Sunday, July 16, 2017

મિશન મંગલમ્ !

- ઉત્પલ ભટ્ટ
(અમદાવાદ રહેતા મિત્ર ઉત્પલ ભટ્ટને હવે 'એન.આર.ડી.' (નોન રેસિડેન્‍ટ ડાંગી) કહી શકાય એ હદે તેમણે ડાંગને આત્મસાત્ કર્યું છે. અગાઉ અહીં આલેખેલી એક ઘટનાના ફોલો-અપની આ કથા છે.)  

ડાંગ જિલ્લાના જખાના ગામની મંગલા ભોયેને એના પપ્પાએ આર્થિક કારણોસર MSW કરવાની ના પાડી તેની વાત અહીં લખી હતી. ત્યાર પછી ઘરમાંથી અને છેક અમેરિકાથી વાચકો-મિત્રોએ પૂછપરછ કરવા માંડી. વાતચીત અને ચર્ચામાં એક સૂર સામાન્ય નીકળ્યો કે મંગલા આગળ ભણી શકે તે માટે જે કરવું પડે તે કરીએ. મારા મનમાંય વાત સતત ખટકતી હતી કે ૨૦૧૭ ની સાલમાં પણ ગરીબીને કારણે વધુ ભણવાનું છોડીને અનિચ્છાએ કોઇ પણ દીકરીએ મજૂરીકામે જવું પડે તો ચલાવી લેવાય. આવા બધા મનોમંથનને અંતે નક્કી કર્યું કે એક વખત જખાના જઇને મંગલાના પપ્પાને રુબરુ મળવું અને મંગલા MSW નો અભ્યાસ કરી શકે એ માટેની મંજૂરી તેઓ આપે એ માટે તેમને સમજાવી જોવા.

'મિશન મંગલા' ને સિધ્ધ કરવા દિલમાં અનેક આશાઓ સાથે અમે દસમી જુલાઇએ ડાંગ તરફ મોટરકાર હંકારી મૂકી. વરસાદને કારણે ચોતરફ ફેલાયેલી હરિયાળી જોતાં જોતાં સાંજે વઘઇ પહોંચ્યા. આશાનગર ફળિયામાં આવેલા સેનીટરી નેપકીન્સ યુનિટની મુલાકાત લીધી અને રાત્રિરોકાણ માટે શિવારીમાળ આશ્રમશાળા તરફ હંકારી ગયા. બીજે દિવસે વહેલી સવારે ઉઠીને આશ્રમશાળાનાં બાળકો સાથે ગોષ્ઠિ શરૂ કરી. ધોરણ થી આઠના તમામ બાળકો ઈંગ્લીશ શીખવા માટે સવારે સાત વાગ્યે પણ તૈયાર હતા. એમના હઠાગ્રહને માન આપીને સવારે સાતથી સાડા નવ સુધી સ્પોકન ઈંગ્લીશ શીખવ્યું. આશ્ચર્યની વાત હતી કે ત્રણ મહિના પહેલાં શીખવેલાં બધાં વાક્યો અને શબ્દો તેમને સાચા ઉચ્ચાર સાથે યાદ હતા. બાળકોની આવી સરસ ગ્રહણશક્તિ હોવા છતાં અહીં ઈંગ્લીશ વિષય શીખવનાર એક પણ શિક્ષક નથી. સ્પોકન ઈંગ્લીશ સાથે હું તેઓને સ્પષ્ટ ગુજરાતી બોલતા પણ શીખવું છું.

સ્પોકન ઈંગ્લીશનો ક્લાસ લઇને બાળકો સાથે રોટલી અને કઠોળનું ભોજન લીધું. ત્યાંથી દસ વાગ્યાના સુમારે જખાના ગામ જવા નીકળ્યા. હંમેશની જેમ મંગલાનો મોબાઇલ લાગતો નહોતો એટલે જખાના ગામ પહોંચીને અડસટ્ટે એનું ઘર શોધવાનું હતું. શિવારીમાળથી શામગહાન જઇને પછી આહવા જવાના રસ્તે અમે ફંટાયા. જખાનાનો રસ્તો પૂછતાં પૂછતાં ગામમાં અંદર જઇ પહોંચ્યા. જખાનામાં બધા મકાનો કાચાં અને છાપરાવાળાં છે. હવે ખરું કામ શરુ થયું! મને તો ફક્ત પૂરું નામ ખબર હતું એટલે કોલંબસની માફક 'મંગલા વાસનભાઇ ભોયે'નું ઘર ક્યાં એમ પૂછવાનું શરૂ કર્યું. બે-ત્રણ ગામલોકોને પૂછ્યું પણ તેમને ખબર નહોતી. વળી આગળ ગયા અને ફરી પૂછપરછ કરી. આખરે એક છોકરાએ મંગલાના ઘરનો રસ્તો બતાવ્યો. સીધા ચઢાણ પર ગાડી જાય તેમ નહોતું. અમે ગાડી પાર્ક કરી. પછી ઢાળવાળા ઉબડખાબડ રસ્તે પગપાળા આગળ વધ્યા. અડધા કિ.મી.ના સીધા ચઢાણ પછી છેક ઉપર એક ખૂણામાં પડુંપડું થઇ રહેલું મંગલાનું સાવ કાચું મકાન નજરે ચડ્યું. મંગલાનું ઘર મળ્યાની ખુશી લાંબો સમય ટકી

મંગલાનું ઘર 

મંગલાના ઘરનો આંતરિક વૈભવ 
અમે જોયું કે બારણે તાળું લટકતું હતું. બાજુના ઘેર પૂછ્યું તો બેનને ગુજરાતીમાં સમજણ પડી. ઘરમાંથી કોલેજમાં ભણતો એક છોકરો આવ્યો.  તેને પૂછતાં માહિતી મળી કે મંગલાના ઘરના બધા ખેતરમાં વાવણી માટે ગયા છે. મેં ટૂંકમાં વાત સમજાવી અને કીધું કે ખેતરેથી એમને બોલાવો. પેલો છોકરો ખેતરે ઉપડ્યો અને અમે બહાર ઢાળેલી ચારપાઈ પર બેઠા. થોડી વારમાં પેલી ગુજરાતી નહિ સમજતી મહિલા કપ-રકાબી લઇને આવી પહોંચી. અમે એને ચા સમજીને લીધી. ગરમ ગરમ બ્લેક ટી નીકળી! ઘરમાં દૂધ નહિ હોય, પરંતુ સાવ અજાણ્યા અતિથિનો સત્કાર કરવો જ જોઈએ એમ સમજીને પેલી મહિલા મધમીઠી બ્લેક ટી બનાવીને લઇ આવી હતી. અમે તો તેને ફાઇવ સ્ટાર રેસ્ટોરન્ટમાં મળતી મોંઘા ભાવની બ્લેક ટી સમજીને તેની ચુસકીઓ લગાવી.

લગભગ પંદર-વીસ મિનિટમાં મંગલા અને લઘરવઘર કપડામાં એના પપ્પા દોડતા આવી પહોંચ્યા. મંગલા તો મને જોઇને કંઇ બોલી શકી. એના પપ્પાનો 'દેખાવ' જોઇને બધું સમજાઇ ગયું. દરિદ્રનારાયણનો સાક્ષાત્ અવતાર જણાતા હતા. 
મંગલાના પિતા વાસનભાઈ ભોયે 
ધીમે ધીમે વાસનભાઇ સાથે વાત કરીને તેમને સમજાવવાનું શરૂ કર્યું. મંગલા હોશિયાર છોકરી છે, એના MSW કરવાથી શું ફાયદો થશે, મજૂરી કરશે તો આજીવન કઠોર મહેનત કરવા છતાં નજીવી કમાણી રહેશે, નહિ ભણ્યાનો આજીવન વસવસો રહેશે -- બધી વાતો પ્રેમથી સમજાવી. મંગલાના પપ્પાને કંઇક ગડ બેઠી. થોડો વખત કંઇક વિચારમાં બેસી રહ્યા પછી કહે કે તમારે એને જ્યાં ભણાવવી હોય ત્યાં ભણાવો, હું ના નહિ પાડું. પરંતુ મારી પાસે એની ફી ભરવાનો કાણો પૈસો પણ નથી. અમારે બે ટાઇમ ખાવાના ફાંફા છે તો ફી કેમની ભરું?” અમારે તો એમની 'હા' સાંભળવી હતી. ખુશીના માર્યા મેં એમના બંને હાથ પકડી લીધા. પછી તરત મોબાઇલ લઇને જુદે જુદે ઠેકાણે ફોન લગાવવાના શરૂ કર્યા. ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશપ્રક્રિયા પૂરી થઇ ગઇ હતી એટલે જ્યાં મળે ત્યાં એડમિશન લેવાનું હતું. થોડાક ફોન લગાડ્યા પછી ભાવનગર યુનિવર્સિટીના MSW વિભાગમાં એડમિશન મળી જશે તેમ જાણવા મળ્યું. પાસે હતા એટલા રૂપિયા મંગલાને આપ્યા અને બીજે દિવસે ભાવનગર જવાની તાકીદ કરી. ભાવનગર કેવી રીતે જવું, કોને મળવું, કોની સાથે રહેવું -- બધું એને સમજાવી દીધું.

એક મોટું કાર્ય પૂર્ણ થયું. મંગલા તો ખુશીની મારી કંઇ બોલી શકી. આંખમાં આવી ગયેલા હર્ષના આંસુ સાથે અમને જોતી રહી. અમે મંગલા અને વાસનભાઇની વિદાય લીધી ત્યારે ચિક્કાર વરસાદ ચાલુ હતો. એમની કાણાવાળી છત્રી મારા પર ધરીને તેઓ નીચે પાર્ક કરેલી ગાડી સુધી મૂકવા આવ્યા. ઢાળ ઉતરતાં કોઇકના ઘરની બહાર વાસનભાઇને ઉભા રાખીને યાદગીરી માટે એમનો ફોટો પાડ્યો. ગાડીમાં રાખેલાં કપડાં એમને આપ્યા અને એમની વિદાય લીધી.
હવે આગળની વાત એ છે કે મંગલાની આ અભ્યાસક્રમની વાર્ષિક ફી (ભણતર, છાત્રાલય, જમવાનું) માત્ર રૂ.૨૫,૦૦૦/- છે. અને એ જવાબદારી આપણે સૌએ વહેંચી લેવાની છે. આ અભ્યાસક્રમ બે વર્ષનો છે, પણ બીજા વર્ષની ફીની અત્યારે જરૂર નથી. અલબત્ત, તેનું કમિટમેન્ટ કોઈ આપવા ઈચ્છતું હોય તો આવકાર્ય છે. 
**** **** ****

આજનો દિવસ ખૂબ લાંબો ચાલવાનો હતો. નવા શૈક્ષણિક સત્રથી ચીચીના ગાંવઠા આશ્રમશાળાના આચાર્ય અને હવે અમારા ખાસ મિત્ર યશવંતભાઇ બાગુલની બદલી સુબીર તાલુકામાં આવેલી વાહુટિયા જિલ્લા પંચાયત શાળામાં થઇ છે. એમનો ખાસ આગ્રહ હતો કે એમની શાળાની મુલાકાત લેવી અને યોગ્ય લાગે તો શાળાના બાળકોને યુનિફોર્મ આપવાનું નક્કી કરવું. અગાઉથી નક્કી થયેલા પ્રવાસમાર્ગ મુજબ જખાના ગામથી મહારાષ્ટ્ર બોર્ડરને ફરતો વાહુટિયા ગામ તરફનો પ્રવાસ શરૂ કર્યો કે જે મંગળ યાત્રા જેવો લાંબો સાબિત થવાનો હતો!

સવારથી શરૂ થયેલો ચિક્કાર વરસાદ અમે મન ભરીને માણી રહ્યા હતા. મોટરકાર સુબીર તાલુકાના અજાણ્યા અને અંતરિયાળ રસ્તાઓ પર ધીમેથી આગળ વધી રહી હતી. વાહુટિયા ગામ એટલું બધું અંતરિયાળ છે કે થોડે થોડે વખતે મોટર થોભાવીને અમારે રસ્તો પૂછવો પડતો હતો. ખૂબ વરસાદને લીધે વચ્ચે વચ્ચે રસ્તાઓ તૂટી ગયા હતા. બધી અગવડોની સામે સ્વિટ્ઝર્લેન્ડને ટક્કર મારે તેવું અફાટ કુદરતી સૌંદર્ય મનને તરબતર કરી રહ્યું હતું. ચારેય તરફ ફેલાયેલી લીલાછમ્મ વૃક્ષોથી આચ્છાદિત પર્વતોની હારમાળા, પર્વતોની ટોચને અડીને વાતો કરી રહેલા કાળા ડિબાંગ વાદળો, આંખને ઠારે તેવી હરિયાળી, ખળખળ વહેતાં નાના ઝરણાં, નહિવત દેખાતા વાહનો, નાનકડા ખેતરોમાં બળદો દ્વારા ચાલતી ખેડ અને છૂટાછવાયાં કાચાં મકાનો -- બધાં દૃશ્યો એક ફ્રેમમાં ગોઠવાય અને આંખો સામે જે અદભૂત દૃશ્ય રચાય તે અમે કલાકો સુધી જોયા અને માણ્યા કર્યું.



રસ્તે આવતાં અદભુત કુદરતી દૃશ્યો 
એક ઠેકાણે બળદો દ્વારા ખેડાતું ખેતર જોઇને મારાથી રહેવાયું નહિ અને મોટર ઉભી રાખી. ઘૂંટી સુધી પગ ખૂંપી જાય તેવી પોચી જમીનમાં જઇને લાકડાના હળ દ્વારા ખેતરને ખેડવાનો પરમ આનંદ લીધો. ઠેકઠેકાણે ડાંગરના ધરુની રોપણી પૂરજોશમાં ચાલી રહી હતી અને વિશાલ ફલકમાં ફેલાયેલું દૃશ્ય જોવું આહ્લલાદક હતું. આનંદની દરેક ક્ષણે મહેસૂસ થઇ રહ્યું હતું કે "સ્વર્ગ તો અહીં છે." થોડુંક ખેડાણ કરીને તે ખેતરના માલિકનો આભાર માન્યો, તેને થોડાંક કપડાં આપીને સવારી આગળ વધારી. 
ખેતર ખેડવાનો આનંદ 
વાહુટિયા પહોંચવાનો રસ્તો ખૂબ મુશ્કેલ છે. રસ્તો એટલી બધી વખત પૂછવો પડ્યો કે અમે 'પૂછતાં પૂછતાં ખંડિત  થઇ ગયા!' સુબીર તાલુકામાં પ્રવેશતાં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સના તમામ ટાવર્સે અમારો સાથ છોડી દીધો હતો જેનો અમને લગીરેય અફસોસ નહોતો! આમ કરતાં છેવટે બપોરે અઢી વાગ્યે વાહુટિયા જિલ્લા પંચાયત શાળાનું પાટિયું દેખાયું અને સાથે અમારી મંગળ યાત્રા પૂર્ણ થઇ! શાળાની બહાર ઉભેલા યશવંતભાઇ આતુરતાથી અમારી રાહ જોઇ રહ્યા હતા. શાળાના આચાર્ય અને બીજા શિક્ષકોની તેમણે ઓળખાણ કરાવી અને ઠંડા વાતાવરણમાં ચા પીવાની લિજ્જત માણી. દરજીમિત્ર જયેશ પરમાર સવારે યશવંતભાઇની સાથે વાહુટિયા પહોંચી ગયો હતો અને યુનિફોર્મ માટેના જરૂરી માપ લઇ રહ્યો હતો. દરમ્યાન શાળાનાં એક માત્ર શિક્ષિકા દર્શનાબેનને ધોરણ સાત, આઠની છોકરીઓને સેનીટરી નેપકીન્સના પેકેટ વિતરણ કરવા માટે સોંપ્યા.

યશવંતભાઇની શાળામાં ૨૩૦ બાળકોનાં માપ લેવાઇ રહ્યાં એટલે પાસે આવેલી વાહુટિયા આશ્રમ શાળાની મુલાકાત લીધી. અહીં કુલ ૧૨૦ બાળકો ભણે છે. અહીં પણ જયેશે યુનિફોર્મના માપ લીધા. મેં દરમ્યાન બાળકો સાથે વાતો કરી, શાળાની ફરતે રાઉન્ડ માર્યો અને જાણ થઇ કે એકેય ઓરડાઓમાં ટ્યુબલાઇટ નથી. બાળકો સાવ અંધારામાં બેસીને ભણી રહ્યા હતા. શાળામાં વીસ ટ્યુબલાઇટની જરૂરિયાત છે. માત્ર ,૦૦૦/- રૂ. ખર્ચતાં આ ટ્યુબલાઈટ આવી જાય એમ છે. ઘરમાં બે-ત્રણ એ.સી. ચલાવતા કેટલાક મિત્રોનું લાઈટ બીલ કદાચ આનાથી વધુ આવતું હશે. એટલા ખર્ચમાં અહીં ખરા અર્થમાં અજવાળું છવાઈ જાય એમ છે. 

વાહુટિયા આશ્રમશાળાનાં ખુશખુશાલ બાળકો 
 વાહુટિયા આશ્રમ શાળામાંથી નીકળ્યા ત્યારે ઘડિયાળમાં ચાર વાગી રહ્યા હતા અને અમને કકડીને ભૂખ લાગી હતી. વાહુટિયાની પાસે બીબુપાડા ગામ આવેલું છે. યશવંતભાઇનાં પાડોશી અને સેનીટરી નેપકીન્સ યુનિટનાં સભ્ય, પ્રકૃતિએ હસમુખાં એવાં તારાબેનનું ત્યાં પિયર છે. યશવંતભાઇ અને તારાબેનના પતિ રામભાઇએ અમારા જમવાની વ્યવસ્થા તારાબેનના પિયરમાં કરી હતી. ત્યાં જઇને અમે ડાંગી થાળી -- નાગલીના રોટલા, તેલ વિનાની અડદની દાળ અને કાંદાના સ્વાદિષ્ટ ભોજન પર પ્રેમથી તૂટી પડ્યા!

સાંજે વાગ્યે વળતો પ્રવાસ શરૂ થયો. બીજે દિવસે અમારે સોનગઢ ખાતે આવેલ સુમુલ ડેરીની ગીર ગૌશાળાની મુલાકાત લેવાની હતી. મુલાકાત લેવા પાછળની અનેક દિવસોની કસરતો અને પ્રયોજન શા હતા તે ટૂંક સમયમાં અહીં જણાવીશ.
અત્યારે તો 'મિશન મંગલમ્' સફળતાપૂર્વક પૂર્ણ થયાનો આનંદ માણીએ. અવર્ણનિય આનંદ માણતાં માણતાં મંગલાને ફી માટેની અને વાહુટિયા આશ્રમ શાળામાં ટ્યુબલાઇટ લગાવવા માટે બની શકે તેટલી આર્થિક મદદ કરીએ. અને જીવન આમ બીજાને મદદ કરવામાં પસાર થતું રહે તેવી આશા રાખીએ.
તાજા ખબર પ્રમાણે મંગલા ભાવનગર પહોંચી ગઇ છે અને ભણવાનું શરૂ કરી દીધું છે.
મંગલાને નડેલો મંગળ હટાવી શકાયો ખરો!!! આનંદો!

**** **** ****

સ્ટોપ પ્રેસ:  આ બ્લોગપોસ્ટ અપલોડ કરી ત્યાં જ એક આનંદના સમાચાર જાણવા મળ્યા, જેને અહીં શેર કરવાની ખુશી રોકી શકાય એમ નથી. આ અગાઉની બ્લોગપોસ્ટમાં ડાંગના કેટલાક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અમદાવાદમાં માસ્ટર્સમાં પ્રવેશ લેવા ઈચ્છતાં હોવાની અને તેમની સાથે સંકલન સાધવાની વાત જણાવી હતી. આ પ્રયત્નોના પરિણામરૂપે ડાંગના કુલ દસ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં પ્રવેશ મળી ગયો છે. 


 સંપર્ક: ઉત્પલ ભટ્ટ: bhatt.utpal@gmail.com / વોટ્સેપ: 70161 10805 અથવા આ બ્લૉગના માધ્યમ દ્વારા.) 
(તમામ તસવીરો: ઉત્પલ ભટ્ટ) 

12 comments:

  1. ઉત્પલભાઈ, તમારાં ઉત્સાહ તેમ જ ખંત કંઈ કેટલાંયે જીવનમાં પ્રકાશ અને આનંદ ફેલાવતાં હશે, તમને પણ ખ્યાલ નહીં હોય. અત્યારના યુવકો માટે તમે આદર્શરૂપ છો. બીરેનભાઈ, આ યજ્ઞમાં તમે બહુ ઉપયોગી આહુતિ પૂરી રહ્યા છો.

    ReplyDelete
  2. અદભુત અને આનંદદાયક સમાચાર.બસ આમજ બદલાવ લાવતા રહો અને ઉપરવાળો back end મા બધુ સેટ કરતો રહે......આમ પણ કહેવાયુ છે કે, જગત મા કોઇ સારૂ કાર્ય પૈસાના અભાવે અટકતુ નથી,બસ જરૂર છે કોઈ સાચી ભાવના થી આગળ વધારે...દુનીયા મા મદદ કરનારા નેક દીલ માણસો હજુ પણ જીવીત છે.....આપ તો નોન સ્ટોપ Mission Mangal-a લોન્ચ કરતા રહો....

    ReplyDelete
  3. બહુ અનન્ય કામ કરી રહ્યા છો. વર્ણન પણ બડું રોચક છે.પણ મંગળાનો ફોટૉ કેમ નથી ?

    ReplyDelete
  4. ચિ. ઉત્પલને હાર્દિક અભિનંદન. અતુલ ભાઈની ખુશી આનાથી કેટલી થઈ હશે - તે કલ્પના પણ રોમાંચક છે.

    ReplyDelete
  5. Good luck to Mangla and your mission.

    Rudresh Bhatt
    NJ, USA

    ReplyDelete
  6. Very good! I would love to send you some money for Mangala's second year fees. I was thinking what if we provide one computer or laptop and printer where you run sanitary napkin production. Student can use it to print out forms and documents.

    Sweta Patel
    Melbourne

    ReplyDelete
  7. You are doing amazing work. Salute to you.

    Payal, Brampton

    ReplyDelete
  8. Pl contact Kantibhai after few days at Vyara
    We may be able to do something from my Usa ���� friend group.

    Nayan Tarsadia
    NC, USA

    ReplyDelete
  9. સર તમને મારી જરૂર હોય તો મને કહેજો મને તમારૂ કામ કરવુ ગમશે.

    ReplyDelete
  10. Dr Dhiren GanjwalaJuly 18, 2017 at 4:13 PM

    Dear Utpal,
    Heartiest congratulations.
    Great work.
    I appreciate your strong intrinsic motivation to help people.
    Keep it up the enthusiasm.

    Dhiren

    ReplyDelete
  11. મારા ભાગે આવે તે રકમ કહેજો. આપ કહેશો તે રીતે મોકલી આપીશ. Tublight માટે પણ જણાવજો. મંગલા બહેનનું ભણતર પૂરું થવું જ જોઈએ. તમે કહ્યું છે તેમ સહુ સાથે મળીને વ્યવસ્થા કરી લઈશું. પણ કહેજો જરૂર. રાહ જોઉં છું. Mail njcanjar201@gmail.com mob. 9427235189

    ReplyDelete
  12. Waah..

    Salute for this work 👍

    ReplyDelete