Saturday, December 28, 2024

અભ્યાસક્રમની બહાર જઈને અભ્યાસક્રમની વાતો

27 ડિસેમ્બર, 2024ને શુક્રવારના રોજ કલોલની હોલી ચાઈલ્ડ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સમક્ષ 'કહત કાર્ટૂન' અંતર્ગત 'આઉટ ઑફ સીલેબસ' કાર્યક્રમ યોજાયો. ગુજરાતી અને અંગેજી માધ્યમના નવમા ધોરણના વિદ્યાર્થીઓ સમક્ષ બે સેશનમાં તેનું આયોજન હતું. બે વર્ષ અગાઉ આ જ શાળામાં 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' કાર્યક્રમ હતો અને એ નિમિત્તે આ શાળાના ભાવાવરણનો પરિચય હતો. આથી આ વખતે આચાર્યા હેતલબહેનનું આમંત્રણ આવ્યું એટલે કંઈક નવા વિષય પર કાર્ટૂન બતાવવા વિશે વિચાર્યું. વાતવાતમાં મને લાગ્યું કે વિદ્યાર્થીઓને જે વિષયો અભ્યાસમાં આવતા હોય એની પરનાં કાર્ટૂન બતાવીએ તો? હેતલબહેને ઉત્સાહપૂર્વક સંમતિ આપી એટલે મેં એકાદ સપ્તાહની મુદત માગી. એ દરમિયાન વિવિધ વિષયના કાર્ટૂન એકઠા કરવાનો ઉદ્યમ આરંભ્યો અને પછી લાગ્યું કે આ વિષયનાં કાર્ટૂનનો કાર્યક્રમ યોજી શકાશે. એટલે શરૂ થયો કાર્ટૂનની પસંદગીનો દોર. એમાં પણ હેતલબહેને મદદ કરી અને મારી વિનંતીથી નવમા ધોરણનાં પાઠ્યપુસ્તકોની અનુક્રમણિકા મોકલી આપી. આને લઈને મને કાર્ટૂનની પસંદગીમાં બહુ મદદ મળી અને અન્યો માટે સહેજ અઘરાં ગણાતાં કાર્ટૂન પણ વિદ્યાર્થીઓ તરત સમજી શકશે એની ખાત્રી મળી.

એ મુજબ બીજગણિત, ભૂમિતિ, ઈતિહાસ, ભૂગોળ, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી- એમ નવ વિષય પરનાં ચૂંટેલાં કાર્ટૂન તૈયાર થયાં. દરેક વિષયનાંં કાર્ટૂન બતાવતાં અગાઉ જે તે વિષય એમને કેવો લાગતો હશે એની ધારણા કરવાની બહુ મજા આવી અને મારા આશ્ચર્ય વચ્ચે મને મારા શાળાસમયે જે લાગતું હતું એની બહુ નજીકની અનુભૂતિ અત્યારના વિદ્યાર્થીઓને પણ થતી જણાઈ.
સૌથી પહેલાં કાર્ટૂનકળાની સમજૂતિ સાવ ટૂંકમાં કાર્ટૂન દ્વારા જ આપીને
પહેલું સેશન ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સમક્ષ કર્યું. કાર્ટૂનના કાર્યક્રમમાં બહુ મોટી રાહત એ હોય છે કે એમાં કાર્યક્રમ પત્યા પછી 'કેવો લાગ્યો?' એ જાણવાની જરૂર જ ન રહે. જે તે સમયે કાર્ટૂન પડદા પર દેખાય અને એ જોતાં હાસ્યના અવાજ ગૂંજે એ જ એનો પ્રતિભાવ. એકદમ રોકડો. ભાષા અંગેનાં કાર્ટૂનો વિશે વાત કરતાં કાર્ટૂનમાં ઉપયોગમાં લેવાતા 'શ્લેષ' અને 'સજીવારોપણ' જેવા અલંકારો વિશે પણ ઉદાહરણ સહિત વાત થઈ.

પહેલાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સમક્ષ 

સવારના પહેલા સેશન પછી બપોરનું સેશન અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સમક્ષ હતું. એમાં પણ આ જ અનુભવનું પુનરાવર્તન થયું. પાયથાગોરસ અને આઇન્સ્ટાઈનને C2 (સી સ્ક્વેર) માટે ઝઘડતા બતાવતું કાર્ટૂન કે યુક્લિડને દૃષ્ટિએ કૂતરાનું કાર્ટૂન વિદ્યાર્થીઓ જોતાંવેંત સમજી જાય એ બહુ મજા પડે એવું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ કાર્યક્રમ દરમિયાન પણ અમુક કાર્ટૂન કે કેરિકેચર ચીતરેલાં, જેમાં એક વિદ્યાર્થીએ મારું કેરિકેચર પણ બનાવ્યું હતું.
બપોરે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સમક્ષ 
સવારના અને બપોરના બન્ને સેશન ઉપરાંત વચ્ચેના સમયમાં હરીશભાઈ બ્રહ્મભટ્ટ, વિભાબહેન અને મિત્ર રાજ તેમજ હેતલબહેન સાથે વીતાવેલા કલાકો બહુ મજાના રહ્યા.
આ કાર્યક્રમની જાણ થઈ કે કલોલસ્થિત, અને નડિયાદમાં નિયુક્ત મિત્ર નીતિનભાઈ પટેલ અને અમદાવાદના નવિનભાઈ પટેલે પણ પોતે ઉપસ્થિત રહેશે એમ જણાવ્યું અને કાર્યક્રમમાં તેઓ સમયસર ઉપસ્થિત પણ રહ્યા. એટલે કાર્યક્રમ પત્યા પછીના 'સત્સંગ'માં તેમનોય લાભ મળ્યો. આ બન્ને મિત્રો સાથેની દોસ્તી પ્રમાણમાંં ઘણી નવી હોવા છતાં જાણે કે અમે જૂના મિત્રો છીએ એમ લાગે છે.

(ડાબેથી) નવિનભાઈ, નીતિનભાઈ, રાજ બ્રહ્મભટ્ટ, બીરેન, 
હેતલબહેન, કામિની અને હરીશભાઈ બ્રહ્મભટ્ટ 

કાર્ટૂનના કાર્યક્રમ અનેક સ્થળે યોજાય છે, એમાં હંમેશા એવું અનુભવાયું છે કે વિદ્યાર્થીઓ સમક્ષ એ યોજાય ત્યારે જાણે કે એક નવી ઊર્જા પ્રાપ્ત થતી હોય એમ લાગે છે. કેમ કે, એ નિમિત્તે એમની સાથે પ્રત્યાયનની તક ઊભી થાય છે. આવી તક ઊભી કરનાર શાળા સંચાલકો અભિનંદનને પાત્ર છે.
(તસવીરસૌજન્ય: હેતલબહેન પટેલ, કલોલ) 

કેટલાંક નમૂનારૂપ કાર્ટૂનો: 




Wednesday, December 25, 2024

નમ્બરીયા- 2: મન કી 'બીન' મતવારી બાજે...

નાતાલની પૂર્વસંધ્યા, 24 ડિસેમ્બરની સાંજે સાડા સાતથી અમદાવાદના સ્ક્રેપયાર્ડમાં 'નમ્બરીયા-2' કાર્યક્રમ યોજાઈ ગયો. આ અગાઉ 14 માર્ચે આ કાર્યક્રમની પહેલી કડી યોજાઈ હતી. હિન્દી ફિલ્મોના એક સમયના અનિવાર્ય અંગ જેવાં ટાઈટલ્સ, અને ટાઈટલ ટ્રેક્સ વિશે ખાસ વાત થઈ નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને ખાસ આ જ વિષય પાર, એટલે કે ટાઈટલ ટ્રેક અથવા તો ટાઈટલ મ્યુઝિક પાર કાર્યક્રમ વિચારાયેલો. પહેલાં એમ હતું કે આવો એકાદ કાર્યક્રમ થઈ શકશે. પહેલો કાર્યક્રમ કરતી વખતે સમજાયું કે એકથી નહીં પતે. બીજો પણ કરવો પડશે. હવે બીજો કરતાં સમજાયું કે બેથી પણ નહીં ચાલે.

'નમ્બરીયા' શબ્દ સાથે ફીલ્મરસિકોની અનેક પેઢીઓનું અનુસંધાન રહેલું છે. એમને સમજાવવાની જરૂર નથી કે એનો શો અર્થ થાય. આને કારણે આ કાર્યક્રમમાં દર વખતે અનેક નવા ચહેરા જોવા મળે છે, જે કાર્યક્રમ પતવા સુધીમાં પરિચીત બની રહે છે. ગઈ કાલના કાર્યક્રમમાં પણ આમ જ થયું. પરિચીતની સાથે અનેક અપરિચીત ચહેરા જોવા મળ્યા.

આમ તો બધું મળીને પચીસેક સાઉન્ડ ટ્રેક હતી, જે ઘણી કહેવાય, કેમ કે, આમાં ક્યાંય ગીતોનો સમાવેશ નહોતો. પણ સ્ક્રેપયાર્ડના સુસજ્જ શ્રોતાઓએ અનેક ઝીણી ઝીણી વાતો સચોટ રીતે ઝીલી. તેને લઈને કાર્યક્રમ મજાનો બની રહ્યો.
મોટે ભાગે ગીતોને લગતા કાર્યક્રમો યોજાતા રહે છે, લાઈવ સંગીતના પણ ખરા. પણ આ રીતે ટાઈટલ ટ્રેકને અનુલક્ષીને રેકોર્ડેડ મ્યુઝીકનો કાર્યક્રમ યોજવો એ સાહસનું કામ ખરું. કબીરભાઈ અને નેહાબહેન આવા અનેક વિશિષ્ટ કાર્યક્રમો માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે એનો આનંદ.
કાર્યક્રમ પૂરો થયા પછી થતું અનૌપચારિક મિલન બહુ આનંદદાયક બની રહે છે. બે કાર્યક્રમની સફળતા પછી હવે ત્રીજો કાર્યક્રમ વિચારણા હેઠળ છે. જોઈએ હવે એ ક્યારે થઈ શકે છે.

'નમ્બરીયા-2'ની રજૂઆત

કાર્યક્રમ પછીનું અનૌપચારિક મિલન

(તસવીર સૌજન્ય: પરેશ પ્રજાપતિ)

Sunday, December 15, 2024

જીના ઈસી કા નામ હૈ: ઠંડીગાર સાંજે સંબંધોની ઉષ્માનો અહેસાસ

14 ડિસેમ્બર, 2024 ને શનિવારના રોજ અમદાવાદના 'સ્ક્રેપયાર્ડ' ખાતે સાંજના સાડા સાતથી 'જીના ઈસી કા નામ હૈ' કાર્યક્રમ યોજાયો. હોમાય વ્યારાવાલાની જન્મતારીખ 9 ડિસેમ્બરે હોવાથી એવી ઈચ્છા હતી કે આ મહિનામાં તેમના વિશે કાર્યક્રમ કરવો. યોગાનુયોગે એ સપ્તાહમાં જ આ કાર્યક્રમનું આયોજન થયું. અલબત્ત, લગ્નમુહૂર્તના આખરી દિવસે એ હોવાથી કાર્યક્રમમાં હાજરી મર્યાદિત રહી.

આ કાર્યક્રમમાં મૂળ વાત તો હોમાયબહેનના જીવનરસની જીવન અભિગમની કરવાની હતી, છતાં તેની પૂર્વભૂમિકા પૂરતી તેમના પૂર્વજીવનની વાત કરવી જરૂરી હતી. એ વાત કર્યા પછી તેમના વડોદરાનિવાસની, અને મારી સાથેના છેલ્લા એકાદ દાયકાના સંબંધ વિશે વાત શરૂ થઈ. હોમાયબહેનનું જીવન એવું હતું કે અનેક વાતો એમના વિશે કરવાનું મન થાય, શ્રોતાઓને મજા પણ આવે. છતાં સમયમર્યાદા જાળવવી જરૂરી. વધુમાં વધુ દોઢેક કલાકમાં કરવા ધારેલો આ કાર્યક્રમ લંબાઈને બે કલાક સુધીનો થયો, જેમાં પ્રશ્નોત્તરી પણ સામેલ હતી. તેમની બનાવેલી કેટલીક વિશિષ્ટ ચીજો સાથે લઈ ગયેલો, અને મર્યાદિત સંખ્યા હોવાથી સૌને તે હાથોહાથ જોવા આપી શકાઈ.
એ જ રીતે હોમાયબહેન સાથે અતિ નિકટથી સંકળાયેલાં મિત્રદંપતિ પરેશ અને પ્રતીક્ષા પ્રજાપતિની ઉપસ્થિતિ તેમજ તેમના કાર્યનો વાસ્તવિક પરિચય કાર્યક્રમનું અતિ લાગણીસભર પાસું બની રહ્યું.
આપણને ગમતી વ્યક્તિ વિશે જાહેરમાં વાત કરવાની હોય ત્યારે વ્યક્તિગત સંબંધોના માહાત્મ્યમાં ન સરી પડાય એનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. એ બાબત મનમાં સજ્જડપણે બેઠેલી હોવાથી કેટલીક વ્યક્તિગત વાતો આવી ખરી, પણ એ એવી હતી કે જેમાં એમનાં વ્યક્તિત્વનું કોઈ ને કોઈ પાસું છતું થતું હોય.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મિત્રોમાંથી ઘણાખરાએ 'હોમાય વ્યારાવાલા' પુસ્તક ખરીદવામાં પણ રસ દેખાડ્યો, જે લઈને કાર્તિક શાહ બહુ પ્રેમપૂર્વક ઉપસ્થિત રહેલા.
રજૂઆત દરમિયાન એક તબક્કે હોમાયબહેન મોબાઈલ ફોન પર વાત કરી રહ્યાં છે એવી એક તસવીર આવી એ સાથે જ ડમડમબાબાના સાંસારિક અવતાર એવા બિનીત મોદીએ બહુ ગંભીરતાપૂર્વક ઊભા થઈને એમને સેલ્યુટ આપી.
કાર્યક્રમના સમાપન પછીનું અનૌપચારિક મિલન સ્ક્રેપયાર્ડની આગવી મજા છે. કબીરભાઈ
ઠાકોર અને નેહાબહેન શાહ પણ બહુ ઉત્સાહપૂર્વક એ માણે અને એમાં ભાગ લે.
હોમાયબહેન વિશે અત્યાર સુધી અલગ અલગ વર્ગના લોકો સમક્ષ વાત કરવાનું બન્યું છે, અને એ દરેક વખતે અતિ લાગણીસભર અનુભવ થતો રહ્યો છે. વધુ એક વાર એનું પુનરાવર્તન થયું.
ડિસેમ્બરની એ ઠંડી સાંજે હોમાયબહેનની ચેતનાની ઉષ્મા લઈને સૌ છૂટા પડ્યા.

'જીના ઈસી કા નામ હૈ'ની રજૂઆત

પરેશ અને પ્રતીક્ષા પ્રજાપતિની ઉપસ્થિતિ
હોમાયબહેને બનાવેલી કેટલીક ગૃહોપયોગી ચીજો પૈકીની એક
હોમાયબહેનને બહુ પસંદ એવી પોતાની તસવીર, જે એક સ્નેહીએ ખેંચેલી

(તસવીર સૌજન્ય: બિનીત મોદી અને પરેશ પ્રજાપતિ)

Friday, December 13, 2024

કાર્ટૂન બનાવવું હોય તો મારા ચહેરાના આ ભાગને મરોડી શકાય....

મૂળ કાર્યક્રમ તો હતો નડિયાદની સૂરજબા મહિલા આર્ટસ કોલેજના ઇન્કયુબેશન કોર્નરના નેજા હેઠળ 'કરત કાર્ટૂન' નામે બે દિવસીય કાર્ટૂન ચીતરવાનું માર્ગદર્શન આપતી વર્કશોપનો, જેમાં ભાગ લેવા ઈચ્છનાર વિદ્યાર્થીનીઓ નામ નોંધાવે. આ કૉલેજના આચાર્ય હસિત મહેતાએ સૂચવ્યું કે એ અગાઉ એક કાર્યક્રમ 'કહત કાર્ટૂન'નો કરીએ, જેમાં કૉલેજની તમામ વિદ્યાર્થીનીઓ ભાગ લે. હસિતભાઈ મિત્ર ખરા, પણ 'નિર્દયી પ્રીતમ' છે. તેઓ કશું સૂચવે તો પણ તામ્રપત્ર પર લખીને સૂચવ્યા જેવું હોય. એમાં આઘાપાછા થવાની તક ન હોય. એમાંય આ તો ગમતો વિષય, એટલે નક્કી કર્યું કે મંગળવારને 10 તારીખે સવારે છેલ્લા પિરીયડમાં 'કહત કાર્ટૂન' યોજવું.

બી.એ.ના તમામ વર્ષની વિદ્યાર્થીનીઓ હોંશે હોંશે હાજર થઈ ગઈ. સંખ્યા આશરે ત્રણસો. દરમિયાન 'કરત કાર્ટૂન'માં નામ નોંધાવાનું પણ ચાલુ હતું અને સંખ્યા ખાસ્સી બત્રીસે પહોંચેલી. જો કે, અમને સૌને હતું કે એક વાર 'કહત કાર્ટૂન' યોજાશે એ પછી આ સંખ્યામાં ઊછાળો આવશે. અલબત્ત, વચ્ચે એક જ દિવસ હતો.
બી.એ.ની તમામ વિદ્યાર્થીનીઓ સમક્ષ 'કહત કાર્ટૂન'ની રજૂઆત

'કહત કાર્ટૂન'માં કાર્ટૂનકળા, એના વિષય અને કાર્ટૂનને શી રીતે માણી શકાય એની રજૂઆત થઈ. આ કાર્યક્રમનું સુખ એ છે કે એમાં 'કાર્યક્રમ કેવો રહ્યો?'નો પ્રતિભાવ કોઈને પૂછવો ન પડે. કાર્ટૂન દેખાડીએ અને તત્ક્ષણ હાસ્ય ગૂંજે એટલે પ્રતિભાવની રસીદ મળી ગઈ સમજવી.
'કરત કાર્ટૂન'ની વર્કશોપમાં
'કહત કાર્ટૂન' પછી 12 અને 13 ડિસેમ્બર, ગુરુ અને શુક્રવારે ત્રણ ત્રણ કલાક- એમ કુલ છ કલાકની વર્કશોપ હતી. બે દિવસ અગાઉ નોંધાયેલી બત્રીસની સંખ્યા વધીને સીધી સત્તાવને પહોંચી ગઈ હતી. એટલે એક નિર્ણય એ લીધો કે આ વર્કશોપ આપણે બે તબક્કે કરવી રહી. એક બૅચમાં પચીસ-ત્રીસ વિદ્યાર્થીનીઓ અને બાકીની બીજી બૅચમાં.
પહેલા દિવસે કાર્ટૂન વિશે વાતો વધુ થઈ અને કાર્ટૂન વિશેની સમજણને સ્પષ્ટ કરવામાં આવી. અલબત્ત, થિયરીની રીતે નહીં, પણ ઉદાહરણ સહિત, જેથી રસ જળવાઈ રહે. છૂટા પડતી વખતે સૌને કોઈક વિષય વિચારીને કે દોરીને બીજા દિવસે આવવા જણાવાયું.
"તમારા હાથી બતાવો."
બીજા દિવસે એટલે કે આજે કાર્ટૂન ચીતરવા અંગેની વિવિધ ટીપ્સ આપવામાં આવી. એમાં સૌથી વધુ મજા કેરિકેચર દોરતાં અને એ દોરતાં પહેલાં નિરીક્ષણ કરવાની આવી. એક પછી એક વિદ્યાર્થીનીઓ આવે, પોતાના ચહેરા વિશે જણાવે કે એમાં શું ધ્યાન ખેંચે એવું છે (કાન, નાક, ભ્રમર, હોઠ વગેરે) અને એને કેરિકેચરમાં અતિશયોક્તિપૂર્વક શી રીતે ચીતરી શકાય. અલબત્ત, આ સેશનમાં શરૂઆત મારા પોતાના ચહેરાથી થઈ. એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે પોતાનું નાક લાંબું છે. તો એની પર છોકરાંને લપસણી ખાતાં બતાવી શકાય. એક વિદ્યાર્થીનીના ગાલ પર (ખીલના) ટપકાં હતાં, તો એ ટપકાંને જોડીને ચિત્ર બનાવતું બાળક ચીતરી શકાય...આવી અનેક કલ્પનાઓ થઈ. કાર્ટૂન માણવામાં પહેલી શરત જાત પર હસતાં શીખવાની છે એ સમજણ આવા પાઠ થકી સ્પષ્ટ થાય એની મજા ઓર છે.
"મારા ચહેરાનું કેરિકેચર ચીતરવું હોય તો...."

બે દિવસીય આ વર્કશોપ પછી સૌ છૂટા પડ્યાં ત્યારે એટલું તો થયું કે હવે તેઓ એક જ વસ્તુને વિવિધ ખૂણેથી નિહાળતાં થાય એ સમજતાં થયાં.
એકાદ સપ્તાહમાં જ બીજી બૅચ થશે. એમાંય આવી જ મજા આવશે એ નક્કી છે.
કોઈ એક વિષય પર કાર્ટૂન દોરતી વિદ્યાર્થીનીઓ

કાર્ટૂન ચીતરતાં શીખવવાનો અનુભવ મારા માટે પ્રમાણમાં નવો કહી શકાય એવો છે, પણ એનો આરંભ ગુતાલ શાળાના ઉત્સાહી શિક્ષક- મિત્ર પારસ દવેના આમંત્રણથી થયો, જેને 'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન'ના સિનીયર પી.આર.ઓ. પાર્થ ત્રિવેદીએ આગળ વધાર્યો. હવે વધુ એક વાર એ પાકું થયું. શીખવતાં શીખવતાં શીખતા જવાના આ અનુભવમાં સહભાગી સૌ મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા.

Sunday, November 24, 2024

કરત કાર્ટૂન: કાર્ટૂન માત્ર કાગળપેનથી નથી બનતાં

કાર્ટૂન જોવા-માણવામાં હજી કદાચ રસ પડે, પણ એ ચીતરવામાં કેટલાને રસ પડે? વર્કશોપના આયોજન વખતે અમુક અંશે આવી અવઢવ હતી. 'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન' દ્વારા આ અગાઉ 'કહત કાર્ટૂન' શ્રેણીના બે કાર્યક્રમ 'ડાયનોસોરથી ડ્રોન સુધી' અને 'ગાંધીજી હજી જીવે છે' યોજાઈ ગયેલા. આથી તેમની સાથે કાર્ટૂન ચીતરવા અંગેની વર્કશોપનું આયોજન દિવાળી પછી રાખવા વિશે વાત થઈ હતી. ઊઘડતા વેકેશન પછીનો માહોલ, લગ્નની ભરપૂર મોસમ, અને શુલ્ક ચૂકવીને કરવાની આ વર્કશોપ! ફેસબુક અને અન્ય માધ્યમો પર એકાદ અઠવાડિયા અગાઉ થયેલો પ્રચાર કેટલો ફળદાયી નીવડશે? આવશે તો કેટલા આવશે? આવા બધા સવાલો મૂંઝવતા હતા. મનોમન એવી તૈયારી પણ રાખેલી કે વર્કશોપ કેન્સલ થાય તોય ચિંતા ન કરવી. પણ એ.એમ.એ.ના સિનીયર પી.આર.ઓ. મિત્ર પાર્થ ત્રિવેદીને બે એક દિવસ પહેલાં પૂછતાં તેમણે જણાવ્યું કે આઠેક રજિસ્ટ્રેશન થઈ ગયા છે, અને હજી પૂછપરછ આવી રહી છે. આ જાણીને આનંદ થયો. વળી આગલા દિવસે તેમનો મેસેજ આવ્યો કે આંકડો અગિયારે પહોંચ્યો છે. આથી વધુ આનંદ થયો.

આ બે દિવસીય વર્કશોપ 22 અને 23 નવેમ્બર, શનિ-રવિના રોજ હતી. બપોરે અમે ત્યાં પહોંચ્યા અને ખબર પડી કે 16-17 જેટલાં રજિસ્ટ્રેશન થયાં છે. પહેલા દિવસે બપોરે 2.00થી સાંજના 5.00 નો સમય હતો. મારી સાથે કામિની અને ઈશાન પણ સહયોગી તરીકે હતાં.
આરંભમાં સૌએ પોતપોતાનો ટૂંકો પરિચય આપ્યો, અને આ વર્કશોપમાં પોતે શા હેતુથી આવ્યા છે એ જણાવ્યું. એ જાણીને બહુ મજા આવી કે મોટા ભાગના લોકો એક યા બીજી રીતે કંઈક નવું શીખવા, પોતાની અભિવ્યક્તિમાં કશુંક નવું પરિમાણ ઉમેરવાના હેતુથી આવ્યા હતા. પાર્થે જણાવ્યું કે વિદ્યાર્થીઓનાં માબાપ તરફથી પુષ્કળ પૂછપરછ આવતી હતી, અને તેમને ખાળવા પડ્યા હતા કે આ કાર્યક્રમ બાળકો માટેનાં કાર્ટૂન શીખવવાનો નથી. આમ છતાં, કેટલાંક સાવ નાનાં બાળકો પણ હતાં. પિતા-પુત્રીની બે જોડી હતી. એક જાપાની યુવતીને જોઈને વધુ નવાઈ લાગી. એ હજી 'થોરું થોરું ગુજરાટી' શીખી રહી હતી.
સાવ આરંભે એ બાબત પણ સ્પષ્ટ કરી કે માત્ર છ કલાકમાં કાર્ટૂન ચીતરતાં કોઈને શીખવી ન શકાય, પણ આગળઊપર તમે એ રસ્તે જવા માગતા હો તો આ જાણકારી અને ચર્ચા ઊપયોગી થઈ પડે એમ છે.
કાર્ટૂન કોને ન કહેવાય, કયા કયા વિષય પર કાર્ટૂન બની શકે, મનમાં જે પહેલો વિચાર ઊગે એને બાજુએ મૂક્યા પછી જે નવા વિચાર આવે એને કાર્ટૂનમાં વાપરવા, કાર્ટૂન દોરવાની બેસિક ટીપ્સ...વગેરે જેવા વિવિધ વિષયો પર વાત થઈ. સહભાગીઓએ ઉત્સાહભેર એમાં ભાગ લીધો. ઈચ્છાએ કે અનિચ્છાએ ઘણી વાર અનાયાસે કે આગોતરી જાણથી કલાકો સુધી પ્રતિક્ષા કરતાં બેસી રહેવાનું યા અણગમતી જગ્યાએ અમુક કલાકો ગાળીને ભરાઈ પડવાનું બનતું હોય છે. જેમ કે, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, કોઈક ઑફિસ, ડેસ્ટિનેશન વેડિંગનું સ્થળ વગેરે... આ અણગમતા સમયને નાનકડી ખિસ્સાડાયરી અને પેનથી શી રીતે આનંદમાં ફેરવી શકાય, અને ક્યારેક ડાયરી કે પેન ન હોય તો પણ શી રીતે મજા લઈ શકાય, જે છેવટે કાર્ટૂનમાં પરિણમે એ વિશે વાત કરવાની બહુ મજા આવી. છૂટા પડતાં પહેલાં દરેકને કોઈ વિષય પર કાર્ટૂન બનાવી લાવવા જણાવાયું.
બીજા દિવસનું સેશન સવારના 9.30 થી 12.30 હતું. આગલા દિવસની ચર્ચાનું પ્રાથમિક પુનરાવર્તન કર્યા પછી સૌએ પોતે બનાવી લાવેલું કાર્ટૂન સૌને બતાવીને એના વિશે વાત કરી. એ પછી કોઈ એક જ વિષય પર શી રીતે કાર્ટૂન વિચારવા એની વાત થઈ. બોર્ડ પર હું એક વિષયનું ચિત્ર બનાવું અને સૌ પોતપોતાની રીતે એના સંવાદ કલ્પે એવી કવાયત થઈ. જેવાં કે, ચાનો કપ અને હાથમાં પકડેલું બિસ્કીટ, દાંત અને ટૂથબ્રશ, આંખો, નાક, દાંત અને જીભ વગેરે... જેમ કે, હાથમાં પકડેલા બિસ્કીટને જોઈને કપમાં રહેલી ચા કહે, 'ડૂબકી ભલે માર, પણ ગંદકી ન કરજે.'
એ પછી કોઈ એક જ વિષયનું ચિત્ર મેં બનાવ્યું અને સૌને એમાં કંઈક ને કંઈક ઉમેરવા કહ્યું. એક મિત્રે 'કેપ્સિકમ' ચીતરવા કહ્યું. એ પછી સૌ એમાં કશુંક ને કશુંક ઉમેરતા ગયા. જેમ કે, એક જણે કહ્યું કે એને ટ્રેડ મિલ પર દોડતું બતાવો. એટલે એની નીચે ટ્રેડમિલ દોરીને એના 'થૉટ બલૂન'માં પાતળું મરચું બતાવ્યું. એક જણે કહ્યું કે એને મિર્ચી વડું બનાવો. એ ચીતર્યું એટલે એની બાજુમાં બીજું એક મરચું એની આગળ ફૂલોની 'રીથ' મૂકતું હોય, અને ત્યાં કબરના પથ્થર પર 'આર.આઈ.પી.' લખેલું બતાવ્યું. સૌએ આ રીતે કશુંક ને કશુંક સૂચવ્યું. એને દૃશ્યાત્મક સ્વરૂપ શી રીતે આપવું અને કાર્ટૂનના દરજ્જે પહોંચાડવું એની સારી એવી કવાયત થઈ. એ જ રીતે એક પુસ્તક બતાવ્યું. એની આસપાસ પણ આ રીતે એક પછી એક તત્ત્વો સૌ સૂચવતાં ગયાં. સૌથી છેલ્લે સૌને ત્યાં જ એક કાર્ટૂન કે કેરિકેચર બનાવવા કહ્યું. સૌએ એ હોંશે હોંશે બનાવ્યું. એ પછી પાછળ લાગેલા બૉર્ડ પર એ તમામ કાર્ટૂન સૌએ લગાવ્યા અને એકબીજાનાં કાર્ટૂન જોયાં. સૌથી છેલ્લે થનારા આ 'ડિસ્પ્લે' જોવા આવવા બાબતે વિવિધ મિત્રો દ્વારા પૃચ્છા થયેલી, પણ સંસ્થાના ફોર્મેટમાં એ શક્ય નહોતું. બીજી વાત એ પણ ખરી કે ચિત્રાંકનની રીતે હજી આ કાર્ટૂનો ઘણાં શિખાઊ કહી શકાય એવાં હતાં, કેમ કે, મુખ્ય ઉદ્દેશ પોતાના વિચારને કાર્ટૂન થકી વ્યક્ત કરી શકાય છે એ દર્શાવવાનો હતો.
કાર્ટૂન ચીતરવા અંગેની સૌ પ્રથમ વર્કશોપ મિત્ર પારસ દવેના સહયોગથી ગુતાલની માધ્યમિક શાળામાં કરેલી, જે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ચાર કલાકની, અને એક જ દિવસની હતી. ત્યાંથી શરૂ થયેલી આ સફર 'એ.એમ.એ.' સુધી પહોંચી એની ખુશી હોય એ સ્વાભાવિક છે. આ વર્કશોપમાં સહભાગીઓ પોતપોતાની સમજણ અનુસાર કંઈ ને કંઈ લઈને જતા હોય છે. એમ મને પણ આવા દરેક અનુભવમાંથી કંઈ ને કંઈ પ્રાપ્ત થતું રહે છે.
આ વર્કશોપ કર્યા પછી એ ખ્યાલ પણ આવ્યો કે બાળકો અને કિશોરો કાર્ટૂન ચીતરતાં શીખવા બહુ ઉત્સુક હોય છે. એ વયજૂથને ધ્યાનમાં રાખીને આવી વર્કશોપ કરવી હોય તો એના માટે જુદી રીતે વિચારવાનું થાય. એમ કરીએ ત્યારની વાત ત્યારે, અત્યારે તો આ અનુભવથી પૂર્ણ સંતોષ.

વિવિધ કાર્યક્રમોની પંગતમાં પડેલો 'કરત કાર્ટૂન'નો પાટલો

વર્કશોપના પહેલા દિવસે

વર્કશોપ પૂરી થયા પછી...

આ વર્કશોપના માહોલને દર્શાવતું એક સહભાગીએ બનાવેલું કાર્ટૂન,
જેમાં બૉર્ડ પાસે ઊભો હોઉં એવું મારું કેરિકેચર છે, ઈશાન ફોટા લઈ રહ્યો છે,
અને જમણે સૌથી છેલ્લે જાપાની યુવતી વિચારે છે
કે 'આ લોકો શું બોલબોલ કરી રહ્યા છે?'

Monday, September 23, 2024

કોને કહું દિલની વાત (2)

(પ્રથમ કડી અહીં વાંચી શકાશે.) 

ઊર્વીશનો ફોન આવ્યાની દસ મિનીટમાં જ અમે નેશનલ હાઈવે પર હતા. હસિતભાઈની કારમાં ડૉ. પારૂલબહેન પટેલ, ઉર્વીશ અને હું- એમ કુલ ચાર જણા નડિયાદથી વિદ્યાનગરને રસ્તે નીકળ્યા. ઉર્વીશે જણાવ્યું કે પ્રીતિ સાગર હસિતભાઈના એક મિત્ર દેવદત્તભાઈ સાથે મુંબઈથી આવેલાં છે, અને વિદ્યાનગરના એક રિસોર્ટમાં ઊતર્યાં છે. તેઓ ચેક આઉટ કરીને નીકળવાનાં છે, અને આપણે એ વખતે એમને મળવાનું છે. 

આખી વાત એવી બનેલી કે પ્રીતિ સાગર અને એમના પતિ સોમી સરન દેવદત્તભાઈ દંપતિનાં મિત્રો હતા. તેઓ આગલા દિવસે મુંબઈથી આવેલાં અને ડાકોર દર્શનાર્થે ગયેલાં. હસિતભાઈ સાથે દેવદત્તભાઈ સંપર્કમાં હતા અને તેમણે હસિતભાઈને જણાવેલું કે તેમની સાથે એક 'ગેસ્ટ' પણ છે, અને એ લોકો બીજા દિવસે 'અમૂલ'માં કોઈકને મળવા જવાના છે. આમ તો, દેવદત્તભાઈના ગેસ્ટ હોય એમાં હસિતભાઈને શું રસ હોય, પણ તેઓ 'અમૂલ'માં કોઈકને મળવા જવાના છે, અને હસિતભાઈ 'અમૂલ'માં અનેક લોકોને જાણે. એટલે એમણે સ્વાભાવિકપણે જ પૂછ્યું, 'કોને મળવા જવાના છો?' દેવદત્તભાઈએ કહ્યું, 'મારી સાથે પ્રીતિ સાગર છે.' આ સાંભળીને હસિતભાઈને હળવો આંચકો લાગ્યો અને તેમનાથી સહસા પૂછાઈ ગયું, "એ હમણાં શું કરે છે?" દેવદત્તભાઈને લાગ્યું કે હસિતભાઈ પ્રીતિ સાગરને કદાચ ન પણ ઓળખતા હોય. એટલે એમણે સહજપણે કહ્યું, "એ સીંગર છે." એ પછીની વાતોમાં જે રહસ્યોદ્‍ઘાટન થયું હોય એ, પણ હસિતભાઈને લાગ્યું કે પ્રીતિ સાગર આમ છેક ઘરઆંગણે આવ્યાં હોય અને એમને મળીએ નહીં એ કેમ ચાલે? એ પછી એમને આવેલો તરતનો વિચાર એ કે બીરેન-ઉર્વીશને સાથે લઈને મળીએ તો ઓર મજા આવે. હસિતભાઈના મનમાં બીજાં પણ આયોજન હશે, પણ આખરે એ નક્કી થયું કે બપોરે અમારે રિસોર્ટ પર પહોંચી જવું. 

રસ્તામાં ઉર્વીશ સાથે વાત થઈ એટલે એણે ટૂંકમાં કહી દીધું કે 'બધો માલ લઈ લીધો છે.' તેને આગોતરી જાણ થઈ અને બધો 'માલ' એની પાસે સહજસુલભ રીતે ગોઠવાયેલો હતો. એ બધું એણે સાથે રાખેલું. 

પોણા બે - બે વાગ્યાની આસપાસ અમે વિદ્યાનગર પહોંચીને સીધા રિસોર્ટના રિસેપ્શન એરિયામાં પહોંચી ગયા. લગભગ તરત જ દેવદત્તભાઈ આવ્યા. હસિતભાઈએ પરસ્પર પરિચય કરાવ્યો અને અમે વાતો કરતાં બેઠાં. એમણે કહ્યું, 'પ્રીતિબહેન પણ આવે જ છે.' વાતવાતમાં જાણવા મળ્યું કે દેવદત્તભાઈ અને પ્રીતિ સાગરના પતિ મિત્રો હતા. 

અમારી વાતો ચાલી, અને થોડી વારમાં જ પ્રીતિ સાગર, તેમના પતિ શ્રી સરન અને દેવદત્તભાઈનાં પત્ની સામેથી આવતા દેખાયા. તેઓ આવ્યાં એટલે દેવદત્તભાઈએ હસિતભાઈનો પરિચય કરાવ્યો, અને હસિતભાઈએ અમારા સૌનો. બહુ વિવેકસભર રીતે પ્રીતિ સાગરે હાથ જોડીને સૌને મળવાની ખુશી વ્યક્ત કરી. તેઓ ગુજરાતીમાં જ વાત કરી રહ્યાં હતાં. હસિતભાઈએ કહ્યું, "આ બન્ને ભાઈઓ તમને વરસોથી ઓળખે છે. એ લોકો જ એના વિશે કહેશે." પ્રીતિ સાગરે સ્મિત આપ્યું. એ પછી ઉર્વીશ મહેમદાવાદથી લાવેલા 'માલ' સાથે ઊભો થયો અને પ્રીતિ સાગરની બાજુમાં ગોઠવાયો. અમને બરાબર અંદાજ હતો કે પ્રીતિ સાગર એ જોશે તો નવાઈ જ પામશે. એ ધારણા સાચી પડી. સૌથી પહેલાં ઉર્વીશે 1991માં લીધેલા તેમના અને તેમના પિતાજી મોતી સાગરના ઓટોગ્રાફ દેખાડ્યા. એ જોઈને તેમને સુખદ આશ્ચર્ય થયું. એ પછી 1991માં યોજાયેલા એ કાર્યક્રમ વિશે ઉર્વીશે વાત કરી. તેમને યાદ નહોતું કે પોતે આવા કાર્યક્રમમાં આવેલાં. પણ એના ફોટા જોઈને તેમણે બહુ આનંદ વ્યક્ત કર્યો. 

ત્રણ દાયકા પછી એ જ પાન પર...(પાછળ ઊભેલાં શ્રીમતી દેવદત્ત)  

સંઘરેલો 'માલ' દેખાડવાની મજા


'ભૂમિકા'ની રેકોર્ડના કવર પર ઓટોગ્રાફ
(સામે બેઠેલા હસિત મહેતા) 

પ્રીતિ સાગર અને એમના પતિ સોમી સરન 

એક વાત એ લાગી કે પ્રીતિ સાગર પોતે એવા વહેમમાં હોય એમ ન લાગ્યું કે એમનું નામ પડતાં જ લોકો એમને ઓળખી જાય. એટલે એમના ઊપરાંત એમના પિતાજીના ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ જોઈને એમને બહુ સારું લાગ્યું હોય એમ જણાયું. 

એ પછી ઉર્વીશે એક પછી એક રેકોર્ડ કાઢી. એ જોઈને તેમના મોંમાથી આશ્ચર્યના ઉદ્‍ગાર સરતા ગયા. 'Spring is coming' રેકોર્ડ જોઈને એમણે કહ્યું, 'આ તો મારી પાસે પણ નથી.' 

"આ તો મારી પાસે પણ નથી." 

સહજપણે વાતો આગળ વધતી રહી. 'મંથન'ની રેકોર્ડના કવર પર અગાઉ વનરાજ ભાટિયાના ઓટોગ્રાફ લીધેલા હતા. એની બાજુમાં જ એમને ઓટોગ્રાફ આપવા અમે વિનંતી કરી. અમે વનરાજ ભાટિયા સાથેની મુલાકાત યાદ કરીને 'મંથન'ના ગીત વિશે કહ્યું. એટલે તેમણે કહ્યું, 'મને બધા કહેતા કે વનરાજ ભાટિયાનાં કમ્પોઝિશન એવાં હોય છે કે બીજું કોઈ એ ગાઈ ન શકે. તું કેમનાં ગાઉં છું?' એમ કહીને જણાવ્યું, 'એમના ગીતમાં એક ટ્રેક આમ (એક દિશામાં હાથથી ઈશારો કરીને) ચાલતી હોય, બીજી ટ્રેક આમ (બીજી દિશામાં હાથથી ઈશારો કરીને) ચાલતી હોય..!' આર્ટ ફિલ્મોના દિગ્દર્શકોની ગીત ફિલ્માંકનની અણઆવડત બાબતે વનરાજ ભાટિયાનો અભિપ્રાય અમે જણાવ્યો, જેનાથી એ જ્ઞાત ન હોય એમ બને જ નહીં. એમણે ઊમેર્યું, 'શ્યામ બેનેગલ પણ એ રીતે જ ફિલ્માંકન કરતા હતા.' વાતવાતમાં તેમણે કહ્યું, 'મંથન' માટે અસલમાં શ્યામ બેનેગલે અવિનાશ વ્યાસ પાસે એક ગીત લખાવેલું. પણ એ ગીત એમને બહુ 'ભારે' લાગ્યું અને કહ્યું કે ના, આવું નહીં, મારે એકદમ સરળ ગીત જોઈએ.' પ્રીતિ સાગરનાં બહેન નીતિ સાગર ત્યારે સેન્‍ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણતાં. માતા ગુજરાતી હોવાથી ભાષાથી પરિચીત, પણ ગીતલેખનનો કોઈ અનુભવ નહીં. છતાં તેમણે કહ્યું, 'હું પ્રયત્ન કરું?' તેમણે થોડા શબ્દો લખ્યા અને શ્યામ બેનેગલને બતાવ્યા એટલે શ્યામબાબુ અહે, 'બસ, મારે આવું જ ગીત જોઈએ.' એમ એ ગીત લખાતું ગયું. વનરાજ ભાટિયા પણ એમાં સંકળાતા. ગીત રજૂઆત પામ્યું અને એવી લોકપ્રિયતાને વર્યું કે વખતોવખત એ જ મૂળ ધૂનમાં શબ્દો બદલાવીને 'અમૂલ'એ તેને અપનાવી લીધું. 'અમૂલ'માં ઈન્‍ટરકોમ પર કોલર ટ્યુન તરીકે આ ગીત, લીફ્ટમાં પણ આ જ ગીત, જાહેરાતમાં પણ આ જ ગીતનો ઊપયોગ! પોતે ગાયેલા ગીતનું આ હદનું ચિરંજીવપણું કયા ગાયકને ન ગમે! એનો માપસરનો રોમાંચ પણ એમની વાતમાં જણાયો. 

ગાયિકા અને સંગીતકારના ઓટોગ્રાફ હારોહાર 

'મંડી'ના ગીત 'શમશીર બરહના માંગ ગઝબ'માં 'બરહના' શબ્દનો સાચો ઉચ્ચાર જાણવા અમારે કેટલું મથવું પડેલું એની વાત સાંભળીને એમના ચહેરા પર હાસ્ય આવ્યું. 

મોતી સાગર અને નલિન શાહની મિત્રતા વિશે વાત નીકળી એટલે અમે નલિનભાઈ અમારા 'ગુરુ' હતા એ જણાવ્યું. એમણે તરત પૂછ્યું, 'એમની પાસે ઘણું જૂનું કલેક્શન હતું. એનું શું થયું?' 'સાગર મુવીટોન' પુસ્તક વખતે નલિનભાઈએ મને એક જૂનું બાંધકામ જોવા જવા જણાવેલું, જે એમને મોતી સાગરે બતાવેલું અને એ 'સાગર મુવીટોન'ની લેબ હતી એમ કહેલું. એ બધી વાતો થઈ. 

ઓટોગ્રાફ બુકમાં એમણે 33 વર્ષ અગાઉ ઓટોગ્રાફ આપેલા એની બાજુમાં જ એમને કંઈક લખવા જણાવ્યું અને એમણે પણ હોંશથી એ લખી આપ્યું. ઉર્વીશે જણાવ્યું કે તમને પહેલી વાર મળ્યો ત્યારે મારી ઉંમર વીસ-એકવીસની હતી, આજે મારી દીકરીની ઉંમર એકવીસની છે. આ જાણીને તેમને પણ મજા આવી. બીજી વાતો પણ થતી રહી. તેઓ પછી એડ ફિલ્મો અને એના નિર્માણ સાથે સંકળાયેલાં. ફિલ્મમાં પાર્શ્વગાયન ઘણા વરસોથી બંધ કર્યું છે. 

33 વર્ષના અંતરાલ પછી એ જ પાન પર 
(વાતચીત દરમિયાન 31 વર્ષનો ઉલ્લેખ 
થતો રહ્યો હોવાથી એમણે પણ એ 
જ આંકડો લખ્યો છે.) 

વીસ-પચીસ મિનીટની એ ટૂંકી, પણ આનંદદાયક મુલાકાત અમારા સૌ માટે સંભારણા જેવી બની રહી. અમારા માટે તો ખરી જ, પ્રીતિ સાગરે પણ કહ્યું, 'મને ખ્યાલ નહોતો કે આ મુલાકાતમાં તમને મળવાનું થશે અને આવું સરપ્રાઈઝ મળશે. બહુ આનંદ આવ્યો.' 

આ આખી મુલાકાતમાં એક બાબત ખાસ નોંધવી રહી. પ્રીતિ સાગરના પતિ સોમી સરનની ભૂમિકા સમગ્ર ઊપક્રમમાં બહુ સહયોગપૂર્ણ રહી. આરંભિક પરિચય પછી તેઓ એક તરફ ગોઠવાયા અને અમારી વાતોમાં ક્યાંય વચ્ચે ન આવ્યા કે ન કશી એવી ચેષ્ટા દાખવી કે અમારે વાત ટૂંકાવવી પડે. તેમણે પણ સમગ્ર મુલાકાતનો આનંદ વ્યક્ત કર્યો. આ લખવાનું ખાસ કારણ એ કે આવું સહજ નથી હોતું. હસિતભાઈ અને પારૂલબહેને પણ અમને વાતોની મોકળાશ કરી આપી, અને પારુલબહેને અમારી વાતચીત દરમિયાન તસવીરો ખેંચવાની જવાબદારી સ્વેચ્છાએ સંભાળી લઈને અમને વાતચીત કરવા માટે મુક્ત રાખ્યા. એ જ રીતે દેવદત્તભાઈ અને તેમનાં પત્નીએ પણ પૂરો સહયોગ આપ્યો. 

આમ, પરોક્ષ રીતે શરૂ થયેલું સંગીતસંબંધનું એક વર્તુળ પ્રત્યક્ષ મુલાકાત દ્વારા બહુ આનંદદાયક રીતે પૂરું થયું. 

(સમાપ્ત) 

(તસવીર સૌજન્ય: ડૉ. પારુલ પટેલ) 

Sunday, September 22, 2024

કોને કહું દિલની વાત (1)

સાઠના દાયકામાં જન્મેલી એવી કઈ વ્યક્તિ હશે કે જે 'જુલી' (1975) ના અંગ્રેજી ગીત 'માય હાર્ટ ઈઝ બિટીંગ'ના જાદુથી મોહિત નહીં થઈ હોય? એ ખરું કે એ આખેઆખા અંગ્રેજી ગીતના શબ્દો સમજાતા નહોતા, પણ મુખડું 'My heart is beating, keeps on repeating, I am waiting for you' લગભગ મોઢે થઈ ગયેલું. એની ધૂન કે સંગીત સારાં હતાં, પણ અસાધારણ નહીં. એનો ખરો જાદુ હતો ગાયિકા પ્રીતિ સાગરના અવાજનો. 

લગભગ એ જ અરસામાં આવેલી શ્યામ બેનેગલની ફિલ્મોમાંથી એકે થિયેટરમાં જોવાનો મેળ પડ્યો નહોતો, કે નહોતાં એ ફિલ્મનાં ખાસ ગીતો રેડિયો પર સંભળાતાં. એવામાં પ્રીતિ સાગરનું વધુ એક ગીત રેડિયો પર સંભળાતું થયું, જે એના વિશિષ્ટ સંગીતને લઈને બહુ જ ગમવા લાગ્યું. એના સંગીતકાર હતા વનરાજ ભાટિયા, અને ગીત હતું 'તુમ્હારે બિન જી ના લગે ઘર મેં', ફિલ્મ 'ભૂમિકા' (1977). સમય વીતતો ગયો અને ધીમે ધીમે ફિલ્મસંગીત સાંભળવામાં રુચિ વધતી ચાલી, પણ અમારો (હું અને મારો નાનો ભાઈ ઉર્વીશ) મુખ્ય ઝોક જૂના ફિલ્મસંગીત તરફ હતો, જેમાં પહેલાં રજનીકુમાર પંડ્યા અને પછી મળેલા નલિન શાહ જેવા ગુરુઓના સંગે એને બરાબર માંજો ચડ્યો. 1989-90ના અરસામાં અમે જૂના ફિલ્મસંગીત/ફિલ્મ સાથે સંકળાયેલા વિવિધ કલાકારોને મળવા માટે મુંબઈ જવાનું શરૂ કર્યું, અને પહેલી જ વારમાં આશા ભોંસલે સાથે મુલાકાત થઈ, જેનાથી અમારી હિંમતમાં  વધારો થઈ ગયો. 

શૈલેષકાકાએ ભેટ આપેલો 'યાદોં કી મંઝીલ'નો સેટ
શરૂઆતમાં અમારો ઊતારો સગા કાકા સુરેન્દ્ર કોઠારીને ઘેર (સાંતાક્રુઝ) રહેતો, જે પછી પપ્પાના પિતરાઈ ભાઈ શૈલેષ પરીખ (પેડર રોડ)ને ઘેર થયો. શૈલેષકાકા પણ જૂનાં ગીતોનાં શોખીન, અને એમનું એ જોડાણ મુખ્યત્વે અતીત રાગને લઈને. અમારી એક મુલાકાત દરમિયાન તેમણે અમને બાર કેસેટનો એક સેટ ભેટ આપ્યો. 'એચ.એમ.વી.' દ્વારા 'યાદોં કી મંઝીલ' શિર્ષક અંતર્ગત હિન્‍દી ફિલ્મોના વિવિધ યુગની ઝાંખી આપતાં ગીતોનો સમાવેશ હતો. 

કાકાએ આમ તો પોતાના માટે એ સેટ ખરીદેલો, પણ અમારો લગાવ જોઈને તેમણે એ અમને આપવાનું નક્કી કર્યું, અને એમની દીકરી પૌલાએ અમારા કહેવાથી એના બૉક્સ પર લખાણ પણ લખી આપ્યું. 

કેસેટમાં બૉક્સ પૌલાએ લખેલું લખાણ 

એ કેસેટમાં અમને એક ગીત હાથ લાગ્યું, અને એ સાંભળતાંવેંત અમે એના પ્રેમમાં પડી ગયા. એ ગીત અમે રિવાઈન્‍ડ કરી કરીને વારંવાર સાંભળવા લાગ્યા. ગીત હતું શ્યામ બેનેગલ દિગ્દર્શીત ફિલ્મ 'મંથન' (1976)નું. વનરાજ ભાટિયાએ સંગીતબદ્ધ કરેલું એ ગીત ગાયું હતું પ્રીતિ સાગરે અને લખ્યું હતું નીતિ સાગરે. શબ્દો હતા 'મેરો ગામ કાંઠા પારે...' ગીતનું ખરું આકર્ષણ એની ધૂન અને સંગીતમાં હતું, જે આજે પણ ઓસર્યું નથી. એમાં હાડોહાડ ગુજરાતીપણું હતું, છતાં ગરબાનો ઠેકો નહોતો. એમ લાગતું હતું કે વનરાજ ભાટિયાએ આ ગીત બનાવીને અને પ્રીતિ સાગરે એ ગાઈને કમાલ કરી દીધી છે. 

એ જ અરસામાં દૂરદર્શન પરથી પ્રસારિત 'ભારત એક ખોજ' ધારાવાહિકના અમે આકંઠ પ્રેમમાં હતા. એને લઈને જ અમે એક મુંબઈ મુલાકાત દરમિયાન શ્યામ બેનેગલને મળ્યા હતા. વનરાજ ભાટિયાનો પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સફળતા મળી નહોતી. (એ પછીના વીસેક વરસે એનો મેળ પડ્યો) 

1991માં હરમંદીરસિંઘ 'હમરાઝ' સંપાદિત 'હિન્‍દી ફિલ્મગીતકોશ'ના ખંડ 1 નું વિમોચન ચર્ની રોડ સ્ટેશનની સામે આવેલા 'બીરલા ક્રીડા કેન્‍દ્ર'માં યોજાયેલું, જેમાં પણ અમે ઉત્સાહભેર પહોંચી ગયેલા. એ જ કાર્યક્રમમાં 'હમરાઝ' ઊપરાંત નલિન શાહ, હરીશ રઘુવંશી સાથે પહેલવહેલી વાર મુલાકાત થયેલી. આ કાર્યક્રમમાં વીતેલા જમાનાના અભિનેતા-ગાયક મોતી સાગર પણ ઉપસ્થિત રહેલા, જે ગાયક મુકેશના પિતરાઈ થતા હતા. વયસ્ક મોતી સાગર પોતાની દીકરી સાથે આવેલા, અને એ દીકરીનું નામ હતું પ્રીતિ સાગર. આ કાર્યક્રમ એટલો આત્મીય અને અનૌપચારિક હતો કે તેણે અમારા હૃદય પર ઊપસાવેલી છાપ હજી એટલી જ તાજી છે. એક સમયના ધુરંધરો આપણી સાવ સામે હતા, અને તેમને કશા સંકોચ વિના મળી શકાતું હતું. મોતી સાગર અને પ્રીતિ સાગર પહેલાં ખુરશી પર ગોઠવાયાં એટલે ઉર્વીશ સીધો ઓટોગ્રાફ બુક લઈને એમની પાસે પહોંચી ગયો. મોતી સાગરની સાથોસાથ તેણે પ્રીતિ સાગરના હસ્તાક્ષર પણ લીધા, અને કહ્યું, 'આપકા 'મેરો ગામ કાંઠા પારે..' ગાના હમકો બહોત પસંદ હૈ.' એ વખતે જૂના ફિલ્મસંગીત વિશેનું અમારું ઝનૂન એવું હતું કે નવા ગાયક-ગાયિકાઓને અમે ગાયક ગણવા તૈયાર જ નહોતા. અલબત્ત, પ્રીતિ સાગર એમાં અપવાદ હતાં. એ કાર્યક્રમમાં પિતાપુત્રી બન્ને કલાકારોના હસ્તાક્ષર એક જ પાન પર લીધા. કાર્યક્રમમાં તેમણે એ ગીતનું મુખડું લલકારેલું. 

મુંબઈના કાર્યક્રમમાં મોતી સાગર (ડાબે) સાથે પ્રીતિ સાગર 
અને સી.અર્જુન 

શૈલેષકાકાને ઘેર આવીને અમે પૌલાને કહ્યું કે કાર્યક્રમમાં પ્રીતિ સાગર પણ આવેલાં. (બીજા કલાકારોને તે ખાસ ન ઓળખે એટલે) આથી તે બહુ રાજી થઈ અને 'મેરો ગામ કાંઠા પારે...' ગણગણતી કહે, 'એમનું આ ગીત સુપર્બ છે.' એની પણ પ્રીતિ સાગર અતિ પ્રિય ગાયિકા. હજી હમણાં જ, ત્રણેક મહિના પહેલાં એ કોઈ રેસ્તોરાંમાં ગઈ હતી અને ત્યાં પ્રીતિ સાગર પણ આવ્યાં હતાં. તો પૌલાએ એમની સાથે ફોટો લઈને અમને મોકલાવેલો. 

દીકરી શચિનો જન્મ થયો એ પછીના અરસામાં પ્રીતિ સાગરે ગાયેલી 'નર્સરી ર્‍હાઈમ્સ'ની કેસેટ બહાર પડેલી. શચિ તો સાંભળતી, પણ પ્રીતિ સાગરના અવાજને કારણે અમે પણ એ નિયમીત સાંભળતાં. 

પ્રીતિ સાગરની 'નર્સરી ર્‍હાઈમ્સ'ની કેસેટ 

એ પછી છેક 17 વરસે, જૂન 2008માં વનરાજ ભાટિયાને તેમના નિવાસસ્થાને મળવાનું બન્યું ત્યારે એ દીર્ઘ મુલાકાતમાં અનેક વાતો થઈ. અમારા પ્રિય ગીત 'મેરો ગામ કાંઠા પારે..' વિશે વાત ન થાય એ કેમ બને? વનરાજ ભાટિયાએ જણાવ્યું કે એ ગીત નીતિ સાગરે લખેલું, અને એ 'સ્ટુડિયો લેન્‍ગ્વેજ' હતી, એટલે કે સ્ટુડિયોમાં જ તૈયાર કરાયેલી. એની પર કંઈ લાંબુંપહોળું સંશોધન નહોતું થયું. નીતિ સાગરનાં માતા ગુજરાતી હોવાથી સાગર બહેનોને ગુજરાતી આવડતું હતું. ગીતમાં એક લીટી એવી છે: 'મારે ગામડે લીલાલ્હેર, જહાં નાચે મોર ને ઢેલ'. આ લીટીમાં 'મોરની' શબ્દ હતો, પણ વનરાજ ભાટિયાએ આગ્રહ રાખ્યો કે 'મોરની'ને બદલે 'ઢેલ' શબ્દ રાખવો, કેમ કે, ગુજરાતમાં એ આ નામે જ ઓળખાય છે. 

વનરાજ ભાટિયાની આ મુલાકાત પછી ઉર્વીશે તેની પર આધારિત લેખ 'ગુજરાત સમાચાર'માં લખ્યો, અને મેં 'અહા!જિંદગી'માં ચાલતી મારી કોલમ 'ગુર્જરરત્ન'માં. લેખ માટે સુરતના હરીશ રઘુવંશીનો મશવરો લેવો જ પડે. હરીશભાઈએ કહ્યું, 'તમે બને તો લેખ એકાદ દિવસ મોડો મોકલો. હું તમને એક સી.ડી.મોકલી આપું.' મેં સંપાદક દીપક સોલિયા પાસેથી એક દિવસની મુદત માગી. એ વખતે લેખ કુરિયર દ્વારા મુંબઈ મોકલવાનો રહેતો. હરીશભાઈએ મને એક સી.ડી. મોકલી આપી, જે તેમણે એક રેકોર્ડિંગ સેન્‍ટરમાં તૈયાર કરાવી હતી અને એમાં વનરાજ ભાટિયાનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો હતાં. હરીશભાઈએ જણાવ્યું, 'લેખ લખતાં પહેલાં તમે આ ગીતો સાંભળો તો સારું. ફેર પડશે.' એ સી.ડી.દ્વારા પ્રીતિ સાગરના અવાજનું નવેસરથી ઘેલું લાગ્યું. 'પિયા બાજ પ્યાલા પીયા જાયે ના' (નિશાંત), 'શમશીર બરહના માંગ ગઝબ' (મંડી), 'વૉટ્સ યોર પ્રોબ્લેમ' (કલયુગ), 'સાવન કે દિન આયે' (ભૂમિકા, ચંદ્રુ આત્મા સાથે) જેવાં ગીતો વારંવાર વાગતાં રહેતાં. અંગ્રેજી ગીત હોય, ગઝલ હોય કે લોકગીતના ગાયકની હલક ધરાવતું 'લોકગીત' પ્રકારનું ગીત હોય, કે અન્ય કોઈ પણ પ્રકારનું ગીત હોય પ્રીતિ સાગરનો સ્વર ગીતના સંયોજન મુજબ એમાં ઢળી જતો. 

આ સી.ડી.ની વધુ એક નકલ કરીને લેખની સાથે દીપક સોલિયાને પણ મોકલી આપી. એ મળતાં જ દીપકનો ફોન આવ્યો. કહે, 'લેખ તો પછી વાંચું છું, પણ સી.ડી.જોઈને મજા પડી ગઈ.' 

પ્રીતિ સાગર અને વનરાજ ભાટિયાનાં નામ મનમાં એવાં એકરૂપ થઈ ગયાં છે કે એકની સાથે અનાયાસ બીજું યાદ આવી જાય. 

પણ આ જોડાણનું લાંબું પુરાણ અત્યારે આલેખવાની શી જરૂર પડી? શું થાય? સંજોગો જ એવા ઊભા થયા. 

**** 

19 સપ્ટેમ્બર, 2024ના બપોરે એક વાગ્યે ઉર્વીશનો ફોન આવ્યો. વાતચીત કંઈક આવી થઈ. તેણે પૂછ્યું: "નડિયાદ આવી ગયો છું?" 

"હા." 

"તને લેવા આવીએ છીએ." 

"ક્યાં જવાનું છે?" 

"પ્રીતિ સાગરને મળવા." 

"હેં???" 

"વિગત જણાવું છું હમણાં, પણ તું તૈયાર રહે. અમે (ઉર્વીશ અને હસિત મહેતા) દસેક મિનીટમાં જ નીકળીએ છીએ." 

આટલા ઓછા સમયમાં પણ ઊપર લખી એ તમામ સ્મૃતિઓની પટ્ટી મનમાં ફરવાની શરૂ થઈ ગઈ. 


(ક્રમશ:) 

(બીજી કડી અહીં વાંચી શકાશે.) 

Saturday, September 21, 2024

ડાયનોસોરયુગથી ડ્રોનયુગ સુધીની કાર્ટૂનસફર

'મેનેજમેન્ટ' વિષે ઘણું લખાયું છે, બોલાયું છે, ચર્ચાયું છે. મારા જેવા અનેક માટે 'મેનેજમેન્ટ' શબ્દ લગભગ કોર્સ બહારનો કહી શકાય એવો હશે. આપણા પોતાના માટે આપણે અમુક કાર્યપદ્ધતિથી કામ કરતા હોઈએ, પણ એને માટે 'મેનેજમેન્ટ' શબ્દ વાપરવો ભારે લાગે. આથી જ, 'મેનેજમેન્ટ' શબ્દ સાથે મોટે ભાગે ગાંભીર્ય અને શુષ્કતાનો ભાવ જોડાયેલો હોય એવું મને લાગ્યા કરે છે. પણ અમદાવાદના 'સ્ક્રેપયાર્ડ'માં કરેલા કાર્ટૂન કાર્યક્રમોની શ્રેણી 'કહત કાર્ટૂન' દરમિયાન ત્યાંના નિયમિત ભાવક તરીકે આવતા પાર્થ ત્રિવેદીએ પ્રસ્તાવ મૂક્યો કે આ કાર્યક્રમ 'અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન'માં કરીએ. આ સંસ્થા સાથે સંકળાયેલા પાર્થે જણાવ્યું કે કાર્યક્રમ માટે જરૂરી મંજૂરી પણ તેમણે લઈ લીધી છે. આ જાણીને સુખદ આશ્ચર્ય થયું અને અમે એ કવાયત આદરી કે આ કાર્યક્રમમાં કયા વિષયનાં કાર્ટૂન બતાવવાં? કેમ કે, અહીં કયા વર્ગના શ્રોતાઓ આવતા હશે એનો મને જરા પણ અંદાજ નહોતો. ચર્ચાને અંતે નક્કી થયું કે રાજકારણ અને સામાજિક વિષયનાં કાર્ટૂનોથી મોટા ભાગના લોકો પરિચીત હોય છે. એટલે આપણે એ બાબત બતાવીએ કે એમાં કોઈ વિષયબાધ નથી. તો? તો એ કે સૃષ્ટિના સર્જનથી લઈને છેક એ.આઈ., અને ડ્રોન યુગ સુધીના વિષય પર બનેલાં કાર્ટૂન બતાવવાં. બસ, પછી કવાયત ચાલુ થઈ અને બીગ બૅન્ગ, આદમ અને ઈવથી લઈને ડાયનોસોર, પ્રાગૈતિહાસિક યુગ, વિવિધ સંસ્કૃતિઓ, વિજ્ઞાનના આવિષ્કાર, અને પછી આધુનિક યુગમાં પરગ્રહના જીવો, એ.આઈ., ડ્રોન સુધી વાત લંબાઈ. દરેક યુગનાં પ્રતિનિધિરૂપ બે-ત્રણ કાર્ટૂન, કેમ કે, આખો વાર્તાલાપ એક કલાકમાં પૂરો કરવાનો, અને પછી સવાલજવાબ.


20 સપ્ટેમ્બર, 2024ના ગુરુવારે સાંજના સાડા છ વાગ્યે શરૂ થયેલા કાર્યક્રમ અગાઉ 'એ.એમ.એ.'ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉન્મેશ દીક્ષિત સાથે ટૂંકી મુલાકાત થઈ અને તેમણે આ સંસ્થામાં કાર્ટૂનના વિષયનો પ્રવેશ થવા બદલ આનંદ વ્યક્ત કર્યો.


કાર્યક્રમના વિષય અંગેની પૂર્વભૂમિકા

શ્રોતાવર્ગ

આરંભે ટૂંકમાં રજૂઆતકર્તાનો ઔપચારિક પરિચય પાર્થ દ્વારા અપાયો અને સ્વાગતાદિ વિધિ ઝડપભેર પતાવીને કાર્યક્રમ શરૂ થયો. સમયમર્યાદા અનુસાર પૂરો પણ થયો અને પછી સવાલજવાબનો વારો આવ્યો. આ પ્રકારના કાર્યક્રમમાં મને સૌથી ગમતો હિસ્સો સવાલજવાબનો હોય છે. કેમ કે, કાર્યક્રમ જોયા પછી વધુ સવાલો થતા હોય છે.

અનેક પરિચીતો ઊપરાંત ઘણા નવા ચહેરા હતા, જે આ કાર્યક્રમનો વિષય જાણીને આવ્યા હતા. સવા કલાકના આ કાર્યક્રમમાં મજા આવી. હવે પછી ગાંધી જયંતિ નિમિત્તે 10 ઑક્ટોબરે આ જ સ્થળે 'ગાંધીજી હજી જીવે છે' કાર્યક્રમમાં ગાંધીજી વિશેનાં કાર્ટૂનોની રજૂઆતનો ઉપક્રમ છે.
(તસવીર સૌજન્ય: બિનીત મોદી અને પાર્થ ત્રિવેદી)

સૃષ્ટિનું સર્જન (Cartoonist: Aldan Kelly)

ઈજિપ્શિયન સંસ્કૃતિ: "એ લોકો ઈકોનોમી ક્લાસવાળા લાગે છે."
(Cartoonist: Ajit Ninan)


ડ્રોનબાણ (Cartoonist: Robert Ariail

Sunday, August 18, 2024

નિશાળેથી નીસરી કદી ન જતાં પાંસરાં ઘેર

હવે તો બાળકો શરૂઆતથી જ વાહનોમાં શાળાએ જવા લાગ્યા છે, પણ પગપાળા શાળાએ જવાનું આગવું મહત્ત્વ છે. હવે એ વધુ પડતા અંતર, ટ્રાફિક વગેરેને કારણે શક્ય નથી એ અલગ વાત થઈ. ભરૂચના શિક્ષણવિદ્ રણછોડભાઈ શાહે એક લેખ દ્વારા પગપાળા શાળાએ જવાના ફાયદા ગણાવેલા. રસ્તે કેટકેટલી વસ્તુઓ આવે? બાળક એ જોતાં જોતાં આગળ વધે. ક્યાંક એ અટકે, ક્યાંક ચાલતાં ચાલતાં પાછું વાળીને જોતું જાય! વચ્ચે બજાર આવે, લારીઓ આવે, વૃક્ષો આવે, પશુપંખીઓ પણ આવે, અને એ બધાંની વિવિધ ગતિવિધિઓ જોવા મળે.

અમે શાળાએ જતા ત્યારે બપોરની મોટી રિસેસમાં બહારગામના વિદ્યાર્થીઓ સિવાયના સૌ કોઈ ઘેર જ જતા અને પાછા આવતા. એની એક જુદી મજા હતી. રિસેસ પડે એટલે એક સાથે કેટલાય વિદ્યાર્થીઓ ઘર તરફ જવા નીકળે. સમય પૂરો થતાં સૌ એ જ રસ્તે પાછા આવતા દેખાય. લુહારવાડમાં આવેલા મારા ઘરથી મહુધા રોડ પર આવેલી શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ જવું હોય તો બે રસ્તા. એક નડિયાદી દરવાજે થઈને ભીમનાથ મહાદેવ વટાવીને જકાતનાકાવાળો રોડ, જે મુખ્ય માર્ગ હતો. બીજો નાગરકુઈ થઈને નવજીવન સોસાયટીના પાછલા ભાગે થઈને. અમે આ બીજો માર્ગ પસંદ કરતા. પણ નાગરકુઈથી જવાને બદલે મારા ઘરની સામે આવેલા ખાંટ વગામાંથી નીકળતા. આ ખાંટ વગામાં મુખ્યત્વે ઠાકરડા કોમની વસતિ. સાંકડો રસ્તો, માટીથી લીંપાયેલાં ઘર (સાવ ઝૂંપડાં નહીં), સ્વચ્છ આંગણાં, અને સાંકડા રસ્તાની એક કોરે ગાયભેંસ બંધાયેલાં હોય, જેમનો પૃષ્ઠભાગ રસ્તા તરફ હોય. તેમની પૂંછડીના મારથી બચીને ચાલવાનું. આ રસ્તો અવરજવર માટે ખાસ વપરાતો નહીં. મારા ઘરની બરાબર સામે વિજય (ડૉક્ટર) અને ત્રાંસમાં મુકેશ પટેલ (મૂકલો) રહેતા, એટલે અમે ત્રણે લગભગ સાથે જ જતાઆવતા.
અહીં એક ઘર હતું. એમાં એક બહેન રહેતાં. બહુ હસમુખાં. અમે ગાયભેંસની પૂંછડીના મારથી બચવા પ્રયત્ન કરીએ તો ક્યારેક એ અમને કહે, 'બેટા, સાચવીને જજો.' એમનું હાસ્ય એકદમ પ્રેમાળ. એક દિવસ મુકાએ બાતમી આપી, "આ બહેન છે ને....એ માતાજીને બહુ માને છે. ધરો આઠમને દા'ડે એ સૂઈ જાય અને જાગે તો એમની બન્ને હથેળીમાં ધરો (ઘાસ) ઊગેલું હોય છે, બોલ! બધા એમના દર્શન કરવા આવે." આ સાંભળીને બહુ નવાઈ લાગી. મનમાં અનેક પ્રશ્નો થયા. એમ પણ વિચાર્યું કે ધરો આઠમે જોવા આવવું પડશે, પણ ધરો આઠમ ક્યારે આવે અને જાય એ ખબર પડે નહીં, અને આ વિસ્તારમાંથી બહાર નીકળી ગયા પછી આવતી નવી સૃષ્ટિમાં બધું ભૂલાઈ જાય.
ખાંટ વગાવાળે રસ્તે બહાર નીકળીએ ત્યાં જ એક લીમડાનું ઝાડ હતું. એની બખોલમાં એક ચીબરી જોવા મળતી. એ ઘુવડ છે કે ચીબરી એ વિશે ચર્ચા ચાલી. આખરે એનું નાનું કદ જોઈને એ ચીબરી હોવાનું નક્કી થયું. અમે એ રસ્તે જઈએ અને આવીએ ત્યારે એ તરફ નજર કરતાં અને એ જાણે કે અમારી પર નજર રાખી રહી હોય એ રીતે બખોલ આગળ બેઠેલી દેખાતી. એક દિવસ એક જણે માહિતી આપી, ‘ચીબરી(કે ઘુવડ)ને ભૂલેચૂકેય પથ્થર નહીં મારવાનો.’ ‘કેમ?’ના જવાબમાં એણે કહ્યું, ‘ એ છે ને, એ પથ્થર ચાંચમાં ઉઠાવી લે અને તળાવમાં ફેંકી આવે. એ પછી એ પથ્થર પાણીમાં રહીને ઓગળતો જાય એમ આપણું શરીર પણ લેવાતું જાય.’ આ જાણીને થથરી જવાયું. ચીબરીનો દેખાવ પણ એવો કે એ આવું કરી શકે એમાં ના નહીં, એમ લાગતું. મોટા થયા પછી આ જાણકારી સંદર્ભબિંદુ બની રહી. કોઈ મિત્ર બહુ વખતે મળે અને એનું શરીર ઊતરેલું દેખાય તો અમે પૂછતા, ‘કેમ’લ્યા? ચીબરીને પથ્થરબથ્થર મારેલો કે શું?’ જો કે, મોટા ભાગના કિસ્સામાં આ સંદર્ભ પછી સમજાવવો પડતો.
લીમડાવાળા વિસ્તારમાંથી બહાર નીકળતાં એક તળાવ હતું, જે કૃત્રિમ, પણ બારેમાસ ભરેલું રહેતું. અમે એમાં આવેલા રસ્તા પરથી જતા. જે.જે. ત્રિવેદીસાહેબ આ જ તળાવને કાંઠે આવેલા નવજીવન સોસાયટીના બંગલામાં રહેતા. એ કાયમ કહેતા, 'આ તળાવ નાઈલની સંસ્કૃતિની યાદ અપાવે છે. એક તરફ સમૃદ્ધિ (નવજીવન સોસાયટી) અને બીજી તરફ ઉજ્જડ પ્રદેશ (ઝૂંપડાં). આ તળાવના પાણીમાં પથરા મારી એક જ પથરાની કેટલી 'છાછર' વાગે છે એની હરિફાઈ કરવાની.
તળાવમાંના રસ્તાથી બહાર નીકળતાં સોની પરિવારનો વિશાળ બંગલો હતો, જે હજી છે. મગનકાકા સોનીના ત્રણે દીકરાઓ રતિલાલ, ચુનીલાલ અને ચંદુલાલ તેમજ એમનો બહોળો પરિવાર અહીં રહેતો. કોઈ કારણથી મગનકાકાની ડાગળી ચસકી ગયેલી એટલે એ કાયમ 'ગોળીબાર...'ની બૂમો પાડતા રહેતા અને વચ્ચે કશુંક અસંબદ્ધ બોલતા રહેતા. સફેદ લુંગી, સફેદ સદરો અને બાગમાં કામ કરતા મગનકાકા રસ્તે જતા વિદ્યાર્થીઓનું પ્રિય પાત્ર. એકાદ જણ એમને જોઈને 'ગોળીબાર' કહે એટલે મગનકાકા એના પડઘા પાડ્યા કરે. મારા એકાદ મિત્રે એક વાર મારી તરફ આંગળી ચીંધીને ઓળખાણ આપેલી, 'આ કપિલાબહેનનો છોકરો.' (કપિલાબહેન એટલે મારાં દાદી) ત્યારથી મગનકાકાની નજર મારી પર પડે તો એ કપિલાબહેનની ખબર પૂછે અને પછી તરત 'ગોળીબાર' ચાલુ.
આ આખા પરિવાર સાથે અમારો બહુ જૂનો અને ગાઢ સંબંધ. બહુ પ્રેમાળ લોકો. હવે એ સહુ અમદાવાદ સ્થાયી થયા છે.
મગનકાકાનો બંગલો વટાવીને આગળ વધતાં મુખ્ય રોડ આવે, જેને ઓળંગતાં જ સામે અમારી શાળા દેખાય. આ રોડના જમણે ખૂણે લુહારીકામની એક દુકાન હતી, જે એક વૃદ્ધ કાકા સંભાળતા. બંડી અને ધોતિયું પહેરતા, દુબળા અને લાંબા એ કાકા. સાવ નાનકડી ચોરસ જગ્યામાં એ હતી. વિપુલના એ ઓળખીતા. એમના દીકરાઓ ગિરીશ અને બીજા બે. વિપુલને ક્યારેક પાણી પીવું હોય તો એ અહીં જતો.
આ જ રુટ પર પાછા આવતાં આ કશું ધ્યાને ન પડતું, કેમ કે, ઘેર પહોંચવાની જ એટલી ઊતાવળ રહેતી.
નડિયાદી દરવાજાવાળા રસ્તાની વાત જ કંઈક જુદી. એ વળી ફરી ક્યારેક, મન થશે ત્યારે.
આ બધું મનમાં સતત રમતું હોય, હજી મહેમદાવાદ જઈએ ત્યારે આંખો એ જ જૂના સ્થળોને શોધતી હોય. પણ મૂળ વાત એ કે આવું બધું જોવાનું, જોતા રહેવાનું હજીય બહુ ગમે.

***** **** ****

કટ ટુ વડોદરા.
આજકાલ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ચાર પર બહુ મોટું કામ ચાલી રહ્યું છે, જેને કારણે અનેક ટ્રેનો વડોદરાને બદલે બાજવાથી ઊપાડવામાં આવે છે. આ કામના સંદર્ભે આ પ્લેટફોર્મ નજીક આવેલા પાટા સાવ કાઢી નાખવામાં આવ્યા છે, અને નીચે આર.સી.સી.કામ થઈ રહ્યું છે. મને જે મજા આવે છે તે એ કે રેલવે પ્લેટફોર્મ પર જવલ્લે જ જોવા મળે એવાં દૃશ્યો અહીં જોઈ શકાય છે. પ્લેટફોર્મ પર ટ્રેક્ટરો આંટાફેરા મારે છે. નીચે પાટાની જગ્યાએ બુલડોઝર સહેલ મારે છે. સ્ટેશને જાઉં ત્યારે એમ થાય કે આ જોયા જ કરીએ, જોતા જ રહીએ. પણ 'નાના' હોવામાં જે 'અજ્ઞાનતા'નું સુખ હતું એ હવે ક્યાં? હવે એ વાહનોની પછવાડે કામ કરતા શ્રમિકો દેખાય. માથે તગારાં ઊંચકીને જતી બહેનો, એમનાં છોકરાં ત્યાં જ રમતાં હોય! સુરક્ષા, સ્વચ્છતા, કાળજી, વાત્સલ્ય, શ્રમ બધું આ દૃશ્યમાં ભેળસેળ થઈ જાય.

રેલવે ટ્રેક પર ફરતું બુલડોઝર


પ્લેટફોર્મ પર ફરતું ટ્રેક્ટર

કોઈ નવા સ્થળે જવાનું થાય ત્યારે પણ આ જ કુતૂહલભાવ રહે છે, પણ હવે એની સાથે વાસ્તવિકતા વિશે પણ વિચાર આવી જાય. એને જ કદાચ ‘મોટા થવું’ કહ્યું હશે!