Tuesday, October 2, 2012

ગાંધી અને કલાકારો: સંસ્મરણ કથા અથવા 'અસહકાર'ના પ્રયોગો (૧)



ગાંધીજીને કળા સાથે શી લેવાદેવા? એમની સાથે વાત કરવી હોય તો સત્ય, અહિંસા, અપરિગ્રહ, ખાદી, ગરીબી, અસ્પૃશ્યતાનિવારણ, રાજકારણ, આસ્તિકતા, ગ્રામસુધાર, વિજ્ઞાન, આરોગ્ય વગેરે જેવા અનેક મુદ્દાઓ વિષે વાત થઈ શકે, પણ કળા?

૧૯૩૬માં અમદાવાદમાં ભરાયેલા સાહિત્ય પ્રદર્શનમાં રવિશંકર રાવળનાં ચિત્રો જોઈને તેમણે કહેલું, “રવિશંકર રાવળ જેવા અમદાવાદમાં બેઠા બેઠા પીંછી માર્યા કરે છે, પણ ગામડામાં જઈ શું કરે છે?.... જો કે, આજે તેનું પ્રદર્શન જોઈને મારી છાતી ઉછળી, કારણ કે પહેલાં અહીં આવા ચિત્રો ન હતા.... અહીં તો રવિશંકર રાવળ ચિત્રોમાં શબ્દોનું જ્ઞાન પૂરતા હતા, પણ સાચી કળા તો તેઓ મૂંગા રહે અને હું સમજી શકું એવી હોવી જોઈએ... છતાં મારી છાતી એમના ચિત્રો જોઈ ઉછળી... કળાને જીહ્‍વાની જરૂર નથી.” આ સંકલિત ઉદ્‍ગારોમાં કળા વિષે ગાંધીજી શું માનતા હતા એનો અંદાજ આવી શકે છે. એમ તો એક વખત કળાને તેમણે ભર્યા પેટના ચાળા કહીને પણ નવાજી હતી.

ઉપરના ઉદ્‍ગારો પરથી એવું ફલિત થતું લાગે કે કળા બાબતે ગાંધીજીના મનમાં તેમના વિચારો અને રહેણીકરણી જેટલી જ સાદગીનો આગ્રહ હતો. કળાશાસ્ત્ર કે કળાવિજ્ઞાનને તેમણે ઝાઝું મહત્વ આપ્યું નહોતું. આ બાબતે તેમની સાથે થયેલા સવાલજવાબ જુઓ:
 
બાપુ, આપને અતિશય ચાહનારા અને બુદ્ધિમાનો પણ માને છે કે આપે રાષ્ટ્રીય શિક્ષણમાં કળાને જાણે- અજાણે પણ સ્થાન નથી આપ્યું વાત સાચી?” શાંતિનિકેતન/ Shantiniketan ના એક વિદ્યાર્થીએ ગાંધીજીને પ્રશ્ન પૂછેલો. કળા અને સૌંદર્યને વરેલી કવિવર રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન વિદ્યાપીઠના વિદ્યાર્થીના મનમાં આવો પ્રશ્ન થાય તો નવાઈ!
સત્યમાં સૌદર્ય જોનારા બાપુએ જવાબ આપતાં કહેલું, 
 બાબતમાં મારા વિશે ફેલાયેલી ગેરસમજ સામાન્ય છે....’ એ પછી તેમણે કળાના આંતર અને બાહ્ય - એમ બે ભાગ પાડીઅંતરના વિકાસની વાત માંડીબેમાંથી કોના પર કેટલો ભાર મુકવો  જણાવ્યું અને ઉમેર્યું: “કળા માત્ર અંતરના વિકાસનો આવિર્ભાવમાણસના આત્માનો જેટલો આવિર્ભાવ બાહ્ય રૂપમાં હોય તેટલી એની કિંમત...”

આનો શો અર્થ થાય? કોશિયો પણ સમજી શકે એવી ભાષાનો આગ્રહ રાખતા ગાંધીજીએ ખુદ કળાની વાત આવતાં કેવું અઘરું બોલવું પડ્યુંતેને સમજવા માટે બીજી વાર વાંચવું પડે કે નહિ?
આને લઈને જ સામાન્યપણે એવી માન્યતા વ્યાપેલી છે કે કલાકાર અને ગાંધી? આ બન્નેનો શી રીતે મેળ પડે?

આ સંજોગોમાં અમને કૂતુહલ પેદા થયું કે ગાંધીજીનું ચિત્ર બનાવ્યું હોય, તેમનું શિલ્પ તૈયાર કર્યું હોય કે તેમની તસવીરો લીધી હોય એવા કલાકારોનો ગાંધીજી સાથેનો રૂબરૂ અનુભવ કેવો રહ્યો હશે? આ મુખ્ય વિચારની આસપાસ કામ કરતાં કલાકારોના જે રસપ્રદ અનુભવો જાણવા મળ્યા તેને અહીં આલેખવાનો પ્રયાસ કર્યો છે. આ પોસ્ટની વિશેષતા એ છે કે કુલ ત્રણ જણે તેના વિવિધ પ્રસંગો આલેખ્યા છે. એ ત્રણ જણ એટલે આપના વિશ્વાસુ ઉપરાંત કેતન રૂપેરા અને ઉર્વીશ કોઠારી. મઝા એ થઈ કે ત્રણેય વચ્ચે માત્ર એટલી જ વાત થઈ હતી કે આવું કંઈક આપણે કરવું છે. શી રીતે એનું આલેખન કરવું તેની કશી વાત થઈ નહોતી. અને છતાં જ્યારે ત્રણેય જણના લખેલા પ્રસંગોને ભેગા કર્યા તો લગભગ એક જ પેટર્નમાં તે લખાયેલા. એટલે અહીં તેમને સીધા મૂકી જ દેવામાં આવ્યા છે. ઉપરાંત જે તે કલાકારની કૃતિનો ઉલ્લેખ છે એ કૃતિને પણ અહીં મૂકી છે.
એટલે ગાંધીજી/Gandhiji ની દૃષ્ટિએ કળાને થિયરીમાં જઈને સમજવા કરતાં હવે સીધા પ્રેક્ટિકલ પર એટલે કે ગાંધીજી અને કલાકારો વચ્ચે થયેલા નખશિખ અહિંસક એન્કાઉન્ટર્સ પર  આપણે આવી જઈએ.

પાંચ રૂપૈયા બારહ દો આના

અમદાવાદમાં ઇન્કમટેક્ષ ચાર રસ્તા પાસે ગાંધીજીની જે બેનમૂન પ્રતિમા છે તેના શિલ્પી એટલે કાંતીલાલ બી. પટેલ/ Kantilal B. Patel. નવ વખત ઓસ્કાર માટે નોમિનેટેડ અને બે વખત ઓસ્કાર એવોર્ડ મેળવનાર બ્રિટિશ ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ડેવીડ લીને/ David Lean પ્રતિમા જોઈને કહ્યું હતું, "આટલા આબેહૂબ ગાંધી વિશ્વની બીજી કોઈ પ્રતિમામાં ઝીલાયા નથી. શિલ્પકારે ગાંધીજીના વ્યક્તિત્વને ઉપસાવનાર બધા ગુણોનું દર્શન શિલ્પમાં કરાવ્યું છે."

શિલ્પકાર કાંતિલાલ પટેલ: "ડીસ્ટર્બ એટલે ......" 
હૂબહુ ગાંધી, એવી એ પ્રતિમાથી માત્ર ડેવીડ લીન નહિ, યુ.એસ.એ. અને દક્ષિણ અમેરિકાની સરકાર પણ પ્રભાવિત થયેલી છે. યુએસએમાં ન્યૂયોર્કના મેનહટ્ટન/ Manhattan વિસ્તાર અને દક્ષિણ અમેરિકાના ગુયાનામાં જયોર્જ ટાઉન/ George Town માં કાંતીભાઈએ બનાવેલી ગાંધીજીની આવી પ્રતિમા શોભી રહી છે. ૮૮ વર્ષની તેમની ઉંમર અને સાઠેક વર્ષની કારકિર્દીમાં તેમણે અનેક મહાપુરુષોના શિલ્પો બનાવ્યાં છે. પણ ગાંધીજી પ્રત્યેનો તેમનો અનુરાગ તેમના વિચાર-વાણી-વર્તન બધામાં ઝળક્યા વિના રહે. એ આપણું સદ્‍ભાગ્ય છે કે કાંતિભાઈ હજીય આપણી વચ્ચે સદેહે છે. (તેમના વિષેની વધુ વિગતો બિનીત મોદીના બ્લોગ હરતાંફરતાં પર અહીં http://binitmodi.blogspot.in/2012/09/blog-post_20.html  ક્લીક કરવાથી વાંચી શકાશે.) પહેલી વાર તેમને ગાંધીજીનું શિલ્પ બનાવવાની ચાનક ચડી કે એ પહોંચી ગયા સીધા સેવાગ્રામ આશ્રમ/ Sevagram Ashram વર્ધા/ Wardha (મહારાષ્ટ્ર), આગોતરી કોઈ જાણકારી આપ્યા વગર. ગાંધીજીના અંગત સચિવની કામગીરી સંભાળતા સુશીલા નાયર/ Sushila Nayar ને મળ્યા. પોતાની ઈચ્છા જણાવી. તરત પરવાનગી મળી પણ ગઈ.
પણ શિલ્પ બનાવતાં અગાઉ ભરપૂર સ્કેચ બનાવવા પડે. આ સ્કેચ બનાવવા માટે કાંતિભાઈ બે-ચાર નહીં, પૂરા અગિયાર દિવસ ત્યાં રહ્યા. ગાંધીજીને દૂરથી નીરખતા રહ્યા અને શક્ય એટલા સ્કેચ દોરતા રહ્યા.

આ આખી ઘટના યાદ કરતાં કાંતિભાઈ કહે છે:

"ગાંધીજી કુટિરમાં રહે. પતલી ગાદીમાં બેસે. પાછળ તકિયો અને આગળ ઢાળિયું રાખે. બાજુમાં દિવાલ અને એક બારી પડતી. એટલે બારીની બહાર ઊભો રહીને હું સ્કેચ કરતો રહેતો. બે-ત્રણ દિવસ પછી બન્યું એવું કે તેમના મુલાકાતીઓની સંખ્યા વધી ગઈ. વાતવાતમાં ગાંધીજી ઘડીકમાં ડાબે ફરે, ઘડીકમાં જમણે ફરે. એને કારણે મને ખાસ્સી અગવડ પડે. આ સંજોગોમાં મને કુટિરની અંદર બેસવાનું મળે તો સારું. બીજા કોઈને આ વિષે કહેવા કરતાં ખુદ બાપુની પરવાનગી જ લઈ લઉં એમ વિચારીને હું અંદર ગયો. ગાંધીજી બેઠેલા હતા. હું ઊભો હતો.”
“મેં કહ્યું, ‘બાપુ, હું બહારથી તમારા સ્કેચ બનાવ્યા કરું છું. પણ મુલાકાતીઓ બહુ આવે છે ને એટલે હું ડિસ્ટર્બ થઈ જાઉં છું...” આગળનું વાક્ય હું પૂરું કરું એ પહેલાં જ  આટલું સાંભળતાની સાથે એમણે માથું ઊંચું કર્યું અને બોલી ઉઠ્યા,ડિસ્ટર્બ એટલે શું? ગાય, ઘોડું, ગધેડું, ભેંસ... ? અંગ્રેજી લોકો એમની ભાષામાં વચ્ચે ગુજરાતી શબ્દો બોલે છે? આપણને આપણી ભાષાનું સ્વમાન હોવું જોઈએ. જાઓ તમને હું બે આના દંડ કરું છું. આશ્રમમાં મેં નિયમ દાખલ કર્યો છે ને તમે પહેલા ઝડપાયા છો.”
એમ કહી તેમણે મને બે આના દંડ કર્યો. વખતે આશ્રમમાં જેઓ પોતાની મૂળ માતૃભાષા કે રાષ્ટ્રભાષામાં વચ્ચે અંગ્રેજી શબ્દો બોલે તેને બાપુ બે આના દંડ કરતા. દિવસોમાં બાપુએ બીજો પણ એક નિયમ કર્યો હતો. તેમની પાસે બહુ બધા લોકો ઓટોગ્રાફ લેવા માટે આવતા. એમાં તેમનો સમય બહુ જતો. એટલે એક ઓટોગ્રાફ આપવાની તેમણે પાંચ રૂપિયા ફી લેવાનું શરૂ કર્યું. આ રીતે એકઠું થયેલું ભંડોળ તેઓ હરિજન ફંડમાં જમા કરાવતા. થોડા દિવસ પછી મારા સ્કેચ પૂરા થયા. હવે મારે પાછા આવવાનું હતું. એમાંના એક ચિત્ર પર બાપુની સહી લેવા હું ગયો. એક ચિત્રમાં સહી કરાવવાના પાંચ રૂપિયા તો મેં આપ્યા જ, સાથે પેલા દંડના બે આનાય ભર્યા.
ગાંધીજી સાથે બીજી શી શી વાત થઈ હતી એ પૂછતાં કાંતિભાઈ કહે છે, બસ, એક સંવાદ અમારી વચ્ચે થયો ૧૧ દિવસમાં.
ગાંધીજી સાથેના (ખરેખર તો એમની આસપાસના) અગિયાર દિવસને કાંતિભાઈ જીવનના એક મહામૂલા અવસર અને મહાન ઘટના તરીકે મૂલવે છે. આટલા દિવસ ગાંધીજી સાથે રહ્યા તેમાં કળાકારો પ્રત્યેની ગાંધીજીની દૃષ્ટિ અંગે કાંતિભાઈ કહે છે: “એમને કલાકારો માટે બહુ પ્રેમ હતો. હરિપુરા કોંગ્રેસ સંમેલન (૧૯૩૮)ના તો પોસ્ટર્સ પણ તેમણે નંદલાલ બોઝ/ Nandalal Bose જોડે બનાવડાવ્યા હતા.... પણ કળાની એમને મન પ્રાથમિકતા નહોતી. એમને મન પ્રાથમિકતા માનવની હતી.”
ગાંધીજીની સાથે રહ્યા પછી, તેમના અનેક સ્કેચ બનાવ્યા પછી કાંતિભાઈએ તૈયાર કરેલા આ પહેલા શિલ્પમાં ગાંધીજી હિંદની પ્રજાને સ્વરાજ અપાવવાના ગહન ચિંતનમાં હોય એવો ભાવ ઉપસી આવે છે.


કાંતિલાલે બનાવેલાં ગાંધીજીનાં અનેક શિલ્પોમાંના એકની  રેપ્લિકા 

“તમારો લાગ શોધી લેજો.”

ગુજરાતના કલાપ્રેમીઓ માટે કળાગુરુ રવિશંકર રાવળનું નામ અને કામ અજાણ્યા ના હોય. એમની આત્મકથા 'ગુજરાતમાં કલાના પગરણ'માં વર્ણવ્યા મુજબ ગાંધીજી સાથેની પહેલી મુલાકાત એમના માટે તો જીવનનો લહાવો હતી, પણ ગાંધીજી માટે?
ખુદ રવિશંકર રાવળ/ Ravishanker Raval ના શબ્દોમાં જ આ વાત વાંચીએ:
કલાગુરુ રવિશંકર રાવળ (*) 
‘‘એ વર્ષના ઑક્ટોબરની બીજી તારીખે ગાંધીજીની ૫૦મી વર્ષગાંઠ આવતી હતી. તે નિમિત્તે કવિ ન્હાનાલાલે તેમનું સુપ્રસિદ્ધ કાવ્ય ગુજરાતનો તપસ્વી લખ્યું. સ્વામી આનંદ/ Swami Anand ના હાથમાં તે આવતાં જ તેમણે તે હાજી મહમ્મદ/ Haji Mohammed ને વીસમી સદી’/ Visami Sadi માં છાપવા મોકલ્યું. હાજીએ તરત તેનો સ્વીકાર કર્યો અને તાર કર્યો કે ગાંધીજીનો તાજો ફોટો મોકલો, યા સ્કેચ માટે રવિશંકર રાવળની સહાય લ્યો.
ગાંધીજી ફોટોગ્રાફ લેવડાવવાની તો વિરુદ્ધ હતા, તેથી સ્વામીએ મહાદેવભાઈ અને નરહરિભાઈની મદદ લઈ ગાંધીજીને સમજાવ્યા કે તેઓ ફોટોગ્રાફની વિરુદ્ધ હશે, પણ હાથે ચિત્રકામ થાય તેનો વાંધો લેવો ન જોઈએ. સ્વામી મને ઘોડાગાડીમાં ચડાવી પહેલી જ વાર આશ્રમે લઈ ગયા. વીસમી સદીનું કામ તો મારો સહજ આનંદ હતો, પણ ગાંધીજીનો સ્કેચ કરવાનો અવસર એ તો જીવનનો લહાવો હતો. અમે આશ્રમે પહોંચ્યા ત્યાં ઓસરીમાં નરહરિભાઈ મળ્યા. સ્વામીએ કહ્યું કે રવિભાઈને સ્કેચ માટે ખેંચી લાવ્યો છું. તેમણે કહ્યું કે જાઓ, અંદર બાપુ મહાદેવભાઈને કૈંક લખાવી રહ્યા છે. સ્વામીએ મને અંદર લઈ જઈ બાપુને કહ્યું કે રવિશંકર રાવળને સ્કેચ માટે લાવ્યો છું. મેં ખૂબ ભાવથી વંદન કર્યું ત્યાં તે બોલ્યા: “આવો રવિશંકરભાઈ, તમારા વિષે મેં ઘણું સાંભળ્યું છે. પણ જુઓ, હું તમારા માટે ખાસ બેઠક નહીં આપી શકું. મારું કામ ચાલુ રહેશે. તમે તમારો લાગ શોધી લેજો.”

'વીસમી  સદી' ના સપ્ટેમ્બર, ૧૯૧૯ના અંકમાં
પ્રસિદ્ધ થયેલો રવિશંકર રાવળે દોરેલો
ગાંધીજીનો સ્કેચ 
મને મનમાં તો ધ્રુજારી છૂટી કે આવા મહાપુરુષનો આબેહૂબ ખયાલ પકડવા આવી સ્થિતિમાં કેમ હાથ ચાલશે. છતાં હિંમત કરી એક ખૂણે બેસી ગયો, અને ગાંધીજીની તે સમયની આખી બેઠકનું ચિત્ર પેન્‍સિલથી કર્યું. તેઓ એક પગ વાળીને ખાટલા પર બેઠા હતા. તે પર લખવાના કાગળોની પાટી હતી, ને બીજો પગ નીચે ચાખડીમાં ભરાવી રાખ્યો હતો. ચિત્ર પૂરું થયું ત્યારે હું ઉઠ્યો કે તરત તેઓ બોલ્યા: બસ, તમારું કામ થઈ રહ્યું હોય તો જાઓ. મહાદેવભાઈએ તીરછી નજરે ચિત્ર જોઈ મલકી લીધું. બહાર નરહરિભાઈ કહે, “તમને તક મળી એટલી લ્હાણ માનો.” સહી-બહી મળવાની આશા તો શાની હોય? પણ એ ચિત્ર વીસમી સદીમાં કવિના કાવ્ય સાથે પાનું ભરીને છપાયું.”
રવિશંકર રાવળે ગાંધીજીની સામે બેસીને તેમનો સ્કેચ દોર્યો હતો, તો વિનાયક મસોજીએ ગાંધીજી સાથે સંબંધિત એક ઘટનાનું ચિત્રરૂપે આલેખન કર્યું હતું. કઈ ઘટના હતી એ?

ધરપકડ પછીનું સ્મિત

વિનાયક
મસોજી
દાંડીકૂચ/ Dandi March ના  અંતે ગાંધી દાંડી પહોંચ્યા ત્યારે સ્વાતંત્ર્ય સેનાની તરીકે,  ચિત્રકાર નંદલાલ બોસના શિષ્ય વિનાયક એસ. મસોજી/ Vinayak S. Masoji સાબરમતી આશ્રમ પહોંચ્યા. ભારતમાં બ્રિટિશ શાસનના ટીકાકાર તરીકે જાણીતા રેજિનાલ્ડ રેનોલ્ડ્સ/ Reginald Reynolds પણ એ જ બપોરે આશ્રમ પર આવ્યા. બીજા દિવસે તે ગાંધીજીને મળવા દાંડી જવાના હતા. તેમણે વિનાયકને સાથે આવવા કહ્યું. આશ્રમથી મીરાબહેને ગાંધીજી પરના પત્રોનું બંડલ આપ્યું. એ લઇને વિનાયક દાંડી અને દરિયાની વચ્ચે આવેલી સત્યાગ્રહીઓની છાવણીમાં પહોંચ્યા. ગાંધીજીને મળ્યા. ગાંધીજીએ તેમને દાંડીમાં રહેવા અને રોજિંદી ગતિવિધિઓમાં ભાગ લેવા અંગે પૂછ્યું. વિનાયકે ના પાડી એટલે ગાંધીજીએ કહ્યું, ‘એ સારું છે.’ ગાંધીજી ઇચ્છતા હતા કે સૌ પોતપોતાના ઠેકાણે રહીને જ કામ કરે.
એ રાત્રે તેમણે અને રેનોલ્ડ્સે વિદાય લીધી. પછી જાણવા મળ્યું કે સવારે બે વાગ્યે સરકારે ગાંધીજીની ધરપકડ કરી હતી. આ ઘટના વિનાયક મસોજીના મનની સ્કેચબુકમાં આબેહૂબ અંકાઈ ગઈ, જેના પરથી ખરેખરું ચિત્ર તો ઘણા વરસ પછી તે દોરવાના હતા. એ વાત વિનાયક મસોજીના શબ્દોમાં જોઈએ:
‘દરિયાકિનારે આંબાવાડિયામાં સત્યાગ્રહી છાવણીમાં ગાળેલા શાંતિપ્રિય જીવનની યાદ મારા મનમાં તાજી હતી... ગાંધીજીની ધરપકડનું ચિત્ર બનાવવાની મારી ઝંખના ઘણાં વર્ષ પછી માઉન્ટ આબુના એકાંતમાં સાકાર થઇ. એ ચિત્ર કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન મૂકવામાં આવ્યું હતું. મહાત્માજીએ રાજકુમારી અમૃતકૌર, મહાદેવ દેસાઇ અને બીજા લોકો સાથે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ચિત્ર તરફ જોઇને રાજકુમારીએ ગાંધીજીને પૂછ્યું કે ચિત્ર કેવળ કળાકારની કલ્પના હતું કે ખરેખર એવું બન્યું હતું? ત્યારે મહાત્માજીએ શાંતિથી, ચહેરા પર સ્મિત સાથે કહ્યું, ‘યસ, યસ, એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી...ધે કેમ લાઇક ધેટ.’ (હા, બસ, બરાબર, બિલકુલ આવી જ રીતે, એ લોકો આવ્યા હતા.)
"યસ, યસ. એક્ઝેક્ટલી, ધે કેમ લાઈક ધેટ." 

વિનાયક મસોજીનું ચિત્ર જોઈને ગાંધીજીએ રાજીપો બતાવ્યો, પણ વિનાયકે એ દોરવા માટે ગાંધીજીની સમક્ષ બેસવું પડ્યું નહોતું. બીજી રીતે કહીએ તો તેમણે ગાંધીજીનો સામનો કરવાનો વખત આવ્યો નહોતો.
કોઈ ચિત્ર યા તસવીર માટે ગાંધીજીનો સામનો કરવાનો આવે ત્યારે શી રીતે સજ્જ થવું પડે એનો અંદાજ આ અનુભવ પરથી આવશે. 

યુદ્ધ ફોટોગ્રાફરની શરણાગતિ

માર્ગારેટ બોર્ક- વ્હાઈટ: "કાંતતાં આવડે છે?" 
1946માં ગાંધીજી દિલ્હીના એ સમયે ‘ભંગી કોલોની’ તરીકે ઓળખાતા દલિત મહોલ્લામાં રહેવા ગયા ત્યારની વાત છે. ગાંધીજી અને બીજા સાથીદારોના રહેવા માટે જૂની ઝૂંપડીઓ તોડીને નવી, સાદી છતાં વધારે ઊંચી અને સગવડદાયક કુટિર તૈયાર કરવામાં આવી હતી. એવી કુટિરમાં રહેતા ગાંધીજીની તસવીરો લેવા માટે તેમના સચિવ પ્યારેલાલની પરવાનગી લેવાની રહેતી. સૌ પ્રથમ મહિલા યુદ્ધ-પત્રકાર (વૉર કોરસપોન્‍ડન્‍ટ) અને લાઇફ મેગેઝિન/ Life Magazine નાં ફોટોગ્રાફર તરીકેની નામના મેળવેલા માર્ગારેટ બોર્ક-વ્હાઇટ/ Margaret Bourke-white પ્યારેલાલને મળ્યાં, ત્યારે પ્યારેલાલે તેમને પૂછ્યું, ‘કાંતતાં આવડે છે?’ માર્ગારેટે ના પાડી, એટલે પ્યારેલાલે કાંતણના મહત્ત્વ અને મહાત્મ્ય પર લઘુપ્રવચન આપી દીધું. લાંબી ચર્ચા અને પ્યારેલાલ/ Pyarelal  પાસેથી મહાપરાણે કાંતણના ક્લાસ લીધા પછી માર્ગારેટને ગાંધીજીની કુટિરમાં જવાની પરવાનગી મળી.
એ દિવસે ગાંધીજીનો મૌનવાર હતો. પ્યારેલાલે કહ્યું કે ગાંધીજી તમારી તરફ બિલકુલ ધ્યાન નહીં આપે - એટલે કે પોઝ નહીં આપે. (મૌન ન હોય એવા વખતે ગાંધીજી રસ્તામાં કે બીજે ક્યાંય માર્ગારેટને જોઇને કહેતા, ‘ધેર’ઝ ધ ટોર્ચરર અગેઇન.’)
માર્ગારેટને એનો વાંધો ન હતો, પણ પ્યારેલાલે બીજો ધડાકો કર્યો, ‘તમને ખ્યાલ જ હશે કે તમારાથી ફ્લેશ નહીં વપરાય.’
પ્યારેલાલે કહ્યું કે ફ્લેશથી ગાંધીજીની દૃષ્ટિને ખલેલ પહોંચે છે. પણ કુટિરમાં એટલો ઓછો પ્રકાશ આવતો હતો કે ફ્લેશ વાપર્યા વગર છૂટકો જ ન હતો. થોડા વખત પહેલાં પ્રાર્થનાસભામાં ગાંધીજીએ માતાઓને સલાહ આપી હતી કે બાળકોને સૂરજ સામે જોવા કહેવું, જેથી તેમની દૃષ્ટિ સુધરે. આ અને આવી દલીલો કરીને મહાપરાણે માર્ગારેટે ત્રણ ફ્લેશબલ્બ વાપરવાની પરવાનગી મેળવી. કુટિરમાં પહોંચ્યા પછી માર્ગારેટે શું જોયું? એમના જ શબ્દોમાં :
‘પરિસ્થિતિ ધારણા કરતાં વધારે ખરાબ હતી. સૂર્યપ્રકાશ આવતો હતો ખરો, પણ એ (ફોટોગ્રાફીની દૃષ્ટિએ) સૌથી નકામી જગ્યાએથી આવતો હતો. ગાંધીજીના માથાની ઉપરના ભાગમાં એક ખુલ્લી બારી હતી. તેમાંથી આવતો પ્રકાશનો શેરડો સીધો મારા કેમેરાના લેન્સ પર પડતો હતો. તેમનું બદામી (નટ-બ્રાઉન) શરીર પ્રસરેલા પ્રકાશની ધૂંધળી ચમકમાં એકાકાર થઇ જતું હતું. શેડિંગ કે બીજી કોઇ કરામતથી તેનો ઇલાજ શક્ય ન હતો. એ સહેજ ઝૂકીને છાપાંનાં કટિંગ વાંચી રહ્યા હતા, એટલે તેમના ચહેરાની રેખાઓ (ફીચર્સ) પડછાયામાં અદૃશ્ય થઇ જતી હતી. પ્યારેલાલે કહ્યું હતું તેમ, એમણે મારા ભણી બિલકુલ લક્ષ ન આપ્યું. એ બદલ મેં તેમનો (મનોમન) આભાર માન્યો.
સામાન્ય રીતે સરસ કામ આપતાં મારાં શટર્સ અને સિન્ક્રોનાઇઝર્સ અચાનક એ જ વખતે વંકાયાં. કોઇ મોટા કે અઘરા માણસના ફોટા પાડતી વખતે હંમેશાં આવું થાય છે. ઇજિપ્તના કિંગ ફારુક/King Faroukh, વડાપ્રધાન ચર્ચિલ/ Churchill, ઇથિયોપિઆના રાજા/King of Ethiopia અને પોપ/Popeના ફોટા પાડતી વખતે પણ આવું જ થયું હતું. ઠંડી આબોહવામાંથી ગરમ આબોહવામાં આવવાને કારણે પણ સાધનોની ક્ષમતા પર અસર પડતી હતી. ફ્લેશબલ્બ લગાડતાં પહેલાં મેં સાધનને ‘છૂટું’ કરવા માટે થોડી ક્લિક કરી. ત્યારે શટરના વાંધા પડવા શરૂ થયા. એ ખુલ્યા પછી બંધ થવાનું નામ લેતું ન હતું. એનું ઠેકાણું પડ્યું ત્યારે બ્લેડ-એરેસ્ટર અને ફિલ્મ એડપ્ટર્સને વાંકું પડ્યું. ટ્રાઇપોડ ખોલ્યું ત્યારે તેના બે પાયા ટૂંકા જ રહ્યા ને ત્રીજો તેની મહત્તમ લંબાઇએ પહોંચી ગયો.
એટલી વારમાં ગાંધીજીએ કટિંગ વાંચવાનું પૂરું કરીને ચરખો કાંતવાનું શરૂ કર્યું. એ સાથે જ મને થયું કે પહેલો ફ્લેશબલ્બ વાપરવાનું જોખમ ખેડી નાખવું જોઇએ. પણ શટર ક્લિક અને ફ્લેશના ઝબકારા વચ્ચે સમયનો તફાવત જોઇને સ્પષ્ટ રીતે જ ખબર પડી ગઈ કે બન્ને વચ્ચે તાલમેળ (સિન્ક્રોનાઇઝેશન) ગોઠવાયો ન હતો. બીજો શોટ આબાદ લાગતો હતો અને હું રાજીરાજી થઇ ગઇ, પણ ત્યાં જ ખ્યાલ આવ્યો કે હું સ્લાઇડ ખેંચવાનું ભૂલી ગઇ હતી. ત્રીજી ક્લિક કરતાં પહેલાં મેં ઊંડો શ્વાસ લીધો., બધું બરાબર તપાસી લીધું, ગાંધીજીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું, એ સૂતરના બારીક તાણાને પોતાના ઘઉંવર્ણા હાથ વડે કસબપૂર્વક, કળાત્મક રીતે પકડીને ઉપર લઇ જતા હતા, એ વખતે મેં ક્લિક કરી. આ વખતસે પણ બરાબર ક્લિક થઇ હોય એવું લાગ્યું. મેં મારો સરંજામ ઉપાડ્યો અને દોડી કુટિરની બહાર. એ વખતે મને લાગ્યું કે હજુ હું પૂરેપૂરી યંત્રો પર આધારિત થઇ ગઇ નથી. અલબત્ત, એ વાત પરનો મારો પૂરેપૂરો ભરોસો તો આખરી પરિણામ જોયા પછી જ પાછો બેઠો.’
એ ફોટો એટલે ગાંધીજીની સૌથી પ્રસિદ્ધ તસવીરોમાંની એક.

ફોટોગ્રાફી માટે પ્રતિકૂળ ગણાતી સ્થિતિમાં લેવાયેલી ગાંધીજીની જગમશહૂર તસવીર 

(વધુ સંસ્મરણો ભાગ-ર માં)

(તસવીરો: કાંતિલાલ પટેલની બન્ને તસવીર: કેતન રૂપેરા, 
રવિશંકર રાવળની તસવીર નેટ પરથી, 
ગાંધીજીનો સ્કેચ 'વીસમી સદી'ની ડીજીટલ આવૃત્તિમાંથી) 

8 comments:

  1. ભરતકુમાર ઝાલાOctober 2, 2012 at 12:52 AM

    પ્રિય બિરેનભાઈ, તમે માનશો? આંખોમાં બરાબરની ઉંઘ હતી, પણ આ પોસ્ટ વાંચવા ઝઝૂમતો રહ્યો. પોસ્ટ વાંચી, ને જાગવું લેખે લાગ્યું હોય એવી લાગણી થઈ. ગાંધીજયંતિ નિમિત્તે આવા મહામૂલ્યવાન સંસ્મરણો વહેંચવા માટે ત્રિપુટીને અભિનંદન.

    ReplyDelete
  2. પ્રિય બીરેન ભાઈ,
    ગાંધી જયંતી નિમિત્તે આ લેખ પ્રસિદ્ધ કરીને તમે લોકોને ગાંધીજીના કળા વિષયક જ્ઞાન કહોકે તેમના કળા માટેના અભિપ્રાયોની માહિતી આપી તે માટે આભાર.
    ધીમું કાંતીને એક આગવી ગાંધીગીરી કરી, હિન્દુસ્તાનના વીસમી સદીના મહાન વ્યક્તિ માટે
    આવી અંજલી સમય સરની છે.
    'પેલેટ બ્લોગ' વાંચતા એકસમયે અંગ્રેજીમાં ખુબજ વખણાતું માસિક 'રીડર્સ ડાયજેસ્ટ'ની
    યાદ આપી જાય છે. તેમાં તરહ તરહના લેખો આપીને વાંચકોને માહિતી ભરેલું સાહિત્ય પીરસો છો તે બદલ આભાર.
    લી.પ્રભુલાલ ભારદિઆ
    ક્રોયડન,લંડન.

    ReplyDelete
  3. ભાઈશ્રી બિરેનભાઈ,

    લેખ વાંચતા બાપુ જોડે ઘડીક બેસી લીધું હોય એવું લાગ્યું.

    દાદુ


    ReplyDelete
  4. Chandrashekhar VaidyaOctober 2, 2012 at 8:36 AM

    ભાઇ બીરેન,
    દંડના બે આનાની વાત જાણ્યા પછી "બાપુ" માટે માન બેવડાઇ ગયું છે. વાહ!

    ReplyDelete
  5. ગાધીજીના આ પાસાની ખસ ચર્ચા નથી થઈ એટલે તમને અભિનંદન. ગાંધીજીની કલાભિરુચિ વ્યાવહારિક હતી. તેઓ મુંબઈમાં શ્રી જમનાલાલ બજાજને ઘરે ઊતર્યા. ઘરમાં ભાતભાતનાં ફૂલોનો બગીચો હતો. ગાંધીજીએ કહ્યું કે આ ફૂલો કામ શું આવે? એના કરતાં શાકભાજી વાવો ને? એમને જવાબ મળ્યો, કે ફૂલોમાં કુદરતના રંગ જોવા મળે છે. સુંદરતા પણ ્મહત્વની છે. ગાંધીજીએ સામી દલીલ કરી કે એ તો જોવાની નજર છે. રંગો તો શાકભાજીમાં પણ હોય છે. રીંગણાં, કોબીચ, ગાજર, ટમેટા, બટાટા, કોળું તરબૂચ, પાલક, મેથી, આંબો, કેળાં - બધાંના રંગ જુદા છે. જોવાની ટેવ પાડશો તો કુદરતના રંગો તમને શાકભાજીમાં પણ દેખાશે અને એ કામ પણ લાગશે! અંતે બજાજ પરિવારે બગીચામાં ફૂલોની જગ્યાએ શાકભાજી વાવવાનું શરૂ કર્યું!
    કવિવર ટાગોર સાથેનો એમનો પત્રવ્યવહાર વાંચવા જેવો છે. ટાગોરે એક ગીત લખ્યું કે હું ગગન પંખી, પાંખો ફેલાવીને ગગનને આંબી લઉં છું . વગેર્રે વગેરે, ગાંધીજીએ ટાગોરને પત્ર લખ્યો કે તમારા પંખીના પેટમાં દાણો પણ ગયો નથી. તેના વિના એ કેમ ગગનને ચૂમશે? પંખીના પેટના દાણા માટે ગીત લખો ને!

    ReplyDelete
  6. બિરેનભાઈ,
    ખુબ સુંદર તારણ.
    તે વાંચીને 78 વર્ષો પહેલાંનો પ્રસંગ ઉભરાઈ આવ્યો.
    1936ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં મારા બાપુ (રવિભાઈ)ને માથે
    ગુજરાત કલા પ્રદર્શનની જવાબદારી હતી. તેના ઉદઘાટન માટે ગાંધિજી
    આવ્યા હતા. તે પ્રસંગે મને માત્ર પહેલી અને છેલ્લી વાર તેમના દર્શનની
    તક મળી હતી. મારી ઉમ્મર માત્ર છ વર્ષની હતી.
    રવિભાઈ અનેક પ્રસંગે મને તેમની સાથે લઈ જતા. આ પ્રસંગે પણ તેમની
    આંગળીએ હતો.
    જેવા ગાંધિજી પ્રદર્શનમાં આવ્યા એટલે રવિભાઈ તેમને પ્રદર્ષિત કૃતિઓ
    બતાવવા માંડ્યા. મને કહ્યું "કનુ, ગાંધિબાપુને પગે લાગો". મેં તે કરતાં જ
    ગાંધિજીએ મારા માથા પર હાથ મુકીને આશિર્વચન આપ્યાં.
    આજે 78 વર્ષો પછી પણ તે અનુભુતિ સજાગ છે!



    તમે નિર્દેશેલી બધી વ્યક્તિઓ કાંતિભાઈ, વિનાયક મસોજી વિગેરેને મળવાની
    તક પણ પછીના વર્ષોમાં મળી છે. મસોજીતો થોડો સમય ગુજરાતમાં રહ્યા હતા
    તેવો ખ્યાલ છે."

    ReplyDelete