હમ ભી ગાંધી ! |
His simplicity was his greatness, in making his sketch, too! |
અત્યંત વિરાટ વ્યાપ ધરાવતું, કોઈ ફિલ્મની કથાનેય ટક્કર મારે એવું જીવન જીવી જનારા ગાંધીજીના જીવન પર ફિલ્મો બનવાની શરૂઆત પ્રમાણમાં ઘણી મોડી થઈ. એમ તો ૧૯૪૮માં એ.જે.પટેલે ‘ગાંધીજી’નામે દસ્તાવેજી ફિલ્મ બનાવેલી, જેમાં દાંડીકૂચથી તેમના અસ્થિવિસર્જન સુધીનો સમયગાળો આવરી લેવાયો હતો. તો વિઠ્ઠલભાઈ ઝવેરીએ કુલ ૩૮ રીલની, પાંચ કલાકની લંબાઈ ધરાવતી સંપૂર્ણ ફિલ્મ ‘મહાત્મા’ તૈયાર કરેલી, જેમાંથી નાના, વિષયવાર દૃશ્યોને લઈને દિગ્દર્શક વી.એમ.વ્યાસે ‘ભારતની વાણી’ નામે દસ્તાવેજી ફિલ્મ ૧૯૫૮માં તૈયાર કરી હતી. આ બન્ને જો કે, દસ્તાવેજી ફિલ્મો હતી. અને તેમાં ગાંધીજીનાં પોતાનાં જ દૃશ્યો હતાં.
ગાંધીજી કથાવસ્તુના કેન્દ્રમાં હોય એવી પહેલી ફિલ્મ સંભવત: ૧૯૬૩ની ‘નાઈન અવર્સ ટુ રામ’/ Nine hours to Rama ને ગણાવી શકાય, જે સ્ટેનલી વોલ્પર્ટની નવલકથા પરથી બનેલી. માર્ક રોબ્સન દિગ્દર્શીત આ બ્રીટીશ ફિલ્મ ગાંધીહત્યાના નવ કલાક અગાઉના ગોડસેના મનોમંથન પર આધારીત હતી. આ ફિલ્મમાં ગાંધીજીનું પાત્ર ભજવ્યું હતું હિંદી ફિલ્મોના પહેલી પેઢીના ગીતકાર જાણીતા જે.એસ. (જમુનાસ્વરૂપ) કશ્યપ ‘નાતવાં’એ. જે.એસ. કશ્યપે બોમ્બે ટોકીઝની ઘણી ફિલ્મો માટે ગીતો લખ્યા હતા,જેમાંનું સૌથી લોકપ્રિય ગીત હતું ‘અછૂત કન્યા’નું ‘મૈં બન કી ચિડીયા બન કે બન બન..’ આ વિદેશી ફિલ્મમાં નથુરામ ગોડસેની ભૂમિકા હોર્સ્ટ બુશોલ્ઝે/Horst Buchcholz કરી હતી. (તેમની નોંધપાત્ર અન્ય ફિલ્મ એટલે ‘ધ મેગ્નીફીસન્ટ સેવન’/ The Magnificent Seven). આપણે અહીં જે.એસ.કશ્યપને ગાંધીજીની ભૂમિકામાં જોઈએ.
Nine hours to Rama
ગાંધીજી પર સંપૂર્ણપણે કેન્દ્રિત હોય એવી પહેલી ફિલ્મ એટલે ‘ગાંધી’/ Gandhi. એમ કહી શકાય કે ગાંધીજીના જીવન પર આધારીત પૂર્ણ લંબાઈની ફિલ્મ પહેલી ફિલ્મ છેક ૧૯૮૨માં જ બનાવવામાં આવી, જેનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું રીચર્ડ એટનબરોએ. અંગ્રેજી અને હિંદી એમ બન્ને ભાષામાં બનાવાયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અતિશય સફળ રહી. આઠ આઠ એકેડેમી એવોર્ડ આ ફિલ્મ તાણી લાવી. ગાંધીજીને ટ્રેનમાંથી બહાર તગેડી મૂકવામાં આવે છે ત્યારથી ફિલ્મ શરૂ થાય છે અને ગાંધીજીના મૃત્યુ સાથે એ સમાપ્ત થાય છે. એ પણ યોગાનુયોગ જ હતો કે ભારતીય મૂળના બ્રિટીશ અભિનેતા બેન કિંગ્સલે (મૂળ નામ કૃષ્ણ પંડીત ભાણજી)એ આ ફિલ્મમાં ગાંધીની ભૂમિકા કરી હતી.બેન કિંગ્સલેને ગાંધી રૂપે જોઈએ.
Gandhi
રૂપેરી પરદે ગાંધીજીનું પાત્ર ત્યાર પછી જ વધુ પ્રમાણમાં દેખાવા માંડ્યું. કોઈ ભારતીય સર્જકે હજી સુધી ગાંધીજીનું ચિત્રણ કર્યું નહોતું. વિખ્યાત ગાંધીવાદી અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા વિઠ્ઠલદાસ પાંચોટીયા ગાંધીજીના જીવન પર મેગાફિલ્મ બનાવવા ઈચ્છતા હતી, જેનું નામ હતું ‘ગાંધીસંગ્રામ’. શરૂમાં અનેક આર્થિક તકલીફો નડી, અને છેવટે ઘર અને ઘરેણાં (પત્નીના) વેચીને તેમણે પૈસાનો જોગ કર્યો. ૧૯૮૭ની બીજી ઓક્ટોબરે દિલ્હીમાં ફિલ્મનું મૂહુર્ત કરવામાં આવ્યું, પણ એ પછીય ફિલ્મ આગળ વધી ન શકી. વિઠ્ઠલદાસ એ અધૂરું સ્વપ્ન લઈને જ સ્વર્ગે સીધાવ્યા.
૧૯૯૦માં ‘નહેરુ: ધ જ્વેલ ઑફ ઈન્ડીયા’/ Nehru: The Jewel of India ફિલ્મ આવી. આ ફિલ્મનું હિંદીમાં નામ ‘જવાહર’ હતું. જવાહરલાલ નહેરુનું પાત્ર તેના કેન્દ્રમાં હતું. કુમાર કિરણે આ ફિલ્મ દિગ્દર્શીત કરેલી. નહેરુનું પાત્ર ભજવ્યું હતું પ્રતાપ શર્માએ. મોતીલાલ નહેરુની ભૂમિકામાં ગિરીશ કર્નાડ, કમલા નહેરુની ભૂમિકામાં તનુજા અને સ્વરૂપ રાનીની ભૂમિકામાં રીટા ભાદુડી હતાં. આ ઉપરાંત અમજદ ખાન, અનુપમ ખેર, ઈફ્તેખાર જેવા કલાકારો પણ તેમાં હતાં. આ ફિલ્મમાં ગાંધીજી બનનાર અભિનેતાને ઓળખી શકાતા નથી. કોઈ મિત્ર આ બાબતે પ્રકાશ પાડશે તો આનંદ થશે. (ફિલ્મની ડીવીડી સુલભ છે.)
એ પછી ૧૯૯૩માં કેતન મહેતા દિગ્દર્શીત ફિલ્મ ‘સરદાર’/ Sardarમાં ગાંધીજીનું પાત્ર દેખાયું. સરદાર પટેલની મુખ્ય ભૂમિકા પરેશ રાવલે ભજવી હતી. તો ગાંધીજીને સાકાર કર્યા હતા અનુ કપૂરે. આ ફિલ્મની એક ઝલક જોઈએ.
Sardar
ગાંધીજીના જીવન વિષેની ફિલ્મોમાં નોખી તરી આવતી ફિલ્મ હતી શ્યામ બેનેગલ દિગ્દર્શીત ‘ધ મેકીંગ ઑફ મહાત્મા/’ The Making of Mahatma (૧૯૯૬). આ ફિલ્મમાં ગાંધીજીના જીવનનો આરંભકાળ દર્શાવાયો હતો. બીજી રીતે કહીએ તો એટનબરોની ફિલ્મ જ્યાંથી શરૂ થતી હતી, ત્યાં બેનેગલની ફિલ્મ પૂરી થતી હતી.આ ફિલ્મમાં જુવાન ગાંધીનું પાત્ર ભજવ્યું હતું રજીત કપૂરે.રજીત કપૂરને ‘ગાંધીભાઈ’
તરીકે જોઈએ.
The Making of Mahatma
ગાંધીજી ત્યાર પછી પરદે દેખાયા ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર’/ Dr. Babasaheb Ambedkarમાં. ૨૦૦૦માં આવેલી આ ફિલ્મ ડૉ. જબ્બાર પટેલે દિગ્દર્શીત કરી હતી. ડૉ. આંબેડકરનું મુખ્ય પાત્ર ભજવ્યું હતું મલયાલમ અભિનેતા મમ્મૂટીએ. આ ફિલ્મમાં ગાંધીજી બન્યા હતા મોહન ગોખલે.
Dr. Babasaheb Ambedkar
અત્યાર સુધીની ફિલ્મો જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે મુખ્યત્વે ગાંધીજીના સમકાલીન હોય એવા નેતાઓના જીવન પરથી બનેલી ફિલ્મોમાં જ ગાંધીજીનું પાત્ર દેખા દેતું હતું. કેમ કે એ અનિવાર્ય હતું. પણ ૨૦૦૦માં આવેલી ફિલ્મ ‘હે રામ’/ Hey Ramમાં ગાંધીજીને સમાજના અન્ય કાલ્પનિક પાત્રોની પશ્ચાદભૂમાં દર્શાવવામાં આવ્યા. કમલ હાસને આ ફિલ્મ દિગ્દર્શીત કરી હતી. આ પ્રકારની કદાચ પહેલી ફિલ્મ હતી. અલબત્ત, આ ફિલ્મ એ સમયગાળાની કથાવસ્તુ પર આધારીત હોવાથી તેમાં ગાંધીજીનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. નસીરૂદ્દીન શાહને આ ફિલ્મમાં ગાંધીજી બનવાની તક મળી હતી. કહેવાય છે કે આ ભૂમિકા અસલમાં મોહન ગોખલે કરવાના હતા, પણ તેમનું અકાળે અવસાન થતાં તે નસીરસાહેબને ફાળે ગઈ. આ ફિલ્મનું દૃશ્ય જોઈએ.
Hey Ram
એ પછી ૨૦૦૧માં ‘વીર સાવરકર’/ Veer Savarkar ફિલ્મ આવી. એક સમયની દૂરદર્શન પરની શ્રેણી ‘ગુલ ગુલશન ગુલફામ’ના જાણીતા લેખક વેદ રાહીએ આ ફિલ્મ દિગ્દર્શીત કરી હતી. સંગીતકાર સુધીર ફડકેના વડપણ હેઠળના ‘સાવરકર દર્શન પ્રતિષ્ઠાન’ દ્વારા આ ફિલ્મના નિર્માણ માટે વીર સાવરકરના દેશવિદેશમાં વસતા ચાહકોએ ઉદાર હાથે પ્રદાન આપ્યું હતું. યોગ્ય સ્ક્રીપ્ટ લેખક અને દિગ્દર્શકની શોધમાં આ ફિલ્મ દસેક વરસ જેટલી લંબાઈ ગઈ હતી. છેવટે વીર સાવરકરનું પાત્ર શૈલેન્દ્ર ગૌડના ફાળે આવ્યું હતું. ગાંધી બન્યા હતા સુરેન્દ્ર રાજન. આ ફિલ્મની ઝલક લઈએ.
Veer Savarkar
૨૦૦૨માં ભગતસિંહના પાત્રને કેન્દ્રમાં રાખીને ઘણી ફિલ્મો આવી. આમાંની એક હતી રાજકુમાર સંતોષી દિગ્દર્શીત ‘ધ લેજન્ડ ઑફ ભગતસિંહ’/ The legend of Bhagatsingh. ભગતસિંહનું પાત્ર અજય દેવગણે ભજવ્યું હતું. ગાંધીજી બન્યા હતા ફરી એક વખત સુરેન્દ્ર રાજન. આ ફિલ્મની ઝલક લઈએ.
The legend of Bhagatsingh.
શ્યામ બેનેગલે ૨૦૦૪માં ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ:ધ ફરગોટન હીરો’/ Netaji Subhashchandra Bose: The forgotten hero દિગ્દર્શીત કરી. સુભાષબાબુના જીવન આધારીત આ ફિલ્મમાં નેતાજીની મુખ્ય ભૂમિકા સચીન ખેડેકરે કરી હતી. ગાંધીજીની ભૂમિકા વધુ એક વાર સુરેન્દ્ર રાજને કરી હતી. આ ફિલ્મનું દૃશ્ય જોઈએ.
Netaji Subhashchandra Bose: The forgotten hero
૨૦૦૬માં રાજકુમાર હીરાણી દિગ્દર્શીત ‘લગે રહો મુન્નાભાઈ’/ Lage Raho Munnabhai એક વિશિષ્ટ ફિલ્મ ગાંધીજી સંદર્ભે બની રહી. ગાંધીવિચારને આધુનિક સંદર્ભે મૂલવવાનો, અપનાવવાનો પ્રયાસ તેમાં દેખાડાયો હતો. ટપોરી મુન્નાભાઈએ ગાંધીજીના વિચારોનું કરેલું મૌલિક અર્થઘટન મનોરંજક હતું. આધુનિક સમયમાં ગાંધીજીને દર્શવતી આ પ્રકારની આ પહેલી ફિલ્મ હતી. ગાંધીજી બન્યા હતા મરાઠી અભિનેતા દિલીપ પ્રભાવળકર. જોઈએ એક ટપોરી અને મહાત્મા વચ્ચેના સંવાદ.
Lage Raho Munnabhai
૨૦૦૭માં આવેલી ‘ગાંધી, માય ફાધર’/ Gandhi, My father ગાંધીજી અને તેમના પુત્ર હરીલાલના સંબંધો પર આધારીત હતી. આ ફિલ્મના નિર્દેશક હતા ફીરોઝ અબ્બાસ ખાન. ચંદુભાઈ ભગુભાઈ દલાલના મૂળ પુસ્તકને આધારે આ ફિલ્મનું કથાવસ્તુ તૈયાર કરાયું હતું. અક્ષય ખન્ના હરીલાલની ભૂમિકામાં હતા,
જ્યારે ગાંધીજી બન્યા હતા દર્શન જરીવાલા. આ ફિલ્મની એક ઝલક જોઈએ.
Gandhi, My father
એમ તો પાકિસ્તાનમાં પણ ૧૯૯૮માં ‘ઝીણા’/Jinnah (જિન્નાહ) ફિલ્મ બની હતી, જે જમીલ દેહલવીએ દિગ્દર્શીત કરી હતી. મહમદ અલી ઝીણાની ભૂમિકા વિખ્યાત અભિનેતા (ડ્રેક્યુલા ફેમ) ક્રિસ્ટોફર લીએ કરી હતી. ગાંધીજી બન્યા હતા સેમ દસ્તૂર. આ જ અભિનેતાએ અગાઉ ૧૯૮૬માં બ્રીટીશ ટેલીવીઝન નિર્મીત અંગ્રેજી શ્રેણી ‘લોર્ડ માઉન્ટબેટન: ધ લાસ્ટ વાઈસરોય’માં પણ ગાંધીજીની ભૂમિકા કરી હતી. અહીં આપણે પાકિસ્તાનની ‘ઝીણા’ ફિલ્મની ઝલક જોઈએ.
Jinnah
હજી આ વરસે જ આવેલી ફિલ્મ ‘ગાંધી ટુ હીટલર’/ Gandhi to Hitlerમાં ગાંધીજીએ હીટલરને લખેલા બે પત્રો કેન્દ્રમાં છે. અંગ્રેજી અને હીન્દી એમ બે ભાષામાં બનેલી આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય બજારમાં 'ડીયર ફ્રેન્ડ હિટલર' / Dear Friend Hitler ના નામે રીલીઝ કરાઈ છે.હીટલરની કથાવાળી કદાચ ભારતની આ પહેલવહેલી ફિલ્મ છે, જેને દિગ્દર્શીત કરી છે રાકેશ રંજન કુમારે. હીટલરની ભૂમિકા રઘુવીર યાદવે કરી છે,તો ગાંધીજી બન્યા છે અવિજીત દત્ત. આ ફિલ્મનું એક દૃશ્ય જોઈએ.
Gandhi to Hitler
આ ઉપરાંત ‘મંગલ પાંડે: ધ રાઈઝીંગ’/ Mangal Pande: The Rising(૨૦૦૫)માં ગાંધીજી દેખા દે છે, તો દીપા મહેતા દિગ્દર્શીત ‘વૉટર’/ Waterમાં મોહન જાંગીયાની ગાંધી બને છે. એ રીતે અમુક ટી.વી.સિરીયલમાં પણ ગાંધીજીનું પાત્ર દેખાયું છે.
‘ભારત કે શહીદ’માં ગાંધીજીનું પાત્ર વિઠ્ઠલદાસ પાંચોટીયાએ ભજવ્યું હતું, તો ‘રાજ સે સ્વરાજ તક’માં અનુ કપૂર ગાંધી બન્યા હતા, એવો ખ્યાલ છે. ગાંધીવિચાર પર આધારિત ફિલ્મોનો ઉલ્લેખ પણ જાણીજોઈને ટાળ્યો છે. એની વાત ફરી ક્યારેક. ઉપરાંત પ્રાદેશિક ફિલ્મોમાં ગાંધી દેખાયા હોય એ અલગ.
અહીં દૂરદર્શન નીર્મિત, શ્યામ બેનેગલ દિગ્દર્શિત અભૂતપૂર્વ શ્રેણી 'ભારત એક ખોજ'ની વાત કરવી જરૂરી છે. વેદકાળથી છેક ભારતની આઝાદીના ઇતિહાસને દર્શાવતી કુલ બાવન હપ્તાની આ શ્રેણી જવાહરલાલ નહેરુના પુસ્તક 'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા' પર આધારિત હતી. આમાં ગાંધીજી વિષે બે હપ્તા ફાળવાયા હતા, છતાં બેનેગલસાહેબે ગાંધીના પાત્રને પરદા પર દેખાડવાની લાલચ રોકીને ગાંધીવિચારની અસર છેક દક્ષિણ ભારતના છેવાડાના નાનકડા ગામ સુધી પહોંચેલી દર્શાવીને તેની પ્રબળતા સિદ્ધ કરી હતી. આ અદભૂત શ્રેણીની વધુ વાત ક્યારેક કરીશું.
ગાંધીજીનું પાત્રાલેખન પરદા પર કેટલું વાસ્તવિક છે એ અલગ ચર્ચા માંગી લેતી વાત છે, કેમ કે એવા પાત્રાલેખનમાં દિગ્દર્શકનો પોતાનો ગાંધી વિષેનો પ્રેમ કે પૂર્વગ્રહ છતો થયા વિના રહે નહીં. ગાંધીજીનું જીવન જ એવું છે કે હજી તો કેટલીય ફિલ્મો 'સંભવામિ યુગે યુગે'ની જેમ દરેક કાળમાં બનતી રહેવાની. આ પોસ્ટમાં આપણે એ ચર્ચા પણ નથી કરવી કે કયા અભિનેતા અભિનયની દૃષ્ટિએ અસલ ગાંધીજીથી વધુ નજીક છે.
વિઠ્ઠલદાસ પાંચોટીયા |
અહીં દૂરદર્શન નીર્મિત, શ્યામ બેનેગલ દિગ્દર્શિત અભૂતપૂર્વ શ્રેણી 'ભારત એક ખોજ'ની વાત કરવી જરૂરી છે. વેદકાળથી છેક ભારતની આઝાદીના ઇતિહાસને દર્શાવતી કુલ બાવન હપ્તાની આ શ્રેણી જવાહરલાલ નહેરુના પુસ્તક 'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા' પર આધારિત હતી. આમાં ગાંધીજી વિષે બે હપ્તા ફાળવાયા હતા, છતાં બેનેગલસાહેબે ગાંધીના પાત્રને પરદા પર દેખાડવાની લાલચ રોકીને ગાંધીવિચારની અસર છેક દક્ષિણ ભારતના છેવાડાના નાનકડા ગામ સુધી પહોંચેલી દર્શાવીને તેની પ્રબળતા સિદ્ધ કરી હતી. આ અદભૂત શ્રેણીની વધુ વાત ક્યારેક કરીશું.
ગાંધીજીનું પાત્રાલેખન પરદા પર કેટલું વાસ્તવિક છે એ અલગ ચર્ચા માંગી લેતી વાત છે, કેમ કે એવા પાત્રાલેખનમાં દિગ્દર્શકનો પોતાનો ગાંધી વિષેનો પ્રેમ કે પૂર્વગ્રહ છતો થયા વિના રહે નહીં. ગાંધીજીનું જીવન જ એવું છે કે હજી તો કેટલીય ફિલ્મો 'સંભવામિ યુગે યુગે'ની જેમ દરેક કાળમાં બનતી રહેવાની. આ પોસ્ટમાં આપણે એ ચર્ચા પણ નથી કરવી કે કયા અભિનેતા અભિનયની દૃષ્ટિએ અસલ ગાંધીજીથી વધુ નજીક છે.
વિખ્યાત કાર્ટૂનીસ્ટ અબુ અબ્રાહમ/ Abu Abraham ના અતિ વિખ્યાત અને મારા બહુ પ્રિય કાર્ટૂનમાં એક પણ શબ્દ વિના તેમણે ગાંધી અંગેની આપણી સમજણનું આલેખન કરી દીધું છે. આ રહ્યું એ કાર્ટૂન.
તેમણે નેતાઓ દેખાડ્યા છે,એને બદલે આપણામાંનું કોઈ પણ હોઈ શકે. આ પોસ્ટ પૂરતા ફિલ્મકારોને મૂકી શકાય.
(કાર્ટૂન સૌજન્ય: અબુ અબ્રાહમ)
એટલે આપણે ફક્ત એ વાત કરીએ કે પરદા પર દેખાડાયેલા ગાંધી દેખાવ, બોલચાલ અને ઢબછબની રીતે કેટલા વાસ્તવિક છે અથવા તો વાસ્તવની કેટલા નજીક છે. આ બાબત પણ નક્કી કરવી અઘરી છે. એટલે અસલી ગાંધીજીને જ હાલતાચાલતા, બેસતા-બોલતા જોઈ લઈએ, અને જાતે નક્કી કરી લઈએ.
(નોંઘ: તમામ તસવીરો નેટ પરથી અને વિડિયો ક્લીપ્સ યૂ ટ્યૂબ પરથી લીધી છે.)
(પૂરક માહિતી: હરીશ રઘુવંશી, સુરત)
ગાંધીજીનું જીવન - બ્લોગ પટ્ટી પર...
ReplyDeletehttp://sureshbjani.wordpress.com/2006/07/23/gandhiji-2/
આજના સપરમા દિવસે આપે આ દર્શાવીને દિવસ સુધારી દીધો ! આટલી બધી ફિલ્મો આ દાદા પર થઈ છે એનો ખ્યાલ નહોતો.
ReplyDeleteખૂબ જ આભાર.
પ્રિય બિરેનભાઈ,ગાંધી પર આટલી બધી ફિલ્મો બની છે,એ વિષે વિગતવાર જાણવાની મજા આવી.શરૂઆતમાં જે તસ્વીરો છે,એમાં ય ઘણા નવા ચેહરાઓ જોયા.સામ દસ્તુર,સુરેન્દ્ર રાજન કે અવિજિત દત્ત-આ વિશષ્ટ નામોનો પરિચય કરાવવા બદલ અભિનંદન.બેન કિન્ગ્સ્લે ભાઈનું (આમાં બેન અને ભાઈ કેવા એકરૂપ થઇ ગયા છે.નહિ..?)સાચું નામ કૃષ્ણ પંડિત ભાણજી છે,એ પહેલી વાર જાણવા મળ્યું. પાકિસ્તાનમાં બનેલી ફિલ્મમાં ક્રિસ્ટોફર લી(દેન્ક્રુલા ફેમ) એ જ ઝીણા નું પાત્ર ભજવ્યું,એ વિધિના કેવી વક્રતા કહેવાય..! એક ના ભાગે રીલ લાઈફ(ચલચિત્ર) ને બીજાના ભાગે રીયલ લાઈફ(વાસ્તવિક જીંદગીમાં) માં ખૂનના ઘૂંટ પીવાનું આવ્યું.લેખને સરસ બનાવવા માટેની તમારી મહેનત,ચીવટ ઉડીને આંખે વળગે છે.તમે પહોંચો પકડાવ્યો છે,તો હાથ જ પકડી લઉં? 'ભારત એક ખોજ'-પરના લેખની પ્રતિક્ષા તો આજ ક્ષણથી શરુ,પણ જો એ જ યાદીમાં જો માલગુડી ડેઝ(આર કે ચંદ્રન ની અદભુત પરિકલ્પના) નું નામ ઉમેરાઈ જાય,તો સોનામાં સુંગધ ભળી જાય.રવિવાર સુધારી દેવા બદલ આભાર,અંત:કરણપૂર્વક.
ReplyDeleteઅફલાતુન લેખ બન્યો છે. આજ સુધી આવો લેખ વાંચવામાં નથી આવ્યો.તમે,યાર, ગજબની રિસર્ચ કરી છે. ધન્ય તમારી ધીરજ અને ધન્ય તમારી નિષ્ઠા–મારી નજરમાં તો તમે જર્નાલિઝમમાં ડોકટરેટ છો.
ReplyDeleteતમે મારો દિ–મહિનો અને વરસ સુધારી દીધાં– અભિનંદન. તમારી સાથે ડો.રજનીકુમાર પંડ્યા અને ડો.ઉર્વિશ કોઠારીને પણ અભિનંદન– તમે ત્રણ એક જ જ્ઞાતિના છો.
હરનિશભાઈની વાતને જરા મોડીફાય કરું તો આ કોરૂં જર્નાલિઝમ નથી, આમાં સર્જનાત્મક દ્રષ્ટી સાથે સર્જનાત્મક લેખન પણ ઘોળાયેલું છે.લખવાની વાત તો પછી આવે, પહેલા આવું સૂઝવું એ જ ઉચ્ચ કોટીની મૌલિકતા છે.અભિનંદન!
ReplyDeleteBirenbhai, kachakadani patti par gandhi mate atlabadha pryas thaya hata paheli var janyu khare khar tamari mahenat kabeledad....LAGE RHO BIRUBHAI
ReplyDeleteI really appreciate for adding more to my knowledge for movie of Gandhiji.
ReplyDeleteખુબ જ ઉત્તમ કેખ...એની પાછળ લીધેલી મહેનત દેખાઈ આવે છે...પણ છતાં એવું લાગે છે કે વિગતો ઉપરાંત,ઉર્વિશભાઈ એ થોડુ વધુ લખ્યું હોત તો ઓર મઝા આવત....માહિતી ની ક્રમબધ્ધતા;વિડિયો ક્લિપીંગ્સ લેખ ને ઉત્તમ બનાવે છે..."ભારતીય મૂળના બ્રિટીશ અભિનેતા બેન કિંગ્સલે (મૂળ નામ કૃષ્ણ પંડીત ભાણજી)એ આ ફિલ્મમાં ગાંધીની ભૂમિકા કરી હતી."...આ પોતે આગાખાની ખોજા છે...એ જાણ સારુ...
ReplyDeleteBrilliant post!
ReplyDelete