Wednesday, May 8, 2013

દિવાળી અંકો: ખરીદ્યાનો આનંદ કે વંચાયાનો વસવસો?


- અમિત જોશી 


[ દિલ્હી રહેતા મિત્ર અમિત જોશીનાં લખાણો અને તેની આગવી હાસ્યસૂઝથી હવે તો આ બ્લોગના વાચકો પરિચીત છે. તેના વાંચનપ્રેમને કારણે તેણે લખેલો આ લેખ ભલે હળવી શૈલીમાં હોય,પણ એ હળવાશ પાછળ રહેલી તેની વેદના બહુ ધારદાર રીતે આપણા સુધી પહોંચે છે. તે ચિંતા પ્રેરે છે, તેમ નિરાશા પણ જન્માવે છે. આનો ઉપાય શો?’ એ આપણે સૌએ વિચારવાનું છે.]

ગુજરાતમાં સહકારી બેન્‍કીંગ ક્ષેત્રે ઠીક ઠીક લોકોને ઘેર બેઠે ગંગાસ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત કરાવ્યું છે. સહકારી બેન્‍કોના નામે લોકો ભડકી ઉઠે છે, છતાં સહકારી પ્રવૃત્તિનાં મૂળ એટલાં ઉંડાં પહોંચેલાં છે કે આપણને ઘણી વાર કલ્પનાય ન આવે! મારા ગામ ઉમેદગઢમાં છેલ્લા થોડા વરસોથી સહકારી પ્રવૃત્તિનું વિપુલ ઝરણું ફૂટી નીકળે છે અને ઘણા લોકો પાપી ન હોવા છતાં તેમાં ડૂબકી મારીને પુણ્યશાળી બનવાનો લ્હાવો લે છે. આની શરૂઆત છેક નવરાત્રિના દિવસોથી થઈ જાય.
નવરાત્રિ ટાણે સૌએ દીવાળીના તહેવાર માટેનાં પોતપોતાનાં ફરસાણ અને મિઠાઈનો ઓર્ડર નોંધાવી દેવાનો. એ પછી દિવાળીના ચાર દિવસ અગાઉ ગામવાળા જાતે જ સીધુંસામાન ખરીદી લાવે, તેનો વહીવટ કરે, મહારાજને પણ તેડી લાવે અને ગામની વાડીમાં જ ગામનાં સહિયારાં ફરસાણ-મિઠાઈ તૈયાર થાય. જે ખર્ચ થાય એને સૌએ સરખે ભાગે વહેંચી લેવાનો. આપણી નજર સામે જ બનેલો ઉત્તમ ગુણવત્તાવાળો કેટલો સુંદર લાગે!

પણ ખરી મઝા આવે બેસતા વરસના દિવસે. તમે ભાનુભાભાને જેશીક્રષ્ણ કરવા જાવ, પશા અરખાને રામરામ કરવા જાવ કે કડવાજી રેવાજીને ત્યાં બેસવા જાવ, બધાના ઘેર એના એ જ ગાંઠીયા, એકસરખો મોહનથાળ, એક જ રંગ અને સ્વાદની બરફી, અને હવે તો એક જ સ્વાદવાળી કાજુકતરી. એના એ જ દેવ, અને એના એ જ પૂજારી. પણ આટલેથી વાત અટકતી નથી. બહારગામથી કોઈક મહેમાન ગામમાં આવે અને હજી તો એ ગળ્યું મોં કરવા માટે કાજુકતરીનો ટુકડો હાથમાં લે એ સાથે જ ઘરના વડીલ યજમાન પૂછે, “તમાર તોં આ કાજુકતરી ચેટલામોં પડે?” મહેમાન બિચારા ગીતાના પહેલા અધ્યાયના અર્જુનની જેમ મૂંઝાઈ જાય.પહેલાં કાજુકતરી મોંમાં મૂકું કે જવાબ આપું એની અવઢવ તેને થઈ જાય. કાજુકતરી મોંમાં મૂકતાં મૂકતાં એ મનમાં આવે એ કિંમત કહેતાં બોલે, “હસે પોન્‍સો-હાડા પોન્‍સોની.” આ સાંભળતાં જ પેલા યજમાન વડીલ ઈડરીયો ગઢ જીત્યો હોય એવા હાસ્ય સાથે માહિતી પીરસે, “આ તમાર હાથમોં કાજુકતરી સ એ અમન બસ્સોંમોં જ પડી, બોલો.” આવો ઝટકો મહેમાનને આપ્યા પછી તે ગામમાં પ્રવર્તતી સહકારી ભાવનાની ભાવસભર ગાથા સંભળાવવાનું શરૂ કરે. અવાચક થઈ ગયેલા મહેમાનના હાથમાં આટલી સસ્તી કાજુકતરી ખાવાનો જે ઉત્સાહ પેદા થયો હોય એ બધો પેલી ગાથાના પ્રવાહના તણાઈ જાય. હાથમાં પંદરેક મિનીટથી સ્થિર પકડી રાખેલી કાજુકતરીને તે પાછી થાળીના હવાલે કરીને રીતસર નાસી છૂટે.

**** **** ****

ઘણા બધા લોકો પોતાની ચીજ વિશ્વમાં શ્રેષ્ઠ અથવા તો વૈશ્વિક કક્ષાની હોવાનો દાવો કરે છે. (જાણવા મળ્યા મુજબ એક ગુજરાતી પુસ્તકના નિર્માણ અંગેય આવો દાવો ફેંકવામાં આવ્યો હતો.) પણ એ ચીજ જોયા પછી જ આપણને ખ્યાલ આવતો હોય છે કે ખરેખર આ દાવો તે કરનારના પોતાના વિશ્વ પૂરતો હોય છે. એ જ રીતે પહેલાં અમને એમ કે અમારા ગામની આ સહકારી ફરસાણ-મિઠાઈ પ્રથા વિશ્વભરમાં એકમેવ હશે. પણ ગામની બહાર નીકળ્યા પછી જોયું તો ખબર પડી કે આ રિવાજ તો ઠેરઠેર વ્યાપેલો છે. એમાંય ખાસ કરીને ગુજરાતી સામયિકોના દિવાળી અંકોમાં તો એ સૌથી વધુ પ્રચલિત છે. અત્યારે વિચારતાં લાગે છે કે જન્મ્યા ત્યારથી જ આ તમામ અંકોમાં એનાં એ જ ફરસાણ- મિઠાઈ પીરસાતાં આવ્યાં છે.
દિવાળી અંકોનો આ અધ્યાય અત્યારે ભરઉનાળે કાઢવાનું કારણ શું? એવો સવાલ કોઈને થાય એ પહેલાં ચોખવટ કરી લઉં કે પરસેવાની કમાણી અને કરપાત્ર આવકમાંથી આ મોંઘા દિવાળી અંકો ખરીદું છું, એટલે તેને પૂરેપૂરા વાંચવાનો, અને એ પછી સંઘરવાનો આગ્રહ રાખું છું. ઓક્ટોબર- નવેમ્બરમાં ખરીદેલા આ અંકો વાંચતાં આટલો સમય તો લાગે જ ને! 
આટલી પૂર્વભૂમિકા પછી હવે દાસ્તાન-એ-દિવાળી અંક.

**** **** ****

દિવાળીની રજાઓમાં દિલ્હીથી આવતાં આબુ રોડ ઉતરીને ત્યાંથી વાયા ઈડર અમારા ગામ જઈએ ત્યારે કે વાયા કપડવંજથી વળતાં આણંદ કે અમદાવાદથી દિલ્હી પાછા ફરવાનું થાય ત્યારે જે પણ દિવાળી અંક હાથે ચડે એ ખરીદવાનો ક્રમ છે. અમુક સામાયિકો કેટલીક વાનગીઓની જેમ જ જે તે ભૌગોલિક વિસ્તાર મુજબ વેચાતા જોવા મળે. કપડવંજમાંથી સિને ઐશ્વર્ય મળી જાય, તો ઈડરમાંથી મુખ્ય ધારાના બે સામાયિકોના દિવાળી અંકો ઉપરાંત મગજમારી કે ભેજાનું દહીં પ્રકારના સામયિકો મળે. લીસા કાગળવાળા પ૦ રૂ.થી ઉપરની કિંમતના સામયિકો માટે અમદાવાદમાં દરોડો પાડવો પડે.
અંક ખરીદીને તેનાં પાનાં ઉથલાવતાં જ મોંમાંથી સ્વસ્તિવચનો આપમેળે સરવા માંડે એ સાથે જ આ શબ્દો કાને પડે, “ દર વરસે આ અંકો જોઈને એનો એ કકળાટ કરો છો, તો પૈસા ખરચીને થોથાં શું કામ ઉપાડી લાવો છો?” આ કાયમી ઉદ્‍ગારની સામે એનો એ જ કાયમી જવાબ હોય, “દિવાળી અંકોનું સ્તર કેટલું નીચું ઉતર્યું છે એ તપાસવા જ દર વરસે આ કવાયત કરું છું. પણ હવે લાગે છે કે ઝરા સાવ વસૂકી ગયા છે. અને સરકારી ધારાધોરણ અહીં લાગુ પાડવામાં આવે તો આ વિસ્તારને ડાર્ક ઝોન જાહેર કરી દેવા જેવો છે.” ખેર, આ સંવાદો આગળ વધે એ પહેલાં મુખ્ય ધારાનાં સામયિકોના દિવાળી અંકની વાત.
૨૦૦ જેટલાં પાનાં અને ૬૦ રૂ.ની કિંમતનો ચિત્રલેખાના દિવાળી અંકની સાથે મફત કેલેન્‍ડર અને બાય ધ વે (બી.ટી.ડબલ્યુ.) જેવા લટકણિયા સાથે આવેલાં છે. મા કરતાં માસી વહાલી લાગે, વતન કરતાં મોસાળ વધુ ગમે એ નિયમ મુજબ મૂળ અંક કરતાં તેની સાથેનાં મફતનાં લટકણિયાં વધુ ગમે એ સ્વાભાવિક છે. બી.ટી.ડબલ્યુ.માં એક પીણાની જાહેરખબર છે, તે કેન્‍દ્રશાસિત પ્રદેશો માટે હશે એમ માની લઈએ. કેલેન્‍ડરના મથાળે સ્વ.વજુ કોટકની સાથે એલચી બિરાજમાન છે. આ જોઈને પાછલે પાને સુરેશ દલાલે હુમલો કર્યો હશે એવી ફડક સાથે કેલેન્‍ડરનું પાછલું પાનું જોયું. પણ ત્યાં રાશિ ભવિષ્ય જોઈને કંઈક ચેન્‍જ લાગ્યો અને હાશ થઈ. સવા લાખવાળી કહેવત માત્ર હાથી માટે જ નહીં, સદ્‍ગત લેખક માટે પણ એટલી જ સાચી હશે? ચાંદામામામાં જેમ આદિકાળથી આરંભમાં વેતાળકથા છપાતી આવી છે, એમ અમુક વેતાળકથાઓ દરેક દિવાળી અંકમાં જોવા મળતી હોય છે. ફરક એટલો જ કે ચાંદામામાની વેતાળકથા એટલે વેતાળની કથા, અને આ વેતાળકથાએટલે વેતાળ દ્વારા લિખીત કથા. નવી પેઢીના વાચકો માટે હવે તો એક ડીસ્ક્લેમર મૂકવું જોઈએ કે આ લેખના લેખક આપણી વચ્ચે અમુક વરસોથી સદેહે હાજર નથી. ચિત્રલેખામાં રાબેતા મુજબ એક-બે આગળ પડતી જ્ઞાતિ કે સંપ્રદાયના સાધુબાવાઓ કે એમના સંપ્રદાયને લગતા લેખ છે. વચ્ચે ડાયરા છાપ હાસ્યલેખકોનાં પરાણેય હસવું ન આવે એવાં લખાણો છે. તો પ્રતિષ્ઠિત હાસ્યલેખકોએ પણ નિરાશ કર્યા છે. આ ઉપરાંત બોલીવુડના નટ-નટીઓ કઈ રીતે દિવાળી ઉજવે છે એ જણાવતો વરસોથી એક જ પ્રકારનો લેખ. બબ્બે લેખોના કેન્‍દ્રમાં ખાખી વરદી છે. એમ હોવાનું કારણ વાચક પર ધોંસ જમાવવાનું તો નહીં હોય, એમ માની લેવાનું મન થઈ આવે.

બે ભાગમાં અભિયાનનો દિવાળી અંક પહેલ જેવો વિષય લઈને આવ્યું છે. સામાન્ય રીતે કોઈ વિધિના અંતે પંચામૃત વહેંચવામાં આવે છે, જ્યારે અહીં બન્ને ભાગના આરંભે જ પંચામૃત પીરસી દેવાયું છે. બબ્બે પાનાં રોકવા છતાં આટલું જૂનું પંચામૃત ખટાઈ કેમ નથી ગયું એ શોધવાની પહેલ કોઈકે કરવી જોઈએ. ગુજરાતી ગઝલ માટે મનહર ઉધાસ અને બીલીયર્ડ માટે ગીત સેઠી તો સમજ્યા, પણ સ્પીપા કે કાર્લ માર્ક્સ ક્યાંથી ટપકી પડ્યા એ સમજાતું નથી. પહેલનો અર્થ અમદાવાદથી શરૂ થયેલું એવો તો નહીં હોય ને! મુકુલ ચોકસીનો નિબંધ ઉત્તમ છે, પણ પંચામૃતથી વિચારોની વેબસાઈટ લગી પહોંચીએ ત્યાં તો વાચક આત્મજ્ઞાન પામીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. બીજા ભાગમાં વારતાઓ છે, એટલું આશ્વાસન. જો કે, પાનાં ફેરવતાં વચ્ચે રસક્ષતિ કરતી જાહેરખબરો જોતાં લાગે કે ન કરે નારાયણ અને મંદીમાં ચાલતા બિલ્ડરો જાહેરખબર આપવાનું બંધ કરે કે મેગેઝીન પોતે મરજાદી બની જઈને અંત:વસ્ત્રોની જાહેરખબર લેવાનું બંધ કરે તો આ દિવાળી અંકોનાં સો વરસ પૂરાં થઈ ગયાં સમજવાં.

અગાઉ અનેક અદ્‍ભુત અને ચીલો ચાતરનારું આરપાર આ વખતે પંચેન્‍દ્રીય તરફ પહોંચ્યું છે. મોડર્ન આર્ટ બનાવવા જતાં લેઆઉટ ઉટપટાંગ બની ગયું છે. અંકના ઓપનિંગ બેટ્સમેન જોઈને કપિલ દેવ કે સચીન તેન્‍ડુલકરની યાદ આવી જાય. ભલે તે સરખું રમે કે ન રમે, ટીમમાં તો હોય જ. અહીં આધુનિક કલમો, જૂની વારતા અને નિષ્ણાતોને એક ચગડોળમાં બેસાડીને તેને ફેરવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય એમ લાગે, પણ સંપાદનનું ઓઈલીંગ બરાબર ન થયું હોવાથી વચ્ચે કિચુડ કિચુડ થયા કરે છે. હકારાત્મક વિચારસરણી મુજબ કોઈ પણ ચીજને તેનાથી ઉતરતી ચીજ સાથે સરખાવીએ એટલે એ ચીજ આપોઆપ સારી લાગે છે. એ હિસાબે મુખ્ય ધારાનાં બન્ને સામયિકોની સરખામણીએ આ પ્રયાસ સ્તુત્ય કહી શકાય.

ભાસ્કર જૂથનું માસિક અહા‍!જિંદગી બંધ થયું, પણ તેનો બદલો લેવાનો હોય એમ દિવાળી અગાઉ આ જૂથ ઉત્સવ નામનું સામયિક બહાર પાડે છે. ઉત્સવના કથાસાગરમાં ભૂસકો મારવાની હિંમત થાય જ નહીં, પણ પાડ માનો મધુ રાય અને હિમાંશુ કીકાણીનો, કે જે તરાપો લઈને વહારે આવ્યા. અને લેખવિશ્વમાં તો એ જ જૂની ધૂણી ને એના એ જ જૂના જોગડા. હાસ્યલેખોમાં તો માલિક જાતે ગલીપચી કરે તો હોઠ મલકાવવાનું વિચારીએ એવું છે. બાકી તો આજી ડેમ પર ડાયરો ભરાણો હોય એમ લાગે. પ્રોફાઈલમાં મહેન્‍દ્ર મેઘાણીને વધુ હેતુલક્ષી અને તેજસ્વી રીતે રજૂ કરી શકાયા હોત એમ લાગ્યા વિના રહે નહીં. બાકીના લેખ તો યારીદોસ્તીમાં લખાયા હોય એવા જણાય છે.
સફારી દળદાર નથી, પણ દમદાર છે. અતિ ચુસ્ત એડીટીંગ, નયનરમ્ય તેમજ મનોરમ્ય લેઆઉટ, જોડણીની ચીવટ, તથ્યો સહિતનો ધારદાર સંપાદકીય લેખ. અખિલમ્ મધુરમ્ની લાગણી થઈ આવે. અનુવાદ/સંપાદન સાથે સંકળાયેલા અમ જેવા મુમુક્ષુઓ માટે સાંગોપાંગ શિક્ષકની ગરજ સારે એવો આ અંક છે. સાર્વત્રિક ધોરણે રંગ ઉતરી રહ્યો છે એવા સમયમાં ગુણવત્તાસભર સફારીનું હોવું કોઈ ચમત્કારથી કમ નથી.

આ ચમત્કાર પછી વાત નમસ્કારની. પહેલી નજરે તે આકર્ષક દેહલાલિત્ય ધરાવે છે. પણ આ ચમકદાર બાહ્ય દેખાવનો અંદરની સામગ્રી સાથે કોઈ મેળ બેસતો નથી. ચટાપટાવાળો લેંઘો અને સદરો પહેરીને વગર નોંતરે અંબાણી પરિવારના લગ્નસમારંભમાં આવી ચડ્યા હોય એવો મૂંઝારો એ કરાવી દે છે. ગુજરાતીઓને પ્રિય એવા ચિંતનના ચાળે ચડેલા આ મેગેઝીનમાં ઓપ્રા, બાલ્ઝાકની સાથે સાંઈબાબા પણ બિરાજમાન છે. આ કોપી-પેસ્ટ ત્રાસદાયક છે. પણ આ આખી લોઢાની થાળીમાં સોનાના મેખ જેવાં છે કબીર વિષેનાં મહેન્‍દ્ર મિસ્ત્રીનાં ચિત્રો. કબીરના બળવાખોર અને પરંપરાભંજક મિજાજને તાદૃશ્ય કરતા આ ચિત્રોના તાણાવાણા લેખમાંના દોહાની સાથે સરસ રીતે જોડાયેલા છે. એ પછી સાવ છેલ્લે કૂતરાનું લોહી પીવાની ધમકી આપનાર કલાકાર ધર્મેન્‍દ્રના તત્ત્વચિંતન પાછળ આટલા મોંઘા ભાવના, ચમકદાર ચાર પાનાં વેડફાયેલાં જોઈને હસવું કે રડવું એ સમજાતું નથી. આપણને થાય કે ભાઈ, ચિંતનનો ત્રાસ ગુજારવો હોય તો આપણા જાણીતા ગુજરાતી ચિંતકો શું ખોટા છે તે હવે તમે બિનગુજરાતી ફિલ્મી લોકો સુધી લાંબા થાવ છો?

નમસ્કાર પછી સાધના એટલે હિંદુ સંસ્કાર પરંપરાનો રસથાળ. અહીં લેખકો જાણે કે પોતાનો હોદ્દો દેખાડવાની લ્હાયમાં છે. એક સજ્જને પોતાના નામ આગળ ધરાર પદ્મશ્રી મૂકી દીધું છે. આ સાહેબને એટલી પણ ખબર નથી કે પદ્મશ્રી એ કોઈ ઈલ્કાબ નથી કે તેને નામની આગળ મૂકી શકાય અને એમ કરવામાં આવ્યાની ફરિયાદ થાય તો એ સન્માન જપ્ત થઈ શકે. પણ આપણે એમના દ્વારા લિખીત સાહિત્યની ગુણવત્તાની ફરિયાદ કરીએ કે આવી ક્ષુલ્લક બાબતોની? અન્ય એક સજ્જને પૂર્વ ઉપકુલપતિ જેવા મોભાદાર હોદ્દા સહિત અન્ય હોદ્દાઓનું પૂછડું લગાડ્યું છે. આ પૂછડું એટલું લાંબું છે કે સરનામા વિનાનું વીઝીટીંગ કાર્ડ જ લાગે. નિવૃત્તિનાં વરસો પછી પણ લોકો પોતાના હોદ્દા શા માટે ભૂલી નહીં શકતા હોય?આ અંકમાં આવેલી ખલીલ ધનતેજવીની ગઝલ એટલે આનંદનો ઓડકાર. આશ્ચર્ય એ થયું કે અલાયદો બાળવિભાગ ધરાવતો હોય એવો આ એક માત્ર દિવાળી અંક જોયો. ભલે વારતાઓ કાચી-પાકી હોય,

બહુ ઓછી જગાએ જોવા મળતા ફીલીંગ્સનો અંક દોસ્તીના વિષય પરનો વિશેષાંક છે. સાવ સાધારણ કક્ષાના આ અંકમાં વચ્ચે વચ્ચે આવતી નેત્રદાનનો હઠાગ્રહ કરતી જાહેરખબરો જોઈને એવા છળી મરાય કે જાણે જીવતે જીવ આપણી આંખો કાઢી લેવાના ન હોય! આ અંકમાં ચાલીસ હજારની ઘડીયાળના ધણી એવા ગોંડલગ્રહધણી લેખકે ગુજરાતી ભાષા પરના રાબેતા મુજબના બળાત્કાર સહિત પોતાની અનેક માનસિક વિકૃતિઓ ઠાલવી છે. સૌજન્યસ્વીકારની ઉદાત્ત પરંપરા અહીં જોવા મળે છે અને કવર પેજની તસવીર માટે સંબંધિત બ્યુટી પાર્લરને પણ ક્રેડીટ આપવામાં આવી છે. ઘણા મેગેઝીનો તો પોતાના અંકમાં પ્રસિદ્ધ થયેલી કૃતિઓના કર્તાના નામની ક્રેડીટ આપતાંય ડરે છે, ત્યાં આ ચેષ્ટા ઉદાહરણરૂપ ગણી શકાય.


નવનીત સમર્પણનો વિશેષાંક સમય વિષે છે. આ એક માત્ર સામયિકની ગુણવત્તા વરસોથી અક્ષુણ્ણ રહી હોય એમ જણાય છે. અમૃત ગંગર, ફારૂક શાહ અને સોલી કાપડીયાના ઉત્તમ લેખો. પણ આમાં મેન ઑફ ધ મેચ છે....... જવા દો. એક વિચાર એવો આવ્યો કે નામ નથી લખવું. પછી થયું કે આપણે લખેલા ઉપરના ફકરામાંથી કંઈક પ્રેરણા લેવી જોઈએ. બ્યુટી પાર્લરનું નામ લખવામાં સંકોચ ન રાખનાર મેગેઝીનની એ ચેષ્ટાને આપણે બીરદાવતા હોઈએ તો આપણે શા માટે એ લેખના લેખકનું નામ આપવાથી ડરવું જોઈએ? એ લખનાર કેવળ આપણો મિત્ર છે એટલા જ કારણથી? અરે, એને હું ઓળખતો ન હોત તો પણ પત્રકારત્વના એણે કરેલા પોસ્ટમોર્ટમ પછી તેને બીરદાવ્યા વિના ન રહેત. એ વાંચ્યા પછી એક જ ઉદ્‍ગાર નીકળે, “વેલ ડન, મારા મહેમદાવાદી દોસ્ત! તારા જેવા ભડવીરો અત્યારે શોધ્યાય મળે એમ નથી.”

એક મેગેઝીનના કવર પર મુઠ્ઠીભર બાવાઓના નામની યાદી સંતવાણી હેઠળ જોઈ. એ જોયા પછી ઘડીભર તો એ વિચાર આવી ગયો કે ગુજરાતમાં જમીનો પછી હવે બાવાઓ દીવાળી અંક પણ હડપવા લાગ્યા કે શું? ભલે બાપ, ભલે. માર્ગી નામનું બે ભાગમાં વહેંચાયેલું એ મહિલા સામયિક ખરીદ્યું અને અંદર જોતાં જ નિરાશા થઈ આવી. આ મહારાજો અહીં પણ પોતપોતાના વાડામાં મુશ્કેટાટ ખોડંગાયેલા પડ્યા છે. પોતપોતાની હાટડીઓનો કાલોઘેલો પ્રચાર તેમણે કર્યો કર્યો છે, સિવાય કે સ્વામી સચ્ચિદાનંદ. એટલો પાડ કે સંપાદિકા આસારામને તાણી ન લાવ્યાં. આ જ સામયિકના પહેલા ભાગમાં અત્ર તત્ર સર્વથી મેળવેલી માહિતીઓનો મહિલાજગતના લાભાર્થે ઉતારો કરાયો છે. પહેલેથી ખબર હોત કે ઓઝા-વૈદ્યનું સહિયારું છે, તો પૈસા વધુ સારી (અથવા ઓછી ખરાબ) પસ્તી પાછળ ખર્ચત.
મુંબઈ સમાચારના દિવાળી અંકથી ખાસ લેખોની અપેક્ષા હતી. પણ તેમાં જે રીતે આડેધડ વેતરવાનું ટેલરકામ થયું છે એમાં છેડા ઓટવાના બાકી રહી ગયા હોય એવું અધૂરું લાગે છે. અને પછવાડે ચોંટાડાયેલી વારતાઓ.. સમજો ને કે અંક બહાર પાડવાની રસમ પૂરી થઈ છે.

શબ્દસૃષ્ટિના દિવાળી અંકમાં આ વખતનો વિષય છે નાટક અને હું’. સંપાદકે ચોક્કસ મુદ્દાઓના દાયરામાં અનેક નાટ્યકારો અને નાટ્યલેખકો પાસે ઉપરોક્ત વિષય પર લખાવવાનો સાહસિક પ્રયત્ન કર્યો છે. આમાંની ઘણી કેફિયતો અત્યંત નિખાલસ છે, તો અમુક સાવ ચેટકીયા. ઉપેન્‍દ્ર ત્રિવેદી, નિમેશ દેસાઈ, દલપત ચૌહાણ, મધુ રાય, મહેશ ચંપકલાલ જેવા મહાનુભાવોનો અહીં ભાતીગળ મેળો છે. અંક પાછળ લેવાયેલી જહેમત દેખાઈ આવે છે. જો કે, પાછળ સરકારી રાહે અપાયેલી અપ્રાપ્ય દિવાળી અંકોની યાદી ભાવકનો જીવ બાળવા માટે પૂરતી છે. મુખપૃષ્ઠ પર સુંદરીના ફોટાનો કશો ઉલ્લેખ નથી.

અસ્મિતાગુર્જરી નામના એક સામયિકનો ચકચકીત અંક દિવાળી અંક સમજીને ખરીદ્યો. હકીકતમાં એ શુભારંભ અંક હતો. આંજી નાંખનારા કાગળ અને લે આઉટના પ્રમાણમાં સામગ્રી સાવ નબળી. બિનનિવાસી ગુજરાતીઓને લક્ષમાં રાખીને પરસ્પર વલૂર શાંત કરવાના દેખીતા ઈરાદાવાળા આ અંકમાં વિવિધ અંજલિઓ, સન્માનો, કોઈક સાધુબાવાને પેસમેકર મૂકાવડાવ્યું એનો હૃદયદ્રાવક અને ચમત્કારસભર અહેવાલ, સાહિત્યના નભોમંડળમાં થઈ રહેલી શાલઓઢાડ પ્રવૃત્તિની જાણકારી. આશ્વાસન એટલું કે આનો દિવાળી અંક હાથમાં ન આવ્યો, નહીંતર બીજા ૭૫-૧૦૦ રૂ.ની શબ્દાંજલિ થઈ ગઈ હોત. ગુજરાતના એક મિત્રે, જો કે, મને નસીબદાર ગણાવ્યો છે. તેના જણાવ્યા મુજબ, આ મેગેઝીનનો દરેક અંક આગલા અંકને સારો કહેવડાવે એવો હોય છે. એ દૃષ્ટિએ આ શુભારંભ અંક તેના અંકોમાં સર્વશ્રેષ્ઠ હશે એમ માનું છું.

અખંડ આનંદ અને ચંદન’- આ બન્ને સામયિકોને ધરમની ગાય ગણું છું. એટલે તેના દાંત ખેંચતો નથી, ફક્ત ગણીને સંતોષ માનું છું. ચંદન આંકડા સહિત કહે છે કે ૯૨ લેખકો, ૧૩ કાર્ટૂનિસ્ટ, ૬ આર્ટિસ્ટ અને ૭ સહાયક સંપાદક છે. અહીં મુનિ તરુણસાગર, કેટરીના કૈફ, પ્રમુખસ્વામી, વિદ્યા બાલન, ઓશો રજનીશથી લઈને ઉર્વીશ કોઠારી સુધીની રેન્‍જના લોકોના પાટલા એક જ પંગતમાં પડેલા જોવા મળે છે. ચંદનની વરસોથી રૂઢ બનેલી શૈલી છતાં તેના વફાદાર વાચક અને આગવા ગણિતને લીધે તેનામાંથી વ્યાવસાયિકતાની બૂ આવતી નથી.

અખંડ આનંદ ક્યારેક સમર્પણ જેવું, તો ક્યારેક જનકલ્યાણની આવૃત્તિ જેવું ખંડિત થયેલું લાગે છે. રીઢા પત્રલેખકો રાતોરાત કોલમ લખતા થઈ જાય અને મેગેઝીનની જે હાલત થાય એવી જ સ્થિતિ અખંડ આનંદની થઈ છે.

આ બધા દિવાળી અંકોની ભરમારમાં એકવિધ આઈટમોવાળી ફીક્સ થાળી ખાધા પછી છેલ્લે અનલિમિટેડ ડેઝર્ટ આવે એવી જ લાગણી થઈ કચ્છમિત્રનો દિવાળી અંક જોઈને. અગાઉ નટીઓના ફોટા અને હવે ભાણી-ભત્રીજીઓની તસવીરોવાળા કવરપેજથી સાવ અલગ એવું કચ્છમિત્રનું કવર જોઈને લાગે કે અંક જમીનસોતો હશે. તંત્રીલેખ વાંચતાં જ આ વિશ્વાસ બળવત્તર બને છે. આટલો સરસ તંત્રીલેખ ગુજરાતનાં બાકીનાં સામયિકોમાં આ જન્મારામાં વાંચવા મળશે એ શંકા થાય! અંકના તમામ લેખ લગભગ કચ્છને લાગતા-વળગતા. પાણી, ઘાસચારા અને ગોચર (જેને કચ્છમાં રખાલ કહે છે) જેવા રોજબરોજના જીવનને સ્પર્શતા લેખો. કચ્છી બોલીમાં લખાયેલી ઘણી કવિતાઓ વાંચીને આનંદ અને આશ્ચર્ય બન્ને થયાં. બોલીઓ (અને હવે તો ભાષાઓ પણ) સંકોચાતી જાય છે ત્યારે આવા પ્રયત્નો માટે આ પ્રકારના દિવાળી અંક ઉત્તમ મંચ પૂરો પાડે છે. ગુણવત્તાથી ફાટફાટ થતા આ દળદાર અંકની જાહેરખબરોમાં ગામનાં નામ અને વ્યક્તિઓની અટકો વાંચવાની મઝા પણ ઓર છે. ગુજરાતનાં ગામોનાં નામ વિષે રમેશ તન્નાએ લખેલો લેખ મજેદાર છે, પણ પુનર્મુદ્રીત છે. ખેર! ઋષિના કુળ અને ગુરૂના લેખના મૂળ સુધી જવું નહીં.

આ વખતે ચૂંટણીની આચારસંહીતાને કારણે માહિતીખાતા દ્વારા પ્રકાશિત કરાતા વજનદાર એવા ગુજરાતના દિવાળી અંકની ખોટ સાલી.
આચારસંહિતા તો બરાબર, પણ કમ સે કમ દિવાળી અંકો પર વિચારસંહિતા લાગુ પાડવામાં આવે એવા વાઈબ્રન્‍ટ  દિવસો આવશે ખરા?

13 comments:

  1. good observation totally aggary with you
    when purchase Mumbai samachar Annual Ank is not so good paisaa padi gayaaa.
    drpatel

    ReplyDelete
  2. પરમ–હંસકાર્ય કરી આશ્ચર્યનો ઝટકો આપ્યો!સરસ વિવેચન.

    ReplyDelete
  3. બિરેનકુમાર સુંદર આર્ટિકલ પસંદ કર્યો.ક્યાંક ક્યાંક અદભૂત હાસ્યના ચમકારા છે.૧૯૫૪–૧૯૬૦ સુધી મને યાદ છે કે મુંબઈ સમાચારમાં વચ્ચે વચ્ચે સ્વિમીંગ કોસ્ચ્યુમ પહેરેલી હોલિવુડની હિરોઈનના ફોટા આવતા. જેને ગામની લાયબ્રેરીમાંથી કોઈ ફાડી જાય તે જોવા અમે પડાપડી કરતા.( મારા અમેરિકા જવાના મૂળ ત્યાંથી પણ રોપાયા હોય.કોને ખબર?)
    નવનીતે મારો હાસ્યલેખ અગાઉના અંકમાં છાપ્યો હતો.તે યાદ આવ્યું સારું છે કે લેખકે નવનીતના વખાણ કર્યા છે.

    ReplyDelete
  4. .ઉપરની કોમે;ટમાં વાક્યમાં એક શબ્દ નથી ટાઈપ થયો. એમાં તો વાક્યનો અર્થ બદલાય ગયો.



    જેને ગામની લાયબ્રેરીમાંથી કોઈ ફાડી જાય તે પહેલાં ફોટા જોવા અમે પડાપડી કરતા.( મારા અમેરિકા જવાના મૂળ ત્યાંથી પણ રોપાયા હોય.કોને ખબર?)

    ReplyDelete
  5. શ્રી અમિત જોશી,

    વિવિધ દિવાળી અંકો ખરીદવા, વાંચવા અને તેનું પૃથ્થકરણ કરવાની તમે જે 'સહકારી પ્રવૃત્તિ' આદરી છે તે માટે અભિનંદન. મારું ચાલે તો (જે નથી ચાલવાનું) તમને આ વર્ષના કોઈ સામયિકના દિવાળી અંકના તંત્રી બનાવી દઉં. ગુજરાતી છાપાં-સામાયિકની ગણતરી વધી છે અને ગુણવત્તા ઘટતી જાય છે. આવું જ અમદાવાદના મસમોટા બુકફેરને જોઇને લાગ્યું. હવે એટલું બધું લખાય અને ખરીદાય છે (વાંચવાની ખબર નથી!) પણ તેની ગુણવત્તા ઘટતી જાય છે. ગુણવત્તા માટે હજી પણ આપણે (એક-બે સુખદ અપવાદોને બાદ કરતાં) વીસમી સદીના પૂર્વાર્ધમાં જન્મેલા લેખકો જ પકડવા પડે છે. આવું જ લખતા રહેજો ...

    ઋતુલ

    ReplyDelete
  6. અમિતે જે રીતે દિવાળી અંકોનું વિવેચન કર્યું છે તેના પછી કશુંક છૂટી જતું હોવાનો અફસોસ ઓછો થઈ ગયો. કલમ પર અમિતની સારી પકડ છે. વાંચવાની મઝા આવી. તેમાં પણ હરનિશભાઈ જેવા મહારથી વખાણ કરે તો ફુલાઈ જવાનો અમિતનો અધિકાર માન્ય રાખવો જ પડે!

    ReplyDelete
  7. આ બધાં ઉપરાંત, અમે "મુંબઈ સમાચાર'નો દિવાળી અંક પણ નિયમિતપણે (ખરીદીને) વાંચતાં. છેલ્લાં બે એક વર્ષથી ચુકાઇ ગયું છે.
    'નવનીત સમર્પણ' ના દરેક અંક જેમ, દિવાળી અંક પણ આગવું વાંચન પીરસે છે. દા.ત. ગયા દિવાળી અંકનો 'ખાસ' વિષય "સમય" હતો. હા, આજે જ્યારે આપણે ફ્લૅવર્ડ દૂધ અને આઇસક્રીમના કોનમાં દૂધ અને આઇસક્રીમ એ બન્નેની 'સીંથેટીક" મજા માણતાં થિ ગયાં છીએ, ત્યારે ખરેખર તાજું દૂધ અથવા તો 'કોઠી'નો આઇસક્રીમ ખાવાની વાત કરે તે જૂ નવાણી ગણાય, એ ન્યાયે 'સમય' પરના લેખ વાંચવા ગમે તેમ કહેવું જુનવાણી માનસ પણ કદાચ ગણાય.

    ReplyDelete
  8. ઉત્પલ ભટ્ટMay 9, 2013 at 10:32 AM

    વાહ...વાહ...
    ‘આનો ઉપાય શો?’ એ આપણે સૌએ વિચારવાનું છે -- આનો ઉપાય/વિકલ્પ એક જ છે કે 'સફારી'ના વોલ્ટમાં ઠેઠ અંદરના ખૂણે સુષુપ્તાવસ્થામાં પડેલ 'સીટીલાઇફ ન્યુઝ'ને જીવંત કરવું પડે અને એને માટે મહેમદાવાદ નિવાસી અને આજીવન પ્રવાસી છતાં સતત સુવાસી એવા ડૉ. કોઠારીને અઢળક વિનંતીઓ કરવી પડે કે બાપ, હવે તો કોથળામાંથી સંજીવની કાઢો?!!

    ReplyDelete
  9. કોઈ સારા દિવાળીઅંકમા સ્થાન પામે એવો લેખ છે અમિતભાઈનો!
    અમિતભાઈ જેટલા તો નહીં પણ દર વર્ષે કેટલાક દિવાળીઅંકો હું પણ ખરીદું છું.
    મોટા ભાગના અંકો નિરાશ કરનારા હોય છે. ચિત્રલેખાના નિયમિત અંકો જેટલું જ કથળેલું સ્તર તેના દિવાળીઅંકનું હોય છે. અભિયાને પ્રણવ અધ્યારુ સંપાદક હતા ત્યારે છેલ્લો ઉત્તમોત્તમ દિવાળીઅંક બહાર પાડ્યો હતો. એ પછીના અંકો વિશે કશું કહેવા જેવું રહ્યું નથી. અભિયાન વર્ષોથી કવર પર બોલિવૂડની નટીઓની તસવીરો છાપતું આવ્યું છે. એ પ્રથા કોઈ કારણ વગર બીજા કેટલાક દિવાળીઅંકોમાં પણ અનુસરાય છે. હિરોઈનના ફોટાથી કદાચ વેચાણ વધતું હશે...? એ તો સરક્યુલેશન વિભાગને ખબર..
    કેટલાક દિવાળીઅંકોનું નામકરણ આગામી વર્ષોમાં 'વાર્તાંકો' કરવું પડે એટલી હદે વાર્તાઓ અંકોમાં તો પથરાયેલી પડી હોય છે. ફેસબૂક પર એક વડિલ મિત્રએ કરેલી ભલામણથી પ્રેરાઈને ‘અસ્મિતાગુર્જરી’નો અંક પણ ખરિદ્યો..એમાં કાગળની ગુણવત્તા સૌથી ઊંચી છે! દરમિયાન મારો એક મિત્ર એ અંક વાંચવા(?) લઈ ગયો છે અને હજુ પરત આપ્યો નથી કેમ કે આખરે તો એ મારો મિત્ર છે. મારું હિત જ ઈચ્છતો હોય ને!
    સફારી, કચ્છમિત્ર, નવનિત સમર્પણ, શબ્દસૃષ્ટિ વગેરે અંકો રસપ્રદ હોય છે એટલા પુરતું દિવાળીઅંકોનું અસ્તિત્વ છે એમ કહી શકાય.

    ReplyDelete
  10. ચિત્રલેખા અને ફુલછાબ (જન્મ ભૂમિ ગ્રુપ નું રાજકોટ માં થી છપાતું દૈનિક ) એક ધાર્મિક નેતા અને ટોચ ના એક રાજકારણી ન હોત તો કોણ તેને ચલાવત તે પ્રશ્ન થાય છે? ફુલછાબ માં હમણા એક મહિના થી બીજા એક ધાર્મિક નેતા એ પણ હોલ્ડીંગ ખરીદ્યું હોય તેવું લાગે છે, તેના પણ રોજ અડધા પાના ના લેખ શરુ થયા છે। ચિત્રલેખા અને ફુલછાબ જોતા એકજ શબ્દ યાદ આવે "વીનીપાત".

    ReplyDelete
  11. મૌજ આવી ગઈ, એક જ બેઠકે બધા દિવાળી વિશેષાંકો વાંચવાની. જોકે, હવે વિશેષાંકો પણ એક પરમ્પરાને લીધે થતા હોય એવું છે...ચર્ચાના મુદ્દા તો ઘણા છે, પણ આ ત્વરિત પ્રતિભાવ, લેખ વાંચ્યાના આનંદ સાટું.

    ReplyDelete
  12. AMIT,,,
    Tu haji sudharyo nathi...vadhu ne vadhu bagadato jaay chhe...Diwali Anko pachhi have koni CHADDI utarvaano chhe?
    Bharat Dave.

    ReplyDelete
  13. બહુ સુંદર અવલોકન છે. "ડાયરી" લેખ તો બહુ સુંદર અને બહુ બધી માહિતીસભર છે.
    M.D.Gandhi, U.S.A.

    ReplyDelete