પાંચમા ધોરણથી છેક દસમા અને બારમા ધોરણ સુધી સાથે ભણેલા અમે દસેક મિત્રોનું જૂથ 'ઈન્ટેલિજન્ટ યુથ ક્લબ'ના અનૌપચારિક નામે અમે ઓળખાવીએ છીએ. મુકેશની વિદાયે હવે નવ રહ્યા છે. મજાકમાં એમ પણ કહીએ કે હવે એમાંથી માત્ર 'ક્લબ' જ રહ્યું છે. એટલે કે ખાણીપીણી ને હળવુંમળવું. પાંચમા ધોરણ પહેલાં પણ અમે સૌ એકમેકને ઓળખતા હતા, પણ અમુકના વર્ગો જુદા, તો અમુકની સ્કૂલ જુદી. એકથી ત્રણ ધોરણની 'બ્રાન્ચ કુમાર શાળા'ની ત્રણ શાખાઓ હતી. હનુમાન મંદિરમાં, વારાહી (અમે એને 'વેરઈ માતા' કહેતા) માતાના મંદિરમાં અને વળાદરાની વાડીમાં.
કનુકાકા એટલે કે કનુભાઈ નટવરલાલ પંડ્યા આ ત્રણેના હેડ માસ્તર. જેના ઘેરથી જે શાળા નજીક પડે ત્યાં એ જતું હશે.
મારા ઘરથી નજીક હનુમાનના મંદિરવાળી શાળા હતી. એથી સહેજ દૂર વળાદરાની વાડી. એ બન્ને એક જ દિશામાં, જ્યારે વારાહી માતાના મંદિરવાળી શાળા વધુ દૂર અને જુદી દિશામાં. મેં પહેલું અને બીજું ધોરણ 'વાડી' તરીકે ઓળખાતી વળાદરાની વાડીમાં કરેલાં, જ્યારે ત્રીજા ધોરણમાં હું હનુમાનના મંદિરવાળી શાળામાં હતો, જે 'દરવાજે' એટલે કે નડિયાદી દરવાજે આવેલી. મારી સાથે ત્રીજા ધોરણમાં વિપુલ રાવલ, પંકજ ઠક્કર, મયુર પટેલ, યોગેશ શાહ, કરસન દેસાઈ હતા. આ ઉપરાંત અન્ય એક વિદ્યાર્થી હતો ધવલ ભગવાનદાસ દલાલ. એ વખતે શાળાના રજિસ્ટરમાં સૌનાં આખાં નામ લખાતાં અને એ મુજબ જ બોલાતાં. અમારા વર્ગશિક્ષક હતા ભાનુભાઈ દરજીસાહેબ. (થોડા સમય પહેલાં જ તેઓ સ્વર્ગવાસી થયા. મારા ઘરની પાસે જ રહેતા, અને જ્યારે મળે ત્યારે પ્રેમથી બોલાવતા).
વિપુલ અને પંકજ વાઘજી પોળમાં રહેતા, હું લુહારવાડમાં, જ્યારે ધવલ, મયુર, યોગેશ નવજીવન સોસાયટીમાં. આ સમયગાળાની બીજી ખાસ વાતો યાદ નથી, પણ બે-ત્રણ બાબતો સજ્જડપણે, કોઈ છબિની જેમ મનમાં ચોંટી ગઈ છે.
એ સમયે કોઈ છોકરો સ્કૂલે ન આવે તો એને 'બોલાવવા' જવાનો રિવાજ. એની આસપાસ રહેતા, કે એને ઓળખતા યા એનું ઘર જોયું હોય એવા છોકરા સામે ચાલીને સાહેબને પૂછતા, 'સાહેબ, હું બોલાવી આવું?' બોલાવવા માટે એક જણ એકલો કદી જાય નહીં. એનો જોડીદાર હોય જ. એ બહાને શાળાની બહાર ફરવા મળે એ મુખ્ય આકર્ષણ. પંકજ ઠક્કર ઘણી વાર મોડો પડતો. એના ઘરનાને મોડા જાગવાની ટેવ. ખાસ કરીને શનિવારે સવારની સ્કૂલ હોય ત્યારે વિપુલ આવી ગયો હોય અને પંકજ દેખાય નહીં. આમ તો, એ બન્ને સાથે આવતા. એક વખત એ ન આવ્યો એટલે વિપુલ એને 'બોલાવવા' ગયો. એની સાથે હું જોડાયો. અમે બન્ને એને ઘેર ગયા. એને ઘેર જઈને બૂમો પાડી. થોડી વાર પછી બારણું ખૂલ્યું. પંકજ જાગ્યો, નાહ્યો અને પછી અમે ત્રણે સાથે સ્કૂલે આવ્યા.
બીજી એક વાત યાદ રહી ગઈ છે. વિપુલને એ સમયે નસકોરી બહુ ફૂટતી. એના નાકમાંથી લોહી વહેતું હોય, એ વર્ગના ઓટલા પાસે માથું નમાવીને ઊભો હોય અને મોટે ભાગે કોઈ શિક્ષક એના માથે પાણી રેડતા હોય એ દૃશ્ય મનમાં છપાઈ ગયું છે.
ત્રીજી છબિ પણ એવી જ મનમાં રહી ગઈ છે. ધવલ એક વાર સફેદ રંગનું ચોકડીવાળું શર્ટ પહેરીને આવેલો. એના શર્ટ પર કંઈક પડ્યું હશે કે બીજું કંઈક થયું હશે, પણ એણે ચાલુ ક્લાસે શર્ટ કાઢ્યું, કાઢીને શર્ટને આમતેમ ફેરવીને જોયું અને પછી પાછું પહેરી લીધું. (સલમાન ખાનની શોધ ત્યારે થઈ ન હતી)
ત્રીજા ધોરણ પછી છેક વિરોલ દરવાજે આવેલી તાલુકા શાળામાં સૌએ ભણવા જવાનું રહેતું, જે ત્યારે ઘણી દૂર લાગતી. ચોથા ધોરણમાં સૌ અલગ અલગ વર્ગમાં હતા. એમાં હું શાંંતાબહેનના વર્ગમાં, પંકજ અને ધવલ યાસીનભાઈના વર્ગમાં, વિપુલ બીજા વર્ગમાં એમ વહેંચાઈ ગયેલા. ચોથા ધોરણમાં અમે સૌએ સ્કોલરશીપની પરીક્ષા આપેલી. એ આપવા અમને લઈને બંસીભાઈ શાહસાહેબ નડિયાદ ગયેલા. એ વખતે કદાચ સભાનતામાં પહેલવહેલી વાર નડિયાદ જોયું હશે. આ પરીક્ષા ત્યારે પણ ઘણી અઘરી લાગેલી. અમારી આખી તાલુકા શાળામાંથી ફક્ત ત્રણ જ વિદ્યાર્થીઓ પાસ થયેલા. શાળામાં પ્રાર્થના સમયે આ ત્રણે વિદ્યાર્થીઓનાં નામ બોલાયાં અને એમને પોતાના સ્થાન પર ઊભા થવા જણાવાયું. એ વિદ્યાર્થીઓ એટલે પ્રદીપ પંડ્યા, વિપુલ રાવલ અને ધવલ દલાલ.
ચોથું ધોરણ પત્યા પછી હાઈસ્કૂલમાં જવાનું રહેતું, અને મોટા ભાગના લોકો મહુધા રોડ પર આવેલી 'શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ'માં પ્રવેશ લેતા. એ ક્રમમાં અમે સૌ પાંચમા ધોરણમાં ગયા અને એક જ વર્ગમાં અમે સૌ આવ્યા. એમાં અજય પરીખ, વિપુલ રાવલ, પ્રદીપ પંડ્યા, મયુર પટેલ, મુકેશ પટેલ, મનીષ શાહ (મંટુ), તુષાર પટેલ ઊપરાંત પંકજ ઠક્કર અને હું પણ ખરો. આ સૌ મિત્રો પછી તો આજીવન મિત્રો બની રહ્યા. પણ ધવલ દલાલ?
ધવલ દલાલના પપ્પા ભગવાનદાસ દલાલ એન્જિનિયર હતા. તેઓ મહેમદાવાદમાં સ્ટેશનની પાછળ આવેલા ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટની એક ફેક્ટરી 'એ.બી.સી.લેમિનેટ્સ'માં હતા. તેમને બીજે જવાનું થયું એ સાથે જ ધવલનો પરિવાર અમદાવાદ સ્થળાંતરિત થયો. પરિવારમાં મમ્મી લતાબહેન, અને મોટી બહેન ઉર્વી. ધવલની છાપ એક તેજસ્વી વિદ્યાર્થી તરીકેની. પણ ચોથા ધોરણ પછી તે ગયો એ ગયો. એટલે કે મહેમદાવાદમાં એ માત્ર બે જ વરસ ભણ્યો. એ પછી વિપુલ સાથે એનો સંપર્ક ચાલુ રહેલો. તેઓ પત્ર લખતા. અમે દસમામાં હતા એ અરસામાં એ આખો પરિવાર વિપુલને ઘેર મહેમદાવાદમાં આવેલો એ વાત વિપુલે કરેલી. એ પણ ખબર પડેલી કે વિપુલને બારમા પછીની તૈયારી માટે ધવલે અમદાવાદના કોઈક મિત્રનું નામ સૂચવેલું. ધવલે આઈ.આઈ.ટી, મુંબઈમાં પ્રવેશ લીધો એ પણ સમાચાર વિપુલે આપેલા. પણ એ પછી એ બન્નેનો સંપર્ક પણ ખોરવાયો. ત્યારથી ધવલના નામનું પાનું અમારા સૌના મનમાં સ્થિર થઈને રહી ગયું. કદીક વાતોમાં ઊલ્લેખ થાય, પણ એ રીતે કે પછી એના કોઈ સમાચાર નથી.
સૌનો અભ્યાસ પૂરો થયો, અલગ અલગ કારકિર્દીમાં સૌ જોડાયા. લગ્ન થયાં, સંતાનો થયાં, સંતાનો પણ મોટાં થયાં, ભણતાં ગયાં, પરણ્યાં અને સૌ મિત્રો સાઠને આળેગાળે આવી પહોંચ્યા. નોકરી કરતા હતા એવા મિત્રોએ વયનિવૃત્તિ લીધી.
આ બધામાં 2006ની આસપાસ એક વાર મહેમદાવાદથી ઉર્વીશનો ફોન આવ્યો. હું ત્યારે નોકરી પર હતો. તેણે મને કહ્યું, 'તમારી સાથે ભણતો હતો એ ધવલ આપણે ઘેર આવ્યો છે. વાત કર એની સાથે.' ત્રીસેક વર્ષના સમયગાળા પછી અચાનક ધવલ? ફોન પર એનો અવાજ સાંભળ્યો. અમે વાત કરી. શી વાત થઈ એ યાદ નથી, પણ આટલાં વરસે એને મહેમદાવાદ યાદ હતું એ જાણીને મજા આવી. ત્યારે એ બેંગ્લોર હતો એમ જાણ્યું. એ પછી તેણે મહેમદાવાદમાં ત્યારના કેટલાક સ્નેહીઓની મુલાકાત લીધી, જેમાંના એક હતા બિપીનભાઈ શ્રોફ. વિપુલ સાથે પણ તેણે ઉર્વીશ દ્વારા વાત કરેલી. પણ ધવલે ઉર્વીશનો પત્તો શી રીતે મેળવ્યો? ઉર્વીશ તો મારાથી છ વરસે નાનો એટલે ધવલ મહેમદાવાદ છોડીને ગયો ત્યારે તો ઉર્વીશનો જન્મ પણ નહીં થયો હોય! અથવા તો સાવ નાનો હશે!
આખો કોયડો એ રીતે ઊકલ્યો કે ઉર્વીશ ત્યારે 'આરપાર' સાપ્તાહિક સાથે સંકળાયેલો. એના તંત્રી મનોજ ભીમાણી ધવલના સહાધ્યાયી હતા. મનોજભાઈએ એક વાર ઉર્વીશ સમક્ષ એના વિશે જણાવેલું, 'બહારથી એક છોકરો અમારા ક્લાસમાં આવેલો. મોઢા પરથી માખ ન ઊડે. હજી તો કોઈ એને બરાબર જાણતું પણ ન હતું. પણ પરીક્ષા આવી અને પરિણામ જાહેર થયું ત્યારે પહેલો નંબર ધવલનો. એટલે બધા પૂછવા લાગ્યા કે આ ધવલ કોણ છે? આવી રીતે ધવલની એન્ટ્રી થયેલી.' ધવલ અને મનોજભાઈ સંપર્કમાં હતા, એટલે એ રીતે પછી ધવલે ઉર્વીશ દ્વારા મહેમદાવાદનું અનુસંધાન મેળવ્યું હશે. પણ ફોન પર સાંભળેલા એ અવાજ પછી વળી પાછો ધવલ ગુમ. એ અમેરિકા જવાનો હતો એવી કંઈક વાત થયેલી, પણ પછી સંપર્ક રહેલો નહીં. એ વાતનેય વીસેક વરસ વીત્યાં.
જાન્યુઆરી, 2025ની આખરમાં ઉર્વીશ પર અચાનક ધવલનો સંદેશો આવ્યો કે પોતે અમુક દિવસે મહેમદાવાદ આવવા માગે છે. ઉર્વીશે મને પૂછાવ્યું. એ પછી વિપુલ સાથે પણ ધવલનો સંદેશાવ્યવહાર થયો. તે અને એનાં મમ્મી અમેરિકાથી આવેલાં છે, અને મહેમદાવાદ આવવા માગે છે, તો વિપુલને અને મને ક્યારે ફાવે એમ છે? પરસ્પર અનુકૂળતા મુજબ અમે બુધવાર, 5 ફેબ્રુઆરી, 2025નો દિવસ નક્કી કર્યો. સમય માંડ કલાક દોઢ કલાકનો જ હતો. હું અને કામિની વડોદરાથી આવ્યા અને વિપુલ સાથે જોડાયા. અમે ત્રણે ઊપડ્યાં મહેમદાવાદ.
ધવલ એમના વરસો જૂના સ્નેહી રજનીકાન્તભાઈ ગજ્જરને ત્યાં આવેલો. એમનો દીકરો સંજય ઉર્વીશનો સહાધ્યાયી. અમે પહેલી વાર સદેહે મળ્યા! પચાસ પચાસ વરસના લાંબા અંતરાલ પછી. અમને એકમેકના બાળપણના ચહેરા યાદ હતા. એ પછી સીધા અત્યારે મળ્યા ત્યારે એ જ જૂનો અણસાર શોધવાનો પ્રયત્ન અનાયાસે થયો. ધવલની ઈચ્છા મહેમદાવાદમાં પગપાળા ફરવાની હતી. અમે સૌ પ્રથમ નવજીવન સોસાયટીથી ભીમનાથ મહાદેવવાળા રસ્તે હનુમાનની શાળાએ થઈને મારા ઘેર ગયા. હનુમાનનું મંદિર હજી છે, પણ શાળાને બદલે શોપિંગ સેન્ટર બની ગયું છે. ઉર્વીશ સાથે ધવલની મુલાકાત થઈ. અજય ચોકસીને પણ અમે ત્યાં જ બોલાવી લીધેલો. એ પણ આવી ગયેલો. જો કે, અજયનો એને ખ્યાલ નહોતો. અમે બેઠા હતા ને મંટુ (મનીષ) અચાનક આવી ચડ્યો. તેની સાથે પણ પરિચય કરાવ્યો.
 |
ચાપાણી સાથે બાળપણ તાજું કરવાનો આનંદ |
 |
(ડાબેથી): અજય, વિપુલ, બીરેન, ધવલ, મનીષ અને ઉર્વીશ |
ચા-પાણી પછી વિપુલ, મનીષ, ધવલ અને હું ચાલતાં વારાહી માતાના મંદિરે ગયાં. ત્યાં પણ મંદિર 'વિકસ્યું' છે. શાળા નથી રહી.
 |
વારાહી માતાના મંદિર આગળ ધવલ, વિપુલ અને બીરેન
|
અહીંથી અમે તાલુકાશાળાએ પહોંચ્યા. રસ્તામાં કન્યાશાળા, મોટી પોસ્ટ ઓફિસ, સરકારી દવાખાનું, પુસ્તકાલય વગેરે જૂનાં સ્થળોને યાદ કર્યાં. એ સમયે આ વિસ્તારમાં અલગ તરી આવતી તાલુકા શાળા હવે શોપિંગ સેન્ટરની દુકાનો વચ્ચે ખોવાઈ ગઈ લાગે, પણ અંદરનું પ્રાંગણ જોઈને બહુ આનંદ થયો.
 |
તાલુકા શાળાને ઓટલે (ડાબેથી: બીરેન, ધવલ અને વિપુલ) |
અહીંથી ચાલતા અમે બજાર તરફ ગયા. ત્યાં પંકજ ઠક્કરની દુકાન 'વસંત વૉચ' હતી. પંકજ બેઠેલો જ હતો. એ સૌને જોઈને નવાઈ પામ્યો. ધવલને જો કે, પંકજ વિશે ખાસ યાદગીરી નહોતી. અમે એને પૂછ્યું, 'આને ઓળખે છે?' સ્વાભાવિક છે કે પંકજને ઓળખાણ ન પડે. અમે કહ્યું, 'આ ધવલ છે.' એટલે એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ અને બોલ્યો, 'ધવલ ભગવાનદાસ દલાલ?' આ સાંભળીને ધવલ નવાઈ પામી ગયો. વચ્ચે કાઉન્ટર હોવા છતાં એ એકમેકને પ્રેમથી ભેટ્યા. પંકજ કહે, 'અરે યાર, તારા નામથી તો મેં મારા દીકરાનું નામ પાડ્યું છે. મારા માટે તો ધવલ એટલે હોંશિયાર છોકરો. એટલે જ મેં મારા છોકરાનું નામ ધવલ રાખ્યું.' મનીષ પંકજની દુકાને રોકાયો.
 |
પંકજની દુકાને (ડાબેથી): પંકજ, ધવલ, વિપુલ, બીરેન અને મનીષ |
પંકજને મળીને અમે આગળ વધ્યા. રસ્તામાં સુખડિયાની દુકાન અને બિપીનભાઈની જૂની દુકાન યાદ કરી. અજયની દુકાને એને મળીને પાછા નડિયાદી દરવાજા તરફ વળ્યા. બાળપણની અમારી સહિયારી સ્મૃતિઓ કંઈ એટલી બધી નહોતી, પણ એ સમયને યાદ કરવાનો રોમાંચ જબરો હતો. એકમેકના પરિવાર વિશે સામાન્ય વાતચીત થઈ, કેમ કે, એટલો સમય નહોતો કે વિગતે વાત થઈ શકે. ધવલનાં પત્ની મેધા અને સંતાનો રુહી તેમજ નિહારનો અમે પ્રાથમિક પરિચય મેળવ્યો.
આખું બજાર ફરીને, ભીમનાથ મહાદેવવાળા રસ્તે થઈને પાછા અમે રજનીકાન્તકાકાને ત્યાં આવી પહોંચ્યા. તેમના નીકળવાનો સમય થઈ ગયો હતો. બહુ ઝડપથી તેઓ નીકળ્યા. પણ આ બે કલાક દરમિયાન અમે સૌ પચાસેક વરસ પહેલાંના સમયગાળામાં ધુબાકા માર્યા. એ સમયના મહેમદાવાદને તાજું કર્યું.
બાળપણના સહાધ્યાયીઓ મળે ત્યારે એ સમયમાં પાછા જવાની એક મજા હોય છે. પણ એમાં પછી વર્તમાન ભળે ત્યારે એ મજા ઘણી વાર સજા બની રહે છે. કેમ કે, મોટા ભાગનાઓ પોતાની વર્તમાન સિદ્ધિઓ (સંતાનોનું પેકેજ, કારનું મોડેલ, વેવાઈનું સ્ટેટસ વગેરે) જણાવવામાં પડી જાય છે. અમે સભાનપણે એ ઉપક્રમ ટાળ્યો અને એ સમયને યાદ કરવાનો પૂરો આનંદ લીધો.
સાવ આછીપાતળી સ્મૃતિઓ સ્મરણરેખા તરીકે મનમાં દટાયેલી પડી હોય, પણ વરસો પછીની રૂબરૂ મુલાકાતે એ તમામ તાજી થઈ આવે ત્યારે ખ્યાલ આવે કે એ સ્મરણરેખાઓ મનમાં નકશાની જેમ અંકાયેલી હોય છે.
(તસવીરો: મનીષ, કામિની)