Thursday, April 17, 2025

આ છોકરો આ બધી છોકરીઓને મળે ત્યારે શું શું થઈ શકે?

નૌશિલ મહેતાએ એના વિશે લખ્યું છે તે એમના જ શબ્દોમાં : “એ સવા૨ અન્ય સવારોથી ખાસ જુદી નહોતી. ભૂપેન એમના વાતાવરણ સાથે ઇમ્પ્રોવાઇઝ કરી રહ્યા હતા, ખેલ રચી રહ્યા હતા. ‘સ્વદેશાગમન’ મથાળાવાળી ‘કન્યા જોઈએ છે’ વિભાગમાં ટચૂકડી જાહેરખબર જડી. એમાં લગ્નોત્સુક યુવકનાં ગુણગાન ગાયેલાં અને હુકમના એક્કા સમી જાહેરાત કરેલી : ટૂંક સમય માટે આવે છે અને ગ્રીન કાર્ડ ધરાવે છે. કન્યાના વાલીઓને આગ્રહ હતો કે કન્યાનો ફોટો અને વિગતો (ફોટો returnable) બનતી ત્વરાએ અમુકતમુક પોસ્ટ ઓફિસ બોક્સના સ૨નામે મોકલવાં.

“આ જોઈને ભૂપેનને એ વિચાર ન આવ્યો કે લોકો જીવનના આટલા મહત્ત્વના નિર્ણયો આટલી ઉતાવળે કેવી રીતે લેતા હશે? એણે મધુને પૂછ્યું, ‘આ છોકરો આ બધી છોકરીઓને મળે ત્યારે શું શું થઈ શકે?’
“એ જાણવા ભૂપેન અને મધુએ આદર્યું ઇમ્પ્રોવાઇઝેશન. પહેલાં ભૂપેન બન્યા લગ્નોત્સુક યુવક અને મધુ બન્યા (એક પછી એક) કન્યા. બન્ને ખૂબ હસ્યા. પછી ભૂમિકાઓની અદલાબદલી કરી. હવે પ્રશ્નોત્તરી અશ્લીલ પ્રદેશમાં પ્રવેશી, હાસ્ય ખડખડાટ થયું.

આના સર્જનના મૂળમાં રહેલા મધુ રાય (ડાબેથી બીજા)
અને ભૂપેન ખખ્ખર (છેક જમણે), બન્નેની વચ્ચે ઉમાશંકર જોશી
અને છેક ડાબે રોહિત શાહ
(તસવીર સૌજન્ય: 
https://www.umashankarjoshi.in/)
“એ સવાર પછી અઠવાડિયાંઓ સુધી, બન્નેની ગમે ત્યાં, ગમે ત્યારે મુલાકાત થાય, ત્યારે આસપાસના કોઈને ચેતવ્યા વિના, એ લગ્નોત્સુક યુવક અને કન્યાનાં પાત્રોમાં સરી પડતા અને ‘અંગત પ્રશ્નોત્તરીઓ’ જાહેરમાં કરતા. બે-એક વર્ષ પછી મધુ રાય શિકાગો સ્થાયી થયા અને ત્યાંથી એમણે ‘કિમ્બલ રેવન્સવુડ' નામની ધારાવાહિક નવલકથા મૂળ જાહેરાત છાપનારા અખબારમાં છપાવી. નવલકથાનો નાયક, લગ્નોત્સુક યોગેશ પટેલ, શિકાગોથી ભારત આવે છે કન્યા પસંદ કરવા. એનું સપનું છે કે નિર્ણય લેતાં પહેલાં દરેક રાશિની કન્યા સાથે મુલાકાત ક૨વી. 1980માં નવલકથા પુસ્તક સ્વરૂપે છપાઈ, 1982માં કેતન મહેતાએ પુસ્તક પર આધારિત ટી.વી. સીરિયલ બનાવી. 1996માં મેં એ પુસ્તક પર આધારિત અંગ્રેજી નાટક બનાવ્યું.”

'કિમ્બલ રેવન્સવૂડ'નું મુખપૃષ્ઠ
મધુ રાય લિખિત એ નવલકથા હતી ‘કિમ્બલ રેવન્સવુડ’. કેતન મહેતાએ તેની પરથી બનાવેલી ટી.વી. ધારાવાહિકનું નામ ‘મિસ્ટર યોગી’. નૌશિલ મહેતાએ એની પરથી રચેલું નાટક ‘મનગમતી કન્યાની શોધમાં’ અને આશુતોષ ગોવારીકરે આ જ કથા પરથી બનાવેલી ફિલ્મ હતી ‘વોટ્સ યોર રાશિ?’
'વૉટ્સ યોર રાશિ?'નું પોસ્ટર

'મિ. યોગી' ટી.વી.ધારાવાહિક

(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Wednesday, April 16, 2025

લાકડાનું નહીં, ચાંદીનું બ્રશ

"આચાર્ય મિસ્ત્રી અંકગણિતના દાખલા તપાસતા હોય એમ વિદ્યાર્થીઓએ દોરેલાં ચિત્રોમાં સહેજસાજ સુધારાવધારા સૂચવતા. ક્યારેક વિદ્યાર્થીઓને તેમના વિદ્વત્તાપૂર્ણ વક્તવ્યનો લાભ પણ મળતો. જેમ કે, એક વાર તેમણે કહ્યું : ‘આજે ચિત્રકલામાં વાસ્તવવાદ વિશે તમને થોડી વાતો કરવી છે. એક રાણીએ યોજેલી ચિત્રસ્પર્ધામાં મેં ભાગ લીધો હતો. રાણીને બેસાડીને એમનું પોર્ટ્રેઇટ બનાવવાનું હતું. મેં જે વાસ્તવિકતા દર્શાવી એનાથી રાણીને ખુશી થઈ. એમના ચહેરા પર એક નાનો ઉઝરડો હતો, તે મેં બરાબર ચીતરેલો. કલાવિવેચકોએ મને ઇનામ તો ન આપ્યું, પણ એ તો સમજ્યા હવે. કહેવાનું એટલું કે આનું નામ વાસ્તવિકતા.’

મિસ્ત્રીસાહેબ પોતાના વિદ્યાર્થીઓનાં ચિત્રો શી રીતે તપાસતા? ‘ભૂપેન, તેં આજે શું ચીતર્યું છે? આ શું, બ્રશ દોર્યું છે? જો, આ બ્રશ તેં લાકડાનું દોર્યું છે. ચાંદીનું બ્રશ ચીતરવાના આપણને પૈસા પડતા નથી. તો લાકડાનું શા માટે દોરવું? તને બતાવું.’
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(તસવીર: જ્યોતિ ભટ્ટ)

Tuesday, April 15, 2025

દોસ્તીનું તર્પણ

ભૂપેનની જીવનકથાના આલેખન વેળા જે લોકોને મળવાનું અમે આરંભ્યું એ આમ જોઈએ તો છેક પરિઘ પરથી. વલ્લવભાઈ કોન્ટ્રાક્ટર સાથે તેમને ગાઢ મૈત્રી હતી. વલ્લવભાઈ 'રાધાસ્વામી'ના અનુયાયી હોવાથી તેના સત્સંગમાં એ નિયમીત હાજરી આપતા. આ સત્સંગ ત્યારે તો સૂરસાગર નજીક આવેલા એક સત્સંગીને ઘેર થતો. ભૂપેન પોતાનું સ્કૂટર લઈને સત્સંગ પૂરો થવાના સમયે આવી જતા અને નીચે ઊભા રહેતા. વલ્લવભાઈ આવે એ પછી તેઓ સ્કૂટર પર બેસીને નીકળતા. વલ્લવભાઈનું એમના સત્સંગી વર્તુળમાં આદરમાન બહુ. સત્સંંગીઓ રોજ જુએ કે 'વલ્લવકાકા'ના એક મિત્ર રોજ એમની રાહ જોઈને ઊભા રહે છે. આથી એ સત્સંગીઓ પણ 'વલ્લવકાકા'ના મિત્રને 'કેમ છો?' કરતા થયા. ધીમે ધીમે તેમને 'ભૂપેનકાકા'ના નામથી બોલાવતા થયા. એ પછી એક વાર ભૂપેનનાં ચિત્રોનું પ્રદર્શન વડોદરામાં યોજાયું ત્યારે વલ્લવકાકા સાથે કેટલાક સત્સંગીઓ પણ 'ભૂપેનકાકા'નાં ચિત્રો જોવા ગયેલા. એમને ત્યારે ખબર પડી કે 'ભૂપેનકાકા' તો મોટા ચિત્રકાર છે. ધીમે ધીમે 'ભૂપેનકાકા' પણ સત્સંગમાં આવતા અને બેસતા થયા.

આથી મેં પહેલવહેલી ઈચ્છા વ્યક્ત કરી કે આપણે આ સત્સંગમાં જઈએ. બેસીએ અને જોઈએ કે એમાં શું શું થાય છે. વલ્લવભાઈના દીકરા અમરીશભાઈએ એ વ્યવસ્થા કરી આપી. લાલબાગ નજીક નિમિષ બહલ નામના એક સત્સંગીને ઘેર નિયત સમયે સત્સંગ યોજાતો હતો. અમે ત્યાં ગયા. છેક સુધી બેઠા. સત્સંગ પૂરો થયા પછી કેટલાક એવા સત્સંગીઓને મળ્યા કે જેમણે 'ભૂપેનકાકા'ને જોયા હતા.

રાધાસ્વામી સંપ્રદાયના બાબુજી મહારાજનું
ભૂપેને દોરેલું ચિત્ર

વલ્લવભાઈ અને ભૂપેન

પત્રના અંતે ભૂપેનનું લખાણ

રાધાસ્વામી સત્સંગ (છેક જમણે નિમિષ બહલ)

એ પછી અમરીશભાઈએ વિગત આપી કે વડોદરામાં આજવા રોડ પર 'સત્સંગ બિયાસ' છે, જ્યાં અઠવાડિયાના એક દિવસ સાંજે સત્સંગ યોજાય છે. ત્યાં પણ અમે ગયા. સત્સંગમાં હાજરી આપી અને એ પછી અનેક સત્સંગીઓ સાથે મુલાકાત કરી. ત્યાંથી વિગતો ઓછી મળી, પણ સત્સંગીઓમાં 'ભૂપેનકાકા અને વલ્લવકાકાની જોડી'નું સ્થાન શું હતું એનો બરાબર અંદાજ મળ્યો.
વલ્લવભાઈને ઉદ્દેશીને લખેલા તમામ પત્રોમાં છેલ્લે ભૂપેન લખતા: 'લિ. ભૂપેનના રાધાસ્વામી'. આ જ સંપ્રદાયના એક ધર્મગુરુ બાબુજી મહારાજનું ચિત્ર પણ ભૂપેને દોરેલું.
આવી અનેક વિગતો મારા મનમાં ઊતરતી ગઈ, સંઘરાતી ગઈ, જેના અર્કરૂપે લખાયું 'રંગમાં સત્સંગ' પ્રકરણ. વલ્લવભાઈ અને ભૂપેનની દોસ્તીને અપાયેલી એ અંજલિ છે, તો અમરીશભાઈના મતે આ પુસ્તક બન્નેની દોસ્તીનું તર્પણ છે.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(બાબુજી મહારાજના ચિત્રની તસવીર ઈન્‍ટરનેટ પરથી) 

Monday, April 14, 2025

મારો સગો? મને એમ કે એ તમારો ઓળખીતો છે


ભૂપેન ખખ્ખરની જીવનકથામાં ધીમે ધીમે આગળ વધાતું જતું હતું, પણ હજી ઘણું મળવાનું બાકી હતું. અમુક વિગતોની જાણ હતી કે એ ક્યાંથી મળી શકે એમ છે, છતાં ત્યાં સુધી પહોંંચવાનો રસ્તો શોધવાનો હતો. ભૂપેનના અવસાનને ત્યારે માંડ એક સવા દાયકો થયેલો, અને તેમનું અવસાન માત્ર 69ની વયે થયેલું. આથી એવા અનેક લોકો હતા કે જે તેમને જાણતા હતા, તેમને ઓળખતા હતા. મુખ્ય વાત એ હતી કે એમની પાસે કશી નક્કર વાત મળે એમ હતું કે કેમ.

ધીમે ધીમે અમારું કામ ચાલતું, એમાં મારાં બીજાં અનેક કામ પણ સમાંતરે હોય. ભૂપેનના ડ્રાઈવર ઈશ્વર વિશે અમને ખ્યાલ હતો. એય જાણ હતી કે તેની હત્યા થઈ હતી. આથી અમે ઈશ્વરના ભાઈ ભગવાનને મળ્યા. ભગવાને બહુ પ્રેમથી ભૂપેન વિશે વાતો કરી. એમાં કોઈ ખાસ કિસ્સો નહોતો, પણ ખ્યાલ આવ્યો કે ભૂપેનનું વ્યક્તિત્વ એમના ડ્રાઈવરની દૃષ્ટિએ કેવું છે. નવાઈ ત્યારે લાગી કે ભગવાને જણાવ્યું કે પોતે પાંડુની દીકરીના સંપર્કમાં પણ છે. પાંડુ એટલે ભૂપેનની સાથે મુંબઈથી આવેલો તેમનો 'ઘાટી'. બન્નેને એકબીજા વિના ચાલે નહીં. મહેન્દ્ર દેસાઈએ પોતાના પુસ્તકમાં લખ્યું છે એમ: ભૂપેન આપણને પૂછે કે 'ચા પીવી છે?' આપણે 'હા' પાડીએ તો ભૂપેન પોતે ઊભા થઈને ચા મૂકવા જાય. કહે, પાંડુ અત્યારે સૂઈ ગયો હશે.' બન્ને એકમેકની દરકાર રાખે એવા.
એક વાર ભૂપેન કહે, 'પાંડુ, તારો કોઈક સગો રોજ સવારે બાથરૂમમાં નહાવા આવે છે, અને કપડાં ધુએ છે. એ બહુ અવાજ કરે છે. એને કહે ને સહેજ મોડો આવે!' આ સાંભળીને પાંડુ નવાઈથી કહે, 'મારો સગો? હું તો એને ઓળખતોય નથી. મને તો એમ કે એ તમારો કોઈ ઓળખીતો હશે.'
બીજા દિવસે એ ભાઈ આવ્યા એટલે ભૂપેન અને પાંડુ બન્નેએ એની પૂછપરછ કરી. ખબર પડી કે એ તો બાજુના મકાનમાં બાંધકામ ચાલે છે ત્યાંનો સુપરવાઈઝર છે. બન્ને એને વઢ્યા અને કહ્યું કે હવેથી કપડાં ધોવા મોડો આવજે અને અવાજ ઓછો થાય એ રીતે કપડાં ધોજે.

ભૂપેન ખખ્ખર 

(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(તસવીર: જ્યોતિ ભટ્ટ)

Sunday, April 13, 2025

એક પણ છેડો છૂટવો ન જોઈએ

સર્જકની સર્જકતાના મૂળ સુધી પહોંચવાની કવાયત આપણને સૌને ગમતી હોય છે. જેમ કે, ધૂમકેતુની વાર્તામાં આવતી પોસ્ટ ઑફિસ હકીકતમાં ફલાણા ગામની હતી, યા રજનીકુમાર પંડ્યાની નવલકથા 'કુંતી' મૂળ ફલાણી સત્યઘટના પરથી પ્રેરિત હતી વગેરે...આવી કવાયતમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે સર્જક આવાં સ્થળો કે ઘટનાઓનો ઊપયોગ કેવળ 'બીજ' તરીકે કરતો હોય છે. અસલી ચીજ છે તેની સર્જકતા. એ જ ઘટના કે સ્થળ બીજા અનેકોને ખબર હશે, પણ આવું સર્જન સર્જક જ કરી શકે.

ભૂપેનની જીવનકથા પર કામ કરતાં કરતાં શરૂઆતમાં અમારા મનમાંય કંઈક આવો ખ્યાલ હતો. તેમણે કયા સ્થળનું ચિત્ર દોર્યું? કયા માણસનો ચહેરો ચીતર્યો? જો કે, બહુ ઝડપથી એ ખ્યાલ આવી ગયો કે આવી કવાયતનું એક હદથી વધુ મહત્ત્વ નથી. ચિત્રકારે આવાં સ્થળ, વ્યક્તિ કે પ્રસંગનો આધાર લઈને ખરેખર તો પોતાની અલાયદી સૃષ્ટિ રચી છે. ભૂપેને પોતે લખ્યું છે, 'મારા ચિત્રોમાં મારા જીવનને ન શોધશો.'
ભૂપેનની મંડળીમાં હીરાભાઈ પટેલ નામના એક વૃદ્ધ સજ્જન હતા, જે ધોતિયું, ઝભ્ભો અને ટોપીના પોતાના પોષાકથી સાવ આગવા તરી આવતા. ભૂપેનથી વયમાં તે ચૌદેક વર્ષ મોટા. તેમનું અવસાન 2010માં થઈ ગયું, પણ અમે તેમના દીકરા હર્ષદભાઈને મળ્યા. હીરાભાઈ મૂળ કુંવરપુરા ગામના હતા, જે કાયાવરોહણ નજીક આવેલું છે. ભૂપેને ચીતરેલા 'સત્સંગ' શિર્ષક ધરાવતા ચિત્રમાં કુંવરપુરાનું દૃશ્ય છે કે કેમ, એ માટેના સ્કેચ દોરવા ભૂપેન કુંવરપુરા ગયેલા કે કેમ વગેરે પ્રશ્નો અમે કર્યા. જો કે, હર્ષદભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું કે ભૂપેન કદી કુંવરપુરા આવ્યા નહોતા.
ભૂપેનના અમેરિકન ચાહક બ્રાયન વેઈનસ્ટાઈનને હીરાકાકા પોતાના પોષાકને લઈને યાદ રહી ગયેલા. હીરાકાકાને ભૂપેને એકાદ ચિત્રમાં પણ સ્થાન આપ્યું છે. મૂળ વાત એટલી કે જીવનકથાના આલેખન દરમિયાન એક પણ છેડો છૂટવો ન જોઈએ. એનું આલેખન થાય કે ન થાય, પણ એને તપાસવાનો બાકી ન રખાય.

'ગુરુ જયંતિ'માં ડાબે વચ્ચે ઊભેલા સજ્જન કદાચ હીરાભાઈ છે.

'સત્સંગ' ચિત્ર

અતુલ ડોડિયાએ 'શ્રી ખખ્ખર પ્રસન્ન' પ્રદર્શનમાં 
'ભૂપેન મંડળી'ના સભ્યોને આપેલી અંજલિ

ભૂપેન મંડળી (ડાબેથી): વલ્લવભાઈ, ભૂપેન,
હીરાભાઈ અને બ્રાયન
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

(પ્રથમ ત્રણ તસવીરો: ઈન્‍ટરનેટ પરથી) 

Saturday, April 12, 2025

રામભક્ત હનુમાન

ભૂપેન ખખ્ખરે મુખ્યત્વે તૈલ રંગોમાં ચિત્રો કર્યાં. તેમણે જળરંગોનો ઊપયોગ પણ કર્યો છે ખરો, અને એ માધ્યમમાં બનાવાયેલાં ચિત્રો તેની માવજતને કારણે નોખાં તરી આવે છે.

1998માં બનાવેલા આ ચિત્રનું શિર્ષક ભૂપેને 'રામભક્ત હનુમાન' રાખ્યું. પહેલી નજરે જ આ ચિત્ર ભરચક રંગોને બદલે સાદગીયુક્ત જણાય છે. તેમાં અવકાશ ઘણો છે. રંગોનો ઊપયોગ આકૃતિની ધાર પર વધુ છે, અને અંદર રંગો ભરેલા નથી. આમ છતાં, આ ચિત્રમાં કશુંક એવું છે કે તેની પરથી નજર હટાવવી મુશ્કેલ લાગે છે. શું છે એ?
ચિત્રમાં રામનો રંગ ભૂરો દેખાડ્યો છે, જે તેમની દિવ્યતા સૂચવે છે. એ સિવાય તેમના માથે મુગટ છે, અને કમરે ચર્મવસ્ત્ર વીંટાળેલું છે. ગળામાં પણ કંઈક પહેરેલું છે. મુગટનો રંગ સાવ આછો છે. હનુમાનજીનો ચહેરો આમાં વાનરનો છે, એટલે કે સીધાસાદા વાનરનો. પરંપરાગત ચિત્રોમાં જોવા મળે છે એવા મુગટ અને આભૂષણધારી વાનરનો નહીં.


રામ અને હનુમાન એક રીતે મનુષ્ય અને પ્રાણીના સહઅસ્તિત્વને ઉજાગર કરે છે. અહીં રામના બન્ને હાથ અસાધારણ રીતે લાંબા છે. તેઓ 'આજાનબાહુ' (જેમના હાથ ઘૂંટણ સુધી પહોંચે એ) હતા, પણ અહીં તેમના લાંબા હાથ કંઈક જુદા હેતુથી ચીતરાયા છે. ચિત્રસંયોજનની રીતે હનુમાનના આખા શરીર ફરતે હાથ વીંટાળવો હોય અને બીજો હાથ તેમના ખભે મૂકેલો બતાવવો હોય તો એ બીજી શી રીતે શક્ય બને? ભૂપેને શરીરના પ્રમાણમાપમાં છૂટછાટ લઈને એ બતાવ્યું છે. એ જ રીતે હનુમાનજીનો એક હાથ પણ ઘણો લાંબો દેખાડ્યો છે, જેને રામે જમણે હાથે કાંડાની સહેજ ઊપરથી પકડેલો છે. ચિત્રકારને આવી છૂટછાટ સહજ હોય છે. હનુમાનજીનો બીજો હાથ પાછળના ભાગે હોવાથી આખા ચિત્રમાં વ્યક્તિ બે, અને હાથ ત્રણ દેખાય છે.
આ ઊપરાંત આખા ચિત્રમાં ભૂપેનની ખાસિયત કહી શકાય એવી બાબત એ કે રામ સીધા જ દર્શકની આંખમાં જુએ છે. તેમના સહેજ જ પહોળા થયેલા હોઠ પર આછેરું સ્મિત હોવા છતાં તેમની આંખોમાં આંખ મિલાવતાં દર્શક જાણે કે વિહ્વળ બની જાય છે- ભૂપેને ચીતરેલાં બીજાં અનેક પાત્રો સાથે પણ આમ બને છે.
(નોંધ: ભૂપેન ખખ્ખરની જીવનકથા પર કામ કરતાં કરતાં તેમનાં અનેક ચિત્રો, ચિત્રશૈલી પરિચીત બનતાં ગયાં. પુસ્તકમાં કેટલાંક ચિત્રોનો આસ્વાદ કરાવેલો છે. પણ પુસ્તક પૂરું થાય પછી એ ક્રમ પૂરો થતો નથી.)
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

Friday, April 4, 2025

લેકિન પહલે દે દો મેરા પાંચ રૂપૈયા બારહ આના

રોટરી ક્લબ અમદાવાદ મેટ્રો દ્વારા ગઈ કાલે, 3 એપ્રિલની સાંંજે વસ્ત્રાપુરની પેજ વન હોટેલ ખાતે 'કહત કાર્ટૂન' કાર્યક્રમ યોજાયો. મિત્ર ધૈવત ત્રિવેદીના સંયોજન- સંકલનથી આ શક્ય બનેલું. રોટરી ક્લબના સભ્યોના વયજૂથ અને વ્યવસાયને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનો વિષય નક્કી કરેલો : The professionals: लेकिन पहले दे दो मेरा पाँच रूपैया बारह आना. સાંંજના સાડા છએ પહોંચ્યા પછી હળવામળવાનું અને પરિચય ચાલ્યાં. પ્રમુખ અંકુરભાઈ સતાણી આવનારા સૌ સભ્યોની સાથે મારો પરિચય કરાવતા હતા.


આ સભ્યોમાં ડૉક્ટર વકીલ, આર્કિટેક્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ જેવા વિવિધ વ્યાવસાયિકો હતા. આ જાણીને મને મજા આવતી હતી, કેમ કે, આ કાર્યક્રમમાં મેં આ અને આવા બીજા વ્યાવસાયિકો પરનાં કાર્ટૂન એકઠાં કર્યાં હતાં.
સાડા સાતે કાર્યક્રમ શરૂ થયો. આરંભે કાર્ટૂન વિશેની પૂર્વભૂમિકા, કાર્ટૂનનાં વિવિધ અંગો વિશેનો પરિચય અને એ પછી વિષયની પૂર્વભૂમિકા પછી કાર્ટૂન દેખાડવાનાં શરૂ થયાં. લેખક, ડૉક્ટર, વકીલ, ટેક્સ કન્સલ્ટન્ટ, આર્કિટેક્ટ, કન્સલ્ટન્ટ તેમજ અન્ય વિશિષ્ટ વ્યવસાયના વ્યાવસાયિકો પર કાર્ટૂન બતાવાતાં ગયાં.
કાર્ટૂનના કાર્યક્રમની એક નિરાંત હોય છે કે એમાં પ્રતિભાવ મળે તો તત્ક્ષણ મળે. કાર્યક્રમ પતે ત્યાં સુધી રાહ ન જોવી પડે. ખાસ કરીને પોતાના વ્યવસાય પરનાં કાર્ટૂન આવે ત્યારે ખુલ્લાશથી હસવાના અવાજ આવતા એ જોઈને મજા પડી.

કાર્યક્રમ દરમિયાન 

કાર્યક્રમ પછી સવાલજવાબ ચાલ્યા. પાંચેક મિનીટ માટેનું આ સેશન વીસેક મિનીટ સુધી લંબાયું. જાતભાતના સવાલો પૂછાયા અને એનો સંતોષકારક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. કેટલાક સવાલોના નમૂના: ટેક્નોલોજીની કાર્ટૂનિંગ પર શી અસર થઈ છે?, કાર્ટૂનિસ્ટોને (શાસકો દ્વારા) ખરીદી શકાય?, શ્રેષ્ઠ કાર્ટૂન કયા દેશના ગણાય?, મીમ્સ કાર્ટૂનથી શી રીતે જુદાં પડે? આ કાર્યક્રમમાં ભારતીય કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન કેમ ઓછાં દેખાય છે? વગેરે અને બીજા અનેક.
કાર્યક્રમને અંતે ભોજન હતું. ભોજન દરમિયાન ઘણા સભ્યો નવેસરથી મળવા આવ્યા અને કાર્યક્રમ બાબતે ખુશી વ્યક્ત કરી. એ દરમિયાન પણ કાર્ટૂન વિશે વાત થતી રહી.
આ પ્રકારના કાર્યક્રમ પણ આયોજિત કરી શકાય એમ માનતા અને આયોજિત કરતા રોટરી ક્લબ અમદાવાદ મેટ્રોના હોદ્દેદારોનો આભાર અને અભિનંદન.
કાર્યક્રમ દરમિયાન બતાવાયેલાં કેટલાક કાર્ટૂનોની ઝલક: 

લેખક પરનું કાર્ટૂન (કાર્ટૂનિસ્ટ: Baloo)

આર્કિટેક્ટ વિશેનું કાર્ટૂન (કાર્ટૂનિસ્ટ: Hagen)

વકીલ પરનું કાર્ટૂન (કાર્ટૂનિસ્ટ: Kamraan Hafeez)

વિશિષ્ટ વ્યાવસાયિકો વિશેનું કાર્ટૂન (કાર્ટૂનિસ્ટ: Nate Fakes)