Wednesday, June 12, 2013

દ્વિતીય વર્ષાન્‍તે, તૃતીય વર્ષારંભે...


સમય સાપેક્ષ છે. આ વાક્ય આલ્બર્ટ આઈન્‍સ્ટાઈને કહ્યું હોય કે અંબાલાલ ઈશ્વરલાલે કહ્યું હોય, તેની સત્યાર્થતામાં કશો ફેર પડતો નથી. અને શા માટે પડવો જોઈએ?
ગુલાબ કહો કે ધતૂરો
નામમાં શું બળ્યું છે? ગુલાબને ગુલાબ કહીને બોલાવો કે ધતૂરો, એની સુવાસમાં કશો ફેર પડવાનો નથી. આ અમર વાક્ય વિલીયમ શેક્સપિયરનું કોઈ પાત્ર બોલે કે વાલજીભાઈ શનાભાઈ બોલે, મૂળ વાત એના મર્મની છે. કોઈ પણ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે નીચેની તરફ પડે છે. આ હકીકત આપણને જણાવનાર આઈઝેક ન્યૂટન હોય કે ઓચ્છવલાલ નૌતમચંદ હોય, સફરજન ઝાડ પરથી નીચે જ પડવાનું છે. અરે, સફરજન શું, બોર કે ફણસ પણ નીચે જ પડશે, કંઈ ઉપરની તરફ નહીં જાય. પદાર્થનું કદ સંપૂર્ણ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માનો કે રોબર્ટ બોઈલને બદલે રહેમતુલ્લા બિસમિલ્લાહે આ જણાવ્યું હોય તો શું ફુગ્ગા છેક હવામાં ઉપર જઈને ફાટ્યા વિનાના, સાજા રહેવાના હતા?
બોઈલનો નિયમ યાદ છે ને? 
કહેવાનો મતલબ એ કે અમુક વિધાનો શાશ્વત હોય છે. એ કોણ બોલે, કોણ શોધે એનું મહત્વ એક હદથી વધુ હોતું નથી. સમય સાપેક્ષ છે પણ આ જ શ્રેણીમાં આવતું વિધાન છે. થોડા સમય અગાઉ ચલણી બનેલો એક મેઈલ આ હકીકતને વધુ સારી રીતે સમજાવે છે. એક મિનીટની કિંમત ટ્રેન ચૂકી ગયેલા મુસાફરને પૂછો, એક મહિનાની કિંમત કોઈ સગર્ભાને પૂછો, એક વરસની કિંમત નાપાસ થયેલા વિદ્યાર્થીને પૂછો... વગેરે જેવાં વિવિધ ઉદાહરણો દ્વારા તેમાં સમયની અને તેના વિવિધ એકમોની મહત્તા દર્શાવી છે. તેની વિગતમાં ઉતરવાની અહીં જરૂર નથી. મૂળ વાત સમયની સાપેક્ષતાની છે.
ક્યારેક લાગે કે સમય કેમેય પસાર થતો નથી અને ક્યારેક થાય કે સમય ક્યાં પસાર થઈ ગયો એની પણ ખબર ન પડી. સામાન્ય રીતે સુખનો સમયગાળો ઝડપથી પસાર થતો હોય એમ લાગે અને દુ:ખનો સમયગાળો લાંબો જણાય. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ઘડીયાળના કાંટા એટલી જ ઝડપથી ફરતા રહ્યા હોય છે. સવાલ એ સમયને આપણે શી રીતે પસાર કર્યો એનો હોય છે, જે પસાર કરેલો અરસો લાંબો કે ટૂંકો હોવાનો આભાસ કરાવે છે.
**** **** ****

નેપોલિયન: આક્રમણ... 
૧૨ મી જૂન, ૧૮૧૨ના દિવસે નેપોલિયને રશિયા પર આક્રમણનો આરંભ કર્યો ત્યારે રશિયનોને એ સમયગાળો લાંબો લાગ્યો હશે કે ટૂંકો? અને નેપોલિયનને?
ગાયિકા, અભિનેત્રી
લીલીયન રસેલ
બરાબર ૮૫ વરસ પછી આ જ દિવસે ૧૮૯૭માં કાર્લ એલ્સનરે પેનનાઈફ નામની એક ચીજની પેટન્‍ટ પોતાને નામે નોંધાવી. ૧૮૮૪માં સ્વીસ લશ્કરના સૈનિકોને સોલ્જર નાઈફ બનાવીને પૂરી પાડવા માટે વર્કશોપનો આરંભ કરનાર કાર્લે એવું બહુવિધ કાર્યો ધરાવતું સાધન તૈયાર કર્યું કે અનેક કાર્યો તેના થકી થઈ શકે. સ્વીસ નાઈફના નામે અમર બની ગયેલી એ ચીજ નોંધાયાનેય આજકાલ કરતાં એકસો સોળ વરસ થઈ ગયાં.  
આ અરસામાં અમેરિકન અભિનેત્રી લીલીયન રસેલ અમેરિકામાં તખ્તા પર ધૂમ મચાવી રહી હતી. તખ્તાની વિખ્યાત ગાયિકા તરીકે તેની ખ્યાતિ બરાબર પ્રસરી હતી. પણ તેની કુંડળીમાં બહુલગ્નયોગ હતો. હેરી ગ્રેહામ, એડવર્ડ સોલોમોન, જહોન ઓગસ્ટિન અને ત્યાર પછી એલેક્ઝાન્‍ડર પોલોક મૂરને તેણે ચોથા પતિ બનવાની તક આપી ત્યારે લીલીયનની ઉંમર હતી બાવન વર્ષ. વરસ હતું ૧૯૧૨નું, દિવસ ૧૨ મી જૂનનો. ૬૨ વર્ષનું આયુષ્ય ભોગવનાર લીલીયનને જીવન લાંબું લાગ્યું હશે કે ટૂંકું?
હુડિની: અભી અભી યહીં
થા, કિધર ગયા જી.. 
લીલીયનના અવસાનના પછીના વરસે એટલે કે ૧૯૨૩માં ખ્યાતનામ જાદુગર હેરી હુડિનીએ જમીનથી ૪૦ ફીટ ઉંચે રહીને ઉંધે લટકતાં, બંધિયાર અવસ્થામાંથી ગણતરીની પળોમાં છટકીને નીચે આવી જવાનો કરતબ દેખાડ્યો. એ દિવસે પણ ૧૨ મી જૂન હતી. તેને બાંધતાં જેટલો સમય લાગ્યો હશે એનાથી કંઈક ગણા ઓછા સમયમાં તેણે બંધન છોડી બતાવ્યું.
'લીઝ' ક્લીયોપેટ્રા: 
આ ઘટનાના બરાબર ચાર દાયકા પછી ૧૯૬૩માં એલિઝાબેથ ટેલરને ચમકાવતી ફિલ્મ ક્લીયોપેટ્રાનો પ્રિમીયર ન્યૂયોર્કમાં યોજાયો હતો. બે મિલિયન યુ.એસ.ડોલરના બજેટમાં નિર્ધારીત થયેલી આ ફિલ્મ પૂરી થઈ ત્યારે તેનું બજેટ ૪૪ મિલિયન ડોલરે પહોંચ્યું હતું. તેની મુખ્ય ભૂમિકા માટે લિઝને એક મિલિયન ડોલરની વિક્રમજનક રકમથી કરારબદ્ધ કરવામાં આવી હતી, જે અનેક કારણોસર વધતાં વધતાં સાત મિલિયન ડોલરે પહોંચી હતી. તેના નિર્માણનો ત્રણ વરસનો ગાળો નિર્માતાઓને ત્રીસ વરસ જેટલો લાંબો લાગ્યો હોય તો નવાઈ નહીં. પણ રજૂ થયા પછી ફિલ્મ એવી પટકાઈ કે નિર્માતા ટ્વેન્‍ટીએથ સેન્‍ચુરી ફોક્સને દેવાળિયા થવાની નોબત આવી ગઈ.

યેલ્સતિન:
અંધારા પછીનો  ઉજાસ? 
એ જ દિવસે, પણ ૧૯૯૧માં રશિયનોએ પોતાના રાષ્ટ્રપ્રમુખ તરીકે બોરીસ યેલ્સ્તીનને ચૂંટી કાઢ્યા. એ અગાઉ આઠ આઠ દાયકા સુધી રશિયનોએ વેઠેલા સામ્યવાદીઓના સિતમનો ગાળો તેમને કેવો અનંત લાગ્યો હશે!

**** **** ****

આવી બધી માહિતીઓ અને અર્થઘટનોથી વાચકને પ્રભાવિત કરવાનો જરાય આશય નથી. કેમ કે, સૌ જાણે છે એમ હવે તો બધુંય ગૂગલમાં મળે છે. એ રીતે જોવા જઈએ તો અહીં લખાયેલા બધા જ શબ્દો જોડણીકોશમાં કે ડીક્ષનેરીમાં છે જ. મૂળ વાત એ છે કે આજના દિનવિશેષનું માહાત્મ્ય. જરા વિચારો કે કશુંય કર્યા વિના, માત્ર કીબોર્ડ પર આંગળાની ટકટક કરીને હુડિની, લિઝ ટેલર, નેપોલિયન વગેરે જેવા અનેક મહાનુભાવોની હરોળમાં બેસવા મળતું હોય તો એ લહાવો કેમ ન લેવો?
ગૂગલ પર જે તે દિવસે બનેલી અનેક ઐતિહાસિક ઘટનાઓ દર્શાવતી સાઈટ્સ ઉપલબ્ધ છે. પણ આમાંની એક પણ સાઈટ પર એક મહત્વની ઘટનાની નોંધ નથી. ઘટના એટલી નવી નથી, તેમ એટલી જૂની પણ નથી. આજથી બરાબર બે વરસ અગાઉ, એટલે કે ૧૨ જૂન, ૨૦૧૧ના દિવસે પેલેટ નામના આ બ્લોગનો શુભારંભ થયો હતો. આ ઘટના અવકાશી જગતની મહાન ઘટનામાં આવે કે કમ્પ્યુટર જગતની, કળાજગતની અગત્યની ઘટના ગણાય કે ફિલ્મજગતની, સાહિત્યજગતની વિશેષ ઘટનાઓમાં સ્થાન પામે કે સમાચાર જગતની, એ બાબતે હજી નિષ્ણાતોમાં ભયાનક મતભેદ પ્રવર્તી રહ્યા છે. અને નિષ્ણાતો કોને કહેવા એ અંગે આ બ્લોગરના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ છેડાઈ ગયું છે. તેથી કોઈ સાઈટ પર આધાર ન રાખતાં, મનોમન ગાંધીજીનું ધ્યાન ધરીને સ્વાવલંબન અપનાવી જાતે જ તેની નોંધ લઈ લીધી છે.
ચલ ચલા ચલ.. 
બે વરસની આ સફર પછી હવે ત્રીજા વર્ષનો આરંભ થઈ રહ્યો છે ત્યારે આ બ્લોગ અંગે વાચકોમાં અનેક અપેક્ષાઓ જન્મે એ સ્વાભાવિક છે. અને મોટા ભાગની અપેક્ષાઓ આ બ્લોગર દ્વારા પૂરી ન થઈ શકે એ પણ સહજ છે.
બે વરસની આ બ્લોગસફરમાં બહુ જલસો પડ્યો છે, અને હજી પડી રહ્યો છે. નિયમીતતા કદાચ ક્યારેક ન જળવાય એમ બને, પણ આ બ્લોગ પર મૂકાયાં એ તમામ લખાણો લખતી વખતે ખૂબ મઝા પડી છે. મિત્રોએ પણ અતિથિ બનીને અવારનવાર પોતાનો અનુભવ અહીં વહેંચ્યો છે. સંતોષનું પહેલું વર્તુળ તો કોઈ વિષય નક્કી કરીને લખાય અને બ્લોગ પર મૂકાય ત્યારે જ પૂરું થઈ જાય છે. ત્યાર પછી જે પણ પ્રતિભાવો આવે એ બૂસ્ટર ડોઝ સમા બની રહે છે. છેલ્લા સાતેક મહિનાથી ફેસબુક પર પણ સક્રિય થયા પછી મિત્રોનું વર્તુળ વિસ્તર્યું છે અને ત્યાંથી ઘણા મિત્રો બ્લોગ પર આવતા થયા છે એ આનંદની વાત છે.
બ્લોગર અને તેની બિરાદરી:
તુમ્હારી ભી જયજય 
ટૂંકમાં કહું તો બે વરસમાં ઘડિયાળના કાંટા એટલી જ ઝડપથી ફર્યા હશે (અંદરની બેટરી ડીમ થઈ ગયાના અપવાદ સિવાય), કેલેન્‍ડરનાં પાનાં પણ નિયમ મુજબ બદલાયાં હશે, પણ આ બ્લોગ શરૂ કર્યા પછી લાગે છે કે બે વરસ આંખના પલકારામાં પસાર થઈ ગયા. કારણ ? આ બ્લોગ પર આવનારા, તેને વાંચનારા, પ્રતિભાવ આપનારા (આ ત્રણેય શ્રેણી અલગ છે) સૌ મિત્રો સતત લખતા રહેવાનું બળ અને પ્રેરણા પૂરી પાડતા રહ્યા છે. એ સૌને ધન્યવાદ તો ખરા જ, સાથે મોટો આભાર બ્લોગીંગની આ નિ:શુલ્ક સેવાનો, બ્લોગપેજના જમણે ખૂણે ઉપર મૂકેલા મીટરનો, રીયલટાઈમ વ્યૂના મીટરનો, જે ગુણવત્તા જાળવવાનું ચાલકબળ બની રહ્યા છે. આવામાં સમયનો અસલી અંદાજ ક્યાંથી મળી શકે? 

એટલે જ કહ્યું છે કે સમય સાપેક્ષ છે. હવે તમે જ કહો, આ વાક્ય આલ્બર્ટ આઈન્‍સ્ટાઈને કહ્યું હોય કે અંબાલાલ ઈશ્વરલાલે કહ્યું હોય, તેની સત્યાર્થતામાં કશો ફેર શા માટે પડવો જોઈએ?

(નોંધ: તમામ તસવીરો નેટ પરથી લીધી છે.) 

28 comments:

  1. Replies
    1. Many thanx, Chaudhari ji!

      Delete
  2. રામચંદ્ર બોડીવાળાJune 12, 2013 at 3:13 PM

    ખૂબ અભિનંદન! સરસ...સરસ...શબ્દો પરની અદભૂત પકડ મઝા કરાવી ગઇ.

    ReplyDelete
    Replies
    1. બીરેન કોઠારીJune 12, 2013 at 5:58 PM

      આભાર,રામચંદ્રભાઈ, આપની શુભેચ્છાઓ બદલ.

      Delete
  3. ચિંતન ત્રિવેદીJune 12, 2013 at 3:18 PM

    વિવિધ બ્લોગ પર ફરતો ફરતો એમ જ અહીં આવી ચડ્યો ને વાંચનનો રસથાળ મળી ગયો.
    ‘સમય સાપેક્ષ છે.’ એક્દમ સત્ય વાત હળવી રીતે કહી દીધી.
    વર્ષારૂતુની સાથે જ ત્રીજા વરસના આરંભે શુભકામનાઓ.

    -ચિંતન ત્રિવેદી

    ReplyDelete
    Replies
    1. બીરેન કોઠારીJune 12, 2013 at 5:59 PM

      ચિંતનભાઈ, તમે ફરતા ફરતા અહીં આવ્યા અને અહીં તમને 'રસથાળ' લાગ્યો તેથી આનંદ થયો. શુભેચ્છાઓ માટે આભાર.

      Delete
  4. Replies
    1. બીરેન કોઠારીJune 12, 2013 at 5:59 PM

      આભાર, કાર્તિકભાઈ!

      Delete
  5. બીરેન ભાઈ, ત્રીજા વર્ષ ના પ્રવેશ માટે દિલ થી અભિનદન . ઉપર ની પોસ્ટ માં એક વાક્ય છે ''નિયમીતતા કદાચ ક્યારેક ન જળવાય એમ બને, પણ આ બ્લોગ પર મૂકાયાં એ તમામ લખાણો લખતી વખતે ખૂબ મઝા પડી છે''. તેમાં એક શબ્દ છે
    ''ક્યારેક'' તેની સાથે અમો અસહમત છે . હમણા તો તમે સતત ગેરહાજર રહો છો! 'તમારો બ્લોગ વાચી અને અમો પણ સમૃદ્ધ થાય છે, માટે તમારી ગેરહાજરી અમોને વધુ ખુચે છે .આને અમારી લાગણી સમજવા વિનંતી।

    ReplyDelete
    Replies
    1. બીરેન કોઠારીJune 13, 2013 at 10:13 AM

      રાજેન્‍દ્રભાઈ, તમારી શુભેચ્છાઓ અને નુક્તેચીની બન્ને સરઆંખો પર. તમારી લાગણી સમજી શકું છું અને એ મેળવવા બદલ સદ્‍ભાગી પણ માનું છું.

      Delete
  6. આ પોસ્ટ પરથી એવું જાણવા મળે છે કે દરેક તારીખનું ઐતિહાસિક મહત્વ હોય છે, બસ શોધવું પડે. બ્લોગના બે વર્ષ પુરા થવા બદલ અભિનંદન, હવે આવતીસાલ સ્કુલમાં મુકશો, નહિ? :)

    ReplyDelete
    Replies
    1. બીરેન કોઠારીJune 13, 2013 at 10:21 AM

      સાક્ષર, 'ગૂગલ'ના જમાનામાં એને શોધવાનીય જરૂર નથી. 'ઓન ધીસ ડે.કોમ' પર એ તૈયાર જ છે. આપણે એને ચકાસવું પડે, બસ. શુભેચ્છાઓ માટે આભાર.

      Delete
  7. પ્રિય બિરેનભાઇ, બે વર્ષના સુંદર કોમ્યુનીકેશન બદલ અભિનંદન. સતત સારું લખતા રહો છો. હજી લખતા રહેશો એની ખાતરી છે. ઈન્ટરનેટનું આગમન, બ્લોગનો વિકાસ અને અંગત પબ્લિશીંગની અનોખી મઝા છે, તેમાં ઉમેરાય છે મિત્રોની કોમેન્ટ્સ. એક આખું વર્તુળ પૂરું થતું લાગે છે. મિત્રોની ગોઠડી જામતી રહે અને તમે નવા નવા વિષયો ખેડતા રહો. ખુબ શુભકામનાઓ. - નરેશ કાપડીઆ, સુરત

    ReplyDelete
    Replies
    1. બીરેન કોઠારીJune 13, 2013 at 10:22 AM

      નરેશભાઈ, તમારા જેવા મિત્રોના પ્રતિભાવથી આનંદ થવા ઉપરાંત આગળ વધવાનું બળ પણ મળતું રહે છે.

      Delete
  8. Pa pa Pagali puri thai. Have to himmatbher dodo evi shubhechha..

    ReplyDelete
    Replies
    1. બીરેન કોઠારીJune 13, 2013 at 10:24 AM

      ધન્યવાદ, દાદુ. સહેજ અટકતા લાગીએ ત્યાં તમે પાછળથી ટપારતા રહેજો એટલે દોડતા રહેવાની પ્રેરણા મળતી રહે.

      Delete
  9. "પેલૅટ"નો જન્મ ઇતિહાસના જે દિવસે આટઆટલી ઘટનાઓ થઇ હતી તે દિવસે જ થવો એ આયોજિત હતું કે યોગાનુયોગ?
    ખેર, તે જે હોય તે, ગુજરાતી નૅટ્વિશ્વમાં બિન-સાહિત્યનાં ક્ષેત્રમાં એમ નવી કેડી જ પાડનારા પૈકી એક મહત્વના નૅટીઝન ર્તરીકે "પેલેટ" પણ હવે આ પ્રતિષ્ઠિત નામાવલિમાં સ્થાન મેળવવા માટે ઉપયુક્ત થિ ચૂકેલ છે એમ કહું તો "પ્રતિભાવ આપનારા"ઓમાં તમે ચમચા પણ રાખો છો એવો કોઇ આક્ષેપ તો નહીં જ કરી શકે!
    "પેલેટ"ના કેન્વાસ પર અવનત્વા રંગોની વિધવિધ વિષયોનાં ચિત્રોની ઝાંય સદૈવ પડતી જ રહે તેવી (ખરં દિલથી) શુભેચ્છાઓ.......

    ReplyDelete
    Replies
    1. બીરેન કોઠારીJune 13, 2013 at 10:28 AM

      અશોકભાઈ, આ નહીં ને કોઈ પણ દિવસે 'પેલેટ'નો જન્મ થયો હોત એ દિવસે પણ કોઈ ને કોઈ ઘટના બની જ હોત. એને આયોજિત ગણીએ તો એમ, ને યોગાનુયોગ ગણીએ તો એમ. વધુ મહત્વ તમારા જેવા મિત્રોના પ્રતિસાદ અને પ્રતિભાવનું છે.(પ્રશંસા અને ખુશામત વચ્ચેનો ભેદ પારખનારા પારખી જાય છે, એટલે આક્ષેપનો સવાલ નથી.) શુભેચ્છાઓ બદલ આભાર.

      Delete
  10. બીરેનભાઈ,
    ત્રીજા વર્ષના શુભારંભ માટે congrats અને best wishes. બહુ સરસ. તમે તો સમયનું ઉત્તમ સ્વરૂપ અને તેમાંથી લઈ શકાતો આનંદ અને શિખામણ બન્ને એક સામટા બતાવી દીધાં. મઝા પડી ગઈ.

    ReplyDelete
    Replies
    1. બીરેન કોઠારીJune 13, 2013 at 4:40 PM

      આભાર, સુધાબેન, તમારા નિયમિત પ્રતિભાવથી આનંદ થાય છે.

      Delete
  11. વર્ષગાંઠ વિત્યા પછી પણ શુભેછા સ્વીકારશો ..બ્લોગ ને કારણે ઘેર બેઠાં ગંગા મળે છે ...વિચા રતા અને વાંચતા રહેવાય છે ....નવી વાતો અને વિચારો ની રાહ જોતા .....

    ReplyDelete
    Replies
    1. બીરેન કોઠારીJune 13, 2013 at 4:42 PM

      સુધાઆન્ટી, આભાર. તમે સતત વાંચતા રહીને પ્રતિભાવ આપતાં રહો છો એનો આનંદ છે.

      Delete
  12. ત્રીજા વર્ષના પ્રારંભે અને 109 પોસ્ટના મુકામ પર બ્લોગ ‘પેલેટ’ના લેખક સાથે ખાસ તો તેના અતિથિ લેખકોને પણ અભિનંદન. સ્વતંત્રપણે બ્લોગ લેખન પહેલાં હું પણ એ જ પરંપરાનું ફરજંદ છું એ બાબતના ગૌરવપૂર્વક સ્વીકાર સાથે એક ખાસ બાબતનો ઉલ્લેખ કરવો રહ્યો કે...
    બીરેને કેટકેટલી નવી કલમોને વાચકોના બહોળા વર્ગ સુધી પહોંચાડી...એવા લેખકો કે જેમણે તેમને થયેલા અનુભવ, પ્રવાસવર્ણન કે માહિતીનું આદાન-પ્રદાન પોતાના અંગત વર્તુળ પૂરતું જ સીમિત રાખ્યું હોત...બીરેને તેમનો કેનવાસ મોટો કરી આપ્યો.
    બિનીત મોદી (અમદાવાદ) / 15 જૂન 2013

    ReplyDelete
    Replies
    1. બિનીત, અતિથિલેખકોને લઈને મને પણ થોડો 'બ્રેક' મળ્યો એ નફામાં!

      Delete
  13. All the best Birenbhai for 3rd year, Keep sharing the knowledge to us......

    ReplyDelete
    Replies
    1. Many thanx, Jayeshbhai, for ur wishes.

      Delete
  14. બિરેનકુમાર ખૂબ લખો.હરનિશની શુભેચ્છાઓ.

    ReplyDelete
  15. બિરેનભાઇ

    આપની બ્લોગયાત્રા અવનવાં રંગોની અનાયાસે મેળવણીનાં અનેરા સીમાચિહ્નો સિદ્ધ કરતી રહે એવી આ તબક્કે શુભેચ્છા વ્યક્ત કરું છું...

    ઈશાન

    ReplyDelete