીબેનનો આવ્યો.

બીરેનભાઈ, હું કુકેરીથી બોલું છું. તમને હું કઉં.... એમ કહીને તેમણે વિસ્તારથી વાત માંડી. એ વખતે હું મહેમદાવાદ હતો અને રસ્તે ચાલી રહ્યો હતો. મને એમની વાત અડધીપડધી સંભળાતી હતી, પણ તે શું કહે છે એ સમજાતું ન હતું, એટલે પછી હું ફોન કરીશ, એમ તેમને જણાવ્યું. ઘેર પહોંચીને તેમને મેં ફોન જોડ્યો, એટલે ફરી એમણે વાત શરૂ કરી, બીરેનભાઈ, તમને હું કેઉં.... મને સમજાતું ન હતું કે એ શું કહેવા ઈચ્છે છે. પણ એટલો ખ્યાલ આવ્યો કે તેમની ઈચ્છા પુસ્તક મંગાવવાની છે. ક્ષણભર મને એમ પણ લાગ્યું કે કદાચ તે પુસ્તક એમ ને એમ જ મંગાવવા ઈચ્છતાં હશે, અને પૈસા આપી શકે એમ નહીં હોય, તેથી આવી લાંબી વારતા કરતાં હશે. આથી મેં ઉતાવળે તેમને કહી દીધું, તમે ચિંતા ન કરો. હું તમને પુસ્તક મોકલી આપીશ. તમારું સરનામું લખાવો. તેમણે સરનામું લખાવ્યું. મને એમ કે વાત પૂરી થઈ.

ત્યાં વળી બીજે દિવસે ફરી એમનો ફોન આવ્યો. ફરી એ જ, બીરેનભાઈ, હું કેઉં તમને.... મેં કહ્યું, પુસ્તક હું આજે તમને મોકલી આપું છું. એટલે એ બોલ્યાં, ના, ન મોકલતા. મેં આગ્રહપૂર્વક કહ્યું, તમે પૈસાની ચિંતા ન કરતાં. એ પછી તેમણે મને વિગતે જે વાત કરી એ કંઈક આવી હતી.
તેમણે મનીઓર્ડર દ્વારા પૈસા મોકલ્યા હતા, પણ ટપાલીએ કહ્યું કે સામેની પાર્ટીને એ મળ્યા છે એવી સહી લાવવાની કોઈ ગેરંટી નહીં. આ સાંભળીને ડાહીબેન ભડક્યાં. તેમને એમ લાગ્યું કે મનીઓર્ડર દ્વારા પોતે મોકલેલા પૈસા મને નહીં મળે તો? એટલે એ મને એમ કહેવા માંગતા હતા કે પોતે ફરી વાર પૈસા મોકલશે, અને એ મને ન મળે ત્યાં સુધી મારે પુસ્તક ન મોકલવું.

ઓહો! આ તો હું ધારતો હતો એનાથી કંઈક જુદી જ વાત હતી. એ પછી, જો કે, તેમનો મનીઓર્ડર મળી ગયો અને પુસ્તક મોકલી આપ્યું, પણ જે ગામનું નામ સુદ્ધાં પહેલી વાર સાંભળ્યું હોય એવા ગામેથી આવું પુસ્તક મંગાવનાર આ બહેન વિષે મને કુતૂહલ થયું. તેમનો પરિચય પૂછ્યો એટલે જાણવા મળ્યું કે તે એક નિવૃત્ત શિક્ષીકા છે. ચીખલીથી નજીક ઉમરા જવાના રસ્તે આવેલા કુકેરી નામના નાનકડા ગામમાં તે રહે છે અને વાંચવાનાં શોખીન છે.

તેમણે પણ મારા પરિવાર વિષે વિગતો પૂછી. ક્રાંતિકારી વિચારક પુસ્તક વાંચીને મને અભિપ્રાય અવશ્ય જણાવે એવો મેં આગ્રહ રાખ્યો હતો. એટલે એ વાંચીને તેમણે ટીપ્પણી કરતાં કહ્યું, પુસ્તક સરસ છે, પણ તમે અંદર વાતચીતમાં અમુક અંગ્રેજી વાક્યો એમનાં એમ મૂક્યાં છે. અમારાં જેવાને એમાં હમજણ ની પડે. તમે કૌંસમાં એનું ગુજરાતી લખ્યું હોત તો હારું થાત!

આ સાંભળીને પહેલી વાર મને ખ્યાલ આવ્યો કે કશુંય લખીએ ત્યારે આપણે મનમાં અમુક પ્રકારના કે અમુક કક્ષાના વાચકોને જ નજર સમક્ષ રાખતા હોઈએ છીએ. આવું માનવું કેટલું ભૂલભરેલું હોય છે! મેં કદી સપનેય વિચાર્યું ન હતું કે કુકેરી જેવા ગામનાં ડાહીબેન જેવા વાચક પાસે મારું આ પુસ્તક પહોંચશે. એક વાચકે શીખવેલો આ અત્યંત મહત્વનો પાઠ હતો. એટલું કહી શકું કે ત્યાર પછી કંઈ પણ લખું, અને એ લખેલું ફરીથી વાંચું ત્યારે મારા મનમાં એ જ વિચાર હોય કે ડાહીબેન આ વાંચી શકશે કે કેમ? લખાણમાં બને એટલી સરળતા હોવી જોઈએ, અને વાત ગમે એવી અઘરી કેમ ન હોય, રજૂઆત શક્ય એટલી સરળ હોવી જોઈએ, એનો સૈદ્ધાંતિક પાઠ ગુરુ રજનીકુમારે આપેલો, જેનો વ્યાવહારિક પાઠ શીખવ્યો ડાહીબેને.

એ પછી ડાહીબેનના નિયમીત ફોન આવતા રહેતા. તેમને ઘેર નીરિક્ષક આવતું હતું. એ ફરી શરૂ કરાવવામાં કંઈક મુશ્કેલી હતી. એટલે મેં તેમને પ્રકાશભાઈ (ન. શાહ)નાં પત્ની નયનાબેનનો નંબર આપ્યો. ડાહીબેને નયનાબેન સાથે વાત કરી. એ પછી નયનાબેન સાથે તેમનો નિયમીત સંપર્ક સ્થપાઈ ગયો. બન્ને અવનવી વાતો કરતાં. પોતાના વિસ્તારની વાતો ડાહીબેન એવી આંતરદૃષ્ટિથી કરતાં કે એક તબક્કે નયનાબેને તેમને ખાસ આગ્રહ કરવો પડ્યો કે તે કંઈક લખીને મોકલે. જો કે, મને એ ની ફાવે એમ કહીને ડાહીબેન એ માટે તૈયાર ન થયાં.

વાતવાતમાં ખબર પડતી રહી કે તે ઘણા પ્રકાશકો પાસેથી પુસ્તકો મંગાવે છે, પણ એવી તાકીદ કરે છે કે પ્રકાશકને પોતે મોકલેલા પૈસા મળે એ પછી જ પુસ્તકો મોકલવા. કુકેરીમાં પોસ્ટ ઑફીસ ન હતી, તેથી તેમણે મનીઓર્ડર કરવા માટે ખાસ ચીખલી આવવું પડતું.

અમદાવાદથી પુસ્તકો મંગાવવા અંગે તેમણે એક વાર પૂછાવ્યું એટલે મેં તેમને બિનીત મોદીનો નંબર આપ્યો. એ પછી બિનીત સાથે તેમનો ફોનવ્યવહાર ચાલુ થયો.

હજી અમારે રૂબરૂ મળવાનું બન્યું જ ન હતું.

તેમણે ક્રાંતિકારી વિચારકની બીજી બે નકલ મંગાવી હતી. એક બ્રીલીઅન્‍ટ કોમ્પ્યુટર સેન્‍ટર, ચીખલીના સરનામે પરિમલ પરમારને મોકલવાની હતી, અને બીજી રાનવેરી ખુર્દ ગામે ભરતસિંહ ચૌહાણને મોકલવાની હતી. પૈસા તેમણે અગાઉથી મોકલી આપ્યા. પછી ખબર પડી કે પરિમલભાઈ તેમના જમાઈ થતા હતા, અને ભરતસિંહ તેમના ભાણેજજમાઈ. ધાર્યું હોત તો ડાહીબેન પોતાની જ નકલ તેમને વારાફરતી વાંચવા આપી શક્યાં હોત. પણ ના! પુસ્તક પોતે જ વસાવવાનું હોય.

ભરતસિંહને એક વાર વડોદરા કોઈક પ્રસંગે આવવાનું બન્યું ત્યારે ડાહીબેને તેમને ખાસ મારી મુલાકાત લેવા આગ્રહ કરેલો. એમના આગ્રહને માન આપીને ભરતસિંહ મને મળવા પણ આવેલા. ત્યાર પછી તેમનો જ્યારે પણ ફોન આવે ત્યારે હંમેશાં એ એકે એક પરિવારજનની ખબરઅંતર પૂછતા.

મારી દીકરી શચિની બારમાની બોર્ડની પરીક્ષા હતી. એ વખતે ડાહીબેને તેને શુભેચ્છારૂપે ૧૫૧/-નો મનીઓર્ડર મોકલ્યો. મેં તેમને ફોન કર્યો અને જરા ખખડાવ્યાં એટલે એ હસતાં હસતાં કહે, તમારે ની બોલવાનું. શચિને કેજો કે ડાહીબાએ મોકલ્યા છે. મારા જન્મદિને પણ અચૂક તેમનો ફોન હોય જ.
અહા!જિંદગીમાં આવતી મારી કોલમ ગુર્જરરત્ન ડાહીબેન વાંચતા, અને એ વાંચીને પણ ફોન કરતાં. એ મેગેઝીન બંધ થયું ત્યારે તેમણે મને ગુર્જરરત્નનું પુસ્તક તૈયાર કરવાના ખર્ચ અંગે પૂછ્યું. મેં તેમને સમજાવ્યું કે પ્રકાશક સામેથી કોઈ પુસ્તક તૈયાર કરે તો એનો ખર્ચ એ જ ભોગવે. લેખકે એ ન ભોગવવાનો હોય. તેમણે પૂછ્યું કે પ્રકાશકને કેટલો ખર્ચ થાય? મેં કહ્યું કે એ તો શી રીતે ખબર પડે? અલગ અલગ રીતે પૂછપરછ કર્યા પછી છેવટે તેમણે પોતાનો ઈરાદો જાહેર કરતાં કહ્યું, તમારા એ પુસ્તકનો ખર્ચ હું આપવા. મેં તેમને સમજાવવાની કોશિશ કરી, પણ તેમને એમાં રસ ન હતો.

**** ***** *****

એક વાર રજનીભાઈને સુરત જવાનું થયું. સુરતથી તેમને કુકેરીની એક સંસ્થાની મુલાકાતે જવાનું હતું. એ સંસ્થાના સંચાલક તેમને લેવા સુરત આવવાના હતા. આથી મેં રજનીભાઈને ડાહીબેન વિષે વાત કરી અને કહ્યું, “કુકેરી જાવ છો તો એમને જરૂર મળજો. ગામ નાનું છે, એટલે એમનું ઠેકાણું શોધતાં વાર નહીં લાગે. સુરતથી રજનીભાઈ કુકેરી જવા નીકળ્યા. તેમણે પેલા સંચાલકભાઈને ડાહીબેન વિષે પૂછપરછ કરી. સંચાલકે હા કે ના કહ્યા વિના ગાડી હંકાર્યે રાખી. કુકેરી પહોંચીને સંસ્થા જોઈ લીધા પછી એ ભાઈએ એક મકાન આગળ ગાડી ઉભી કરી દીધી અને કહ્યું, ડાહીબેનની છોકરી ખાવાનું બઉ હારું બનાવતી છે. રજનીભાઈને આ ઉખાણું સમજાયું નહીં, પણ થોડી વારમાં જ રહસ્ય ખૂલી ગયું. એ સંચાલક ભાઈ બીજું કોઈ નહીં, ડાહીબેનના જમાઈ પરિમલ પરમાર હતા. એ જ પરિમલભાઈ કે જેમને મેં પુસ્તક મોકલ્યું હતું.

(ડાબેથી) ચંદ્રસિંહ, ડાહીબેન, રજનીકુમાર
રજનીભાઈએ એમની ખાસિયત મુજબ ડાહીબેનને ત્યાંથી જ મને ફોન જોડ્યો અને ડાહીબેન સાથે મારી વાત કરાવી, ત્યારે અમને બન્ને કદી રૂબરૂ મળ્યા ન હોવા છતાં રૂબરૂ મળ્યા જેટલો આનંદ થયો હતો. રજનીભાઈએ તેમના ફોટા પણ પાડ્યા હતા.

છેવટે અમારે રૂબરૂ મળવાનો મેળ પડ્યો જાન્યુઆરી, ૨૦૧૩માં. એક લગ્નપ્રસંગે અમારે બે-ત્રણ દિવસ માટે બીલીમોરા જવાનું હતું. અમે નક્કી જ કર્યું હતું કે એક દિવસ કુકેરી જવું. ડાહીબેન સાથે એ મુજબ ફોન પર વાત પણ કરી રાખી હતી. ૨૪ જાન્યુઆરી, ૨૦૧૩ના દિવસે અમે બપોરે કુકેરી પહોંચી ગયાં. ડાહીબેનનો ખાસ આગ્રહ હતો કે અમારે ચારેય જણે આવવું. તેમના પતિ ચંદ્રસિંહ પણ હાજર હતા. પહેલી વાર મળવા છતાં અમને લાગ્યું નહીં કે કોઈ અજાણી વ્યક્તિને મળી રહ્યાં છીએ. ડાહીબેન સતત શું ખાશો?’, શું પીશો?’ની દરકાર રાખ્યાં કરે, અને તેમના પતિ તેમને મીઠો ઠપકો આપતાં કહે, એ ક્યાં બારના છે? ઘરના જ છે ને? એમને પૂછપૂછ ની કર. બેહ, ને એમની હાથે વાતો કર. ચંદ્રસિંહને પગે ચાલવાની મુશ્કેલી હતી, પણ અમને વાતો કરતાં મૂકીને એ બાઈક લઈને ક્યારે ઉપડી ગયા એ ખબર જ ન પડી. થોડી વારમાં હાથમાં બરણી લઈને એ પાછા આવ્યા. કહે, અહીં શેરડીનો રસ બહુ સારો મળે છે.

અજવાળું છે ત્યાં સુધી પરિમલભાઈની સંસ્થા શાંતાબા વિદ્યાલયની મુલાકાત લઈ આવવાનું સૂચન તેમણે કર્યું. અને ડાહીબેન પણ અમારી સાથે આવ્યાં. (એ સંસ્થા વિષે વધુ અહીં જ લખવાનો ઈરાદો છે.)

પારિવારીક મિલન: (ડાબેથી) ચંદ્રસિંહ પરમાર (ડાહીબેનના પતિ),
ઈશાન કોઠારી,ડાહીબેન, કામિની અને શચિ કોઠારી 

કલાકેકમાં અમે પાછા આવ્યાં અને ઘરમાં ગોઠવાયાં. ઘરની આસપાસ તદ્દન શાંત વાતાવરણ હતું. આજુબાજુની જગામાં તેમણે વાવેતર કર્યું હતું. એ બધું બતાવ્યા પછી તેમણે અમને અંદર બેસવા કહ્યું. પોતે પહેરેલી સાડી પર જ ગાઉન ચડાવ્યો અને આવું કહીને બહાર નીકળ્યાં. થોડી વારમાં તેમણે ઉગાડેલાં અળવીનાં પાનાં અમારા માટે એ તોડી લાવ્યાં.

તેમના માટે હું મારાં થોડાં પુસ્તકો ભેટ તરીકે લઈ ગયો હતો. એ મેં તેમને આપ્યાં. પુસ્તકો લઈને એ તરત જોવા બેસી ગયાં. થોડી વારમાં જ ઉઠીને એ અંદર ગયાં, અને જઈને અમુક પૈસા લઈ આવ્યાં. મને આઅગ્રહપૂર્વક હાથમાં પકડાવીને કહે, ગુર્જરરત્નનું પુસ્તક કરશો એના પૈસા તમે માંગશો તોય નહીં આપું. પણ આના પૈસા તમારે લેવા જ પડશે. આનાકાની, દુરાગ્રહ અને છેવટે ધમકી આપી ત્યારે એમણે પૈસા પાછા મૂક્યા. જો કે, અમારો આ આનંદ બહુ લાંબો ન ટક્યો. અમે વિદાય લીધી અને ચીખલી વટાવ્યું કે ફોન રણક્યો. ડાહીબેનનો જ ફોન હતો. અમને એમ કે અમારી કોઈ ચીજ તેમને ત્યાં રહી ગઈ કે શું? પણ તેમણે જણાવ્યું કે પૈસા આપ્યા વિના ચોપડી લેવાય જ નહીં. અને અમે નીકળ્યાં ત્યારે તેમણે મારી સીટની નીચે પૈસા સરકાવી દીધા હતા. એ પૈસા મારે લઈ લેવાના હતા. અને ખરાબ લગાડવાનું નહોતું, એ કહેવા એમનો ફોન હતો.

**** ***** *****

તેમના ફોન ઘણી વખત આવે અને એ કંઈક એવું પૂછે કે આપણે વિચારીને જવાબ આપવો પડે. એક વાર એમનો ફોન આવ્યો. જીવનચિત્ર અને જીવનચરિત્રમાં શો ફેર?’ વળી એક વાર પૂછ્યું, ફર્મ એટલે શું?’ જો કે, એ મારા કોઈ પુસ્તકના લખાણ સંદર્ભે જ પૂછતાં હતાં. એમણે અર્થ બરાબર સમજી લીધો.
એ કંઈ એવાં પ્રખર અને વિદ્વાન વાચક નહોતાં, જે દલીલ અને પ્રતિદલીલ કરીને પોતે કેટલું વાંચેલું છે એ દેખાડવાનો પ્રયત્ન કરે. એમની સીધી ને સાદી સમજ હતી, એમ મને લાગ્યું છે, અને તે એટલી જ કે પોતે વાંચેલું પોતાને સમજાવું જોઈએ. ન સમજાય તો કોઈની પાસેથી સમજવું જોઈએ. 

 રજનીભાઈએ તેમની મુલાકાત લીધી એ પછી તે રજનીભાઈને પણ ક્યારેક ફોન કરતાં. વાત એ બહુ વિસ્તારથી કરતાં, અને રજનીભાઈને હંમેશાં સમયના, વ્યસ્તતાના ગંભીર પ્રશ્નો હોય, તેથી એ બહુ વાત કરી શકતા નહીં.

અમે જલસોનો આરંભ કર્યો અને એને ઈ-મેલ, ફેસબુક કે એસ.એમ.એસ. દ્વારા શી રીતે લોકોને જણાવવું એની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે મારા મનમાં એક જ વાત હતી કે ડાહીબેનને શી રીતે એની જાણ થાય એ વિચારો. એ નથી ઈ-મેલ વાપરતાં કે નથી એસ.એમ.એસ. ફોન દ્વારા તેમને માંડીને વાત સમજાવી, અને અમે અમારું આગવું સાહસ કરી રહ્યા છીએ એ જાણ્યું એટલે એમનો પહેલો પ્રતિભાવ: હું પાંચસો રૂપિયા મોકલી આપીશ. એમને માંડ સમજાવ્યા કે એમ રૂપિયા મોકલવાની ઉતાવળ ન કરશો. જરૂર હશે તો તમને ચોક્કસ જણાવીશું.

તદ્દન નાનકડા ગામમાં રહેતાં પોતાનાં સગાંવહાલાં અને સ્નેહીઓને જલસો વિષે જણાવ્યું અને પહેલા અંકની ૩૫ નકલો નોંધાવી. તેમની શરત વિચિત્ર હતી. એક તો એ કે, દરેક પર શાંતાબા વિદ્યાલય તરફથી ભેટ એમ લખવું. બીજી શરત વધુ અઘરી હતી. એ એવી કે તેમના જમાઈ પરિમલભાઈને એ વાતે રાજી કરવા કે આ પાંત્રીસ નકલોના પૈસા ડાહીબેન ચૂકવે એમાં તેમને કશો વાંધો નથી. એ શરત ડાહીબેને મૂકેલી હતી એટલે મેં એ સ્વીકારી લીધી અને પરિમલભાઈને આખી વાત જણાવી. સાસુમાને ઓળખતા પરિમલભાઈએ રાજીખુશીથી એ વાત સ્વીકારી હતી.

**** ***** *****

વચ્ચે થોડો સમય એવો આવ્યો કે ડાહીબેનનો સંપર્ક ઘટી ગયો. તેમના ફોન આવતા બંધ થયા. તેમને ફોન કરવાનો પ્રયત્ન કરું તો પણ વાત થાય નહીં. છેવટે મેં ભરતસિંહને ફોન કરીને ડાહીબેનના સમાચાર પૂછ્યા. જાણવા મળ્યું કે તેમના પરિવારમાં એક જુવાન મૃત્યુ થયું છે, એનો સખત આઘાત ડાહીબેનને લાગ્યો છે. જો કે, ભરતસિંહે મારો સંદેશો પહોંચાડ્યો એટલે ડાહીબેનનો ફોન આવ્યો અને તેમણે વિગતે બધી વાત કરી.

આજે રજનીભાઈએ મને ડાહીબેનના અવસાનના સમાચાર આપ્યા એ પછી મેં સીધો પરિમલભાઈને ફોન જોડ્યો. પણ તે ફોન લઈ શક્યા નહીં. એટલે મેં ભરતસિંહને ફોન જોડ્યો. તેમની સાથે વાત કરતાં ઓર એક દુ:ખદ સમાચાર જાણવા મળ્યા. આગલા ગુરુવારે તેમનાં પત્ની અને ડાહીબેનની ભાણીનું અવસાન થયું હતું. મામી છેલ્લા અઠવાડિયાથી બીમાર રહેતાં હતાં એ સિવાય વધુ તેમને વધુ જાણ ન હતી, કેમ કે તેમને પોતાને ઘેર પણ દુ:ખદ પ્રસંગ બન્યો હોવાથી તે જઈ શક્યા ન હતા.

                                            **** ***** *****

માત્ર ચાર વરસ જૂના ડાહીબેન સાથેના આ સંબંધને શું નામ આપવું? કયા ખાના હેઠળ તેને મૂકવા? કઈ ઓળખ તેના માટે હોઈ શકે? પૈસા પહેલાં મોકલીને પુસ્તક મંગાવતી દુર્લભ પ્રજાતિના વાચક? સ્નેહાળ વડીલ? સદાયનાં શુભચિંતક? જીવનમાં મળતી રહેલી, જીવનને સમૃદ્ધ કરતી રહેલી અનેક વિરલ અને વિશિષ્ટ વ્યક્તિઓમાંની એક?
પણ થાય છે કે એવી કશી જરૂર જ શી છે!  

13 comments:

  1. આવા સંબંધ થાય ત્યારે એવું લાગે કે લખવાનું સાર્થક થઇ ગયું. ડાહીબહેન વિશે મેં તો ફક્ત સાંભળ્યું જ છે, પણ આવા, વાચક તરીકે શરૂઆત કર્યા પછી કુટુંબી જેવા બની ગયેલા સ્નેહીઓની ખોટ બહુ સાલતી હોય છે.

    ReplyDelete
  2. આ સંબંધને શું નામ આપવું? કયા ખાના હેઠળ તેને મૂકવા? કઈ ઓળખ તેના માટે
    હોઈ શકે? પૈસા પહેલાં મોકલીને પુસ્તક મંગાવતી દુર્લભ પ્રજાતિના વાચક?
    સ્નેહાળ વડીલ? સદાયનાં શુભચિંતક? જીવનમાં મળતી રહેલી, જીવનને સમૃદ્ધ કરતી
    રહેલી અનેક વિરલ અને વિશિષ્ટ વ્યક્તિઓમાંની એક
    Is called as a
    Sanskar !

    ReplyDelete
  3. It is interesting...Birenbhai...

    We generally do not think like this..

    ReplyDelete
  4. દાદુ - શિકાગોSeptember 11, 2014 at 10:06 AM

    સદાસુખી ભાઇશ્રી બિરેનભાઇ,
    ડાહિબેનનો પુસ્તક પ્રેમ અદભૂત કહેવાય. પણ એમના સમાચાર વાંચી ઘણુ દુખ થયુ.

    ReplyDelete
  5. Yes ..South Gujarat is proud of Dahiba.Birenbhai,I have seen Shantaba Vidyalaya and have met Parimalbhai.His is another story...Your relationship with Dahiba is unique....

    ReplyDelete
  6. Vah ! Tamne hun keun Birenbhai, bo haro lekh chhe. Aabhar.

    ReplyDelete
  7. ડાહીબહેન જેવા વાચક સૌ લેખકોને મળો....

    ReplyDelete
  8. પ્રિય બીરેન,
    કોઈ વ્યક્તિ સાથેની ઓળખાણ ભલે ટૂંકી હોય પણ તેમની આવરદા તો પરસ્પર તેમને રૂબરૂ મળવાનો જોગ ના થાય ત્યાં સુધીની લાંબી રહે એવી પ્રાર્થના કરવાનું જો મને મન હોય તો એ ડાહીબેન માટે.
    પુસ્તકપ્રેમી વ્યક્તિનો લોગો જો મારે બનાવવાનો હોય તો હું એમના ફોટાનો ઉપયોગ કરું. પૂર્વે શિક્ષિકા - આચાર્યા રહી ચૂકેલા આનંદીબહેન પટેલ 2014માં ગુજરાતને પ્રથમ મહિલા મુખ્યમંત્રી રૂપે મળ્યા. એ જ 2014માં ગુજરાતે એવા નિવૃત્ત શિક્ષિકાને ખોયા જે પેન્શનની પાંખી રકમમાંથી માતબર રકમના પુસ્તકો ખરીદતા હોય. તેમનો પુસ્તકપ્રેમ વાંચતા રહીશું ત્યાં સુધી યાદ આવશે.
    અગાઉથી રૂપિયા ચુકવીને પુસ્તક ખરીદવાની તેમની તાલાવેલી મુજ વાણિયાને માફક ન આવતી. હું તેમને વર્ષભર પુસ્તકો મળે તે પછી દિવાળી આસપાસ જ વાર્ષિક હિસાબ કરવાની વિનંતી કરતો. પણ એવી કોઈ વિનંતી માને તો એ ડાહીબેન શાના કહેવાય? મનીઑર્ડર આવ્યું જ સમજો.
    તેમનો અવાજ...ભલે ટેલિફોન પર પણ હવે સાંભળવા નહીં મળે તે ખ્યાલથી મન ખિન્ન છે. એવું ઇચ્છું કે સ્વજનોના ચાલી જવાના સમાચાર જ ન મળે અને ભલે એવી એક માત્ર રીતે પણ સમય સુખમાં વીતે.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  9. વાહ, બહુ સરસ ભાવભીનો અને ચિત્રાત્મક લેખ છે. એમને ઘણું ઘણું વ્યક્ત કરવાનું હતું,પણ એ ઓછું બોલતા હોત તો લખવાને માર્ગે અવશ્ય ચડ્યા હોત.
    નિર્મળ વ્યક્તિત્વ હતું

    ReplyDelete
  10. ઘણાં વાચકો આટલાં જ જોશથી તેમને પસંદ વાંચન વિષે બીજાં લોકો સાથે વાત કરતાં રહે છે, પણ તે વર્તુળની બહાર નીકળી લેખક સાથે સીધો સેતુ બાંધવામાં લેખક(ની રચના) પ્રત્યે લગવ જ નહીં પણ પોતાની માન્યતા, શિષ્ટાચારની મર્યાદામાં રહીને વ્યક્તિગત સંબંધ બાંધવાની પહેલ કરવમાં હિંમત અને પછી એ સંબંધને જાળવી રાખવામાં ઉભય પક્ષે એ માટેની સૂઝ પણ જોઇએ.
    આ બધાંનો સંગમ અહીં થયો તે જાણીને ખૂબ જ આનંદ થયો.
    ડાહીબેનનાં જીવનની સાર્થકતા તેમના લેખકો (સંપર્કો)ની આટલી આત્મીય લાગણીમાં રહી છે. દરેક વાચક અને લેખક વચ્ચે યથોચિત સંબંધ પાંગરે તેમાં ડાહીબેનના આત્માને ચિરઃશાંતિ મળશે.

    ReplyDelete
  11. મળવા જેવા માણસ... જાણવા જેવા અને સમજવા જેવા પણ....
    ખુબ જ સરસ....

    ReplyDelete
  12. ડાહીબેનને
    સો સલામ બીરેનભૈને બસ્સો. લેખ વાંચી જાત પર શરમ ઉપજી હમણાં રજની ભાઈ એ
    મારું જીવન મારી વાણી નો સેટ મોકલ્યો ત્યારે અંદર નો સુષુપ્ત બામણ જાગી
    ઉઠેલો અને ખીસામાં હાથ નાખ્યા વગર મળેલા પુસ્તકોનો આનંદ રીતસર નાચીને
    ઉજવેલો. કોમ્પ્લીમેન્ટ પુસ્તકો મળ્યા કરતા હોય છે પણ આવા અમૂલ્ય પુસ્તકો
    મળે ત્યારે ભલભલા મુનીવર ચળી જતા હોય છે. ત્યારે ડાહીબેન નું સ્થાન
    ધ્રુવતારા ની માફક અચળ છે.--- અમિત જોશી (દેલ્હી)

    ReplyDelete
  13. ડાહીબા - મારા દાદી હતા. (હું એમનો પૌત્ર)

    હું આજે ઇન્ટરનેટ ઉપર મારા ગામ કુકેરી વિશે વાંચતો હતો અને મને આ લેખ મળ્યો.

    સાચું કહું તો બીરેનભાઈના લેખની મધ્યમાંજ લાગણીના પ્રવાહોએ મને ભાવુક બનાવી આંખો ભીની કરાવી દીધી. ડાહીબા વખતોવખત મને ફોન કરીને અંગ્રેજી શબ્દોના અર્થ પૂછતાં, નવું પુસ્તક વાંચ્યું હોય તેની ચર્ચા કરતાં.
    મને એમના વતી પુસ્તકો માટેના ઈમેલ, ઓનલાઇન ખરીદી, નેટ બૅન્કિંગ વગેરે કાર્યો કરવાની તક મળી એને મારૂ અહોભાગ્ય માનું છું.

    જ્યારે પણ મારી ભૂલ થઈ હોય ત્યારે દાદીએ મને કોઈ પણ શબ્દો ચોર્યા વિના ઠપ્કર્યો છે અને દરેક ખુશીના સમાચારમાં પોરસ્યો છે. મારા જીવન ઘડતરમાં એમનું યોગદાન અમૂલ્ય છે અને રહેશે.

    - દર્પણ દોડિયા (બી.ટેક. - કમ્પ્યુટર એંજીન્યરિંગ) www.darpandodiya.com

    ReplyDelete