Tuesday, October 25, 2011

ડેલહાઉસી: સુસ્તી, સાદગી અને સૌંદર્ય (૧)


બ્લોગના સૌ મુલાકાતીઓ અને વાચકોને દિવાળી તેમજ નવા વર્ષ નિમિત્તે હ્રદયપૂર્વક શુભેચ્છાઓ 



હિમાલયની ધૌલાધાર પર્વતમાળાના એક વિશિષ્ટ સ્થળની મુલાકાતનો આસ્વાદ) 

દેવની ભૂમિમાં માનવીનો પ્રવાસ
પ્રવાસન નિગમ તેમજ અખબારો હિમાચલ પ્રદેશને દેવભૂમિકે દિવ્યભૂમિતરીકે ઓળખાવે છે. અનેકવિધ ભૌગોલિક વિવિધતાઓ તેમજ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ રાજયમાં ઠેરઠેર આવેલા મંદિરોની સંખ્યા જોતાં આ નામ સાચું પડતું લાગે. નાસ્તિક મિત્રો દેવભૂમિને બદલે મંદિરભૂમિકહે તો એમ. આ મંદિરોમાં કષ્ટ લઇને દર્શનાર્થે જતા સ્થાનિક શ્રદ્ધાળુઓ તેમજ સાઇટસીઇંગના સ્થળ તરીકે જોવા જતા પ્રવાસીઓને કારણે મોટા મોટા પહાડો પર બનાવાયેલાં નાનાં નાનાં મંદિરોમાં માણસોની તેમજ નાણાંની આવક થતી રહે છે.
દેવભૂમિમાં શ્રદ્ધાળુઓની ખોટ નથી.
કઠિન પહાડી રસ્તે મંદિર સુધી પહોંચ્યા પછી શ્રદ્ધાથી નહીં તોય કેવળ માનવતાથી પ્રેરાઇને મંદિરમાં પૈસા મૂકવાનું મન થઇ જાય એવાં સ્થાનોએ પૂજારીઓ વિષમ હવામાનમાંય પોતાની ડયૂટી બજાવતા જોવા મળે છે. આમ જોઇએ તો હિમાચલ પ્રદેશના પ્રત્યેક મંદિરની જેમ જ પ્રત્યેક હીલસ્ટેશનનો પણ નોખો મિજાજ તેમજ નોખી ઓળખ છે. શીમલા-કુલ્લુ-મનાલીનાં નામ ‘અમર અકબર એન્થની’ની જેમ સાથે લેવાતાં હોવા છતાં અમર, અકબર અને એન્થનીની જેમ જ તેમનામાં કશું સામ્ય નથી. પણ તેમનાં નામ સાથે બોલાવાનું કારણ એટલું જ કે મોટા ભાગના પ્રવાસીઓ એકબીજાથી આશરે અઢીસો કિલોમીટરના અંતરે આવેલાં આ સ્થળોને એક જ રુટમાં, ત્રણ-ચાર દિવસમાં આવરી લે છે અને તેને ‘પતાવી નાખ્યાનો’ સંતોષ લે છે. ખરું જોતાં હિમાચલ પ્રદેશનાં હીલસ્ટેશનો દોડાદોડી કરીને કોઇ પોઇન્ટ જોવા માટે નહીં, પણ ત્યાં રહીને માણવા માટેનાં સ્થળો છે. આવું જ એક નિરાંતવું હીલસ્ટેશન છે ડેલહાઉસી.
ફકત નામ જ કાફી છે!
સ્પષ્ટ છે કે આ હીલસ્ટેશનનું નામકરણ બ્રીટીશ વાઇસરોય શ્રીમાન (ઓ.કે; લોર્ડ નહીં ) ડેલહાઉસીના માનમાં રખાયું હતું, પણ તેમની અન્ય કોઇ યાદગીરી અહીં જોવા મળતી નથી. હિન્દીમાં તે ડલહૌજીતરીકે લખાય છે- ડલએટલે સુસ્ત અને હૌજીએટલે? ફૌજમાં હોય તે ફૌજી, તેમ હૌજ (હોજ)માં પડી રહે તે હૌજી. અર્થાત્, હોજમાં પડી રહેનારો સુસ્ત માણસ? ડેલહાઉસીનો નિરાંતવો મિજાજ જોતાં, પાઠયપુસ્તકમાંના પ્રશ્નોના જવાબની ભાષામાં કહીએ તો ઉપરોકત હીલસ્ટેશનનું હિન્દી નામ સર્વથા યથાર્થ છે’. જો કેપેકેજ ટુરની  પરિભાષા કહે છે, "એક દિવસ ડેલહાઉસી લોકલ અને બીજા દિવસે ચંબા-ખજિયાર. કુલ બે દિવસમાં તો ડેલહાઉસી પતી જાય."  પણ ડેલહાઉસી એમ પતાવી નાંખવાનું સ્થળ નથી. તેના ખરેખરા મિજાજને પામવા માટે આરામથી અહીં રહેવું પડે, અહીંના ઢોળાવવાળા રસ્તાઓ પર ટહેલવું પડે, કશેય પહોંચવાની ફિકર કર્યા વગર મન ફાવે ત્યાં ચાલવાનું, સારું દ્દશ્ય દેખાય ત્યાં ઉભા રહીને માણવાનું, વળી આગળ ચાલવાનું અને મન ફાવે ત્યાંથી પાછા વળી જવાનું.
સરદાર અજિતસિંહનું સ્મારક
ભૂતકાળમાં આ સ્થળે રવીન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ કે સુભાષચંદ્ર બોઝ અમથા જ આવીને નહીં રહ્યા હોય!
એમ તો  ભગતસિંહના કાકા સરદાર અજીતસિંહ પણ પોતાના જીવનના આખરી દિવસોમાં અહીં આવીને રહેલા અને ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે જ તેમણે અહીં આખરી શ્વાસ લીધા હતા. તેમનું સ્મારક પંજપુલા નામના સ્થળે ઉભું કરવામાં આવ્યું છે, સાથે તેમનો ટૂંકો પરિચય પણ લખવામાં આવ્યો છે. સુભાષબાબુની યાદમાં અહીં ‘સુભાષ ચોક’ છે અને ડેલહાઉસીનો  મુખ્ય વિસ્તાર ‘ગાંધી ચોક’ના નામે ઓળખાય છે. ડેલહાઉસી ખરેખર તો ત્રણ વિવિધ ઉંચાઇવાળા વિસ્તારમાં વહેંચાયેલું છે. અને આ તમામ સ્થળોએથી હિમશીખરોના તેમજ લીલીછમ ખીણોનાં નયનરમ્ય દ્દશ્યો નજરે પડે છે.
કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો.
ડેલહાઉસીથી માંડ પચાસેક કિલોમીટર દૂર આવેલું ચમ્બા જિલ્લાનું મુખ્ય મથક છે, એ થઇ તેની વહીવટી ઓળખ. ખરેખર તો તે ખીણમાં વસેલું હોવાથી ડેલહાઉસી કરતાં જુદો જ મિજાજ ધરાવતું નગર છે. નીચે નજર કરતાં રાવી નદી ઘૂઘવાટાભેર પસાર થતી જોવા મળે, તો ઉંચે નજર કરતાં પૃષ્ઠભૂમિમાં હીમશીખરો ટટ્ટાર ઉભેલા દેખાય. અસલનું રજવાડું તેમજ વિખ્યાત ચમ્બા શૈલીના ચિત્રોના જન્મસ્થાન એવા આ નગરનો સાંસ્કૃતિક ઇતિહાસ અહીંના ભૂરીસિંહ મ્યુઝીયમમાં સચવાયેલો જોવા મળે છે, જો એ જોવામાં રસ હોય તો!  પ્રાચીન પહાડી શૈલીનાં આકર્ષક મંદિરો પણ અહીં જોવા મળે,તેમ પ્રાચીનતા પર આધુનિકતાનો દ્દષ્ટિવિહીન ઢોળ ચડાવાયેલો પણ જોવા મળે.
પહાડી ગામ
ખજ્જિયાર થઇને ચમ્બા પહોંચવાનો રસ્તો પ્રાકૃતિક સૌંદર્યની રીતે એટલો અદભૂત છે કે ઘડીભર એમ થઇ જાય કે કયાંય પહોંચવાને બદલે સતત સફર જ કરતા રહીએ. રસ્તો ઘડીકમાં ઊંચે ચડીને સામે દેખાતા શીખરની ઊંચાઇએ આપણને પહોંચાડી દે, તો ઘડીકમાં ખીણમાં ઉતરીને શીખરો આગળ આપણે કેટલા વામન છીએ તેનો અહેસાસ કરાવે. છેક ચમ્બા પહોંચીએ ત્યાં સુધી રસ્તાની આવી રોલરકોસ્ટર જેવી મુસાફરી જોઇને રતિલાલ અનિલની ગઝલ રસ્તોઅનાયાસે યાદ આવ્યા કરે. માંડ બે માણસ ઉભા રહી શકે એટલી પહોળાઇવાળા ઢોળાવ પર પણ પગથિયાં બનાવીને વાછરડાની સાઇઝના ટચૂકડા બળદોથી ખેતી કરતા ખેડૂતોને જોઇને આશ્ચર્ય થયા વિના રહે નહીં.
ખજ્જિયાર પહાડોની વચ્ચે આવેલું વિશાળ અને લીલુંછમ સપાટ મેદાન હોવાથી તેનું માહાત્મ્ય વિશેષ છે. વચ્ચોવચ મેદાન અને તેની ચોફેર દેવદારના ગીચ જંગલમાંથી પસાર થતી કેડી જોઇને ચાલવા માટે મન લલચાઇ જાય.
ખજ્જિયાર: લીલુંછમ્મ
અહીં સરોવર, ગોચર તેમજ જંગલનો પહાડી પ્રદેશ માટે વિરલ કહેવાય એવો સંગમ છે. તેને હિમાચલ પ્રદેશનું મીની સ્વીટ્ઝરલેન્ડ પણ કહે છે. આવી સરખામણી જે તે સ્થળનું મહત્વ વધારવા માટે કરવામાં આવતી હોય છે. એના કરતાં એ સ્થળની સ્વતંત્ર ઓળખ બની રહે એ વધુ યોગ્ય ગણાય. ચારેબાજુ લીલો રંગ જોઇને આંખોને તેમજ મનને ઠંડકનો અને તનને નિરાંતનો અહેસાસ થાય, પણ આવતાંની સાથે જ ઘેરી વળતા ઘોડાવાળાઓ, હિમાચલના પારંપરિક વેશમાં ફોટો પડાવવાનો આગ્રહ કરતા ફોટોગ્રાફરો, ફ્રૂટચાટ વેચતા ફેરીયાઓ, પેરાગ્લાઇડિંગ કરાવવા તેમજ પ્લાસ્ટિકના આદમકદના દડામાં બેસાડવા માટે પાછળ પડતા લોકો, છેક આપણી નજીક આવીને શિલાજીત,કેસર તેમજ હિમાલયની પહાડી ઔષધિઓ ખરીદવા પૂછયા કરતા છૂટક વિક્રેતાઓને કારણે અહીંથી બને એટલા જલ્દી ભાગી છૂટવાનું મન થાય.
ધવલ શિખરો તરફ જતો હરિયાળો માર્ગ.
સાચ પાસને રસ્તે: છોટા સા ઘર હોગા બાદલોં કી છાંવમેં.
ડેલહાઉસીની આસપાસ કાલા ટોપ, દેના કુંડ જેવા ઘણાં રમણીય સ્થળો છે, જયાં નીરવ શાંતિની સાથોસાથ ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળે છે. પણ છેલ્લા બેએક વરસથી જ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકાયેલા સાચ પાસ પર હજી પ્રવાસીઓનો ધસારો એટલો શરુ થયો નથી. સાચ પાસનાં હીમશીખરો ડેલહાઉસીથી સીધાં જ નજરે પડે છે, પણ તે ડેલહાઉસીથી ખાસ્સા એકસો વીસ કિલોમીટરના અંતરે છે. આ સ્થળે રહેવા માટે હજી નહીંવત સુવિધા છે. તેથી આટલું અંતર પહાડોના રસ્તાઓ પર કાપીને સાંજ સુધીમાં ફરી એટલું અંતર કાપીને પાછા આવી જવું પડે. રસ્તાય એવા કે બરફ પડવાને કારણે સતત તૂટતા રહે, તેમનું સમારકામ સતત ચાલ્યા જ કરતું હોય. આ વિચારે જ ત્યાં જવાનું પડતું મૂકવાનું મન થાય, પણ મન કઠણ કરીને નીકળી પડીએ તો જલસો પડી જાય.

ડેલહાઉસીથી વહેલી સવારે નીકળી ગયા પછી થોડું નીચે ઉતરતાં રસ્તામાં સૌથી પહેલો આવે છે ચમેરા બંધ. ચમેરા ગામ પાસે નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન દ્વારા રાવી અને સ્યૂલ નદીના સંગમ પર બનાવાયેલા આ બંધની પાછળનું કૃત્રિમ સરોવર પહાડોની વચ્ચે બહુ આકર્ષક લાગે છે. બંધ પર પૂરતી સલામતી છે,પણ વિનંતી કરતાં તેની પરથી પસાર થઇને સામેના છેડે જવા મળી શકે છે. બાકી રોડમાર્ગે સામે છેડે પહોંચવા માટે સાત કિલોમીટરનું ચક્કર કાપવું પડે. પહાડોની વચ્ચે બનાવાયેલા આ બંધ પરથી પગપાળા પસાર થવાનો રોમાંચ જ ઓર છે. ખીણપ્રદેશમાં પહાડોની ધારેધારે જતો રસ્તો કેટલાંય અવનવાં દ્દશ્યો આપણી સમક્ષ ચિત્રપટ્ટીની જેમ ફેરવતો જાય છે. નદી પર બનાવાયેલાં પુલ, પાણીના ધોધ, સફરજનની વાડીઓ, છૂટીછવાઇ વસ્તી ધરાવતાં નાનકડાં ગામો કોઇ ફિલ્મના દૃશ્યની જેમ રસ્તામાં આવતાં જાય. દૂરદૂર દેખાતા હિમશીખરો સંતાકૂકડી રમતા હોય એમ ઘડીકમાં એટલા નજદીક લાગે કે તેની પર પડતા વાદળોના પડછાયા પણ જોઇ શકાય, તો ઘડીકમાં એટલા દૂર લાગે કે ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં લગાડેલો બેકડ્રોપ જ જોઇ લો. બૈરાગઢ વટાવ્યા પછી તો માનવવસ્તી પણ ઘણી ઓછી થઇ જાય છે. રસ્તાને કોરે બેસીને ચરી રહેલાં ઘેટાંબકરાંનું ધ્યાન રાખતી પહાડી યુવતીઓને જોઇને હવામેં ઉડતા જાયે મેરા લાલ દુપટ્ટા મલમલકાગાતી બરસાતફિલ્મની નિમ્મીનું દૃશ્ય યાદ આવી જાય.
સાચ પાસ: બરફ બારે માસ.

રસ્તે આવતાં છૂટાંછવાયાં પહાડી ગામડાં કોઇ બાળકે દિવાસળીનાં ખોખાંઓ ગોઠવીને બનાવેલાં રમકડાં જેવાં દેખાય છે. સાચ પાસને રસ્તે થઇને મનાલી જઇ શકાય છે, પણ મોટે ભાગે તે રસ્તો બરફછાયો હોવાને કારણે બંધ જ હોય છે. થોડા વખત અગાઉ આ માર્ગે પાકિસ્તાનના આતંકવાદીઓ આવી ચડયા હોવાથી છેવાડેના એક પોલીસસ્ટેશનમાં પ્રવાસીઓનાં નામઠામ સહિતની વિગતો નોંધાવવી પડે છે, જેથી કંઇ અજુગતું બને તો રેકર્ડ મળી રહે.
સાચ પાસ નજીક આવતો જાય તેમ હિમવર્ષાને કારણે તૂટી પડેલાં રાક્ષસી કદનાં દેવદારનાં વૃક્ષોનું પ્રમાણ વધતું જાય છે. ધીમે ધીમે જામી ગયેલા બરફની નાની નાની રેખાઓ જોવા મળે અને અચાનક જ સામેના પહાડ પર ઢગલામોઢે છવાયેલો બરફ જોઇને મોંમાંથી રોમાંચ અને આનંદની ચીચીયારી નીકળી જાય! આવું દૃશ્ય લગભગ બારે માસ જોવા મળે છે.  
ધરમશાલા: શિયાળુ રાજધાની 
અંગ્રેજોને ભારતીય ઉનાળો માફક આવતો ન હતો, એટલે એમણે શીમલાને ઉનાળુ રાજધાની બનાવેલી. હીમાચલ પ્રદેશની સરકારે કાંગરા જિલ્લાના મુખ્ય મથક એવા ધરમશાલાને શિયાળુ રાજધાની બનાવી છે. કેમ કે ડેલહાઉસીથી દોઢસો કિલોમીટરના અંતરે આવેલું ધરમશાલા ખીણથી ઉંચું અને હીલ સ્ટેશનથી નીચું, આશરે ૧૫૦૦ ફીટની ઉંચાઇએ આવેલું છે. એના પણ બે ભાગ છે: લોઅર ધરમશાલા અને અપર ધરમશાલા. લોઅર ધરમશાલામાં ડેલહાઉસીની સરખામણીએ ગરમી લાગે ખરી, છતાંય પ્રમાણમાં ખુશનુમા હવામાન હોય છે.
ધરમશાલાથી પાલમપુર જતાં રસ્તાની બન્ને બાજુએ ઢોળાવો પર આવેલા ચાના બગીચાઓમાં લટાર મારી શકાય છે. આશ્ચર્ય લાગે પણ પહાડી રસ્તા પર મોટરબાઈકને બદલે સ્કૂટરો વધારે પ્રમાણમાં જોવા મળે. પાલમપુર વટાવીને આગળ જતાં બૈજનાથ મંદિર છે, જેનું નિર્માણ અગિયારમી સદીના આરંભે થયું હતું. સ્થાપત્યના અદભૂત નમૂના જેવા આ મંદિરની પૃષ્ઠભૂમિમાં ઉભેલા હિમાચ્છાદિત શીખરો તેના દેખાવને અકારણ દિવ્યતા આપે છે. તો ધરમશાલાથી સત્તરેક કિલોમીટર દૂર આવેલા કાંગરા કિલ્લાની પૃષ્ઠભૂમિમાં ઉભેલાં હીમશીખરો આ કિલ્લાને અનોખી ભવ્યતા આપે છે.
બૈજનાથ મંદીર
      
ધરમશાલાથી સત્તરેક કિલોમીટરના અંતરે કાંગરા આવેલું છે, જે હિમાચલનો સૌથી મોટો જિલ્લો છે. વિખ્યાત કાંગરા ચિત્ર શૈલી માટે જાણીતા આ નગરથી થોડે દૂર મુખ્ય શક્તિપીઠમાંનું એક જ્વાલામુખી મંદિર છે, જેના ગર્ભગૃહમાં કુદરતી વાયુની નાની નાની જ્વાળાઓ સળગતી જોઇ શકાય છે. શ્રદ્ધાળુઓ આ જ્વાળાને પવિત્ર માનીને,તેના થકી બીજી જ્યોત પેટાવીને એ સળગતી જ્યોતને પોતાને ઘેર પણ લઈ જતા જોવા મળે છે.
કાંગરા નગરથી સાવ નજીકમાં જ છે ઐતિહાસિક કાંગરા કિલ્લો, જેમાં લટાર મારતાં જ ઇતિહાસનાં પાનાંઓમાં પ્રવેશી ગયા હોઇએ એમ લાગે. માંઝી અને બાણગંગા નદીના સંગમસ્થાને બંધાયેલા આ કિલ્લાનું સ્થાન એકદમ વ્યૂહાત્મક કહી શકાય. 
પ્રાચીન જલંધર રાજ્યમાં આ કિલ્લો સત્તાના કેન્દ્ર સમાન હતો. સિકંદરના સમયમાં પણ તે હોવાનો ઉલ્લેખ મળે છે. દિલ્હીની ગાદી પર જે શાસક બેસે એને આ કિલ્લો સર કરવાની ચટપટી થાય, કેમ કે આ કિલ્લો સર કરવાનો મતલબ હતો ઉત્તરના સમગ્ર પહાડી પ્રદેશ પર કબજો જમાવવો. અહીં રહેલા ધનના મબલખ ખજાનાને કારણે ગઝની અને તુઘલકે પણ નજર બગાડેલી,
કાંગરાનો કિલ્લો: 
અનેક આક્રમણોનો સાક્ષી

તો મોગલ સમ્રાટ જહાંગીરે પણ ચૌદ મહિના જેટલા લાંબા સમય માટે તેને ઘેરો ઘાલેલો. 
છેવટે તેના મૂળ વારસદાર એવા કટોચ વંશના રાજા સંસારચન્દ્ર બીજાએ તેને કબજે કરેલો. જો કે, એમની પાસેથી શીખ મહારાજા રણજિતસિંહે આ કિલ્લો પડાવી લીધો. આટલા બધા દેશીવિદેશી રાજાઓ અને આક્રમણખોરોએ આ કિલ્લા પર નજર બગાડી હોય, પછી અંગ્રેજો બાકી રહી જાય? રણજિતસિંહ પાસેથી અંગ્રેજોએ ૧૮૪૬માં એ હસ્તગત કર્યો, જે ત્યાર પછી એમની પાસે જ રહ્યો. સદીઓથી અનેક આક્રમણખોરોના હુમલા વેઠતો આવેલો કાંગરાનો કિલ્લો ૧૯૦૫માં આવેલા પ્રચંડ ભૂકંપ સામે ટક્કર ઝીલી ન શક્યો 
કિલ્લાની ટોચથીય ઉંચાં હીમગિરિ
અને છેવટે ધરાશાયી થઈ ગયો. આ દુર્ઘટનાની તસવીરો કિલ્લાના પ્રાંગણમાં આવેલા સંસારચંદ્ર મ્યુઝીયમમાં જોઈને જીવ બળી જાય. ત્યાર પછી કિલ્લાનું સમારકામ થોડેઘણે અંશે થયું છે ખરું, પણ તેનું મૂળ સ્વરૂપ ક્યાંથી પાછું આવે? આમ છતાંય ખાસ્સી ઉંચાઈ પર આવેલા આ કિલ્લા પર ચડીને આસપાસનું ભૂપૃષ્ઠ જોતાં હજી આજેય તેના વ્યૂહાત્મક સ્થાનનો અંદાજ ઘણે અંશે આવી શકે એમ છે.

મેકલોડગંજ: દેશનિકાલોનો દેશ?
અપર ધરમશાલા આશરે ૫૬૦૦ ફીટની ઉંચાઇએ લોઅર ધરમશાલાથી દસેક કિલોમીટર દૂર છે, જે ઓળખાય છે મેકલોડગંજ તરીકે. પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર સર ડોનાલ્ડ મેકલોડના નામ પરથી મેકલોડગંજના નામે  ઓળખાતું નાનકડું નગર લીટલ લ્હાસા તરીકેય જાણીતું છે, એનું કારણ એ કે અહીં સ્થાનિક લોકો કરતાં તિબેટી નાગરીકો વધુ જોવા મળે છે. અલબત્ત, અન્ય વિદેશી પ્રવાસીઓ તો ખરા જ. ઘડીભર આપણે ભારતમાં નહીં, પણ તિબેટમાં હોઇએ એમ જ લાગે. અહીંના બજારમાં ફરતાં જાણે દેવ આનંદની હરે રામ હરે કૃષ્ણ જેવી કોઇ ફિલ્મ માટે ઉભા કરેલા સેટ પર ફરતા હોઇએ એવું લાગે.
બાળલામાઓ
અહીં મુખ્યત્વે વિદેશી અને તિબેટીયન વસ્તી ઉપરાંત લામા તરીકે ઓળખાતા લાલ કપડાંવાળા બૌદ્ધ સાધુઓની બહુમતિ જોવા મળે. આખું બજાર પણ એમની જરૂરતોને ધ્યાનમાં રાખીને વિકસ્યું હોય એમ લાગે. હસ્તકલાની દુકાનો, બુદ્ધિઝમનાં પુસ્તકોના બુકસ્ટોલ, જર્મન બેકરી, તિબેટની બુકશોપ, દલાઇ લામાનાં પુસ્તકોની દુકાનો મોટે ભાગે જોવા મળે. પણ સૌથી વિસ્મય પમાડતી ચીજ છે બજારની ભીંત પર જોવા મળતી જાહેરખબરોનાં ચોપાનિયાં. કેટલાક નમૂના જુઓ: હિંદી શીખો, કેરાલીયન મસાજ, ટેટૂ સેન્ટર, લર્ન તબલા, લર્ન હારમોનિયમ, બોડી મસાજ, ઓશો, તાઈ-ચી ક્લાસીસ, ફેમસ યોગા પોઈન્ટ  વગેરે.
ચીની સરકારની જુલમગાથા વાંચો
અને પ્રેયર વ્હીલ ફેરવો. 
અહીંનાં બૌદ્ધ મંદીરમાં મોટાં મોટાં પ્રેયર વ્હીલ જોવા મળે છે, જેને રસ્તે જતા-આવતા બૌદ્ધધર્મીઓ ફેરવતા જાય અને પુણ્ય એકઠું કરતા જાય છે. એક પ્રેયર વ્હીલમાં લાખો મંત્રો હોય છે અને એ ફેરવવાથી અમુક જથ્થામાં પુણ્ય મળે એ વિચાર ભગવાન બુદ્ધના મૂળભૂત સિદ્ધાંતોથી ઘણો દૂર, બલ્કે વિપરીત લાગે, પણ એમ ન થાય એ ક્યાં એમના હાથની વાત છે? આ પ્રેયર વ્હીલ આગળ ચોંટાડેલી જાહેરાતો ધ્યાન ખેંચે એવી હોય છે. એમાં મોટે ભાગે તિબેટના છોકરા-છોકરીઓની તસવીર હોય છે, જેમને ચીની સત્તાવાળા ઉઠાવી ગયા છે અને તેમની પર કેવા જુલમ કર્યા છે, એનું વર્ણન હોય છે. મંદિરની અંદર તો આવાં લખાણ ઠેર ઠેર લગાડેલા જોવા મળે. મુખ્યત્વે અહીં આવતા વિદેશી નાગરિકોને ચીનના શાસકોના જુલમોનો ખ્યાલ આપવા માટે આ લખાણ લગાડ્યાં હોય એમ લાગે. લામાઓના મુખ્ય મંદિરના પ્રવેશદ્વાર પછી તરત જ ચીન દ્વારા કેદ કરાયેલા નાની ઉંમરના લામાની તસવીર છે, જેમની સ્મૃતિમાં દર અઠવાડિયે પીળી રિબીન અમુક ઝાડ પર બાંધવામાં આવે છે. મેકલોડગંજના મુખ્ય બૌદ્ધ મંદીરના સંકુલમાં જાતભાતની ચીજો વેચતી દુકાનો છે, જેમાં ફ્રી તિબેટ લખેલી ટોપીઓ ધ્યાન ખેંચે છે.
હીમશિખરોની પશ્ચાદભૂમાં શોભતું બીજું મંદીર છે કર્મપા મંદીર. સોનામાંથી બનાવેલી ભગવાન બુદ્ધની આ મૂર્તિ આગળ પ્રસાદરૂપે ધરાવાયેલાં બિસ્કીટ્સ, ચોકલેટ્સનાં પેકેટ વગેરે જોઈને આશ્ચર્ય થાય, અને મોંમાં પાણી પણ આવે. મંદીરની અંદરના ભાગમાં થતી રંગબેરંગી ધાર્મિક વિધિના અમુક હિસ્સામાં જાહેર જનતા પ્રેક્ષક તરીકે ભાગ લઈ શકે છે. પણ આ વિધિ પત્યા પછી બહાર નીકળતા લાલ વસ્ત્રધારી લામાઓ માઉન્ટેન ડ્યૂની બોટલ મોંએ માંડતા જોવા મળે.
ધાર્મિક વિધિમાં રત લામાઓ.
દરેક લામાઓ આધુનિક મોડેલના સેલફોનથી સજ્જ હોય. અમુક સ્થાનિક લોકો એમ પણ માને છે કે આ તિબેટીયન નાગરીકોને વિદેશી નાણાંની આદત પડી ગઈ છે. એ લોકો તિબેટ જાય તો ચીની હકૂમત હેઠળ એમણે સખત કામ કરવું પડે,જ્યારે અહીં એ લોકો એશ કરે છે. પૈડું (પ્રેયર વ્હીલ) ફેરવ્યું કે કામ ચાલ્યું!
આ વાત અમુક અંશે સાચીય હોય, છતાં આઝાદીની તોલે કંઈ જ ન આવી શકે. તિબેટીયન સંસ્કૃતિની ઝાંખી કરાવતી અને વિવિધ કળાઓ શીખવતી કલાસંસ્થા નોર્બુલીંગકા ઈન્સ્ટીટ્યૂટમાં તિબેટીયન કળાના કેટલાય નમૂના વેચાતા જોઈને દેશવટો પામેલી આ પ્રજાને મદદરૂપ થવાની ક્ષણિક લાગણી થઈ આવે, પણ ડોલરમાં તેની કિંમત સાંભળીને એ લાગણી ઓસરી જાય. તિબેટીયન કળાને નજરથી માણીને જ સંતોષ લેવો પડે અને એવું વાસ્તવિક આશ્વાસન પણ મનોમન લઈ લેવાય કે આપણા આટલા પૈસાથી કંઈ ઓછી એમની સમસ્યા હલ થવાની છે?

(તમામ તસવીરો: બીરેન કોઠારી) 
(હવે પછી આ વિસ્તારની તસવીરી ઝલક.) 

3 comments:

  1. ડેલ્હાઉસીના સૌંદર્ય એ મન મોહી લીધું.તસવીરો સરસ છે,પણ વર્ણન એનાથી યે વધું સરસ છે.ઘેર બેઠા બેઠા જ જાણે પ્રવાસ થઈ ગયો હોય એવું લાગે છે.હવે તસવીરો સાથે ઝટ મળો,હોં.ને હા એક ખાસ વાત-લાગે છે કે પ્રવાસન વિભાગવાળાઓએ આપને સત્વરે મળી લેવું જોઇએ.

    ReplyDelete
  2. વહાલા બીરેનભાઈ,
    આપને, સૌ પરીવારજનો અને સૌ વાચકમીત્રોને દીપાવલી અને નુતન વર્ષની હાર્દીક શુભેચ્છાઓ..
    –ગોવીન્દ અને મણી, પવન, સંધમીત્રા અને મયુર મારુ

    ReplyDelete
  3. રજનીકુમાર પંડ્યાOctober 26, 2011 at 12:35 AM

    બહુ સરસ અને ચિત્રાત્મક શૈલીમાં આ વર્ણન એક મનોહર સફરનો આનંદ આપે છે.
    એક માહિતી ઉમેરું.દેવ આનંદે પોતે કહ્યા મુજબ તેમનું કેટલુંક પ્રાથમિક શિક્ષણ ડેલ હાઉઝીમાં થયું હતું,

    ReplyDelete