Tuesday, October 11, 2011

સભર જીવનના સીત્તેરમા વર્ષમાં પ્રવેશ

ઈન્કીલાબ રાય.
આ નામના કોઈ ઈસમને આપણે ઓળખીએ છીએ? આવું વિચિત્ર નામ એ બાળકનું એટલા માટે પાડવામાં આવેલું કે ૧૯૪૨માં થયેલી ઓગસ્ટ ક્રાન્તિના ત્રણ મહિના પછી ૧૧મી ઓક્ટોબરે એ જન્મેલો. જો કે, આ નામ તો એના પિતાના એક મિત્ર ઝા સાહેબે પાડેલું. બાકી એનું અસલ નામ તો હિંદીના ખ્યાતનામ કવિ સુમિત્રાનંદન પંતે પાડેલું- અમિતાભ. 
તો ૧૮ મે, ૧૯૪૭ના દિવસે જન્મેલા બીજા પુત્રનું નામ ‘અજિતાભ’ પણ પંતજીએ પાડેલું. સ્વાતંત્ર્યના ત્રણ મહિના અગાઉ જન્મેલા આ બાળકને ઝા સાહેબ ‘આઝાદ રાય’ કહેતા. ઈન્કીલાબ રાય અને આઝાદ રાય- એટલે કે અમિતાભ અને અજીતાભ- આ બંને ભાઈઓના પિતા હતા હિન્દીના ખ્યાતનામ કવિ હરીવંશરાય બચ્ચન. 
કવિ હરિવંશરાય ‘બચ્ચન’ના બીજી વારનાં લગ્ન તેજી સૂરી સાથે થયાં. અગાઉની પત્ની શ્યામાનું બિમારીમાં અવસાન થયા પછી એકલવાયા બનેલા હરિવંશરાયના જીવનમાં તેજીનો પ્રવેશ થયો, જે અંતે લગ્નમાં પરિણમ્યો. આ લગ્નજીવનની ફલશ્રુતિરૂપ પ્રથમ સંતાન એટલે અમિતાભ. પુત્રજન્મનો હરખ વ્યક્ત કરવા માટે કવિતા લખવા સિવાય કવિ શું કરી શકે? કવિએ પુત્રજન્મના દિવસે પોતાની લાગણીને આ શબ્દોમાં વાચા આપી.   

फुल्ल कमल,
गोद नवल,
गोद नवल,
गेह में विनोद नवल।
दूध नवल,
पूत नवल,
वंश से विभूति नवल।
नवल दृश्य,
नवल दृष्टि,
जीवन का नव भविष्य,
जीवन की नवल सृष्टि।  

હરિવંશરાયનું ઘરનું નામ ‘બચ્ચન’ હતું. એમની અટક તો હતી શ્રીવાસ્તવ. તો પછી ઘરનું આ લાડકું નામ એક અટક નહીં, બલ્કે એક ખાનદાન શી રીતે બન્યું? આ વાત કવિના પોતાના શબ્દોમાં:
“અમિતને સ્કૂલમાં પ્રવેશ કરાવતી વખતે અમે વધુ એક નિર્ણય લીધો, જે અધિક મહત્વનો હતો. કમ સે કમ, અમને એમ લાગ્યું. અમે ન્યાતમાંથી બહિષ્કૃત હતા. અમે વિચાર્યું કે ચાલો, આપણે એક નવા પરિવારનો આરંભ કરીએ. અત્યાર સુધી મારું નામ ઔપચારિક રીતે લખવાનું આવે ત્યારે ફક્ત ‘હરિવંશરાય’ લખાતું- ખાસ કરીને યુનિવર્સિટીમાં તેમજ ટ્રેનિંગ કોરમાં.અથવા તો મને ‘મિસ્ટર રાય’ કહીને સંબોધિત કરાતો. ‘બચ્ચન’ નામ કેવળ મારાં પુસ્તકો પર છપાતું. સાહિત્યીક લખાણોમાં પણ આ નામ થકી મારી તરફ સંકેત કરાતો. કેટલાય લોકોને ખબર નહોતી કે હરિવંશરાય અને બચ્ચન બન્ને એક જ વ્યક્તિ છે. ‘બચ્ચન’ નામ ઘરમાં બોલાતું નામ હતું. એ સમયે લોકો ‘નિરાલા’, ‘નવિન’, ‘ઉગ્ર’ વગેરે જેવાં ઉપનામ રાખતાં.આ અર્થમાં મારે મારું ઉપનામ રાખવાનું હોત તો આવું ઘરેલુ, હલકું, ચાલુ નામ હું અપનાવત નહીં. પણ આવું નામ રાખવું મારા માટે ખરાબ સાબિત ન થયું. મારા નામે કોઈ જાતનીવિશિષ્ટતાની અપેક્ષા જગાડી નહીં. કદાચ આને લઈને એ સહજ સ્વીકૃત થઈ ગયું.”
“તેજી સાથે મારું લગ્ન થયું ત્યારે એના મનમાં કદાચ એવો સવાલ જાગ્યો હશે કે પોતે કયા નામનો સ્વીકાર કરે? શ્રીમતી રાય કે શ્રીમતી બચ્ચન? આ વિશે એણે કદાચ કશો નિર્ણય પણ ન લીધો. પરિચીતો અને મિત્રો એને ‘શ્રીમતી બચ્ચન’ કહેવા લગાયા અને એણે પોતાનું એ નામ સ્વીકારી લીધું. અમિતના સ્કૂલપ્રવેશ વખતે અમે ‘બચ્ચન’ નામ અમારા પરિવારના નામ તરીકે સ્વીકાર્યું અને તેનું નામ ‘અમિતાભ બચ્ચન’ લખાવવામાં આવ્યું. અમારા બીજા પુત્રને અમે ‘અજિતાભ બચ્ચન’ નામ આપ્યું. મારા નામ સાથે ‘બચ્ચન’ને પહેલવહેલી વાર કેમ્બ્રીજમાં લગાડવામાં આવ્યું. આમ, ‘બચ્ચન’ નામના એક પરિવારનો પ્રાદૂર્ભાવ થયો. પ્રાચીન કાળમાં ગોત્ર પણ કદાચ વિશિષ્ટ વ્યક્તિઓનાં નામને આધારે આરંભાતા હતાં. અમે કોઈ વિશિષ્ટતાના દંભથી નહીં, પરંતુ વિવશતાથી અમારો પરિવાર ચલાવ્યો છે. પરિવાર ચલાવ્યો છે તો મારી એકમાત્ર કામના છે. કામના એટલી કે આ પરિવારના લોકો દરેક પેઢીએ પુરાણી રૂઢિઓ તોડીને આગળ વધનારા બને, એકલવાયાપણાની તાકાતને પિછાણે અને પોતાની જાતને નિર્ભીકતાથી સ્થાપિત તેમજ અભિવ્યક્ત કરે. સાથેસાથે બાળકો સાથે સંબદ્ધ કરાતા એ તમામ ગુણોનું સંવર્ધન કરે. ક્રાઈસ્ટે કહ્યું હતું કે તમે બાળક નહીં બની શકો ત્યાં સુધી સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ નહીં કરી શકો.”* 
હરિવંશરાય પોતાની આ કામનાને પૂર્ણ થતી જોઈ શક્યા, એમ અવશ્ય કહી શકાય. તેમના પુત્ર અમિતાભ બચ્ચને અભિનયક્ષેત્રમાં સખત મહેનત, સંઘર્ષ, નિષ્ઠા અને આવડત થકી એવું સ્થાન પ્રાપ્ત કર્યું કે જેને ભાગ્યે જ કોઈ આંબી શકે.

ભુવન સોમ 

અમિતાભ પહેલવહેલા પડદે દેખાયા ખ્વાજા એહમદ અબ્બાસની ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ (૧૯૬૯)માં, પણ એ અગાઉ મૃણાલ સેનની ફિલ્મ ‘ભુવન સોમ’(૧૯૬૯) માં તેમનો અવાજ સાંભળવા મળ્યો હતો. પડદા પર પહેલવહેલી વાર અમિતાભે જેમાં દેખા દીધી એ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ની એક ઝલક 
જોઈએ. 


ત્યાર પછી ઋષિકેશ મુખરજીની ‘આનંદ’(૧૯૭૦)માં તેમણે ધ્યાન ખેંચ્યું. હજીય સંઘર્ષ જારી હતો. ‘પરવાના’ (૧૯૭૧, નિર્દેશક:જ્યોતિ સ્વરૂપ) અને ‘રેશમા ઔર શેરા’ (૧૯૭૧, નિર્દેશક: સુનિલ દત્ત) એક 
જ વર્ષે આવી. અભિનય ઉપરાંત પોતાના પ્રભાવશાળી અવાજથી ઓળખ ધીમે ધીમે ઉપસી રહી હતી, ત્યાં ‘રેશમા ઔર શેરા’માં ભૂમિકા મળી મૂંગાની. ઋષિકેશ મુખરજીએ તેમને કામ આપવાનું ચાલુ રાખ્યું. ‘નમક હરામ’માં તેમના અભિનયની પ્રશંસા થઈ. એ પછી એસ. રામનાથન નિર્દેશીત ‘બોમ્બે ટુ ગોવા’માં તેમની સાથે મુખ્ય નાયિકા તરીકે અરૂણા ઈરાની ચમક્યાં. ‘રાજશ્રી પ્રોડક્શન્સ’ની સુધેન્દુ રોય નિર્દેશીત ‘સૌદાગર’માં તેમની નાયિકા હતાં નૂતન.
૧૯૭૩માં પ્રકાશ મહેરા નિર્દેશીત ફિલ્મ ‘ઝંઝીર’થી અમિતાભની કારકિર્દીએ પૂરપાટ વેગ પકડ્યો. ત્યાર પછીના ગાળા માટે કહી શકાય કે ‘રેસ્ટ ઈઝ હીસ્ટરી’. 
૧૯૬૯માં આવેલી 'સાત હિન્દુસ્તાની'માં અનવર અલી 'અનવર' ના પાત્રથી શરૂ થયેલી તેમની અભિનય કારકિર્દી છેલ્લે જુલાઈમાં આવેલી 'બુઢ્ઢા હોગા તેરા બાપ'ના વિજુ મલ્હોત્રાના પાત્ર સુધી અવિરત ચાલી રહી છે. 
તેમની છેલ્લામાં છેલ્લી ફિલ્મ 'બુઢ્ઢા હોગા તેરા બાપ'ની એક ઝલક જોઈએ. 




આ બંને ક્લીપ વચ્ચે રેતઘડીમાં ૪૨ વરસો સરી ગયાં છે, છતાં આ નામનો કરીશ્મા બરકરાર રહ્યો છે. અનેક ઉતારચડાવ, હિટ-ફ્લોપ વચ્ચે, અવનવાં માધ્યમોને સહજતાથી આત્મસાત કરીને અમિતાભ બચ્ચને પોતાની લોકપ્રિયતા ટકાવી રાખી છે, અને સફળતાને દૂર થવા દીધી નથી. દરેક કસોટી પછી તેમની (જાહેર) છબી એક શાલીન અને ભદ્ર વ્યક્તિ તરીકે નીખરતી રહી છે. 
આ એકમેવ અભિનેતા આજે ૬૯ વર્ષ પૂરાં કરીને સિત્તેરમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, એ નિમિત્તે એમને સ્વસ્થ અને આનંદપ્રદ જીવનની અનેકાનેક કામનાઓ.


(નોંઘ: આ પોસ્ટ લખાતી હતી ત્યારે જ જગજીત સિંઘના અવસાનના સમાચાર જાણવા મળ્યા. તેમની મનોછબી ઉર્વિશે તેના બ્લોગમાં આલેખી છે. જે બે ભાગમાં આ લીન્ક પર વાંચી શકાશે. 
http://urvishkothari-gujarati.blogspot.com/2011/10/blog-post_10.html  અને 
http://urvishkothari-gujarati.blogspot.com/2011/10/blog-post_5108.html )

(*હરીવંશરાય બચ્ચનની આત્મકથામાંથી સાભાર) 
(તસવીરો પર ક્લિક કરવાથી યૂ આર એલ પર જઈ શકાશે.વિડિયો યૂ ટ્યૂબ પરથી સાભાર. ) 

Friday, October 7, 2011

મોહમાયામેં ક્યા પાયા?


 "કયા લાઉં, સા’બ ?" સામે ઉભેલા વેઇટરે મને પૂછયું એ સાથે જ ટાવર કપાઈ ગયો. હોટેલની ખુરશી પર બેઠા બેઠા હું અર્ધમીંચેલી આંખે મારા ગુરુદેવ સાથે ડાયરેકટ ડાયલીંગ કરવાનો પ્રયત્ન કરતો હતો, ત્યાં આ વિઘન આવ્યું. મારા દિમાગમાં લાલપીળી બત્તીઓ ઝબૂકવા માંડી. આખી સરકીટ ખોરવાઈ ગઇ. પણ મનોમન ગુરુદેવને સ્મરીને કંઈ બોલ્યા વિના મેં એમની સાથે રીડાયલ કરવાનો પ્રયત્ન કરવા માંડયો. વેઇટરને આ જોઇને લાગ્યું હશે કે હજી શું મંગાવવું તે હું વિચારી રહ્યો છું. આથી તેણે જવાની તૈયારીરુપે પીઠ ફેરવી અને ચાલવા માંડયું. માંડ બે ડગલાં ગયો હશે કે મેં અધખુલ્લી આંખે, જરા ઘેરા અવાજે કહ્યું, "ઠેર જાવ." મારા અવાજની ઘેધુરતાથી મને પોતાને નવાઈ લાગી. તેમાં એટલી તીવ્રતા હતી કે વેઇટરના પગમાં પંકચર પડી ગયું હોય એમ આંચકો ખાઇને તે ત્યાં જ જડાઈ ગયો. પંક્ચર પડેલા વાહનને ઢસડીને નાયર પાસે લઈ જઇએ, એમ એ ઘસડાતા પગે મારી તરફ પાછો ફર્યો.
મને થયું કે અધખુલ્લી આંખે, ઘેઘુર સ્વરે, હિંદીમાં બોલવા માત્રથી આપણા શબ્દોમાં કેટલું વજન આવી જાય છે ! મેં તો ફકત બે-ચાર મિનીટ જ આંખો અધખુલ્લી રાખી હતી, જયારે ગુરુદેવ તો ચોવીસ કલાકમાંથી એકવીસ કલાક આંખો અધખુલ્લી  જ રાખતા. તેઓશ્રી કહેતા, " આ જગતને ખુલ્લી આંખે જોવાનો આપણને ખોટો મોહ હોય છે. આપણી આસપાસ એટલી બધી માયા વ્યાપેલી છે કે તેમાંથી અડધીઅડધ ચીજો આપણા માટે નિરર્થક હોય છે. માટે આપણે અડધી ખુલ્લી આંખે જોઇએ તો પણ આપણને સંપૂર્ણ દર્શન જ થશે." ગુરુદેવની વાતો મોટે ભાગે સમજાતી નથી હોતી, એમને પૂછીએ તો સમજાવે ખરા. પણ એ તો ઓર અઘરું પડે. એટલું સમજાઈ ગયેલું કે ગુરુદેવવાણી સત્ય જ હોય. આપણા સૌના માટે થઈને એ પોતાની જાતને કેવી કેવી કસોટીએ ચડાવતા હોય છે અને કષ્ટ વેઠતા હોય છે, પછી આપણે શા માટે એ કહે એના અરથ શોધવા જવું ? એને બદલે એ કહે એ જ માની લેવામાં વધારે સાર છે, પ્યાર છે અને તીર આરપાર છે. લે, આ તો ગુરુદેવ જેવું બોલાઈ ગયું. .(આનો અર્થ શો થાય એ તો પાછું એમને જ પૂછવું રહ્યું.) એમના નામનો પ્રભાવ જ એવો છે. બે-ચાર મિનીટ મારી આંખો ગુરુદેવની માફક અધખુલ્લી રાખતાં એનો પરચો મને તરત જ મળી ગયો. હવે ધીમે ધીમે આની પ્રેકટિસ વધારતા જવું પડશે.
મારા સીગ્નલ ખોરવનારા પેલા વેઇટરે મારા ટેબલ પાસે આવીને પૂછયું, "હાં જી, સા’બ. કહીયે, કયા લાઉં?" મેં જવાબ આપવાને બદલે ગુરુદેવની જેમ સામો સવાલ કર્યો, " ઈસમેં સે કયા કયા મિલેગા ?" જો કે, આટલું કહ્યા પછી મારી આંગળી મેનુમાં ‘પંજાબી વરાયટીઝ’ લખેલા પાના પર મૂકી, કેમ કે, મારે કંઈ એને ચૂપ નહોતો કરવો, બલ્કે એની પાસેથી જવાબ મેળવવાનો હતો. ગુરુદેવ ધણી વાર મજાકમાં કહેતા કે ‘બાવા બન્યા હૈ તો હિન્દી બોલના પડતા હૈ’. એમ હોટલમાં જઇએ તો ઓર્ડર આપતાંય હિન્દીમેં બોલના પડતા હૈ. પેલા વેઇટરે કહ્યું, "સબ કુછ મિલેગા, સા’બ." આવું બોલનાર વેઇટરના ચહેરા સામું મેં ઘડીભર જોયું. તેના ચહેરા પર જરાય તેજ નહોતું, પણ તેના માથા પાછળથી આવતો પ્રકાશ તેની દિવ્યતામાં વધારો કરતો હોય એવું મને લાગ્યું. સત્ય ભલે ને ગમે તેટલું નાનું હોય, પણ તે બોલનારને દિવ્ય આભા અર્પે છે, એ સત્ય મેં અનુભવ્યું. મેનુ પર મેં બતાવેલી ચીજો જોવા તે નીચો નમ્યો ત્યારે મેં જોયું કે એ પ્રકાશ ભીંત પરના પીળા બલ્બમાંથી આવતો હતો. સત્યના તેજમાં બલ્બનો પ્રકાશ ભળે તો એની આભા કેવી હોય ? મેં એ આભાથી અંજાયા વિના કહ્યું," યે સભી પંજાબી આઇટમ લેકે આઓ, ઠીક હૈ?" આ સાંભળીને વેઇટર મૂંઝાયો હોય એમ લાગ્યું. એ સહેજ નીચો નમ્યો અને તેનું નાક મારા મોંની નજીક લાવ્યો. મને લાગ્યું કે એ મારું મોં સૂંઘવા પ્રયત્ન કરી રહ્યો છે. પણ એણે સાવ ધીમેથી પૂછયું, " ઔર કોઈ આનેવાલા હૈ, સા’ બ?" આપણું મોં કોઈ સૂંઘે એ હજી ચલાવી લેવાય, પણ આવી વાયડાઈ કરે એટલે આપણી બેટરી ઓવરચાર્જ થઈ જાય. અને બેટરી ઓવરચાર્જ થઈ એટલે ખલાસ! સામે ઉભેલાને વીજળીનો આંચકો જ લાગે. અને આંચકાની અસર અંગ્રેજીમાં વધારે સારી રીતે દેખાડી શકાય. હું બરાડ્યો, " ઇટ્સ નન ઓફ યોર બિઝનેસ. જસ્ટ ગો એન્ડ બ્રીન્ગ ધ થીંગ્સ આઈહેવ ઓર્ડર્ડ, સમજ ગયે?" વેઇટરો અંગ્રેજી સાંભળવા ટેવાયેલા હોય છે, ભલે ને એમને એમાં સમજણ ન પડે. પણ અહીં એને સમજણ પડે એ જરુરી હતું, એટલે મેં સેકન્ડ ઓપ્શન તરીકે હિન્દીનો સહારો લીધો."તુમકો ઇસસે કયા પંચાત ? તુમ જાઓ ઔર મેંને બોલા હૈ વો લેકે આઓ, અન્ડરસ્ટેન્ડ?" હવે પેલો સમજયો હોય એમ લાગ્યું. મારા શબ્દોથી ગોળીબાર થતો હોય એમ લગભગ તેણે દોટ મૂકી. મેં દૂરથી જ તેને બૂમ પાડીને પૂછયું, "કિતના ટાઇમ લગેગા ?"  "જી, આધા ધંટા." મારી સામે નજર પણ નાંખ્યા વિના એણે જવાબ આપ્યો અને દિવાલ પછી દેખાતા એક ખાંચા તરફ વળી ગયો.રસોડા તરફ જ હશે.
તેના ગયા પછી મેં ટેબલ પર પડેલો ઠંડા પાણીનો પ્યાલો ઉપાડયો અને ઘૂંટડો ભર્યો. ઠંડુ પાણી પેટમાં ગયું એટલે તેની ઠંડક છેક મગજ સુધી પહોંચી. મગજ ઠંડુ થયું એટલે મન પણ શાંત થયું અને મનની શાંતિની એ અવસ્થામાં સ્મરણ થયું ગુરુદેવનું. ગુરુદેવે કહેતા, "ક્રોધ પણ એક પ્રકારનો મોહ છે. તમે એક વાર ક્રોધ કરવા માંડો એટલે તમને એની માયા થઈ જાય છે. ક્રોધનો ત્યાગ એટલે મોહનો ત્યાગ અને મોહનો ત્યાગ એટલે માયાનો ત્યાગ. છતાં તમારાથી કોઈની પર ક્રોધ થઈ જ ગયો હોય તો તરત તેની માફી માંગી લેતાં અચકાવું ન જોઇએ." મને યાદ આવ્યું કે એક વાર ગુરુદેવે મંડપ બાંધનારા એક છોકરાને ગાલ પર તમાચો મારી દીધેલો. પેલો તો અબુધ જુવાનિયો. એને ગુરુદેવના વર્તનનું રહસ્ય ક્યાંથી સમજાય? એમની ટપલી ખાવાય લોકો તરસતા હોય, જ્યારે આને તો તમાચો પડેલો. પણ એ અબુધે તો મંડપ બાંધવાનો વાંસડો જ ઉગામેલો. ચાર જણે પકડી રાખવો પડેલો એને. અને ગુરુદેવ? એ તો જાણે કંઈ જ બન્યું ન હોય એમ શાંત, અવિચળ, નિશ્ચલ ઉભા રહેલા. એમણે સાવ ઠંડકથી, કંઈ જ બન્યું ન હોય એમ કહ્યું, “બેટા, સોરી.” પછી આશ્રમના મેગેઝીન ‘ગુરુપ્રસાદી’માંય આ કિસ્સો છપાયેલો.એમાં લખેલું કે ગુરુદેવની દૃષ્ટિથી પેલો છોકરો ત્યાં ત્યાંનો ત્યાં જ જડાઈ ગયેલો. થતું હોય છે આવું ક્યારેક. આપણે આવા પ્રસંગે હાજર હોઈએ, છતાંય આપણી સાંકડી દૃષ્ટિને લઈને અમુક જ બાબત દેખાય.
આ વાત યાદ આવતાં મને મારી પોતાની પીઠ થાબડવાનું મન થઈ ગયું. કેવા યોગ્ય ટાણે મને આ પ્રેરક પ્રસંગ યાદ આવી ગયો. અને ગુરુદેવ પણ મેં કેવા પસંદ કર્યા છે. સબ મર્ઝકી દવા એમની પાસે છે.
મારું ચિત્ત હવે સંપૂર્ણ શાંત થઈ ગયું અને મેં આખો ઘટનાક્રમ રીવાઇન્ડ કર્યો. શું હતું મારા ક્રોધનું મૂળ ? મૂળ તો હું અહીં આવેલો ભોજનના મોહનો અને સ્વાદની માયાનો ત્યાગ કરવા, પણ ગુરુચીંધ્યા માર્ગે. મને કચકચાવીને ભૂખ લાગી હતી. આ અવસ્થામાં મેનુમાંની તમામ વાનગીઓ મારા ટેબલ પર મૂકાવવી. એ પછી એમાંથી એકેય ચાખવી સુધ્ધાં નહીં અને તમામનું બીલ ચૂકવીને બહાર નીકળી જવું- આટલો હતો મારો કાર્યક્રમ. નજરની સામે જ નિમિત્ત હોય અને તેનો ત્યાગ કરો ત્યારે જ મોહ અને માયા છૂટયાં કહેવાય. આ મારી નહીં, પણ ગુરુદેવની ગુરુચાવી હતી. મેં ધાર્યું હોત તો એકાદી આઇટમ મંગાવીને ન ખાધી હોત તો  ચાલી જાત. પણ આપણું એવું ખરું કે ત્યાગ જ કરવો તો જરા ભવ્ય કરવો. સાદગીપૂર્વકના ત્યાગની કિંમત કેટલી હોય? એકાદ પનીર ભુરજી કે મીકસ વેજની પ્લેટ અને થોડી રોટી જેટલી ! આવા નાના ત્યાગમાં તો આપણો મોહ દેખાઈ આવે છે. આપણો મોહ અને માયા જેટલા વધુ, એટલો ભવ્ય એનો ત્યાગ પણ હોવો જોઇએ !
મને આ બધું વિચારીને થયું કે ગુરુદેવ, યુ આર રીયલી ગ્રેટ ! તમે અમને કેટકેટલું શીખવતા આવ્યા છો. અને કશીય અપેક્ષા વિના. તમે અમારા જેવા ભકતોની કારમાં ફરો એ તો અમારી અપેક્ષા છે, જેને તમે મોહ કહો છો. અમે પહેલા બોન્સાઈ સાઈઝના મોહનો ત્યાગ કરતાં તો શીખીએ, ત્યાર પછી જાયન્ટ સાઈઝના મોહનો વારો. કોને ખબર એમાં જિંદગી આખી પણ નીકળી જાય, કેમ કે ગુરુદેવ આજકાલ કરતાંય પાંસઠના થયા. ઠીક છે, ચાલો, મને હવે મારા ક્રોધનું પ્રાયશ્ચિત કરવાનો માર્ગ એમણે જ બતાવી દીધો હતો. હું ઝડપથી ઉભો થયો અને દીવાલ વટાવીને ખાંચા તરફ આવેલા કાઉન્ટર પર જઇને પૂછયું, "કિચન કિધર હૈ, ભાઇ?" કાઉન્ટર પર બેઠેલા ભાઇએ કશું બોલ્યા વિના આંગળી ચીંધી ત્યારે મને સામે આવેલો દાદર દેખાયો. હું બેઠો હતો ત્યાંથી એ નજરે પડે એમ નહોતો. એક બારણું સીધું ઉપર જવાય એ રીતે પણ પડતું હતું. દાદરનાં એ પગથિયાં મને અધ્યાત્મમાર્ગના ચરમ શીખરે દોરી જશે એવું લાગ્યું. હું બબ્બે-ત્રણ ત્રણ પગથિયાં કૂદાવતો ઉપર ચડવા લાગ્યો. ના રે, અધ્યાત્મશીખર પર ઝંડો લહેરાવવાની મને ઉતાવળ નહોતી. મારે તો પેલા વેઇટરની મેં કરેલા ક્રોધ બદલ માફી માંગવી હતી. મારા મોહ અને માયાનો ત્યાગ કરી બતાવવો હતો. એક જાતના સત્યના પ્રયોગો જ હતા એ, પણ હજી જરા ખાનગી રાહે હતા. આપણે કયાં ચોપડું લખવાનું કે લખાવવાનું હતું. આપણે તો ગુરુદેવના લખેલાં ચોપડાં વસાવીએ એટલું ઓછું છે? એને માથા નીચે મૂકીને સૂઈ જઈએ તો પણ એમાંનું સત્વ સીધું મગજમાં ઉતરી જાય એટલું સરસ લખાણ એમાં હોય છે. જો કે,મેં વાંચ્યું નથી, પણ એના પ્રિન્ટીંગ અને પેપરની કવોલિટી પરથી જ દેખાઈ આવે છે. અને આટલી મોંઘી છપાઈ છતાંય એની કિંમત તો સાવ મામૂલી. અમસ્તા આટલા બધા લોકો એ ખરીદતા હશે? ખોટું નહીં કહું, ગુરુદેવે લખેલી એકે એક ચોપડીઓની ત્રણ ત્રણ નકલ મારા ઘરમાં હોય. એક મેઈન રૂમ માટે, એક બેડરૂમ માટે અને ત્રીજી એકસ્ટ્રા.
આવું વિચારતો ઉપરના માળે પહોંચ્યો ત્યાં તો નીચે હતો એટલો જ મોટો ડાઇનીંગ હોલ મારી નજરે પડયો. પૃથ્વીલોક વટાવ્યા પછી ઘેરા, અગમ અંધકારની કલ્પના કરી હોય તેને બદલે સ્વર્ગલોકનાં દર્શન થઈ જાય એવું આ દ્દશ્ય હતું. આછો ઉજાસ હતો. ધીમા અવાજે પણ ધમાલિયું સંગીત વાગી રહ્યું હતું. બે ઘડી હું ઉભો રહી ગયો અને મારી આંખોને આછા પ્રકાશમાં ટેવાવા દીધી. મને ખ્યાલ આવ્યો કે પહેલી નજરે સાવ ખાલી જણાતા આ હોલમાં ઘણા બધા લોકો બેઠેલા હતા, એટલું જ નહીં અમુક લોકો તો  કંઇક ખાઈ પણ રહ્યા હતા. ભકતની કસોટી લેવા માટે ભગવાન માયાવી સૃષ્ટિ ખડી કરી દે એવી આ જગા લાગતી હતી.
આ સૃષ્ટિની પેલે પાર છેવાડે એક બારણું નજરે પડતું હતું અને તે વારેઘડીયે ઉઘાડબંધ થતું હતું. અનેક વેઇટરો ખાલી કે ભરેલી ટ્રે સાથે તેમાંથી અવરજવર કરી રહ્યા હતા. એ જ હતી મારી મંઝીલ. પણ મારે મારાવાળા વેઇટરને શોધવો શી રીતે ? યુનિફોર્મમાં તો બધા વેઇટરો સરખા જ લાગતા હતા. દમયંતીના સ્વયંવરમાં  જેમ બધા રાજાઓના ચહેરા નળરાજા જેવા લાગતા હતા એવું જ અહીંયા હતું. અને મારે તો જેને શોધવાનો હતો એનું નામ સુદ્ધાં મને ખબર નહોતી. હા, નિશાનીરુપે મેં આપેલો ઓર્ડર કહી બતાવવાથી કદાચ કોઈ કહી શકશે કે એ વેઈટર કયો છે. એક પછી એક ટેબલ વટાવતો હું ઝડપભેર મારી મંઝિલ તરફ આગળ વધવા લાગ્યો. વચ્ચે એક-બે વેઈટરો મળ્યા. મેં તેમના ચહેરા સામું તાકીને જોયું, પણ એ લોકો ઉલ્ટાનું મારી સામું તાકી રહ્યા, એટલે ખબર પડી કે આ આપણાવાળા નથી.
એટલામાં કયાંકથી બૂમ પડી, " અરે , સંદીપભાઇ?"  આ તો મારા જ નામની બૂમ, પણ મને અહીં કોણ બૂમ પાડે ? અને એય કોઈ સ્ત્રી ? કોઈબીજા સંદીપભાઇને બોલાવતું હશે એમ માનવાનું મન થયું, છતાં હું ડાફોળિયાં મારવા લાગ્યો. ત્યાં તો એક ખૂણામાંથી શ્વેત વસ્ત્રધારી આકૃતિ પ્રગટ થઈ અને મારા તરફ આવવા લાગી. નજીક આવતાં શ્વેત વસ્ત્રોમાં વીંટળાયેલો આકાર પણ ઓળખાયો. ઓહો ! આ તો દેવિકાબેન. ગુરુદેવના પડછાયા સમાન અત્યંત આદરણીય સેવિકા.પડછાયો તો કાળો હોય, પણ આ દેવિકાબેન સદાય શ્વેત વસ્ત્રોમાં સજ્જ રહેતાં. અઢળક સંપત્તિ છતાં પોતાની ત્યાગવૃત્તિ તેમજ સમર્પણવૃત્તિથી કેવળ અમારા જેવા ભકતોના જ નહીં, ગુરુદેવના હૃદયમાં પણ તેમણે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમને જોતાં જ ભાવથી આપોઆપ આપણા બે હાથ જોડાઈ જાય. મારાય જોડાઈ ગયા. તેમણે પણ સામા બે હાથ જોડયા અને કહ્યું, "ગુરુદેવ તમને યાદ કરે છે."
"ગુરુદેવ ? કયાં છે ગુરુદેવ? શું કામ પડયું એમને મારું ? હમણાં જ હું પહોંચી જઉં છું ગુરુદેવ પાસે." હું ઘડીભર મારું મૂળ કામ ભૂલી ગયો અને ગુરુદેવમય થઈ ગયો. દેવિકાબેને કહયું," તમારે કયાંય જવાનું નથી. ગુરુદેવ સાક્ષાત અહીં ઉપસ્થિત છે. તમને હાંફળાફાંફળા જતા જોયા એટલે એમણે જ મને તમારી પાસે મોકલી.ચાલો." હું તો ધન્ય ધન્ય થઈ ગયો. કેવો સંયોગ અને સુયોગ હતો !  નીચેના માળે બેઠેલો હું ગુરુદેવને સ્મરી રહ્યો હતો અને અહીં ઉપરના માળે તેઓ મને સ્મરતા હતા. દેવિકાબેન મને ખૂણાના એક ટેબલ સુધી દોરી ગયા. મેં જોયું તો સામેની ખુરશી પર સાક્ષાત ગુરુદેવ બિરાજેલા હતા. જરાય ભાર ન મળે પોતાના પદનો કે વ્યકિતત્વનો. બિલકુલ સાધારણ માણસની જેમ તેઓ બિરાજેલા હતા. અલબત્ત, શ્વેત વસ્ત્રો ધારણ કરેલાં હતા. ટેબલ પર અનેક પંજાબી વાનગીઓ મૂકાયેલી હતી. ના, પથરાયેલી હતી. ગુરુદેવ મોટી સાઈઝની ચમચી વડે કેસરી રંગની કોઈક પંજાબી સબ્જી આરોગી રહ્યા હતા. મને ખ્યાલ ન આવ્યો કે તેમની આ શી લીલા છે, પણ એટલું સમજી ગયો કે તેઓ કોઈક આકરી કસોટીમાંથી પસાર થઈ રહ્યા હશે. મારી મૂંઝવણ પામી ગયા હોય તેમ એમણે ફકત સ્મિત કર્યું અને મને બેસવા માટે ઇશારો કર્યો. હું ગોઠવાયો, પણ શબ્દો મારા મોંમાં કેદ થઈ ગયા હોય એમ લાગતું હતું. થોડી વારમાં ગુરુદેવે ભોજન પૂરું કર્યું અને પ્રચંડ ઓડકાર ખાધો. એ સાંભળીને દેવિકાબેને સંતોષનું સ્મિત ફરકાવ્યું, એ મને એટલા આછા અજવાળામાંય દેખાયું.
થાળીમાં જ હાથ ધોઈને ગુરુદેવે બે હાથ જોડયા. મેં પણ સામા હાથ જોડયા. પણ પછી ખબર પડી કે તેમણે થાળી સમક્ષ હાથ જોડયા છે. ગુરુદેવ જાણે મારા મનની મૂંઝવણ પામી ગયા હોય એમ બોલ્યા, "દેવિકાબેનની ત્યાગવૃત્તિની આજે અંતિમ કસોટી હતી. ભોજન તેમજ સ્વાદની મોહમાયા ત્યાગવા માટેની આ સૌથી આકરી કસોટી છે.” ફીંગર બાઉલમાં તરતી લીંબુની ચીરીમાં તેમણે ટૂથપીક ખોસી. જાણે કે ભવસાગરમાંથી તારવા માંગતા હોય એમ એ ચીરીને બાઉલમાંથી બહાર કાઢી. અને આગળ બોલ્યા,
“સામે ભોજન પીરસાયેલું હોય, આપણને ભૂખ લાગી હોય છતાં તે ભોજન ન ખાવું એ થયું કસોટીનું પ્રથમ ચરણ. પરંતું આપણી સામે બેસીને કોઈ સ્વાદિષ્ટ ભોજન જમી રહ્યું હોય, આપણને કકડીને ભૂખ લાગી હોય અને છતાં આપણને તે ખાવાની ઇચ્છા ન થાય, આપણે નિર્લેપભાવે બેસી રહીએ ત્યારે જ મોહ અને માયાનો સાચો ત્યાગ થયો ગણાય. કસોટીનું આ અંતિમ ચરણ છે અને અંતિમ ચરણની કસોટી તો મારે જાતે જ લેવી પડે." આટલું બોલતાં બોલતાં ગુરુદેવની આંખો અર્ધમીંચેલી થઈ ગઈ. અને તેઓ દિવ્ય સૃષ્ટિમાં સરી પડયા.
મારાથી તેમને ભાવપૂર્વક બે હાથ જોડાઈગયા અને મનમાં થયું, "વાહ ગુરુદેવ ! આપ પણ આપના ભકતોની કેવી આકરી કસોટી કરો છો ! અને ભકતોને કાજે આપે પોતે કેટલી આકરી કસોટીમાંથી પસાર થવાનું કષ્ટ લેવું પડે છે ! મારી કસોટીનું કષ્ટ આપ કયારે લેશો ? હું તો હજી પ્રથમ કસોટીને લાયક બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું."
પણ ગુરુદેવ કયાં મારી વાત સાંભળતા હતા. તેઓ તો આ સૃષ્ટિથી પર થઇને જાણે પરમ સાથે સંધાન સાધી રહ્યા હતા. દેવિકાબેને મને ધીમા અવાજે કહ્યું," છેલ્લા એક મહિનાથી  મેં  નિયમીતપણે સવાર-સાંજ હોટેલમાં જઇને ચટપટું ભોજન મંગાવવાનો નિયમ લીધો છે. રુપિયા સાત હજાર એની પાછળ ખર્ચી ચૂકી છું, ત્યારે આજે આ કસોટીમાંથી હેમખેમ પાર ઉતરી શકી છું. નહીંતર ગુરુદેવને ધક્કો પડે. એ તો રોજેરોજ સાદું ભોજન લેનારા, છતાંય એમને દર ત્રીજે-ચોથે દહાડે આપણા જેવા કોઇકની કસોટી લેવા આવવું પડતું હોય છે, પણ એમને મન તો બધુંય સરખું. તમારે કસોટી લેવડાવવી હોય તો નામ નોંધાવી દેજો."
મને ઘડીભર ગુરુદેવ પર દયા આવી ગઇ. ગુરુદેવ પોતે જ કસોટી લે એવો ભકતોનો મોહ તેમને કેટલો હેરાન કરતો હતો ! પણ તેમણે ભકતોને એવી માયા લગાડી દીધી હતી કે તેમના સિવાય બીજું કોઈ જ ભકતોને દેખાતું નહોતું. મારે પણ ગુરુદેવ દ્વારા જ કસોટી લેવડાવવાનો મારો મોહ ત્યાગવો કે નહીં એ વિશે ગુરુદેવને જ પૂછી લેવું પડશે, બીજું શું ?

(નોંઘ: તસવીરો નેટ પરથી લીધેલી છે. જે તે તસવીર પર ક્લીક કરવાથી તેની યૂઆરએલ પર જઈ શકાશે.) 

Sunday, October 2, 2011

મહાત્માને મિલીમીટરની ‘પટ્ટી’એ 'જોવા'નો ઉદ્યમ



આ તમામ અભિનેતાઓના ચહેરામાં છે જરાય સામ્ય? બિલકુલ નહી. 
(L to R) :  (Top) Rajit Kapoor ,  Annu Kapoor, Dilip Prabhavalkar, Mohan Gokhale,Sam Dastor
(Bottom):  Naseeruddin Shah, Avijit Dutt, Ben Kingsley, Darshan Jariwala, Surendra Rajan

હમ ભી ગાંધી ! 
મહાત્મા ગાંધીને ફિલ્મો સાથે ભલે લેવાદેવા ન હોય, ફિલ્મોને ગાંધી સાથે ખાસ્સી લેવાદેવા રહી છે.ગાંધીવિચારને કેન્દ્રમાં રાખીને ઘણી ફિલ્મો બની છે અને બનતી રહેવાની. વિચારોની દૃષ્ટિએ  ગાંધીજીને (અનુસરવા તો દૂર) આત્મસાત કરવા કઠિન છે,પણ એમની ઢબછબને પરદા પર રજૂ કરવી સહેલી છે કે અઘરી? માથું સફાચટ કરાવીને ગોળ ચશ્મા પહેરી લેવાથી કદાચ એમના દેખાવની નજીક થોડુંઘણું પહોંચી શકાય, પણ તેમની શૈલી, બોલચાલ વગેરે રજૂ કરવા મહેનત કરવી પડે એમ છે. અને એને લઈને દરેક અભિનેતાની ખ્વાહીશ આ પાત્ર ભજવવાની હોય એ સ્વાભાવિક છે. એ પણ ખરું કે દરેક ભારતીયના મનમાં ગાંધીજીનું પોતાને ગમતું (કે ન ગમતું) ચિત્ર હોય છે. એટલે પરદા પર રજૂ થનારા ગાંધીમાં પણ એ બાબત પડઘાયા વિના રહે નહીં. બીજી ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ જન્મેલા ગાંધીજીની આજે ૧૪૨મી જન્મજયંતિ છે, એ નિમિત્તે એક નજર નાંખીએ ગાંધીજીના પાત્રને પડદા પર સાકાર કરનાર અભિનેતાઓ પર. દેખીતી રીતે જેમના ચહેરાઓમાં જરાય સામ્ય ન હોય એવા અભિનેતાઓ (જુઓ સૌથી ઉપરની તસવીર) પણ ગાંધી બને ત્યારે સરખા જેવા લાગે છે. આ વાત નવાઈ પમાડે એવી નથી? આના પરથી એવું કહી શકાય કે ગાંધીજીની સાદગીની અસર તેમના પાત્રાલેખનમાંય પડઘાય છે?
His simplicity was his greatness,
in making his sketch, too! 
અત્યંત વિરાટ વ્યાપ ધરાવતું, કોઈ ફિલ્મની કથાનેય ટક્કર મારે એવું જીવન જીવી જનારા ગાંધીજીના જીવન પર ફિલ્મો બનવાની શરૂઆત પ્રમાણમાં ઘણી મોડી થઈ. એમ તો ૧૯૪૮માં એ.જે.પટેલે ‘ગાંધીજી’નામે દસ્તાવેજી ફિલ્મ બનાવેલી, જેમાં દાંડીકૂચથી તેમના અસ્થિવિસર્જન સુધીનો સમયગાળો આવરી લેવાયો હતો. તો વિઠ્ઠલભાઈ ઝવેરીએ કુલ ૩૮ રીલની, પાંચ કલાકની લંબાઈ ધરાવતી સંપૂર્ણ ફિલ્મ ‘મહાત્મા’ તૈયાર કરેલી, જેમાંથી નાના, વિષયવાર દૃશ્યોને લઈને દિગ્દર્શક વી.એમ.વ્યાસે ‘ભારતની વાણી’ નામે દસ્તાવેજી ફિલ્મ ૧૯૫૮માં તૈયાર કરી હતી. આ બન્ને જો કે, દસ્તાવેજી ફિલ્મો હતી. અને તેમાં ગાંધીજીનાં પોતાનાં જ દૃશ્યો હતાં.
ગાંધીજી કથાવસ્તુના કેન્દ્રમાં હોય એવી પહેલી ફિલ્મ સંભવત: ૧૯૬૩ની ‘નાઈન અવર્સ ટુ રામ’/ Nine hours to Rama ને ગણાવી શકાય, જે સ્ટેનલી વોલ્પર્ટની નવલકથા પરથી બનેલી. માર્ક રોબ્સન દિગ્દર્શીત આ બ્રીટીશ ફિલ્મ ગાંધીહત્યાના નવ કલાક અગાઉના ગોડસેના મનોમંથન પર આધારીત હતી. આ ફિલ્મમાં ગાંધીજીનું પાત્ર ભજવ્યું હતું હિંદી ફિલ્મોના પહેલી પેઢીના ગીતકાર જાણીતા જે.એસ. (જમુનાસ્વરૂપ) કશ્યપ ‘નાતવાં’એ. જે.એસ. કશ્યપે બોમ્બે ટોકીઝની ઘણી ફિલ્મો માટે ગીતો લખ્યા હતા,જેમાંનું સૌથી લોકપ્રિય ગીત હતું ‘અછૂત કન્યા’નું ‘મૈં બન કી ચિડીયા બન કે બન બન..’ આ વિદેશી ફિલ્મમાં નથુરામ ગોડસેની ભૂમિકા હોર્સ્ટ બુશોલ્ઝે/Horst Buchcholz કરી હતી. (તેમની નોંધપાત્ર અન્ય ફિલ્મ એટલે ‘ધ મેગ્નીફીસન્ટ સેવન’/ The Magnificent Seven). આપણે અહીં જે.એસ.કશ્યપને ગાંધીજીની ભૂમિકામાં જોઈએ.
Nine hours to Rama

ગાંધીજી પર સંપૂર્ણપણે કેન્દ્રિત હોય એવી પહેલી ફિલ્મ એટલે ‘ગાંધી’/ Gandhi. એમ કહી શકાય કે ગાંધીજીના જીવન પર આધારીત પૂર્ણ લંબાઈની ફિલ્મ પહેલી ફિલ્મ છેક ૧૯૮૨માં જ બનાવવામાં આવી, જેનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું રીચર્ડ એટનબરોએ. અંગ્રેજી અને હિંદી એમ બન્ને ભાષામાં બનાવાયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અતિશય સફળ રહી. આઠ આઠ એકેડેમી એવોર્ડ આ ફિલ્મ તાણી લાવી. ગાંધીજીને ટ્રેનમાંથી બહાર તગેડી મૂકવામાં આવે છે ત્યારથી ફિલ્મ શરૂ થાય છે અને ગાંધીજીના મૃત્યુ સાથે એ સમાપ્ત થાય છે. એ પણ યોગાનુયોગ જ હતો કે ભારતીય મૂળના બ્રિટીશ અભિનેતા બેન કિંગ્સલે (મૂળ નામ કૃષ્ણ પંડીત ભાણજી)એ આ ફિલ્મમાં ગાંધીની ભૂમિકા કરી હતી.બેન કિંગ્સલેને ગાંધી રૂપે જોઈએ. 
Gandhi

રૂપેરી પરદે ગાંધીજીનું પાત્ર ત્યાર પછી જ વધુ પ્રમાણમાં દેખાવા માંડ્યું. કોઈ ભારતીય સર્જકે હજી સુધી ગાંધીજીનું ચિત્રણ કર્યું નહોતું. વિખ્યાત ગાંધીવાદી અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા વિઠ્ઠલદાસ પાંચોટીયા ગાંધીજીના જીવન પર મેગાફિલ્મ બનાવવા ઈચ્છતા હતી, જેનું નામ હતું ‘ગાંધીસંગ્રામ’. શરૂમાં અનેક આર્થિક તકલીફો નડી, અને છેવટે ઘર અને ઘરેણાં (પત્નીના) વેચીને તેમણે પૈસાનો જોગ કર્યો. ૧૯૮૭ની બીજી ઓક્ટોબરે દિલ્હીમાં ફિલ્મનું મૂહુર્ત કરવામાં આવ્યું, પણ એ પછીય ફિલ્મ આગળ વધી ન શકી. વિઠ્ઠલદાસ એ અધૂરું સ્વપ્ન લઈને જ સ્વર્ગે સીધાવ્યા.
૧૯૯૦માં ‘નહેરુ: ધ જ્વેલ ઑફ ઈન્ડીયા’/ Nehru: The Jewel of India ફિલ્મ આવી. આ ફિલ્મનું હિંદીમાં નામ ‘જવાહર’ હતું. જવાહરલાલ નહેરુનું પાત્ર તેના કેન્દ્રમાં હતું. કુમાર કિરણે આ ફિલ્મ દિગ્દર્શીત કરેલી. નહેરુનું પાત્ર ભજવ્યું હતું પ્રતાપ શર્માએ. મોતીલાલ નહેરુની ભૂમિકામાં ગિરીશ કર્નાડ, કમલા નહેરુની ભૂમિકામાં તનુજા અને સ્વરૂપ રાનીની ભૂમિકામાં રીટા ભાદુડી હતાં. આ ઉપરાંત અમજદ ખાન, અનુપમ ખેર, ઈફ્તેખાર જેવા કલાકારો પણ તેમાં હતાં. આ ફિલ્મમાં ગાંધીજી બનનાર અભિનેતાને ઓળખી શકાતા નથી. કોઈ મિત્ર આ બાબતે પ્રકાશ પાડશે તો આનંદ થશે. (ફિલ્મની ડીવીડી સુલભ છે.) 
એ પછી ૧૯૯૩માં કેતન મહેતા દિગ્દર્શીત ફિલ્મ ‘સરદાર’/ Sardarમાં ગાંધીજીનું પાત્ર દેખાયું. સરદાર પટેલની મુખ્ય ભૂમિકા પરેશ રાવલે ભજવી હતી. તો ગાંધીજીને સાકાર કર્યા હતા અનુ કપૂરે. આ ફિલ્મની એક ઝલક જોઈએ. 

Sardar

ગાંધીજીના જીવન વિષેની ફિલ્મોમાં નોખી તરી આવતી ફિલ્મ હતી શ્યામ બેનેગલ દિગ્દર્શીત ‘ધ મેકીંગ ઑફ મહાત્મા/’ The Making of Mahatma (૧૯૯૬). આ ફિલ્મમાં ગાંધીજીના જીવનનો આરંભકાળ દર્શાવાયો હતો. બીજી રીતે કહીએ તો એટનબરોની ફિલ્મ જ્યાંથી શરૂ થતી હતી, ત્યાં બેનેગલની ફિલ્મ પૂરી થતી હતી.આ ફિલ્મમાં જુવાન ગાંધીનું પાત્ર ભજવ્યું હતું રજીત કપૂરે.રજીત કપૂરને ‘ગાંધીભાઈ’
તરીકે જોઈએ.
The Making of Mahatma


ગાંધીજી ત્યાર પછી પરદે દેખાયા ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર’/ Dr. Babasaheb Ambedkarમાં. ૨૦૦૦માં આવેલી આ ફિલ્મ ડૉ. જબ્બાર પટેલે દિગ્દર્શીત કરી હતી. ડૉ. આંબેડકરનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું મલયાલમ અભિનેતા મમ્મૂટીએ. આ ફિલ્મમાં ગાંધીજી બન્યા હતા મોહન ગોખલે.

Dr. Babasaheb Ambedkar

અત્યાર સુધીની ફિલ્મો જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે મુખ્યત્વે ગાંધીજીના સમકાલીન હોય એવા નેતાઓના જીવન પરથી બનેલી ફિલ્મોમાં જ ગાંધીજીનું પાત્ર દેખા દેતું હતું. કેમ કે એ અનિવાર્ય હતું. પણ ૨૦૦૦માં આવેલી ફિલ્મ ‘હે રામ’/ Hey Ramમાં ગાંધીજીને સમાજના અન્ય કાલ્પનિક પાત્રોની પશ્ચાદભૂમાં દર્શાવવામાં આવ્યા. કમલ હાસને આ ફિલ્મ દિગ્દર્શીત કરી હતી. આ પ્રકારની કદાચ પહેલી ફિલ્મ હતી. અલબત્ત, આ ફિલ્મ એ સમયગાળાની કથાવસ્તુ પર આધારીત હોવાથી તેમાં ગાંધીજીનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. નસીરૂદ્દીન શાહને આ ફિલ્મમાં ગાંધીજી બનવાની તક મળી હતી. કહેવાય છે કે આ ભૂમિકા અસલમાં મોહન ગોખલે કરવાના હતા, પણ તેમનું અકાળે અવસાન થતાં તે નસીરસાહેબને ફાળે ગઈ. આ ફિલ્મનું દૃશ્ય જોઈએ.

Hey Ram

એ પછી ૨૦૦૧માં ‘વીર સાવરકર’/ Veer Savarkar ફિલ્મ આવી. એક સમયની દૂરદર્શન પરની શ્રેણી ‘ગુલ ગુલશન ગુલફામ’ના જાણીતા લેખક વેદ રાહીએ આ ફિલ્મ દિગ્દર્શીત કરી હતી. સંગીતકાર સુધીર ફડકેના વડપણ હેઠળના ‘સાવરકર દર્શન પ્રતિષ્ઠાન’ દ્વારા આ ફિલ્મના નિર્માણ માટે વીર સાવરકરના દેશવિદેશમાં વસતા ચાહકોએ ઉદાર હાથે પ્રદાન આપ્યું હતું. યોગ્ય સ્ક્રીપ્ટ લેખક અને દિગ્દર્શકની શોધમાં આ ફિલ્મ દસેક વરસ જેટલી લંબાઈ ગઈ હતી. છેવટે વીર સાવરકરનું પાત્ર શૈલેન્દ્ર ગૌડના ફાળે આવ્યું હતું. ગાંધી બન્યા હતા સુરેન્દ્ર રાજન. આ ફિલ્મની ઝલક લઈએ.

Veer Savarkar

૨૦૦૨માં ભગતસિંહના પાત્રને કેન્દ્રમાં રાખીને ઘણી ફિલ્મો આવી. આમાંની એક હતી રાજકુમાર સંતોષી દિગ્દર્શીત ‘ધ લેજન્ડ ઑફ ભગતસિંહ’/ The legend of Bhagatsingh. ભગતસિંહનું પાત્ર અજય દેવગણે ભજવ્યું હતું. ગાંધીજી બન્યા હતા ફરી એક વખત સુરેન્દ્ર રાજન. આ ફિલ્મની ઝલક લઈએ. 

The legend of Bhagatsingh.
  
શ્યામ બેનેગલે ૨૦૦૪માં ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ:ધ ફરગોટન હીરો’/ Netaji Subhashchandra Bose: The forgotten hero દિગ્દર્શીત કરી. સુભાષબાબુના જીવન આધારીત આ ફિલ્મમાં નેતાજીની મુખ્ય ભૂમિકા સચીન ખેડેકરે કરી હતી. ગાંધીજીની ભૂમિકા વધુ એક વાર સુરેન્દ્ર રાજને કરી હતી. આ ફિલ્મનું દૃશ્ય જોઈએ.
Netaji Subhashchandra Bose: The forgotten hero 

૨૦૦૬માં રાજકુમાર હીરાણી દિગ્દર્શીત ‘લગે રહો મુન્નાભાઈ’/ Lage Raho Munnabhai એક વિશિષ્ટ ફિલ્મ ગાંધીજી સંદર્ભે બની રહી. ગાંધીવિચારને આધુનિક સંદર્ભે મૂલવવાનો, અપનાવવાનો પ્રયાસ તેમાં દેખાડાયો હતો. ટપોરી મુન્નાભાઈએ ગાંધીજીના વિચારોનું કરેલું મૌલિક અર્થઘટન મનોરંજક હતું. આધુનિક સમયમાં ગાંધીજીને દર્શવતી આ પ્રકારની આ પહેલી ફિલ્મ હતી. ગાંધીજી બન્યા હતા મરાઠી અભિનેતા દિલીપ પ્રભાવળકર. જોઈએ એક ટપોરી અને મહાત્મા વચ્ચેના સંવાદ. 

Lage Raho Munnabhai

૨૦૦૭માં આવેલી ‘ગાંધી, માય ફાધર’/ Gandhi, My father ગાંધીજી અને તેમના પુત્ર હરીલાલના સંબંધો પર આધારીત હતી. આ ફિલ્મના નિર્દેશક હતા ફીરોઝ અબ્બાસ ખાન. ચંદુભાઈ ભગુભાઈ દલાલના મૂળ પુસ્તકને આધારે આ ફિલ્મનું કથાવસ્તુ તૈયાર કરાયું હતું. અક્ષય ખન્ના હરીલાલની ભૂમિકામાં હતા,
જ્યારે ગાંધીજી બન્યા હતા દર્શન જરીવાલા. આ ફિલ્મની એક ઝલક જોઈએ.

Gandhi, My father

એમ તો પાકિસ્તાનમાં પણ ૧૯૯૮માં ‘ઝીણા’/Jinnah (જિન્નાહ) ફિલ્મ બની હતી, જે જમીલ દેહલવીએ દિગ્દર્શીત કરી હતી. મહમદ અલી ઝીણાની ભૂમિકા વિખ્યાત અભિનેતા (ડ્રેક્યુલા ફેમ) ક્રિસ્ટોફર લીએ કરી હતી. ગાંધીજી બન્યા હતા સેમ દસ્તૂર. આ જ અભિનેતાએ અગાઉ ૧૯૮૬માં બ્રીટીશ ટેલીવીઝન નિર્મીત અંગ્રેજી શ્રેણી ‘લોર્ડ માઉન્ટબેટન: ધ લાસ્ટ વાઈસરોય’માં પણ ગાંધીજીની ભૂમિકા કરી હતી. અહીં આપણે પાકિસ્તાનની ‘ઝીણા’ ફિલ્મની ઝલક જોઈએ.

Jinnah

હજી આ વરસે જ આવેલી ફિલ્મ ‘ગાંધી ટુ હીટલર’/ Gandhi to Hitlerમાં ગાંધીજીએ હીટલરને લખેલા બે પત્રો કેન્દ્રમાં છે. અંગ્રેજી અને હીન્દી એમ બે ભાષામાં બનેલી આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય બજારમાં 'ડીયર ફ્રેન્ડ હિટલર' / Dear Friend Hitler ના નામે રીલીઝ કરાઈ છે.હીટલરની કથાવાળી કદાચ ભારતની આ પહેલવહેલી ફિલ્મ છે, જેને દિગ્દર્શીત કરી છે રાકેશ રંજન કુમારે. હીટલરની ભૂમિકા રઘુવીર યાદવે કરી છે,તો ગાંધીજી બન્યા છે અવિજીત દત્ત. આ ફિલ્મનું એક દૃશ્ય જોઈએ.
Gandhi to Hitler

આ ઉપરાંત ‘મંગલ પાંડે: ધ રાઈઝીંગ’/ Mangal Pande: The Rising(૨૦૦૫)માં ગાંધીજી દેખા દે છે, તો દીપા મહેતા દિગ્દર્શીત ‘વૉટર’/ Waterમાં મોહન જાંગીયાની ગાંધી બને છે. એ રીતે અમુક ટી.વી.સિરીયલમાં પણ ગાંધીજીનું પાત્ર દેખાયું છે.
વિઠ્ઠલદાસ પાંચોટીયા 
‘ભારત કે શહીદ’માં ગાંધીજીનું પાત્ર વિઠ્ઠલદાસ પાંચોટીયાએ ભજવ્યું હતું, તો ‘રાજ સે સ્વરાજ તક’માં અનુ કપૂર ગાંધી બન્યા હતા, એવો ખ્યાલ છે. ગાંધીવિચાર પર આધારિત ફિલ્મોનો ઉલ્લેખ પણ જાણીજોઈને ટાળ્યો છે. એની વાત ફરી ક્યારેક. ઉપરાંત પ્રાદેશિક ફિલ્મોમાં ગાંધી દેખાયા હોય એ અલગ.
અહીં દૂરદર્શન નીર્મિત, શ્યામ બેનેગલ દિગ્દર્શિત અભૂતપૂર્વ શ્રેણી 'ભારત એક ખોજ'ની વાત કરવી જરૂરી છે. વેદકાળથી છેક ભારતની આઝાદીના ઇતિહાસને દર્શાવતી કુલ બાવન હપ્તાની આ શ્રેણી જવાહરલાલ નહેરુના પુસ્તક 'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા' પર આધારિત હતી. આમાં ગાંધીજી વિષે બે હપ્તા ફાળવાયા હતા, છતાં બેનેગલસાહેબે ગાંધીના પાત્રને પરદા પર દેખાડવાની લાલચ રોકીને ગાંધીવિચારની અસર છેક દક્ષિણ ભારતના છેવાડાના નાનકડા ગામ સુધી પહોંચેલી દર્શાવીને તેની પ્રબળતા સિદ્ધ કરી હતી. આ અદભૂત શ્રેણીની વધુ વાત ક્યારેક કરીશું.  
ગાંધીજીનું પાત્રાલેખન પરદા પર કેટલું વાસ્તવિક છે એ અલગ ચર્ચા માંગી લેતી વાત છે, કેમ કે એવા પાત્રાલેખનમાં દિગ્દર્શકનો પોતાનો ગાંધી વિષેનો પ્રેમ કે પૂર્વગ્રહ છતો થયા વિના રહે નહીં. ગાંધીજીનું જીવન જ એવું છે કે હજી તો કેટલીય ફિલ્મો 'સંભવામિ યુગે યુગે'ની જેમ દરેક કાળમાં બનતી રહેવાની. આ પોસ્ટમાં આપણે એ ચર્ચા પણ નથી કરવી કે કયા અભિનેતા અભિનયની દૃષ્ટિએ અસલ ગાંધીજીથી વધુ નજીક છે. 
વિખ્યાત કાર્ટૂનીસ્ટ અબુ અબ્રાહમ/ Abu Abraham ના અતિ વિખ્યાત અને મારા બહુ પ્રિય કાર્ટૂનમાં એક પણ શબ્દ વિના તેમણે ગાંધી અંગેની આપણી સમજણનું આલેખન કરી દીધું છે. આ રહ્યું એ કાર્ટૂન.
તેમણે નેતાઓ દેખાડ્યા છે,એને બદલે આપણામાંનું કોઈ પણ હોઈ શકે. આ પોસ્ટ પૂરતા ફિલ્મકારોને મૂકી શકાય.

(કાર્ટૂન સૌજન્ય: અબુ અબ્રાહમ) 

એટલે આપણે ફક્ત એ વાત કરીએ કે પરદા પર દેખાડાયેલા ગાંધી દેખાવ, બોલચાલ અને ઢબછબની રીતે કેટલા વાસ્તવિક છે અથવા તો વાસ્તવની કેટલા નજીક છે. આ બાબત પણ નક્કી કરવી અઘરી છે. એટલે અસલી ગાંધીજીને જ હાલતાચાલતા, બેસતા-બોલતા જોઈ લઈએ, અને જાતે નક્કી કરી લઈએ.



(નોંઘ: તમામ તસવીરો નેટ પરથી અને વિડિયો ક્લીપ્સ યૂ ટ્યૂબ પરથી લીધી છે.) 
(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત)