Wednesday, November 16, 2016

લાકડીના બન્ને છેડે ગાંધી


ગાંધીજીના પ્રપૌત્ર કનુ ગાંધીનું ૭ નવેમ્બર, ૨૦૧૬ને સોમવારના રોજ અવસાન થયું. જુહુના સાગરતટે ગાંધીજીની લાકડીને છેડેથી પકડીને ચાલતા બાળક કનુ ગાંધીની આ તસવીર વિશ્વપ્રસિદ્ધ છે. એ રીતે જોઈએ તો આ તસવીર કેવળ તસવીર ન બની રહેતાં એક પ્રતીક સમી બની રહી છે.


આ તસવીરમાંની વ્યક્તિઓ અને ચીજો એ હદે જાણીતાં બની રહ્યાં છે કે તેના આધારે અનેક કાર્ટૂનિસ્ટોએ વખતોવખત કાર્ટૂનો ચીતર્યાં છે, જેમાં ક્યારેક લાકડી બદલાય છે, ક્યારેક તેને પકડનાર, ક્યારેક તેને દોરનાર, તો ક્યારેક બધા જ. આમ છતાં, જે કહેવું છે તે કહેવાઈ જાય છે. 
અહીં કેટલાક એવાં કાર્ટૂનો એક સાથે મૂકેલાં છે, જે આ તસવીરના કથાવસ્તુ પર આધારીત છે, પણ દોરાયાં છે જુદા જુદા કાર્ટૂનિસ્ટો દ્વારા, જુદી જુદી ઘટનાઓ પર, જુદે જુદે સમયે.

અબુ અબ્રાહમે દોરેલા આ કાર્ટૂનમાં એ સમયગાળાની વાત હોય એમ લાગે છે, જ્યારે નેતાઓ હજી ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ આચરતાં ડરતા હતા. 


કેશવનું ધ હિન્‍દુમાં પ્રકાશિત થયેલું આ કાર્ટૂન ધીરેન્‍દ્ર શર્માના એક લેખ સાથે મૂકવામાં આવ્યું હતું. દિલ્હીસ્થિત જે.એન.યુ,ના સાયન્‍સ પોલિસી સેન્‍ટરના ભૂતપૂર્વ વડાએ આ લેખમાં પોતે ક્યારેક ગાંધીમાર્ગે આરંભેલું નિષ્ફળતાને શી રીતે વર્યું તેની વાત કરી હતી. એક સ્થાનિક નેતાએ આ આંદોલનને ટેકો આપવાની તૈયારી દર્શાવી. સ્થળ પર આવીને તેમણે આંદોલનકારીઓને સુરક્ષા કર્મચારીઓ પર કોઈ કારણ વિના હુમલો કરવા જણાવ્યું. આંદોલનકારીઓએ એમ કરવાનો ઈન્‍કાર કર્યો ત્યારે અકળાયેલા નેતાએ કહ્યું, તો પછી થઈ રહ્યું તમારું આંદોલન! આ કાર્ટૂનમાં ગાંધીજીને દોરવાને બદલે લાકડીથી ખેંચીને નેતા ઉગ્રતા તરફ ઢસડી રહ્યા છે. ગાંધીજીના બૅકગ્રાઉન્ડનો શાંત રંગ અને નેતાના બૅકગ્રાઉન્‍ડનો લાલ રંગ તેમજ નેતાના મુખભાવ આ હકીકત સ્પષ્ટ કરે છે. 

કોંગ્રેસમાં ગાંધીજી હતા ત્યારે સ્વદેશીની બોલબાલા હતી. કાળક્રમે કોંગ્રેસનું વિસર્જન થયું, અને મનમોહનસીંઘને દેશના વડાપ્રધાનપદે બેસવાનું બન્યું. આ કાળમાં વિદેશીની બોલબાલા વધી. એ બન્ને કાળનો વિરોધાભાસ કુરીલના આ કાર્ટૂનમાં બતાવવામાં આવ્યો છે. 


 ‘થોમ્મીના નામે કાર્ટૂન ચીતરતા મલયાલી કાર્ટૂનીસ્ટ ડૉ. થોમસના આ કાર્ટૂનનું શીર્ષક છે ગાંધીમાર્ગ’.  કાર્ટૂન સ્વયંસ્પષ્ટ છે. 











થોમ્મીના આ બીજા કાર્ટૂનમાં રાહુલ ગાંધી અને મનમોહનસીંઘને દર્શાવ્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસમાં 
પોતાની ભૂમિકા વધારે એવા એંધાણ મળ્યાના સમાચાર પર આ કાર્ટૂન આધારીત છે. 


૨૦૧૩ની ગાંધી જયંતિ કંઈક વિશિષ્ટ બની રહી હતી. ભ્રષ્ટ સાંસદોની બરતરફી સૂચવતા વટહુકમનો રાહુલ ગાંધીએ વિરોધ કર્યો હતો. આ વટહુકમ પાછળ રાહુલના પોતાના પક્ષનો મુખ્ય હાથ હતો. મંજુલે રાહુલ ગાંધીનું આ તોફાન અને તેનાથી મૂઢ થઈ ગયેલા મનમોહનસીંઘ બતાવ્યા છે, અને પાછળ ભીંત પર ગાંધીજી તેમજ કનુ ગાંધીવાળી છબિ પણ બતાવી છે. છબિમાં લાકડી લઈને દોરનાર બાળક અને બહાર અચાનક તોફાની બનીને પકડનારના ગળામાં લાકડી ખોસતા બાળકનો દેખીતો વિરોધાભાસ જોઈ શકાય છે. 

કુરીલના આ કાર્ટૂનમાં ત્યારે અને અત્યારેની શૈલીએ રાજકીય સ્થિતિ દર્શાવી છે. એક જમાનો હતો કે કોંગ્રેસ ગાંધીજીને અનુસરતી. એમ કરવામાં ગૌરવનો ભાવ અનુભવાતો. ઉપલા કાર્ટૂનમાં કોંગ્રેસના માથે દૈવી તેજવર્તુળ બતાવાયું છે. બીજા કાર્ટૂનમાં અત્યારની પરિસ્થિતિ છે. હવે કૌભાંડો અને ભ્રષ્ટાચારથી ભરપૂર કોંગ્રેસ રાહુલ ગાંધીને અનુસરે છે. ગાંધીજીની કેડે લટકતી ઘડીયાળ અને રાહુલના ખિસ્સામાં ડોકાતો મોબાઈલ ફોન બદલાયેલો જમાનો સૂચવે છે. અહીં કોંગ્રેસના માથે શેતાની વર્તુળ દેખાડ્યું છે. બન્ને કાર્ટૂનમાં કોંગ્રેસ અને તેને દોરનારના કદની અદલાબદલી ઘણું બધું કહી જાય છે.


નરેન્‍દ્ર મોદી વડાપ્રધાન બન્યાને હજી માંડ અઢી વર્ષ થયા છે. કુરીલના આ કાર્ટૂનમાં ક્વીટ ઈન્‍ડીયા મુવમેન્‍ટ (હિંદ છોડો ચળવળ) દરમ્યાન ગાંધીજીની પછવાડે દોરતી કોંગ્રેસ બતાવાઈ છે. વડાપ્રધાન બન્યા પછી નરેન્‍દ્ર મોદીએ ક્લીન ઈન્‍ડીયા મુવમેન્‍ટ (સ્વચ્છ ભારત અભિયાન)ની ઘોષણા કરી. વિરોધ પક્ષ આપના નેતા અરવિંદ કેજરીવાલે આ અભિયાનને ટેકો જાહેર કર્યો. આપનું પોતાનું નિશાન ઝાડુ છે. ગાંધીચીંધ્યા સ્વચ્છતાના માર્ગે વડાપ્રધાન મોદી ચાલી રહ્યા છે. કોણ કોને દોરી રહ્યું છે એ અસ્પષ્ટ છે, પણ ઝાડુનો સળીઓવાળો ભાગ મોદી પાસે છે, તેથી તેમની પાછળ કેજરીવાલ આવતા જણાય છે. પણ કેજરીવાલના ચહેરાના ભાવ જોતાં જણાય છે કે તેમણે ઝાડુના હાથાને ફક્ત આપવા ખાતર ટેકો આપેલો છે. 

આ કાર્ટૂન તાજેતરનું છે. પાંચસો અને હજારની નોટોને ચલણમાં રદ કરવાના પગલાંની પ્રશંસા કરતા આ કાર્ટૂનમાં પણ બન્ને કાળની પરિસ્થિતિઓ બતાવી છે. દાંડી માર્ચ (કૂચ) વખતે દેશ આખો ગાંધીની સાથે હતો. અત્યારે મોદી દંડા માર્ચ કરી રહ્યા છે. તેમના એક હાથમાં સ્વચ્છતા અભિયાનનું ઝાડુ છે, જે કાળા નાણાંનો કચરો સાફ કરવા માટે છે. બીજા હાથમાં કઠોર નિર્ણયરૂપી દંડો છે. પહેલા ચિત્રમાં અંગ્રેજ સૈનિકો ગાંધીના પગલાને વિસ્મયથી નિહાળી રહ્યા છે. બીજા ચિત્રમાં કેજરીવાલ, લાલુપ્રસાદ, મમતા બેનરજી જેવા નેતાઓ ગભરાયેલા કે ચકિત અવસ્થામાં જોઈ શકાય છે. પાછળ ચાલતા બાળકરૂપી દેશનો પહેરવેશ પણ બદલાયેલો સમયગાળો સૂચવે છે.આ કાર્ટૂન પણ કુરીલનું છે. 



એ કેવળ યોગાનુયોગ છે કે અહીં મૂકેલાં કુલ નવ કાર્ટૂનમાંથી ચાર કાર્ટૂનો કુરીલના છે. 
ગાંધીજી ગયા, અને હવે કનુ ગાંધીએ પણ વિદાય લીધી, પણ આ તસવીર યુગો સુધી કાર્ટૂનિસ્ટોને અવનવાં અર્થઘટનો માટે પ્રેરણા આપતી રહેશે.


(Disclaimer: All the cartoons above are either from personal collection or taken from net which are meant not for any commercial purpose. Breach of copyright, if any may please be brought to this blogger’s notice, and it will be removed at the earliest.

Tuesday, November 15, 2016

હું કોઈ મોટો ચિત્રકાર નથી છતાં....


આમ તો હું કોઈ વ્યવસાયી ડૉક્ટર નથી, પણ મને નાનપણથી તોડફોડ બહુ ગમે. એટલે હવે નિજાનંદ માટે આવાં ઓપરેશનો કરું છું. તમારું ઓપરેશન પતે પછી તમે મને નિખાલસ પ્રતિભાવ આપજો કે એ કેવું થયું!’ જરા વિચારો કે કોઈ ઓળખીતા ડૉક્ટર આપણને ઓપરેશન ટેબલ પર સૂવાડીને આમ કહે તો? 

કંઈક આવી જ લાગણી મને કોઈ પુસ્તકની પ્રસ્તાવનાના આરંભે ‘હું કોઈ વ્યવસાયી લેખક નથી, છતાં.....’ વાંચીને થાય છે. કોણ જાણે કેમ, ઘણા બધા લોકોને પોતાના પુસ્તકનું લખાણ આ વાક્યથી કરવાની બહુ મઝા આવતી હોય છે. આવા સ્વકથનને અંતે તેઓ મોટે ભાગે લખતા હોય છે, કોઈ ક્ષતિ દેખાય તો આગોતરી ક્ષમા માગી લઉં છું, કેમ કે, હું કોઈ વ્યવસાયી લેખક નથી. આટલી નમ્રતા છતાં એમ લાગે કે તેઓ એમ કહેવા માંગે છે, જુઓ, હું કોઈ વ્યવસાયી લેખક નથી, છતાં એને પણ ટક્કર મારે એવું લખ્યું છે ને! આ તો મારી પાસે સમય નથી, નહીંતર હું લખવાના વ્યવસાયમાં પડું તો ભલભલા વ્યવસાયી લેખકોને ભૂ પાઈ દઉં.

એક સજ્જને પોતે લખેલી પુસ્તિકા મોકલી અને સાથે મોકલેલા પત્રમાં આમ જણાવીને છેલ્લે લખ્યું, આપના નિખાલસ પ્રતિભાવ આપશો. મેં નિખાલસ પ્રતિભાવમાં લખ્યું, આપ વ્યવસાયી લેખક નથી, છતાં આ પુસ્તક લખ્યું, તેને બદલે કોઈ વ્યવસાયી લેખકની સેવા લેવા જેવી હતી, કેમ કે, પુસ્તકમાં ખૂબ ક્ષતિઓ રહી ગઈ છે. બસ! એ સજ્જને મને મોકલેલું એ પહેલું અને છેલ્લું પુસ્તક બની રહ્યું. અલબત્ત, તેમણે લખેલું એ છેલ્લું પુસ્તક નહીં હોય એની મને ખાતરી છે. ખબર નહીં કેમ, લોકોને પોતાની જાતને નિજાનંદી લેખક’, સેવાભાવી લેખક વગેરે ગણાવવામાં કોઈ વિકૃત આનંદ આવે છે.

આટલું પિંજણ કરવાનું કારણ એ કે આ પોસ્ટ પૂરતી હિંમત એકઠી કરીને હું કહેવા માંગું છું, હું કોઈ મોટો ચિત્રકાર નથી છતાં...’આ વાક્ય દ્વારા આ પોસ્ટનો આરંભ કરીને બહુ બધી નિખાલસતાથી લખ્યું હોત, મને આવડ્યું એવું ચીતર્યું છે, તમે મને ટપારજો, કે સુધારજો. તો ઘણાએ કહ્યું હોત, ભાઈ, તું લખવામાં ખોટો આવ્યો. તુંં ચિત્રકાર બન્યો હોત તો.... આમ સૂચવનારા મિત્રો કદાચ એમ કહેવા માંગતા હોય કે, '.....તો લેખને કશું ગુમાવ્યું ન હોત.' 

અગાઉ હું પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં હતો ત્યારે ઘણા કહેતા, તું અહીં ખોટો આવ્યો. તારે લખવામાં જવા જેવું હતું. મને પણ એમ લાગેલું એટલે દસેક વર્ષ અગાઉ લખવામાં આવી ગયેલો. એટલે હાલ પૂરતો બીજા કશામાં જવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. એટલું સમજાયું છે કે અમુક શોખ સમાંતરે પણ ચાલી શકે, જો આપણે તેને ફક્ત નિજાનંદ માટે રાખતા હોઈએ.

આટલી પૂર્વભૂમિકા પછી મૂળ વાત. એક તબક્કે ચિત્રકળા તરફનું પ્રબળ આકર્ષણ ને અમુક મિત્રોના દબાણને લઈને કૉલેજ પૂરી કર્યાના દસ વર્ષ પછી વડોદરાની ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સમાં પ્રવેશ મેળવેલો. અટપટી પ્રવેશપ્રક્રિયા પસાર કર્યા પછી કૉલેજનાં પગથિયાં ચડવાનાં થયાં, મઝા બહુ આવતી હતી, પણ સમયની અનુકૂળતા અને બીજા નાનામોટા પ્રશ્નો નડતા હતા. તેથી દોઢેક વર્ષ માંડ પૂરું કરી શક્યો. પણ એ ગાળામાં એક નવી સૃષ્ટિનો પરિચય થયો.

એ વખતે અભ્યાસ માટે દોરવાં પડેલાં ચિત્રોમાં ખાસ ભલીવાર નહોતી, પણ મઝા ખૂબ આવી. અધવચ્ચે છોડવી પડેલી એ કૉલેજ પછી છૂટુંછવાયું કામ મેં ચાલુ રાખેલું, જેમાં મુખ્યત્વે પેન ડ્રોઈંગ હતા, કેમ કે, ક્યાંય પણ ગયા હોઈએ તો એ ઝડપથી દોરાઈ શકે. અને પછી તેનું ડીટેલીંગ ઘેર આવીને શાંતિથી કરી શકાય. આ વલણ પણ ઓછું થતું ગયું, અને સંપૂર્ણપણે લેખનમાં પ્રવેશ્યા પછી સદંતર બંધ.

પણ જૂન, ૨૦૧૬માં મિત્રો સાથે માધવપુરનો ટૂંકો પ્રવાસ કરવાનો થયો ત્યારે પંદરેક વર્ષના અંતરાલ પછી પેન અને સ્કેચબુક ફરી હાથમાં પકડ્યાં. કામ ફાવશે કે નહીં, એની ચિંતા કર્યા વગર શરૂ કર્યું. પહેલાં બ્લૉગનું માધ્યમ ન હતું, હવે એ ઉપલબ્ધ છે, તેથી અહીં મૂકવાની પણ હિંમત એકઠી કરી.
હવે આમાં ઊંડા ઉતરવાની, ગમતું કામ કરતા જવાની ઈચ્છા થાય છે, પણ હવે એ માટેનો સમય નથી. એ થાય ત્યારે ખરું.

મારી પાસે અગાઉનાં બનાવેલાં થોડાં ડ્રોઈંગ છે, અને નવાં શરૂ કરેલાં પણ ખરાં. પણ આ પોસ્ટમાં માત્ર ને માત્ર મહેમદાવાદનાં ડ્રોઈંગ મૂક્યાં છે. થોડી એની વાત. 
મહેમદાવાદમાં જીવનના આરંભકાળના ત્રણેક દાયકા વીતાવ્યા હોવાથી તેનો લગાવ હોય એ સ્વાભાવિક છે, પણ તેમાં દોરવા કે ફોટા પાડવા જેવું શું ખ્યાલ પછી આવતો ગયો. હવે અમદાવાદના આક્રમણને કારણે મહેમદાવાદની સ્કાયલાઈન બદલાઈ રહી છે. અમારા ત્રણ માળના ઘરના છાપરે ચડ્યા પછી ગામ પૂરું થતાં જે લીલોતરી દેખાતી હતી, ત્યાં હવે લાઈનબંધ એપાર્ટમેન્‍ટ ઉભા થયેલા જોઈ શકાય છે. મહેમદાવાદના નદીકિનારે ઉભા થયેલા નખશીખ વ્યવસાયી સંકુલ એવા સિદ્ધિ વિનાયક ધર્મસ્થાનને લઈને બહારના લોકોનો ધસારો વધ્યો છે. આમ છતાં, મહેમદાવાદ નગરની મૂળભૂત ઓળખ ઘણે અંશે જળવાઈ રહી છે એમ લાગે.

ઢળતા છાપરાંવાળાં મકાનો, પ્લાસ્ટર વિનાની દિવાલો, ધાબું ધરાવતા સાંકડાં અને ઉભાં મકાનો, ધાબુ અને છાપરાંની જુગલબંદી વગેરે થકી હજી તેની આગવી ઓળખ જળવાઈ રહી હોવાનું મને લાગે છે. તે કેટલી ટકશે એ ખબર નથી. અહીં એવાં કેટલાક ચિત્રો મૂકેલાં છે, જે મેં ફક્ત ઘરમાં રહ્યે રહ્યે,  બાલ્કનીમાંથી કે ધાબા પર જઈને બનાવેલા છે. .

**** **** ****

શેરીનું આ દૃશ્ય અમારા ઘરમાંથી દેખાતું હતું. આ દૃશ્ય હજી આવું છે, પણ તેમાં છેલ્લે જે ઝરુખા અને છાપરાવાળું બાંધકામ છે, એ હવે તૂટી ગયું છે, અને ત્યાં હારબંધ દુકાનોવાળું કઢંગું શોપિંગ સેન્‍ટર બની ગયું છે. લુહારવાડથી નડીયાદી દરવાજા તરફનો આ રસ્તો છે. વૉટરપ્રૂફ ઈન્‍ક વડે બનાવેલું આ ચિત્ર કદાચ ૧૯૯૩-૯૪ના ગાળાનું હશે, એમ લાગે છે. 

લુહારવાડથી નડીયાદી દરવાજા તરફ જતો રસ્તો 

આ દૃશ્યો મારા ઘરના ધાબામાંથી દેખાતાં દૃશ્યો છે.

સામે દેખાતું જેઠાકાકા પંચાલનું ચારમાળી મકાન વરસોથી તેની પ્લાસ્ટર વિનાની ઈંટો, અને ત્રાંસા આકારને કારણે ધ્યાન ખેંચે એવું છે. આ મકાનની અંદરની રચના હિન્‍દુ વર્ણવ્યવસ્થાની યાદ અપાવે. ઉપર ચડવા માટે દરેક માળને વટાવવો પડે. તેમના ધાબે પહેલાં હારબંધ ગીધો બેસતાં હતાં. હવે આવી વીઝીટીંગ ફેકલ્ટીઓ ક્યારેક આવી ચડે છે. 

લુહારવાડથી ખાંટવગા જવાના રસ્તાને નાકે

અમારા મકાનનું સ્થાન એ રીતનું છે કે તેની સામેની બાજુએ ખાંટવગો છે, પાછળની બાજુ દેસાઈપોળ છે, અને આજુઆજુ લુહારવાડ છે. ઈતિહાસની ભાષામાં કહીએ તો તે અનેક સંસ્કૃતિઓના ત્રિભેટે ઉભેલું છે. આ ચિત્રમાં સાવ ડાબે લુહારવાડનાં અમુક મકાનો છે, પાછળ કદાચ વ્યાસવાડાના મકાનો છે, અને જમણે આગળ વધતાં દેખાતાં મકાનો દેસાઈપોળનાં છે.

લુહારવાડ, તેની પાછળ વ્યાસવાડો, જમણે દેસાઈપોળનાં મકાનો 

આ ચિત્રમાં મારા ઘરની બીજી તરફનો ભાગ છે, જે બજાર તરીકે ઓળખાય છે. આ મકાનોની નીચે બજાર તરફ જતો મુખ્ય માર્ગ છે. આ મકાનો કાછિયાવાડનાં છે.

બજાર તરફ જવાના રસ્તે કાછિયાવાડનો ભાગ 
ધાબેથી સાવ સામે દેખાતું આ મસમોટું કોમ્પ્લેક્સ નવું બાંધકામ છે. જૂની આશા ટોકીઝ હતી, તેની આગળ બની ગયેલું આ સંકુલ હોય એમ લાગે છે. પશ્ચિમે આવેલા આ સંકુલનું ચિત્ર બનાવ્યું ત્યારે સૂર્ય પશ્ચિમે હોવાથી પ્રકાશ પાછળથી આવતો હતો. તેને લઈને આખું બાંધકામ સળંગ હોય એમ લાગે છે. પણ સવારના, આ મકાનની ઉપર પડતા પ્રકાશમાં વાત અલગ હતી. આ મકાનનો સામે દેખાતો ભાગ ઓછો છે, અને વધુ લાંબો ભાગ પડખામાં છે.

વારાહી માતાથી સ્ટેશનના રસ્તે આશા ટૉકીઝની
આગળના ભાગે બનેલું કોમ્પ્લેક્સ

મારા ઘરના શયનખંડમાંથી બરાબર સામે દેખાતી આ બારીને ચાર ભાગમાં વિભાજીત કરતાં દરેકમાં અલગ અલગ દૃશ્યો જોવા મળે છે. 


મહેમદાવાદદર્શન પછી હવે ઘરનું દર્શન.
મહેમદાવાદના અમારા ઘરના અનેક સ્થાનો પિક્ચરપરફેક્ટ છે. આવાં બે સ્થાનો.
નીચેથી પહેલા માળે આવવાના દાદરનો ભાગ, જેમાં જૂના મકાનનો લાકડાનો કઠેરો મૂક્યો છે. 
ઘરના દાદરની પાછળ આવેલી પહેલા માળની બેઠકનો ભાગ 

પુસ્તકોનો ખજાનો આ ભાગમાં સચવાયેલો છે.

પુસ્તકોની સમાંતર સૃષ્ટિ
હું કોઈ મોટો ચિત્રકાર નથી, પણ.... આમ કહેવાની કેવી મઝા આવે? ચિત્રકળાના અભ્યાસીઓ આમાં રહેલી ત્રુટિઓ તરત પામી જશે. અન્ય રસિકોને આ ચિત્રો વાન ગોગ કે પિકાસોની સમકક્ષ લાગી શકે. આવા બે અંતિમોની વચ્ચે જ આપણે આપણો આનંદ મેળવી લેવાનો હોય છે. ખાસ કરીને આપણે વ્યવસાયી એક્સ વાય ઝેડ ન હોઈએ અને એ બનવાની શક્યતા પણ ન હોય ત્યારે. 


Saturday, November 5, 2016

ચાંદા-સૂરજના મહેલ: ખંડહર બચે હુએ હૈં, ઈમારત નહીં રહી


મહેમદાવાદના વતની હોવા છતાં, મહેમદાવાદમાં વરસો સુધી રહેવા છતાં અને મહેમદાવાદ છોડ્યા પછી પણ ત્યાંનો જીવંત સંપર્ક હોવા છતાં ચાંદા-સૂરજના મહેલ વિશે સાંભળેલું બહુ, કદી તેની મુલાકાત લેવાનું બન્યું નહોતું. શાળામાં ક્યારેક મારું ગામ વિશે લખતાં તેનો ઉલ્લેખ જોવાલાયક સ્થળ તરીકે કર્યો હોય એટલું જ. કદી તેને જોવા જવાનો વિચાર નહીં આવેલો. ટ્રેનમાં અમદાવાદથી આવતાં વાત્રક નદીના પુલ પર જમણી તરફ દેખાતાં ખંડેર ચાંદા-સૂરજના મહેલ હોવાની ખબર હતી. ક્યારેક કોઈ મિત્ર આગળ ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હશે, પણ ત્યાં કશું નથી જેવો જવાબ મળતાં વિચાર માંડવાળ કરી દેવાયો હશે.

**** **** ****

મહેમદાવાદની વાત કરવી હોય તો અમદાવાદના ઉલ્લેખ વિના કરી ન શકાય. મહેમદાવાદના ઈતિહાસ વિશે મહેમદાવાદ: એક અધ્યયન નામના નાનકડા પુસ્તકમાં ભાઈ મહંમદ મુસ્તાકે ટૂંકમાં માહિતી જણાવી છે. એ મુજબ ગુજરાતમાં મહંમદશાહ નામના કુલ ત્રણ રાજાઓ થઈ ગયા. તેમાં સૌથી પરાક્રમી અને જાણીતો સુલતાન એટલે મહેમૂદશાહ. તેનું મૂળ નામ ફતેહખાન હતું. ચૌદ વર્ષની વયે તે નાસીરૂદ્દીન દુનિયા વઉદ્દીન અબુલ ફતાહ મહેમૂદશાહ નામ ધારણ કરીને ઈ.સ. ૧૪૫૮માં તખ્ત પર બિરાજમાન થયો. જૂનાગઢ અને પાવાગઢ નામના બે મહત્ત્વના ગઢ જીત્યા હોવાથી તે મહેમૂદ બેગડો તરીકે ઓળખાયો.

અમદાવાદથી દક્ષિણે વાત્રક નદીને કાંઠે તેણે એક નગર વસાવવાનું નક્કી કર્યું અને પોતાના એક ઉમરાવ મલેક મહેમૂદ નિઝામને આ કામ સોંપ્યું. આમ, ઈ.સ. ૧૪૬૫માં મહેમદાવાદ નગર વસાવવામાં આવ્યું. અલબત્ત, આગળ જતાં મહેમદાવાદ પર સુલતાન શાહુદ્દીન મહેમૂદે (ત્રીજા) પણ રાજ્ય કર્યું.
મહેમદાવાદ એક જમાનામાં ગુજરાતનું પાટનગર રહી ચૂક્યું હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. એ બધી વાતોમાં ઊંડા ન ઉતરીએ તો પણ મહેમદાવાદમાં આજે ઘણી જર્જરીત ઈમારતો તેના એક જમાનાના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે, જેમાંની મોટા ભાગની જીર્ણશીર્ણ અવસ્થામાં છે.
**** **** ****
થોડા વખત અગાઉ મહેમદાવાદ રહેતા મિત્ર નિલેશ પટેલે ફેસબુક પર ચાંદા-સૂરજના મહેલની પોતે લીધેલી મુલાકાતની તસવીરો મૂકી. એ જોયા પછી તેની સાથે ફોન પર વાત થઈ એટલે તેણે જણાવ્યું કે હવે ચાંદા-સૂરજના મહેલ સુધી જવા માટેનો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે.

ફરી પેલું કુતૂહલ સળવળી ઉઠ્યું અને તેની મુલાકાત લેવાના મનસૂબા ઘડાતા રહ્યા. આખરે આ દિવાળીની રજાઓમાં ત્યાં જવું એમ નક્કી કર્યું. આજે જઈશું, કાલે જઈશુંમાં એ ઠેલાતું રહ્યું. મારી ઈચ્છા ઈશાનને લઈને ત્યાં જવાની હતી. પણ એ શક્ય ન બન્યું. દરમિયાન બિનીત મોદીને મહેમદાવાદ આવવાનું બન્યું અને અમે બન્નેએ એકલા ત્યાં જવાનું નક્કી કર્યું.

રેલ્વેના ક્રોસિંગને ઓળંગ્યા પછીનો આખો વિસ્તાર મારા માટે અજાણ્યો હતો. એક બે વસાહતો પાર કરીને આખરે અમે ત્યાં પહોંચ્યા ખરા. એ સ્થળનું તસવીરી વર્ણન. 

મહંમદ મુસ્તાકના પુસ્તક અનુસાર ચાંદા-સૂરજનો મહેલ ઈ.સ.૧૫૪૬માં બનાવવામાં આવ્યો હતો. આ સિવાય બીજી માહિતી ભાગ્યે જ ઉપલબ્ધ બની શકી છે. 

વચ્ચોવચ દેખાતી આ કેડીની બન્ને બાજુએ બે મહેલોના ખંડેર છે, જેની બહારની દિવાલો જોઈ શકાય છે. ઢાળ ચડતો આ રસ્તો આગળ જતાં ઢાળ ઉતરે છે અને નદીના પટ તરફ જાય છે. 



કેડીની જમણી તરફ નજીકની દિવાલ ઓછી ખંડીત છે.


કેડીની જમણી તરફ છેક સામા છેડે તૂટેલી આ દિવાલ જોઈ શકાય છે. ક્યારેક અન્ય દિવાલો તેમજ અંદરનાં ખંડો હોવાની સાબિતી પથ્થર જેવી સામગ્રીના બનેલા ભોંયતળીયા જોવાથી મળે છે.


સામે દેખાતી આ દિવાલમાં ગોખલા, તૂટેલી કમાનો વગેરે જોઈ શકાય છે. 


ફક્ત ઈંટોની બનેલી દિવાલમાં દેખાતા ગોખલા મહેમદાવાદનાં અન્ય મુસ્લિમ સ્થાપત્યની શૈલી 
મુજબના છે. 


આ દિવાલ પૂરી થાય ત્યાંથી નીચે સીધી વાત્રક નદી નજરે પડે છે. 


થોડે દૂર રેલ્વેબ્રીજ પણ જોઈ શકાય છે, જ્યાંથી અમદાવાદ તરફ જતી-આવતી ટ્રેનોની અવરજવર રહે છે.


હવે કેડીની ડાબી તરફની દિવાલનો ભાગ.
આ દિવાલ શરૂ થાય એ અગાઉ તેની પડખે કાટખૂણે એક કેડી છે. એ કેડીના છેડે બીજી દિવાલ છે, જે મહેલના ડાબી બાજુના વિસ્તારનો અંદાજ આપે છે.


આ છે ડાબી તરફના હિસ્સાની છેવાડાની દિવાલ.


અહીં અમુક ભોંયરા પણ છે એમ જાણવા મળ્યું, પણ ઝાડીઝાંખરાને કારણે તે પૂરાઈ ગયા હોય એમ લાગે છે. મહેલની દિવાલો પૂરી થાય ત્યાં લીલા રંગની એક ધજા દેખાઈ. 


ઢાળ ઉતરતાં જણાયું કે ત્યાં એક દરગાહ છે. અહીં સેવા આપી રહેલા મહેમદાવાદના સજ્જન શ્રી રહેમતુલ્લા પઠાણે અમને દરગાહ જોવા માટે બોલાવ્યા. આ દરગાહ હઝરત ચાંદ સૈયદ બાવાની છે. તેઓ મહેમૂદ બેગડાના સલાહકાર હતા એમ કહેવાય છે.તેમની સાથે વાતોમાં જાણવા મળ્યું કે અહીં મહોરમ પછીના અઠવાડિયે મોટો ઉર્સ ભરાય છે અને દસ-પંદર હજાર મુલાકાતીઓ અહીં આવે છે. એ સમયે અહીં ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે, અને મહેમદાવાદનું એક સેવાભાવી જૂથ આ તમામ વ્યવસ્થા સંભાળે છે.




વાત્રક નદીને બિલકુલ કાંઠે ઉંચાણમાં બનાવેલા આ કિલ્લાનું સ્થળ આજે પણ અદ્‍ભુત લાગે છે. તે બનાવાયો એ વખતે કેવું રમણીય હશે એનો અંદાજ આજે પણ આવી શકે છે. 



વર્તમાન પ્રણાલિ મુજબ અમે જાતે આ સ્થળની મુલાકાત લીધી હોવાના પુરાવારૂપે સ્વછબિ લઈને વિદાય લીધી. 
(ડાબેથી) બીરેન કોઠારી અને બિનીત મોદી 

(શિર્ષક પંક્તિ: દુષ્યંતકુમાર) 

Monday, October 24, 2016

ગુઝરા હુઆ ઝમાના: કે.કે.ની વિદાય અને કેટલીક અંગત સ્મૃતિઓ

કૃષ્ણકાન્‍ત ભૂખણવાલા (કે.કે.) 

૧૫-૯-૧૯૨૨ થી ૨૪-૧૦-૨૦૧૬ 

આજે સાંજે આઠેક વાગ્યાના સુમારે કે.કે.સાહેબની વિદાયના સમાચાર વારાફરતી સુરતના હરીશ રઘુવંશી, રોહિત મારફતીયા અને બકુલ ટેલરે આપ્યા એ સાથે જ કેટકેટલી સ્મૃતિઓ એકસામટી ધસી આવી અને ફિલ્મની પટ્ટીની જેમ ફરી ગઈ. ગયા મહિને જ તેમણે ૯૪ વરસ પૂરાં કરીને ૯૫ માં પ્રવેશ કર્યો હતો. આરંભે પરિચય, ત્યાર પછી નિકટતા અને પછી આત્મીયતામાં ફેરવાયેલો આ એક વિશિષ્ટ સંબંધ હતો. ૨૦૧૨ના જૂનમાં તેમણે 'ગુજરાતમિત્ર'માં સાપ્તાહિક કોલમરૂપે પ્રકાશિત થયેલાં સંભારણાં 'ગુઝરા હુઆ ઝમાના'ને પુસ્તકરૂપે આલેખવાની મંજૂરી આપી એ અગાઉ ત્રણેક મહિના સુધી અમારી વચ્ચે મીઠી ખેંચતાણ ચાલી હતી. આખરે તેમની પ્રત્યેક શંકાઓનું સમાધાન, અને આગ્રહોને માન આપ્યા પછી એ કામ શરૂ થયું. 
એકાદ મહિના સુધી દરરોજ બપોરે સાડા ચારે તેમનો ફોન આવે અને ફોન પર તેમની મેન્યુસ્ક્રીપ્ટ તેઓ વાંચતા જાય. વચ્ચે હું સવાલો પૂછું, નોંધ ટપકાવું, અને પ્રકરણોમાં ક્યાં તોડજોડ કરવી છે એ ચર્ચા કરું. માત્ર અંગત યાદગીરી માટે ઉતારેલી આ નાનકડી ક્લીપમાં સ્વાભાવિકપણે જ કે.કે.સાહેબ સદેહે ઉપસ્થિત નથી, પણ ફોનમાં તેમનો ગૂંજતો અવાજ સાંભળી શકાય છે.



બહુ વિશિષ્ટ કાર્યપદ્ધતિ દ્વારા થયેલું આ સંપાદન પૂરું થયા પછી તેના પુસ્તકની વાત આવી. 'સાર્થક પ્રકાશન'નો જન્મ ત્યારે થયો ન હતો. તેથી આ મેન્યુસ્ક્રીપ્ટ વિવિધ પ્રકાશકોને બતાવવી એમ નક્કી થયું. એ અગાઉ મેન્યુસ્ક્રીપ્ટના અમુક મુદ્દાની ચર્ચાઓ, પુસ્તકનું કદ, લે-આઉટ વગેરે ચર્ચવા માટે અમે મળ્યાં. અપૂર્વ આશરે ડિઝાઈન કરેલું કેપ્ટન નરેન્‍દ્ર ફણસેનું અદ્‍ભુત પુસ્તક 'જિપ્સીની ડાયરી' રૂપરંગ અને કદની રીતે તેમની નજરમાં વસ્યું હતું. 



ત્યાર પછી સુરત જ્યારે પણ જવાનું થાય એટલી વાર તેમને મળવાનું નક્કી જ હોય. પછી એમ બનતું કે હરીશભાઈ પણ તેમને ત્યાં જ આવી જતા. રજનીકુમાર પંડ્યા (ડાબે) સાથે લીધેલી સુરતની એક મુલાકાત દરમિયાન લીધેલી આ તસવીર.  


સુરતની એક મુલાકાત દરમિયાન ઉર્વીશ- હરીશભાઈ- કે.કે. 



સુરતના મિત્રો પણ કે.કે.ને એટલો જ આદર આપે. તેમને જ્યારે મળવા જઈએ ત્યારે હસીમજાક ચાલતી રહે અને બીજી ઘણી વાતો પણ. આવી એક મુલાકાત દરમિયાન બકુલ ટેલર (ડાબે) અને હરીશ રઘુવંશી (જમણે)ની વચ્ચે કે.કે. 


સાર્થક પ્રકાશનનો આરંભ થયો અને ૬ એપ્રિલ, ૨૦૧૩ના રોજ યોજાયેલા વિમોચન સમારંભમાં 'સાર્થક'નાં સૌ પ્રથમ ચાર પુસ્તક પૈકીના એકમાં 'ગુઝરા હુઆ ઝમાના'નો સમાવેશ થતો હતો. ત્યાર પછી તરત ૨૦ એપ્રિલ,૨૦૧૩ના રોજ 'ગુઝરા હુઆ ઝમાના'નું વિમોચન સુરતમાં યોજાયું. આ કાર્યક્રમ અગાઉ અમે તેમના ઘરે ગયા અને 'તેરા તુજકો અર્પણ'ના ભાવ સાથે તેમને હાથોહાથ 'ગુઝરા હુઆ ઝમાના'ની પ્રતિ ભેટ આપી. ત્યારની સૌની ખુશખુશાલ મુદ્રા. વચ્ચે ઉભેલા તેમના પુત્ર સુપ્રતિમભાઈ.  



પુસ્તકની પ્રત તેમને હાથોહાથ આપ્યા પછી યાદગીરીરૂપે તેની પર લીધેલા તેમના હસ્તાક્ષર. બીજી રીતે કહીએ તો લેખકે સંપાદકને આપેલા હસ્તાક્ષર. 


 ત્યારે એક અભિનેતા ઉપરાંત એક ઉમદા માનવ તરીકે સુરતની જનતામાં તેમનો કેટલો આદર છે તેનું પ્રત્યક્ષ પ્રમાણ જોવા મળ્યું. તેમના આગમન સમયે સૌએ કોઈની પૂર્વસૂચના વિના સહજતાથી ઉભા થઈને તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો. 


સુરતના મિત્રોને મળવાનું કાયમી ઠેકાણું એટલે 'વીન્‍ટેજ વેટેરન્‍સ' ક્લબ. કે.કે.સાહેબ અને હરીશભાઈ અહીંના માનદ્‍ સભ્યો. દર મહિનાના પહેલા રવિવારે ફિલ્મની સાથે સાથે મોટે ભાગે સુરતી ભોજનની રંગત હોય. પણ એ બધાથી ટપે એવું રોહીતભાઈ મારફતિયાનું નિમંંત્રણ-કમ-આગ્રહ-કમ-વિનંતી-કમ-ધમકી. આ સ્થળ એવું કે અહીં હરીશભાઈ, બકુલભાઈ, રોહીતભાઈ, કે.કે.સાહેબ, શાંતિભાઈ મિસ્ત્રી, હર્ષવદન ભગતજી જેવા અનેક રસિકો એક સાથે અને એક સ્થળે મળી જાય. ગપશપ, ફિલ્મ અને ભોજનના આ દૌરમાં કે.કે.સાહેબ મોટે ભાગે હોય અને આ ત્રણેય ચીજોનો બરાબર આસ્વાદ માણે.
આવા એક કાર્યક્રમમાં (જમણેથી) રોહીતભાઈ, હરીશભાઈ, કે.કે. શાંતિભાઈ.



સપ્ટેમ્બરની ૧૫મીએ તેમનો ૯૪ મો જન્મદિન હતો, અને યોગાનુયોગે એ દિવસે ગુરુવાર આવતો હતો, જે મારી 'ગુજરાતમિત્ર'ની કોલમનો દિવસ હતો. સુરતના મિત્રો સવારે કેક લઈને તેમને ત્યાં પહોંચી ગયા, એટલું જ નહીં, ત્યાંથી ફોન પર મારી સાથે વાત કરાવી અને તેઓ વાત કરતા હોય એવી તસવીર પણ લઈને મને મોકલાવી. એ વખતે મેં ફોનમાં કરેલી 'કેક વીથ કે.કે.' ની મજાક તેમણે પણ માણી. 

 


પરિચિતોને કે.કે. યાદ રહેશે પોતાના ગરવા, સૌજન્યશીલ અને સાલસ સ્વભાવથી. તેમનાં આલેખેલાં ફિલ્મી જગતનાં આ સંભારણારૂપે તેઓ અક્ષરદેહે પણ આપણી વચ્ચે રહેશે. 


આવા સ્વજન ગુમાવવાનું દુ:ખ સૌને હોય એ સમજાય એમ છે, છતાં કુદરતના કાનૂનને માન્ય રાખવો રહ્યો. આશ્વાસન કેવળ એટલું કે તેમને જરાય પથારીવશ રહેવું ન પડ્યું, જેનો તેમને બહુ ડર લાગતો. 
તેમનાં પરિવારજનો પુત્ર સુપ્રતિમભાઈ, પુત્રવધૂ રેણુકાબેન અને પ્રપૌત્રી પરીશીએ તેમની ઉત્તરાવસ્થામાં બરાબર દરકાર લીધી અને કે.કે.ના મિત્રોને હસતે મોંએ આવકારીને આગતાસ્વાગતા કરતા રહ્યા. 
કે.કે.ના પૌત્ર સુદીપભાઈ દુબઈ છે. તેઓ આવતી કાલે બપોરે આવે એવી સંભાવના છે. આવતી કાલે (૨૫ ઓક્ટોબરે) બપોર પછી કે.કે.ની અંતિમ યાત્રા નીકળશે. 

(કે.કે. વિશે વિવિધ સમયે લખેલી  વિવિધ બ્લૉગપોસ્ટ આ લીન્‍ક પર  વાંચી શકાશે. ) 

Sunday, October 23, 2016

ખાદીના આદી

-ઉત્પલ ભટ્ટ 

(અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટનો ખાદીના ફાયદા સમજાવતો અને એ ખરીદવામાં શું ધ્યાન રાખવુંં, એ સમજાવતો લેખ.) 

શાળા-કોલેજમાં હતા ત્યારે ઓક્ટોબરની રાહ 'ગાંધી જયંતી'ની રજા માટે જોવાતી. છેલ્લા સાતેક વર્ષોથી (કેનેડાથી ભારત પરત ફર્યા પછી) ઓક્ટોબરની રાહ ખાદી પર મળતા ૧૫% થી ૨૫% ડિસ્કાઉન્ટ માટે જોઉં છું. ગાંધીજીને ભણતાં-જાણતાં થયાં ત્યારથી 'ખાદી' શબ્દ મગજ પર છવાતો થયો. ગાંધીજીને સાચી રીતે સમજતાં તો ઘણાં વર્ષો લાગ્યાં (એ સતત ચાલતી પ્રક્રિયા છે). ૨૦૦૯-૨૦૧૦માં કેનેડાથી હમેશ માટે અમદાવાદ પરત ફર્યો ત્યારે ગરમીને કારણે ખૂબ હેરાન થવાતું હતું. કેનેડાની સરેરાશ માઇનસ ૨૦ ડિગ્રી ઠંડીમાં ઘણા વર્ષો રહ્યા પછી પ્લસ ૪૦ ડિગ્રી ગરમીમાં શરીરને ઢાળવું અઘરૂં કામ હતું.  કૉટન કપડાંમાં પણ જોઇએ તેવી મઝા નહોતી આવતી. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલાં મારાં ફોઈ ડૉ. ઉષા ભટ્ટ વર્ષોથી ખાદી પહેરતાં હોવાથી 'ખાદી' એક કાપડ તરીકે ધ્યાનમાં હતી . ઓક્ટોબર, ૨૦૧૦ માં ખાદી સેલમાંથી ફક્ત 'ટ્રાય' કરવા માટે સુતરાઉ ખાદીનું શર્ટનું કાપડ ખરીદ્યું, મિત્ર જયેશ પાસે સીવડાવ્યું અને 'યુરેકા' ……..! ગરમીનો ૯૦% પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો. જયેશ ઘણી વખત કહેતો , "સાવરકુંડલાની ખાદી લાવો, કાપડ ખૂબ ઠંડક આપશે." ત્યારે મને થતું કે કાપડ ક્યારથી ઠંડક આપતું થઇ ગયું? પરંતુ ખાદીનું એક શર્ટ પહેરવાથી તનની અને મનની તમામ સમસ્યાનું સમાધાન થઇ ગયું. (કોઇ અઘોરી તાંત્રિકની મદદ લેવાની જરૂર પડી!!)

ત્યારથી માંડીને આજ સુધી ખાદી ભંડારની મુલાકાતો નિયમિતરૂપે સતત વધતી ગઇ છે. જે ઝડપે અને જે રીતે બીજા તમામ પ્રકારના કાપડનો નિકાલ કરીને મારા વોર્ડરોબમાં ખાદીએ માનભેર સ્થાન લીધું છે તે જોતાં તો માનવું પડે કે ખાદી વસ્ત્ર નથી, વિચાર છે.’ આઝાદીની લડત પહેલાંથી ગાંધીજીએ ખાદીનો ભરપૂર પ્રચાર કર્યો હતો અને સમયે મોટા ભાગના લોકો ખાદી પહેરતાં. આઝાદી પછી રાજકારણીઓએ ગાંધીજીનું નામ વટાવી ખાવા સફેદ ખાદી પહેરવી શરૂ કરી અને કારણે જાણે-અજાણે આપણા મનમાં ખાદી તરફ સૂગ પેદા થતી ગઇ. ‘ખાદી તો રાજકારણીઓ કે સમાજસેવકો પહેરે પ્રકારની એક માનસિકતા બહોળા સમુદાયમાં ગેરસમજ તરીકે ફેલાઇ અને વિસ્તરણ પામી. પરંતુ જેમ ભગવા રંગ પર ફ્કત ભાજપનો ઇજારો નથી તે રીતે 'ખાદી' બ્રાન્ડ પર ફક્ત રાજકારણીઓનો ઇજારો નથી.

બીજું કારણ નાનું, છતાં મહત્ત્વનું છે અને એ છે ખાદી ભંડારના કર્મચારીઓનો અભિગમ. અલબત્ત, અમુક ખાદી ભંડારો અને ઘણા કર્મચારીઓ આમાં અપવાદ હશે, છતાં બહુમતિની વાત છે. ખાદી ભંડારના કર્મચારીઓને પોતાને ત્યાંની વસ્તુઓ વેચવામાં રસ નથી, એ વેચાય તેનો આનંદ નથી એવી એક સર્વસામાન્ય છાપ ગ્રાહકને પડતી હોય છે- નવાસવા ગ્રાહકોને વિશેષ. શુષ્કતા અને નીરસપણાને અતિક્રમી જઈને છેક નિર્લેપતાની હદે તેમનું વલણ જોવા મળે. પરાણે દેખાડતા હોય એમ વસ્તુ દેખાડવી, પૂરતા વિકલ્પ ન હોવા, એ ક્યારે ઉપલબ્ધ બનશે તેની જાણકારી ન હોવી વગેરે બાબતો ગ્રાહકોને ખાદીભંડારનાં પગથિયાં ફરી વખત ચડતા કરવાથી દૂર રાખે છે. 'ખાદી' શબ્દ સાંભળીને આપણા જેવા સામાન્ય માણસોને વણકર, રોજગારી, સ્વદેશી અને ગાંધીજી યાદ આવી જાય, પણ મોટા ભાગના કર્મચારીઓ તેનાથી જોજનો દૂર હોવાનું જણાય.
વધુ એક મુદ્દો ખાદીભંડારમાંથી તૈયાર લીધેલાં કપડાંનો છે. અહીંથી તૈયાર લીધેલા સદરા, શર્ટ વગેરેની સિલાઈ ઘણી વાર સાવ કાચી, સાંધામાંથી ખેંચાઈ ગયેલી અને માર્જિનનું કપડું નહીંવત હોવાને કારણે તેને મશીન મારવાનું મુશ્કેલ બની જાય એ સામાન્ય સમસ્યા છે. ગ્રાહક ખાદી ખરીદે ત્યારે તેની ભાવના એક ચળવળને પ્રોત્સાહન આપવાની હોય, સાથે નાણાંની સામે એક પેદાશ પણ તે ખરીદે છે. પોતે ખર્ચેલા નાણાં મુજબની વસ્તુ મેળવવાનો તેનો હક અને એ આપવાની આપનારની ફરજ બની રહે છે. જો કે, અંગત મત જણાવું તો ખાદીનું કાપડ ખરીદીને તેને સિવડાવવું ઉત્તમ વિકલ્પ છે. 
અન્ય એક મુદ્દો પણ અનાયાસે યાદ આવી જાય છે. આપણે ત્યાં છાશવારે યોજાતા સમારંભોમાં અતિથિઓનું સ્વાગત સૂતરની આંટીથી કરવાનો રિવાજ છે. સન્માનરૂપે પુષ્પગુચ્છ, પુસ્તકો, શાલ કે મેમેન્‍ટો પ્રત્યે ચીડ વ્યક્ત કરનારા ઘણા અતિથિઓ આ આંંટીઓ ઘેર લઈ જાય છે. સૂતરની આંટી એક રીતે કાચો માલ છે. આ આંંટીઓ અમુક જથ્થામાં થાય ત્યારે તે ખાદી ભંંડારમાં આપી શકાય એવી વ્યવસ્થા છે કે કેમ એ ખબર નથી, પણ મારા એક મિત્રના જણાવ્યા મુજબ ખાદી ભંંડારવાળા એ સ્વીકારતા નથી. આ આંટીઓ રીસાયકલ ન થઈ શકે? તેના વજન મુજબ તેની કિંમત ગણીને એટલી કિંમતની ચીજવસ્તુ ભંંડારમાંથી આપી ન શકાય? ભલે ને એ ખાદીનો હાથરૂમાલ કેમ ન હોય! પૂરતા જથ્થામાં આંટીઓ હોય તો એ જ આંટીનું વણાટ કરીને કાપડ ન બની શકે? 'તો આનું કરવું શું?' એમ પૂછતાં એ મિત્રને એક ખાદી ભંડારમાંથી જવાબ મળ્યો, 'કશું નહીં! ફેંકી દેવાની!' આવો જવાબ સાંભળતાં આઘાત લાગે. ખાદી બોર્ડના સત્તાવાળાઓએ આ બાબતે કશું વિચારવાની જરૂર હોય એમ લાગે છે. 
આ મુદ્દાઓ ખાદી માટે ભાવ રાખનારાઓને આકર્ષવા માટે અતિ મહત્ત્વના છે. 
આજે તો કેટકેટલા પ્રકારનું ખાદીનું કાપડ બજારમાં ઉપલબ્ધ છે. સાવરકુંડલાની ખાદી, ગીર-ગઢડાની ખાદી, ગોંડલ ખાદી, સુતરાઉ ખાદી, પરપ્રાંતીય ખાદી, રેશમપટ્ટી ખાદી, હરિત ચરખાની ખાદી. બધાથી ઉપર હવે તો ખાદી ડેનિમ નીકળ્યા છે. તાજેતરમાં વાંસના રેસામાંથી ખાદીનું કાપડ બનાવવાનું શોધાયું છે જે તમામ પ્રકારની ખાદીમાં સૌથી વધુ મુલાયમ સાબિત થયું છે. ટૂંકમાં નાના બાળકો, યંગ જનરેશન અને વડીલો સુધીના તમામને શોભે તેટલા પ્રકારની ખાદી ઉપલબ્ધ છે. રૂ. ૧૨૦૦ થી ૧૮૦૦ પ્રતિ મીટરના અતિ મોંઘા ભાવે મળતું ઇજીપ્શીયન કોટન પહેરો અને જેવી ઠંડક મળે તેવી ઠંડક રૂ. ૧૫૦ થી ૩૦૦ પ્રતિ મીટરના ભાવે મળતી ખાદી આપશે. ખાદી એટલે સફેદ એવુંય હવે તો રહ્યું નથી. અનેકવિધ મનભાવન રંગોમાં ખાદી મળી રહી છે. હા, ખાદીનું કાપડ થોડુંક ઢીલું લાગે પરંતુ કાંજી કરેલી ખાદી પહેરો તો કાપડની ઢીલાશ ગાયબ. ખાદી શરીરને જરાય કરડતી નથી.

ખાદીનું આટલું બધું માર્કેટિંગ કરવાના કારણોય જાણી લોઃ
() સૌ પ્રથમ તો 'કમ્ફર્ટ' માટે. એક્દમ હલકું અને અદભૂત ઠંડક આપતું વસ્ત્ર હોવાને કારણે ભારત જેવા ગરમ પ્રદેશમાં પહેરવા માટે ખૂબ યોગ્ય.
Image result for khadi bhandar
() વિવિધ રંગ-જાતોમાં ઉપલબ્ધ હોવાને કારણે 'ફેશન વસ્ત્ર' તરીકે પહેરવા માટે ઉત્તમ. જીન્સના વિકલ્પે ઘણા સસ્તા એવા ખાદી ડેનિમ પહેરી શકાય.
() પ્રકારના ઠંડક આપતા બીજા કાપડની સામે કિફાયતી દામ. (ઓક્ટોબર-નવેમ્બર દરમ્યાન ભારત સરકારનું 'ખાદી બોર્ડ' ડિસ્કાઉન્ટ આપે છે તેનો પણ લાભ લો.)
() ખાદી ટકાઉ કાપડ છે. રોજ પહેરશો તો પણ બે વર્ષ તો ચાલશે .

() સૌથી અગત્યનો મુદ્દો -- તમે ખરીદેલું દરેક કાપડ/ખાદી વસ્ત્ર હાથશાળના કારીગરોના (વણકરો) ઘરોમાં ઉજાસ ફેલાવશે. ખાદીના વેચાણ દ્વારા થતી આવક 'ખાદી બોર્ડ' દ્વારા સીધી હાથશાળના કારીગરોને પહોંચે છે. વણકર શબ્દ અને પ્રજા નામશેષ થાય તે જોવાની જવાબદારી આપણી છે.
ખાદી ખરીદીને મહેનતુ વણકરોને આડકતરી મદદ પણ કરી શકશો, સાથેસાથે (કેવળ પૈસા ખર્ચીને જ) 'સ્વદેશી' ચળવળમાં ભાગ લેવાનો આનંદ પણ લઇ શકશો. ખાદીના એક વસ્ત્રથી શરૂ કરો, ધીમેધીમે બાકીનો વોર્ડરોબ આપોઆપ ખાદીનાં વસ્ત્રોથી ભરાતો જશે, એવો જાતઅનુભવ છે. ઘરમાં પહેરાતા ઝભ્ભા, સદરા પણ ખાદીના પહેરશો તો હલ્કાફૂલ રહેવાશે. હું તો કહું છું કે તમે પોતે ખાદી પહેરો, સાથેસાથે તમારા વર્તુળમાં બીજાઓને પણ ખાદી પહેરવા પ્રોત્સાહિત કરો. ખાદી પ્રત્યેની સૂગ કે અણગમો (જો હોય તો) સાવ કાઢી નાખો. ખાદી તરફનું આવું ટ્રાન્સફોર્મેશન બધી રીતે લાભદાયી રહેવાનું છે. ખાદી એક અનોખું-સ્વદેશી-ફેશનેબલ વસ્ત્ર છે. મારા મતે તો ઓક્ટોબર-નવેમ્બરના ડિસ્કાઉન્ટ દરમ્યાન ખાદી ભંડારો, ખાદી સરિતાઓ, ખાદી ગ્રામોદ્યોગો પર માનવ મહેરામણ ઉમટી પડવો જોઇએ. વર્ષથી ખાદી ભંડારમાં ક્રેડિટ કાર્ડ પણ સ્વીકારાય છે. ટૂંકમાં ખાદી તમારી પાસે આવવા માટે તમામ રીતે ફ્લેક્સિબલ બની છે, તો એને સ્વીકારવા એક હાથ તમે લંબાવો.

દીવાળી નિમિત્તે એક નમ્ર અરજ છે. દીવાળીમાં ખાદીનું એક વસ્ત્ર ખરીદો અને હાથશાળના કોઇક કારીગરના ઘરમાં ઉજાસ ફેલાવો. આટલું તો તમે કરી શકશો. શરૂઆત કરી દો, ખાદીના ચાહક થઇ જવાશે તેની બાંહેધરી.

(પૂરક વિગત: બીરેન કોઠારી) 
(તસવીરો નેટ પરથી)