Monday, April 8, 2024

'સાગર'ની છેલ્લી બુંદ પણ વિલીન

આજે વડીલમિત્ર ચંદ્રશેખર વૈદ્ય તરફથી સમાચાર મળ્યા કે અમર દેસાઈનું અવસાન થયું. અમર દેસાઈ એટલે 'સાગર મુવીટોન'ના માલિક ચીમનલાલ દેસાઈના પૌત્ર અને ચીમનલાલના દીકરા સુરેન્દ્ર દેસાઈ ઉર્ફે બુલબુલભાઈના પુત્ર. આમ છતાં, અમર દેસાઈને 'સાગર' સાથે સીધેસીધી નહીં, પરોક્ષ લેવાદેવા હતી. 'સાગર મુવીટોન'નું વિલીનીકરણ 'નેશનલ સ્ટુડિયોઝ'માં થયું એ પછી થોડા જ સમયમાં ચીમનલાલ તેનાથી અલગ થઈ ગયા. તેમણે પોતાની આગવી ફિલ્મકંપનીનો આરંભ કર્યો અને તેનું નામ પોતાના પૌત્ર અમરના નામે 'અમર પિક્ચર્સ' રાખ્યું. મારા 'સાગર મુવીટોન' પુસ્તકમાં આ આખું પ્રકરણ 'અંત પહેલાંનો વધુ એક આરંભ'ના નામે વિગતે આલેખાયું છે. 'અમર પિક્ચર્સ' દ્વારા 1942થી 1946ના અરસામાં બધું મળીને છ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું, જેનાં નામ આ મુજબ છે: આંખમિચૌલી (1942), ખિલૌના (1942), આદાબ અર્ઝ (1943), પૈગામ (1943), રત્નાવલી (1945) અને ગ્વાલન (1946). 'ખિલૌના'ની કથા વજુ કોટકે લખી હતી, જેમણે પછી એ જ વાર્તા પરથી 'રમકડાં વહુ' નામે નવલકથા લખી. 'રત્નાવલી' એક 'પિરીયડ ફિલ્મ' હતી, જેને 'ફિલ્મ ઈન્ડિયા'ના તંત્રી બાબુરાવ પટેલે 'સમય અને નાણાંનો બગાડ' ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાબુરાવ પટેલ ચીમનલાલના ખાસ મિત્ર હતા અને 'અમર પિક્ચર્સ'ની 'ગ્વાલન'નું દિગ્દર્શન તેમણે કરેલું. એ ફિલ્મમાં બાબુરાવનાં પત્ની સુશીલારાણી પટેલની મુખ્ય ભૂમિકા હતી. અમરભાઈના મોટાભાઈ સુકેતુ દેસાઈ અને ચંદ્રશેખર વૈદ્ય સાથે અમે સુશીલારાણી પટેલને મળવા તેમના 'ગિરનાર' બંગલે ગયાં ત્યારે તેઓ રીતસર આજીજીપૂર્વક 'ગ્વાલન'ની એકાદી રીલ સુદ્ધાં મળી જાય તો અમને વ્યવસ્થા કરવા કહેતાં હતાં.

અમર દેસાઈને ન ફિલ્મ બનાવવામાં રસ હતો કે ન પોતાના દાદાની ફિલ્મકંપની વિશેનું પુસ્તક લખાય એમાં. પુસ્તકના આલેખન દરમિયાન એક વખત અમે મુમ્બઈ ગયેલાં. સુકેતુ દેસાઈ અમર દેસાઈને ત્યાં ઊતરેલા. સાંજે એક વાર સુકેતુભાઈ મને પોતાના ઉતારે લઈ ગયા. અમર દેસાઈ ઘેર જ હતા. સુકેતુભાઈએ મારો પરિચય આપીને તેમને જરૂરી વિગત પૂરી પાડવા કહ્યું. હું હજી પહેલો જ સવાલ પૂછું કે અમર દેસાઈએ કહ્યું, 'આ સવાલને પુસ્તક સાથે શો સંબંધ?' મેં કહ્યું, 'તમને પુસ્તકની રૂપરેખાની ખબર નથી એટલે આમ કહો છો.' બસ, એ પછી અમારી વાતચીત આગળ વધી ન શકી અને તેમણે જરાય અફસોસ વિના કહી દીધું:'મને એ બાબતે વાત કરવામાં રસ નથી કે પુસ્તકમાંય રસ નથી.' પુસ્તક એ વખતે એ તબક્કે આવી ગયું હતું કે અમર દેસાઈ વાત ન કરે તોય કશો ફેર પડવાનો નહોતો. આથી મેં પણ તેમનો આભાર માનીને વાત પૂરી કરી.
એ પછી થોડા સમયમાં પુસ્તકનું વિમોચન ખાર જીમખાના ખાતે યોજાયું, જેમાં મુખ્ય મહેમાન આમીર ખાન હતા. આમીર દેસાઈ પરિવારના જૂના પાડોશી હોવાને નાતે આવવાના હતા. આ કાર્યક્રમમાં અમર દેસાઈ પણ આવેલા. આમીર ખાને પોતાના વક્તવ્યમાં દેસાઈ પરિવાર સાથેના દિવસો યાદ કરતાં કહ્યું, 'સુકેતુ અંકલ કે એક બડે ભાઈ થે- બડી બડી મૂછોંવાલે. ઉનકો દેખ કે હમેં બહોત ડર લગતા થા. વો હમ કો ધમકાતે થે.' આમ કહીને તેમણે આસપાસ નજર કરી, એટલે અમર દેસાઈ પોતાની બેઠક પરથી ઊભા થયા. એમનો દેખાવ એવો જ રહેલો. ફક્ત મૂછોનો રંગ સફેદ થયેલો.


કાર્યક્રમ પત્યો. હજી અમે સૌ જાણે કે માની શકતા નહોતા કે આ બધું વાસ્તવિક છે કે સ્વપ્ન! ધીમે ધીમે સૌ વિખરાયા. અમર દેસાઈ પુસ્તકના કાઉન્ટર પર પહોંચ્યા અને એક પુસ્તક લઈને ચાલવા લાગ્યા. કાઉન્ટર પર બેઠેલા (કાર્તિકભાઈના ભાઈ)અમીતભાઈ તેમને ઓળખતા નહોતા. એટલે તેમણે 'ઓ ભાઈ!' કહીને બૂમ પાડીને એમને પુસ્તક પાછું મૂકવા જણાવ્યું. ખેર! એ પછીની વાતમાં ખાસ કશું નથી, પણ આ પુસ્તકમાં મેં 'સાગર પરિવાર' નામનું અલાયદું પ્રકરણ લખ્યું છે. એમાં તમામ પરિવારજનો તો ઠીક, દેસાઈ પરિવારને ત્યાં બે પેઢીથી કામ કરનાર 'બાઈ' સુમન વાતારે, તેમના પારિવારિક મિત્ર રમેશ માવાણી અને (સ્વ.) ટોની ફર્નાન્ડિસ સુદ્ધાં વિશે અલગથી લખ્યું છે, પણ અમર દેસાઈ વિશે ગણીને દસ લીટી છે. એમાંની અડધી તો એમનાં પત્ની, પુત્ર અને પૌત્ર વિશે છે. કારણ? પુસ્તક બાબતે તેઓ એટલા ઉદાસીન હતા કે પોતાની વિગતો પૂરી પાડવાનું પણ તેમણે ટાળેલું.
તેમનાં પત્ની આમતાએ 2003માં જ વિદાય લીધેલી. તેના બે દાયકા પછી અમર દેસાઈ પણ ગયા. 'સાગર મુવીટોન' સાથેનો આછોપાતળો અને છેલ્લો તંતુ પણ એ રીતે તૂટ્યો. હવે તો આખી ગાથા પુસ્તકનાં બે પૂંઠાં વચ્ચે જ રહી છે, જે માત્ર પરિવારની ન બની રહેતાં સૌ કોઈ સિનેમાપ્રેમીઓની, ઈતિહાસપ્રેમીઓની બની રહી છે.

1 comment:

  1. ઇતિહાસનાં પ્રકરણોનાં પાનાંઓએ વાળી મુકવાની વેદના તો જો જેણે વેઠી હોય તે જ જાણે. 

    ReplyDelete