Saturday, May 3, 2025

છિપકલી કે નાના હૈ, છિપકલી કે હૈ સસુર

'કહત કાર્ટૂન' ની સીઝન 2 અંતર્ગત 30 એપ્રિલ, 2025ને બુધવારની સાંજના સાડા સાતથી અમદાવાદના 'સ્ક્રેપયાર્ડ' ખાતે આ શ્રેણીના બીજા હપતાની રજૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમનું શિર્ષક હતું: 'We, the dinosaurs: छिपकली के नाना, छिपकली के ससुर'. 

કાર્યક્રમનું આ પેટાશિર્ષક મૂળ તો ગુલઝારસાહેબે લખેલા 'ધ લાસ્ટ ડાયનોસોર' નામની એનિમેટેડ કાર્ટૂન શ્રેણીના શિર્ષક ગીતના છે. ડાયનોસોર પરનાં કાર્ટૂન શા માટે? આનો જવાબ છે, આ શ્રેણીનો સૌ પ્રથમ હપતો હતો 'Creation of Universe' એટલે કે બ્રહ્માંડના સર્જન વિશેનાં કાર્ટૂનો વિશેનો. એ જ ક્રમમાં હવે ડાયનોસોરનો વારો.

'દિવ્ય ભાસ્કર' તા. 30-4-25 

ડાયનોસોર વિશેનાં ભાતભાતનાં કાર્ટૂન ઊપલબ્ધ છે અને હવે જેમ ફિલ્મોમાં ડાયનોસોરનો અતિરેક થઈ ગયો એમ કાર્ટૂનમાં પણ છે. આમ છતાં, કેવાં કેવાં પ્રકારનાં કાર્ટૂન આ વિષય પર હોઈ શકે એ જાણવાની મજા આવે એવું છે.

કાર્યક્રમની રજૂઆત દરમિયાન (કમ્પ્યુટર પર કામિની)
ડાયનોસોરને લગતાં કાર્ટૂનોનું વિવિધ વિભાગોમાં વર્ગીકરણ કરીને દેખાડવાથી તેના વૈવિધ્યનો બરાબર ખ્યાલ આવે છે. અલબત્ત, માત્ર સવા દોઢ કલાકના કાર્યક્રમ માટે કાર્ટૂનોની પસંદગી કરવી અઘરી છે. એ એક જુદો પડકાર છે, અને એને પહોંચી વળવાની પણ અલગ મજા છે.
સ્ક્રેપયાર્ડના સજ્જ શ્રોતાઓ સમક્ષ ડાયનોસોરને લગતાં વિવિધ કાર્ટૂન રજૂઆત પામતાં ગયાં એમ તત્ક્ષણ એનો પ્રતિસાદ પણ મળતો જતો હતો. અમુક કાર્ટૂન દર્શાવતો હોય પ્રાગૈતિહાસિક કાળ, પણ સંદર્ભ વર્તમાનનો હોય એટલે વધુ ચોટદાર અને રમૂજપ્રેરક બની રહે.
આ વખતે વિષયને લઈને કેટલાંક બાળકોએ પણ હાજરી આપી હતી. જો કે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે બાળકોના વાલીઓ તરફથી આવતી પૃચ્છામાં જણાવવામાં આવે છે કે બાળકોને કદાચ બહુ મજા ન આવે, કેમ કે, આ એનિમેટેડ કાર્ટૂન નથી. બાળકોના વયજૂથ મુજબ અલાયદો કાર્યક્રમ કરવો પડે.
આ કાર્યક્રમમાં વડોદરાથી મિત્ર પરેશ ઊપરાંત અમારી સાથે જ ભાનુબહેન દેસાઈ પણ જોડાયેલાં. ઘણા વખતથી આ કાર્યક્રમમાં હાજરી આપવાની તેમની ઈચ્છા અને સંજોગોની પ્રતિકૂળતા પછી આખરે તેમણે મન મક્કમ કરીને આવવાનું ગોઠવ્યું. વડોદરાથી અમદાવાદ જતાં અને પાછા આવતાં રસ્તામાં જે સત્સંગ થયો એ વધારાની ઉપલબ્ધિ.
સરવાળે સવા- દોઢ કલાકના આ કાર્યક્રમ પછી ડાયનોસોર સમાજનું ઠીકઠીક અંતરદર્શન થયું એમ કહી શકાય. આ શ્રેણીનો ત્રીજો કાર્યક્રમ મેના મધ્યમાં યોજાશે, જેની ઘોષણા અહીં કરીશું.
(તસવીર સૌજન્ય: બિનીત મોદી)

ડાયનોસોરની સમસ્યાઓ (Cartoonist: Andres’)

ડાયનોસોર મ્યુઝીયમમાં (Cartoonist: Trevor

ડાયનોસોર લુપ્ત શી રીતે થયાં એ અંગેની
અનેક થિયરીઓમાંની એક (Cartoonist: Gary Larson)

ડાયનોસોર અને માનવ (Cartoonist: Jerry King)

No comments:

Post a Comment