Friday, July 14, 2017

ટાઈટલ મ્યુઝીક (2) : રાજ કપૂર નિર્મિત ફિલ્મો અને શંંકર- જયકિશન


ટાઈટલ મ્યુઝીકની વાત કરતાં અગાઉ ટાઈટલ સોંગ વિશે થોડી સ્પષ્ટતા. બે પ્રકારનાં ગીતોને ટાઈટલ સોંગ તરીકે ઓળખાવાય છે. એક તો ફિલ્મના ટાઈટલ્સ દરમ્યાન જે ગીત વાગે તે. અને બીજું, ફિલ્મનું નામ (ટાઈટલ) જે ગીતમાં આવે એ ગીત. રાજ કપૂરની 'બરસાત'નું ગીત 'બરસાત મેં' એક રીતે ટાઈટલ સોંગ કહી શકાય, કેમ કે તેમાં 'બરસાત' નામ આવે છે, પણ આ ગીત ફિલ્મના ટાઈટલ દરમ્યાન નથી વાગતું. ફિલ્મના ટાઈટલમાં તેની ધૂન જ વગાડવામાં આવી છે. એટલે આ ગીતને ટાઈટલ સોંગ તરીકે ઓળખાવતાં ગૂંચવાડો થવાનો પૂરો સંભવ રહે છે. 
આ શ્રેણીમાં હાલ આપણે ટાઈટલ (દરમ્યાન વાગતા) સોંગની વાત નથી કરતા, કેમ કે, આપણો મુખ્ય વિષય ટાઈટલ મ્યુઝીક છે.  
હિન્‍દી ફિલ્મોના ટાઈટલ મ્યુઝીકની અને પાર્શ્વસંગીતની વાત રાજકપૂરની ફિલ્મો અને તેમાંના શંકર-જયકિશનના સંગીત વિના અધૂરી ગણાય. અનેક કથા-દંતકથાઓ તેના વિશે પ્રચલિત છે, જેમાં હાલ ઊંડા ઉતરવાની જરૂર નથી. 
રાજકપૂરે સહુ પ્રથમ ફિલ્મ 'આગ'નું નિર્માણ કર્યું ત્યારે 'આર.કે.ફિલ્મ્સ'નું બેનર હતું, પણ તેનો લોગો અને મ્યુઝીક બન્યાં નહોતાં. 'આગ'ના આરંભે ગાયત્રી મંત્રનું ગાન સંભળાય છે, 'બરસાત'થી આર.કે.ની તમામ ફિલ્મોમાં ફિલ્મનો આરંભ 'ઓમ નમ: શિવાય' બોલતા પૃથ્વીરાજ કપૂરથી થતો બતાવાયો છે.
ત્યાર પછી ડાબા હાથમાં વાયોલિન અને જમણા હાથ પર કમરેથી પાછળની તરફ ઝુકેલી યુવતીનું પ્રતીક ધરાવતો 'આર.કે.ફિલ્મ્સ'નો લોગો અને તેને અનુરૂપ સંગીત. ફિલ્મનાં ટાઈટલ શરૂ થતાં 'બરસાત મેં'ની ધૂન વાગે 
છે. પોતાની ફિલ્મનાં ગીતો, પાર્શ્વસંગીત વગેરે બાબતે અત્યંત ઝીણવટથી વિચારતા રાજ કપૂર ફિલ્મના ટાઈટલ મ્યુઝીકને અલગ ઓળખ આપવાનું ન વિચારે તો જ નવાઈ, એમ મને લાગ્યું છે. એ જ રીતે તેમણે ફિલ્મોના અંત વખતે પણ એક ચોક્કસ પ્રકારનું સંગીત વાગે એવો પ્રયત્ન કર્યો છે, જેની વિગતે વાત ક્યારેક અહીં કરીશું. 

1951માં રજૂઆત પામેલી 'આવારા'ના શિર્ષકસંગીત પરથી લાગે કે શંકર જયકિશન અને રાજ કપૂરે 'આર.કે.'ની ફિલ્મોની અલગ ઓળખ ઉભી થાય એવું કશુંક વિચાર્યું હશે.
'આવારા હૂં' જેવું યાદગાર ગીત આ ફિલ્મની ઓળખ સમાન બની રહ્યું. આ ગીતની આખી ધૂનને ટાઈટલ મ્યુઝીકમાં શીર્ષકસંગીત તરીકે વાપરવામાં આવે એ નવાઈ નથી. નવાઈ છે તેને વગાડવાની પદ્ધતિમાં. મૂળ ગીતમાં જ્યાં ગાયન એટલે કે શબ્દો આવે છે એ ભાગ અહીં ટાયશોકોટો પર અદ્‍ભુત રીતે વગાડવામાં આવ્યો છે. અને મૂળ ગીતમાં ઈન્ટરલ્યુડ સંગીતના જે ટુકડા છે, તેને મોટે ભાગે કોરસમાં ગાવામાં આવ્યા છે. તેને લઈને એક જાદુઈ અસર ઉભી થાય છે. 

પહેલાં 'આવારા'નું ટાઈટલ મ્યુઝીક સાંભળીએ. 




બિલકુલ આ જ પદ્ધતિ 'શ્રી 420'ના ટાઈટલ મ્યુઝીકમાં વાપરવામાં આવી છે. તેમાં 'મેરા જૂતા હૈ જાપાની'ની ધૂનને આ જ રીતે વાપરવામાં આવી છે. 




પણ નવાઈ લાગે એવી વાત એ છે કે માત્ર આ બે ફિલ્મો પછી આ શૈલી કે ઓળખ આગળ વધારવામાં ન આવી અને અટકાવી દેવાઈ.  'આહ'નું ટાઈટલ મ્યુઝીક આની સરખામણીએ મામૂલી લાગે, અને 'જિસ દેશ મેં ગંગા બહતી હૈ'માં તો આખું ગીત જ રીતસર ટાઈટલ વખતે મૂકાયું છે. 'જાગતે રહો'માં સલીલદાનું સંગીત હતું એટલે એના વિશે કશું કહી શકાય નથી. 

'બૂટ પોલિશ'ના ટાઈટલમાં 'તુમ્હારે હૈ તુમસે દુઆ માંગતે હૈ'ની ધૂન ઓરકેસ્ટ્રામાં વગાડવામાં આવી છે. 'સંગમ' થી જાણે આર.કે.ના ટાઈટલ મ્યુઝીકની ઓળખ ખોવાઈ ગઈ હોય લાગ્યા વિના રહે નહીં. 'મેરા નામ જોકર' અને 'કલ આજ ઔર કલ'નું ટાઈટલ મ્યુઝીક ખાસ અસર ઉભી કરી શકતું નથી એમ લાગે છે.  'અબ દિલ્લી દૂર નહીં'ના સંગીતકાર શંકર-જયકિશનના કાબેલ સહાયક દત્તારામ હતા. આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીક વિશે દત્તારામ અંગેની પોસ્ટમાં આગળ વાત કરીશું.
એમ લાગે છે કે આ પદ્ધતિના શીર્ષકસંગીતને 'આર.કે.ફિલ્મ્સ'ની ઓળખ બનાવવાનો વિચાર કર્યા પછી ખુદ 'આર.કે.ફિલ્મ્સ'ની ઓળખનો પ્રશ્ન ઉભો થયો હશે. (એ ફિલ્મો જોયા પછીનો અંગત અભિપ્રાય છે અને આમ હોવાની હળવી ધારણા.) 

(નોંધ: લીન્‍ક યૂ ટ્યૂબના સૌજન્યથી) 

2 comments:

  1. 'સંગમ' તેમાં સમાવયેલી રંગીન ફોટોગ્રાફી કે યુરોપનાં દૃશ્યો જેવાં કારણોસર ટિકિટ્બારી પર સફળ રહી હતી. પણ આરકે ફિલ્મ્સની ઓળખથી તે બહુ દૂર કહી શકાય તેવી ફિલ્મ હતી. 'અંદાઝ' જેવો જાદૂ તેમાં ખૂટતો હતો. ટાઇટ્લ્સની શરૂઆતમામ જિસ દેશમેંનાં ઓ બસંતિની ધૂનનો સિતાર પર પ્રયોગ કર્યો છે.
    'મેરા નામ જોકર'નો કેન્વાસ એટલા મોટા પાયા પર લેવાયો કે ફિલ્મનો હેતુ ખોવાઈ જતો જણાય. તેની શરુઆત જ ફિલ્મની ત્રણ નાયિકાઓને મળતા સંદેશથી થાય છે. ટાઇટલ્સમાં સરકસમાં વપરાતાં સંગીતનો પ્રયોગ કરાયો છે
    'કલ આજ ઔર કલ; સુધીમાં તો જયકિશન જતા રહ્યા હતા એટલે શંકરજયકિશનની ટીમનો વાદ્ય સજ્જાઓનો જાદૂગર જ રહ્યો નહીં. ફિલ્મ પણ રણધીર કપૂરે દિદ્ગ્દર્શિત કરી હતી.
    એટલે સરવાળે અરકે ફિલ્મ્સની ઓળખનો સવાલ ઊભો થયો હતો એ વાત બહુ વજૂદવાળી ગણી શકાય.

    ReplyDelete
  2. એક ઉમદા પ્રયાસ.

    ReplyDelete