ગુજરાતી, મારવાડી, સિંધી, પંજાબી, બંગાળી જેવી પ્રાંતિક ઓળખ આપણે જે તે
પ્રાંતના લોકોને લગાડતા હોઈએ છીએ, અને તેમની વિવિધ
લાક્ષણિકતાઓને ઘેરી બનાવીને ઉજાગર કરતા વિવિધ જોક્સ બનાવીને છૂટથી કહેતા હોઈએ છીએ.
ખરેખર તો આ લક્ષણો પ્રાંતવિશેષ નહીં, પણ દરેક વ્યક્તિમાં
જોવા મળી શકે, પણ અલગ અલગ સમયે.
જેમ કે, એક મારવાડી સજ્જને બહુ તપ કર્યું એટલે તેની
પર ભગવાન પ્રસન્ન થયા. રાજી થયેલા ભગવાને વગર માંગ્યે ભગવાને તેને વરદાન આપી દીધું, “તારી સાત પેઢી સુધી ચાલે એટલું ધન તને આપું છું.” ભગવાનને એમ કે આ ભક્ત અત્યંત
ખુશ થઈ જશે, અને ભક્તિભાવપૂર્વક તેમના પગ પકડી લેશે. તેને
બદલે તેમનું મોં પડી ગયું. ભગવાને ચિંતાથી પૂછ્યું, “વત્સ, શું થયું? તારી સાત પેઢી ચાલે એટલું ધન તને આપી
દીધું તોય તું દુ:ખી કેમ જણાય છે?” પેલા સજ્જને ચિંતાગ્રસ્ત
ચહેરે ભગવાનને પૂછ્યું, “મારી આઠમી પેઢીનું શું થશે?”
આમ જોઈએ તો આ જોક
બહુ સામાન્ય છે, પણ એમાં
‘મારવાડી’ ભક્તને ખોટા બદનામ કરાયા છે.
એની જગાએ કોઈ પણ હોઈ શકે. બીજાની વાત જવા દઈએ, આપનો વિશ્વાસુ એટલે કે આ બ્લોગર પણ એક વખત આ ભૂમિકામાં આવી ગયેલો. એ શી રીતે? ક્યારે?
**** **** ****
સુરતના
અભિનેતા-દિગ્દર્શક કૃષ્ણકાન્ત (કે.કે.)ના નામ અને કામથી આ બ્લોગના વાચકો પરિચીત
છે. તેમનાં ફિલ્મી જીવનનાં છ દાયકાનાં સંભારણાંનું આલેખન કરતા પુસ્તક ‘ગુઝરા હુઆ ઝમાના’ના
કામનો આરંભ થયો એ તબક્કાથી તેની વિવિધ વાતો અહીં વહેંચી છે. પુસ્તકનું સંપાદનકાર્ય
પૂરું થયું એ અંગેની સૌ પ્રથમ જાણ અહીં કરવામાં આવી હતી. (એ પોસ્ટ અહીં ક્લીક કરવાથી
વાંચી શકાશે.)
છએક મહિનાનો સમય વીત્યો. હસ્તપ્રત તૈયાર થયા
પછી તેના પ્રકાશન અંગેની ગતિવિધીઓ ચાલતી રહી. છઠ્ઠી એપ્રિલ, ૨૦૧૩ના દિવસે ‘સાર્થક પ્રકાશન’ દ્વારા આ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું.
પણ ખરી કમાલ સર્જી કે.કે.ના સુરતના ચાહકોએ. ૨૦ એપ્રિલ, ૨૦૧૩ના દિવસે સુરતમાં યોજાયેલા આ પુસ્તકના
લોકાર્પણ સમારંભમાં સૌ ઉલટભેર ઉમટ્યા. આ પુસ્તકની પહેલી આવૃત્તિ એ દિવસે, એટલે કે લગભગ પંદરેક દિવસની અંદર મોટે ભાગે
વેચાઈ જવા આવી. (પુસ્તકનિર્માણના તબક્કાની થોડી વાતો અને સુરતના એ કાર્યક્રમનો
અહેવાલ અહીં ક્લીક કરવાથી
વાંચી શકાશે.)
સુરતના કાર્યક્રમની એક ઝલક |
‘સાર્થક
પ્રકાશને’ એક મહિનામાં જ આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકાશિત
કરવાનો નિર્ણય કર્યો. એ જાણીને ક્ષણિક પેલા મારવાડી ભક્તની મનોદશામાં પ્રવેશી
જવાયું. મનમાં થયું, “પહેલી આવૃત્તિ એક મહીનામાં વેચાઈ ગઈ, એ રીતે બીજી આવૃત્તિ થોડી વેચાઈ જવાની છે?” પછી તરત
થયું કે આપણે કેમ પેલા જોકમાં આવતા મારવાડી ભક્ત જેવા બની ગયા?
**** **** ****
આજે હવે જુદા
કારણસર ‘ગુઝરા
હુઆ ઝમાના’ને યાદ કરવાની છે. મૂળ વિચાર એવો હતો કે એક વાર
પુસ્તક આવી જાય એ પછી તેની પ્રક્રિયા અંગેની કેટલીક વાતો લખીશું. વિચાર આવવાનું કારણ
એ કે આ વાતો એવી હતી કે જેનો ઉલ્લેખ પુસ્તકમાં ક્યાંય થયો ન હોય કે એવા સંજોગોય ન
હોય. નિર્માણસંબંધી અનુભવ મોટે ભાગે યાદગાર બની રહેતો હોય છે- સારી રીતે કે ખરાબ
રીતે. આમ છતાંય તેની પ્રગાઢતા સમયાંતરે ઓસરતી જાય છે. આવા સમયે તે સમયસર લખાઈ જાય
તો એમાં રસ પડે એ તો ખરું જ, પણ અંગત રીતેય એ બાબતનું
દસ્તાવેજીકરણ થઈ જાય એ પણ એક વાત ખરી. અહીં માત્ર બે-ત્રણ કિસ્સા.
**** **** ****
રમાશંકર ચૌધરી: મૂળ આ ફોટો મૂકવાનું વિચારેલું. |
આ પુસ્તકના
પહેલવહેલા પ્રકરણનું નામ ‘ગુઝરા હુઆ ઝમાના’ છે, જેમાં
વીતેલા સમયના ખ્યાતનામ દિગ્દર્શક રમાશંકર ચૌધરીની વાત કરવામાં આવી છે. મૂંગી
ફિલ્મોના જમાનામાં ચૌધરીસાહેબનો કેવો દબદબો હતો! પાન ખાવાના શોખીન એવા ચૌધરીસાહેબ
અતિ વ્યસ્ત રહેતા, ઉપરાંત સ્વભાવે ધૂની અને અતડા. કે.કે.એ
એપ્રેન્ટીસ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ શરૂ કર્યું એ ફિલ્મ ‘આદાબ અર્ઝ’ના દિગ્દર્શક રમાશંકર ચૌધરી હતા.
‘એપ્રેન્ટીસ આસિસ્ટન્ટ ડિરેક્ટર’ નો સાદી ગુજરાતીમાં
અનુવાદ એટલે ‘મફતમાં ઢસરડા કરનાર મદદનીશ.’ વરસો વીત્યાં. કે.કે.ની કારકિર્દી ચરિત્ર અભિનેતા તરીકે આગળ વધી. અને
ચૌધરીસાહેબ? કે.કે. એક વખત પોતાની કારમાં પસાર થતા હતા.
તેમણે ચૌધરીસાહેબને બસસ્ટેન્ડે લાઈનમાં ઉભેલા જોયા. કે.કે.એ કાર નજીક લીધી અને
ચૌધરીસાહેબને જ્યાં જવું હોય ત્યાં ઉતારી દેવાની ઑફર મૂકી. “બેટે, કૌન હો તુમ?” પૂછતાંય ચૌધરીસાહેબને ઓળખાણ ન પડી કે
આ કોણ હતું જે તેમના આવા સમયમાં કારમાં બેસવાની ઑફર કરતું હતું. અચકાતા અચકાતા એ
અંદર ગોઠવાયા. થોડી વારમાં તેમને ઉતરવાનું ઠેકાણું આવ્યું એટલે તેમણે કાર થોભાવવા
કહ્યું. કે.કે.એ કાર થોભાવી એટલે એ નીચે ઉતર્યા. પછી કહ્યું,
“બેટા, એક કામ હૈ. મુઝે દસ રૂપિયા દોગે? મૈં તુમ્હેં બાદ મેં દે દુંગા.” આ સાંભળીને કે.કે.ના કાળજે કેવો ચિરાડો
પડ્યો હશે એ સમજી શકાય છે. ‘બાદ મેં’
એટલે ક્યારેય નહીં. પણ એક સમયના ટોચના દિગ્દર્શકની આ હાલત?
તેમણે દસ રૂપિયા આપ્યા.
આ આખો કિસ્સો અમે
ફોન પર વાંચ્યો. વાંચ્યા પછી બે ઘડી સ્તબ્ધ થઈ જવાયું. છેવટે મૌન તોડતાં મેં
કે.કે.ને કહ્યું,
“ચૌધરીસાહેબનો એકમાત્ર ફોટો અત્યાર સુધી ઉપલબ્ધ છે. મારી પાસે એ છે. આપણે અહીં એ
મૂકીએ તો વાત વજનદાર બને અને વાંચનારને તરત જ અનુસંધાન સધાય.”
આ સાંભળીને કે.કે.એ
ક્ષણનાય વિલંબ વિના કહ્યું, “ચૌધરીસાહેબ માટે મને બહુ આદર છે, કેમ કે તેમની
ફિલ્મથી મેં મારી કારકિર્દીનો આરંભ કર્યો હતો. તેમનો ફોટો મૂકવો મને સામાન્ય
સંજોગોમાં ગમ્યો હોત, પણ આ પ્રકરણમાં તેમના અસ્તાચળની વાત
આવે છે, એટલે તેમનો ફોટો મૂકીને તેમનું ગૌરવભંગ કરવાનું મને
નહીં ગમે.”
'આદાબ અર્ઝ'ની બુકલેટનું કવર: છેવટે આ મૂકીને સંતોષ માનવો પડ્યો. |
પોતે જેમના હાથ નીચે કામ શીખ્યા તેમનું ગૌરવ જાળવીનેય સાચી વાત લખવી
એવા કે.કે.ના આગ્રહને માન આપવું જ પડે. છેવટે અમે ચૌધરીસાહેબના ફોટાની જગાએ ‘આદાબ અર્ઝ’ની બુકલેટનું કવરપેજ મૂક્યું.
**** **** ****
પુસ્તકનું સંપાદન કરવાનું હોય અને એ વિષય ગમતો
હોય તો બસ! એમ થાય કે બને એટલી વધુ વિગતોનો સમાવેશ એમાં કરીએ. કેમ કે, આપણને ખુદને જ એટલી બધી જિજ્ઞાસા હોય કે ન
પૂછો વાત! એક લીટીમાં લખાયેલી સીધીસાદી જણાતી વાત કે માહિતી મેળવવા પાછળ ઘણીવાર
કેવી કવાયત કરવી પડે એ કહ્યા વિના અંદાજ ન આવે. એ કવાયતની પણ મઝા હોય છે!
દેવર ફિલ્મ્સ |
‘ગુઝરા હુઆ ઝમાના’માં એક પ્રકરણ છે ‘તકદીર કા સારા ખેલ હૈ યે’. ફિલ્મની દુનિયામાં તકદીર કેવો ભાગ ભજવે છે એ
દર્શાવતા કેટલાક સ્વતંત્ર કિસ્સાઓનું તેમાં આલેખન કરાયું છે. આમાં સૌથી મહત્વનો
અને રસપ્રદ કિસ્સો છે દેવરસાહેબનો. રાજેશ ખન્નાની સુપરહીટ ફિલ્મ ‘હાથી મેરે સાથી’ના નિર્માતા તરીકે તેમની ઓળખ આપવી
વધુ યોગ્ય ગણાય.
‘સેન્ડો એમ.એમ.એ. ચિનપ્પા દેવર’ જેવું આખું નામ ધરાવતા આ નિર્માતાના આરંભકાળના આકરી ગરીબીના દિવસોનું
વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. ભગવાન મુરૂગનમાં અતૂટ અને અખૂટ આસ્થા ધરાવતા
દેવરને એક તબક્કે ત્રણ-ચાર દિવસ લગી અન્ન નસીબ થતું નથી. અચાનક અણધારી સહાય તેમને
પ્રાપ્ત થાય છે. તે પ્રતિજ્ઞા લે છે કે પોતે જે કંઈ કમાણી કરશે એમાંથી પચીસ ટકા
હિસ્સો ભગવાન મુરૂગનને ચરણે ધરશે.
નસીબનું ચક્ર પલટાય
છે અને દેવરસાહેબ ફાઈટ માસ્ટરમાંથી એનિમલ ટ્રેનર અને એ પછી નિર્માતા બને છે.
પોતાની પહેલવહેલી તમિળ ફિલ્મ બનાવે છે, જે સુપરહીટ થાય છે. આવા વર્ણનને અંતે પ્રકરણમાં લખ્યું છે: "ભગવાન મુરૂગનની આસ્થાને વણી લેતી વાર્તા પર આધારીત તમિળ ફિલ્મ તેમણે બનાવી, જે સુપરહીટ થઈ."
આ રસપ્રદ કિસ્સો
વિગતે આ પ્રકરણમાં આલેખાયો છે. પણ લખાણમાં તમિળ ફિલ્મનું નામ નહોતું લખવામાં આવ્યું. પણ આ પ્રકરણ અંગે વાત કરતી વખતે મને સવાલ થયો કે
દેવરની એ ફિલ્મ કઈ?
તેનું નામ શોધીને લખવું જોઈએ. કે.કે.સાહેબને પૂછી જોયું, પણ તેમને એ
ફિલ્મનું નામ ખબર નહોતી. નામ ન લખીએ તો ચાલે એમ હતું, પણ એમ
કરવાથી એક અધૂરપ લાગતી હતી. ફિલ્મ તમિળ હતી એટલે પૂછવુંય કોને? છતાંય કે.કે.સાહેબે એક દિવસની મુદત માંગી. મને મનમાં થયું કે એક દિવસમાં
તે શું દેવરના ‘પ્લેન્ચેટ’નું આવાહન
કરીને તેને નામ પૂછશે?
બીજે દિવસે અમારા
ત્યારના નિત્યક્રમ મુજબ કે.કે.નો ફોન આવ્યો એટલે તેમણે જણાવ્યું, “પહેલાં પેલી તમિળ ફિલ્મનું નામ લખી લો.”
આશ્ચર્ય વચ્ચે મેં પૂછ્યું, “અરે,
ક્યાંથી મેળવ્યું આ નામ?” એની કથા કંઈક આવી હતી.
આગલે દિવસે મારી
સાથે વાત પત્યા પછી કે.કે.સાહેબે ફોન લગાવ્યો હતો ચેન્નાઈમાં રહેતા એચ.
વિજયકુમારને. મૂળ ગુજરાતી એવા એચ. વિજયકુમાર દક્ષિણ ભારતમાં વરસોથી વસેલા છે અને
દક્ષિણના ઘણા નિર્માતાઓ સાથે કામ કરી ચૂક્યા છે. સ્વાર્થ અને મતલબની ગણાતી ફિલ્મી
દુનિયામાંથી પોતે નિવૃત્ત થઈ ગયા પછી આટલા વરસેય કે.કે.સાહેબે પોતાના સંપર્કો
જીવંત રાખ્યા હતા. એચ. વિજયકુમાર સાથે પણ તેમનો સંપર્ક જીવંત હતો. ફોન પર તેમણે
તરત જ દેવરની એ સૌ પ્રથમ ફિલ્મનું નામ જણાવી દીધું. એ નામ અમે યોગ્ય જગાએ મૂકી
દીધું. ફિલ્મનું નામ હતું ‘દૈવમ’.
એક સહજ
ક્રમમાં વાક્યમાં આવતું આ નામ વંચાઈ જાય, ત્યારે ભાગ્યે જ ખ્યાલ આવે કે આ એક નામ શોધવા અને લખવા
માટે આવી મગજમારી કરી હશે.
**** **** ****
નિતીન બોઝ વિષેના અદ્ભુત પ્રકરણનું વાંચન અમે
ફોન પર પૂરું કર્યું. કોલકાતાના એક જમાનાના ટોચના આ દિગ્દર્શક મુંબઈ આવ્યા અને એ
પછી તેમની ફિલ્મો ઉપરાઉપરી નિષ્ફળ ગઈ. તેમના એ દિવસોનું વર્ણન બહુ સચોટ રીતે
કે.કે.એ કર્યું છે. પ્રકરણના પુન:આયોજન પછી વાત આવી તેનું શિર્ષક આપવાની. નિતીન
બોઝ દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ‘દુશ્મન’નું કુંદનલાલ સાયગલે ગાયેલું અમર અને
અવિસ્મરણીય ગીત ‘કરું ક્યા આસ
નિરાસ ભઈ’ આ પ્રકરણ માટે
મને તદ્દન બંધબેસતું લાગ્યું. એટલે કંઈક આ રીતે પ્રકરણનું નામ લખવાનું સૂચન
કર્યું: ‘નિતીન બોઝ:કરું
ક્યા આસ નિરાસ ભઈ’.
નિતીન બોઝ: આસ નિરાસ ભઈ? |
કે.કે.ને પણ
શીર્ષક યોગ્ય લાગ્યું. પણ તેમણે કહ્યું, “નિતીન બોઝ મારા માટે બહુ
આદરણીય દિગ્દર્શક હતા, એ ઉપરાંત મારા
ગુરુ પણ હતા. હું જે કંઈ પણ શીખ્યો એ તેમની પાસેથી શીખ્યો છું. તેમના વિષે આવું
નકારાત્મક શીર્ષક આપવું મને ગમતું નથી. વાત ભલે સાચી હોય, પણ આજેય હું તેમને ગુરુભાવે સ્મરું છું. એટલે
મારો એ ભાવ પ્રગટ થાય એવું સીધુંસાદું શીર્ષક આપીએ.” કે.કે.ની લાગણીની જાણ હોવાથી
એ બાબતે દુરાગ્રહનો કોઈ સવાલ નહોતો. એ શીર્ષકને બદલે ‘મારા ગુરુ નિતીન બોઝ’ જેવું સીધુંસાદું, પણ કે.કે.ની ખરા હૃદયની લાગણી સૂચવતું શીર્ષક રાખવામાં
આવ્યું.
**** **** ****
આવી અનેક નાનીનાની વાતો હતી, પણ આ તમામમાં એક ગુણ કે.કે.નો સતત
જોવા-અનુભવવા મળ્યો તે એમની શાલીનતા અને ગરવાઈનો. સામાન્યપણે ફિલ્મના પુસ્તકમાં
અનિવાર્ય ગણાય એવી ‘ગોસિપ’નો આમાં કોઈ ઉપક્રમ જ નહોતો. પોતાની આસપાસનાં
પાત્રો, એ સમયગાળો, કાર્યપદ્ધતિ વગેરે અનેક બાબતોના એ સક્રિય
સાક્ષી રહ્યા હતા, તેનું આલેખન
કરવાનો આશય મુખ્ય હતો, જે ફળીભૂત થઈ
શક્યો છે એમ અમને લાગ્યું છે.
આજે ૧૫ મી
સપ્ટેમ્બર, ૨૦૧૩ના
રોજ કે.કે. એકાણું વર્ષ પૂરાં કરીને ૯૨ મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, કે.કે.ના અભિનયની, તેમની કારકિર્દીનો લાંબો પટ દર્શાવતી કેટલીક વીડીયો ક્લીપ્સ
તેમજ કે.કે.નું પ્રદાન દર્શાવતી ફિલ્મોગ્રાફી બે વરસ પહેલાં આ જ દિવસે મૂકી હતી, જે અહીં ક્લીક કરવાથી જોઈ શકાશે.
૯૨મા વર્ષમાં પ્રવેશ |
સુરતમાં નિવાસ
કરતા ગુજરાતના ખરા અર્થમાં ગૌરવરૂપ આ અભિનેતા-દિગ્દર્શકને આજે ૯૨ મા વરસમાં પ્રવેશ
નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.
તેમને ફોન દ્વારા શુભેચ્છા પાઠવવા ઈચ્છતા
મિત્રો-શુભેચ્છકો +૯૧- ૨૬૧- ૨૨૫૯ ૩૦૯ (ભારતમાંથી ફોન કરનાર મિત્રો માટે ફક્ત ૦૨૬૧-
૨૨૫૯ ૩૦૯) પર પાઠવી શકે.
**** **** ****
અભિનય-દિગ્દર્શન ક્ષેત્રે છ દાયકાની સફર તય કરનાર કૃષ્ણકાન્ત (કે.કે.)નાં સંભારણાં
‘ગુઝરા હુઆ ઝમાના' (આલેખન: કૃષ્ણકાન્ત, સંપાદન: બીરેન કોઠારી, બીજી આવૃત્તિ: મે, ૨૦૧૩, પૃષ્ઠસંખ્યા: ૩૦૪, કિંમત: ૩૦૦ રૂ., કદ: ૮.૫ ઈંચ બાય ૫.પ ઈંચ, સાર્થક પ્રકાશન)
‘ગુઝરા હુઆ ઝમાના' (આલેખન: કૃષ્ણકાન્ત, સંપાદન: બીરેન કોઠારી, બીજી આવૃત્તિ: મે, ૨૦૧૩, પૃષ્ઠસંખ્યા: ૩૦૪, કિંમત: ૩૦૦ રૂ., કદ: ૮.૫ ઈંચ બાય ૫.પ ઈંચ, સાર્થક પ્રકાશન)
વિક્રેતા: 'બુકશેલ્ફ', સાર્થ ૧૬, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી.રોડ, અમદાવાદ- ૩૮૦ ૦૦૯
બુકશેલ્ફનો ઈ-મેલ: bookshelfa@gmail.com અથવા 'સાર્થક પ્રકાશનનો ઈ-મેલ: spguj2013 @gmail.com
ફોનસંપર્ક: +91 90990 00362 (બુકશેલ્ફ), +91 98252 90796 (શ્રી કાર્તિકભાઈ શાહ, સાર્થક પ્રકાશન)
HAPPY BIRTH DAY TO K.K., WE PRAY ALMIGHTY GOD FOR HIS LONG HEALTHY ,WEALTHY ACTIVE, FRUITFUL,PEACEFUL SPIRITUAL REST OF THE LIFE.NOTED,APPRECIATE HIS UNIQUE CONTRIBUTION TO INDIAN CINEMA IN ALL FIELDS..THANKS TO BIRENBHAI....
ReplyDeleteઆજે ભારતીય સમય પ્રમાણે સવારે 7 વગ્યે વિવિધ ભારતીનાં રાષ્ટ્રીય પ્રસારણમાં ભૂલે બિસરે ગીત કાર્યક્રમમાં શરૂઆતનાં બે ગીત જે કે. કે. સાહેબ પર ફિલ્માવવામાં આવ્યા છે તે પ્રસ્તૂત કરી તેમને વિષેની કેટલીક માહિતી અને તેમને જન્મ દિનની અને સારા સ્વાસ્થ્યની શુભ:કામનાં પઠવવામાં આવી હતી. વિવિધ ભારતી સેવાને ઘન્યવાદ.
ReplyDeleteK.K.ne amari pan dirgh ane swasth ayushay mate shubhkamnao....
ReplyDeleteHAPPY BIRTH DAY TO K.K., WE PRAY ALMIGHTY GOD FOR HIS LONG HEALTHY ,WEALTHY ACTIVE, FRUITFUL,PEACEFUL SPIRITUAL REST OF THE LIFE.NOTED,APPRECIATE HIS UNIQUE CONTRIBUTION TO INDIAN CINEMA IN ALL FIELDS..THANKS TO BIRENBHAI....
ReplyDelete'Jogi aaya leke sandesha bhagvan ka..dhyaan dharo re bhai..dhyaan dharo re...'
ReplyDeletemany many salute to K.K
KK Saheb,
ReplyDeleteHappy Birthday to You.. Wish you happy and healthy future.