[ અગાઉ વાંચ્યું: મારા મિત્ર સંદીપના પપ્પા જસુકાકાને અમેરિકા મોકલવાના હતા, પણ તેમની શારિરીક કે માનસિક સ્થિતિ ઠીક નહોતી. છતાંય એમને મોકલવા જરૂરી હતા, કેમ કે એ અમેરિકા જાય તો સંદીપના નાના ભાઈ નિલેશના ઉજ્જ્વળ ભાવિનો રસ્તો મોકળો થાય. સંદીપના મોટા ભાઈ અરવિંદભાઈને ટેન્શન એ હતું કે પપ્પાને અમેરિકા ન મોકલાય એ પોતે જાણતા હતા, પણ એવું જણાવે તો કોઈને એમ લાગે કે નિલેશની પ્રગતિમાં એમને રસ નથી. બીજી બાજુ પપ્પાને રસ્તામાં કંઈ થઈ જાય તોય બધા સંભળાવે કે કહેનારા તો કહે, પણ તમારે મોકલનારે વિચાર કરવો જોઈએ ને! છેવટે જસુકાકાને મોકલવાનું નક્કી થયું ત્યારે આ આખો કેસ સોંપાયો પ્રવિણ ફાંદેબાજને. સાથે સાથે એય નક્કી થયું કે પ્રવિણીયા પર નજર રાખવા આપણા બે માણસો હોવા જોઈએ. એ બે માણસો એટલે હું અને વિપુલ. નક્કી કરેલા દિવસે અમે સૌ ટાટા મોબાઈલ વાનમાં મુંબઈ જવા નીકળ્યા. હવે આગળ..]
અમે લોકો સાંજે નીકળેલા. એટલે તરત ઉંઘ આવે એમ હતું નહીં. વાતો કરીને સમય પસાર કરવાનો હતો. અમે વાતોએ વળગ્યા. અરવિંદભાઈએ જ વાતો શરૂ કરી. તેમના પોતાના પર શી વીતી હતી એનો ચિતાર વધુ એક વાર વિગતે તેમણે આપ્યો. આ વખતે અમે રસ લઈને એ સાંભળ્યો. પણ અરવિંદભાઈની વાતોનું કેન્દ્ર ફરી ફરીને પ્રવિણ ફાંદેબાજ પર આવી જતું. જાણે કે પ્રવિણ એમના તારણહાર તરીકે અવતર્યો ન હોય! પોતાના આગવા અંદાજમાં પ્રવિણની સ્તુતિ કરતાં એમણે કહ્યું, “પ્રવિણીયો મારો બેટો હોંશિયાર બહુ. આપણા ગામમાં એક જણની છોકરીને પાસપોર્ટ માટે જનમનો દાખલો કઢાવવાનો હતો. આપણી મ્યુનિસીપાલિટીમાં તો જૂના રેકર્ડ ઝટ મળે નહીં. આ પ્રવિણીયાએ મારે બેટે જાતે જ દાખલો લખી કાઢ્યો અને એની ઉપર સહીસિક્કા બી કરાવી દીધા. એ છોકરીનો પાસપોર્ટ આવી ગયો ને એ છોકરી એય અમેરિકામાં જલસા કરે છે. “
આવા દરેક કિસ્સા પછી ગરબાની કડીને અંતે આવતા ‘…રે લોલ’ની જેમ અરવિંદભાઈ કહેતા, “પણ એક વાત કહી દઉં કે આવું કામ બીજું કોઈ ના કરી શકે, હોં!.”
ફિલ્મ મેગેઝીનોમાં આવતા ફિલ્મસ્ટારના ‘ક્લોઝ અપ’ની જેમ અરવિંદભાઈ અનેક વિગતો આપતા રહ્યા. “પ્રવિણીયાને ઘેર જઈએ એટલે કાયમ એ ‘ઈપ્કો’ જ ઘસતો હોય. ગમે તે ટાઈમે જાવ ને!”, “એ કાયમ વ્હાઈટ ને ક્રીમ કલરના જ શર્ટ પહેરે”, “એ કોઈ બીનું કામ કરી આપે, પણ પૈસા લેવામાં સગા બાપનેય ન છોડે” વગેરે.. અમેય પ્રવિણ ફાંદેબાજ વિષે આ બધું જાણવામાં ઠીક ઠીક રસ લીધો. અમારે બધું સાંભળવાનું તો હતું જ, તો પછી કંટાળતા કંટાળતા સાંભળવાને બદલે આનંદ લઈને ન સાંભળીએ?
"થોડો નાસ્તો-બાસ્તો કરી લઈએ." |
રસ્તો કપાતો રહ્યો. રાતના બાર- સાડા બારે ડ્રાઈવરે એક જગાએ ગાડી ઉભી રાખી. અમે કાચમાંથી બહાર જોઈને શું આવ્યું છે એ જોવાનો પ્રયત્ન કર્યો. એટલામાં તો પાછલું બારણું ખૂલ્યું અને ક્રીમ કલરની દૂંદ દેખાઈ. (મને ત્યારે પહેલી વાર ખ્યાલ આવ્યો કે તારક મહેતા જ્યારે ત્ર્યંબક તાવડાનું પાત્ર દેખાડે ત્યારે તેના પેટની એન્ટ્રી પહેલાં પડતી, એ વર્ણન કેટલું વાસ્તવિક હતું.) પાછળ પ્રવિણની આકૃતિ ઉપસી. હસીને કહે, “થોડો નાસ્તો-બાસ્તો કરી લઈએ.” અમે નીચે ઉતર્યા. હાઈવે પરની કોઈ હોટેલ હતી. ડ્રાઈવરની કેબિનમાં હતા એ બધા લોકો રીઢા મુસાફરની જેમ ખુરશીઓ પર ગોઠવાયા અને નાસ્તો મંગાવ્યો. પ્રવિણ વોશ બેસીન નજીક જઈને ‘ઈપ્કો’ ઘસવા લાગ્યો. મેં અને વિપુલે સૂચક રીતે એકબીજાની સામું જોયું. મતલબ કે અરવિંદભાઈએ કહેલી ‘ઈપ્કો’વાળી વાત સાચી હતી. અરવિંદભાઈએ વાહનમાં જ બેસી રહેવું પસંદ કર્યું, કેમ કે અંદર જસુકાકા સૂતેલા હતા.
પ્રવિણ પણ ખુરશી પર ગોઠવાયો એટલે અમે પ્રવિણ સાથે સાચવી સાચવીને વાત કરવાનો પ્રયત્ન કર્યો. “પ્રવિણભાઈ, ક્યાં ઉતરીશું મુંબઈમાં?” એ કહે, “ગમે ત્યાં- ખાર, સાન્ટાક્રુઝ, પાર્લા...આ બધુંય એરપોર્ટથી નજીક પડે.” અમે પૂછ્યું, “તમે સાન્ટાક્રુઝની કોઈ હોટેલની વાત કરતા હતા ને?” પ્રવિણ કહે, “ગમે ત્યાં જવાય, યાર. બધી બહુ હોટેલો છે ત્યાં. ક્યાંય બી ઉતરીએ, સરખું જ છે. ”
મને મનમાં થયું, “એમ જ હોય તો સાન્ટાક્રુઝ ઠીક રહે. મારા કાકાનું ઘર ઈસ્ટમાં જ છે, ત્યાં જઈ શકાય. નલિન શાહ પણ વેસ્ટમાં જ રહે છે. એમનેય મળી લેવાય.” એમ વિચારીને મેં કહ્યું, “તો સાન્ટાક્રુઝ ઠીક રહેશે.” પ્રવિણ ફક્ત હસ્યો. એના ગંદા દાંત દેખાયા. આનો શો અર્થ કાઢવો? અરવિંદભાઈ દ્વારા મળેલા જ્ઞાનના પ્રકાશમાં જોઈએ તો આનો અર્થ એવો થાય કે –બેટાઓ, તમે ગમે એ કહો, હું લઈ જઉં ત્યાં જ તમારે ઉતરવું પડશે.” પણ અમે તત્પૂરતો તો અમને અનૂકુળ એવો અર્થ કાઢ્યો કે- “તમે કહો ત્યાં ઉતરીશું, રાજ્જા. બસ?”
થોડી વારમાં નાસ્તો પતાવીને અમે પાછા ગાડીમાં ગોઠવાયા.
**** **** ****
અમારે હવે અરવિંદભાઈને જણાવવાનું હતું કે સાન્ટાક્રુઝની કોઈ હોટેલમાં ઉતરીએ તો ઠીક રહે. અરવિંદભાઈને અમે આ વાત જણાવી એટલે એ કહે, “અરે યાર, આપણા ગામનો લાલિયો ખારની કોઈક હોટેલમાં છે. હોટેલનું નામ હું ભૂલી ગયો છું, પણ એ તો શોધી કાઢીશું, એમાં શું? ગઈ વખતે અમે મુંબઈ ગયા ત્યારે ત્યાં જ ઉતરેલા. ત્રણસો-ચારસોને બદલે એણે કંઈક પચાસ-સાઠ જ ભાડું ગણેલું. અને એ બી એટલા માટે કે એણેય એના શેઠને દેખાડવાનું હોય ને!” મને હજુ ખ્યાલ નહોતો આવતો કે લાલીયા તરીકે ઓળખાતો મહેમદાવાદનો આ શખ્સ કોણ? એટલે મેં અરવિંદભાઈને પૂછ્યું, “ આ લાલીયો એટલે કોણ? એનું અસલ નામ શું? મહેમદાવાદમાં એનું ઘર ક્યાં?” અરવિંદભાઈને લાલીયાનું ઘર, એના પપ્પાનું નામ, અરે, એના મોટા ભાઈનું નામ સુદ્ધાં યાદ હતું, પણ લાલીયાનું અસલ નામ એમને કેમેય કરીને યાદ નહોતું આવતું.
"મુંબઈનો વરસાદ એટલે......." |
અમને થયું કે ખારમાં જઈને કઈ હોટેલમાં પૂછવું કે લાલીયો નામનો કોઈ રીસેપ્શનીસ્ટ અહીં કામ કરે છે? એને બદલે સાન્ટાક્રુઝની કોઈ હોટેલમાં ઉતરીએ તો મને બધી રીતે અનૂકુળ હતું. એટલે મેં અને વિપુલે અરવિંદભાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો, “અરવિંદભાઈ, સાન્ટાક્રુઝ આપણને બધી રીતે સારું પડે. એરપોર્ટથી વીસેક મિનીટ જ થાય. બીજું કે નથી ને વરસાદ તૂટી પડે તો તો તકલીફ થઈ જાય. તમને તો ખબર છે ને મુંબઈનો વરસાદ!” આ વાક્યની પાછળ આમ તો, આશ્ચર્યચિહ્ન હતું, પણ અરવિંદભાઈ પ્રશ્નાર્થચિહ્ન સમજ્યા. એટલે એમણે બિચારાએ જવાબરૂપે ભોળેભાવે ‘ના’માં ડોકું ધૂણાવ્યું. મેં અને વિપુલે મુંબઈના વરસાદનું બિહામણું વર્ણન કર્યું. અરવિંદભાઈ આમેય ફરજના ભારથી લદાયેલા હતા.એટલે મુંબઈના ધોધમાર વરસાદમાં જાણે કે એ ફસાઈ ગયા હોય અને છૂટકારો પામવા માંગતા હોય એમ બોલી ઉઠ્યા, “ભઈ, મને સાન્ટાક્રુઝ-ખાર-પાર્લામાં કશી ખબર ન પડે. તમે કહો એવું.”
આમ, મુંબઈ પહોંચીએ એટલે સાન્ટાક્રુઝમાં જ ઉતરવાનું નક્કી થયું. આગળ ડ્રાઈવરની કેબિનમાંથી વાતોનો અને હસવાનો અવાજ સંભળાતો હતો. અમે મજાક કરતાં કહ્યું, “પ્રવિણલાલ પોતાની ‘ફાંદાકથાઓ’ સંભળાવતા લાગે છે.”
ચાલુ વાહનમાં સાંકડી બેઠક પર બેઠે બેઠે ઉંઘ તો ક્યાંથી આવે? છતાં અમે ઝોકાં મારવાનો પ્રયત્ન કરતા રહ્યા. સવારનું અજવાળું દેખાયું અને અમે બહાર નજર કરી તો લાગ્યું કે મુંબઈમાં પ્રવેશી ગયા છીએ. હજી ખાસ ટ્રાફિક શરૂ થયો નહોતો. આછા વરસાદથી રોડ પણ ભીના દેખાતા હતા. ગાડીની ઝડપ સારી હતી એટલે જોતજોતાંમાં સાન્ટાક્રુઝ આવી ગયું અને ડ્રાઈવરે અંદર ગાડી વાળી એટલે હું અને વિપુલ ખુશ થઈ ગયા.
**** **** ****
‘હોટેલ મીડલેન્ડ’માં અમે ઉતર્યા. જસુકાકાને ચાર જણે ઉંચકીને રૂમમાં લીધા. એમની સ્થિતિ જોઈને દયા ખાવા સિવાય કશી જ લાગણી થતી નહોતી. એક રૂમમાં પ્રવિણ અને એના સાથીદારો ઉતર્યા અને બીજા રૂમમાં અમે બધા. નહાયા, ચા-નાસ્તો કર્યો અને ફ્રેશ થયા ત્યાં પ્રવિણ પ્રગટ્યો. એરપોર્ટ પર જઈને થોડી તપાસ કરવી પડશે એમ જણાવ્યું. ટેક્સી કરીને તે એરપોર્ટ જવા નીકળ્યો. આ જોઈને અમારી આંખો ચાર થઈ ગઈ. આપણે ઘેરથી આપણી ગાડી લઈને આવ્યા છીએ છતાંય આ ફાંદેબાજ કેમ ટેક્સી કરીને ગયો? સમજાઈ ગયું. આવીને કહેશે, “ટેક્સીવાળાએ બહુ રૂપિયા ઠોકી લીધા.” આવી જ તો હતી એની ફાંદાની ટેકનિકો.
"હલો, અમે મુંબઈ પહોંચી ગયા છીએ હોં!" |
હોટેલની બહાર નીકળીને અમે મહેમદાવાદ ફોન કર્યો અને ‘સબ સલામત’ના સમાચાર આપ્યા. એ પછી મારા કાકાને ત્યાં જવા ઉપડ્યા. જસુકાકા બિચારા કશું ખાઈ શકે એમ નહોતા, સિવાય કે શેકેલી ભાખરી. મુંબઈમાં શેકેલી ભાખરી લાવવી ક્યાંથી. અરવિંદભાઈ આ ચિંતા કરતા હતા, એટલે મેં એમને કહ્યું, “ચિંતા ન કરો. મારાં કાકી પાસે હું ભાખરી બનાવડાવીને લેતો આવીશ. અહીંથી એમનું ઘર ચાલતા જવાય એટલું નજીક છે.”
હું અને વિપુલ મારા કાકાને ત્યાં ગયા. અમને અચાનક આવેલા જોઈને કાકાને ઘેર સૌ રાજી થઈ ગયા. કાકાને મેં બધી વાત કરી અને મારા મિત્રના પપ્પા જસુકાકા વિષે વાત કરી, એટલે એ કહે, “ અચ્છા. આ જસુ ઉમિયાશંકર તો નહીં? એનો મોટો ભાઈ મધુસુદન ઉમિયાશંકર મારી સાથે ભણતો હતો. અમે એને ‘મધીયો માગણીયો’ કહીને ચીડવતા. એ કોઈની પાસેથી કંઈ બી માંગતા અચકાય નહીં એવો હતો. એ ક્યાં છે આજકાલ? ” આમ, સાન્ટાક્રુઝ રહેતા કાકાય બે ઘડી મહેમદાવાદમાં પ્રવેશી ગયા. જો કે, એમનો સમય થઈ ગયો હતો એટલે થોડી વારમાં જ એ નોકરીએ જવા નીકળ્યા. અમે કાકીને ભાખરી બનાવી આપવા કહ્યું. અમે પણ જમીશું એમ જણાવ્યું. કાકીએ રસોઈ બનાવતાં બનાવતાં વાતો કરી. રસોઈ તૈયાર થઈ એટલે અમે જમ્યા. તેમણે બાંધી આપેલી ભાખરીઓ લઈને અમે પાછા હોટેલ પર આવ્યા.
આખી રાત બેઠે બેઠે કરેલી મુસાફરીને કારણે શરીર હવે કળતું હતું. આંખો પણ ઘેરાતી હતી. ભાખરીઓ અરવિંદભાઈને આપી. એ ખુશખુશ થઈ ગયા. કહે, “જોયું ને! આપણા પોતાના સગાં હોય એટલે કેટલો ફેર પડી જાય!” મેં કહ્યું, “એટલે તો અમે અહીં સાન્ટાક્રુઝમાં ઉતરવાનું કહેલું. આવી કશી જરૂર હોય તો કાકાનું ઘર હોય એટલે ચિંતા નહીં ને!” અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ અરવિંદભાઈ બોલ્યા, “તને તો ખબર નહીં હોય, પણ મારા મધીયાકાકા અને તારા સુરેન્દ્રકાકા બેય જોડે ભણતા હતા.” મારા હોઠે થોડી વાર પહેલાં સાંભળેલું ‘મધીયા માગણીયા’નું નામ આવી ગયું,પણ બોલ્યો નહીં અને ફક્ત મલકાઈને ડોકું ધુણાવ્યું. પછી પૂછ્યું, “પેલો (ફાંદેબાજ) આવ્યો કે નહીં,એરપોર્ટ પરથી?” અરવિંદભાઈએ કંઈ બોલ્યા વિના ‘ના’ માં ડોકું હલાવ્યું.
બપોરે અમે સૌ સૂઈ ગયા.
**** **** ****
બપોરે ચારેક વાગે અમે જાગ્યા. જોયું તો બહાર વરસાદ પડી ચૂક્યો હતો. અમે અરવિંદભાઈને ફરી એક વાર ‘મુંબઈના વરસાદ’ની ભયાનકતા જણાવી અને કહ્યું કે સારું થયું ને આપણે અહીં સાન્ટાક્રુઝમાં ઉતર્યા. શું કે ગમે એવો વરસાદ-બરસાદ પડે તોય એરપોર્ટથી નજીક હોઈએ એટલે વાંધો ન આવે. અરવિંદભાઈ બોલ્યા, “ એટલે તો યાર, તમારા જેવાને લાવવાનું મેં કહ્યું. બાકી મને આ બધી ખબર ન પડે.” હવે એમના મોં પર ‘લાલિયાની હોટલ’નું નામ આવતું બંધ થઈ ગયું હતું. પાંચેક વાગે પ્રવિણકુમાર પધાર્યા. બહુ દોડાદોડ કરીને આવ્યા હોય એવો ભાવ એમના મોં પર હતો. આ મહાશયે સવારના અગિયારથી બપોરના ચાર-પાંચ વાગ્યા સુધીનો સમય એરપોર્ટ પર જઈને જસુકાકા માટેની વ્યવસ્થા કરવામાં ગાળ્યો હોય એ ગળે ઉતરે એમ નહોતું. છતાં અમે એટલું જ પૂછ્યું, “એરપોર્ટ પર થઈ ગઈ બધી વાત?” પ્રવિણે પણ ફક્ત ‘હા’માં ડોકું હલાવ્યું અને પોતે સૂઈ જવાની તૈયારી કરતા હોવાની ઘોષણા કરી.
હવે હું અને વિપુલ પણ બહાર નીકળ્યા. નલિન શાહને ફોન કર્યો અને એ ઘેર હોવાનું પૂછી લઈને એમને ત્યાં ઉપડ્યા. કલાક-દોઢ કલાક એમની સાથે સત્સંગ કર્યો. પાછા વળતાં સાન્ટાક્રુઝ સ્ટેશન નજીક ઓડિયો કેસેટની એક મોટી દુકાન છે, ત્યાં ગયા. અહીં તમિલ, તેલુગુ વગેરે ફિલ્મોની અસલ કેસેટ મળે છે. થોડી એવી કેસેટ્સ ખરીદી. એ પછી જમવાનું પતાવ્યું અને સાંજના સાડા આઠ-નવે પાછા હોટેલ પર આવ્યા. અમારો આજનો મુંબઈનો ફેરો સફળ રહ્યો હતો. જેમને મળવું હતું એ બધા મળી શક્યા. જેમને ત્યાં જઈ ન શકાયું એમને ફોન કર્યા.
"યાર, તમારું રેઝર આપશો?" |
નવેક વાગે પ્રવિણ ફાંદેબાજે આંખો ખોલી. ઉઠીને તરત એણે ‘ઈપ્કો’ ઘસી. પછી વિપુલને કહે, “યાર,તમારું રેઝર આપશો? હું ભૂલી ગયો છું.” આ સાંભળીને મને થયું કે ખરો છે આ માણસ. એને નાનામાં નાની ચીજ માંગતાય શરમ નથી આવતી. પણ એને ‘ના’ શી રીતે પાડવી? વિપુલે ખચકાટ સાથે રેઝર આપ્યું. થોડી વાર પછી પ્રવિણ આવ્યો અને હસતાં હસતાં વિપુલને કહે, “સોરી,યાર. તમારું રેઝર મારાથી તૂટી ગયું.” વિપુલ કંઈ બોલે એ પહેલાં મેં પૂછ્યું, “દાઢી પતી કે અધવચ્ચે તૂટી ગયું?” પ્રવિણ હવે ખુલ્લા મોંએ હસી પડ્યો અને કહે, “ સારું થયું કે દાઢી પતી ગઈ હતી.” આ માણસની નફ્ફટાઈ તો જુઓ! વિપુલે તેને ઠંડકથી કહ્યું, “વાંધો નહીં, પ્રવિણભાઈ. બહુ કિંમતી નહોતું એ. ચાલુ કંપનીનું જ હતું.” મને થયું કે કંપની ‘ચાલુ’ નહોતી, બલ્કે માણસ ‘ચાલુ’ હતો.
દરમ્યાન અમે પ્રવિણને પૂછવા વારંવાર પ્રયત્ન કર્યો કે એરપોર્ટ પર જઈને તેણે શું કર્યું. તેણે હાથ ન મૂકવા દીધો. અમે પૂછતા રહ્યા એટલે છેવટે એ ઉડાઉ ઢબે બોલ્યો, “બધી વાતચીત અત્યારે જઈએ પછી થશે.” અમે જરા કડક સ્વરે પૂછ્યું, “ હવે તમે કહેશો કે એરપોર્ટ પર કેટલા વાગે હાજર થવાનું છે?” પ્રવિણે તદ્દન શાંતિથી કહ્યું, “સામાન્ય રીતે રીપોર્ટીંગ ટાઈમ ત્રણ કલાક પહેલાંનો હોય છે. આપણું પ્લેન રાતના અઢી વાગ્યાનું છે. એના ત્રણ કલાક અગાઉ આપણે પહોંચી જવાનું.” આમ કહીને એ સ્નાન કરવા ઉપડી ગયો. અમે ગણતરી કરી એ મુજબ સાડા અગિયારે એરપોર્ટ પહોંચવાનું હતું.
સ્નાન પતાવીને આવેલા પ્રવિણે હવે પ્રસંગને અનુરૂપ પેન્ટ-શર્ટ ચડાવ્યા હતા. એની દૂંદ આ પોષાકમાં ઓર વિકસીત લાગતી હતી. આ પ્રવિણીયો એરપોર્ટની અંદર જઈને અંગ્રેજીમાં શું ઉકાળશે? જવાના સમય આડે બે-ત્રણ કલાક જ હતા, એટલે હવે અમને ચિંતા થવા લાગી હતી. અને પ્રવિણે જાણે કે નક્કી કર્યું હતું કે અમારી ચિંતામાં પૂરતો વધારો કરવા માટે પોતે યથાશક્તિ પ્રયત્ન કરતો રહેશે. આ પ્રયત્નના જ ભાગરૂપે કહેતો હોય એમ એ બોલ્યો, “ અમે જમીને આવીએ.” રાતના દસેક વાગ્યા હતા. એમ તો હજી દોઢેક કલાકનો સમય હતો, પણ આનો ભરોસો શો? એ જઈને કોઈક પરમીટ રૂમમાં બેસી જાય અને ટાઈમે આવે જ નહીં તો? પછી સીધો રાતના દોઢ વાગે પ્રગટ થાય અને પેલું રેઝર તોડવા બદલ માફી માંગી હતી એમ કહી દે કે “સોરી યાર, મોડું થઈ ગયું. એકેય ટેક્સી જ ન મળી.” તો?
એ ચારેય જણ તો અમને જણાવીને નીકળી જ ગયા. અમે એમને સંભળાય એમ કહ્યું, “વહેલા આવજો.” પણ એટલું સાંભળવાનીય દરકાર એમને નહોતી.
અમે હવે જસુકાકાને તૈયાર કરવા માંડ્યા. એમને હવે એટલો ખ્યાલ આવ્યો હતો કે પોતે અમેરિકા જવાનું હતું. એમને અમે કપડાં બદલાવ્યાં. શર્ટ નવું પહેરાવ્યું. ખાસ બનાવડાવેલી ઈલાસ્ટીકવાળી લુંગી પહેરાવી. અને માથે સફેદ ટોપી. હવાઈ મુસાફરીમાં કોઈને લુંગી પહેરાવીને ન મોકલાય એ બરાબર છે, પણ જસુકાકાનો કિસ્સો અપવાદ હતો.
તેમને સમયાંતરે આપવાની ગોળીઓ, તેમને આપવાના ખોરાકની વિગતો વગેરે ટાઈપ કરાવીને એક કાગળમાં લેતા આવ્યા હતા. (ત્યારે કમ્પ્યુટર નહોતા. એટલે કદાચ ટાઈપ ક્લાસમાં જઈને ટાઈપ કરાવ્યું હશે. કે પછી મામાએ બે ધોલ મારીને...) આમાં મોટા અક્ષરે લખેલું, “ડોન્ટ ગીવ હીમ આલ્કોહોલ.” આ કાગળને ગડી વાળીને શર્ટના ઉપલા ખિસ્સામાં દેખાય એમ ગોઠવેલો. ઉપરાંત પ્લાસ્ટિક કેસમાં તેમનો ફોટો, નામ, અમેરિકાનું અને મહેમદાવાદનું સરનામું ખિસ્સાની ઉપર જ લગાવેલું. જસુકાકાને અમે થોડી મૌખિક સૂચનાઓ આપવાનો પ્રયત્ન કર્યો, પણ એનો કશો અર્થ નહોતો.
અમે સામાન તૈયાર કરી દીધો. ધીમે ધીમે હોટેલના રીસેપ્શન કાઉન્ટર તરફ આવ્યા. તેની પાસે સામાન ગોઠવ્યો. જસુકાકાને પણ ઉંચકીને ધીમે ધીમે નીચે ઉતાર્યા અને સોફા પર ટેકવીને બેસાડ્યા. આ બધું કરતાં અગિયાર વાગ્યા. સાડા અગિયારે અમારે એરપોર્ટ પર રીપોર્ટ કરવાનો હતો. પણ હજી પ્રવિણનો પત્તો નહોતો.
" પછી એ ન આવે તો આપણે ટેક્સી કરીને જતા રહીશું." |
સવા અગિયાર થયા છતાં પ્રવિણનો પત્તો નહોતો. ‘પોઝીટીવ થીન્કીંગ’ના તમામ પાઠ આ ક્ષણે ભૂલાઈ ગયા. અરવિંદભાઈને હવે ફડક પેઠી. એ ચિંતાથી કહે, “યાર,આ પ્રવિણીયો નહીં આવે ને કશુંક આડુંઅવળું થશે તો બધાં મને ફાડી ખાશે. કહેશે કે એક માણસ તમારાથી ન સચવાય! મને તો યાર, ‘પેસર’ (હાઈ બ્લડ પ્રેશર) છે. આવું કંઈક થાય ને એટલે મને તો પેસર ચડી જાય.” સાડા અગિયાર થવા આવેલા અને પ્રવિણનો પત્તો નહોતો. અમે આપી આપીને શું આશ્વાસન આપીએ? અને એ ય પ્રવિણ વતી? છતાં વિપુલે અરવિંદભાઈના ખભે હાથ મૂકીને કહ્યું, “ચિંતા ન કરો. પોણા બાર સુધી રાહ જોઈએ. પછી એ ન આવે તો આપણે ટેક્સી કરીને એરપોર્ટ પર પહોંચી જઈશું. પછી એ પ્રવિણીયાની વાત છે! (નોંધ: ત્યારે ‘વાટ લગાડવી’ શબ્દપ્રયોગની શોધ થઈ નહોતી.)
મારા પેટમાંય હવે પતંગિયાં ઉડવા લાગ્યા હતા. હું અને વિપુલ હોટેલની બહાર જઈને ઉભા રહ્યા. નજીક આવેલી આજુબાજુની બે-ચાર હોટેલમાંય અમે જોઈ આવ્યા. નથી ને કદાચ ક્યાંક બેઠા હોય અને અમારી નજરે પડી જાય એ જ કારણ! પણ આ તો મારા બેટા, બેઠા હશેય પરમીટ રૂમમાં. એટલે એમ નજરે પડે ખરા? અમે એમ ને એમ પાછા આવી ગયા.
અચાનક દૂર આછા અજવાળામાં મને પ્રવિણની આકૃતિ દેખાઈ. એક હોટેલની બહારના પાનના ગલ્લે એ ઉભો હતો. ધ્યાનથી જોયું તો મોંમાં મસાલાનો ડૂચો દાબેલો. કોઈકની રાહ જોતો હોય એમ ઉભેલો હતો. ડ્રાઈવરની જ રાહ જોતો હશે. અમારો ગુસ્સો ઉછળી ઉઠ્યો, પણ અત્યારે કશું કહીને બાજી બગાડવી નહોતી. પછી એને ધમધમાવીશું.
અમે ગુસ્સો ન દેખાય, પણ ઉચાટ જણાય એવા સ્વરે એની નજીક જઈને કહ્યું, “ અરે પ્રવિણભાઈ! તમેય શું યાર? કેટલી રાહ જોવડાવી? ક્યાં હતા? પેલા અરવિંદભાઈ તો ટેન્શનમાં આવી ગયા છે. આપણા જેવું કોઈક જવાનું હોય તો ચાલે, પણ જસુકાકા જેવા જવાના હોય ત્યારે થોડું વહેલું જવું પડે ને!”
પ્રવિણે કંઈક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, પણ મસાલાના ડૂચાને કારણે અવાજ નીકળી ન શક્યો. એટલે તેણે હાથનો પંજો અમને દેખાડ્યો અને એમાંની એક આંગળી પોતાના તરફ ચીંધી. મતલબ ‘મૈં હૂં ના’. આ બેશરમને શું કહેવું? અમને થયું કે ‘તૂ હૈ ના’ એટલે જ અમને ટેન્શન છે.
"મેંય ગયે મહિને હાર્ટનો એક્સ-રે કઢાવ્યો છે." |
એટલામાં ડ્રાઈવર પણ હોટેલની બહાર નીકળ્યો. બન્નેના મોંમાંથી બીયરની તીવ્ર વાસ આવતી હતી. બન્ને ચાલવા લાગ્યા. વિપુલે કહ્યું, “યાર પ્રવિણભાઈ, કેટલું મોડું થઈ ગયું? અમે તો ઠીક, પેલા અરવિંદભાઈની તો ખબર છે ને કે- બી.પી.ના પેશન્ટ છે. આવું કંઈક થાય એટલે એમનું બી.પી. હાઈ થઈ જાય છે.” પ્રવિણે મસાલાનો રસ ગળે ઉતાર્યો. ડૂચો ખસેડીને એક તરફ ગાલના ખૂણે કર્યો. અને કહે, “ ભઈ, એમ તો મેંય ગયે મહિને મારા હાર્ટનો એક્સ-રે કઢાવ્યો છે.” આ તો હવે છેલ્લે પાટલે બેઠો. એની સાથે શી દલિલ કરવી? અમે ચૂપચાપ હોટેલ પર આવ્યા.
અમારી રાહ જોતા ઉભેલા અરવિંદભાઈને જાણે કે હાર્ટ એટેક આવવાનો જ બાકી રહ્યો હતો. જસુકાકા તો આ બધાથી પર થઈ ગયેલા હતા. ધૂંધવાઈને રાહ જોતા અરવિંદભાઈએ મહામહેનતે જાત પર કાબૂ રાખીને કહ્યું, “યાર પ્રવિણ, મને તો ટેન્શન થઈ ગયેલું. કેટલું મોડું થઈ ગયું! આપણે ત્યાં વહેલા પહોંચી જઈએ તો ઈમીગ્રેશનની લાઈન પડી હોય એમાં ઉભેલા કોઈક ગુજરાતીને પપ્પાની સંભાળ લેવાનું કહી શકાય ને? અમેરિકા તો ઘણા ગુજરાતી જતા હોય છે. શું કે આપણે કહી દઈએ કે...”
પ્રવિણે અરવિંદભાઈની વાત કાપતાં ઠંડકથી કહ્યું, “ ભઈ અરવિંદ, સાડા અગિયારે જસુકાકાને લઈને લાઈનમાં ઉભા રહીએ તો આપણે લાઈનમાં સૌથી પહેલા જ હોઈએ. લાઈન તો એ પછી પડે. લાઈન પડે એ પછી એમાં કોઈક ગુજરાતીને શોધીએ ને! અને હું છું તો ખરો, યાર. પછી શું?”
પ્રવિણને આટલું લાંબુ કદાચ પહેલી વાર બોલતો સાંભળ્યો. ‘હું છું તો ખરો’ કહેવાની એની રીત તો હસવું આવે એવી જ હતી. પણ અમને લાગ્યું કે ફાંદેબાજની વાત સાવ કાઢી નાંખવા જેવી નહોતી. ખેર, હજી તો અરવિંદભાઈને ‘ચીરવા’ માટે એની પાસે બહુ સ્કોપ છે. જોઈએ, આગળ શું કરે છે એ.
અમે સામાન ચડાવ્યો. જસુકાકાને પણ એમાં સુવાડ્યા. સૌ ગોઠવાયા. અરવિંદભાઈએ કાઉન્ટ ડાઉન શરૂ કરવાનું જ બાકી રાખેલું. ગાડીમાં ગોઠવાઈને ઘડીયાળ સામું જોયું અને બોલ્યા, “હવે આ બે કલાક નીકળી જાય એટલે ગંગા નાહ્યા.” વીસેક મિનીટમાં એરપોર્ટ પહોંચી ગયા. ફરી એક વાર અરવિંદભાઈએ ઘડીયાળમાં જોયું અને કહ્યું, “આ દોઢ કલાક નીકળી જાય એટલે....”
અમે સામાન ઉતાર્યો. જસુકાકાને પણ સાચવીને ઉતાર્યા. પ્રવિણે જસુકાકાના પાસપોર્ટ, ટિકિટ સહિતનાં બધાં કાગળિયાં માંગી લીધા અને સીધો એરપોર્ટના મુખ્ય દરવાજા તરફ ધસ્યો. અમારે એની પર નજર રાખવાની હતી કે એ એરપોર્ટમાં જ જાય છે કે બીજે ક્યાંક આડોઅવળો થઈને ગુમ થઈ જાય છે! એરપોર્ટના મુખ્ય દરવાજે મુસાફરો સિવાય કોઈને પ્રવેશ નહોતો. અમને એમ કે ત્યાં ઉભેલો સિક્યોરિટીવાળો પ્રવિણને અટકાવશે. એને બદલે પ્રવિણકુમાર બેધડક અંદર ઘૂસ્યા. જાણે કે અમારા મહેમદાવાદના જવાહર બજારની વાઘજી પોળ, મરૂડિયા પોળવાળી ગલીમાં ન પ્રવેશતા હોય.
પ્રવિણ ફાંદેબાજ અંદર જઈને શું ગુલ ખિલાવે છે, એની ‘રમ્ય’ કલ્પના અમારે બહાર ઉભા ઉભા કરવાની હતી. અરવિંદભાઈના કાઉન્ટ ડાઉનથી બચવા માટે વિપુલ થોડે દૂર ગયો અને લગેજ ટ્રોલી ઢસડી લાવ્યો. મેં એની પર સામાન ચડાવ્યો. અને ધીમે ધીમે તેને ઠેલતો એરપોર્ટના પ્રવેશદ્વાર નજીક પહોંચી ગયો. જતાં જતાંય અરવિંદભાઈ મનોમન બોલતા હતા એ કાને પડ્યું, “ આ સવા કલાક પાસ થઈ જાય એટલે...” ટ્રોલી લઈને હું અરવિંદભાઈથી ઘણો દૂર ઉભો હતો. મનોમન કલ્પના કરતો હતો કે પ્રવિણીયાને સરખું ગુજરાતી બોલવાનાય ફાંફા છે, ત્યાં એ અંગ્રેજી કેવું બોલતો હશે?” આ કલ્પના કરતાં જ હોઠ મલકી જતા હતા. “એસક્યુઝ મી. મે આઈ ટેક ધીસ લગેજ ઈનસાઈડ?” મારા કાને દેશી ઉચ્ચારમાં આવા શબ્દો પડ્યા અને મારા ખભે કોઈએ ટપલી મારી. પાછળ ફરીને જોયું તો પ્રવિણ! મારી સામું જોઈને મંદમંદ હસતો હતો. જાણે કે કહેતો હોય, “બરાબર બોલ્યો ને?” હું સાનંદાશ્ચર્યાઘાત પામી ગયો. એકાદ ક્ષણમાં કળ વળી એટલે મેં કહ્યું, ઓહ, શ્યોર, શ્યોર, જેન્ટલમેન.” એટલે વળી પાછો એ હસીને બોલ્યો, “ઠેન્ક યુ, ઠેન્ક યુ.” મેં પૂછ્યું, “શું થયું અંદર?” એણે ઉતાવળે કહ્યું, “વાત થઈ ગઈ છે. પછી આવું છું.” મારી પાસેથી લગેજ ટ્રોલી લઈને પ્રવિણ તેને અંદર ધકેલી ગયો. વળી તરત બહાર આવ્યો અને વ્હીલચેર પર જસુકાકાને બેસાડીને અંદર લઈ ગયો. આ જોઈને અરવિંદભાઈની નાડી એકદમ તેજ થઈ ગઈ. એમણે ઘડિયાળમાં જોયું અને મનોમન ગણતરી કરી, “ બસ, હવે કલાક નીકળી જાય એટલે....”
"એર હોસ્ટેસનો ભાવ નક્કી થાય એટલે એ કહેશે." |
જસુકાકાને અંદર મૂકીને ફરી પાછો પ્રવિણ બહાર આવ્યો. આવીને કહે, “અંદર પેલા ઓફિસર સાથે વાત થઈ ગઈ છે. એર હોસ્ટેસનો ભાવ નક્કી થાય છે. એ નક્કી કરીને આપણને કહેશે. બાકીનું બધું મેં સમજાવી દીધું છે.” અમને નવાઈ લાગી. ‘એર હોસ્ટેસનો ભાવ’ એટલે શું? એર હોસ્ટેસ આવા મુસાફરની સંભાળ તો પોતાની ફરજના ભાગરૂપે જ કરતી હોય છે. એના કંઈ પૈસા થોડા હોય? અને કદાચ એવા પૈસા આપવાના થાય તોય અંદર શું નક્કી થયું એની આપણને શી રીતે ખબર પડે. આપણે તો પ્રવિણ કહે એ આંકડો જ માની લેવાનો ને! એ સાથે જ અમારા મનમાં અજવાળું થયું, “ઓહો, આ તો ફાંદેબાજની ટ્રીક હશે.” વાહ, મારા કે.લાલ!
પ્રવિણ તો પાછો અંદર જતો રહ્યો. અમે બહાર ઉભા ઉભા એ અરવિંદભાઈને કુલ કેટલા રૂપિયામાં સ્નાન કરાવશે એના આંકડાની અટકળ કરતા રહ્યા. મને અરવિંદભાઈના મામાનો ડાયલોગ યાદ આવી ગયો. “ઉભી બજારે, કારણ વગર કોઈ અજાણ્યાને બે ધોલ મારી દઉં, પણ...” વાત ખરી હતી. કોઈને બે ધોલ મારવા જેવું સહેલું આ કામ નહોતું. હું અને વિપુલ વાતો કરતા હતા કે મામા અહીં આવે તો એમ જ કહે ને કે એરપોર્ટના તમે કહો એ કર્મચારીને કારણ વિના બે ધોલ ફટકારી દઉં. બાકી આમાં આપણું કામ નહીં.
અરવિંદભાઈએ હવે ઘડિયાળ જોવાનું બંધ કર્યું હતું. જસુકાકાને અમેરિકા મોકલવા માટે પોતાના માથે શી વીતી હતી એનું બયાન કરીને એ પોતાનું ટેન્શન હળવું કરતા હતા. આ વાતોમાંય કેન્દ્રસ્થાને, નહીં તો પરિઘમાં, પણ પ્રવિણ જ. અરવિંદભાઈ કહે, “આ પ્રવિણીયાને મેં અમેરિકાની ટિકિટનો ભાવ પૂછ્યો તો કહે કે ચાલીસ હજાર રૂપિયા. એ મારો વા’લો એમ સમજે કે આપણે અલીગઢથી આવીએ છીએ. અલ્યા, હોઈ હોઈ ને વીસ-બાવીસ કે પચ્ચીસ હજાર હોય.” આ વાત સાંભળીને મેં અને વિપુલે નક્કી કર્યું કે આપણે પ્રવિણને પૂછીશું કે અમારે અમેરિકા જવું છે, તો શું ભાડું થાય?
આમ ને આમ વાતો કરતા ઉભા હતા. અમે ઘડીયાળ જોયું. રાતના પોણા બે થવા આવ્યા હતા. પ્રવિણ હવે બહાર આવવો જોઈએ. મનમાં હજી આ વિચાર આવ્યો એ ક્ષણે જ એ કાચના દરવાજામાંથી બહાર આવતો દેખાયો. ઈડરીયો ગઢ જીતીને આવ્યો હોય એમ હાથના બન્ને પંજા એ હલાવતો હતો, અને હસતો હતો.
"અમેરિકાની ટિકિટનો શો ભાવ છે?" |
એ આવ્યો કે અમે ત્રણેય એને ઘેરી વળ્યા. ‘શું થયું?’, ‘કેમનું રહ્યું?’ જેવા સવાલો પૂછીએ એ પહેલાં જ એણે બયાન કરવા માંડ્યું, “ બધું સરસ પતી ગયું. એર હોસ્ટેસને કશું આપવું ન પડ્યું. ફક્ત પેલા સ્ટુઅર્ટને પચાસ રૂપિયા આપવા પડ્યા.” અમે પૂછ્યું, “એર હોસ્ટેસને પેલું દવાઓવાળું કાગળિયું બતાવ્યું? ફ્રેન્કફર્ટ ઉતારીને જસુકાકાને બીજા પ્લેનમાં બેસાડવાનું શું? જસુકાકા સ્વસ્થ હતા?”
પ્રવિણે શાંતિથી કહ્યું, “મેં પેલા ઓફીસરને બધી વિગત સમજાવી અને કહ્યું કે કાકાની ફ્લાઈટની એર હોસ્ટેસ સાથે મને મેળવી આપો. ઓફીસરે કહ્યું કે એની જરૂર નથી, છતાંય તમારા સંતોષ ખાતર તમે વાત કરી લેજો. એર હોસ્ટેસને મેં બધી વાત કરી અને કાગળિયું બતાવ્યું. એણે બધું વાંચી લીધું. પછી મને કહે, “તમે ચિંતા ન કરો. હવે એમની જવાબદારી અમારી છે.” ફ્રેન્કફર્ટથી પ્લેન બદલતી વખતે પણ જે નવી એર હોસ્ટેસ આવશે એને પોતે બધું સમજાવી દેશે. મેં એને પૈસા અંગે પૂછ્યું તો એણે કહ્યું કે એની જરૂર નથી. અમારી ફરજમાં જ આ બધું આવી જાય. તમે ફક્ત કાકાને વ્હીલચેરમાં લાવનાર સ્ટુઅર્ટને થોડા પૈસા આપી દેજો, બસ.”
આટલું કહીને પ્રવિણ અટક્યો. પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ અરવિંદભાઈ સામું જોઈને પૂછ્યું, “પેલા કાગળ પર ‘ડોન્ટ ગીવ હીમ આલ્કોહોલ’ કોણે લખેલું? આવું કંઈ લખાતું હશે? પેલી એર હોસ્ટેસ પૂછતી હતી કે આ કાકા આલ્કોહોલ લે છે ખરા? એ ન લેતા હોય તો પછી આવી સૂચનાની જરૂર નથી. એણે મારી પાસે એ લખેલા પર છેકો મરાવી દીધો.” અરવિંદભાઈ બોલવા ગયા, “આપણને તો ઈંગલીસમાં ખબર ન પડે..” પણ પ્રવિણે એ સાંભળ્યું ન સાંભળ્યું કરીને ‘પેક અપ’નો આદેશ કરતો હોય એમ ઈશારો કર્યો. મને અને વિપુલને હાશ થઈ, પણ અરવિંદભાઈએ કાઉન્ટ ડાઉન મીટર રી-સેટ કર્યું. કહે, “હજુ આઠ કલાક સાચવી લેવાના. અમેરિકાથી ફોન આવે કે પહોંચી ગયા ત્યારે પહોંચ્યા કહેવાય.”
આ સાંભળીને પ્રવિણ ફર્યો અને બોલ્યો, “તું યાર, અરવિંદ, આવાં ટેન્શન રાખતો ફરું પછી ક્યાંથી પાર આવે? આપણે એમને અહીંથી બેસાડી દીધા. આપણા હાથમાં આટલું હતું. બીજું છે કશું આપણા હાથમાં? અને છતાંય એટલી ચિંતા થતી હોય તો એક વધારાની ટિકિટ કઢાવીને બેસી જવું હતું ને એમની જોડે?” પછી બાજુમાં ઉભેલા અમારી તરફ જોઈને પ્રવિણે પોતાની અનુભવવાણીનો પ્રકાશ પાથરતાં કહ્યું, “આપણા લોકોની આ એક મોટી તકલીફ છે, યાર. અને બીજી તકલીફ એ કે- આવી રીતે બે-ચાર વાર એરપોર્ટ પર આવ્યા હોય અને બહારથી સાંભળી સાંભળીને પાછા ગયા હોય એની ઘેર જઈને મોટી મોટી વાતો કરે અને બધાને ખોટેખોટા ગભરાવી નાંખે. ખરેખર એમાં ગભરાવા જેવું કશું ન હોય.”
અમને થયું કે આ પ્રવિણીયાને થયું છે શું? એ કેમ અત્યારે આવાં વ્યવહારુ સત્ય ઉચ્ચારી રહ્યો છે. રાતે લગાવેલા બીયરની કીક છેક અત્યારે આવી કે શું?
જે હોય તે, વાત તો એની બરાબર હતી, એમાં ના નહીં. રાતના પોણા ત્રણ થવા આવેલા. હવે અમારે અહીંથી સીધું જ મહેમદાવાદ તરફ પ્રયાણ કરવાનું હતું. સૌ ગાડીમાં ગોઠવાયા. અને ગાડી ઉપડી. હવે અમે છૂટથી પગ નીચે મૂકી શકીએ એમ હતા, કેમ કે નીચે જસુકાકા સૂતેલા નહોતા. અરવિંદભાઈ ગણતા હતા, “બસ, હવે સાત કલાક નીકળી જાય...”
એ ફાંદાવતાર હતો કે શું? |
સવારે સાડા છની આસપાસ એક હોટેલ પર ગાડી ઉભી રહી. ચા-પાણી કરવા સૌ નીચે ઉતર્યા. ટેબલ પર ગોઠવાયા. અમને અચાનક અમેરિકાની ટિકીટવાળી વાત યાદ આવી. અમે પ્રવિણને પૂછ્યું, “પ્રવિણભાઈ, માનો કે અત્યારે અમેરિકા જવું હોય તો આશરે કેટલી ટિકિટ થાય?” પ્રવિણે ક્ષણનાય વિલંબ વિના કહ્યું, “વીસ હજાર.” એ સાથે અમેય ક્ષણના વિલંબ વિના કહ્યું, “પણ આ અરવિંદભાઈને તો તમે ચાલીસ હજાર કહેલા.” એટલે પ્રવિણલાલે વધુ એક વાર જ્ઞાનનો પ્રકાશ પાથરતાં કહ્યું, “એ તો મેં રીટર્ન ટિકિટના કહેલા. શું છે કે હું બજારમાંથી ચાલતો જતો હતો ત્યારે આ અરવિંદે મને બૂમ પાડીને અધવચ્ચે ઉભો રાખ્યો અને અમેરિકાની ટિકિટનો ભાવ પૂછ્યો. હવે યાર, રસ્તે ચાલતાં મારા મગજમાં સત્તર જાતના વિચારો રમતા હોય. એટલે મેં જે મનમાં આવ્યો એ આંકડો કહી દીધો. બાકી તો, સરખી રીતે ભાવ જાણવો હોય તો એણે મારે ઘેર આવવું જોઈએ ને! મને રસ્તામાં એમ થોડું યાદ રહે?”
આ સાંભળતાં સાંભળતાં ફાંદેબાજના માથાની પાછળ તેજવર્તુળ દેખાયું હોય એવો મને ભાસ થયો. મેં આંખો ચોળી જોઈ, પણ તેજવર્તુળ દેખાતું રહ્યું. મને થયું કે કયા ભગવાને ભક્તોના ઉદ્ધાર કાજે આ ‘ફાંદાવતાર’ ધારણ કર્યો હશે?
પ્રવિણલાલે પોતાની પાસેના પાઉચમાંથી ‘ઈપ્કો’ કાઢવા ડોકું નીચું નમાવ્યું. ત્યારે ખબર પડી કે એમની પાછળની દિવાલ પર મૂકાયેલી ટ્યૂબલાઈટનો એ પ્રકાશ હતો.
**** **** ****
આ સમગ્ર ઘટનાને છ એક મહિના વીત્યા હશે. બજારમાં આવેલી ચોકસીની દુકાને અમે બેસવા જતા. એ ક્રમ મુજબ એક વાર ત્યાંથી હું ઘેર પાછો જતો હતો. સામેથી પ્રવિણ આવતો દેખાયો. એ જ અદા- મોંમાં મસાલાનો ડૂચો, આગળ દેખાતી દૂંદ. કાળા ચહેરા પર દાઢી વધી ગઈ છે કે શેવિંગને કારણે ડાઘા પડ્યા છે એ જ ના કળાય. હું રસ્તાની સાઈડ બદલીને તેની તરફ ગયો. પૂછ્યું, “શું ચાલે પ્રવિણભાઈ? શાંતિ ને?”
પ્રવિણલાલે મને ઓળખી કાઢ્યો. હાથ મિલાવતાં કહે, “આપણે કયે દહાડે અશાંતિ હતી, કોઠારી. જલસા જ હોય ને!” બીજું શું પૂછવું આ ફાંદેબાજને મારે? કે છેલ્લે કોનો, કેટલામાં ફાંદો કર્યો? એટલે મેં અદ્ધરતાલ જ પૂછ્યું, “ આ બાજુ....? શું....? હમણાં કામકાજ.....? ” પ્રવિણે મહામહેનતે મોંમાના મસાલાના રસને મોંમાં એકતરફ તારવ્યો. અને કહ્યું, “આ તમારા ભાઈબંધ અરવિંદને ત્યાં જ જઈ આવ્યો. પેલા પૈસાનું હજી ક્યાં પત્યું છે?” પછી અટકીને કહ્યું, “આજે પાંચમો ધક્કો હતો.”
હું હસી પડ્યો. એ પણ હસી પડ્યો.
**** **** ****
[ નોંધ: આ પ્રસંગકથા સંપૂર્ણ સત્ય છે- સિવાય કે ઉપલો ફકરો. એ કાલ્પનિક છે. મુખ્ય આશય ઘટનાના નિરૂપણની આડમાં પાત્રોનો પરિચય કરાવવાનો હતો. તમામ પ્રસંગોનું નિરૂપણ કરતી વખતે પેદા થયેલી વાર્તાત્મકતા જાળવી રાખવા માટે અંત વાર્તાત્મક લખ્યો, પણ આ બાબતની જાણ કરવી જરૂરી લાગી. સત્યઘટનાને વળગી રહેવા માટે લખાયેલો મૂળ અંત પણ અહીં લખું છું. વાંચનારને બેમાંથી જે અંત ઠીક લાગતો હોય એ કથા સાથે બેસાડે.]
**** **** ****
પ્રવિણના હાથમાં ‘ઈપ્કો’ જોઈને મારાથી ન રહેવાયું. મેં કહ્યું, “પ્રવિણભાઈ,તમારે યાર, આના સિવાય ન ચાલે, નહીં? ચોવીસે કલાક તમારે એ જોઈએ, નહીં?”
પ્રવિણે મંદ મંદ હસતાં કહ્યું, “ જો ભઈ કોઠારી, હું નૈરોબીયે રહ્યો છું, ને દારેસલામ બી રહ્યો છું. આપણને બધેય ફાવે. કોઈ બી જગાએ, કશા વગર ન ચાલે એમ નહીં. બોલ, તું કહેતો હોય કે- પ્રવિણભઈ, આ ‘ઈપ્કો’ આ ઘડીથી ફેંકી દો, તો હું હમણાં જ ફેંકી દઉં.”
આમ કહીને એણે ટ્યૂબમાંથી પેસ્ટ કાઢીને પોતાના ગંદા દેખાતા દાંત પર હળવે હળવે ‘ઈપ્કો’વાળું બ્રશ ઘસવા માંડ્યું. ફરી એક વાર મને તેના માથાની પાછળ તેજવર્તુળ દેખાયું.
અને આ વખતે તેના માથાની પછવાડે ટ્યૂબલાઈટ પણ નહોતી.
(સંપૂર્ણ)
[નોંધ: આ સત્યઘટના હોઈ માત્ર રેકોર્ડ ખાતર એ પછીનો ઘટનાક્રમ ટૂંકમાં જણાવવો જરૂરી છે. જસુકાકા ત્યારે તો સુખરૂપ અમેરિકા પહોંચી ગયા હતા. થોડો સમય રહ્યા, પણ પછી કંઈક તકલીફ થતાં એ જ હાલતમાં પાછા ભારત આવી ગયા. થોડા વખતમાં તેમનું અવસાન થયું. અજાણ્યાને ઉભી બજારે બે ધોલ મારવાનું કહેનાર મામા પણ થોડા વરસો અગાઉ અવસાન પામ્યા. એ કદાચ સ્વર્ગના દરવાજે અજાણ્યાઓને બે ધોલ મારવાનું કામ કરતા હશે. નરકના દરવાજે તો એવી જરૂર જ નથી. પ્રવિણ ફાંદેબાજનું પણ એક-દોઢ વરસ અગાઉ હૃદયરોગના હુમલાથી અવસાન થયું.]
- તમામ તસવીરો પ્રતીકાત્મક છે અને નેટ પરથી લીધી છે.
માણસ સેવા જ કરતો હોય પણ એના વ્યવહારને કારણે એ ફાંદેબાજ હોય. એન્થની ડિમેલોની કથાઓ જેવી એક સત્યકથા છે. સત્ય ટેવને કારણે બનેલા વિચારમાં નથી.
ReplyDelete" અજીબ દાસ્તાં"નો લેખ મજાનો રહ્યો.પળે પળે જસુકાકા, પ્રવીણજી અને આપ સૌની પરેશાનીરૂપ પળોની અનુભૂતિ સાથે લેખ પૂરો કર્યો ત્યારે આંખ સામેથી આપની પ્રત્યેક વાતો, તે સમય, સૌની ચિંતાઑ વગેરે ફિલ્મના ચિત્રોની જેમ આંખ પાસેથી પસાર થઈ રહ્યા.
ReplyDeleteઆ સાંભળતાં સાંભળતાં ફાંદેબાજના માથાની પાછળ તેજવર્તુળ દેખાયું હોય એવો મને ભાસ થયો. મેં આંખો ચોળી જોઈ, પણ તેજવર્તુળ દેખાતું રહ્યું. મને થયું કે કયા ભગવાને ભક્તોના ઉદ્ધાર કાજે આ ‘ફાંદાવતાર’ ધારણ કર્યો હશે?
ReplyDeleteપ્રવિણલાલે પોતાની પાસેના પાઉચમાંથી ‘ઈપ્કો’ કાઢવા ડોકું નીચું નમાવ્યું. ત્યારે ખબર પડી કે એમની પાછળની દિવાલ પર મૂકાયેલી ટ્યૂબલાઈટનો એ પ્રકાશ હતો.---મજા પડી..પાત્ર લેખન બહુ સરસ....રા. વી પાઠકે (હું ભૂલતો ના હોઉ તો..) એક રસોયાનું જે રીતે આબેહૂબ વર્ણન કરેલું તેવું જ બધા પાત્રોનું આબેહૂબ વર્ણન.....
Maza aavi
ReplyDeleteપ્રવિણનું પાત્ર અને કથાનો [બીરેનભાઇએ રજૂ કરવાનું નક્કી કર્યું તે ] અંત એ બન્ને આ કથાને એક ફૅન્ટસી ની કક્ષાએ લઇ જાય છે, જ્યારે કથાની રજૂઆતની શૈલિ તેને એક થ્રીલરની જેમ આપણને ઉત્સુકતાની ધાર પર ઉભા રાખે છે.
ReplyDeleteજીયો બીરેનભાઇ જીયો.
બિરેનભાઇ, તમારી આ પોસ્ટના બંને ભાગ વંચાઇ જાય પછી જ એનો પ્રતિભાવ આપવો, એવું મનોમન નક્કી હતું, એટલે રાહ જોઇ. પ્રવિણ ફાંદેબાજનું વ્યક્તિત્વ ને ગામડાઓમાં નામ ઉપરાંત વધારાની ઓળખ તરીકે હુલામણું નામ હોય- એ બંને બાબતો ગમી. કોઇ પણ માણસ તદ્દન સારો કે તદ્દન ખરાબ ન હોઇ શકે. એ વાત પર વધુ એક વાર અહીં મહોર લાગી. અને એક વાત કહેવી છે કે તમારા મનના તબેલામાં આવા જે જે પ્રાણીઓ ક્યાંક અગોચર ખૂણે કૈદ હોય, તો એને આમ ક્યારેક ક્યારેક મુક્ત કરતા રહો, તો ગમે. બાકી મજા આવી, એ તો પુનરાવર્તિત થવાના ભોગે પણ કહેવું જ રહ્યું.
ReplyDeleteબે ભાગની આ કથાનો વ્યક્તિગત પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો સામૂહિક આભાર. લખતાં પહેલાં થોડી અવઢવ હતી કે સાવ અંગત એવી આ ઘટના હોવાથી બીજાને કેવો અને કેટલો રસ પડશે. પણ લખવામાં મને જેટલી મજા આવી એટલી જ આપ સૌને વાંચવામાં આવી, એનો આનંદ છે.
ReplyDeleteઆવાં વિશિષ્ટ પાત્રો-પ્રસંગો વિષે સમયાંતરે લખતા રહેવાની લાલચ હવે થતી રહેશે.
આ બ્લોગ અજાણતા જ ક્યાંથી હડફેટે આવી ગયો એ ખ્યાલ નથી ..... કુલ ત્રણ પોસ્ટ વાંચી એક ઇશાન ભાવસાર ની ભદ્ર ના કિલ્લા વળી , અને બીજી આ બે ,,,,, ખુબ જ મજા આવી
ReplyDeleteઆને વાત કહેવી કે વાર્તા કહેવી એ વિશે દ્વિધા રહે એમ છે. ઘટનાક્રમનું ખુબ જ સરસ નિરૂપણ તો ખરું જ, સાથે પાત્રાલેખન પણ સચોટ!
ReplyDeleteકોણ કહે છે કે તમે સર્જનાત્મક ન લખી શકો? સરસ વાર્તા, સરસ અને જીવંત પરિવેશ, અદભૂત પાત્રો. બધા અંત ગમે તેવા છે. લાંબો સમય આ વાત અને પાત્રો યાદ રહેશે.
ReplyDelete