Friday, August 12, 2022

'દાદા'ની વિદાયટાણે.....

 અમુક નામો કે અટક સાથે આપણું ગજબ અનુસંધાન હોય છે. ઈન્દીરા ગાંધીયુગમાં તત્કાલીન કૉંગ્રેસપ્રમુખ દેવકાન્ત (ડી.કે.) બરુઆએ 'ઈન્દીરા ઈઝ ઈન્ડીયા, ઈન્ડીયા ઈઝ ઈન્દીરા'નું સૂત્ર આપેલું. આ કારણે બરુઆ અને આસામ બન્નેનો સંબંધ મનમાં છપાઈ ગયેલો. 1984 માં આઈ.પી.સી.એલ.માં હું તાલિમાર્થી તરીકે જોડાયો અને એલ.એ.બી.પ્લાન્ટમાં મને મૂકવામાં આવ્યો. અમારે મળવાનું હતું બી.કે.બરુઆને. આ નામ સાંભળતાં જ મનમાં થયું - બી.કે.બરુઆ પેલા ડી.કે.બરુઆના ભાઈ તો નહીં હોય ને?

પણ ના, એમ નહોતું. આ બી.કે.બરુઆનું આખું નામ હતું બિજોયકુમાર બરુઆ. તેમને જોઈએ એટલે ચરિત્ર અભિનેતા રહેમાનની યાદ આવી જાય. કડપ વિનાનો ચહેરો. એક તો ઉચ્ચાર આસામી, જે આપણને બંગાળી જેવા પહોળા લાગે, અને મોંમાં રહેતી તમાકુને કારણે તેઓ તોતડું બોલતા જણાય. આ કારણે પ્લાન્ટના સહુ કોઈ તેમની મીમીક્રી આસાનીથી કરી લે. તેઓ પ્રોડક્શન મેનેજર હતા. પ્લાન્ટમાં પ્રોસેસ વિભાગમાં જેની નિમણૂક થાય તેણે સૌથી પહેલું રિપોર્ટિંગ બરુઆસાહેબને કરવું પડતું. બરુઆસાહેબ ટેકનીકલ માણસ, પણ તેમને વધુ રસ માણસમાં, તેની કૌટુંબિક પૃષ્ઠભૂમિમાં, તેના સામાજિક રીતરિવાજોમાં પડતો. આવનારનું નામ વાંચીને તેઓ તેની જ્ઞાતિ-પેટાજ્ઞાતિનું અનુમાન કરતા. આવનારને તેના પરિવાર વિશે પૂછતા. અને માત્ર પૂછવા ખાતર નહીં, તેઓ ખરેખરો રસ દાખવીને પૂછતા તેમ જ યાદ રાખતા. કેમ કે, પછી જ્યારે પણ મળવાનું થાય ત્યારે તેઓ કુટુંબની વ્યક્તિઓની પૃચ્છા કરતા. આવું કરતી વખતે તેઓ કુટુંબના કોઈ વડીલ જેવા લાગતા. એવો જ અન્ય શોખ વિવિધ ભાષાઓ શીખવાનો કે જાણવાનો.
કેટલાક વૃદ્ધો પોતાને 'ચિરયુવાન' દેખાડવા હવાતિયાં મારતા હોય છે. પણ બરુઆસાહેબ પોતાની જાતને ધરાર 'બુઢા' તરીકે ઓળખાવતા. બલ્કે તેઓ પ્લાન્ટની માનવકેન્દ્રી સમસ્યાઓના ઊકેલ માટે આ શબ્દનો ઊપયોગ શસ્ત્રની જેમ કરતા. 'અરે યાર, બુઢે કા કુછ તો ખયાલ કરો! મેરા નૌકરી ચલા જાયેગા તો મૈં કહાં જાઉંગા?' આમ કહીને તેઓ ઊભા રહે એટલે કશી રજૂઆત કરવા માટે માંડ એકત્રિત થયેલા ટોળાનો જુસ્સો શમી જાય. રજા યા કોઈ ફોર્મ પર તેમની સહી કરાવવા જઈએ તો સહી કરી દીધા પછી તેમનો કાયમી સવાલ રહેતો, 'મેરી પગાર તો નહીં કટેગી ન?' તેમના આવા અભિગમને કારણે તે બૉસ જેવા ઓછા અને સ્નેહાળ વડીલ જેવા વધુ લાગતા.(મુંબઈમાં માહીમના જોશી બુઢાકાકા હલવાવાળા પણ ગૌરવભેર 'બુઢા' શબ્દ લગાવે છે.)
રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને ભેટયા અને પછી બીજાની સામે આંખ મારી એમાં તો એ ઘટના બીજા દિવસે હેડલાઈન બની ગઈ. બરુઆસાહેબ તો આ રમતના ચેમ્પિયન હતા. તેઓ કોઈકને સરેઆમ ધમકાવે, ગુસ્સામાં બરાડે અને જુએ કે સામેવાળા પર એની બરાબર અસર થઈ છે, એટલે તેની બાજુમાં ઊભેલી કોઈ વ્યક્તિની સામે આંખ મારી દે. એનો અર્થ એવો કે કામ કરો છો તો ધ્યાન રાખો કે ભૂલ ન થાય. ભૂલ થાય તો મારે ખખડાવવા તો પડે ને? કેમ કે, મને પણ કોઈક મારી ઊપર પૂછનાર છે. એને જવાબ આપવા માટેય મારે તમને ખખડાવવા પડે.
તેમને માણસોથી ઘેરાયેલા રહેવું બહુ ગમતું. તે પોતે તો હોદ્દાની રુએ અલાયદી કેબિનમાં બેસતા. પણ કેબિનમાંથી નીચે આવીને કન્ટ્રોલ રૂમમાં બેસે એટલે પ્લાન્ટ કે પેનલ એને ઠેકાણે રહે અને દરબાર ભરાય. અલકમલકની વાતો નીકળે, ક્યારેક તેઓ પોતે કોઈકની મીમીક્રી કરે, મોર ને કોયલના અવાજ કાઢે. તેમને સહુ 'દાદા'ના સંબોધનથી જ સંબોધતા. આ સંબોધન બંગાળી હશે, પણ પ્લાન્ટમાં તો સૌ તેનો ગુજરાતી અર્થ જ લેતા. કોઈ પણ ખલાસી (સૌથી નીચી પાયરીનો કર્મચારી) હોય, 'દાદા' સાથે તે એટલી જ આત્મીયતાથી વાત કરી શકે. ખલાસીઓ તેમને 'દાદા' ઊપરાંત 'બરુઆસાહેબ' કે 'બડવાસાહેબ' પણ કહેતા. હસમુખ નામનો એક ખલાસી તેમનું નામ એ રીતે ઉચ્ચારતો કે 'બરવાસાહેબ' બોલે છે કે 'ભરવાડસાહેબ' એ જ ન સમજાય. એ વખતે કે.(ખીમજી) કે.ભરવાડ નામનો એક ખલાસી પણ હતો એટલે ગૂંચવણ બહુ થતી.
તેમના અવાજની નકલ કરવી એટલી સહેલી હતી કે ઘણા લોકો ફોન પર તેમના અવાજમાં વાત કરતા અને સામેવાળાને ગૂંચવતા. પછી જો કે, રહસ્ય ખૂલી જતું.
તેમની સાથે સંકળાયેલો એક પ્રસંગ તેમના માટે નહીં, અમારા માટે બહુ રમૂજી બની રહેલો. થયેલું એવું કે તેમના સંતાનનું લગ્ન હતું અને તેમણે સૌને આમંત્રણ આપેલું. આ પ્રસંગે બરુઆસાહેબે ધોતિયું પહેરેલું. હું હાજર નહોતો, પણ કલ્પી શકું છું કે તેમણે આવનારની સામું આંખ મારીને કહ્યું હશે, 'કૈસા, બરાબર લગતા હૈ ન? અબ બુઢા તો ધોતી હી પહનેગા ન?' અમારા કેટલાક સહકાર્યકરો બરુઆસાહેબને ત્યાં ગયા. બરુઆસાહેબે સૌને આવકાર્યા. એ વખતે એક ઓપરેટર જિતેન્દ્ર મોઢને શો ઊમળકો આવી ગયો કે એ બરુઆસાહેબને પગે લાગવા ગયો. બસ, આ વાત પછી એવી ચગી કે દિવસો સુધી એમાંથી જાતજાતના અર્થઘટન નીકળતાં રહ્યાં. એમાંનું સૌથી જાણીતું અર્થઘટન એ કે- મોઢ જેવો પગે પડવા નીચે નમ્યો કે બરુઆસાહેબ ચમક્યા. એમને થયું કે આ કેમ મારું ધોતિયું ખેંચવા આવે છે? બસ, આ અર્થઘટન પર આધારિત કાલ્પનિક સંવાદો અને એ પણ બરુઆસાહેબના અવાજમાં બોલાતા, તેમાં મારા જેવા ભૂતિયાલેખકો પોતાની સર્જકતા દાખવતાં ઈમ્પ્રોવાઈઝેશન કરાવતા. અને એ ઈમ્પ્રોવાઈઝેશન બદલ યશની સહેજ પણ ઈચ્છા નહીં. ઘણાને તે પોતાના નામે ચડાવવાનું મન થઈ જતું, અને એમ થતું ત્યારે એમ થવા બદલ ફરિયાદ નહીં, પોતાની કૃતિ લોકસાહિત્યનો દરજ્જો પામ્યાનો આનંદ થતો. (આ બાબત અને લક્ષણ લેખનને વ્યવસાયલેખે અપનાવ્યા પછી મને ઘણી કામ લાગી છે.) જો કે, આમ કરવાનું કારણ એ હતું કે એવા સંવાદો થકી થનારા સંભવિત સ્ફોટથી આગોતરી સલામતિની જોગવાઈ કરવી. (હવે તો જિતેન્‍દ્ર મોઢ પણ આ દુનિયામાં નથી)
મારા બાવીસ વર્ષના કાર્યકાળ દરમિયાન અમુક અરસાને બાદ કરતાં મોટે ભાગે અમે એક જ પ્લાન્ટમાં રહ્યા. તેમના માટે મને માન હતું, પણ તેમના દરબારમાં બેસવાનું કદી ફાવતું નહીં. આ કારણે હંમેશાં એક સલામત અંતર અમારી વચ્ચે રહેલું. 2007 માં મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે નોકરીના છેલ્લા દિવસે તેમને મળવાનું બન્યું નહીં.
એ પછી તો તેઓ પણ નિવૃત્ત થયા હશે. તેઓ વડોદરામાં જ સ્થાયી થયેલા એમ જાણેલું, પણ કદી તેમને મળવાનો યોગ બનેલો નહીં. અખબારમાં જાણ્યું કે 12 ઑગસ્ટ, 2018 ના રોજ તેઓ અવસાન પામ્યા છે. સાથે તેમની તસવીર પણ મૂકાઈ છે. એમાં તેઓ એવા જ ચિરવૃદ્ધ જણાતા હતા, જેવા તેમને પ્લાન્ટમાં જોયેલા.
આજે વિચારતાં એમ લાગે છે કે ઉદ્યોગોમાં માનવીય સંબંધોમાં જે હદે યાંત્રિકતા આવી ગઈ છે, એ જોતાં બરુઆસાહેબ જેવો કોઈ ઊપરી હોય તો કેવો ફેર પડે! એ તમારા કુટુંબ વિશે પૂછે, તમારા પગાર પર બીજા કોણ કોણ નભે છે એ પૂછે, પ્રેમથી ઊંચા અવાજે ધમકાવીને રજા ન પાડવા કહે અને પછી આંખ મારીને ઊમેરે, 'તુમ છુટ્ટી રખેગા તો મેરા નૌકરી ખતરે મેં હૈ. અબ યે બુઢા ઈસ ઉમ્ર મેં કહાં જાયેગા? તુમ્હારા નહીં, મેરા તો ખયાલ કરો!

No comments:

Post a Comment