Sunday, November 18, 2012

ફિલ્મ સાથે સંકળાયેલી, છતાં ફિલ્મની નહીં એવી જાહેરખબરો


ફિલ્મઉદ્યોગનું આ શતાબ્દિ વરસ ચાલી રહ્યું છે. પાછલાં સો વરસ પર નજર નાંખતાં એટલો ખ્યાલ આવે છે કે આ ગાળામાં ફિલ્મ મુખ્યત્વે મનોરંજનના માધ્યમ તરીકે વધુ ઉપસી છે. વર્તમાન સમયમાં મોટે ભાગે તે ગ્લેમરનો જ પર્યાય બની રહી છે, એમ કહેવામાંય ખોટું નથી. આને કારણે ફિલ્મ અંગેની વાત હીરોઈનો- હીરો અને અન્ય જાણીતા ચહેરાઓના વિવિધ મુદ્રાવાળા ફોટોગ્રાફ્સ અને તેમની વિગતો પૂરતી મોટે ભાગે મર્યાદિત થયેલી જોવા મળે છે. પડદા પાછળના કસબીઓમાં બહુ બહુ તો ગીતકાર, સંગીતકાર, ગાયક સુધી વાત જાય. 
 ફિલ્મ મેગેઝીનોમાં ફિલ્મને લગતી જાહેરખબરો જોવા મળે તેમાં પણ નવી ફિલ્મના રિલીઝની કે રિલીઝ થયેલી ફિલ્મોની રજત જયંતિ કે સુવર્ણ જયંતિની ઉજવણીની જાહેરખબરો વધુ જોવા મળે છે, તે પણ આ જ કારણે. જો કે, ફિલ્મનાં સામયિકોમાં હવે મુખ્યત્વે સૌંદર્ય પ્રસાધનોની જાહેરખબરો વધુ જોવા મળે છે. 

ફિલ્મને આપણે 'ઉદ્યોગ' કહીએ છીએ. આ ઉદ્યોગ માટે અન્ય કેટલીય ચીજો જરૂરી છે. તેની જાહેરખબરોનું શું? ફિલ્મને લગતા ટ્રેડ મેગેઝીનમાં એ આવતી હશે, પણ મુખ્ય ધારાના ફિલ્મ સામયિકોમાં તેનું પ્રમાણ કેટલું? 

આવો વિચાર આવતાં એવી જાહેરખબરો શોધવાનો ઉદ્યમ આરંભ્યો, કે જે  હોય ફિલ્મ સાથે સંકળાયેલી બાબતોની, છતાંય ફિલ્મની રિલીઝની કે જયંતિની પ્રચલિત જાહેરખબર તે ન હોય. 
આ ઉદ્યમનું પરિણામ તે આ પોસ્ટ. 
અહીં જોઈએ કેટલીક એવી જાહેરખબરની માત્ર ઝલક, જે વિવિધ સમયગાળાની છે. 

*** 

સાઉન્‍ડ સિસ્ટમની આ જાહેરખબર 'બે ઘડી મોજ'ના ૧૯૨૮ના અંકની છે. 



'સાગર મુવિટોન'ની ફિલ્મ 'જાગીરદાર' (૧૯૩૭) નો નિખાલસ અને સાચો અભિપ્રાય મેળવવા માટે આવી સ્પર્ધા રાખવામાં આવી હતી. પ્રશ્નપત્રની જેમ તેમાં દરેક સવાલના જવાબ માટે ગુણ પણ નક્કી કરવામાં આવ્યા હતા. 



આગળ જતાં 'સાગર મુવિટોન'નું વિલીનીકરણ 'નેશનલ સ્ટુડિયોઝ'માં થયું. આ પ્રથા ત્યાં પણ ચાલુ રહી. ફિલ્મની કથા મંગાવવાની સ્પર્ધાની આ જાહેરખબર  ડિસેમ્બર, ૧૯૪૫ના ''ફિલ્મ પિક્ટોરીયલ'માં આવેલી. એ પછી થોડા જ સમયમાં નેશનલ સ્ટુડિયો સમેટાઈ ગયો. 



૧૯૪૯માં પ્રકાશિત થયેલી આ જાહેરખબરમાં 'નેશનલ'ની તમામ ફિલ્મોના હક્ક વેચવા માટે કઢાયા હતા. 



થિયેટરનાં સાધનોની સર્વિસ અંગેની આ જાહેરખબર 'ફિલ્મ ઈન્‍ડીયા'માંથી લીધી છે. 



ફિલ્મના ફાઈનેન્‍સીંગની સાથેસાથે હવે ડીસ્ટ્રીબ્યુશનનું કામ પણ શરૂ કર્યું હોવાની જાણ કરતી આ જાહેરખબર 'ફિલ્મફેર' ((ડિસેમ્બર, ૧૯૫૨) માં આવી હતી. 




એ જ અંકમાં આવેલી અન્ય બે જાહેરખબરો જોવા જેવી છે. 'નવા ચહેરા જોઈએ છે' પ્રકારની આ જાહેરખબર ૧૯૫૨માં આવતી હતી એ રીતે આજે ૨૦૧૨માં પણ અખબારોમાં વાંચવા મળી જાય છે. 



કોઈ ચોક્કસ ફિલ્મ માટે કલાકાર જોઈતા હોય એવી જાહેરખબર પણ મળી આવે. ૨૬ ડિસેમ્બર, ૧૯૫૨ના 'ફિલ્મફેર'માં આવેલી ખ્વાજા અહેમદ અબ્બાસની ફિલ્મ 'મુન્ના' માટે બાળ કલાકાર જોઈતા હોવાની આ જાહેરખબર જુઓ.  



આ ફિલ્મમાં 'મુન્ના'ની ભૂમિકા માટે માસ્ટર રોમીની પસંદગી થઈ હતી. અને ફિલ્મ રિલીઝ થઈ હતી ૧૯૫૪માં. 


૧૬ મિ.મી.નાં પ્રોજેક્ટરનો યુગ સી.ડી./ ડી.વી.ડી.ના આગમન સાથે લગભગ આથમી ગયો હશે, પણ ત્યારે એની બોલબાલા હતી, એમ લાગે છે. 


*
ઘેર બેઠાં સિનેમા થિયેટરનો આનંદ- અને એ પણ કુલ ૧૫ રૂપિયામાં! પણ ૧૫ રૂપિયા આજના નહીં, ૧૯૫૨ના. હોમ થિયેટરની આજની કિંમતના પ્રમાણમાં કેટલી કહેવાય? કોઈ આઈડિયા? 



પ્રોજેક્ટરના ભાગ હવે નવા ભાવમાં! 



ફિલ્મોની સફળતામાં લેબોરેટરીનું પણ મહત્વ સમજાવતી આ જાહેરખબર 'છાયા'ના દીપોત્સવી અંક (૧૯૬૦) માં પ્રકાશિત થઈ હતી. 



પોસ્ટ પ્રોડક્શનની સુવિધાઓ પૂરી પાડતા સ્ટુડિયોની આ જાહેરખબર પણ ૧૯૬૦ની છે. ત્યારે 'ડબિંગ' અને 'રીરેકોર્ડિંગ' જેવા શબ્દ ચલણમાં આવી ગયા હતા.  



આ બન્ને જાહેરખબરો રસ પડે એવી છે. ૧૧ માર્ચ, ૧૯૬૦ ના 'ફિલ્મફેર'માં આવેલી આ જાહેરખબરમાં દુષ્યંત અને શકુંતલાની મુખ્ય ભૂમિકા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. 



અને ત્યાર પછીના જ ૨૫ માર્ચ, ૧૯૬૦ ના અંકમાં પાત્રો પસંદ થઈ ગયાં હોવાથી કોઈએ અરજી ન મોકલવા માટેની વિનંતી કરવામાં આવી છે. આ મુખ્ય ભૂમિકા વી. શાંતારામે પોતે અને તેમનાં પત્ની સંધ્યાએ જ ભજવી હતી અને ફિલ્મ 'સ્ત્રી' ના નામે તે ૧૯૬૧માં રજૂ થઈ હતી. જાહેરખબર આપ્યા પછી શાંતારામે વિચાર બદલી નાંખ્યો હશે? કે ફિલ્મના બજેટને ઘટાડવાના ભાગરૂપે આમ કરાયું હશે? કોને ખબર? 



આવાં તો કેટલાંય સાધનો થિયેટરમાં વપરાતાં હશે! 



સાધનોની સાથે સાથે કાચી ફિલ્મની આ જાહેરખબર ૧૯૬૧ માં જોવા મળતી. કાચી ફિલ્મની ક્વોટા પ્રથા ત્યારે નજીકનો ભૂતકાળ બની ગઈ હશે. 



અભિનયક્ષેત્રે  કારકિર્દી બનાવવા માટે વરસે ૩,૦૦૦/- રૂ.ની કોર્પોરેટ સ્કોલરશીપ આપવામાં આવશે- પણ કેવળ મહિલાને! ૧૯૭૦માં આ જાહેરખબર પ્રકાશિત થઈ ત્યારે 'એફ.આઈ.આઈ, પૂના' નો આરંભ થયે દસ વરસ થયાં હતાં. હજી એક વરસ પછી તેનું નામ બદલાઈને 'એફ.ટી.આઈ.આઈ.' થવાનું હતું. 


એક બાબત આ ખાંખાંખોળાં દરમ્યાન ઉડીને આંખે વળગી તે એ કે ફિલ્મને લગતા મુખ્ય ધારાના સામયિકોમાં ફિલ્મો સિવાય ફિલ્મને લગતી અન્ય બાબતની જાહેરખબરનું પ્રમાણ આરંભિક વરસોમાં વિપુલ પ્રમાણમાં હતું, જે વરસો વીતતાં ઘટતું ચાલ્યું છે અને છેલ્લા એકાદ બે દાયકામાં તો તે સાવ નહીંવત્ જોવા મળે છે. ફિલ્મને લગતાં ટ્રેડ મેગેઝીનોનો આમાં સમાવેશ નથી કર્યો. 

8 comments:

  1. વાહ બીરેન ભાઈ , બહુ સરસ , બહુ અનોખી માહિતી....ધૂળ ધોયા જેવું કામ કરવા બદલ અભિનંદન. એક ઉમેરણ : ફિલ્મ ટ્રેડ મેગેઝીનમાં મુખ્યત્વે ફિલ્મ નિર્માણને લગતી જ જાહેરખબરો આવે છે. ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલી અન્ય સામગ્રીની જાહેરખબર કદાચ ક્યાંય નથી આવતી...!!

    ReplyDelete
    Replies
    1. આભાર, રાજુભાઈ, ઉમેરણ બદલ!

      Delete
  2. બિરેનભાઈ,

    સર્વાંગ સુંદર સંપૂર્ણ માહિતી આપતો લેખ, ભલે નમુના માણવા મળ્યા
    પણ રસ તો આખી રસોઈ જમ્યાનો આવ્યો જુના સંભારણા તો અલગ

    દાદુ શિકાગો


    ReplyDelete
  3. કોઈ વીષય માટેનો જબરદસ્ત ભક્તીભાવ વીના આવું કામ થઈ શકે કે ?
    કેવી દીર્ઘદૃષ્ટી, કેટલો પરીશ્રમ, માહીતી એકત્ર કરવાની ખાંખત !
    હું તો વીસ્મીત છું !!
    ..ધન્યવાદ...

    ReplyDelete
  4. Enjoyed old ads. I have box camera as shown in ad.

    ReplyDelete
  5. rare itself.so many things to be known from old advetisements regarding old atmoshere.very good. pl.keep continue.rare indeed.

    ReplyDelete