Wednesday, January 30, 2013

ભદ્રનો કિલ્લો: ભૂત, વર્તમાન અને ભાવિના ત્રિભેટે



- ઈશાન ભાવસાર 

(અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યા પછી હાલ તુલનાત્મક સાહિત્યમાં એમ.ફીલ. કરી રહેલા અમદાવાદ રહેતા મિત્ર ઈશાનને જબરદસ્ત શોખ છે વાંચનનો. તેના પુસ્તકપ્રેમના પરચા ફેસબુક પર અવારનવાર જોવા મળે છે. વાંચન ઉપરાંત બાગાયત, ચેસ તેમજ ફિલ્મોના શોખીન ઈશાનને હમણાં અમદાવાદના એક અતિ જાણીતા, છતાં અજાણ્યા સ્થળ જેવા ભદ્રના કિલ્લાની અનાયાસે મુલાકાત લેવાનું બન્યું. આ મુલાકાતનું પરિણામ એટલે આ પોસ્ટ.)

 “Life is not merely a series of meaningless accidents or coincidences” (જીવન કેવળ અર્થહીન અકસ્માતો કે યોગાનુયોગની પરંપરા નથી.) યાદગાર અંગ્રેજી ફિલ્મ સેરેનડીપીટી/Serendipity (૨૦૦૧)નો આ સંવાદ પણ એટલો જ યાદગાર છે. ફિલ્મમાં ભલે આ સંવાદ તેના પાત્ર જોનાથન ટ્રેગરના મોંએ બોલાયો હોય, પણ વાસ્તવમાં તે આપણા સૌના જીવનને લાગુ પડે છે. આવો જ એક યોગાનુયોગ (કે સુખદ્‍ અકસ્માત) હમણાં મારી સાથે પણ બની ગયો.
અમદાવાદમાં હું પચીસ વરસોથી રહું છું. અહીં જ જન્મ્યો છું અને ઉછર્યો છું. ફેસબુક પર શરૂઆતમાં મારા નામની પાછળ પણ અટકને બદલે મેં અમદાવાદી લગાડેલું, કવિતા ન કરતો હોવા છતાં! આટલા બધા વર્ષોથી અમદાવાદમાં રહેતો હોવાં છતાં ક્યારેય ભદ્રનો કિલ્લો જોવાનો મેળ પડ્યો નહોતો. એ સ્થળ આગળથી તો સેંકડો વાર પસાર થવાનું બન્યું હશે અને બહારથી અસંખ્ય વાર જોયો હશે. એ હદે કે ત્યાંથી પસાર થતી વખતે એ સ્થળની નોંધ પણ ન લેવાય.
પણ હમણાં આવો જ એક ‘meaningful coincidence’ બની ગયો. અચાનક અને કશાય આગોતરા આયોજન વગર બન્યો એટલે તેને ‘accident’ પણ કહી શકાય. ગયે અઠવાડિયે લાલ દરવાજા આગળ ભરાતા બજારમાં અગાઉ ઘણી બધી વખતની જેમ જ વધુ એક વાર ખરીદી કરવા જવાનું બન્યું. થોડો સમય હતો એટલે ઉભો હતો. સામે હતો ભદ્રનો કિલ્લો/Bhadra Fort. કિલ્લા આગળ એક ચાચા ઉભા હતા. તેમને મેં સાવ અસંબદ્ધ સવાલ પૂછ્યો. કિલ્લા તરફ ઈશારો કરીને પૂછ્યું, “અંદર શું છે?” ચાચા સમજી ગયા અને કહ્યું, “અંદર કિલ્લો છે.” અને ઉમેર્યું, “જાવ, અંદર જઈને જોઈ આવો.”

એક તો કિલ્લો છે સાંભળતાં જ મારા મનમાં રહેલા કૂતુહલે ઉછાળો માર્યો હતો. એમાં ચાચાના જોઈ આવો શબ્દોએ મને આવાહ્‍ન આપ્યું. પગ પણ મનમાં ઉગેલા કૂતુહલને અનુકૂલન સાધી આપતા હોય એમ ઝડપથી ઉપડવા લાગ્યા. ચાચાએ ચીંધેલી દિશામાં પુરાતત્વ ખાતા / A. S. I. ની ઓફિસ હતી, જેમાં કિલ્લાના હાલના શાસક એવા એક સરકારી અમલદાર બિરાજમાન હતા. તેમની પરવાનગી લેવા માટે મેં પૂછ્યું, “ઉપર જવું છે.” આ સાંભળીને એ સજ્જન હસવા લાગ્યા. કહે, "અત્યારથી?" મને એમ કે અહીં મજાક નહીં ચાલતી હોય, એટલે મેં પૂરેપૂરી ગંભીરતાથી કહ્યું: "પણ નીચેથી તો એમ કહ્યું કે ઉપર જવા મળશે." એટલે એ મહાશય કહે, "કિલ્લા ઉપર જવું છે એમ કહો ને, યાર." સરકારી અમલદાર હોવા છતાં તેમણે જે રીતે સહયોગ આપવાની તૈયારી દેખાડી અને ચાવી કાઢીને ઉપર જવાનો માર્ગ ખોલી આપ્યો એ પહેલું આશ્ચર્ય હતું, પણ આશ્ચર્યોની પરંપરા તો કિલ્લા પર ગયા પછી સર્જાઈ.

**** **** ****
પથ્થરની બનેલી ચક્રાકાર સીડી ચડતાં ચડતાં કિલ્લાની છત ઉપર નહીં, બલ્કે સીધા ઈતિહાસના કોઈક પાનામાં આવી ગયા હોઈએ એમ લાગે.
જોતજોતામાં કિલ્લાની છત પર આવી પહોંચ્યા. હજી નીચે તો અમદાવાદ રીતસરનું ધબકે છે અને અહીં આવી પહોંચતાં જ જાણે કે સમય થંભી ગયો હોય એમ લાગે. અને ખરેખર કિલ્લાના ટાવર પરની ઘડિયાળમાં પણ સમય થંભી જ (બલ્કે ચોરાઈ) ગયો હતો. 

આ ‘ટાવર-ક્લોક’ વિષે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી / Gujarat Vernacular Society દ્વારા ૧૮૫૦માં પ્રકાશિત મગનલાલ વખતચંદના પુસ્તક 'અમદાવાદનો ઇતિહાસ'માં આમ ઉલ્લેખ છે: "ઈ.સ. ૧૮૪૯ની શાલમાં ૮૦૦૦ રૂપૈયા ખર્ચી વિલાયતથી મોહોટું ઘડીઆળ મગાવી ભદરહનાં બુરજ ઉપર મૂક્યું છે." ઉલ્લેખનીય છે કે આ પુસ્તક ‘ રૂ. ૫૦/- નું ઇનામી પુસ્તક’ હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ૧૮૫૦માં 'અમદાવાદનો ઇતિહાસ' લખાવી મંગાવવા ઠરાવ કર્યો હતો અને જેનું લખાણ પસંદ પડે તેને રૂ. ૫૦/- ઇનામ આપવાનું ઠરાવ્યું હતું. એ ઠરાવ વિષે જાણ થયે, પછીથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સહાયક મંત્રી શ્રી મગનલાલ વખતચંદ શેઠે ઇતિહાસ લખ્યો હતો. લેખનની ઉત્તમતા માટે એ ઇનામને પાત્ર બન્યો ને વળતે વર્ષે સોસાયટીએ જ પોતાના લીથો-છાપખાનામાં છપાવીને તેને પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યો હતો.
કિલ્લા પરનું એકાંત મનમાં સુલતાન અહમદશાહનો કોઈ સગો હોઉં એવી 'શાહી અનુભૂતિ' કરાવતી હતી. 

જો કે, એક કૂતુહલ સતત થતું હતું કે સંપૂર્ણ ઈસ્લામિક સ્થાપત્ય હોવા છતાં આ કિલ્લાનું નામ ભદ્રનો કિલ્લો કેમ પડ્યું હશે? અહીં લગાડેલી એક તક્તીમાંથી આ જવાબ મળે છે. તકતીમાં લખ્યું છે:
ભદ્રનો દરવાજો
ઈ.સ. ૧૪૧૧
અમદાવાદના સ્થાપક સુલતાન અહમદશાહ પહેલા (૧૪૧૧-૧૪૪૨)એ અહીં બંધાવેલ મહેલના પૂર્વના મુખ્ય પ્રવેશધ્વાર તરીકે કામ આવે તે માટે આ મોટો કિલ્લેબંધ દરવાજો ૧૪૧૧માં અથવા તેની આસપાસમાં બંધાવ્યો હતો. અણહિલવાડ પાટણ (વડોદરા રાજ્ય) કે જે અમદાવાદ પાટનગર થયું તે પહેલાં ગુજરાતના સુલતાનોના વંશના પહેલા ત્રણ રાજાઓના હાથમાં હતું. ત્યાં આવેલા ભદ્ર નામના જુના રાજપુત કિલ્લા ઉપરથી આ મહેલને ભદ્ર કહેવામાં આવ્યો. આ દરવાજાની પાસે આવેલા બે નાના દરવાજા જોડતી ભીંતો ઉપરના ત્રણ શિલાલેખો હવે લગભગ સંપૂર્ણ ભુંસાઈ ગયા છે. આમાંનો એક લેખ જહાંગિરના સમય (૧૬૦૫-૧૬૨૭)ની કોઈ તારીખ દર્શાવતો માલમ પડે છે.” 
એમ તો મિરાતે એહમદી / Mirat- i- Ahmadi મુજબ આ કિલ્લાને અરકનો કિલ્લો કહેવામાં આવ્યો છે. તેમાં જણાવ્યા મુજબ આ કિલ્લાનું બાંધકામ ૧૪૧૧માં શરૂ થયેલું અને ૧૪૧૩માં તે પૂરું થયેલું. 
આ કિલ્લાને અસલમાં ચૌદ બુરજ ઉપરાંત છ મોટા અને બે નાના બારી-દરવાજા હતા. પૂર્વનો દરવાજો પીરાન પીરનો દરવાજો (એટલે કે ભદ્રનો દરવાજો), તેની ઉત્તરે લાલ દરવાજો અને નૈઋત્યે ગણેશબારી હતાં. દક્ષિણ દરવાજો અહમદશાહની મસ્જિદ તરફ હતો. હાલ ટેલીગ્રાફની ઑફિસ છે ત્યાં બે સાધારણ કદના દરવાજા હતા. પશ્ચિમમાં બારાદરી અને રામદરવાજા હતા. ભદ્રના બાદશાહી મહેલો જહાંગીર બાદશાહના આવતાં પહેલાં ખંડેર થઈ ગયેલાં.
મેન્‍ડલ સ્લો નામના મુસાફરે આ કિલ્લાને મહારાજ્યોમાં સૌથી મોટા કિલ્લા તરીકે ગણાવેલો.  
અહીં છત પર ટહેલતાં દરેક બાજુથી વિવિધ સ્થળો નજરે પડે. સૌથી નજીક પ્રેમાભાઈ હૉલ/Premabhai Hall અને સિવિલ કોર્ટની ઈમારત દેખાય. આ એ જ પ્રેમાભાઈ હૉલ છે, જ્યાં આપણા સૌના પ્રિય નવલકથાકાર અશ્વિની ભટ્ટ/Ashwinee Bhatt મેનેજર તરીકે રહ્યા હતા. સાંભળ્યા મુજબ, હવે તો આ હૉલ પણ વેચી દેવાની હિલચાલ ચાલી રહી છે. 



 ત્રણ દરવાજા નજરોની સામે જ હોય, છતાં વચ્ચે ઉભેલા ઉંચા વૃક્ષોને કારણે આપણાથી ઓઝલ પાળતા હોય એમ લાગે. ભદ્રના કિલ્લાથી ત્રણ દરવાજા સુધીનો વિસ્તાર મૈદાને-શાહતરીકે ઓળખાતો. બંને બાજુએ તાડ અને ખજૂરીનાં વૃક્ષોથી આચ્છાદિત એવાં આ મેદાનમાં પૂરા દમામથી શાહી સરઘસ નીકળતાં, તો રાજવીઓની પ્રિય એવી પોલોની રમત પણ અહીં રમાતી. અત્યારે અહીં તાજેતરમાં જ ભદ્ર વિસ્તારની કાયાપલટ  કરવા ૭૫ કરોડના ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’/ Bhadra Plaza Development Project અંતર્ગત શરુ થઇ ગયેલા ‘વાઈબ્રન્ટ’ કામને જોઈ શકાય છે. આમ, આ કિલ્લા પર થીજેલો ભૂતકાળ છે, તેની એક તરફ ધબકતો વર્તમાન છે અને બીજી તરફ 'વાઈબ્રન્‍ટ' ભાવિ. 

ભદ્રના ટાવર તરફ આગળ વધીએ અને નીચા દરવાજાઓ પસાર કરતા જઈએ, ગોળ ફરતી સીડીઓ વટાવતા જઈએ, પગથીયાં કૂદાવતા જઈએ ત્યારે ખુલ્લી છત પર કિલ્લાની રાંગનો પડછાયો પણ જોવા મળે.

અહીં ઉભા રહ્યા પછી એમ જ લાગે કે જાણે કોઈ મહાકાય અજગરના પેટમાં ઉભા છીએ. (અને એ અજગરનું નામ કાળ હોઈ શકે.)

ટાવરમાં મૂકેલા અસંખ્ય ઝરુખામાંથી નીચે લાલ દરવાજાના બજારની રોનક પણ જોઈ શકાય. ક્યારેક અહીં, આ સ્થળે ઉભી ઉભી શાહની બેગમો અહીંનો નજારો જોતી હશે!

કિલ્લાનો અમુક ભાગ જોતાં એમ લાગે કે જાણે એ ‘ભૂતિયો’ છે. કિલ્લો તો એનો એ જ છે, આપણી દૃષ્ટિ તેને એવો બનાવતી હશે.
અહીં કેટલીય જગ્યાઓ ભેદી જણાતી છે, અને નીચે ઉતરવાના અનેક ભોંયરાઓ પણ આવેલા છે, જે કિલ્લાને ગૂઢ પરિમાણ આપે છે.
આ કિલ્લામાં તેના સ્થાપનાકાળથી ગુનેગારોને ફાંસી પણ આપવામાં આવતી. એમ કહેવાય છે કે અહમદશાહ/Ahmedshah  એક ઈન્સાફપરસ્ત શહેનશાહ હતો અને તેણે પોતાના જમાઈને પણ ખૂન બદલ ફાંસીને માંચડે લટકાવી દીધો હતો. (દીકરીને મારી નાંખનારા પિતાઓ બહુ જોયા, પણ જમાઈને ફાંસી આપનાર તો આ અહમદશાહ જ જોયા.) એ ફાંસીના માંચડાની જગ્યા આજે પણ છે. અંગ્રેજોના સમયમાં ભદ્રના કિલ્લાનો ઉપયોગ બંદીખાના તરીકે થતો હતો.

સાપેક્ષવાદનો સિદ્ધાંત અહીં આવવાથી બરાબર સમજી શકાય. આખા કિલ્લા પર નિરાંતે ટહેલતાં લાગ્યું કે કલાકો વીતી ગયા હશે. પણ જોયું તો માંડ પિસ્તાલીસ મિનીટો જ વીતી હતી.
ઈતિહાસમાંથી બહાર આવીને નીચે ઉતરતાં ભદ્રનો અસલ લક્કડીયો દરવાજો તેની લોખંડની રીવેટો સાથેનો નજરે પડે છે.

૧૯૪૭ની ૧૫ મી ઓગસ્ટે દેશ આઝાદ થયો ત્યારે અમદાવાદનો સમાવેશ મુંબઈ રાજ્યમાં થયો હતો. આઝાદી મળ્યાની ઉજવણીના ભાગરૂપે ભદ્રના કિલ્લાને રોશનીથી શણગારવામાં આવ્યો હતો.
બહાર આવતાં જમણી બાજુએ ભદ્રકાળી માતાનું મંદિર દેખાય છે. ભદ્રકાળી માતાના મંદિરે મુખ્યત્વે કમળનો ચઢાવો કરવામાં આવે છે. આ કારણે કમળ વેચનારા ફેરિયાઓ ઘણા જોવા મળે છે. 
ઘણાને યાદ હશે કે ૩૦-૩૫ વર્ષ પહેલાં લાલ દરવાજાથી ભદ્રના દરવાજામાં થઈને ત્રણ દરવાજા બાજુ જવાતું હતું ત્યારે વચ્ચે એક વૃદ્ધ પ્રજ્ઞાચક્ષુ પતિ-પત્ની ભીખ માંગવા બેસતાં હતાં. પતિ-પત્ની બન્ને અંધ હોવાનું લખાણ સ્લેટમાં (કે બોર્ડમાં) અને એક સ્લેટમાં કે બોર્ડમાં લખેલું હતું. અને ત્યાંથી પસાર થતા ઘણા લોકો તેમને પૈસા આપતા જતાં. પેલા 'ચાચા'ને આ વાત પૂછતાં તેમણે પણ આ વાતનું સમર્થન કર્યું. અત્યારે એ હશે ખરાં? હશે તો ક્યાં હશે? કદાચ ભદ્રનો કિલ્લો બંધ થવાથી તેમની આજીવિકા છીનવાઈ ગઈ હોય તો કોને ખબર? 

મંદિરની બાજુમાં જ ચૂનાથી ધોળાયેલું સફેદ મકાન છે, જે કિલ્લાના જ ભાગરૂપ છે. આ મકાન આઝમખાન સરાઈ તરીકે ઓળખાય છે. મોગલ કાળમાં બનેલી આઝમખાન સરાઈનો મુસાફરખાના તરીકે ઉપયોગ થતો. આજે ત્યાં ભોંયતળિયે સરકારી પુસ્તક ભંડાર અને પહેલે માળે પુરાતત્વ ખાતાની ઓફીસ આવેલાં છે. ભદ્રના દરવાજાની બહાર મરાઠાકાળમાં બનેલું ભદ્રકાળી મંદિર/Bhadrakali Temple પણ આઝમખાન સરાઈનો જ ભાગ છે. 
કિલ્લો ફરી લીધા પછી એ.એસ.આઈ.ની ઓફિસમાં 'ગાઈડ' બાબતે પૂછતાં જાણવા મળ્યું કે અહીં કોઈ ગાઈડની વ્યવસ્થા નથી. (એટલા માટે કે આ સ્થળ કદાચ જોવાલાયક સ્થળોમાં સ્થાન નહીં પામતું હોય?) પછી એ પણ જાણવા મળ્યું કે અમદાવાદમાં યોજાતી 'હેરિટેજ વૉક'/ Heritage Walk માં પણ આ સ્થળનો સમાવેશ કરાયો નથી. 

બહાર નીકળીને ‘સરકારી પુસ્તક ભંડાર’/ Government Book Depot માં કુતૂહલવશ પ્રવેશતાં જ સરકારી નિયમો-અધિનિયમોનાં થોથાં નજરે પડે છે કે જે જોઈને આપણે આપણી જાતને જ તખ્લીયા કહી દઈએ છીએ. 
આ ટૂંકી મુલાકાત લીધા પછી અમદાવાદમાં રહેતા મિત્રોને એટલું કહેવાનું મન થાય કે 'ફરી શાંતિથી આવીશું' એમ વિચારીને ભદ્રના કિલ્લાની મુલાકાત ટાળવા કરતાં એ તરફ નીકળ્યા હો ત્યારે થોડો સમય કાઢીને જઈ આવવું સહેલું પડશે. 

(તમામ તસવીરો: ઈશાન ભાવસાર) 

(નોંધ: કનુકાકાની લેખમાળાનો ચોથો ભાગ લખાઈ રહ્યો છે, જે હવે મૂકાશે.- બીરેન) 

15 comments:

  1. બીજા કેટલાય કિલ્લા જોઈ નાંખ્યા. પણ માદરે વતનનો આ કિલ્લો આ અમદાવાદીએ અહીં જ પૂરો જોયો. બાકી તો બહારથી જ લટકતી સલામ મારેલી છે.

    ReplyDelete
  2. ભદ્રનો કિલ્લો બે વાર માણ્યો

    આનંદ આનંદ

    ReplyDelete
  3. ઘણું જાણવા મલ્યું.

    ReplyDelete
  4. ઘણું જાણવા મલ્યું.
    M.D.Gandhi, U.S.A.

    ReplyDelete
  5. બધા કોમેન્ટરો .... હાદજન !!!!

    ReplyDelete
  6. સારુ છે કે આ વેબજગત્ની શોધને કારણે ના જોયેલા અને ના માણેલા સ્થળો જોવા અને માણવા મળે છે.

    ReplyDelete
  7. બહુ જ સરસ ઈશાનભાઈ– ધન્યવાદ. આ કિલ્લા પાસેથી હું પણઘણીવાર પસાર થયો છું પરંતુ તમે લ્હેર કરાવી. હવે પછીની દેશની મુલાકાત વખતે આ કિલ્લો અચૂક જોઈશું

    ReplyDelete
  8. ભાઈશ્રી બિરેનભાઈ ,ઈશાનભાઈ,
    ભદ્રનો કિલ્લો આખો કદી જોયો ન હતો. આજે જીભરીને જોયો . 1950 ની વાત સહેજ જાણ ખાતર.સરદાર બાગ ન હતો. ત્યાં મેદાન હતું અને લાલ બસ ના સ્ટેન્ડ હતા.ગાંધી રોડ ( રીચી રોડ)પર 1A રૂટ અને ટિળકરોડ (રીલીફરોડ)પર 2C રૂટ ના નંબર ની બસો ફરતી હતી, ભદ્રકાલીના મંદિર સામે ઘોડાગાડી સ્ટેન્ડ અને પાણીનો હવાડો ઘોડા માટે હતો.
    દાદુ શિકાગો .

    ReplyDelete
  9. ડીયર ઇશાન,

    સરસ પોસ્ટ! તમારે નિયમિત રીતે લખવું જોઈએ. દુનિયાભરની અંધાધૂંધી વચ્ચે ઉભેલા 'સ્થિતપ્રજ્ઞ' ભદ્રના કિલ્લા વિષે તમે 'ઉશ્કેરણીજનક' પોસ્ટ લખી છે. 'ઉશ્કેરણીજનક' એટલા માટે કે હવે એક વાર ભદ્રનો કિલ્લો જોઈ જ આવવો પડશે!

    ઋતુલ

    ReplyDelete
  10. You put me back Not only to Amadavad but Kali and my old friend Avasthi....
    Rajendra Trivedi, M.D.
    www.bpaindia.org

    ReplyDelete
  11. કિલ્લો જોવા માટે એ.એસ.આઇ. વાળા તરત પરવાનગી આપી દે છે એ વાત એક્દમ સાચી છે. હું ઘણા વિદેશીઓને ભદ્રનો કિલ્લો જોવા લઈ ગયો છું અને તેમ છતાં દરેક વખતે કિલ્લાને માણવાની મઝા પડે છે.

    ReplyDelete
  12. Dear Ishan,Quite revealing.Has been to Ahemedabad and through this area so many times.Never thought it is part of such a history.Next time when in Ahmedabad,will find this "Chacha" and that ASI official and explore this monument frozen in time .In the meantime pl keep exploring this wonderful city and keep posting your findings.Photos also were quite revealing.Compliments.

    ReplyDelete
  13. " કિલ્લા પરનું એકાંત મનમાં સુલતાન અહમદશાહનો કોઈ સગો હોઉં એવી 'શાહી અનુભૂતિ' કરાવતી હતી. " - ,,,,,, અદભૂત

    વાસણા ખાતે આવેલી આઝમ -મોઅઝ્ઝમ ની ભુલભુલામણી નું તસવીરી સફર સાથે નું રોચક વર્ણન પણ ઈતિહાસ ના જિજ્ઞાસુ વાચકો ને પીરસશો તો મઝા આવશે, અંદર શું છે એના વિશે જાણવાની મને પણ ખુબ જ ઉત્કંઠા છે .

    ReplyDelete
  14. તમારુ રસપ્રચુર વર્ણન વાંચ્યા પછી હવે એ કિલ્લો 'સર' કરવો જ રહ્યો!
    કિલ્લા વિશે બહુ રસપ્રદ જાણકારી પ્રાપ્ત કરાવી છે, તમે.

    ReplyDelete