Thursday, November 29, 2012

આ નાકમાં તો શ્લેષ્મનો સ્તંભ છે, હમણાં ટપકશે; એને ખંખેરવા બેસું તો વરસોનાં વરસ લાગે.



આઝાદી મળી એ અગાઉ આપણો દેશ ગુલામ હતો, જેનું સંચાલન અંગ્રેજો દ્વારા થતું હતું.કારણે તમામ બાબતોમાં અંગ્રેજીયત જણા આવતી હતી. જો કે, અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયે આપણા દેશને છ દાયકા કરતાંય વધુ સમય વીતી ગયો, છતાં હજીય ઘણા લોકોને એ બાબતનો ખ્યાલ નથી.  આની સીધી અસર આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા અંગેના જ્ઞાન પર થઈ છે. આપણા અસલી અને ભવ્ય સાંસ્કૃતિક વારસાથી આપણે અજાણ જ રહી ગયા છીએ. આપણે ભલે રાજી થઈએ કે યોગ, અધ્યાત્મ, આયુર્વેદ વગેરે જેવી ભારતીય ચીજોનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે, પણ ખરું પૂછો તો તેના માર્કેટીંગમાં ક્યાંય ભારતીય તરીકાઓ જોવા મળતા નથી. આવા સંજોગોમાં જરૂર છે આપણા ખરેખરા સાંસ્કૃતિક વારસાને ઓળખવાની, તેનો અભ્યાસ કરવાની અને તેને દુનિયા સમક્ષ રજૂ કરવાની.
અરે દીવાનોં! મુઝે પહચાનોં! 
સૌ જાણે છે એમ દુનિયામાં અન્યત્ર શોધાયેલી અને શોધાવાની બાકી છે એવી તમામ ચીજો હજારો વરસો અગાઉ ભારતમાં શોધા છે, એટલું જ નહીં, બલ્કે વપરાઇને ફેંકા ચૂકી છે. પણ અમુક બાબતો એવી છે, જે વરસોથી અમલમાં હોય, લોકો તેનાથી પરિચીત હોય અને છતાં સાંસ્કૃતિક વારસા તરીકે તેની ઓળખ થવાની બાકી હોય. કવિ ઈકબાલે જે તે સમયે લખેલું, ક્યા બાત હૈ કિ મીટતી હસ્તી નહીં હમારી’. આ વાક્યને અંતે પ્રશ્નાર્થચિહ્ન છે કે આશ્ચર્યચિહ્ન, એ તો કવિને જ પૂછવું પડે. અને કવિ વરસો અગાઉ ખુદાને પ્યારા થઈ ગયા છે. એટલે હાલ આપણે એ વાત પર પૂર્ણવિરામ મૂકીએ. યૂનાનો-મિસ્ર-રોમાં જેવી મહાન સંસ્કૃતિઓનો અસ્ત થઈ જાય અને આપણી હસ્તી કોઈ મિટાવી ન શકે એવી તો શી બાબત છે આપણી સંસ્કૃતિમાં? બીજી અનેક બાબતો પર ઈતિહાસકારો કે સમાજશાસ્ત્રીઓ યા કોલમીસ્ટ મિત્રો વખતોવખત પ્રકાશ પાડતા રહ્યા છે, છતાં એક બાબત તેમના સૌના ધ્યાનબહાર રહી ગઈ છે. આપણી  સંસ્કૃતિને સાચા અર્થમાં રજૂ  કરતી એ બાબત એટલે છીંકવાની ક્રિયાની આપણા સમાજમાં સ્વીકૃતિ, તેનું મહત્વનું સ્થાન અને તેની શાન.
ટલું વાંચીને ઘણા નાકનું ટીચકું ચડાવશે. (અને કદાચ છીંકવાની તૈયારી કરશે.) ઘણા એને વાંચ્યા વિના પણ ટીચકું ચડાવશે. કો એમ કહેશે કે માત્ર છીંકવું જ શા માટે, થૂંકવું પણ આવી જ સાંસ્કૃતિક બાબત છે. વાત સાચી, પણ એટલું સ્વીકારવું રહ્યું કે થૂંકવા અંગે જેટલું સંશોધન થયું છે,ના સોમા ભાગનુંય સંશોધન છીંકવા અંગે થયું નથી. (થૂંક વિષે વિષદ્‍ છણાવટ સાથેનો સંશોધન લેખ વાંચવા અહીં ક્લીક કરો. http://birenkothari.blogspot.in/2011/11/blog-post_25.html) એ વાત જુદી છે કે સંશોધન જગતમાં આ સંશોધનની જોઈએ એવી નોંધ લેવામાં આવી નથી. કદાચ વિવેચકોએ એને થૂંકવામાં કાઢી નાંખ્યો હોય એ શક્યતા પણ ખરી. એમ તો આ લેખને પણ તેઓ ખંખેરી નાંખે એવી સંભાવના નકારી કઢાય એમ નથી. પણ એવો વિચાર કરીએ તો સંશોધન થઈ જ ન શકે. છીંકવા અંગે ખાસ સંશોધન નથી થયું એનું કારણ સ્પષ્ટ છે. અમુક અભ્યાસુઓ થૂંકવાની ક્રિયાને ટેસ્ટ મેચ સાથે સરખાવે છે, જ્યારે છીંકવાને વન-ડે ક્રિકેટ મેચ સાથે. જૂના જમાનાના અમુક લોકો હજીય વન-ડે મેચને ક્રિકેટના સાચા સ્વરૂપ તરીકે સ્વીકારી શકતા નથી. અને છતાંય તેના પ્રભાવને અવગણી શકાતો નથી. એવું જ છીંકવાની ક્રિયાનું છે.
વાસ્તવમાં છીંકવું એ ક્રિયા નહીં, પણ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાના હકનો દેશના બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. છતાં દેશનો કોઈ પણ નાગરિક, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે છીંકી શકે છે. તેના માટે કોઈ વયમર્યાદા નથી કે નથી અન્ય કશી સામગ્રીની આવશ્યકતા. આ પ્રક્રિયામાં એક જ ચીજની આવશ્યકતા છે અને એ છે નાકની. બસ, જે તે વ્યક્તિ પાસે નાક પોતાનું હોવું જોઈએ. અહીં નાક હોવુંનો સામાજિક નહીં, પણ શારિરીક અર્થ ધ્યાનમાં લેવાનો છે. સામાજિક અર્થ ધ્યાનમાં લઈએ તો કહી શકાય કે કપાયેલા નાકવાળી વ્યક્તિ પણ છીંકવાનો વૈભવ ભોગવી શકે છે. છીંકવાનો વૈભવ હોઈ શકે? આવો સવાલ કોઈને થાય એ અગાઉ જ એનો ખુલાસો આપી દેવો જરૂરી છે. કીચડ જેવી ચીજમાં કાકાસાહેબ જેવા સમર્થ નિબંધકારને સૌંદર્યબોધ થતો હોય તો છીંકવાની ક્રિયામા વૈભવ કેમ ન હોઈ શકે? બલ્કે આવી તુચ્છ મનાતી ચીજોમાં ઉચ્ચ ચીજનાં દર્શન કરવાથી જ સમર્થ નિબંધકાર બની શકાય છે. લાંબા સમય સુધી નિબંધો લખતા રહેવાથી આપમેળે (બાય ડિફોલ્ટ) જ ચિંતકનો દરજ્જો પ્રાપ્ત થઈ જાય છે. બસ, એક વાર ચિંતક બની ગયા પછી વિષયો માટે ફાંફા મારવા જવાની જરાય ચિંતા નહીં! એરિસ્ટોટલથી લઈને એન્‍કાઉન્‍ટર સુધીના, ઝેબ્રાથી લઈને ઝાકળ સુધીના કોઈ પણ વિષયને ગમે તે લેખમાં સ્વચ્છંદપણે ઢસડી લવાય તો પણ કોઈ પૂછનાર નહીં. એક કલમજીવી માટે આ કેવડો મોટો વૈભવ કહેવાય એ બિચારા વાચકો શું જાણે!
હવે ચિંતકસહજ ડેમો આપવાનું છોડીને મૂળ વાત પર આવીએ. આપણે વાત છીંકવાની કરતા હતા. વરસાદ આવતાં પહેલાં વાદળનો ગડગડાટ થાય, સૂતળી બોમ્બ ફૂટતાં પહેલાં તેની દીવેટની સરસરાટી થાય એ જ રીતે છીંક આવતાં અગાઉ નાકમાં સળવળાટ પેદા થાય છે. સળવળાટ કુદરતી પણ હોઈ શકે અને કૃત્રિમ પણ હોઈ શકે. જેવી જેની શ્રદ્ધા!
છીંક આયે યા ન આયે, લાની ચાહિયે 
ઘણા લોકો સ્વનિર્ભર પ્રકૃતિના હોય છે. કદાચ નાસ્તિક કે અશ્રદ્ધાળુ પણ હોય તો નવાઈ નહીં. આવા લોકો સળવળાટ પેદા થાય એના માટે ઈશ્વર યા કોઈ ગેબી શક્તિમાં શ્રદ્ધા નથી રાખતા. તેઓ પ્રારબ્ધવાદી નહીં, પણ પુરુષાર્થવાદી હોય છે. તેઓ હાથરૂમાલના એક ખૂણાને વળ ચડાવીને તૈયાર કરે છે. એ રીતે તેના છેડાને અણિદાર બનાવે છે. જાણે કે રણમોરચે જતો યોદ્ધો શસ્ત્રો ન સજાવતો હોય! રૂમાલના આ અણિદાર છેડાને તેઓ હળવેકથી પોતાના નસકોરામાં પ્રવેશ કરાવે છે. અલબત્ત, ભારતમાં આજકાલ આરોગ્ય બાબતે પ્રશંસનીય જાગૃતિ આવી રહી છે. આરોગ્યની વાત આવે તો લોકો વધુ પૈસા ખરચતા પણ અચકાતા નથી. અરે, ઘણા લોકો તો એ હદે જાગૃત થઈ ગયા છે કે તેમને લાગવા માંડ્યું છે કે કોઈ પણ ચીજ પાછળ વધુ પૈસા ખરચીએ એટલે આપમેળે આરોગ્ય બાબતે જાગૃતિ આવી જાય છે. આવા સ્વચ્છતા અને આરોગ્યપ્રેમી લોકો જાણે છે કે પોતાના હાથરૂમાલમાં કેટકેટલા બેક્ટેરિયા અને વાઈરસ મોજૂદ હોય છે. આથી તેઓ હાથરૂમાલની અવેજીમાં અન્ય વિકલ્પ તરીકે પાતળી સળી કે બોલપેનના ઢાંકણાની પાતળી અણીની સહાય લેતાં પણ ખચકાતા નથી. નાકમાં સળવળાટ પેદા કરવાના કામને ફેસબુક પર નિયમીતપણે સ્ટેટસ અપડેટ કરતા લોકો સાથે સરખાવી શકાય. કોઈ લાઈક મળે કે ન મળે, નિયમીત સ્ટેટસ અપડેટ કરતા જ રહેવું પડે, એમ છીંક આવે કે ન આવે, સળવળાટ પેદા થાય એ જરૂરી છે.
એક વાર સળવળાટ પેદા થઈ જાય ત્યાર પછીનો તબક્કો છે છીંકવાના ક્ષેત્રનો તાગ લેવાનો. સળવળાટ પરથી જે તે વ્યક્તિને ખાતરી થઈ જાય કે હવે છીંકનું અવતરણ થવાની તૈયારી છે. એ ક્ષણે તે વ્યક્તિ પોતાની આંખો વડે આજુબાજુના વિસ્તારનો તાગ લે છે. કોઈ બોલરનો બોલ નંખાતા અગાઉ બેટ્સમેન મેદાન પર ચોફેર નજર ફેરવીને તેને કયા વિસ્તારમાં ફટકારવો એ જુએ છે એ જ રીતે છીંકનાર વ્યક્તિ પણ પોતાની છીંકના છાંટા કેટલા વિસ્તારને આવરી લેશે એ વિચારે છે.
ત્યાર પછી આવે છે સૌથી કટોકટીભર્યો તબક્કો. ઘણા લોકો ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ ચેતન ચૌહાણ જેવા હોય છે. નેવું રન વટાવી ગયા પછી અનેક વખત નર્વસ નાઈન્ટીનો ભોગ બનીને ચેતન ચૌહાણ આઉટ થઈ જતા અને સદી ચૂકી જતા, એમ આ તબક્કે પહોંચ્યા પછી ઘણા લોકો છીંક ચૂકી જાય છે. પોતાની નર્વસનેસ છુપાવવા આવા લોકો તરત જ હાથરૂમાલને નાક આડે દબાવી દે છે. પોતે સમાજમાં મોં દેખાડવા લાયક નથી રહ્યા, એવી મૂળ ભાવનાનું આ પ્રતિક હશે. આ ચેષ્ટા દર્શાવે છે કે છીંકવું પણ આપણા સમાજમાં ક્યારેક સામાજિક પ્રતિષ્ઠા સાથે સંકળાયેલું હશે, જેનું હવે સંસ્કૃતિ કે ધર્મને લગતી બીજી દરેક બાબતોની જેમ કેવળ પ્રતિકાત્મક અમે ક્રિયાત્મક મહત્વ રહી ગયું છે.
આથી વિરુદ્ધ ઘણા વીરલાઓનો દેખાવ ડોન બ્રેડમેન જેવો હોય છે. (આજકાલ સચીન તેંડુલકરનું ઉદાહરણ આપવામાં જોખમ છે.) આવા વીરલાઓ નેવું રન વટાવ્યા પછીય તદ્દન સ્વસ્થતાપૂર્વક રમે અને સદી પૂરી કરે, એમ ઘણા લોકો છીંક સુધી પહોંચવાના પ્રાથમિક તબક્કાઓ વટાવ્યા પછી છીંક ખાવાની ક્રિયા સફળતાપૂર્વક સંપન્ન કરે છે.
છીંક ખાઈ, કોઈ ચોરી નહીં કી,
છુપછુપ નાક લૂછના ક્યા 
તેઓ પોતાની ગરદનને સહેજ પાછળ ઝૂકાવે છે, આંખો સહેજ મીંચે છે, મોં પહોળું કરે છે અને જોરથી છીંક ખાય છે. આ ક્રિયા દરમ્યાન ક્યારેક મોંમાંથી મોટો અવાજ નીકળે છે, જેને નીકળતો રોકવા અમુક લોકો પોતાના નાક પર રૂમાલ દબાવી દે છે. આવી ચેષ્ટાના બે ફાયદા છે. પોતે આવી અસભ્ય ગણાતી ચેષ્ટા રોકવાની બનતી કોશિશ કરી એમ દેખાય છે, સાથેસાથે છીંકવાથી થતો અવાજ સાંભળવાનો આનંદ પણ ઉઠાવી શકાય છે. અલબત્ત, છીંકવાથી પોતાના નાસિકાપ્રવાહીનો છંટકાવ સામેવાળા પર થવાની ભીતિ પણ રહે છે. છતાં સામાવાળાને અળખામણા થવાનું જોખમ લઈને ય તેઓ આ કાર્ય કરે છે. આમાં તેમનો બળવાખોર મિજાજ પ્રગટ થાય છે.
જો કે, શાસ્ત્રીય પદ્ધતિ અને પરંપરાના આગ્રહીઓ તો નાક આગળ કશી આડશ રાખવામાં માનતા જ નથી. અને તેઓ ખુલ્લી હવામાં જ છીંકાટે છે. એ રીતે હવામાંથી શ્વસેલા કણોને તેઓ પાછા હવાને હવાલે કરી દે છે. આ ક્રિયામાં તેરા તુઝકો અર્પણની ઉદાત્ત ભાવના સમાયેલી જોવા મળે છે.
ઘણા લોકો ચાળીસીમાં પ્રવેશતા પિતાઓ જેવા હોય છે. પ્રાચીનતા તેમને ગમતી ન હોય તો પણ તેને તેઓ ત્યાગી શકતા નથી અને આધુનિકતા પસંદ હોય તો પણ તેને ખુલ્લેઆમ અપનાવી શકતા નથી. આવા લોકો છીંક આવી જાય ત્યાર પછી જ નાક આગળ હથેળી લઈ આવે છે. આને કારણે સામે રહેલી વ્યક્તિ પર છાંટા ઉડે તેને એમ લાગે છે કે આ ભાઈ કે બહેનને છીંક વહેલી આવી ગઈ હશે. સામે પક્ષે છીંક ખાનારને એટલો આત્મસંતોષ રહે છે કે આપણે આપણી અસલ પરંપરાને ત્યાગી નથી, તેમ સામેવાળા પર આપણી સભ્યતાની છાપ પણ છોડી શક્યા છીએ.

આપણી અન્ય ઘણી બાબતોને આધુનિકતાનું ગ્રહણ લાગ્યું છે, અને આધુનિક દેખાવાની લ્હાયમાં લોકો પોતાની અસલિયત વીસરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમ આ ક્રિયા સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે પણ થયું છે. આવા લોકો છીંક ખાતી વેળાએ સૌથી પહેલાં તો સામેવાળા તરફથી પોતાનું મોં ફેરવી લે છે. જાણે કે પોતે મોં દેખાડવાને લાયક ન રહ્યા હોય એમ! ત્યાર પછી નાક આગળ હથેળી આડી ધરીને કોઈ ગેરકાનૂની કૃત્ય જાહેરમાં કરવું પડતું હોય એવા ક્ષોભ અને સંકોચ સાથે સાવ આસ્તે રહીને છીંક ખાય છે. એમ બને કે આમાંના ઘણા લોકો કદાચ ગેરકાનૂની કૃત્યો છીંક ખાવા જેટલી સહજતાથી કરતા હોય.
પુરાવાનો નાશ કરવાની શરમજનક કવાયત   
અગાઉ કહ્યું એમ આ ક્રિયા નહીં, પણ આખી પ્રક્રિયા છે. એટલે છીંક આવી જવાની સાથે વાત સમાપ્ત થઈ જતી નથી. થ્રીલર ફિલ્મોમાં દેખાડાય છે એમ ગુનાહિત કૃત્ય કર્યા પછી પુરાવાનો નાશ કરતા ખૂનીની જેમ છીંક આવી ગયા પછી વ્યક્તિ હાથરૂમાલ લઈને પોતાના નાકને એ રીતે લૂછે છે, જાણે કે છીંકના પુરાવાઓનો નાશ કરી રહ્યો હોય.
આ ક્રિયાના પણ અનેક પ્રકાર છે. (પરંપરા કોને કહી!)
ઘણા લોકો અંગૂઠા અને પ્રથમ આંગળી વડે નાકને દબાવે છે અને ટ્યૂબમાંથી છેલ્લે દબાવી દબાવીને પેસ્ટ કાઢતા હોય એમ નાકમાં રહેલા પ્રવાહીને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. આ રીતે જેટલું પ્રવાહી બહાર આવે તેને પોતે જ્યાં બેઠા હોય એ બેઠકની નીચેના ભાગમાં લૂછી લે છે. અમુક જણા વાયુદેવતાને અર્ઘ્ય આપતા હોય એમ તેનો ખુલ્લી હવામાં છંટકાવ કરે છે. કેટલાક સ્વમાની અને સ્વાવલંબી લોકો આવી કોઇ બાહ્ય બાબત પર આધાર રાખવાને બદલે આ પ્રવાહીને પોતાના માથાના વાળ પર લૂછીને સંતોષ અને આત્મગૌરવની લાગણી મહેસૂસ કરે છે. આવા લોકોના ચહેરા પર દૈવી તેજ ફેલાય કે ન ફેલાય પણ તેમના નાક પર દૈવી લાલાશ અવશ્ય પ્રસરે છે.
ધ્વનિનું ત્રીજું પરિમાણ 
પ્રયોગના શોખીન એવા ઘણા ઉત્સાહીઓ આ પ્રક્રિયામાં સાઉન્ડનું ત્રીજું પરિમાણ ઉમેરે છે. આને કારણે આખું વાતાવરણ રણમેદાન જેવું લાઈવ બની રહે છે. કેમ કે, આવા અવાજો સામેવાળાને ઘોડા, ઉંટ કે અન્ય પ્રાણીઓની હણહણાટીની યાદ અપાવે છે.
છીંકવાની આખીય પ્રક્રિયામાં ચોંકાવનારું વૈજ્ઞાનિક સત્ય એ છે કે છીંકવાને શરદી સાથે કશી લેવાદેવા નથી. મતલબ કે શરદી થાય એટલે છીંક આવતી હશે, પણ છીંક આવે એ માટે શરદી થઈ હોવી જરૂરી નથી.
આપણા અન્ય સાંસ્કૃતિક વારસાની જેમ આ સાંસ્કૃતિક વારસાની જાળવણી બાબતે પણ આપણા લોકો જરાય સભાન નથી. એનું મૂળ કારણ એ જ છે કે આ બાબત સાંસ્કૃતિક વારસા તરીકે હજી સુધી કોઈના ધ્યાન પર આવી જ નથી. એક શક્યતા એ પણ છે કે આ બાબતને સાંસ્કૃતિક વારસા તરીકે ઘોષિત કરવામાં આવે તો તેનું મૂલ્ય અને મહત્વ અચાનક વધી જાય. દેશવિદેશમાં તેનો પ્રચારપ્રસાર એ હદે થવા લાગે કે લાંબેગાળે આપણા દેશના લોકોનો તેની પરનો એકાધિકાર ગુમાવી બેસે. અને એ ચીજ દુર્લભ બની જાય. આવી ભીતિને કારણે પણ આમ થયું હોય એ બનવાજોગ છે.
"એક્સક્યુઝ મી, સોરી! હા...ક  છીં!" 
દુ:ખ એ વાતનું છે કે વિદેશમાં રહીને પોતાની ભારતીયતા માટે ગૌરવ અનુભવતા લોકો પણ છીંક ખાધા પહેલાં કે પછી સામેવાળાને સોરી કહેતા થઈ ગયા છે. પરદેશમાં રહેવાનો એ કદાચ તકાદો હશે, તેથી એમની સામે બહુ વાંધો ન લઈ શકાય. પણ ખરી તકલીફ એ છે કે એમનું જોઈને ભારતમાં રહેતા આપણા લોકો પણ હવે વિદેશી દેખાવાની લ્હાયમાં છીંક ખાધા પહેલાં કે પછી એક્સક્યુઝ મી કે સોરી જેવા શબ્દપ્રયોગો કરવા લાગ્યા છે. કેમ જાણે છીંક માટેના પરવાનાની અરજી ન કરતા હોય! આશ્વાસન હોય તો એક જ વાતનું છે. એક્સ્ક્યુઝ મી કે સોરી બોલ્યા પછી પણ તેઓ છીંક ખાય છે જ. કવિ ઈકબાલની પેલી પંક્તિઓનો જવાબ કદાચ અહીંથી મળી રહે છે. તેથી જ લાગે છે કે યૂનાનો-મિસ્ર-રોમાંની સંસ્કૃતિ ભલે ગઈ. હજી બીજી કેટલીય સંસ્કૃતિઓ આવશે ને જશે, પણ છીંકવાની આપણી સંસ્કૃતિ સદીઓ સુધી ટકી રહેશે, અને વિશ્વભરમાં આપણી સંસ્કૃતિનો ધ્વજ લહેરાવતી રહેશે. 

(શીર્ષક પંક્તિ: સ્વ. મનોજ ખંડેરીયાની ક્ષમાયાચના સાથે 
મૂળ શે'ર: આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં ઓગળશે, 
એને ખોડવા બેસું તો વરસોના વરસ લાગે.) 

(નોંધ: તમામ તસવીરો પ્રતીકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે.) 

6 comments:

  1. છીંક પર આટલું બધું લખી શકાય તે જાણીને આનંદ થયો. મઝાનો આર્ટિકલ બન્યો છે.

    ReplyDelete
  2. રજનીકુમારNovember 29, 2012 at 8:37 PM

    સરસ હાસ્યલેખ છે !

    ReplyDelete
  3. બિરેનભાઈ ,

    એક તો શરદીની મોસમ અને છીંકનો હળવો લેખ !! ક્યા બાત હૈ? કોઈને અપશુકન કરાવવા તો લખ્યો નથીને? આજે લગનગાળો ભરચક્ક છે, ધ્યાન રાખજો . ( શરદી થઈ હોય તો )

    ReplyDelete
  4. ભરતકુમાર ઝાલાNovember 30, 2012 at 6:56 PM

    બિરેનભાઈ, મજા આવી. મનોજ ખંડેરિયા, કાકાસાહેબ અને ઈકબાલને સાંકળીને જમાવટ કરી. અહીં કર્તા કરતાં ક્રિયા ચડી જાય છે. આ સંશોધનને શાસ્ત્રીય અભ્યાસ કહેવાય કે શું? થાય છે કે તમને હવે આપણી બધી જ ક્રિયાઓના હવાલે કરી દેવા જોઈએ, પણ એમાં જોખમ છે. એટલે પસંદગી તમારા પર છોડું છું. પણ આ પ્રકારના સંશોધનના વિષયોનો વ્યાપ વિસ્તારતા રહેજો.

    ReplyDelete
  5. વાહ, બિરેનભાઈ...છીંકે ચડ્યો તે લેખ.....:)

    ReplyDelete
  6. કનકભાઈ રાવળDecember 1, 2012 at 1:21 AM

    "તમારી "Tongue in cheek( સાહિત્યક બાંગા?)" નિબંધિકા વાંચીને મજા આવી.
    ‘ક્યા બાત હૈ કિ મીટતી હસ્તી નહીં હમારી’ તે તો શાયરે આપણી ગુજરાતી કહેવત
    "સાપ ગયા પણ લિસોટા રહ્યા" તે સાંભળીને કરી હતી તે ભુલી ગયા??? (હા.હા,હા...).
    બીજી એવી જ કહેતી "ચકલી નાની પણ ફૈડકો મોટો" તે પણ યાદ આવે છે.

    ReplyDelete