Thursday, July 21, 2011

અવિનાશ વ્યાસ: હૈયે છે ને હોઠે પણ છે.



૨૧-૭-૧૯૧૨ થી ૨૦-૮-૧૯૮૪

સીત્તેરના દાયકામાં ગુજરાતી ફિલ્મોનો ધોધ વછૂટ્યો અને જે અસીમ લોકપ્રિયતા તેને પ્રાપ્ત થઈ, એ અરસાના ગુજરાતી ફિલ્મોના રસિયાઓના દિલોદિમાગ પર કેટલાય કલાકારોનાં નામ એવાં કોતરાઈ છે કે હજી આજેય એ સૌની સ્મૃતિ અકબંધ છે. આ ગાળાના સર્વાધિક લોકપ્રિય અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદીની જીવનકથાનું સંપાદન રજનીભાઈ સાથે કરવાનું બન્યું એ પછી જ્યાં જ્યાં પુસ્તકના સમારંભ નિમિત્તે જવાનું બન્યું ત્યારે આ હકીકત વારંવાર નજરે પડી. પડદા પર દેખાતા કલાકારો જેટલું જ લોકપ્રિય એવું બીજું નામ, જે કેવળ પડદા પર જ જોવા મળે, એ છે અવિનાશ વ્યાસનું. ગુજરાતી ફિલ્મના નંબરીયા (ટાઈટલ્સ) શરૂ થાય એટલે દિગ્દર્શકના નામની પહેલાં પડદા પર લખાયેલું આવે: ગીત-સંગીત: અવિનાશ વ્યાસ’, અને તાળીઓ પડે.
 
પણ સમયગાળાની રીતે જોઈએ તો સીત્તેરનો દાયકો અવિનાશભાઈના જીવનનો પાછલો ગાળો કહેવાય, કેમ કે ફિલ્મોમાં તો એ છેક ચાલીસના દાયકાના આરંભથી સંકળાયેલા હતા. તેમનો જન્મ ૨૧મી જુલાઈ, ૧૯૧૨ના દિવસે અમદાવાદમાં. એટલે કે આજથી શરૂ થતું વર્ષ તેમની જન્મશતાબ્દિનું વર્ષ છે. સીત્તેરના દાયકામાં તેમણે ઢગલાબંધ ફિલ્મોમાં સંગીત આપ્યું અને બધું મળીને કુલ ૧૯૦ ગુજરાતી ફિલ્મોમાં તેમનું સંગીત ગૂંજ્યું. પણ એ હકીકત ઓછી જાણીતી છે કે તેમણે સંગીતબદ્ધ કરેલી હિંદી ફિલ્મોની સંખ્યા બે-પાંચ કે દસ વીસ નહીં, પૂરી ૬૨ છે અને તેમણે સંગીતબદ્ધ કરેલાં હિંદી ગીતોની સંખ્યા છે ૪૩૬. ફક્ત ને ફક્ત આંકડાકીય સરખામણી ખાતર એ નોંધવું રહ્યું કે નૌશાદની કુલ ફિલ્મોની સંખ્યા ૬૫ હતી, હેમંતકુમારે સંગીતબદ્ધ કરેલી ફિલ્મોની સંખ્યા હતી ૫૪, જ્યારે રોશનની કુલ ફિલ્મોની સંખ્યા હતી ૫૭. આથી એ ખ્યાલ આવશે કે અવિનાશભાઈને ફક્ત ગુજરાતી ફિલ્મોના સંગીતકાર ન ગણી શકાય. (તેમની હિંદી ફિલ્મોની ફિલ્મોગ્રાફી હરીશ રઘુવંશીના સૌજન્યથી અહીં મૂકી છે.)
જો કે, હિંદી ફિલ્મોમાં અવિનાશભાઈનાં અમુક જ ગીતો જાણીતા બન્યા. જેમાંના કેટલાક અહીં મૂક્યા છે. પણ તેમને ખરેખરી કામયાબી મળી ગુજરાતી ફિલ્મોમાં. એમાંય સીત્તેરના દાયકામાં તો ગુજરાતી ફિલ્મોમાં તેમણે લગભગ એકચક્રી રાજ કર્યું એમ કહી શકાય.
૧૯૪૦માં તે મુંબઈ આવ્યા. ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં પાસે શાસ્ત્રીય સંગીતની તાલિમ લીધી. એચ.એમ.વી. તેમજ યંગ ઈન્ડીયા કંપનીમાં વાદક તરીકે તે જોડાયા. અહીં તેમનો પરીચય થયો અલ્લારખાં કુરેશીનો, જે આગળ જતાં તબલાંવાદક ઉસ્તાદ અલ્લારખાંના નામે વધુ જાણીતા થયા. સનરાઈઝ પિક્ચર્સની મહાસતી અનસૂયામાં તેમને તક તો મળી, પણ સફળતા હજી દૂર હતી. અમુક કારણોસર આ ફિલ્મમાં અલ્લારખાં, શાંતિકુમાર અને ત્રીજા સંગીતકાર તરીકે અવિનાશ વ્યાસ-એમ ત્રણ સંગીતકારનાં બનાવેલાં ગીતો હતાં. ત્યાર પછી જે.બી.એચ.વાડિયાની ફિલ્મ કૃષ્ણભક્ત બોડાણામાં અવિનાશભાઈને ફરી તક મળી, અને ફરી નિષ્ફળતા પણ. આવા સમયે તેમને તક આપી હીરાલાલ ડૉક્ટર નામના સજ્જને, જે અવિનાશભાઈના મામા ઈશ્વરલાલ મહેતાના મિત્ર હતા. છેક ૧૯૨૫ના મૂંગી ફિલ્મોના ગાળાથી ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા અને ઈન્દુલાલ યાજ્ઞિક સાથે મળીને ફિલ્મ કંપની શરૂ કરનાર હીરાલાલને અવિનાશભાઈ પણ મામા કહેતા. હીરાલાલ ત્યારે ગુજરાતી ફિલ્મ જીવનપલટો બનાવી રહ્યા હતા. આ ફિલ્મનાં હીરોઈન હતાં નિરૂપા રોય. અવિનાશભાઈએ વિનંતી કરી કે તેમને પોતાને ફિલ્મના કથાનક મુજબ ગીતો લખવાની છૂટ આપવામાં આવે તો પોતે તેની તરજ સારી રીતે બાંધી શકશે. આ એક જોખમ જ હતું. કેમ કે ફિલ્મમાં ગીતકાર તરીકે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પણ હતા. એમના જેવા સિદ્ધહસ્ત કવિની સામે આ નવાસવા સંગીતકાર- ગીતકાર પાસે ગીતો લખાવવામાં જોખમ પૂરેપૂરું હતું. પણ હીરાલાલે અવિનાશ વ્યાસની આવડતમાં વિશ્વાસ મૂકીને તેમને ગીતો લખવા કહ્યું. અવિનાશભાઈએ ત્રણ ગીતો લખ્યાં, જેમાંથી એક ગીત પસંદ કરવામાં આવ્યું. બાકીનાં બે ગીતો રસકવિનાં અને એક ગીત કવિ વાલમનું. જો કે, આ ફિલ્મને પણ ગ્રહણ નડ્યું. ધંધાકીય આંટીઘૂટી એવી નડી કે મુંબઈમાં એ ફિલ્મ રજૂ જ ન થઈ શકી. અમદાવાદમાં રજૂ થઈ અને સાતેક અઠવાડિયાં ચાલી. પણ એનાથી હીરાલાલ ડૉક્ટરના જીવનનું સુકાન જ ફરી ગયું અને ફિલ્મલાઈનને તેમણે કાયમ માટે અલવિદા કરવી પડી. (પાછલી અવસ્થામાં પત્ની લીલાબેન સાથે તે અમદાવાદના એક વૃદ્ધાશ્રમમાં આવીને રહ્યા હતા ત્યારે રજનીકુમાર પંડ્યાએ તેમની પુત્રવત સાચવણ કરેલી. ડૉક્ટરે પણ આવી અનેક અજાણી વાતોનો ખજાનો ખુલ્લો મૂકેલો.) જો કે, ૧૯૪૮માં આવેલી ગુણસુંદરી ફિલ્મથી અવિનાશ વ્યાસની ગાડી એવી સડસડાટ ચાલી કે પાછું વાળીને જોયું જ નહીં.
અવિનાશભાઈએ પોતે ગાયેલું અને સ્વરબદ્ધ કરેલું ફિલ્મ કૃષ્ણ સુદામા (૧૯૪૭)નું એક દુર્લભ ગીત તારો મને સાંભરશે સથવારો અહીં મૂક્યું છે.
(આ વિચિત્ર દેખાતી લીન્કથી મૂંઝાયા વિના ક્લીક કરશો તો પ્લેયર ખૂલશે અને ગીત સાંભળી શકાશે. સીધું પ્લેયર મૂકવામાં કશીક ટેકનીકલ ખામી લાગે છે, જેનો પ્રયત્ન ચાલુ છે.)
<object height="28" width="335"><param value="http://www.divshare.com/flash/audio_embed?data=YTo2OntzOjU6ImFwaUlkIjtzOjE6IjQiO3M6NjoiZmlsZUlkIjtzOjg6IjE1MzQ5MzczIjtzOjQ6ImNvZGUiO3M6MTI6IjE1MzQ5MzczLWVjNyI7czo2OiJ1c2VySWQiO3M6NzoiMjM4NTc4OCI7czoxMjoiZXh0ZXJuYWxDYWxsIjtpOjE7czo0OiJ0aW1lIjtpOjEzMTIxNDAzMzg7fQ==&autoplay=default" name="movie"></param><param name="allowFullScreen" value="true"></param><param name="allowscriptaccess" value="always"></param><param name="wmode" value="transparent"></param><embed wmode="transparent" height="28" width="335" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" src="http://www.divshare.com/flash/audio_embed?data=YTo2OntzOjU6ImFwaUlkIjtzOjE6IjQiO3M6NjoiZmlsZUlkIjtzOjg6IjE1MzQ5MzczIjtzOjQ6ImNvZGUiO3M6MTI6IjE1MzQ5MzczLWVjNyI7czo2OiJ1c2VySWQiO3M6NzoiMjM4NTc4OCI7czoxMjoiZXh0ZXJuYWxDYWxsIjtpOjE7czo0OiJ0aW1lIjtpOjEzMTIxNDAzMzg7fQ==&autoplay=default"></embed></object>
૧૯૪૭માં એન.એમ.ત્રિપાઠીની કંપની દ્વારા પ્રકાશિત અને અવિનાશભાઈ લિખીત પુસ્તક મેંદીના પાનમાં કુલ નવ સંગીતકમ (ગીત,સંગીત અને નૃત્યનો ત્રિવેણી સંગમ ધરાવતી રંગભૂમિ પર ભજવાતી આ કૃતિઓની આ નામે ઓળખ તેમણે જ આપી છે) છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં અવિનાશભાઈના કલાકારજીવનો પરિચય સુપેરે થાય છે. કથાનકની માંગ મુજબ ગીત લખવા અંગે તેમણે લખ્યું છે: સંગીત જેનો પ્રાણ છે એવા સંગીતકમમાં ડગલે ને પગલે શિષ્ટ કાવ્યત્વ શોધવાનું આપણા કવિવરો માંડી વાળે. જાણી બૂઝીને મેં સંગીત શબ્દ વાપર્યો છે કે જેમાં અમારે અનેક વસ્તુઓને વફાદાર રહેવાનું છે. ગાયન, વાદનઅને નર્તનને, એનાથીય વધારે રંગભૂમિ પર મંડાયેલી વાર્તાને; વાર્તાના પ્રસંગને, પ્રસંગના રંગને. આ બધામાં કવિતાને અવકાશ નથી એવું રખે માનતા, વિરાજવાનું હોય છે ત્યાં અને ત્યારે, પૂર્ણ સ્વમાન સહ કવિતા આવીને એને આસને બિરાજે છે. એને નહીં નીરખવાનો નિરધાર કરી બેઠેલા એને નીરખતાનથી તો યે.. તો યે..
આ જ લખાણમાંની આમ્રપાલી કૃતિના એક પ્રસંગ વિષે તેમણે લખ્યું છે: જે વસ્તુ કવિતા પચાવી શકતી ન હોય ત્યાં કવિતાને સ્થાનભ્રષ્ટ કરવાનો મ્હને અધિકાર શો છે?” આ નિવેદનમાંથી તેમના મનમાં ગીતલેખન વિષે શો ખ્યાલ હતો એનો બરાબર અંદાજ આવે છે. ગીતલેખનની આ સૂઝને ગુજરાતી ફિલ્મોમાં તેમણે બરાબર અમલમાં મૂકી. તેને લઈને ગુજરાતી ગીતોમાં અવિનાશભાઈની કલમ બરાબર નીખરી. ગુજરાતના લોકજીવન, સંસ્કારજીવનને ઉજાગર કરતા અનેક ગીતો તેમણે લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં. આ ગીતો ખૂબ જ લોકપ્રિયતા પામ્યા. અવિનાશભાઈએ આટલી હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યા છતાં એક પણ વખત હિંદી ગીતલેખન પર હાથ અજમાવ્યો હોવાનું જાણમાં નથી. (સીધા હિંદીમાં જ શેઅર લખવાનું શરૂ કરી દેતા ગુજરાતી નવકવિઓએ આ બાબત નોંધવા જેવી છે.) હિંદી ફિલ્મોમાં તેમણે સરસ્વતીકુમાર દીપક’, રમેશ ગુપ્તા, ભરત વ્યાસ, કમર જલાલાબાદી, પ્રદીપ, અન્જાન, ઈન્દીવર, પ્રેમ ધવન, પી.એલ. સંતોષી, રાજા મહેંદી અલી ખાં જેવા પ્રતિભાશાળી ગીતકારોએ લખેલાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે, તો આશા ભોંસલે, લતા મંગેશકર, મહંમદ રફી, મુકેશ, તલત મહેમૂદ, ગીતા દત્ત, સુધા મલ્હોત્રા, હેમંતકુમાર જેવા ખ્યાતનામ ગાયક-ગાયિકાઓએ તેને સ્વર આપ્યો છે. જો કે, આ ગીતોમાંથી બહુ ઓછાં ગીતો જાણીતાં બન્યાં, જેમાંના કેટલાંક યૂ ટ્યૂબના સૌજન્યથી અહીં મૂક્યા છે.


(ગીત:પ્રદીપ, સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: વામન અવતાર)



(ગીત: પ્રદીપ, સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: નાગમણિ)


(ગીત: રમેશ શાસ્ત્રી, સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: હર હર મહાદેવ)


(ગીત: રાજા મહેંદી અલી ખાન, સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: અધિકાર)


(ગીત: પ્રદીપ, સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: ચક્રધારી)
પણ આનો ફાયદો એ થયો કે હિંદી ગાયનના આ ધુરંધરોના કંઠનો લાભ ઘણા ગુજરાતી ગીતોને મળ્યો. તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી જાય રે..(ગીતારોય, ફિલ્મ: મંગલફેરા)’, નૈન ચકચૂર છે (મહંમદ રફી- લતા, ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો), પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે (મુકેશ, બિનફિલ્મી)’, 'પિંજરું તે પિંજરું' (મન્નાડે, બિનફિલ્મી) 'માડી તારું કંકુ ખર્યું (આશા ભોંસલે, બિનફિલ્મી),  'આવને ઓ મનમાની' (હેમંતકુમાર, ફિલ્મ: હીરો સલાટ), હું અમદાવાદનો રીક્ષાવાળો’(કિશોરકુમાર, ફિલ્મ: માબાપ) જેવાં અસંખ્ય ગીતો.. કેટલાં યાદ કરીએ અને કેટલાં ભૂલીએ! તેમની ઘણી ગુજરાતી ધૂનો પરથી સીધેસીધાં હિંદી ગીત બન્યાં છે. રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે.. (ફિલ્મ: મંગલફેરા- ૧૯૪૯) ગીત તો એટલું લોકપ્રિય થયેલું કે તેમને એ ગીતની રોયલ્ટી પેટે વીસેક હજાર રૂપિયા જેવી માતબર રકમ એ જમાનામાં મળેલી.
રાખનાં રમકડાં..

(ગાયિકા: ગીતારોય, ગીત-સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: મંગલફેરા)
પંખીડાને આ પિંજરું..

(ગાયક: મુકેશ, ગીત-સંગીત: અવિનાશ વ્યાસ, બિનફિલ્મી)

મહેંદી તે વાવી માળવે..


(ગાયિકા: લતા મંગેશકર, ગીત-સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો)


મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી


(ગાયક: કિશોરકુમાર, ગીત-સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: સંતુ રંગીલી)

ભિક્ષા દે દે મૈયા પિંગળા


(ગાયક: મહેન્દ્ર કપૂર, ઊષા મંગેશકર, ગીત-સંગીત: અવિનાશ વ્યાસ, ફિલ્મ: રાજા ભરથરી)

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો.. 

 

(ગાયિકા: આશા ભોંસલે, ગીત-સંગીત: અવિનાશ વ્યાસ, બિનફીલ્મી)

૧૯૮૯માં આશા ભોંસલેને તેમના નિવાસસ્થાને અનૌપચારિક રીતે એક ચાહક લેખે અડધો-પોણો કલાક માટે મળવાનું બન્યું ત્યારે એટલી અલપઝલપ મુલાકાતમાંય અમે ગુજરાતના છીએ એ જાણીને આશાજીએ ભાવપૂર્વક અવિનાશભાઈને યાદ કરીને તેમના સંગીતમાં માડી તારું કંકુ ખર્યું પોતે ગાયું હતું એ યાદ કર્યું હતું.
સંગીતમાં તેમના પ્રદાન બદલ પદ્મશ્રીનું સન્માન તેમને છેક ૧૯૭૦માં પ્રાપ્ત થયેલું. પણ એ પછીના વરસોમાં તેમણે એકસો ચોત્રીસ જેટલી ફિલ્મો કરી અને એ ગાળાની ગુજરાતી ફિલ્મોના ગીત-સંગીતનો પર્યાય બની રહ્યા. આ અરસામાં મહેન્દ્ર કપૂરના કંઠનો તેમણે ઘણો ઉપયોગ કર્યો. તેમની વ્યાવસાયિક ખાસિયત વિષે ઉપેન્દ્ર ત્રિવેદી કહે છે, અવિનાશભાઈની વ્યાવસાયિક સૂઝ જબરદસ્ત એટલે બરાબર જાણે કે નિર્માતાને નુકસાન ન જવું જોઈએ. કોઈ ફિલ્મમાં સંગીત એ આપે એટલે બે-ત્રણ લોકગીતો એમાં લે, એના શબ્દોમાં ફિલ્મની જરૂર મુજબ ફેરફાર કરે અને બાકીનાં બે-ત્રણ ગીતોમાં પોતાને ગમતા પ્રયોગો કરે. એટલે માનો કે, પ્રયોગવાળાં ગીતો ન ચાલે તો પણ લોકગીતોને કારણે ફિલ્મનું સંગીત ચાલે જ અને નિર્માતાને નુકસાન ન જાય.” જો કે, વ્યાવસાયિક સૂઝની સાથોસાથ એમની વ્યાવસાયિક વૃત્તિ પણ એટલી જ બળવાન હતી. વિચારતાં એ પણ જણાઈ આવે કે અન્યથા પ્રતિભાશાળી, પણ અવિનાશભાઈ જેવી વ્યાવસાયિક વૃત્તિના અભાવે એવા ઘણા સંગીતકારોનો લાભ ગુજરાતી ફિલ્મોને જોઈએ એટલો મળી શક્યો નહીં.   

(તેમની ગુજરાતી ફિલ્મોની ફિલ્મોગ્રાફી હરીશ રઘુવંશી સંપાદિત 'ગુજરાતી ફિલ્મ ગીતકોશ: ૧૯૩૨-૧૯૯૪'ના સૌજન્યથી.)

એક અંદાજ મુજબ અવિનાશભાઈની કલમમાંથી સર્જાયેલાં ગીતોની સંખ્યા પાંચ આંકડે પહોંચે છે. આટલી બહુલતાને લઈને તેમનાં સંગીતમાં પાછળથી એકવિધતા પણ પ્રવેશી હોય એમ જણાય. તો તેમનાં પોતાનાં જ ગીતો પાછલા વરસોમાં થોડા ફેરફાર સાથે ફરી આવતાંય જોવા મળે. ગુજરાતી ગીતની એકવિધતાની છાપ સીત્તેરના દાયકામાં વધુ ઘેરી બની એ પણ આ કારણે.
અનેક ગીતોને અસંખ્ય ચાહકોના હોઠે રમતાં મૂકીને ૨૦મી ઓગસ્ટ, ૧૯૮૪ના રોજ તેમણે કાયમ માટે આંખ મીંચી. તેમના પુત્ર ગૌરાંગ વ્યાસ કાબેલ સંગીતકાર છે અને તેમણે   અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું છે, એમ અવિનાશભાઈના ગીતોને પણ સંગીતબદ્ધ કર્યા છે. ગુજરાતને ગાતું કરનાર અવિનાશ વ્યાસની જન્મશતાબ્દિના આ વર્ષમાં તેમની સ્મૃતિને કાયમ માટે સાચવી લેવા માટે વિવિધ કાર્યક્રમો ઉપરાંત તેમનાં તમામ ગીતોનો સંચય- જીવનકથા જેવું કંઈક નક્કર કામ થાય તો તેમનું ઋણ કંઈક અંશે ફેડી શકાય. અલબત્ત, સુરેશ દલાલ દ્વારા તેમનાં ગીતોનું સંપાદન પાંદડું લીલું ને રંગ રાતો ના નામે થયું છે, એ નોંધવું રહ્યું.



નોંધ: અવિનાશભાઈના કેટલાં ગીતોનો આસ્વાદ કરાવવો! તેમનાં ગીતોના વિશાળ સમુદ્રમાંથી અહીં મૂકેલાં ગીતો તો ડ્રોપરના એક ટીપા બરાબર છે.)
(આ લેખના પ્રેરક છે સુરતના હરીશ રઘુવંશી, જેમણે માંગેલી અને ન માંગેલી અનેકવિધ માહિતી ઊમળકાભેર પૂરી પાડીને લેખને માહિતીસભર બનાવવામાં પૂરતી મદદ કરી છે.)
(સૌથી ઉપરની તસવીર: રમેશ ઠાકર, રાજકોટ, સૌજન્ય: રજનીકુમાર પંડ્યા)

15 comments:

  1. બીરેન ભાઈ , સરસ લેખ અવિનાશ ભાઈ વિષે ઘણી નવી માહિતી જાણવા મળી ખાસ કરી ને તેમની હિન્દી ફિલ્મો ના સંગીત વિષે. હાલ માં મુંબઈ માં તેમની જન્મ શતાબ્દી ની ઉજવણી ચાલી રહી છે ને તેના ભાગ રૂપે તેમના ગીતો નો પ્રોગ્રામ ગુજરાતી ગાયકોના સંગાથે જુદા જુદા નાટ્ય ગૃહોમાં ચાલી રહ્યો છે જે આપની જાણ માટે.

    ReplyDelete
  2. There is so much in this piece I had no clue about that I feel emboldened to thank you for it Biren. For instance, I had always thought that the compositions of Pinjre ke Panchhi and Tere Dwar Khada were by Kavi Pradeep himself and I am shocked to alter my perception on that. 62 films in Hindi? That's another interesting tidbit. How come more of us don't know this man enough? Well, I am relived that at least I do...now! Thanks again.

    ReplyDelete
  3. Brahmaatmaa trupt thayo...
    Such a wide knowledge giving article for Avinashji !!!! Wow.. I have never
    such idea for great details for him.. I am obliged to know such a wide
    things about him.. I am pleased. My best compliments!
    I have a chance to meet Raskavi Raguhunath Brahmbhatt in Nadiad in 1971-72
    at his residence.

    ReplyDelete
  4. It's SUPERB! I could hear the song...Taro mane sabharshe sathwaro.....

    ReplyDelete
  5. Thanks Birenbhai, for sharing such treasure herewith. I too believe, we haven't appreciate Avinash Vyas as actually he deserves. We know his songs, we used to dance on it too but very unaware about the poet and musician, his life and struggle. Here u have given valued info. Thanks again.

    ReplyDelete
  6. @suryamorya- Thanx. Yesterday itself was a program in Mumbai.Let us hope to have more of such programes everywhere.
    @vispy- Thanx. U r right that the compositions sound like that of Pradipji. Actually Pradipji has hardly composed few songs on his name though he was always there behind his almost every composition. He was a rare kind of trio- a lyricist, singer and a composer.

    ReplyDelete
  7. શ્રી બીરેનભાઈ,

    અવિનાશ વ્યાસ પર લેખ વાચી ઘણો જ આનંદ થયો. લેખ, માહિતી, ફોટોગ્રાફ, ગીત વગેરે વગેરે બધું જ ખૂબ જ મજા આવે તેવું છે. આવી જ સરસ સામગ્રી અવારનવાર આપતા રહેવા વિનંતી છે.

    ReplyDelete
  8. Thanx birenbhai for such a wonderful article about Avinash vyas.he was a great musician.its a great tribute of him.2day I read swarpanchmi written by yunus khan in divya bhaskar.he wrote-avinashbhai composed nice song.he gave the name of hindi-filmi song,but I like your article,because you have given links to enjoy Avinashbhai's songs.thanx,once again.

    ReplyDelete
  9. સરસ લેખ.
    એક વિનંતી.. એમનો પરિચય આ ફોર્મેટમાં બનાવી દ્યો?

    http://sureshbjani.wordpress.com/2007/09/25/hansa_dave/

    http://sureshbjani.wordpress.com/2006/09/21/sundaram/

    ReplyDelete
  10. ખુબ સરસ અને અદભુત માહિતી આપી છે.

    ReplyDelete
  11. http://sureshbjani.wordpress.com/2011/07/28/avinash-vyas/

    આભાર માનું એટલો ઓછો છે. ખૂટતી વિગતો મેળવી આપશો.

    ReplyDelete
  12. Please read આજનો પ્રતિભાવઃ ગીત સંગીત ... અવિનાશ વ્યાસ ! on www.girishparikh.wordpress.com and give your comments. Thanks.

    ReplyDelete
  13. ખુબ સરસ માહીતી આપી. અવિનાશ ભાઈ એ હિંદી માં પણ સંગીત આપ્યુ છે તે તો ખબર જ નહોતી.(હવે હાઈસ્પિડ ઈંટરનેટ વિશે વિચારવુ પડશે.

    ReplyDelete
  14. Exellent compilation... I strongly believe and say Gujarati Sugam Sangeet and music has been alive just and just because of painful efforts of Pujya SHREE AVINASH VYAS. 'Pujya'... because I respect and love Gujarati and Shree Avinashbhai has made it immortal and heard to all generations with a clear and simple message of Gujarati music is not only LOKGEET and BHAJANS and RAAS GARBA. There are many variations and types of Gujarati music. I am a Radio Presenter and lover of Gujarati Music (Sabrasradio.com) since 1965 and have followed and collected as much as I can and could .... Not just Music but also lyrics and bringing number of famous non Gujarati singers to Gujarati film arena with style...
    SADA AMAR AVINASH... Shat Shat Praman

    ReplyDelete
  15. aa detail vanchya pachhi kayo evo gujarati hashe jene Garvi gujarat na aaa panota putra mate garva na thay...
    dhanya chhe tane avinash vayas...film land no danko vagadi dekhadyo...

    ReplyDelete