ચાઉમાઉ અતિ ગંભીર પ્રકૃતિનો શાસક હતો. પોતાના દેશમાં હોય ત્યારે તે એવો ઘુવડગંભીર રહેતો કે જોનારને એમ જ લાગે કે આ માણસ જન્મ પછી કદી હસ્યો જ નહીં હોય. પણ ચાઉમાઉ વિદેશયાત્રાએ જાય, અને વિદેશી શાસકો ને હળેમળે ત્યારે ખડખડાટ હસતો, ટુચકાઓ કહેતો, સામેવાળાને તાળીઓ મારતો. એ જોનારને એમ જ લાગે કે જન્મથી જ આ માણસ આવો ખડખડાટ હસતો હશે. ચીનાઓને મન આ એક ગંભીર કોયડો હતો. તેમને સતત એમ થતું કે શું પોતાની રમૂજવૃત્તિમાં કશી કસર છે? કે દેશવાસીઓની ભાષા એવી થઈ ગઈ છે કે સમ્રાટ સદાય ગીધગંભીર રહે છે!
જે ચીનાઓ વિદેશમાં વસવાટ કરતા હતા એમણે નોંધ્યું કે ચાઉમાઉ વિદેશમાં આવે ત્યારે એણે દુભાષિયો રાખવો પડે છે. એનો મતલબ એવો કે વિદેશી ભાષાઓ ચાઉમાઉને સમજાતી નથી. પણ તેમણે એય નોંધ્યું કે ચાઉમાઉ કોઈ વિદેશી શાસક સાથે મળીને અટ્ટહાસ્ય કરે કે ટુચકાની આપ-લે કરે ત્યારે એમને કોઈ દુભાષિયાની જરૂર હોતી નથી. આનો એક અર્થ એવો કરી શકાય કે વિદેશી શાસકોને ચીની ભાષા આવડતી હોય એમ બને. પણ એ શક્ય નહોતું. કેમ કે, ચીની ભાષા હજી ચીનાઓને જ પૂરેપૂરી ન આવડી હોય તો વિદેશીઓને ક્યાંથી આવડવાની? આ જ કારણે ચીનાઓને ચાઉમાઉ માટે અહોભાવ હતો. તેઓ ગંભીરતાથી માનતા કે 'ચાઉમાઉ હૈ તો ચીંગપીંગ હૈ.'
કેટલાક ઈતિહાસકારોએ શોધી કાઢ્યું કે અસલમાં ચાઉમાઉમાં રમૂજવૃત્તિ જન્મજાત હતી અને શાળાકાળથી તે પૂરેપૂરી ખીલેલી હતી. શાળામાં પણ તે કોઈ સહાધ્યાયીને આકાશ તરફ આંગળી ચીંધીને કહેતો, 'જો, રોકેટ જાય.' બાજુવાળો આકાશ સામું જોઈને રોકેટ શોધવા ફાંફા મારે કે તેને ચાઉમાઉનું અટ્ટહાસ્ય સંભળાતું. આવી તો અનેક મૌલિક તરકીબો ચાઉમાઉએ વિકસાવેલી, જે તેને શાસક બન્યા પછી બહુ કામમાં આવી.
ક્યારેક કોઈક નિષ્ણાત મંત્રી જણાવે કે 'નામદાર, આપણે શિક્ષણનીતિ વિશે વિચારવું જોઈએ.' ત્યારે ચાઉમાઉ આકાશ તરફ આંગળી ચીંધીને તેને કહેતો, જો, પેલું રોકેટ જાય.' મંત્રીઓ શરૂ શરૂમાં ઠાવકા રહેતા અને આકાશ સામું જોયા વિના કહેતા, 'નામદાર, હજી રોકેટની શોધ થઈ જ નથી.' પણ એ વખતે ચાઉમાઉ આકાશમાં જોઈને ડાફોળિયાં મારતો અને બોલતો, 'અલ્યા, હમણાં તો જોયેલું. ક્યાં સંતાઈ ગયું પાછું? હા...આ...આ. પેલો હાથી વચ્ચે આવી ગયો લાગે છે.' મંત્રીઓ સપાટ સ્વરે કહેતા, 'નામદાર, આકાશમાં હાથી ન હોય.' ચાઉમાઉ તેમની સામે જોયા વિના આકાશમાં જ તાકી રહેતો અને કહેતો, 'હાથી ક્યાં જતો રહ્યો? પે...લ્લી એની પૂંછડી દેખા..આ..આ..ય! હત્તેરી કી. એય ગુલાબ પાછળ ઢંકાઈ ગઈ.' આમ, રોકેટ હાથી પાછળ, હાથી ગુલાબ પાછળ, ગુલાબ ગધેડા પાછળ અને ગધેડું સફેદ વાદળ પાછળ ખોવાઈ જતું. આટલી વાર સુધી પેલા મંત્રીઓ ઊભા રહી શકતા નહીં.
ધીમે ધીમે ચાઉમાઉએ એવા મંત્રીઓને જ તગેડી મૂક્યા. તેણે એવા મંત્રીઓની ભરતી કરી કે જે ચાઉમાઉનું કોરસ બની રહે. અર્થાત્ ચાઉમાઉ એક વાક્ય બોલે અને પેલા લોકો એને ઝીલે. જેમ કે, 'અલ્યા, જો પેલું રોકેટ!' એ સાથે જ પેલા મંત્રીઓ કહેતા, 'મારું બેટું કેટલું ફાસમફાસ જાય છે હેં! અહાહા, અને ધુમાડા તો જો! એકદમ સફેદ. જાણે વાદળમાં દેખાય જ નહીં!'
જો કે, હવે ચાઉમાઉને કોઈ સાચી વાત કહેનાર રહ્યું નહીં, એટલે 'જો, પેલું રોકેટ!'ની રમત રમવાની જરૂર નહોતી. પણ એક રમત લેખે લોકોને એ એટલી બધી ફાવી ગઈ હતી કે એકે એક ચીનાએ એને અપનાવી લીધેલી. જેમ કે, કોઈ ચીની પિતા પોતાના દીકરાને પૂછે, 'તારા ગણિતમાં કેટલા માર્ક આવ્યા?' જવાબમાં દીકરો આકાશ તરફ આંગળી ચીંધીને કહેતો, 'જુઓ, પેલું રોકેટ જા..આ..આ..ય.' એ જ રીતે ક્યારેક દીકરો પોતાના પિતાને કહે, 'પપ્પા, સ્કૂલની ફી ભરવાની છે. આ વખતે નહીં ભરું તો એ લોકો મને કાઢી મૂકશે.' એ સાથે જ પિતા આકાશ તરફ આંગળી ચીંધીને કહેતા, 'જો, પેલું રોકેટ જા..આ...આ..ય.'
ધીમે ધીમે ચીનમાં એવી હવા જામી કે ચાઉમાઉએ 'જો, રોકેટ જાય' ફેસ્ટિવલ રાષ્ટ્રીય સ્તરે ઉજવવાનું શરૂ કર્યું. આ ફેસ્ટીવલ ખાસ કરીને વિદેશમાં રહેતા ચીનાઓ માટે હતો. વિદેશમાં વસતા ચીનાઓ ખાસ આ ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે ચીન આવતા. અને હોંશે હોંશે 'જો, રોકેટ જાય.' રમતનો હિસ્સો બનતા. એટલું જ નહીં, આ રમત માટે મેદાનો, સાધનો અને ખેલાડીઓ વિકસાવી શકાય એ માટે અઢળક નાણાં દાનરૂપે આપીને જતા.
આથી ચાઉમાઉને આઈડિયા મળ્યો કે આ જ રમત વિદેશોમાં ચાલુ કરાવી શકાય. એ રીતે ચીની સંસ્કૃતિનો ઝંડો વિશ્વભરમાં લહેરાશે. એક નવાસવા રંગરુટ મંત્રીએ આ સાંભળીને ચાઉમાઉને ભોળેભાવે પૂછ્યું, 'પણ નામદાર, આપણી પાસે ચીનનો ઝંડો છે. ચીની સંસ્કૃતિનો ઝંડો આપણે નવો બનાવડાવવો પડે, હેં ને?' ચાઉમાઉએ કરુણામિશ્રિત હાસ્યથી તેની સામું જોયું. વિશાળ ખંડમાં ઊભે ઊભે તેણે છત તરફ આંગળી ચીંધી અને કહ્યું, 'જો, રોકેટ જા...આ...ય.'
કહેવાય છે કે રોકેટની શોધ થઈ એ પછી આ રમતનું સ્વરૂપ બદલાયું. રોકેટને સ્થાને એમાં 'હોડી' શબ્દ આવ્યો. પણ ચીનાઓની રમતવૃત્તિ એમની એમ જ રહી. અને જે પ્રજા રમતપ્રેમી હોય છે એને સદાય લીલાલહેર હોય છે.
No comments:
Post a Comment