Saturday, September 18, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (13)

 પોતે એક ફોટોગ્રાફર રહી ચૂક્યાં હોવાને નાતે હોમાય વ્યારાવાલાનો આગ્રહ એવો રહેતો કે પોતે લીધેલી તસવીરમાં દેખાતી વ્યક્તિ હંમેશાં ગરિમાપૂર્ણ જ લાગવી જોઈએ. એટલે કે કોઈ એવા એન્ગલથી તસવીર લેવાઈ ગઈ હોય અને એમાં જે તે વ્યક્તિનો ચહેરો કે મુદ્રા વિચિત્ર યા કઢંગાં હોય તો એ તસવીર પ્રકાશિત કરવી નહીં, યા આપવી નહીં. વિયેટનામના ક્રાંતિકારી નેતા હો ચિ મિન્હ ભારતની મુલાકાતે આવેલા. એ વખતે તે રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ અને વડાપ્રધાન નહેરુની વચ્ચે ચાલતા હોય એવી એક તસવીર હોમાયબેને ખેંચેલી. તસવીર લીધા પછી તેમણે જોયું કે વાત કરતાં કરતાં નહેરુની હથેળીની મુદ્રા એવી દેખાતી હતી કે જાણે એ હો ચિ મિન્હની દાઢી ખેંચી રહ્યા હોય. સાથે જ હો ચિ મિન્હના ચહેરાના હાવભાવ પણ બરાબર નથી. એટલે કે જાણે તેમની દાઢી ખેંચાઈ રહી હોય એમ લાગે છે. આ તસવીર તેમણે પ્રકાશિત કરી નહીં અને પોતાની પાસે જ રાખી મૂકી. 

(ડાબેથી) રાજેન્‍દ્ર પ્રસાદ, હો ચિ મિન્‍હ, નહેરુ 

સામેની વ્યક્તિની ગરિમા હણાય નહીં એવી તસવીરો લેવાનો તેમનો આગ્રહ હતો એવો જ આગ્રહ તેમનો પોતાની તસવીર માટે પણ રહેતો. તેમની મુલાકાતે આવેલી વ્યક્તિ તેમની તસવીર લેવા ઈચ્છે તો એ ઊભા થતાં, અંદર જઈને વાળ સરખા કરી આવતાં અને વસ્ત્રને પણ સરખા કરીને પછી જ તસવીર લેવા દેતાં. 'ટાઈમ્સ'ના એક પત્રકારે તેમની લીધેલી એક તસવીરથી તે એવા અકળાઈ ગયેલાં કે તંત્રીને પત્ર લખીને જાણ કરેલી કે આ તસવીરમાં હું annoyed (ત્રસ્ત) હોઉં એમ જણાય છે. હું એવી હોઈશ તો પણ તમારા ફોટોગ્રાફરે લીધેલી આ તસવીરથી. આ તસવીર જોઈને મને લાગે છે કે તમારા અખબારને વૃદ્ધો પ્રત્યે કોઈ પ્રકારની સંવેદનશીલતા નથી.

તેમના વિશે મેં લખેલા એક લેખ સાથે મારે કેટલીક તસવીરો લેવાની હતી ત્યારે અમે અગાઉથી નક્કી કરીને ગયેલાં, જેથી તેઓ તૈયાર રહી શકે. એ સમયે મેં તેમની જુદી જુદી મુદ્રામાં તસવીરો લીધેલી અને તેમણે એમાં પૂરો સહયોગ આપેલો. એ વખતે તો કેમેરા ડીજીટલ નહીં, પણ રોલવાળો હતો. આ તસવીરો એમને બહુ ગમી.
એ પછી તેમને ક્યાંય તસવીર મોકલવાની જરૂર પડે તો આ તસવીર જ મોકલતાં. તેમણે લખેલા આ પત્રમાં આ તસવીરો વિશેનો ઉલ્લેખ, તેમની મુદ્રા જેવા સૌજન્ય અને મજાકની સાથે જોઈ શકાય છે.


મૂળ અંગ્રેજી પત્રનો ગુજરાતી અનુવાદ:
"ડિયર મિ. કોઠારી,
બોમ્બે પારસી પંચાયત ભારતના તેમજ વિશ્વભરના મહત્ત્વના પારસીઓ વિશે એક સચિત્ર ગ્રંથ તૈયાર કરી રહી છે.
તેમણે મને લેખની સાથે મારી બે રંગીન તસવીરો મોકલવાની વિનંતી કરી છે. થોડા દિવસ અગાઉ તમે લીધેલી એ સિવાય મારી પાસે મારી કોઈ રંગીન તસવીરો નથી, આથી મારી કાર આગળ હું ઊભેલી છું એ તસવીરની બે સારી, રિપ્રોડ્યુસ થઈ શકે એવી નકલ મોકલવાની વિનંતી કરી શકું?
બીજું કે તમે મારા અધિકૃત તસવીરકાર બની શકો અને મારાં થોડાં રંગીન પોર્ટ્રેટ લઈ આપો તો હું ઉપકૃત થઈશ. અને આ બધું ચુસ્તપણે ચૂકવણીની શરતે- એમાં કોઈ કમિશન મંજૂર રાખવામાં નહીં આવે.
પંચાયતને આ તસવીરો તાકીદે જોઈતી હોવાથી આ અસાઈનમેન્ટ માટે તમે થોડો સમય ફાળવી શકશો?
આભાર. તમે ક્યારે એ કરી શકશો એ જણાવવા વિનંતી.
શુભેચ્છાઓ
સાથે,
હોમાય વી."
(પત્ર નીચે મૂકેલો છે)
'કમિશન'ને લગતી મજાક તેમની ગમતી મજાક હતી. આ પત્રમાં પણ એ તેમણે કરેલી જોઈ શકાય છે. 'તમારું કમિશન કેટલું?', 'કમિશન આપવામાં નહીં આવે', 'નો કમિશન પ્લીઝ' વગેરે વાક્યો તે વાપરતાં અને અમે એ મુજબ તેના જવાબ આપતાં.
'કમિશન કંઈ તમને ઓછું કહેવાનું હોય?', 'અમારે તો કમિશન બારોબાર જમા થઈ જાય. તમારી દેખતાં ન લઈએ.', 'ચાલો, આ વખતે કમિશન જતું કર્યું, બસ?' જેવા જવાબો અમે આપતાં અને એ રમૂજનું વર્તુળ પૂરું કરતાં.
કાર સાથે તેમની તસવીર અહીં મૂકી છે સિવાયની પણ એક છે. તેમણે કદાચ આ જ તસવીરની વાત કરી હશે એમ માનું છું.

No comments:

Post a Comment