- સઈદ કિરમાણી
બ્રિસ્બેનમાં રમાયેલી એક મેચમાં એલન બોર્ડરે કરેલી ફ્લિકનો મેં મારી જમણે ડાઈવ મારીને સુંદર કેચ લીધો. આ કેચ ચેનલ નાઈન દ્વારા ઓસ્ટ્રેલિયાની અમારી આખી શ્રેણી દરમિયાન બ્રોડકાસ્ટિંગ પહેલાં ઓપનિંગ શોટ તરીકે દેખાડવામાં આવતો.
મારી લોકપ્રિયતાને લઈને મારી કારકિર્દી ચઢાણ પર હતી અને આ બાબત અનેક લોકોમાં ઈર્ષાનું કારણ બની રહી. બીજા દિવસે અમારા ટીમ મેનેજરે મિડીયા સાથે વાત કરી અને મારા આશ્ચર્ય વચ્ચે તેમણે જણાવ્યું કે હું ઘાયલ થયો છું અને મારે પાછા જવું પડશે. કશી ગંભીર ઈજા નહોતી, પણ એલન બોર્ડરનો લેગ સાઈડમાં કેચ લીધા પછી સહેજ પગ સહેજ લંગડાતો હતો. પણ આ બાબતને મને પડતો મૂકવાના બહાના તરીકે આગળ ધરાઈ. પ્રવાસે આવેલો બીજો વિકેટકીપર કિરણ મોરે મારે સ્થાને આવ્યો. કદાચ એ લોકો મને જોઈ જોઈને કંટાળી ગયા હતા અને વધુ પડતું થઈ ગયું હતું. મને પડતો મૂકવાનું કોઈ કારણ નહોતું, અને સ્પષ્ટ હતું કે હું રમું એમ તેઓ ઈચ્છતા નહોતા.
જાણે કે દેવતા ઝલાઈ ગયો હોય એમ વધુ એક વાર મને પડતો મૂકવામાં આવ્યો અને મારી કારકિર્દીનો એ અંત હતો. મને રુક્ષતાપૂર્વક પડતો મૂકવામાં આવ્યો ત્યારે હું સરસ ફોર્મમાં હતો અને સતત સારો દેખાવ કરી રહ્યો હતો. મને સો ટેસ્ટ મેચ મૂરી કરવા દેવામાં ન આવી; વધુમાં મારી કુલ વિકેટ 198 પર જ રહી- બસોમાં બે જ ઓછી. એ એક વ્યક્તિગત વિક્રમ હોત. પણ એમણે કહ્યું કે બહુ થયું, હવે એના નામે કોઈ નવો વિક્રમ ન ચડવો જોઈએ. મેં રમવાનું ચાલુ રાખ્યું હોત તો હું ત્રણસોથી વધુ વિકેટ લઈ શક્યો હોત.
બાકીની મેચોમાં મને બહાર બેસી રહેવાની ફરજ પડાઈ. ઓસ્ટ્રેલિયાનો 1986નો પ્રવાસ મારી કારકિર્દીનો અંત હતો. 1986- 93 દરમિયાન મેં પુનરાગમન થકી મારા દેશને સન્માનના ઘણા પ્રયત્ન કર્યા, પણ એ લોકોએ જાણે કે મારી કારકિર્દી પર મોટું તાળું લગાડી દીધું હતું અને એની ચાવી દરિયામાં ફેંકી દીધી હતી. આખરે 1993માં મેં પ્રયત્નો પડતા મૂક્યા અને બી.સી.સી.આઈ. પાસે બેનીફીટ (મેચ) ની માગણી કરી. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાતી શ્રેણીમાં એ મંજૂર કરવામાં આવી. એ સમયે ભારતીય ટીમના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હતા. 1994-95માં મારી બેનીફીટ માટે મને ભીખનું શકોરું લઈને મુંબઈ ધકેલવામાં આવ્યો. વાત એવી હતી કે એ સમયે સો ટેસ્ટ મેચ રમ્યા હોય એવા ક્રિકેટરોને જ બી.સી..સી.આઈ. સન્માનિત કરતું હતું. આવામાં મને બેનીફીટ મેચ ક્યાંથી મળે?
(STUMPED - Life behind and beyond the twenty two yards, by SYED KIRMANI)
એલન બોર્ડર (તસવીર સૌજન્ય: https://cricmash.com) |
સઈદ કિરમાણી (તસવીર સૌજન્ય: gettyimages) |
કિરણ મોરે (તસવીર સૌજન્ય: https://www.espncricinfo.com/) |
No comments:
Post a Comment