રતિલાલ 'અનિલ'
૨૩-૨-૧૯૧૯ થી ૨૯-૮-૨૦૧૩
"તમારી જન્મતારીખ કઈ?"
"એ તમે હરીશ રઘુવંશીને પૂછી લેજો."
અરે! અરે! આ કંઈ જવાબ આપવાની રીત કહેવાય? આપણે એવો કોઈ અટપટો, કૂટનીતિયુક્ત કે વિવાદાસ્પદ સવાલ પૂછ્યો હોય ને કોઈ આવો જવાબ આપે તો સમજાય, પણ જન્મતારીખ જેવી સીધીસાદી, બિનવિવાદાસ્પદ બાબતમાંય આવી આડોડાઈ? પણ એ સજ્જનને મળ્યા પછી ખ્યાલ આવ્યો કે આ આડોડાઈ નથી. હવે એ બિનજરૂરી સ્મૃતિઓ ખેરવી નાંખવાના મૂડમાં છે.
એ જવાબ આપનાર હતા સુરતના રતિલાલ મૂળચંદ રૂપાવાળા. એ સજ્જનની આવા સંસારી નામથી ઝટ ઓળખાણ નહીં પડે. એમની ઓળખ માટે તેમનું ઉપનામ પૂરતું છે. એ ઉપનામ એટલે રતિલાલ 'અનિલ'.
મે, ૨૦૦૯માં 'અહા!જિંદગી'માં 'ગુર્જરરત્ન' લેખમાળા માટે તેમના સુરતના નિવાસસ્થાને મળવાનું બન્યું ત્યારે હરીશભાઈ સાથે જ હતા. તેમણે રસ્તામાં અગાઉથી કહી જ રાખ્યું હતું કે 'અનિલ'સાહેબને કોઈ જન્મતારીખ પૂછે તો એ આવો જવાબ આપે છે.
![]() |
" મારી જન્મતારીખ? હરીશભાઈને પૂછો. એમને યાદ છે." |
આવો જવાબ આપવાનુંય કારણ હતું. દર વરસે ૨૩ ફેબ્રુઆરીના દિવસે સવારમાં ૯.૩૦ વાગ્યે અચૂક હરીશભાઈનો ફોન 'અનિલ'સાહેબ પર ગયો જ હોય. હરીશભાઈ ભૂલ્યા વિના તેમની જન્મતારીખ યાદ રાખતા, એટલે 'અનિલ'સાહેબને લાગ્યું હશે કે આપણે શું કરવું છે એને યાદ રાખીને? ઘણી બધી વસ્તુઓ ભૂલવા જેવી હોય છે. જીવનના આટઆટલા મુકામો પાર કર્યા પછી એકાદ વરસ આમતેમ થયું તોય શું ખાટુંમોળું થઈ જવાનું છે!
એક પ્રકારની નિ::સ્પૃહતા કહી શકાય. ત્રણેક કલાકની એ મુલાકાતમાં વાતો તો ઘણી બધી થઈ હતી, પણ 'અનિલ'સાહેબના અનેક રૂપોમાંનું એક પત્રકાર તરીકેનુંય ખરું. એટલે તેમને એક વડીલસહજ ચિંતા સતત એ પણ થયા કરતી કે - હું છેક વડોદરાથી સુરત (ઉધના) ખાસ તેમને મળવા આવું, તેમના વિષે લખું એ મને આર્થિક રીતે પરવડે એમ છે કે કેમ?
પત્રકાર ઉર્વીશ કોઠારીને તે અનુગ્રહપૂર્વક એટલા માટે યાદ કરતા હતા કે ઉર્વીશે પોતાની એક કોલમમાં 'અનિલ'સાહેબના અદ્વિતીય અને અભૂતપૂર્વ સામયિક 'કંકાવટી'નો ઉલ્લેખ કર્યો હતો. તેમનો ઈન્ટરવ્યૂ લેવા આવનાર ઉર્વીશનો ભાઈ છે એની તેમને જાણ પણ નહોતી.
એ પરિચય પછી તેમના જન્મદિવસે હરીશભાઈનો ફોન જાય પછી મારો પણ ફોન જતો, ત્યારે તે અચૂક ઉર્વીશને યાદ કરતા.
![]() |
તદ્દન નિરાંતે સવાલના જવાબ આપતા 'અનિલ'. |
તેમને મળવાનું થયું ત્યારે તેમની આંખ અને કાન અંશત: ખોટકાયા હતાં, છતાં રમૂજની ધાર એવી જ તેજ રહી હતી. તેમના નિબંધસંગ્રહ 'આટાનો સૂરજ'ને ૨૦૦૬માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. અને એ પછી આ સંગ્રહ સ્થાનિક ધોરણે પુરસ્કૃત થયો. આ વિષે વાત કરતાં તેમણે કરેલી માર્મિક ટકોર એટલી ચોટદાર હતી કે તક મળે ત્યાં તેનો ઉલ્લેખ કરવાનું મન થાય છે, અને તક મળી ત્યાં તેમના નામથી એ કર્યો પણ છે. એમણે હસતાં હસતાં કહેલું, "પહેલાં મોટી લાઈટ થાય, ત્યાર પછી નાની લાઈટ થાય છે."
મળીને છૂટા પડતી વખતે 'અનિલ'સાહેબ ગાડીની રાહ જોઈને સ્ટેશને બેઠેલા મુસાફર જેવા લાગેલા. યોગાનુયોગ એવો હતો કે પોતાના જીવનની તરાહને પણ તેમણે ટ્રેનની સફર સાથે સરખાવેલી. એવી સફર કે દોડતી ટ્રેન જેમતેમ પકડ્યા પછી ચડેલા મુસાફરને જાણ થાય કે આ ડબ્બો આગલા સ્ટેશને છૂટો થઈ જવાનો છે! શી હાલત થાય એ મુસાફરની!
સુરતના બકુલ ટેલર, શરીફા વીજળીવાળા, વડોદરાના શિરીષ પંચાલ જેવા મિત્રો 'અનિલ'સાહેબ સાથે સતત સંપર્કમાં હતા. 'કંકાવટી'ના પ્રકાશનની જવાબદારી પણ તેમણે સૌએ જ એક મિશન લેખે સંભાળી લીધી હતી.
આજે સાંજે સુરતથી હરીશભાઈ રઘુવંશીએ ફોનમાં 'અનિલ'સાહેબના અવસાનના સમાચાર આપ્યા એ સાથે જ આ બધી વાતો મનમાં ઉમટી આવી. આજે એટલે કે ૨૯ ઓગસ્ટ, ૨૦૧૩ના દિવસે સવારે ૯૪ વરસની વયે રતિલાલ 'અનિલે' શ્વાસ મૂક્યો. સુરતમાં જ તેમના અંતિમ સંસ્કાર થયા.
'અનિલ'સાહેબની સ્મૃતિને તાજી કરતો 'અહા!જિંદગી'નો લેખ અહીં જેમનો તેમ મૂકું છું, જેમાં તેમના બહુઆયામી વ્યક્તિત્વનો, અને તેમની જીવનસફરના વિવિધ મુકામોનો પરિચય મળી રહે છે. આ લેખ જૂન, ૨૦૦૯ના અંકમાં પ્રકાશિત થયો હતો.
**** **** ****
દોડતી ટ્રેન પકડયા પછી મુસાફરને ખબર પડે કે આ ડબ્બો આગલા સ્ટેશને છૂટો થઇ જવાનો છે તો? સફરની નિરાંત કે આનંદ બાજુએ રહે અને આગલા સ્ટેશને ઝટપટ ઉતરીને હાથમાં આવ્યો એ ડબ્બો જ પકડી લેવાની મથામણમાં રહ્યા કરે. સુરતના રતિલાલ મૂળચંદ રૂપાવાળાને પોતાની જીવનસફર આવા જ પ્રવાસ જેવી લાગે છે, છતાંય આવા પ્રવાસમાં તેમણે કેવા કેવા મુકામો હાંસલ કર્યા છે!
રતિલાલ રૂપાવાળા સાહિત્યપ્રેમીઓમાં રતિલાલ ‘અનિલ’ના નામથી જાણીતા છે. તેમનો જન્મ ૧૯૧૯ની ૨૩મી ફેબ્રુઆરીએ સુરતના સલાબતપરામાં આવેલી બાલાભાઇની શેરીમાં થયેલો. કુટુંબનો ખાનદાની વ્યવસાય જરીના વણાટકામનો હતો. બે વરસની ઉંમરે તો તેમણે પિતાજીને ગુમાવી દીધેલા, પરિણામે કુલ ત્રણ ભાઇઓ અને બે બહેનોના આખા વસ્તારની જવાબદારી તેમના મોટાભાઇ તેમજ મા પર આવી ગઇ. તેમનાં મા વણાટમાં સૌથી અઘરો ગણાતો બારીક વાણો (આડો તાર) વણવામાં અતિશય કુશળ હતાં. ‘અનિલ’ને શાળાએ મૂકવામાં આવ્યા. તેઓ ત્રીજા ધોરણમાં હતા ત્યારે જ તેમના મોટા ભાઇનું ક્ષય રોગમાં અવસાન થયું અને ઘરને ટેકો કરવા માટે આઠ વરસની કુમળી વયે ‘અનિલેં’જરીકામને સંચે જોતરાઇ જવું પડયું. શાળાનો અભ્યાસ છૂટયો, પણ વાંચનનો શોખ તેમને બરાબરનો વળગ્યો. વાંચવા મળે એ બધું જ તેઓ ઓહીયાં કરી જતા. અંગ્રેજી શાસનનો વિરોધ કરતી વિવિધ પત્રિકાઓ તેમજ પ્રચારસાહિત્ય વાંચવાનો જુદો જ રોમાંચ હતો. ગાંધીજીએ આપેલા અનેક કાર્યક્રમોની સફળતાના સાક્ષી પણ પોતાની કિશોરવયમાં ‘અનિલ’ બન્યા અને તેમના માનસઘડતરમાં ગાંધીયુગનો પ્રભાવ મહત્વનો બની રહ્યો. રોજના બારબાર કલાક સંચા પર મજૂરી કર્યા પછી પણ ભારે રસથી તેઓ છૂપી પત્રિકાઓ વાંચતા. મિત્રોની ટોળકી જાતજાતના કાર્યક્રમો પણ ઘડી કાઢતી. આવા જ એક કાર્યક્રમ મુજબ પોલીસથાણાના મુખ્ય દરવાજે પોસ્ટર લગાડયા પછી ટુકડીમાંનો એક જણ ઝડપાઇ ગયો. પોલિસ સમક્ષ તેણે મળતિયાઓના નામ આપી દીધા. પછી પૂછવું જ શું? પોલિસ સૌને પકડવા દોડી. સંચા પર કામ કરી રહેલા ‘અનિલ’ને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા અને થોડા સમય પછી તેમને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા. આ જેલવાસ તેમના જીવનની પાઠશાળા બની રહ્યો. અત્યાર સુધી જે મહાનુભાવોના નામમાત્ર સાંભળ્યા હતા તેમનાં દર્શનનો જ નહીં, સહવાસનો પણ અહીં લાભ મળ્યો. “છોટા ચક્કર” તરીકે ઓળખાતી બીજી બેરેકમાં તેમની સાથે રવિશંકર મહારાજ પણ હતા. માવળંકરદાદા ઉપરાંત ગુજરાતના અનેક અગ્રણીઓ અહીં હોવાથી જેલનું વાતાવરણ જીવંત બની ગયેલું. સવારસાંજ ચર્ચાઓ, વાંચન, દલીલ— પ્રતિદલીલ ચાલ્યા કરતાં. તેમાં સક્રિયપણે ઝુકાવવાને કારણે ‘અનિલ’ની તર્કશક્તિ તેમજ વકતૃત્વશક્તિ બરાબરની ખીલી. ગઝલ કે કાવ્ય સાથે હજી તેમનો નાતો બંધાયો નહોતો, પણ “બે ઘડી મોજ”માં વાંચેલી શયદાની ગઝલ “અમારા કોણ કહેશે કે ખજાના આજ ખાલી છે; ખજાનામાં રૂદન છે,ભૂખમરો છે,પાયમાલી છે” તેઓ આખેઆખી બોલી જતા. થોડા સમય પછી જેલમાં તેમને ભયાનક મેલેરીયા લાગુ પડી ગયો. જો કે, કેદી તરીકે આવેલા કેટલાક ડોકટરોએ કરેલી સારવારને પરિણામે તેઓ મોતના મોંમાંથી પાછા ફર્યા. આમ છતાં છ માસના જેલવાસ પછી બહાર આવતાં જ તેમણે સ્વર્ગમાંથી ફેંકાઇ ગયા હોવાની લાગણી અનુભવી. કેમ કે બીજા વિશ્વયુદ્ધને કારણે ભયાનક અરાજકતાનો માહોલ વ્યાપેલો હતો. નોકરીધંધા, કપડાં, અનાજ કશાયના ઠેકાણાં નહોતા. ‘અનિલ’ ફરી પાછા પાવરલૂમ પર જોતરાઇ ગયા. જ્ઞાતિના રિવાજ મુજબ ચૌદ વરસની ઉમરે તેમનાં લગ્ન જશુમતિબેન સાથે થઇ ગયેલાં.

ગઝલો ઉપરાંત સાહિત્યના તમામ પ્રકારો પ્રત્યે ‘અનિલ’ની પ્રિતી વધતી ચાલી. ખિસ્સાની પરિસ્થિતિ મુજબ તેઓ મનપસંદ પુસ્તકો અને જૂનાં સામાયિકો ખરીદતા રહેતા. શનિવારી હાટમાંથી એક વખત તેમને દયાનંદ સરસ્વતીનું “સત્યાર્થપ્રકાશ” મળી ગયું. ‘અનિલ’ કહે છે, “આ પુસ્તકે મારા વિચારતંત્ર પર એટલી પ્રબળ અસર કરી કે જાણે નરવા કોઠે તેજાબ પી ગયો.”.

દરમ્યાન શાયર રુસ્વા મઝલૂમી (પાજોદ દરબાર)ની આગેવાની હેઠળ “બહાર” નામનું અર્ધસાહિત્યિક માસિક શરુ થયું, જેનું સંપાદન ‘અનિલ’ને સોંપાયું. પણ છએક મહિનામાં જ તેનું બાળમરણ થયું. હવે શું? વિચારશૂન્ય થઇ ગયેલા ‘અનિલે’ભરયુવાનીમાં જીવનનો અંત આણવાનું વિચાર્યું. સહેજ પૂછતાં જ તેઓ આ સમયગાળામાં પહોંચી જાય છે અને કહે છે, “ હું રોજ આપઘાતજોગ કૂવો જોવા જતો, તાપીતટે ચક્કર પણ મારી આવતો. મારા ઘરના કોઇને મારા આવા વિચારોની ખબર નહીં. મહિનાદિવસ સુધી આ ક્રમ ચાલુ રહ્યો. હું માંદો પણ પડી ગયો. જો કે, આપઘાત, પછી તો બાજુએ રહી ગયો.”
એટલામાં રાજકોટથી અમૃત ઘાયલનું મુશાયરામાં ભાગ લેવા માટેનું નિમંત્રણ આવ્યું અને ‘અનિલ’ ઉપડયા રાજકોટ. તેમની હાલત જોઇને અમૃત ઘાયલ દ્રવી ઉઠયા. મુશાયરો તો પૂરો થયો પણ ઘાયલના આગ્રહથી ‘અનિલ’રાજકોટમાં જ રોકાઇ ગયા. મકરંદ દવે, મનુભાઇ ‘સરોદ’, ઘાયલ અને ‘અનિલ’રોજ મળતા. નારણદાસ ગાંધી પણ આ બેઠકમાં જોડાતા. તેમણે એક વખત સમાચાર આપ્યા કે ગાંધીજીના ભત્રીજા નવીન ગાંધી અને ધીરેન ગાંધી જૂનાગઢના જંગલમાં “રૂપાયતન” સંસ્થા ચલાવે છે અને “પ્યારા બાપુ” માસિક પ્રસિદ્ધ કરે છે. ત્યાં જઇને ઠીક લાગે તો રહેવાનું સૂચન તેમણે કર્યું. ‘અનિલ’ ઉપડયા “રૂપાયતન”માં. શરુઆતમાં તો કંઇ કર્યા વિના તેઓ સૂનમૂન બેસી રહેતા પણ ત્રણ—ચાર મહિનામાં તેઓ સક્રિય થયા અને “પ્યારા બાપુ”નું સંપાદન હાથ પર લીધું. ગાંધીવિચારને અનુરૂપ અન્ય લેખો પણ તેમણે અનુવાદિત કરીને સમાવવાના શરૂ કર્યા, જેમાં કાકાસાહેબના, વિનોબા ભાવેના લેખો સામેલ હતા. ધીમે ધીમે લખવાથી માંડીને છાપકામ સુધીનું તમામ કામ તેમણે સંભાળી લીધું. ગિરનારનું વાતાવરણ એટલું સ્ફૂર્તિદાયક હતું કે ગમે તેટલું કામ કરવા છતાં થાક જ ન લાગતો. એકંદરે ગાડી પાટે ચડવા લાગી. આ અરસામાં અમદાવાદથી પ્રગટ થતા “શ્રીરંગ” માસિકના સંપાદક નીરૂભાઇ દેસાઇના આમંત્રણથી ‘અનિલે’ તેમાં લખવાનું પણ શરુ કર્યું. તેમનામાં રહેલી વ્યંગશક્તિ અહીં બરાબરની ખીલી ઉઠી અને વિવિધ સ્વરૂપે તે “શ્રીરંગ”ના પાને દેખા દેવા લાગી. આગળ જતાં તેમની ઓળખ બની રહેનારો “ચાંદરણા”નો પ્રકાર પણ “વક્રદર્શન”ના નામે અહીંથી જ શરૂ થયો. આ ઉપરાંત “આ તમારું સુરતઃ આ અમારું અમદાવાદ”, “પ્રતિશબ્દ” જેવા અનેક વ્યંગપ્રકારો તેમણે અજમાવ્યા. “કટાક્ષિકા” નામની કોલમ શરુ થઇ. ગઝલો તો લખાતી જ હતી. ‘અનિલ’ના જણાવ્યા મુજબ, “ મારી શ્રેષ્ઠ ગઝલો આ જ અરસામાં લખાઇ છે. સર્જકતાની દ્દષ્ટિએ ગિરનારનિવાસ મારા માટે બહુ ફળદાયી નીવડયો હતો.” આમ છતાં, પાંચેક વરસનો આ ગાળો દોડતી ટ્રેને પકડેલા ડબ્બા જેવો સાબિત થયો.અહીં પરિવારજીવનની અનેક મર્યાદાઓ હતી. દીકરાના ભણતર માટે કશી જોગવાઇ નહોતી. જશુમતિબેને એક દીકરીને જન્મ આપ્યો, પણ ગિરનારની કાતિલ ઠંડી ન જીરવી શકાતાં એકાદ મહિનામાં જ તેનું અવસાન થયું. બસ, આ દુર્ઘટનાને કારણે ‘અનિલ’નું મન આ સ્થળ પરથી ઉઠી ગયું. ફરી પાછા તેઓ સુરત આવ્યા.




(પૂરક માહિતી: બકુલ ટેલર, સુરત)
(તમામ તસવીરો: બીરેન કોઠારી)
**** **** ****
વરસેક પહેલાં જ 'અનિલ'સાહેબનાં આ ચાર પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં, ત્યારે યાદ રાખી રાખીને તેમણે અનેક મિત્રોને તે મોકલ્યાં હતા.
**** **** ****
‘અનિલ’ના ચૂંટેલા શેર.
નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે,ક્યારનો બંધાય છે રસ્તો!
***
દેવ ને સંતો,મહંતો,વિક્રમો આવી ગયા,
હર જમાનામાં ‘અનિલ’, આદમ ફક્ત આદમ હતો.
***
ક્યારેક તો મને જ હું ભેદી શક્યો નહીં,
બાકી તો આરપાર હતો! —કોણ માનશે?
***
ઓલવાયેલા દીવાઓનું હતું કાજળ એ,
એને હાથોમાં લઇ માનવે ‘ઇતિહાસ’ કહ્યો!
***
સિક્કો બની જવાની તમન્ના નથી કરી,
કોઇ બીબામાં જાત અમે ઢાળતા નથી.
**** **** ****
‘ચાંદરણા’ની ઝલક
- દૂધના પોરા પાણીના પરપોટા કરતાં પોતાને ઊંચા (બ્રાહ્મણ) માને છે.
- માણસના સંયમની પાળ રેતીની બનેલી હોય છે.
- પગ પૂજવાની ના પાડે તેનાં પગરખાં તો પૂજાય જ!
- જવ, યજ્ઞમાં હોમાવાની ના પાડીને સહર્ષ બીયર બને છે.
- મેળાની પીપૂડી ઘર સુધી પહોંચે તો એનું સદ્ભાગ્ય!