Thursday, April 13, 2023

વ્યાજના વ્યવસાયમાં ખૂંપેલો નિર્વ્યાજ પ્રેમનો માણસ

 13 એપ્રિલ મારા મિત્ર અજય પરીખનો જન્મદિન છે. જો કે, એનું આ નામ ઉચ્ચારવું તેને ઓળખતા સહુ કોઈને માટે જરા અસહજ છે. એનું પ્રચલિત નામ છે 'ચોકસી'. એનો પેઢીગત વ્યવસાય સોના-ચાંદીના દાગીનાના ધીરધારનો, અને એનો ગ્રાહકવર્ગ પણ મુખ્યત્વે મહેમદાવાદ તાલુકાનો ગ્રામ્ય વર્ગ. એ વર્ગ પણ ઘણોખરો વારસાગત ગ્રાહકવર્ગ. આને કારણે અમારા મિત્રવર્તુળમાં એ મોટે ભાગે મજાકનું કેન્‍દ્ર બની રહે.

અજય અને હું પાંચમા ધોરણથી લઈને બારમા ધોરણ સુધી એક જ વર્ગમાં ભણ્યા- વચ્ચે એક નવમા ધોરણના અપવાદને બાદ કરતાં. આવા અમે કુલ દસેક મિત્રો છીએ. એ પછી તેણે ડિપ્લોમા ઈન મિકેનીકલ એન્જિ. કર્યું. ત્યાર પછી પોસ્ટ ડિપ્લોમા ઈન કમ્પ્યુટર એપ્લિકેશન ભણ્યો. જો કે, એ નક્કી હતું કે તેણે મહેમદાવાદમાં રહેલો પોતાનો પેઢીગત વ્યવસાય સંભાળવાનો છે. પણ કમ્પ્યુટર જ્યારે સહુ કોઈ માટે એક અજાયબી સમાન હતું ત્યારે એ કમ્પ્યુટર લાવેલો, અને તેની પર અમુક સોફ્ટવેર વિકસાવેલા. ગણિત અને એમાંય અંકગણિત એના હાડોહાડમાં ઊતરેલું. અમે શાળામાં ભણતા ત્યારે અમારા ગણિતશિક્ષક મગનભાઈ (પટેલ) સાહેબ કોઈક અઘરા દાખલાની રકમ કે ભૂમિતીની રાઈડર પાટિયા પર લખે અને પછી કહે, "ચાલ અજય, આ ગણ." અને અજય ઊભો થાય, શાંતિથી પાટીયા નજીક જઈને દાખલો ગણવા માંડે. અમારી શાળાના આચાર્ય કાન્તિભાઈ દેસાઈ એક વખત મગનભાઈના વર્ગમાં આવ્યા અને છેલ્લી પાટલી પર ગોઠવાયા. કાન્તિભાઈ સાહેબ પોતે પણ ભૂમિતિના નિષ્ણાત અને ઘણી વાર તેઓ વર્ગ લેવા આવતા. ખાસ્સી વાર બેઠા પછી દેસાઈસાહેબે કહ્યું, "મગનભાઈ, એક રકમ લખો." મગનભાઈએ રકમ લખી. એ લખતાં લખતાં જ એ બોલ્યા, "આ તો અમારો અજય હમણાં જ ગણી બતાવશે. ચાલ, અજય!" અને ખરેખર, અજય ઊભો થયો, બોર્ડ પર લખાયેલો દાખલો ફટાફટ ગણી કાઢ્યો. એ જોઈને દેસાઈસાહેબ રાજી થઈ ગયા, અને મગનભાઈ તો રાજી હોય જ.

વરસો વીતે એમ દરેક સંબંધનો એક માર્ગ કંડારાતો જતો હોય છે. અમુક સંબંધો કાળક્રમે ક્ષીણ થાય, ઘણા સુષુપ્ત થાય, તો ઘણા મૃત બની રહે છે. અમારા તમામ મિત્રો બાબતે માર્ગ એવો બન્યો કે શાળા છોડ્યા પછી અમારો સંપર્ક સતત રહ્યો અને મૈત્રી ગાઢ બનતી રહી. એમાં પારિવારિક પરિમાણોનું પડ ઉમેરાયું. દરેક મિત્રનાં એક પછી એક લગ્ન થયાં, એમની પત્નીનું આગમન થયું અને એ પછી સંતાનજન્મ. આ દરેક તબક્કા પછી અમારી મૈત્રી ગાઢ બનતી રહી છે. હવે એના તાણાવાણા એવા ગૂંથાયા છે કે એને અલગ પાડીને જોતાંય મુશ્કેલી લાગે. અમારાં સૌનાં સંતાનો એકમેકના મિત્ર છે, અને પત્નીઓ પણ. અલબત્ત, ચોકસી એક એવી વ્યક્તિ છે કે જેને તમામ વયજૂથના લોકો એકસરખો ચાહે. અમારા વડીલો એના હેવાયા, અમારા સૌની પત્નીઓ એની સાથે સ્વતંત્ર વ્યવહાર કરે, અને અમારાં સંતાનોના પણ એ પ્રિય 'ચોકસીકાકા'. આનું રહસ્ય શું?

પોતાની દુકાને લાક્ષણિક મુદ્રામાં અજય
(પાછળ ભત્રીજો ચિંતન) 
રહસ્ય ખુલ્લું છે, પણ એ જાણ્યા પછી એને આત્મસાત કરવું મુશ્કેલ છે. એ રહસ્ય એટલે ચોકસીની સહુ કોઈ માટેની નિ:સ્વાર્થ નિસબત. એને કારણે સૌ કોઈને એમ લાગે કે આ તો મારો જ માણસ છે. એક ઉદાહરણથી આ વાત સ્પષ્ટ કરું. પચીસ-ત્રીસ વરસ પહેલાં માહિતીના સ્રોત સાવ મર્યાદિત હતા. અખબાર પણ દરેક ઘરમાં વરસોથી એનું એ જ આવતું હોય. એવે વખતે જૂની ફિલ્મોના સંગીતકાર સજ્જાદ હુસેનનું અવસાન થયું. ચોકસીને ઘેર આવતા 'જનસત્તા'માં એના સમાચાર અને નાનકડી નોંધ આવી. ચોકસીને એ ક્ષેત્ર સાથે કશો સંબંધ નહીં, પણ એને ખબર કે આ અમારો વિષય છે. અમે મળ્યા ત્યારે એણે યાદ રાખીને અમને આ સમાચાર કહ્યા, એટલું જ નહીં, સજ્જાદની કેટલીક ફિલ્મોનાં નામ પણ કહ્યાં. સંગીતકારનું નામ અને એની ફિલ્મોનાં નામ એણે કેવળ અમને જણાવવા માટે યાદ રાખેલા. અમને ઈમ્પ્રેસ કરવા નહીં. આ એક નાનકડું ઉદાહરણ છે, પણ એની નિસબત કેવી છે એનો ખ્યાલ આવી શકશે.
એનો મિત્રપ્રેમ એવો કે ઘણી વાર આપણને એની પર ગુસ્સો આવે. આપણાથી કોઈકનું કામ ન થયું, અથવા એ કરવાનું ભૂલી ગયા તો ચોકસીને પૂછ્યાગાછ્યા વિના એના દોષનો ટોપલો એને માથે ઢોળી દેવાનો અને એને જણાવી દેવાનું કે મારાથી આમ થઈ ગયું છે, એટલે પેલો તને ફોન પર ખખડાવશે. ચોકસી હસે અને કહે કે સમજી ગયો. એ પછી એ કોઈક ત્રીજા માણસની ડાંટ વગર કારણે, મિત્ર પ્રત્યેની ફરજના ભાગરૂપે ખાય. અરે! અમુક તો મિત્ર નહીં, કેવળ પરિચીત હોય તોય આમ કરે. મહેમદાવાદના એક સજ્જન અમારા એક કૉમન મિત્રને કોઈક પ્રસંગે આમંત્રણ આપવાનું ભૂલી ગયા. નિમંત્રકને એ યાદ આવ્યું, પણ ત્યારે પ્રસંગ પતી ગયેલો. જેને નિમંત્રણ આપવાનું હતું એ ભાઈનો નિમંત્રક પર ફોન આવ્યો હશે એટલે નિમંત્રકે બારોબાર કહી દીધું, 'મેં અજયને કહેલું, પણ એ તમને કહેવાનું ભૂલી ગયેલો.' આ ફોન પત્યો કે નિમંત્રકે અજયને ફોન કર્યો અને હકીકત જણાવી. એમનો ફોન પત્યો કે થોડી વારમાં પેલા, નહીં નિમંત્રેલા ભાઈનો અજય પર ફોન આવ્યો અને કહે, 'આવું ભૂલી જવાતું હશે, ભલા માણસ! આ તો ઠીક છે, બાકી અમારા સંબંધો ખતરામાં આવી પડે ને! તમને શી ખબર કે અમારા સંબંધો કેવા છે!' અજય મનમાં તો હસીને બોલ્યો હશે, 'ભઈ, રહેવા દે ને! તમારા સંબંધો હું જાણું છું.' પણ પ્રગટપણે એણે દિલગીરી વ્યક્ત કરી લીધી.
એનું આવું વલણ ઘણી વાર અમનેય અકળાવનારું લાગે, તો અજયની પત્ની રશ્મિકા, અને એનાં સંતાનો અર્પ તેમજ જયને લાગે એમાં નવાઈ નહીં. પણ એ જ ચોકસી જ્યારે અમારા માટે સંકટ સમયની સાંકળ બની રહે ત્યારે પાછી ખુશીની લાગણી થાય. અમને ઘણી વાર એમ લાગે છે કે રશ્મિકા, અર્પ અને જયના ભાગનો ઘણો સમય અમે મિત્રો ખાઈ ગયા હોઈશું. તેઓ પણ ધીમે ધીમે અજયનું આ વલણ સમજતા અને સ્વીકારતા થયા.
આજે પણ એ તમામ મિત્રો, મિત્રપત્નીઓ અને એમનાં સંતાનો સાથે સ્વતંત્રપણે જીવંત સંપર્કમાં હોય. જન્મદિવસ અને લગ્નતિથિ યાદ રાખવા હવે સહેલાં છે, કેમ કે, એ હવે ફેસબુક જેવાં માધ્યમો યાદ અપાવે છે, છતાં અજયને આ બધી માહિતી મોઢે હોય.
ઉર્વીશ ઘણી વાર કહેતો હોય છે કે અજયે આપણા માટે એટલું બધું કર્યું છે કે હવે એ કશું ન કરે તો પણ એને એ હક છે. જો કે, અમને સૌને ખબર છે કે અમે જ્યાં અટકીશું કે અટવાઈશું, ત્યારે ચોકસી અમારી પાછળ હશે જ.
આંકડાકીય ગણતરીમાં ઉસ્તાદ, પણ મૈત્રીમાં બધી ગણતરીને બાજુએ મૂકી દેતા અમારા આ મિત્રને જન્મદિવસની અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ.

(ડાબેથી) અજય, રશ્મિકા, જય અને અર્પ 

(અજયની ગઈ વર્ષગાંઠ 13-4-22ના રોજ લખેલું) 

1 comment:

  1. હેં આવા માણસ પણ હોય ! જાણીને બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા ! 💚🌹

    ReplyDelete