Tuesday, February 24, 2026

જેમ્સ હેડલી ચેઈઝ, ફોઈની દીકરીઓ અને પપ્પા

'હમણાં તારે આ ચોપડીઓ નથી વાંચવાની.' આવી સૂચના મારા પપ્પાએ હું આઠમા-નવમા ધોરણમાં હતો ત્યારે મને આપેલી. પપ્પાની સૂચના કડક હોય એવું અલગથી કહેવાનું ન હોય. પણ એવું તો શું હતું એ ચોપડીઓમાં?

મહેમદાવાદના અમારા જૂના ઘરમાં ત્રીજે માળે (આજની જબાનમાં જી પ્લસ ટુ) એક લાકડાનું ભીંતકબાટ હતું, જેનાં બન્ને બારણાં પર સામસામે બેઠેલા મોરનાં ચિત્ર હતાં. આ કબાટમાં એક મોટું ખાનું અને ઊપર તેમજ નીચે નાનાં ખાનાં. મોટું ખાનું એવું હતું કે ઊભે ઊભે એમાંથી ચોપડીઓ કાઢી શકાય. હું હજી આઠમા- નવમા ધોરણમાં ભણતો હતો. એ સમયે પપ્પા વડોદરા ટ્રેનમાં અપડાઉન કરતા. વાંચવાના તેઓ જબરા શોખીન, અને વાંચવાની ઝડપ પણ ઘણી. પણ તેમનો મુખ્ય રસ પોકેટ બુક્સ વાંચવાનો. આથી અઠવાડિયે બે- ત્રણ વાર એવું બનતું કે તેઓ વડોદરા સ્ટેશને આવેલા એ.એચ.વ્હીલરના સ્ટોલ પરથી એક પુસ્તક ખરીદે અને મહેમદાવાદ આવે ત્યાં સુધીમાં એ વાંચી લે. ત્યારે વડોદરાથી મહેમદાવાદ પેસેન્જર ટ્રેનમાં અઢીથી પોણા ત્રણ કલાક લાગતા. તેમણે ખરીદેલાં મોટા ભાગનાં પુસ્તકો જેમ્સ હેડલી ચેઈઝનાં રહેતાં. ક્યારેક હેરોલ્ડ રોબિન્સ કે ઈઆન ફ્લેમિંગ પણ આવી જાય. આ પુસ્તકો ગુજરાતીમાં અનુવાદિત હતાં. જેમ્સ હેડલી ચેઈઝનાં મોટા ભાગનાં પુસ્તકોનો અનુવાદ બકુલ વોરા દ્વારા થતો. ક્યારેક તેઓ અંગ્રેજી પોકેટ બુક્સ પણ ખરીદતા અને વાંચતા.
મારા માટે આ પુસ્તકો નવીનવાઈનાં હતાં. કેમ કે, દરેક પુસ્તક પર લેખકનું નામ મોટા અક્ષરે મસ્ત ટાઈપોગ્રાફીમાં લખાયેલું રહેતું, જ્યારે પુસ્તકનું નામ નીચે સાદી ટાઈપોગ્રાફીમાં. આવાં બીજાં કોઈ પુસ્તકો મેં જોયાં નહોતાં. આ પુસ્તકો મુંબઈથી આવતા મારા પિતરાઈ ભાઈઓ કિસનભાઈ અને મયુરભાઈ, તેમજ અમદાવાદથી આવતી ફોઈની દીકરીઓ રન્નાબહેન, ઉષ્માબહેન, પારુલબહેન તેમજ બેલાબહેન હોંશે હોંશે વાંચતાં. ફોઈની દીકરીઓ તો આવે એટલે સીધી જ ત્રીજે માળે કબાટે પહોંચી જતી અને મામા કઈ નવી બુક્સ લાવ્યા છે એ જોતી. ક્યારેક પપ્પા તેમને કહેતા પણ ખરા કે આમાં મજા આવશે. મને નવાઈ લાગતી કે એમને એમાં આટલો બધો શો રસ પડતો હશે?
મને વાંચવાનો શોખ લાગુ પડેલો, અને મારા માટે તેઓ 'અમર ચિત્રકથા' તેમજ અન્ય કિશોર સાહિત્ય લાવતા. એ પુસ્તકો મારા મહેમદાવાદના મિત્રવર્તુળના મિત્રોએ દરેક વેકેશનમાં અનેક વાર વાંચ્યા હશે. પણ પેલી પોકેટ બુક્સ મારે ન વાંચવાની પપ્પાની સૂચના. મને ખાસ કુતૂહલ નહોતું કે એમાં શું હશે. પપ્પા કે મમ્મીનો એવો કશો ચોકીપહેરો પણ નહીં, એટલે કદી ચોરીછૂપીથી વાંચવાની ઈચ્છા કદાચ નહીં થયેલી.
દસમા ધોરણની પરીક્ષા પાસ કરી ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે પપ્પાએ મને સામેથી કહ્યું, 'તું વેકેશનમાં આ બધી ચોપડીઓ વાંચજે.' પપ્પાએ પરવાનગી આપી ત્યારે પુસ્તકોની સંખ્યા ઘટી ગયેલી. ફોઈની દીકરીઓ ઘણાં પુસ્તકો વાંચવા લઈ જતી. તેમની પાસે પણ ઘણાં પુસ્તકો હતાં. ક્યારેક તેઓ યાદ રાખીને પપ્પાનાં પુસ્તકો પાછાં લાવતી, તો ક્યારેક ભૂલથી એમનાં પોતાનાં પુસ્તકો પણ આવી જતાં. પણ પપ્પાએ એક વાર એ વાંચી લીધાં હોય પછી ફરી વાંચવાનું રહેતું નહીં. આથી એવી કશી નોંધ રાખવાનો રિવાજ નહોતો.
પપ્પાએ કહ્યા પછી મેં એકાદું પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. પણ મને એમાં આવતા અંગ્રેજી નામ અને વાતાવરણ બહુ ફાવ્યાં નહીં. આથી મેં એ અધૂરું મૂક્યું. પણ મારા મિત્ર વિપુલ રાવલે એક પછી એક પુસ્તકો વાંચવા માંડ્યા. તેણે મનેય કહ્યું કે એક વાર તું ટેવાઈ જઈશ પછી બહુ જ મજા આવશે. તેની આવી હિદાયતથી મેં ફરી એક વાર એ પુસ્તક હાથમાં લીધું અને પૂરું કર્યું. ખરેખર મજા આવી ગઈ. બસ, હવે તો સામે ખજાનો હતો.
દસમાનું વેકેશન હતું એટલે એક વાર મમ્મીને મેં કહ્યું કે તેઓ ફોઈને ત્યાં જાય અને ફોઈની દીકરીઓ પાસેથી પુસ્તકો લેતાં આવે. મમ્મી ખાસ એ કામ માટે અમદાવાદ ગયાં અને ઘણાં પુસ્તકો લેતા આવ્યાં. ફોઈની દીકરીઓએ પણ એ વાંચી લીધેલાં. ઘણાં બધાં પુસ્તકો બદલાઈ ગયેલાં, તેમણે પોતાનાં હોય એવાં આપેલાં, પણ મહત્ત્વ સંખ્યાનું હતું. ધીમે ધીમે કરતાં અમે એ તમામ પુસ્તકો વાંચી નાખ્યાં. એ પછી તો દર વેકેશનમાં આ પોકેટ બુક્સ વાંચવાનો અમારો ક્રમ બની ગયો. 'વેલ નાઉ માય પ્રીટી', 'ધેર ઈઝ અ હીપ્પી ઓન ધ હાઈવે', 'કેન ઓફ વોર્મ્સ', 'વારી ટ્રાન્સગ્રેસર', 'કેડ', 'એન ઈઅર ટુ ધ ગ્રાઉન્ડ', 'ધ જોકર ઈન ધ પેક', 'નો ઓર્કિડ્સ ફોર મિસ બ્લેન્ડીશ' 'શોક ટ્રીટમેન્ટ', 'ડબલ શફલ', 'હેવ ધીસ વન ઓન મી', 'ફીગર ઈટ આઉટ' હેરોલ્ડ રોબિન્સની 'સ્ટીલેટો', ઈઆન ફ્લેમિંગની 'ઓન હર મેજેસ્ટીઝ સિક્રેટ સર્વિસ' વગેરે જેવાં અનેક નામ આજેય મને કશા આયાસ વગર યાદ છે. એક આખી સૃષ્ટિ જાણે કે ખુલી ગઈ.
હવે ઘણાં વખતથી એ પુસ્તકો તરફ નજર કરાઈ નથી. પણ વાંચનની આદતને વિકસાવવામાં આ પુસ્તકોનું ઘણું પ્રદાન રહ્યું. પપ્પા દર વેકેશનમાં બાળ અને કિશોરસાહિત્યનાં ઢગલાબંધ પુસ્તકો લાવતાં એમાંનાં ઘણાં બધાં પુસ્તકો અમારાં સંતાનોએ પણ વાંચ્યાં. એમાંનાં ઘણા હજી સચવાયાં છે, અને એમાંની કેટલીક વાર્તાઓનાં પાત્રો કે પરિસ્થિતિઓ અમારા માટે સંદર્ભબિંદુ બની રહ્યાં છે.
પપ્પાની વિદાયને આજની તારીખે અઢાર વર્ષ વીત્યાં. સ્વજનોની સ્મૃતિ કંઈ તિથિતારીખ પૂરતી મર્યાદિત નથી હોતી. ભૌતિક અને માનસિક સ્મૃતિઓ થકી તેઓ આપણા મનમાં જીવંત રહેતાં હોય છે. હવે આપણી વય વધતી જાય અને વ્યસ્તતા તેમજ પ્રાથમિકતાઓ બદલાતી જાય ત્યારે મનમાં રહેલા સ્મૃતિના આંતરપ્રવાહને આ રીતે બહાર લાવવો પણ જરૂરી છે.

1 comment:

  1. હું ૧૦મા / ૧૧મા ધોરણમાં આવ્યો ત્યારે મારા પિતા ગુજરી બજારમાંથી લઈ આવતા એ પેરી મેસનનાં પુસ્તકો વાંચવાનો મહાવરો પડ્યો.

    તે પછી એન્જિનિયરિંગ માં હતો ત્યારે એલ ડીની પાછળ જ આઈ એ એસ કક્ષાના અધિકારીઓનાં રહેઠાણ હતાં. એમાં મારા પિતાના ફોઇના દીકરા એચ એસ છાયા રહેતા - પછીથી તેઓ સામ પિત્રોડાના સસરા થયા અને ૧૦૨ વર્ષની વયે અમેરિકામાં અવસાન પામ્યા-  તેમની પાસે જેમ્સ હેડલી ચેઝનાં પુસ્તકોનો ખજાનો હતો. હું કૉલેજથી પાછા ફરતાં બે મોટી થેલી ભરીને એ પુસ્તકો લઈ આવતો અને અઠવાડીયે દસ દિવસે પાછાં આપી આવતો. એ ખજાનો પુરો થયો એટલે મેં મારી જાતને એલીસ્ટર મેક્ક્લીન વાંચવા માટે બઢતી આપી.

    તેમની જ્યારે સુરત બદલી થઈ ત્યારે તેમના ખજાનામાંથી અર્ધો ભાગ માગી લાવેલો. 
    હરેશભાઈ ધોળકિયા અમારે ત્યાં આવે ત્યારે તેમને પણ ચેઝ વાંચવાનો ચસ્કો લાગેલો.
    વર્ષો પછી હું ગુજરાત સ્ટીલ ટ્યુબમાં હતો ત્યારે અમારી ઑફિસનાં વાહને સામે પ્રેમાભાઈ હૉલનાં કંપાઉંડમાં રાખવાની ગોઠવણ કરેલી. એ દિવસોમાં હું ભદ્રમાં આવેલી હીમાભાઈ ઇન્સ્ટીટ્યુટ લાયબ્રેરીમાંથી અંગ્રેજી પુસ્તકો વાંચવા લઈ આવતો. એક સમયે એ પુસ્તકો સાથે મને જોઈને પ્રેમાભાઈ હોલના વયસ્થાપકે મારી સાથે વાત ઉખેળી. વાતમાં ને વાતમાં ચેઝની વાત પણ આવી. તેમણે કહ્યું કે તે પોતે પણ થ્રીલર લેખન પર પ્રયોગો કરી રહ્યા છે. તેની પ્રયોગશાળા રૂપે તેમણે ચેઝનાં કેટલાંક પુસ્તકોનો અનુવાદ કર્યો છે. મને તેમણે એ અનુવાદ વાંચવા આપ્યા અને મારો અભિપ્રાય માગ્યો. મને એ અનુવાદ ગમ્યા. વાત વાતમાં ખબર પડેલી કે તેમનું નામ અશ્વિની ભટ્ટ છે. વર્ષો પછી જ્યારે તેમની થ્રીલરો વાંચી ત્યારે સમજાયું કે અનાયાસે ચેઝના કારણે મારે કેવા અનોખા લેખકને મળવાની અનાયાસ તક મળી હતી. ૧૯૭૯માં મેં જીએસટી છોડ્યું પછીથી અશ્વિની ભટ્ટનો સંપર્ક પણ તુટી ગયો.

    ચેઝની ( અને મેસન વગેરે) વાર્તાઓ મારા પુત્રએ પણ વાંચી અને હવે મારો પૌત્ર પણ વાંચી રહ્યો છે. આમ ચેઝ સાથે અમારે ચાર પેઢીનું જોડાણ થયું. 

    ReplyDelete