Wednesday, September 26, 2012

ભેંસભાગવતનો કરુણ અધ્યાય: આકરો, અઘરો કે અધૂરો?


-    
ઉત્પલ ભટ્ટ


(અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટે અગાઉ પોતાના યુનિફોર્મ પ્રોજેક્ટ વિષે અહીં ત્રણેક વાર જણાવ્યું છે. પણ આ કામ માટે નાનાં ગામોની મુલાકાત લેતાં બીજી અનેક બાબતો તેમની નજરે પડતી રહેતી હોય છે. આવો જ એક વિશિષ્ટ મુદ્દો તેમણે અહીં છેડ્યો છે. આનો કશો ઉકેલ મળે કે ન મળે, સૌના ધ્યાનમાં આ વાત આવે અને એ અંગે ચર્ચા થાય તોય ઘણું.)

અગાઉના યુનિફોર્મ પ્રોજેક્ટની વિગતો આ બ્લોગ પર જણાવી ત્યારે લખ્યું હતું કે દર મુલાકાત વખતે અમારી સમક્ષ અવનવાં સત્યોનો ઉઘાડ થતો રહે છે અને એ આપ સૌની સાથે વહેંચવાની તાલાવેલી તીવ્ર બનતી રહે છે. છેલ્લે લીંબોદરાની શાળામાં અમે યુનિફોર્મ પહોંચાડવા ગયા ત્યારનો અહેવાલ અહીં  http://birenkothari.blogspot.in/2012/08/blog-post.html મૂકેલો છે. પણ આ વખતે વાત બીજી કરવાની છે. ખબર નથી કે એ કરવાનો શો ફાયદો છે. પણ આપ સૌની સામે મૂકવામાં ફાયદા-નુકસાનની ગણતરીનો ક્યાં સવાલ આવે છે?
આ વખતે વાત તો સમસ્યાની જ છે, પણ તે માણસની નહીં, બલ્કે પશુની સમસ્યાની છે. ચિંતા ન કરતા, તેને માટે ટહેલ પણ નથી નાંખવાની.
લીમ્બોદરાથી યુનિફોર્મનું વિતરણ કરીને અમે પાછા ફરી રહ્યાં હતાં. રસ્તામાં મોરડુંગરી ગામ આવ્યું. અમારી સાથે આવેલા મિત્ર નીરવ પટેલનું આ ગામ હતું. તેમનું અહીં ઘર પણ હતું. તેમના ઘરની અમે ઉડતી મુલાકાત લીધી. ગામ સાવ નાનું. ઘરની આસપાસ ભેંસોના તબેલાઓ પણ હતા. શ્યામસુંદરી ભેંસો બિચારી સ્થિતપ્રજ્ઞભાવે અમારા જેવા નવાગંતુકો તરફ જોઈ રહી હતી. મેં પણ તેમની સામું જોયું અને અભિવાદન કરવાનો પ્રયાસ કર્યો. તેને એમ કે અમે ગુજરાતી છીએ એટલે તેનું અભિવાદન માતૃભાષામાં જ કરીશું. પણ અમે ગુજરાતીમાં તેની ખબર પૂછી એટલે તેને આઘાત લાગ્યો હોય એમ જણાયું. એ આઘાતના માર્યા તેણે ઓંઓંઓં.. કર્યું. આ ઉદ્‍ગાર હતો અંગ્રેજીમાં, પણ મને લાગ્યું કે તે ગુજરાતીમાં છે. હશે, આપણે ક્યાં ભેંસ સાથે સંવાદ કે સંવાદિતા સાધવાં હતાં !
આઈયે મેહરબાન.... 
આ ભેંસો દેખાવે જરા આધુનિક જણાઈ. દરેક ભેંસના એક કાનમાં પીળા રંગના લંબચોરસ બારકોડેડ ટેગ્સ લગાડેલા હતા, જે તેના સૌંદર્યમાં વધારો કરતા હતા. પહેલાં તો લાગ્યું કે ભેંસોમાં પણ પીયર્સીંગની ફેશન આવી ગઈ લાગે છે. ઘડીભર તો તેમને કહેવાનું મન થઈ ગયું, “હે મહિષી! તું પશ્ચિમી સંસ્કૃતિનું જે આંધળું અનુકરણ કરી રહી છે, તે યોગ્ય છે? શું તને ખબર છે કે અસલમાં તો આ પ્રથા ભારતની હતી, અને અંગ્રેજો તેને પોતાના દેશમાં લઈ ગયા. હવે આપણે તેની નકલ કરીને ગૌરવ લઈએ છીએ. આપણી સંસ્કૃતિ પ્રત્યે પશુજગતમાં સ્વાભિમાન ક્યારે જાગશે?” પણ ભેંસ વારેવારે કાન હલાવીને અમને પોતાનો ટેગ દેખાડવાના મૂડમાં હતી. આ ટેગ પર નંબર વાંચીને નવાઇ લાગી. લાગ્યું કે આપણે ધારીએ છીએ એના કરતાં મામલો ગંભીર છે. (ભેંસને નહીં, બંધુ, માલિકને) પૂછતાં જાણવા મળ્યું કે એ ટેગ ફેશન માટેના નહીં, પણ ભેંસોની વસતી ગણતરી માટેના હતા. ગુજરાત સરકારે પશુપાલકોના દરેક પ્રાણીઓનો આ રીતે રેકોર્ડ બનાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. એ રીતે ટેગ પર લખાયેલો નંબર એટલે જે તે પશુનો યુનિક આઈ.ડી.નંબર. ઘડીભર તો થયું કે વાહ, ભાઈ! આ તો અમેરિકન સિસ્ટમ આવી ગઈ. 
"સાહેબ,  લોન ભરપાઈ ન થાય ત્યાં સુધી આને અહીં જ
રાખવી પડશે. આની પર જે તેણે લોન લીધેલી છે."
(કાર્ટૂન: આર.કે.લક્ષ્મણ)
નાગરિકોને ભલે યુનિક આઈડી કે સાદા આઈડીના ફાંફાં હોય, ગાયભેંસોને મળવા લાગ્યા એ ઓછું છે! વિકાસ હંમેશાં નીચેથી ઉપર તરફ જ થવો જોઈએ. વધુ માહિતી એ હતી કે એ ટેગનો ઉપયોગ પશુઓનો વીમો લેવા માટે પણ થાય છે. વીમો શબ્દ કાને પડતાં જ તેની પછવાડે એજન્‍ટ શબ્દ યાદ આવી જાય, અને એ સાથે જ પરસેવો છૂટી જાય. વીમા એજન્‍ટ ભાઈઓ (કે બહેનો) આ ભેંસો આગળ પણ પોલિસીના લાભ સમજાવતું ભાગવત  એન.કે.એન. (ન કરે નારાયણ) બોલીને શરૂ કરી દેતા હશે? કોને ખબર?
અત્યારે ભલે હું અમદાવાદમાં રહેતો હોઉં, પણ ભેંસો સાથે મારે પુરાની પહેચાન છે. નાનપણમાં ઉનાળાના વેકેશનમાં મારા વતન મોતા (તા. બારડોલી) જતો ત્યારે 'ડોબા (ભેંસ) ચારવા' જવાનો નિત્યક્રમ હતો. 'ડોબા ચારવા' મારું મનગમતું કામ હતું. એ વખતે બીજી કશી સમજણ તો હતી નહીં, પણ ડોબાઓને તબેલામાંથી બહાર કાઢતાં જ 'છૂટ્યા'ની લાગણી સાથે પૂંછડા ઉછાળીને માથું હલાવતા એ દોટ મૂકતાં અને પછી મન ફાવે ત્યાં ચરવા માંડતાં. એ જીવોને મુક્તપણે ચરતાં જોઇને ખૂબ જ આનંદ થતો. પછી એ પણ ખ્યાલ આવ્યો કે આવી 'મુક્તિ' કેટલી જરૂરી છે એ તો આપણને કોઈ તબેલે પૂરે તો જ ખબર પડે.
મોતાનો એક કિસ્સો મને બરાબર યાદ છે. ત્યારે હું સાતમા-આઠમા ધોરણમાં હતો. હું, મારો ભાઈ અને થોડા ખેડૂતપુત્રો ગામમાં એક ઓળખીતાને ખેતરે ગયેલા. બપોરનો સમય હતો. ઝાડને છાંયડે બે બળદો વિસામો ખાઈ રહ્યા હતા. અચાનક મારી નજર પડી તો એક બળદની આંખોમાંથી રીતસરનાં આંસુ સરી રહ્યા હતા. મારાથી બોલાઈ ગયું, “આ બળદ તો રડે છે!” એ જોઈને અમારી સાથે આવેલો દસેક વર્ષનો ખેડૂતપુત્ર "હું ઠ્યું ટોને?" (શું થયું તને?) કરતોકને એ બળદની ડોકે વળગી પડ્યો.  કેટકેટલું વહાલ તેણે એ બળદને કર્યું. બળદ પણ જાણે કે તેના વહાલનો પ્રતિસાદ આપતો હોય એમ લાગ્યું અને તેની આંખમાંથી પાણી અટક્યું. વૈજ્ઞાનિક રીતે બળદ રડી શકે કે નહીં એ ખબર નથી, પણ આ અદભૂત અને લાગણીસભર ઘટના મારી સ્મૃતિમાં એ હદે અંકાઇ ગઈ છે કે આજે લગભગ પચીસ વરસ પછી પણ તેની એકે એક ફ્રેમ મારા મનમાં જેમની તેમ અંકાયેલી પડી છે. પશુઓના દુઃખે દુ:ખી થતા આવા ઘણા ખેડૂતોને જોવાનું અને મળવાનું બન્યું છે.


આજ કલ પાંવ જમીં પર નહીં પડતે મેરે... (કાર્ટૂન: સુધીર દર) 

અહીં સ્વામી આનંદે આલેખેલું દાદો ગવળીનું પાત્ર યાદ ન આવે તો જ નવાઈ! પોતાના તબેલાની ભેંસોને મારી માવડિયું કહીને બોલાવતો દાદો એકે એક ભેંસોને નામથી બોલાવે અને ભેંસોય તેને ઓળખે. કઈ માવડીનું દૂધ આવ્યું? આ તો મારી રઢિયાળીનું; આ તો મારી લાખેણીનું; આ આવ્યું મારી ભાગવંતીનું; આ સતવંતીનું,ચંદરણીનું, રૂપેણીનું!” એમ કહીને ભેંસોને બોલાવતો દાદો ગવળી આજના જમાનામાં તો પરીકથાનું પાત્ર લાગે!
આ બધી વાતો મને ભેંસને જોતાં યાદ આવી ગઈ. ભેંસ અંગે મને નવેસરથી કૂતુહલ જાગ્યું. મારા મનમાં પડેલી પચીસ વરસ જૂની ફ્રેમની સરખામણીએ આજે શી સ્થિતિ છે, એ જાણવાની ઈંતેજારી થઈ. અને પૂછતાં જે જાણવા મળ્યું એ ખરેખર આઘાતજનક હતું.
પહેલી વાત એ ખબર પડી કે અમુક અપવાદોને બાદ કરતાં બધી જ મોટા ભાગની ભેંસોને લીલા ચરાણ માટે ચરાવવા માટે લઈ જવાતી નથી. તૈયાર ખાણ જ તેમનો ખોરાક બની ગયો છે. હવે તેમનું જીવન પણ બેઠાડુ થઈ ગયું છે. મતલબ કે નાનકડા તબેલામાં બંધ રહીને જ એ અબળા અને ભોળી ભેંસોએ જીવન ગુજારવાનું હોય છે. આ સાંભળીને મને જબરદસ્ત આંચકો લાગ્યો. આનાં કારણ જાણવા પ્રયત્ન કર્યો, તો જાણવા મળ્યું કે ગાય-ભેંસોને ચરાવવા માટે હવે ગોવાળિયા આસાનીથી ઉપલ્બ્ધ નથી. (કૃષ્ણ ભગવાનની પ્રતિક્ષા છે.) અને જો ગોવાળિયા ઉપલબ્ધ થાય તો તે પગાર એવો માંગે છે કે રાખવા પોસાતા નથી. ઉપરાંત એક ભેંસની કીંમત લાખેક રૂપિયાની ખરી. એટલે કે લાખ રૂપિયાની આ જંગમ મિલકત ચરવા ગઈ અને કોઈ તેને ચોરી ગયું કે સીધી લાખ રૂપિયાની ઉઠે. ગામલોકોએ આપેલાં આ કારણો કદાચ સાચાં હશે, પણ આ ઉપરાંત બીજા ઘણા પરિબળો જવાબદાર જણાયાં. તે કેટલા સાચાં છે એની ખબર નથી, પણ તેના પર વિચાર કરવા જેવો તો છે જ.


'હોન્‍ડા સીટી' નહીં, પણ 'હોન્‍ડા વીલેજ'  (કાર્ટૂન : વાણી) 

સૌથી મુખ્ય પરિબળ એ લાગ્યું કે હવે ગામડાની નવી પેઢીને પશુપાલન કરવું ગમતું નથી. સાવ ઓછા પગારમાં સ્વમાન નેવે મૂકીને, પોતાની ઓળખ ગુમાવીને શહેરમાં તે નોકરી કરી શકે છે, પરંતુ ગામડામાં રહીને વધુ નફો કરાવી આપતો પશુપાલન ઉદ્યોગ કરવામાં તેમને શરમ આવે છે. ઉંમરલાયક થયેલા તેમના મા-બાપ ડોબાં ચરાવવા જઈ શકે નહિ. બીજી વાત આગળ જણાવી એમ ગાય-ભેંસ સાથેના પશુપાલકના લાગણીના સંબંધોનો લગભગ અંત આવ્યો છે.  પશુઓને હવે 'દૂધ આપવાના મશીન' તરીકે જ જોવામાં આવે છે. એટલે લીલું ચરાણ ચરાવવા પાછળ સમય બગાડવાને બદલે પશુઓને અનેક હોર્મોન્સવાળા 'ખાણ' આપવામાં આવે છે જેને કારણે તેઓ વધુમાં વધુ દૂધ આપે. એ જ હોર્મોન્સવાળું દૂધ આપણે અતિશય મોંઘા ભાવ ચૂકવીને સંપૂર્ણ આહાર સમજીને રોજ પી રહ્યા છીએ. ગુજરાતમાં અને દેશમાં જ્યાં જ્યાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે ત્યાં બધે માત્ર 'નામના' જ ગોચર રહ્યાં છે. એવી જ વ્યાખ્યા આપોઆપ બની ગઈ છે કે ગોચર એટલે ખરાબાની જમીન, જે સાવ સસ્તા ભાવે કોઈ ઉદ્યોગપતિને વેચી દેવાની અને તેની પર ઉભા થયેલા શેડ જોઈને વિકાસનું ગૌરવ લેવાનું. જરા વિચાર તો કરો કે આપણા રસોડા પર કોઈ બહારની વ્યક્તિ આવીને ફેકટરી ઉભી કરી દે તો આપણે આપણા ખોરાકની ચિંતા કરવાની કે પછી વિકાસ થયો એમ માનીને હરખાવાનું?
આની સામે કેનેડા, અમેરિકા અને યુરોપમાં બધે જ મેં ગાયો-ભેંસોને હંમેશા વિશાળ મેદાનોમાં છુટ્ટી ચરતી જોઈ છે. સ્વિત્ઝર્લેન્ડમાં તો  દરેક ગાય-ભેંસને ગળે જુદી જુદી સાઈઝની ઘંટડીઓ બાંધવામાં આવે છે. એ ચરતી હોય ત્યારે અજબનો સંગીતમય માહોલ રચાતો હોય છે અને એ માહોલને કારણે એ ગાયો-ભેંસો વધુ દૂધ આપે છે એમ સાબિત થયેલું છે. 
ભેંસભાગવતના આગામી અધ્યાયમાં હવે વાત પશુઓની બીમારીની. યુનિફોર્મ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાની મુલાકાતો દરમ્યાન એક-બે વેટરીનરી ડૉક્ટરો સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું કે બિમાર પશુઓને ઝડપી અસર માટે હવે હ્યુમન મેડિસિન (માનવો માટે વપરાતી દવા) જ આપવામાં આવે છે. ત્યાં સુધી કે પશુઓના ગાયનેક પ્રોબ્લેમ્સમાં પણ સ્ત્રીઓને અપાતી દવાઓ જ ડોઝ વધારીને અપાય છે, જેથી ત્વરિત પરિણામો મળી શકે. એક પેઢી પહેલાનાં જ અનેક સરકારી વેટરનરી ડૉક્ટરો સાથે મારે અંગત કહી શકાય એવો પરિચય રહ્યો છે. તેઓ ક્યારેય આ રીતે હ્યુમન મેડિસિન્સનો પશુઓ પર પ્રયોગ નહોતા કરતા. મોટેભાગે તો તેમની સારવાર પરંપરાગત પ્રકારની રહેતી. ઘણી સામાન્ય બીમારીઓ નામમાત્રની દવાથી કે હળવી થપકી મારીને, પશુને પ્રેમથી પસવારવાથી સારી થતી જોયેલી છે. હાલના વેટરીનરી ડૉક્ટરોનું કહેવું છે કે આજકાલ લોકોને તેમના પશુઓ માટે ત્વરિત રિઝલ્ટ જોઇએ છે. કોઈ રાહ જોવા તૈયાર નથી. એટલે પોતે આવા અ-સત્યના પ્રયોગો કરવા પડે છે. ડૉક્ટરો પશુઓના માલિકોને દોષ દે છે. અને પશુઓના માલિકો?
વાત નીકળી જ છે તો જરા ઊંડા ઉતરવા જેવું છે. યુનિફોર્મ પ્રોજેક્ટ દરમ્યાન ઘણી જગાએ જોવા મળ્યું કે અમુક ઢોરને ગમાણમાં રાખવામાં આવે છે અને અમુકને ગમાણની બહાર. શું તેમને બહારની તાજી હવા મળી રહે એટલે બહાર રખાતાં હશે? સરકારી આક્ષેપબાજીની ભાષામાં કહીએ તો અહીં પણ વહાલાંદવલાંની નીતિ જોવા મળી. દૂધ આપતી ગાયભેંસોને જ ગમાણમાં બાંધવામાં આવે છે અને તેમને હોર્મોન્સવાળા મોંઘામાંના ખાણ અપાય છે. દૂધ ન આપતાં હોય તેમને ગમાણની બહાર જુદા બાંધીને સામાન્ય ચારો આપવામાં આવે છે.

આવું કેમ? એનો જવાબ એ છે કે દૂધ ઉત્પાદનનો ધંધો હવે ખૂબ જ નફાકારક ગણાતો થઈ ગયો છે. ઉદાહરણ પૂરતું જોઈએ તો, દૂધ આપતી દસેક ગાય-ભેંસ જેની પાસે હોય તેનું રોજનું દૂધ ફેટ પ્રમાણે ભાવ આપીને સહકારી મંડળીવાળા ખરીદી લે. દર ૧૫ દિવસે હિસાબ પ્રમાણે રોકડા રૂપિયા પશુપાલકને મળી જાય. પશુપાલકોના કહેવા પ્રમાણે આમાંની મોટાભાગની રકમ પશુઓની સાર-સંભાળ અને ખાણ પાછળ જ ખર્ચાઈ જાય છે. તો પછી નફો શેનો? ખરો નફો વાર્ષિક બોનસમાં રહેલો છે. દસેક ગાય-ભેંસ લેખે દર વર્ષે સહકારી મંડળી તરફથી લગભગ ચારથી પાંચ લાખ રૂપિયા બોનસના મળે અને એ પણ નોન ટેક્સેબલ.
પૅટ  'ટેઈલ'ર  (કાર્ટૂન: સુધીર દર) 
સીધી વાત છે. જે પશુ સારું દૂધ આપે એનું લાલનપાલન કરવાનું. પણ આ લાલનપાલનનો અર્થ સમજવા જેવો છે.
કુદરતી વ્યવસ્થા મુજબ કોઈ પણ માદામાં દૂધનો સ્રાવ ત્યારે જ થાય જ્યારે તે સગર્ભા બને. એટલે કે પોતાના નવજાત શિશુ માટે જ તે દૂધ પેદા કરે, કેમ કે એ શિશુ હલનચલન કરવા સક્ષમ ન હોય, તેથી કુદરતે એવી વ્યવસ્થા ગોઠવી છે કે તેની જન્મદાત્રી પાસેથી જ તેને ખોરાક મળી રહે. આ હકીકત આપણે જાણીએ જ છીએ.પણ આપણા દ્વારા પીવાતા દૂધ સાથે તેને જોડવા જેવી છે. જે પશુઓના દૂધ પર આખેઆખા ડેરી ઉદ્યોગ ચાલે છે અને નભે છે એ બધાનું દૂધ શું આમ કુદરતી રીતે પ્રાપ્ત થયેલું હોય છે? આના સાચા જવાબ માટે કશા સર્વેની કે સંશોધનની જરૂર નથી.
પશુઓને એવા જોરાવર હોર્મોન આપવામાં આવે છે કે તે કૃત્રિમ રીતે ગર્ભવતી થયાનું અનુભવે, જેને કારણે તેનામાં દૂધનો સ્રાવ થાય. આમ, પશુઓને રીતસર છેતરીને દૂધ લેવામાં આવે.

વિદેશોમાં આ જ કારણે વેગન/ vegan બનવાનો ક્રેઝ ફાલ્યો છે. પોતાને 'વેગન' કહેવડાવતા લોકો પશુઓ પર થતા અત્યાચારને કારણે જ દૂધ કે દૂધની બનાવટો નથી ખાતા. સામાન્ય પ્રોડક્ટ કરતાં બેથી ત્રણ ગણા ભાવે આવી 'ઓર્ગેનિક પ્રોડક્ટ્સ' વેચાઇ રહી છે.

ફરી પેલા કાનના ટેગની વાત પર આવીએ.
ગાય-ભેંસનો વીમો લેનારી કંપનીઓ પોતાની સરળતા માટે ગાય-ભેંસના કાનમાં આર.એફ.આઈ.ડી. ટેગ લગાવતી થઈ છે. કાનની અંદરના ભાગે વચોવચ આ રીતે કાણું પાડીને આર.એફ.આઈ.ડી. (રેડીયો ફ્રીક્વન્‍સી આઈડીન્‍ટીફેકશન) ટેગ/ RFID tag લગાવી દેવાય તો ગાય-ભેંસને ખૂંચતું નહીં હોય? તેમના કાન આપણા કાનની જેમ સ્થિર નથી. સાંભળવાના કામ ઉપરાંત તેમના કાન બગાઇઓને સતત ઉડાડતા રહેવાનું કામ કરતા રહેતા હોય છે. આપણા કાનની અંદરના ભાગે ફક્ત એક જ દિવસ માટે પ્લાસ્ટિકનો નાનો ટેગ ચોંટાડીને અખતરો કરી જોઈએ તો કદાચ પશુઓની પીડાનો ખ્યાલ આવી શકે.
હજુ દાયકા પહેલાં જ ગામડાં તો ઠીક, શહેરોમાં પણ ભેંસોને તળાવોમાં કે મોટા ખાબોચિયામાં પડીને આરામ ફરમાવતી ને ટેસથી નહાતી જોઈ શકાતી હતી. આજની સ્થિતિ એ છે કે બિલ્ડરોએ સત્તાધીશોની સહાયથી તળાવો પૂરી દીધા છે. એટલે ભેંસોને નહાવાના સ્થાનો છીનવાઈ ગયાં છે. શહેરમાં તો ઠીક,  ગામડાંમાં પણ ભેંસોને તળાવમાં પડીને નહાતી જોવાનાં દૃશ્યો દુર્લભ થઈ ગયાં છે. સાંભળવા મુજબ ભેંસોની ત્વચા શ્યામવર્ણી હોવાને કારણે તેમને ગરમી વધુ લાગે છે. આને કારણે પાણીમાં પડી રહેવું તેમની જરૂરિયાત છે.
ખુલ્લામાં ચરવાને બદલે પશુઓ બંધિયાર જગાએ બેસી રહે, નિયત સમયે તંદુરસ્ત ખોરાક ખાયા કરે અને માલિક સમયસર તેનું દૂધ લીધા કરે. આવો નિત્યક્રમ મોટે ભાગે જોવા મળી રહ્યો છે. આ અંગેની ચર્ચા બીરેન કોઠારી સાથે ઘણા દિવસથી થયા કરતી હતી. તેમાં એ કવિશ્રીને સવાલ પેદા થયો કે તેમની જીવનશૈલી આમ સાવ બદલાઈ ગઈ હોય તો માણસોની જેમ કોલેસ્ટરોલ/ cholesterol વધવાના કે હૃદયસંબંધી લાઈફસ્ટાઈલ રોગો’/ Life style diseases તેમને થાય કે નહીં? આ સવાલ રસપ્રદ અને વિચાર કરતા કરી મૂકે તેવો હતો. એટલે મોરડુંગરી નિવાસી મિત્ર નીરવ પટેલને આ અંગે પૂછી જોયું. અને અહો આશ્ચર્યમ!! બી.કો.ની ભીતી સાવ સાચી પડી. ભેંસોને આમ બેઠાડુ બનાવી દઈને સતત હોર્મોનયુક્ત ખાણ ખવડાવ્યા કરવાથી તેમનું કોલેસ્ટરોલ ભયજનક રીતે વધી જાય છે. યોગ્ય ધ્યાન આપવામાં ન આવે તો તેને હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે. ભેંસને કોલેસ્ટરોલ હોવાનું નિદાન થાય એટલે વેટરીનરી ડૉક્ટર પહેલું કામ એનું હોર્મોનયુક્ત ખાણ બંધ કરાવવાનું કરે અને ખોરાક એકદમ ઓછો કરાવી દે. છતાં કોલેસ્ટરોલ ઓછું ન થાય તો બિચારી ભેંસ પર માણસને માટે બનાવાયેલી કોલેસ્ટરોલની દવાઓનો મારો શરૂ કરવામાં આવે. મિત્ર નીરવ પટેલનું એમ પણ કહેવું હતું કે ભેંસોમાં હોર્મોનયુક્ત ખાણને કારણે લો સુગર ડાયાબીટીસ પણ જોવા મળે છે. જે હોર્મોનયુક્ત ખાણને લીધે ભેંસોની તબિયત આટલી હદે લથડી જાય છે તે ખાણની આડઅસરરૂપે નીકળતું દૂધ આપણે આરોગ્યના નામે ગટગટાવીએ છીએ અને એ પણ મોંઘા ભાવે! વરસમાં બેથી ત્રણ વાર થતો ભાવવધારો ચૂકવતા રહીને 'અમૂલ'/ Amul પ્રેરીત શ્વેતક્રાંતિ/ white revolution ના વખાણ પણ આપણે હોંશે હોંશે કરીએ છીએ.  

ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓ વસતા હોવાનું આપણે માનીએ છીએ. પણ એ જ ગાય તંદુરસ્ત ચારો મેળવવાને બદલે પ્લાસ્ટિકનો કચરો / plastic waste અને એંઠવાડ ખાઈને પેટ ભરે ત્યારે આપણે આંખ આડા કાન કરીએ છીએ. આપણે એ નક્કી કરવું રહ્યું કે ગાયોને ધીમું અને ત્રાસદાયક, અને જાણીબૂઝીને મોતને હવાલે કરવા માટે જવાબદાર ગૌરક્ષકો સારા કે એક જ ઝાટકે કતલ કરીને તમામ પીડામાંથી મુક્તિ આપનારા કસાઈઓ સારા?


"સાહેબ, એ કહે છે કે એણે સ્ટે ઓર્ડર મેળવ્યો છે."
(કાર્ટૂન: અબુ અબ્રાહમ) 

ગાય-ભેંસની વાતો નીકળી જ છે તો શહેરના જાહેર માર્ગો પર તેમના દ્વારા ટ્રાફિકમાં ઉભી થતી અડચણનો ઉલ્લેખ શી રીતે ટાળી શકાય? રસ્તે બેઠેલી, ઉભેલી કે ફરતી ગાય કે ભેંસની અડફેટે આવીને હાથપગ ભાંગનારા કે મૃત્યુ પામનારા વાહનચાલકોની સંખ્યા કેટલી બધી હોય છે! પણ તે માટે રસ્તા પર રખડતી ગાયો-ભેંસો પર ગુસ્સો કરવાને બદલે એનાથી બમણો ગુસ્સો એમને છોડી મૂકનારા તેમના માલિકો પર અને ચાર ગણો ગુસ્સો મ્યુ. કોર્પોરેશનના સત્તાધારીઓ પર કરવો. શહેરમાં એવાં દૃશ્યો ઘણી વાર જોવા મળે છે કે એક તરફ કોર્પોરેશનવાળા ડબ્બો લઈને રખડતાં ઢોર પકડવા આવ્યા હોવાની ખબર પડે કે બાજુના વિસ્તારના પશુપાલકો બાઈક લઈને રસ્તા પર નીકળે અને રીતસરનો હાંકો કરતા જઈને પોતાનાં ઢોરોને એક દિશામાં દોડાવતા જઈને એકઠાં કરે. વિરુદ્ધ દિશામાંથી પંદર-વીસ ગાય-ભેંસો અચાનક દોડતી આવે તો રાહદારીની કે વાહનચાલકની શી હાલત થાય એ ગાયભેંસોના માલિક સિવાયના સહુ કોઈથી સમજી શકાય એવું છે! થોડા સમય પહેલાં સમાચાર હતા કે વડોદરા મ્યુ. સેવા સદન / Vadodara Municipal Seva Sadan  અમુક લાખ રૂપિયાના ખર્ચે ખાસ ચીપ બનાવડાવવાનું છે, જેને ઢોરોના શરીરમાં મૂકી દેવાશે. તેને કારણે તેમની પર નજર રાખી શકાશે. આ વાંચીને હસવું કે રડવું એ સમજાતું નથી. જે વાત ગાયો કે ભેંસો સમજી સુદ્ધાં સમજી શકે એમ છે, તેને આ સત્તાધીશો સમજી શકતા નથી. હાલમાં જે કાયદો છે તેનું પાલન સખત બનાવાય અને આકરા દંડની જોગવાઈ કરાવાય તો ચીપ પાછળ રૂપિયા બગાડવાની કશી જરૂર જ ક્યાં છે?
ખાસ કરીને ચોમાસામાં તો ગરમાવો મેળવવા માટે ગાયભેંસો રસ્તાની વચ્ચોવચ આવીને ગોઠવાઈ જાય છે. કોર્પોરેશનવાળા તેમને પકડી જાય તો પણ માલિકોને તે છોડાવી આવતાં વાર લાગતી નથી. મુદ્દે કોર્પોરેશન જેવી સત્તાનો કશો ડર કે આમન્યા જ માલિકોમાં નથી. નાગરિકભાવનાની તો અપેક્ષા જ ક્યાંથી રાખી શકાય?
વક્રતા જુઓ. જ્યાં આ પશુઓને છૂટા મૂકવાની જરૂર છે ત્યાં એ બંધિયાર અને બેઠાડુ જીવન જીવે છે. અને જ્યાં તેમને બાંધી રાખવાની જરૂર છે ત્યાં એ છૂટાં અને બેફામ બનીને ફરે છે.
અહીં આ ભેંસભાગવતના અધ્યાયનું પારાયણ કર્યું ખરું, પણ એ ખબર નથી પડતી કે આનો ઉકેલ શો? કેમ કે, સમસ્યા એક નહીં, ઘણી બધી છે. અને તેનો ઉકેલ માનવોના હાથમાં છે.
કમનસીબે ગાયો-ભેંસો હોમો સેપીયન્સ’/ Homo Sapiens ની પ્રજાતિમાં દૂર દૂર સુધી આવતી નથી. એટલે નજીકના ભવિષ્યમાં તેમનું રૂપાંતર વોટબેન્‍કમાં થાય એવી કોઈ શક્યતા લાગતી નથી. એટલે 'અખિલ ભારતીય પશુ સમાજ' પોતાનું પ્રતિનિધિમંડળ મોકલીને જે તે સત્તાધારીઓ પર દબાણ લાવે એવી શક્યતા નહીંવત છે. તો પછી કરવું શું? ઈસુ ખ્રિસ્ત/ Jesus Christ નો પેલો જગપ્રસિદ્ધ ડાયલોગ આ પશુઓના મોંમાં મૂકીને વાત પૂરી કરીશું? “હે ઈશ્વર, તેમને માફ કરી દેજે, કેમ કે તે શું કરી રહ્યા છે એ તેઓ જાણતા નથી.” ના, આ ડાયલોગ અહીં બંધ નહીં બેસે. કેમ કે, સૌને બરાબર ખબર છે કે પોતે શું અને શા માટે કરી રહ્યા છે.  તો પછી મિસ્ટર કે.વી.યાદવ (કૃષ્ણકુમાર વાસુદેવ યાદવ) જન્મે અને મોટા થાય ત્યાં સુધી રાહ જોઈએ. બીજું શું?

(તસવીરો: ઉત્પલ ભટ્ટ)
(કાર્ટૂનસ્રોત:  પેંગ્વીન બુક ઑફ ઈન્‍ડીયન કાર્ટૂન્‍સ) 

6 comments:

  1. વહાલા ભાઈ બીરેન,
    ભેંસ–પુરાણ આખું વાંચી ગયો.. ભાઈ ઉત્પલ ભટ્ટને મારા અભીનંદન..
    તેઓ મોતાના છે ? મોતા મારું મોસાળ ! બચપણનાં મોટાં ભાગનાં વેકેશનો ત્યાં સીમમાં
    ચણીબોર ને ખટુંબડાં શોધી ખાવામાં ગાળ્યાં..
    હું તો નાનપણથી દુધ ખાતાં–પીતાં શીખ્યો જ નથી.
    હા, ચા અને કઢી પુરતું જ દુધ ઘરમાં વપરાય..
    વ્યાપારીકરણ એ આ સદીની ઓળખ છે. પશુ સાથેના કે કોઈ પણ સાથેના સંબંધોનુંયે વ્યાપારીકરણ જ થવાનું.. શીક્ષક–શીષ્ય કે ગુરુ–ચેલા સુધ્ધાં..

    ReplyDelete
  2. બહુ સરસ વાત! સારી રીતે કહેવાઇ છે.

    ReplyDelete
  3. પ્રિય બિરેનભાઈ,
    તમારા બ્લોગના સંપર્કમાં રહું છું.
    પશુધન વિશેનો તમારો લેખ આજની વાત અને એનાં અનુસંધાનોને ખૂબ હૃદયપૂર્વક પકડે છે.
    તમને ભાવપૂર્વક અભિનંદન.
    દીપક દોશી

    ReplyDelete
  4. ભેંસભાગવતનો કરુણ અધ્યાય:
    good deep observation !

    ReplyDelete
  5. Culture is how we behave with the universe and I think that's what we are loosing. Emotional relationship is replaced by business relationship everywhere.

    Thanks

    ReplyDelete
  6. જે ગુજરાતમાં પત્નીઓની રંગ અને વર્ણને લઈને મહિષી સાથે સરખાવતા હાસ્યાસ્પદ લેખકો અને ડાયરિયા કલાકારો છે, ત્યાં ભેંસ માટે આવા સંવેદનશીલ લેખ પેલેટ જ આપી શકે.કેરી ઓન બંધુ!
    પણ લેખમાં બીરેન કવિ બની ગયાની માહિતીથી દિલ તૂટી ગયું.એમને અત્યાર સુધી સારા માણસ ગણતો હતો હતો.
    હશે,જેવી ઈશ્વર ઈચ્છા.

    ReplyDelete