Sunday, February 26, 2012

નહીંતર કપચીનો માર્ગ હતો ક્વોરીથી કોન્ક્રીટ સુધી



ગયે અઠવાડિયે બે દિવસ માટે સાબરકાંઠા/ Sabarkantha ના અજબપુરા/ Ajabpura ગામમાં જવાનું થયું. કપડવંજથી મોડાસાના રોડ પર, મોડાસા/Modasa પહેલાં બાયડ/ Bayad તાલુકાનું આ ગામ સાઠંબા/ Sathamba અને ગાબટ/Gabat ની વચ્ચે આવેલું છે.અજબપુરા બે દિવસ ગાળવાનું બન્યું ત્યારે તેની આસપાસનાં ગામોની મુલાકાત લીધી. અજબપુરાના અમારા યજમાન ધીરુભાઈ પટેલ હતા. તેમના ઉપરાંત શામળભાઈ, ઈશ્વરભાઈ, ધૂળાભાઈ જેવા સ્વજન સમા વડીલમિત્રોએ અમારી સંભાળ લીધી અને અમને આસપાસના વિસ્તારોમાં હોંશભેર ફેરવ્યા. અહીં અમે શા માટે ગયા હતા એના વિષે ફરી ક્યારેક વાત કરીશું.
આ મોસમમાં અહીંના ખેતરોમાં વળિયારી લહેરાઈ રહી છે, દિવેલા કપાઈને પડ્યા છે, જીરૂનો પાક દેખાય છે, તો છેલ્લા થોડા સમયથી અહીંના ખેડૂતો તરબૂચની ખેતી તરફ વળ્યા છે અને સારાં પરિણામ મેળવી રહ્યા છે. પણ આ બધી તસવીરો હમણાં નથી મૂકવી.
આ વખતે ઈરાદો છે એક વિશિષ્ટ સ્થળની તસવીરો મૂકવાનો. એ કંઈ રમણીય, જોવાલાયક
સ્થળ નથી, બલ્કે સામાન્ય સંજોગોમાં ત્યાં જવાનું આપણે ટાળીએ. તેના અંગે મનમાં કૂતુહલ ઘણું હતું. આ વખતે તક મળી અને અમે ઊપડ્યા એ સ્થળે. એ સ્થળ એટલે ક્વોરી.
આ પટ્ટામાં ક્વોરીઉદ્યોગ/ Quarry  ઘણો ધમધમે છે. પંદરેક કિલોમીટરના આ પટ્ટામાં આશરે ત્રીસેક ક્વોરી આવેલી છે. અત્યાર સુધી ક્વોરી દૂરથી, વાહનમાં બેઠા બેઠા જ જોવાનું બન્યું છે. આ ટૂંકી મુલાકાતમાં તેની કામગીરીની ઝલક જોવા મળી તેમ બીજી ઘણી વાતો જાણવા મળી.
તદ્દન સપાટ જમીનમાં માટી અને પથ્થરના સૂકાભઠ નાના ડુંગરા ઉભેલા દેખાય એટલે સમજવું કે એ જગાએ ક્વોરી હશે. ક્વોરીના માલિક જમીન ખરીદે છે અને તેને ખોદીને પથ્થર કાઢે છે. આ વિસ્તારમાં શરૂઆતના પાંચ-છ ફીટ પછી તળિયે છેક સો ફીટ સુધી પથ્થરો જ છે. દિવસ રાત ધમધમ્યા કરતી ક્વોરીને જોઈને મનમાં નકારાત્મક વલણો પેદા થાય એનાં અનેક કારણો છે. પથ્થરો સતત યંત્રો દ્વારા ભાંગતા રહેવાના કારણે વાતાવરણમાં સતત ઊડતી રહેતી રજ, પથ્થરો ભાંગવાનો કર્કશ અવાજ, આસપાસની જમીનમાં ઊગેલા પાક પર રાખોડી રજનું આવરણ, રાતના સમયે ડાયનેમાઈટ/ Dynamite થી થતા ધડાકાને કારણે અનુભવાતી ધ્રુજારી, ખખડધજ ટ્રેક્ટરો અને જે.સી.બી.મશીનો/ J.C.B. Machine નો ઘોંઘાટ, ક્વોરીના વિસ્તારમાં સપાટ અને ઉજ્જડ જમીનની વચ્ચે ઉભેલા કપચીના, પથ્થરના નાના અને નીરસ ડુંગર, માણસોની હાજરીની પરવા વિના સતત સરકતા રહેતા કન્વેયર બેલ્ટ, અહીં ચાલતી રહેતી ખટારાઓની અવરજવર.... આ બધું પહેલી નજરમાં ન જ ગમે. પર્યાવરણનો પણ ખુરદો બોલાતો હોય એવું લાગે.
જો કે, ટૂંકી મુલાકાતમાં જે પ્રાથમિક બાબતો જાણવા મળી એ મુજબ ક્વોરીમાં ખોદકામ થતું  રહે એ પછી એક તબક્કે તળિયું આવી જાય. એ પછી ખોદેલી આ જમીનમાં પુરાણ કરીને તેને ખેતીલાયક બનાવવામાં આવે છે અને આગળ નવી જમીન વિસ્તારવામાં આવે છે. રાતના સમયે આ ખોદાણમાં પથ્થરો તોડવા માટે ડાયનેમાઈટથી ધડાકા કરવામાં આવે છે, જેની ધ્રુજારી આસપાસના ગામોમાં સતત અનુભવાય છે. સ્થાનિક લોકો તરફથી વિરોધ થાય છે, પણ તેને અવગણાય છે, કે પછી ગાંધીજીની ‘લીલી તસવીર' દેખાડીને શાંત કરી દેવાય છે. અહીં કામ કરતા માણસોને લાંબે ગાળે બહેરાશ આવતી હોય તો નવાઈ નહીં. ઉપરાંત તેમના શ્વાસમાં કેટલી રજ જતી હશે એ તો કોને ખબર.
હવે તો પથ્થરો ઉપાડવાના કામ માટે જે.સી.બી. (કંપનીનાં બેકહો લોડર/ Backhoe loader) મશીનો આવી ગયા છે, પણ એ પહેલાં મજૂરો જાતે જ પથ્થર તોડતા અને તેને ઉપાડીને ટ્રેકટરમાં મૂકતા. આમાં દુર્ઘટનાઓ થવાની સંભાવના વધુ હતી.
ખ્યાલ છે ત્યાં સુધી પાવાગઢ વિસ્તારમાં અનેક ક્વોરીઓ કાર્યરત હતી, પણ હવે એ બંધ કરવામાં આવી છે. પાવાગઢનો આકાર બદલવામાં તેમનો મોટો ફાળો છે.
આપણા ઘરના બાંધકામમાં વપરાયેલા કોન્ક્રીટ/ Concrete માંની કપચી પણ આવી જ કોઈ ક્વોરીમાંથી આવી હશે.
આ બાબતે કોઈ મિત્ર વધુ જણાવશે તો આનંદ થશે.   

















4 comments:

  1. સચિત્ર કથાનો સરસ નમૂનો. જાણકારી આપવાની આ રીત બહુ ગમી.

    ReplyDelete
  2. પૂર્વી મલકાણFebruary 26, 2012 at 11:24 PM

    લેખ વાંચવાનો આનંદ આવ્યો.
    પરંતુ આટલા નજીકથી ફોટાઓ પ્રથમવાર જોયા. આ લેખ અને સુંદર ફોટાઓ દ્વારા માહિતી માટે ઘણો જ આભાર.
    અહીં અમારા ઘરની બિલકુલ પાસે ક્વોરી છે પરંતુ ત્યાં બહારના લોકોને અંદર આવવા દેતા નથી તેનું મૂળ કારણ અહીં સેફ્ટી છે.

    ReplyDelete
  3. આવી જ પરિસ્થિતિ મેં અંજાર પાસેની ક્વૉરીમાં જોઇએ છે, જો કે ત્યાં વપરાઇ ગયેલ ક્વૉરીનો ઉપજાઉ જમીનમાં ફેરવી નાખવાનો ઉપયોગ થતો નથી. જમીનની આવી જ દશા ઇંટોના ભઠ્ઠાના ઉધોગમાં પણ થતી. તેમાં તો તે સમયે ખેતરોની ફળદ્રુપ જમીનો હોમાઇ જતી જોઇ છે. અને એ તો વિકાસ પામવો હોય તો આટલી કિંમત તો ચુકવવી જ પડે ને એવી માન્યતા(!)થી આમ જ ચાલતું રહ્યું છે.
    જેની સામે, અમે જે આંતરરાષ્ટ્રીય ઑઇલ ને ગૅસની પાઇપલાઇનનાં બાંધકામના ક્ષેત્રે કામ કરનાર સંસ્થાઓ જોડે કામ કરતા તેઓની તેમનાં કાર્યક્ષેત્રની આસપાસ પર્યાવરણ અને માનવ સલામતી જાળવવા માટે કરવી પડતી કામગીરી જોવી જોઇએ. પાઇપલાઇન જ્યાં બીછાવવાનું કામ શરૂ કરતાં પહેલાં ત્યાં જે પર્યાવરણીય સ્થ્તિ હોય તે જ સ્થિતિ તેઓ એ કામ પુરૂં કર્યા બાદ કરી આપવાની તેમની કૉન્ટ્રાક્ટ મુજબની જવાબદારી રહેતી હોય છે. આ જવાબદારી બરાબર અદા થઇ છે કે નહી તેની ખરાઇ માટે કામ શરૂ કર્યાના નિશ્ચિત સમય બાદ નિયમિત સમાંતરે નિષ્પક્ષ ઍજન્સી દ્વારા -ફૉટૉગ્રાફ્સ અને વીડીયૉની મદદથી - ઑડીટ પણ થતું રહે.આ સંસ્થાઓના ભૂતકાળના સંતોષકારક કામના આધારે તેમની સ્પર્ધાત્મક સ્થિતિ નક્કી થતી હોય છે. તેમણે આ અંગે નક્કી કરેલા માપદંડને તેના નવાં સહયોગી ઘટકો સરકારક રીતે જાળવી શકશે તે પણ ઑડીટ થતું રહેતું હોય છે. આ બન્ને બાબતે જો કોઇ ઘટક ઉણું ઉતરતું દેખાય તો તે ભાવ અથવા ડિલીવરીની દ્રષ્ટિએ ગમે તેટલું આકર્ષક હોય, તે ઘટક કે સહયોગીને નવું કામ ન જ મળે. તેમાં લાગવગ ચલાવવાનો પ્રયત્ન તો ઔર મોંઘો પડી જતો હોય છે.
    આમ, આ પ્રકારની કામગીરી અને વ્યવસાયોમાં પ્ર્યાવરણ અને માનવ સલામતીને non-negotiable પ્રાધાન્ય આપવામાં આવે તો તે સિધ્ધ તો થઇ જ શકતું હોય છે.

    ReplyDelete
  4. બીરેન કોઠારીFebruary 27, 2012 at 6:31 PM

    @અશોકભાઈ: પૂરક માહિતી માટે આભાર. આપણે ત્યાં પણ કદાચ કાગળ પર તો સલામતીનાં ધોરણ બનાવેલાં હશે જ. પણ રાબેતા મુજબ તેના અમલમાં ડખા હશે. જો કે, આ ક્વોરીમાં એ ધોરણ મુજબ, પાણીના ફુવારા મૂકવામાં આવેલા, જે ઊડતી રજને નીચે બેસાડી દે. અહીં લેન્ડ ફીલીંગ થાય છે એ જોઈને મને કંઈક અંશે આશ્વાસન મળ્યું.
    વિકાસ (?) ની કિંમત ચૂકવવી પડે એમ લોકો માનતા અને મનાવતા હોય છે.પણ કોનો 'વિકાસ' એ સ્પષ્ટતા કરવાનું ભૂલી જવાય છે.
    તમે જે ઓડીટની વાત લખી છે એ પણ બરાબર છે. એ વિષે પણ ક્યારેક લખવાની અને મારા ઉદ્યોગના અનુભવો વહેંચવાની ઇચ્છા છે. જોઈએ.

    ReplyDelete