Wednesday, December 4, 2019

એક અનોખો અભિવાદન સમારંભ

 માતૃભૂમિના રક્ષણ કાજે સૈન્યમાં જોડાવાનું નસીબ હર કોઈને પ્રાપ્ત થતું નથી. સૈન્યમાં જોડાઈને, પૂરેપૂરી અવધિ સુધી સેવા બજાવીને સેવાનિવૃત્ત થનારા વીરલાઓને આથી જ સમાજ બહુ આદરભરી નજરે જુએ છે.

અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ વર્ષ લગી સૈન્યમાં રહીને માતૃભૂમિના રક્ષણની ફરજ અદા કર્યા પછી સૂબેદાર દિનેશકુમાર સલાટની સેવાની અવધિ 30 નવેમ્બર, 2019ના રોજ સમાપ્ત થતી હતી. 1 ડિસેમ્બર, 2019થી તેઓ સમાજજીવનમાં પ્રવેશી રહ્યા હતા એ નિમિત્તે તેમના પરિવારજનોએ એક અભિવાદન સમારંભનું આયોજન કર્યું હતું. વડોદરા વિમાનીમથકે તેમને આવકારવા માટે સહુ પરિવારજનો વહેલી સવારે પહોંચી ગયા એ તો જાણે કે તેમના પરિવારજનોની અંગત ક્ષણો હતી, પણ બહુ ઝડપથી તેમાં સમાજના અન્ય અગ્રણીઓ જોડાતા ગયા. 

વડોદરા હવાઈમથકે આગમન અને સ્વાગત

સાસરાના ગામ રણજિતનગરમાં સ્વાગત

મુખ્ય કાર્યક્રમ દેવગઢ બારિયા નજીક આવેલા ‘વાટિકા ગ્રીન રિસોર્ટ’ ખાતે હતો. રસ્તામાં અનેક સ્થળે દિનેશકુમારનું અભિવાદન કરવા માટે લોકો તત્પર હતા. તેમને ખુલ્લી કારમાં બેસાડીને સૌ સરઘસાકારે ચાલતા હતા. પરિવારની મહિલાઓ-પુરુષો ખાસ આ પ્રસંગે તૈયાર કરવામાં આવેલી ટીમલી પર હરખભેર નૃત્ય કરી રહ્યા હતા.

ખુલ્લી કારમાં સરઘસાકારે કાર્યક્રમસ્થળ તરફ પ્રસ્થાન

દેવગઢ બારીયાના બામરોલી મુવાડા ગામનો વતની આ સલાટ પરિવાર સમાજમાં ઉદાહરણરૂપ બની રહ્યો છે. પિતા વીરસીંગભાઈ અને માતા રેશમબેનનાં કુલ નવ સંતાનો પૈકી છ દીકરાઓ છે. આ છમાંનાં પાંચ દીકરાઓ સૈન્યમાં પૂરેપૂરા સમયની સેવા બજાવીને નિવૃત્ત થયા છે, જેમાં દિનેશકુમારનો ક્રમ સૌથી છેલ્લો છે.

આ કાર્યક્રમમાં દાહોદ, પંચમહાલ તથા લુણાવાડાના નિવૃત્ત સૈન્ય અફસરો ઉપસ્થિત રહ્યા હતા. દિનેશકુમારનાં શિક્ષિકા લીલાબહેન પણ ખાસ હાજર રહ્યા હતા. સલાટ સમાજના અગ્રણીઓએ પણ સમારંભની શોભા વધારી હતી, તો દેવગઢ બારીયા મતવિસ્તારના ધારાસભ્ય બચુભાઈ ખાબડ ખાસ આગ્રહ રાખીને ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પ્રસંગોચિત વક્તવ્ય અને દિનેશકુમારનું અભિવાદન કર્યું હતું. ખાસ આ પ્રસંગને અનુલક્ષીને વડોદરાસ્થિત ચરિત્રકાર બીરેન કોઠારીએ તૈયાર કરેલી દિનેશકુમારની જીવનસફરનો આછેરો અંદાજ આપતી પુસ્તિકા ‘ઈજ્જત વતન કી ઈનસે હૈં’નું પણ વિમોચન અહીં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે દિનેશકુમારે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને સહુ કોઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં સમાજને ઉપયોગી બની રહેવાની ઈચ્છા દર્શાવી હતી. આ રીતે આખો કાર્યક્રમ કેવળ પારિવારિક ન રહેતાં સહુ કોઈનો બની રહ્યો હતો.

'ઈજ્જત વતન કી ઈન સે હૈં..' પુસ્તિકાનું વિમોચન

કાર્યક્રમમાં ઉપસ્થિત મિત્રો-સ્વજનો-સમાજના અગ્રણીઓ

સૌથી મજાની વાત એ હતી કે આ આખો કાર્યક્રમ દિનેશકુમાર માટે 'સરપ્રાઈઝ' સમાન હતો. ન તો તેમને આ કાર્યક્રમ અને તેમાં ઉપસ્થિત રહેનાર સ્વજનો વિષે જાણ હતી કે ન પુસ્તિકા તૈયાર થઈ હોવા વિશે જાણ હતી. આખું આયોજન તેમના પુત્ર અનિલ સલાટ અને તેમના ભત્રીજાઓએ સુપેરે પાર પાડ્યું હતું.
રાષ્ટ્રગીત વડે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

No comments:

Post a Comment