Saturday, February 29, 2020

કવિતાબવિતા

 ટ્રોલ આયા મેરી વૉલ કે દ્વારે 

ટ્રોલ આયા મેરી વૉલ કે દ્વારે,
ટ્રોલિંગ કી ખનકાર લિયે, (2)
આંખ ભી જાને, દિલ ભી જાને, સુરતિયા હી ઐસી,
દયા ભી આયે, હંસી ભી આયે, મુરતિયા યે કૈસી,
પાગલ યે કૈસા ડૂબેગા, સપનો કા સંસાર લિયે....ટ્રોલ આયા મેરી વૉલ કે દ્વારે....
ઈક પલ સોચૂં કોઈ શાણા, રૂપ બદલકર આયા,
દૂજે પલ ફિર ધ્યાન યે આયે, હૈ યે પુરાની 'માયા',
જો મેરી વૉલ પે દૌડ આઈ, અપના 'અંધા' પ્યાર લિયે....ટ્રોલ આયા મેરી વૉલ કે દ્વારે....

(રાજિન્દર કૃષ્ણ લિખીત, મદનમોહન દ્વારા સંગીતબદ્ધ, મન્નાડેના સ્વરમાં ગવાયેલા 'દેખ કબીરા રોયા'ના ગીત 'કૌન આયા મેરે મન કે દ્વારે' પર આધારિત, લખ્યા તારીખ: 29-2-2020)

Wednesday, February 19, 2020

કવિતાબવિતા


ભીંત બાબતે વાત કરતાં લોકો ભીંત ભૂલે છે
તહાં ભીંત તૂટી પડી ને ચોર દબાયા ચાર તોય તકલીફ
નીમાયું એનું શીઘ્ર તપાસપંચ,
તપાસનો રેલો પહોંચ્યો કડિયાથી છેક 'પાતળે અંગ મુલ્લા' સુધી,
પણ ન્યાય એટલે ન્યાય એ ન્યાયે,
શોધવા ગયા કોઈ 'જાડો નર',
'હું ચઢું', 'હું ચઢું'ની મીઠી તકરારમાં
'ચઢીએ અમો' કહીને હોંશે હોંશે ચડ્યો ભૂપ શૂળીએ.
બીજી ભીંત કહેતાં દીવાલ એટલે કે 'દીવાર'ની કથા જુઓ,
'મેરા બાપ ચોર હૈ'થી શરૂ થયેલી વ્યથાની કથા,
પહોંચે છે 'ભાઈ, તુમ સાઈન કરોગે યા નહીં' સુધી,
ગાડી, બંગલા, મોટરની સામે ઝૂકે છે પલ્લું માના હોવાનું અને,
રચાય છે 'મેરે પાસ માં હૈ'નો યાદગાર સંવાદ,
મા બને છે દિવાલ, જેની બેય બાજુ છે બે ભાઈઓ,
કારકિર્દી એમની અલગ, બલ્કે વિરોધી,
'આજ બહોત ખુશ તો હોંગે તુમ' સાંભળીને પ્રેક્ષકો પાડે છે તાળીઓ.
ત્રીજી દિવાલ એવી છે જે તૂટતી નથી,
ન ડંડાથી, ન ધોકાથી કે ન ડાઈનામાઈટથી,
ના, એ ચીનની દિવાલ નથી, મારા ચીનના શાહુકાર,
જાવેદકાકાએ લખેલું કે દિવાર જો હમ દોનોં મેં હૈ આજ ગિરા દે,
એમનું લખેલું બોલે છે બચ્ચનકાકા,
પણ કરવા જાય છે બિચારા બમનશા,
છેલ્લે ખબર પડે છે કે આ દિવાલ અમુકતમુક સિમેન્ટની છે,
એ તૂટે નહીં કદી, તૂટવાની પણ નથી, આથી
નિ:સાસો નાખીને પૂછે છે, 'ભૈયા, યે દિવાર તૂટતી ક્યૂં નહીં હૈ?'
અને પશ્ચાદભૂનો અવાજ જણાવે છે, 'તૂટેગી કૈસે?'
હવે તમે જ કહો, કે અમદાવાદની આ ભીંતને નથી કાન,
છતાં લોકો કરતા રહે ભીંતભડાકા,
ભલે હોય એમની તાવડીમાં તડાકા,
મારતા રહે ભીંતમાં લાત,
અને આ ભીંતને અમથા ચડાવતા રહે ભીંતે,
પણ તમે જ વિચારો,
એ તૂટીને પડવાની છે ?
અને એની નીચે કોઈ ચોર દબાવાનો છે?
ત્યાં ઉભું રહીને કોઈ પૂછવાનું છે કે તુમ્હારે પાસ ક્યા હૈ?
લાકડાના બેટથી કોઈ એને તોડવા જવાનું છે?
અને એ ન તૂટવાની ફરિયાદ નોંધાવવાનું છે?
બહુ બહુ તો એની પર ચીતરાશે ચશ્માવાળા ગાંધી,
જે બોલતા કંઈ નથી, મૂછમાં મલકાયા કરે છે,
બસ તો, ગાંધીબાપો મલકાતો રહે એટલે બહુ!
એ દુ:ખી થાય એ ચલાવી ન લેવાય.

(લખ્યા તારીખ: 19-2-2020, સંદર્ભ: અમેરિકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત) 

Tuesday, February 18, 2020

કવિતાબવિતા


 જૂઠનું જોર 

આપણા જૂઠનું કેટલું જોર ?
ભક્ત રે, આપણા જૂઠનું કેટલું જોર ?
નાની એવી સાચક વાતનો મચવીએ નહિ શોર !
જૂઠનું વાહન કોણ બની રહે?
નહી ‘બલૂન’નું કામ, આપણ તો બડભાગી,
જૂઠાણાનું આજ ગવાય રે ગાન;
છૂટક સાચની શાલ પે સોહે જૂઠધનુષની કોર.
ભક્ત રે, આપણા જૂઠનું કેટલું જોર ?
જૂઠભરી ચેનલ સાગર પેખે,
સાચ લાગે છે ‘ફૂલ’, કોકડું છે કયા કિસમનું,
એનું જાડું વણાય ગૂંચળું;
નિબિડ જૂઠના કાજળથી ઢાંકી રાખશું અરુણ ભોર.
ભક્ત રે, આપણા જૂઠનું કેટલું જોર ?
આપણે ના કંઈ ડ્રન્ક,
ભર્યોભર્યો ધિક્કાર કોશ અપાર;
આવવા દો જેને આવવું આપણે, પહોંચી વળશું નિરધાર;
મતમાં છો મળે લાગ, ઠાંસી છે નફરત અમે ઘનઘોર.
ભક્ત રે, આપણા જૂઠનું કેટલું જોર ?
(કવિ રાજેન્દ્ર શાહને સળ્યાંજલિ, લખ્યા તારીખ: 18-2-2020)

Friday, February 14, 2020

કવિતાબવિતા

 દિવાલ દિવાલમાં ફરક હોય છે, ભઈલા!

અજાયબી ગણાય, જો બને આક્રમણને ખાળવા,
વિકાસ ગણાય, જો ચણાય ગરીબોને ટાળવા,
દિવાલ ભલે બનાવાય પાકી,
ઈરાદાઓને કદી ન શકાય ઢાંકી,
નજરે પડવાં ન જોઈએ આ ઝૂંપડાં એટલે કે કાચાં મકાનો,
પામવાનો બુદ્ધત્વ નક્કી ભત્રીજો સામકાકાનો,
એને બદલે કરીએ એમ, બોલાવીએ સરકસના તંબૂવાળાને,
શહેર આખાને ઢાંકે તંબૂથી,
આગળથી, પાછળથી, નીચેથી, ઉપરથી
ઝગમગાવે રોશનીથી,
અંદર પાડીશું પછી ખેલ જાતજાતના,
મોતના ગોળામાં દેખાડીશું ગાંધી આશ્રમ,
ઝૂલાના ખેલ રિવર તણા ફ્રન્ટ પર,
દોરડા પર વાંસડા સાથે ચાલતો નટ એ નાગરિક,
ને એક પૈડાવાળી સાયકલ ચલાવતો જોકર એ....
જવા દો! શું કામ પાડવું નામ કોઈનું?
શું કામ બગાડવું કામ કોઈનું?
મહેમાન મોંઘેરા અમ આંગણે ક્યાંથી?
'કેમ છો?' પૂછીને ધરીશું છાશ,
નજરમાં રાખીને કશીક આશ,
શેની આશ? એ વિષય રાખીએ શ્રદ્ધાનો.
પુરાવાની તો વાત જ કરતા નહીં.


(લખ્યા તારીખ: 14-2-2020, સંદર્ભ: અમેરિકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત)

Friday, February 7, 2020

કવિતાબવિતા


બદલો ‘હાઉડી’નો લઈશું ‘કેમ છો’ તણા નાદથી,
સ્વાગત વેળા ડરાવીશું તમને મોટ્ટા ટોળાના સાદથી,
ઝૂલજો હીંચકે, ઝાપટજો થેપલાં ને ખાખરા ને ચટણી,
મળી જાય કોઈ કવિ તો, કરજો અભિવાદન દાદથી,
અડાડજો આંખે ગૌપુચ્છને, ગણી માતાતુલ્ય એને,
નીકળો પગ છૂટો કરવા તો બચજો ગૌ-લાદથી,
સ્વર્ગનેય ભૂલાવીશું મહેમાન’ગીરી’થી અમારી
ઘાયલ અમો હજી છીએ વીઝા ન આપ્યાની યાદથી,
તમે રહી જાવ અહીં કે એ ચાલ્યા જાય તહીં,
ચહેરાથી નહીં, ઓળખ છે તમારી નાદથી.


(લખ્યા તારીખ: 7-2-2020, સંદર્ભ: અમેરિકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત)