Saturday, February 8, 2025

કરુણાંતિકાનો વ્યંગ્યાત્મક દસ્તાવેજ

કરુણ પરિસ્થિતિમાં આંસું વહી આવવાં ઘણાખરા લોકો માટે સામાન્ય બાબત હોય છે, જ્યારે ઘણા લોકોની આંખો સાવ કોરી રહી જાય એમ પણ બનતું હોય છે. પણ કરુણ પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ? ચલચિત્ર જ્યારે ફક્ત સિનેમાના પડદે જ જોવા મળતાં ત્યારે એવો મોટો વર્ગ હતો કે જે પડદા પરનાં દૃશ્યો જોઈને આંસુ વહાવતો. ખાસ આવા વર્ગ માટે જ અંગ્રેજીમાં જેને Tearjerker કહે છે એવી ફિલ્મ કે ફિલ્મમાંનાં દૃશ્ય લખવામાં આવતાં. જેનું જીવન છે એનું મૃત્યુ નિશ્ચિત છે એ અફર સત્ય સૌ જાણતાં હોવા છતાં મૃત્યુ સામાન્ય રીતે કરુણ પરિસ્થિતિનું જનક બની રહે છે. તેનું કારણ છે તેની આકસ્મિકતા.

એક જણનું આકસ્મિક મૃત્યુ કરુણ લાગે, તો અનેક લોકોની ઈરાદાપૂર્વક કરેલી હત્યાને કઈ શ્રેણીમાં મૂકવી? યુદ્ધમાં થતો સંહાર આપણને કોઠે પડતો રહ્યો છે, પણ સાવ નિ:શસ્ત્ર અને નિર્દોષ લોકોના સંહારને શું કહેવું! આમ છતાં, વિશ્વભરમાં તેનું પુનરાવર્તન થતું રહે છે. સમયગાળો ચાહે કોઈ પણ હોય! જલિયાંવાલા બાગનો હત્યાકાંડ હોય, યહૂદીઓનો સામૂહિક જનસંહાર હોય કે બોસ્નિયનોનો સંહાર કરતો સ્રેબ્રેનિત્ઝા હત્યાકાંડ હોય! મનુષ્યની આ આદિમ વૃત્તિ તે આટલો સુસંસ્કૃત બન્યો હોવા છતાં બદલાઈ નથી, જેનો પરચો જગતને વખતોવખત મળતો રહે છે.
ઘણાને ચીનના ટીઆનનમેન (ટાઇનામેન) ચોકનો હત્યાકાંડ યાદ હશે. 1989માં ચીનના આ જાહેરસ્થળે એકઠા થયેલા હજારો વિદ્યાર્થીઓ પર શાસકોએ લશ્કરી ટેન્કથી ધડબડાટી બોલાવી હતી. આ ઘટનાના પડઘા વિશ્વભરમાં ગૂંજ્યા હતા.
ઠેકઠેકાણે તેની વિરુદ્ધ પ્રદર્શનો થયાં હતાં, પણ એ તમામ વિરોધ દુર્ઘટના થઈ ગયા પછીનો હતો. જવાબદાર શાસકોના પેટનું પાણીય તેનાથી હાલે નહીં.
આ ઘટનાની ઝાઝી વિગતોની જાણ નહોતી કે હકીકતમાં શો મુદ્દો હતો અને શેના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયેલા. ખબર હશે તો પણ સમયના વીતવા સાથે ભૂલાઈ ગયેલી.
આ હત્યાકાંડની પચીસમી તિથિએ એટલે કે 2014માં તેને અનોખી રીતે તાજો કરવામાં આવ્યો. સિંગાપોરમાં જન્મેલા, ચીનથી આકર્ષાઈને તેનાથી પરિચીત બનેલા, 'ફાર ઈસ્ટર્ન ઈકોનોમિક રીવ્યૂ' (FEER) માસિક સાથે સંકળાયેલા કાર્ટૂનિસ્ટ મોર્ગન ચૂઆ/ Morgan Chua ઘણો સમય સુધી ચીનની નીતિઓના પ્રશંસક રહ્યા. તેમનાં કાર્ટૂનોમાં પણ તેમનું આ વલણ પ્રતિબિંબીત થતું રહ્યું. પણ ટીઆનનમેન ચોકના નિષ્ઠુર હત્યાકાંડે તેમને હચમચાવી મૂક્યા અને ચીનના શાસકોએ પોતાના દેશવાસીઓની જેમ મોર્ગનને પણ છેહ દીધો હોય એવું તેમણે અનુભવ્યું. એ પછી તેમનાં કાર્ટૂન વખતોવખત ચીનની નીતિની આકરી ટીકા કરતાં રહ્યાં. અને આ બધામાં વખતોવખત ટીઆનનમેન ચોકનો સંદર્ભ આવતો રહ્યો.

પુસ્તકનું મુખપૃષ્ઠ

આ હત્યાકાંડના પચીસમા વર્ષે મોર્ગને ટીઆનનમેનને લગતાં કાર્ટૂનોને સંપાદિત કર્યાં અને એને પુસ્તકાકારે પ્રકાશિત કર્યાં. આ પુસ્તકનું નામ જ 'TIANANMEN' છે. તેના મુખપૃષ્ઠ પર લાલ, કાળા અને સફેદ રંગનો ઉપયોગ કરીને તેમણે આ ઘટનાની ભયાવહતા પ્રતિપાદિત કરી.
આ પુસ્તક હવે 'નવયાન'/ Navayana પ્રકાશનગૃહ દ્વારા ભારતમાં ઉપલબ્ધ બનાવાયું છે, અને જે ઑનલાઈન ઓર્ડર દ્વારા પણ મેળવી શકાય છે. પુસ્તકનો ઉપક્રમ અદ્ભુત છે. તેમાં આ હત્યાકાંડને લગતાં વિવિધ કાર્ટૂનો છે, પણ સાથેસાથે સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ, તેની સાથે સંકળાયેલાં મુખ્ય પાત્રો, અને તેમની હત્યાકાંડ પછીની ગતિવિધિ વિશે કાર્ટૂન દ્વારા જ માહિતી આપવામાં આવી છે.
આટલા નિષ્ઠુર અને કરુણ હત્યાકાંડને આ રીતે વ્યંગ્યચિત્રોના માધ્યમથી પુસ્તકાકારે રજૂ કરવાનું કામ નોંધપાત્ર કહી શકાય એવું છે. આ હત્યાકાંડ વિશે કદાચ અનેક પુસ્તકો લખાયાં હશે, પણ આ પુસ્તક આગવી ભાત પાડનારું છે.

ઘટનાક્રમ

મુખ્ય પાત્રો વિશે

પાત્રોનું પછી શું થયું?
"અકળાશો નહીં. અમે એક બીગ પરેડ'ની સિક્વલનું
 ફિલ્માંકન કરી રહ્યા છીએ."

"અને માર્યા ગયેલા સ્ટુડન્ટ એકસ્ટ્રા હતા!"

આપણા દેશમાં આવા છૂટકછૂટક પ્રયત્નો થયા છે. અબુ અબ્રાહમે કટોકટી પછી તેને લગતાં કાર્ટૂનોનું સંકલન પુસ્તકરૂપે પ્રકાશિત કરેલું. તો સુધીર તેલંગે 'નો, પ્રાઈમ મિનીસ્ટર'ના નામે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ પર ચીતરેલાં કાર્ટૂનો પુસ્તકમાં સંપાદિત કરેલાં. બાબાસાહેબ આમ્બેડકરને કાર્ટૂનમાં દર્શાવીને તેમને ઉતરતા બતાવાયા હોવાનું પ્રતિપાદિત કરતું ઉન્નમતિ શ્યામસુંદરનું પુસ્તક 'નો લાફિંગ મેટર', ઈન્દીરા ગાંધીના કાર્યકાળને દર્શાવતાં સૂરજ શ્રીરામ 'એસ્કે'નાં કાર્ટૂનોનો સંગ્રહ 'ઈન્દીરા ગાંધી, ધ ફાઈનલ ચેપ્ટર', વિમુદ્રીકરણના ગાળાનાં કાર્ટૂનોનું પુસ્તક 'રુપી ઓર નૉટ રુપી' તેમજ કોરોનાકાળનાં કાર્ટૂનોનો સંચય 'ગો કોરોના ગો' (બન્ને સતીશ આચાર્યનાં) આનાં ઉદાહરણ છે.
અલબત્ત, આવા ભયાનક હત્યાકાંડ પરનાં વ્યંગ્યચિત્રોનો સંચય ધરાવતું આ પુસ્તક અનેક રીતે આગવું બની રહ્યું છે.
(TIANANMEN, 25th Anniversary edition, by Morgan Chua, પ્રકાશક: Navayana)


No comments:

Post a Comment